તરસ્યા મલકનો મેઘ
મણીલાલ હ.પટેલની કલમે રચાયેલ ‘સોનાના વૃક્ષો’ નિબંધ વાંચ્યો ત્યારે પ્રકૃતિને પામ્યાનો અહેસાસ કરી રહ્યો હતો. મહુંડાના ઝાડને લેખકે સોનાના વૃક્ષ સાથે સરખાવી મહુડાની સૌંદર્યતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું છે એમ જરુર કહી શકાય. સાથે જ વિજયનગર અને તેની આસપાસના પ્રાકૃતિક પરિવેશને મણીલાલે અદભૂત રીતે પ્રસ્થાપિત કર્યાનું જોઇ શકાય છે. આ સિવાય પણ નિબંધ ક્ષેત્રે લેખકની કલમ સતત વિસ્તરતી રહી. જેનો સીધો લાભ ગુજરાતી સાહિત્યના ભાવકગણને થયો છે. આજે પણ મણીલાલ હ.પટેલને સાંભળવા એટલે એક લ્હાવો જ ! અહીં મણીલાલ હ.પટેલ રચિત વિવિધ રેખાચિત્રો પૈકી પન્નાલાલ પટેલના જીવનને પામવાનો અવસર પાપ્ત થયો છે. જેનો ગર્વ સહ આનંદ છે. સાથે જ મણીલાલ.હ.પટેલની કલમે પન્નાલાલનું જીવન મઢાયું હોય ત્યારે એક નવો જ રોમાંચ થાય, એમાં કોઇ શક નથી.
‘તરસ્યા મલકનો મેઘ’ શીર્ષક જ કેટલું આકર્ષક છે. આ એ જ મલક છે જે સાહિત્યમાં પન્નાલાલ પટેલ સુવ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત કરી શક્યા છે. આ એ જ મલક છે જે છપ્પનિયા દુકાળનો સાક્ષી છે. જેને આપણે ‘માનવીની ભવાઇ’માં પામી શક્યા છીએ. આ એ જ મલક છે જેનું ભારોભાર વર્ણન પન્નાલાલના સર્જનમાં જોઇ શકાય છે. ‘તરસ્યા મલકનો મેઘ’ને ધીરુભાઇ ઠાકર ‘નવલકથાનો આસ્વાદ કરાવતી જીવનકથા’ કહી નવાજે છે. તેમના શબ્દોમાં કહું તો “પન્નાલાલની આ જીવનકથા એક રીતે વખાના માર્યા મનેખની વીતકકથા છે. તો બીજી રીતે જીવનનો ભરપૂર રસ માણનાર મોજીલા માણસની અસાધારણ અનુભવકથા જણાય છે”[૧] તેવીસ નાનાં પ્રકરણ/વિભાગોમાં વહેંચાયેલ પ્રસ્તુત પુસ્તક પન્નાલાલ પટેલના જન્મથી માંડીને જીવન પર્યંત સુધીની ઝાંખી કરાવે છે. પ્રથમ પ્રકરણમાં લેખકે પન્નાલાલ પટેલના વતન માંડલી અને તેની આસપાસની વનરાજીને વર્ણવી છે. નાનકડું અને વગડાના ખોળે બેઠેલું માંડલી ગામ સાહિત્ય ક્ષેત્રે દેશમાં નામના પ્રાપ્ત કરશે એ તો ક્યારેય કોઇએ કલ્પના પણ નહિં કરી હોય !
