પ્રહલાદ પારેખની કવિતા : ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’
‘‘મેહુલો ગાજે ને વીરા, આવે તારી યાદ
નીતરે નેવાં તે જાણે વરસે પ્રહલાદ’’ -બાલમુકુન્દ દવે
ગાંધીયુગના આરંભમાં જન્મેલાં અને અનુગાંધીયુગમાં પોતાની કવિત્વ શક્તિથી નોખા તરી આવેલા પ્રહલાદ પારેખને અંજલિ આપતાં બાલમુકુન્દ દવેએ પ્રયોજેલાં ઉપયુક્ત શબ્દો એમની કવિતાને જોતા યથાર્થ અને યોગ્ય છે.
પ્રહલાદ જેઠાલાલ પારેખનો જન્મ ૧૨ ઓક્ટોમ્બર ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. એમની જન્મ તારીખ વિશે મતમતાંતરો છે, પરંતુ અહીં ગુજરાતી સાહિત્યના પરિષદના ઇતિહાસમાં આપેલી તારીખને આધારભૂત ગણી છે. એમના જન્મની વિગતોની જેમ,એમના જીવન ઘડતર વિશે પણ ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. આવા અંતર્મુખી કવિ પ્રહલાદ પારેખના ઘડતરમાં નાનાભાઈ ભટ્ટ, ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરના વિચારોનો ફાળો સવિશેષ રહ્યો છે.
પ્રહલાદ પારેખ પાસેથી બે કાવ્યસંગ્રહો મળે છે. એમનો પહેલો કાવ્યસંગ્રહ ઇ.સ. ૧૯૪૦માં ‘બારી બહાર’ અને બીજો ઇ.સ. ૧૯૪૮માં ‘સરવાણી’ (ગીતસંગ્રહ) નામે પ્રાપ્ત થાય છે. આ બંને સંગ્રહોની સંવર્ધિત આવૃત્તિઓમાંથી ૧૩૯ કાવ્યો મળે છે. કવિ વિનોદ જોશીએ આ રચનાઓમાંથી એમની સર્જકતાને સર્વાશ્ર્લેષી તપાસવા માટે, એમની કવિત્વ શક્તિનો આલેખ આપવા માટે અને સુજ્ઞ ભાવકને એમની સર્જકતાનું પરિમાણ દર્શાવવા માટે ‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો’ (પ્રહલાદ પારેખના કાવ્યો) નામે ૩૭ કાવ્યોનો સંપાદિત સંગ્રહ આપ્યો છે. આ કાવ્યોને આધારે તેઓ કહે છે કે,- ‘‘સમકાલીન કાવ્યપ્રણાલિએ સ્થિર કરેલી કેટલીક રૂઠ પરંપરાઓનો ખપ પૂરતો લાભ લઈ આ કવિ પોતાની રીતે ફંટાયા છે. ને એમ પ્રવાહપતીત બની જવામાંથી ઊગરી શક્યા છે.’’ (‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’- વિનોદ જોશી, પૃ.-૧૨) એમની કવિતાઓનો અભ્યાસ કરનારને કવિનો આ મત સર્વથા સાર્થક લાગશે.
પ્રહલાદ પારેખની કવિતા કાવ્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. માનવહૃદયના સૂક્ષ્મ-સંકુલ ભાવસ્પંદનો જ એમની કવિતાનો મુખ્ય કવન વિષય છે. કવિને બાહ્ય જગતના કોલાહલ અને સંઘર્ષને બદલે માનવીના નાનકડા હૃદયના ધબકારામાં જ રસ છે. તેથી માનવીનું હૃદય, એની વિવિધ ભાવરમણા કવિના કાવ્યોમાં ધબકે છે. આ ઉપરાંત એમણે પ્રકૃતિ અને પ્રેમના ભાવોનું આલેખન કર્યું છે. એમાં સર્જકના હૃદયની કોમળતાનો અનુભવ થાય છે. કવિએ ક્યારેક લખવા ખાતર લખ્યું હોય એવું ક્યાંય લાગશે નહીં. જ્યારે તીવ્ર સંવેદન અનુભવ્યું છે. ત્યારે જ કલમ ઉઠાવી છે. એમના સર્જન મંત્ર પરથી એનો ખ્યાલ આવે છે. જુઓ,-
‘‘અગ્નિ તણો સંગ ન પામતાં સુધી
નિસ્તેજ ટાઢા જ્યમ કોલસા રહે,
શબ્દો રહે નિષ્પ્રભ તેમ જ્યાં સુધી
જ્વાલા નહીં સર્જનની પ્રજાળે.’’ (એજન. પૃ.- 31)
કવિની આ કાવ્ય વિભાવના છે. અને માટે જ એમના કાવ્યો સંખ્યાની ર્દષ્ટિએ અલ્પ હોવા છતાં ગુણવત્તાની દ્રષ્ટિએ મહત્વનાં છે.
પ્રહલાદ પારેખની કવિતાની મુખ્ય ઓળખ સૌંદર્યભિમુખતા છે. રવિન્દ્રનાથ ટાગોરના વિચારોના પ્રભાવને કારણે એમની કવિતામાં સૌંદર્ય દ્રષ્ટિ નિરૂપાય છે. એમની કવિતાનો આ ગુણ એમને પુરોગામીઓ અને સમકાલીનોમાં નોખા પાડે છે. ને નવા યુગના મંડાણ કરે છે. એમના સમકાલીનો પણ સૌંદર્ય ભાવને નિરૂપતાં થાય છે. એ ર્દષ્ટિએ પણ એમની કવિતાનું મૂલ્ય વધી જાય છે. ‘બારી બહાર’ કાવ્યની