પન્નાલાલ પટેલના જન્મ અને તેમના પરિવારની ઝાંખી પ્રસ્તુત પુસ્તકના બીજા પ્રકરણમાં મળે છે. ત્રીજા પ્રકરણમાં મણીલાલ દ્વારા માંડલી અને તેની આસપાસના ગામોનું શહેરો સાથેની લેવડ-દેવડ માટે વણજારાઓની પોઠોનો જે ઉપયોગ થતો તેનું ચિત્રણ કરવમાં આવ્યું છે. સરકાર દ્વારા આ વણજારાઓ પાસે ઊંટ-ઘોડા-ગધેડાં પર સામાનની હેરાફેરી કરાવતા. માંડલી તેનું સાક્ષી બનતું. પન્નાલાલ માટે આ સર્વ પ્રસંગો સાહિત્ય સર્જનમાં પાછળથી પોષક બને છે. ગામની સીમમાંથી પસાર થતી જાનોનું આબેહૂબ વર્ણનની સાથેસાથે ગવાતાં લગ્નગીતો તેમજ ત્યાંની પ્રજા દ્વારા ગવાતાં લોકગીતો પન્નાલાલના સર્જનમાં અનુભવાયા વિના રહેતાં નથી. જેમાંથી કેટલાંક ગીતો સંચય કરીને મણીલાલ દ્વારા ઘણી જગ્યાએ ટાંકવામાં આવ્યાં છે, જેમકે:
“ગાડી ગાડીનો ઘડનારો રે રામા રાઠોડ
ગાડી ગાડીનો હાંકનારો રે રામા રાઠોડ
ગાડી દરવાજે અચકાણી રે રામા રાઠોડ
ગાડી સડપ દઈને ચાલી રે રામા રાઠોડ” (પૃ.૧૧)
ચોથા અને પાંચમા પ્રકરણમાં પન્નાલાલનું મેઘરજ રામજી મંદિરમાં નિવાસ અને જીવન ઘડતરના કાર્યોનું વર્ણન થયું છે. છઠ્ઠા પ્રકરણમાં રેવાનું વર્ણન છે. આ રેવા આમતો પન્નાલાલની સાળી થતી હતી. પણ રેવા સાથેનો પન્નાલાલનો નાતો આત્મિયતાનો હતો. સાતમા પ્રકરણમાં પન્નાલાલની નજર સમક્ષ મંદિરમાં જ મોડી રાતે બાવજીનું બીબીને ભોગવવું જેવી ઘટનાનું વર્ણન જોઇ શકાય છે. મંદિરમાં જ શારીરિક સબંધ બાંધી બાવજીએ મંદિરની પવિત્રતાને ભ્રષ્ટ કર્યાનું પન્નાલાલ અનુભવી રહે છે. એ સમયગાળામાં ઇડર સ્ટેટના રાજકુમારનો મેઘરજના આંબાવાડિયામાં મુકામ હતો. સૌને આદેશ અપાયેલા કે રાજકુમારને રાજી કરવા ગીત-સંગીતનો જલસો ગોઠવવો. આ પ્રસંગ પન્નાલાલના જીવનમાં ચાર ચાંદ લગાવવા જઈ રહ્યો હતો. રાજકુમારની મેજબાનીમાં પન્નાલાલને ગીત ગાવાનું કામ સોંપાય છે. પન્નાલાલ અદભૂત ગાય છે. પન્નાલાલના કંઠે ગવાયેલ મોહક ગીતના શબ્દો અહીં નોંધવા જ રહ્યા:
“બંસીવાલે આજો મોરે દેશ !
આવન જાવન કે’ ગયો રી...
કર ગયો કોલ અને...ક !
ગિનતાં ગિનતાં...ઘીસ ગઈ
મોરી ઉંગલિયાં રી... રે..ખ
બંસીવાલે આજો મોરે દેશ ! ” (પૃ.૪૪)
“ઇસ ટાબરકો પઢાઇ કે લિયે ઇડર બોર્ડિંગ મેં રાજ તરફ સે ભેજ્યો જાય...”(પૃ.૪૪) કુંવરનો આ આદેશ પન્નાલાલના જીવનમાં સોનાનો સૂરજ લઈને આવે છે. એમ કહીએ તો ખોટું નથી.
મણીલાલ.હ.પટેલ નોંધે છે કે ઇડરની બોર્ડીંગમાં પન્નાલાલને એવા મિત્રો મળે છે જે પન્નાલાલની સુશૂપ્ત શક્તિઓને ઓળખી શકે છે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ-જ્ઞાનપીઠ ઉમાશંકર જોશી તથા તેમના ભાઇ રામચંદ્રજોશી જેવા મિત્રોનું પ્રોત્સાહન જ પન્નાલાલને પૂરક પૂરવાર થાય છે. પ્રેમની પરિભાષા સંદર્ભે પન્નાલાલ-ઉમાશંકરના સંવાદના કેટલાક અંશ લેખક બારમા પ્રકરણમાં નોંધે છે. જુઓ : “...તો ય ઉમાશંકરે તો ઉમેરેલું જ કે – ‘પ્રેમ તો ગહન વસ્તુ છે.’ પન્નાલાલને તો પ્રેમ જ વંચાતો હતો, બલકે છાતીમાં ડૂમાની જેમ બાઝેલો હતો”(પૃ.૬૫/૬૬) અહીં મેઘરજના બાવજીના ભોગવિલાસની લાલસાની ઘટના જોવા મળે આવે છે. ‘સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું’નો ઉભો થયેલો ઘાટ મણીલાલ પટેલની કલમે ચિત્રાત્મક રીતે આલેખાયો છે.
લેખક કલમે વર્ણવાયેલ પન્નાલાલ પટેલના અનુભવ પ્રસંગો અને માંડલીનો પરિવેશ વાચકની નજર સમક્ષ ખડો થાય છે એમ કહું તો ખોટું નથી. લેખકે પ્રસંગોને અનુરૂપ ભાષાપ્રયોગ થકી ઘટનાઓને જીવંત બનાવી શક્યા છે એમ ગૌરવભેર કહી શકાય. એટલે જ તો ધીરુભાઇ ઠાકર ઉચિત જ નોંધે છે કે – “ચિત્રાત્મક વર્ણનો, અસ્ખલિત વસ્તુકથન અને જીવંત પાત્રાનુસારી સંવાદો જીવનકથામાં નવલકથાનો રસ પૂરે છે. એટલે આ ચરિત્રકથા વાંચતાં પન્નાલાલની જ કોઇ નવલકથા વાંચતા હોઇએ એવો અહેસાસ થાય છે.”[૨]
તેરમું પ્રકરણ સમગ્ર પુસ્તકમાં મારા મતે મહત્વનું અને ધ્યાનાર્હ પ્રકરણ બની રહે છે. અહીં પન્નાલાલ સાથે ઘટેલ અકસ્માત અને તેના પરિણામ સ્વરૂપે તેમને આવતી શારીરિક ખોડ અને કિશોરવયના પન્નાલાલની સહનશક્તિનો પરિચય કરાવે છે. ઢીંચણમાં વાગેલી તલવારની ‘શીંગડી’(એક પ્રકારની શસ્ત્ર ક્રિયા) મૂકાવવાની તૈયારી દર્શાવે છે. આ શસ્ત્રક્રિયા ખૂબ જ પીડાદાયી હોવાછતાં પન્નાલાલ તે કરાવે છે. ચૌદમા પ્રકરણમાં લેખક પન્નાલાલના ઈડર બોર્ડિંગ જીવનના પ્રસંગોને નોધે છે. લેખક નોંધે છે તેમ બાવજીનું માંડલીમાં વિધવા બાઇના ઘેર સ્થાયી થવું ગામલોકોને કઠતું હતું. એટલે જ એક દિવસ એવો આવ્યો કે બાવજીને મંડલી છોડીને નિકળી જવું પડ્યું. ગામલોકોની પન્નાલાલને લઈને ચિંતા હતી કે બાવજી નક્કી પન્નાલાલને વશમાં કરી દગો કરશે. પણ પન્નાલાલને બાવજી પર શ્રદ્ધા હતી એના કરતાં પોતાની જાત પર વધું શ્રદ્ધા હતી. એટલે જ તો બાવજીના નવા ઠેકાણે જવામાં પણ કિશોર પનાલાલ ડર રાખતો નથી. લેખક સોળમા પ્રકરણમાં નોંધે છે તેમ પન્નાલાલ માંડલી રહી વાત્રકનદીને કાંઠે ન્હાવા જતા, હરવું ફરવું ને પ્રકૃતિને પામવાનો આ સોનેરી સમય પન્નાલાલ માણી રહ્યા હતા. પૃ.૧૦૪ પર મણીલાલ પટેલ નોંધે છે તેમ “‘વળામણા’ની ઝમકુંને બાવજી પાસે બે દંન સંતાડી હતી” પન્નાલાલના સાહિત્યમાં અમર થયેલા પાત્રો કોઇને કોઇ રીતે પન્નાલાલના જીવન સાથે વણાયેલા હતા, જેને મણીલાલ પટેલ ભાવક સુધી લઈ જવામાં સફળ થયાનું સ્પષ્ટ અનુભવાય છે.
સત્તરમા પ્રકરણમાં લેખકે પન્નાલાલના બોરી અને ત્યારબાદ સાગવાડાના મુકામની વાત કરી છે. સાગવાડા નિવાસ દરમિયાન પન્નાલાલને થયેલ નાના-મોટાં અનુભવો લેખકે અઢારમા પ્રકરણમાં નોંધ્યા છે. જેમાં, નવા મિત્ર રઘુનાથનું આગમન પન્નાલાલને ઇડર બોર્ડિંગના રઘુનાથની યાદ અપાવે છે. તો વળી, ધુળજી નામના તુમાખી નોકરને પન્નાલાલ અઠવાડિયામાં જ છુટો કરી દે છે. નાથી નામની બાઇ લાકડાં લઈને આવતી ને પન્નાલાલને નિરખ્યા કરતી-જેને પન્નાલાલે સાગવાડા છોડતાં પહેલાં લાગણીવશ રામચંદ સાથે થોડાં પૈસા મોકલેલા. સાથે જ સહકર્મી ચેતનલાલની બહેન ઝમકું અને પન્નાલાલ એકમેકથી આકર્ષાય છે. (આ ઝમકુંના પાત્રને પન્નાલાલે ‘વળામણા’માં અમર કર્યાનું લેખક પૃ.૧૩૩ પર નોંધે છે.) આવા કેટલાક પ્રસંગો પ્રસ્તુત પ્રકરણમાં ધ્યાન ખેંચે છે. લેખક અહીં પન્નાલાલે પોતાના જીવનમાં કરેલ એક વાર ચોરીનો પ્રસંગ નોંધે છે. ત્રીજા ધોરણમાં ઇડરની બોર્ડીંગ સ્કુલમાં ભણતા પન્નાલાલે એક મિત્રની પેટીનું તાળું તોડી તેમાંથી ત્રણ રૂપિયા ચોરેલા. આ પ્રસંગથી પન્નાલાલ પાછળથી પ્રાયશ્ચિત્ત અનુભવે છે. શંકર ભગવાનના મંદિરે જઈને માફી માંગતા પન્નાલાલમાં ગાંધીજીના દર્શન થયા વિના રહેતા નથી. જેનો ઉલ્લેખ પ્રસ્તુત પ્રકરણમાં (પૃ.૧૨૩) મળે છે.
સર્જક નોંધે છે કે લગ્ન નિમિત્તે પન્નાલાલને પંદર-વીસ દિવસની રજા લઈ માંડલી જવાનું થયું. પન્નાલાલના લગ્નને લેખક અદભૂત રીતે આલેખે છે. હાસ્તો ! પન્નાલાલ એટલે ગુજરાતી સાહિત્યનું મોંઘેરું ઘરેણું. ઓગણીસમા પ્રકરણના મધ્યમાં લેખક નોંધે છે કે – પન્નાલાલની જાન નીકળે છે, સાથે જ ગામલોકો પણ હિલ્લોળે ચડે છે. વીસમું પ્રકરણ પન્નાલાલના અમદાવાદના અનુભવોને કંડારે છે. સારા-નરસાં અનુભવોમાંથી પન્નાલાલનું ઘડતર થાય છે. લેખક જણાવે છે તેમ પન્નાલાલને “કોઇ વેશ્યાબાઇનો સંપર્ક થયેલો ને એના મોહમાંય એકબે વાર ફસાયા. ચાર પૈસા બચાવેલા તે એમાં વપરાયા.”(પૃ.૧૩૫)
એકવીસ અને બાવીસમા પ્રકરણમાં લેખક પન્નાલાલના સૂર્યોદયને નોંધે છે એમ કહીએ તો યોગ્ય લેખાશે. લેખક બની રહેલા પન્નાલાલના જીવનના આ સમયમાં ઉમાશંકર જોશી અને સુંદરમ્ જેવા મિત્રો પથદર્શક બની ને ઉભરી આવે છે. સાહિત્ય પરિષદની એક સભામાં મુંબઈથી ઉમાશંકર જોશી આવે છે. લેખકે ઉમાશંકર અને પન્નાલાલના સંવાદને ઔચિત્યપૂર્ણ નોંધ્યો છે. જુઓ:
‘પન્નાલાલ ! તમે ય લખો...જરુર લખાશે’
‘હું શું લખું વળી ? ને લખીને કોને બતાવું ? તમે તો મુંબઈમાં બેઠા છો... તે અહીં...’
‘આ રહ્યા સુંદરમ્ ! વિદ્યાપીઠમાં છે ને મણીનનગરમાં રહે છે. લખીને એમને બતાવજો... એ તમને બધું બતાવશે’(પૃ.૧૪૬)
સુંદરમ્ ના પ્રોત્સાહને પન્નાલાલ ‘’શેઠની શારદા’ વાર્તા લખે છે. પન્નાલાલની પહેલી જ વાર્તા ‘શેઠની શારદા’ વાંચી સુંદરમ્ રાજી-રાજી થાઇ છે. ત્યારબાદ તો પન્નાલાલની કલમ અવિરતપણે વહ્યા કરે છે. ‘મળેલા જીવ’ જેવી અનમોલ કૃતિ જ્યારે સાહિત્યજતને મળે છે ત્યારે મા-બાપને અંજલિ આપી આ પુસ્તકની પ્રસ્તાવનામાં જ પન્નાલાલ નોંધે છે કે-
“માથાની તૂંબડીમાં લાખ લાખ મોતી,
લ્યા હૈયાની કોથળી ખાલી,
અભાગિયા ! હૈયાની ચેંથરી ઠાલી !”(પૃ.૧૫૩)
બાવીસમા પ્રકરણમાં પન્નાલાલની કલમ થકી ગુજરાતી સાહિત્યને મળેલ મોંઘેરું સાહિત્ય અને સાહિત્ય ક્ષેત્રે આવતા કેટલાક ચઢાવ-ઉતારની નોંધ કરી છે. આ સમયમાં તેમના પરિવારમાં પણ નવા મહેમાનનું આગમન થાય છે. તેઓ એક પુત્રના પિતા બને છે. પન્નાલાલ શ્રીઅરવિંદના વિચારોને એવા વળગેલા હતા કે પોતાના પુત્રનું નામ પણ અરવિંદ રાખેલું. અંતિમ તેવીસમા પ્રકરણમાં લેખક પન્નાલાલના પાંડીચેરીગમન અને ત્યાર બાદ અમદાવાદ સ્થાયી થવાની ઘટનાઓને નોંધે છે. તેઓને ૧૯૮૫માં ભારતીય જ્ઞાનપીઠ (૨૧મો) પ્રાપ્ત થાય છે. તેમને એ સિવાય પણ અનેક એવોર્ડ-સંસ્થાઓ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. આવી વિરલ વિભૂતિ ૦૬/૦૪/૧૯૮૯ના રોજ ફાની દુનિયાને અલવિદા કહી જાય છે. કરુણતામાં જીવ્યા ને કરુણકથાઓ સાહિત્યને અર્પી પન્નાલાલ ગુજરાતી સાહિત્યને નવી દિશા આપી શક્યા છે એમ કહી શકાય. ‘તરસ્યા મલકનો મેઘ’ ભાવકને પન્નાલાલના જીવનમાં સશક્ત પ્રવેશ કરાવે છે એમ નોંધવું જ રહ્યું. આમ, ‘તરસ્યા મલકનો મેઘ’ દરેક વાચકની મન:સ્મૃતિ પર કાયમ અંકિત રહેશે એમ કહેવું યોગ્ય લેખાશે.
પાદટીપ:-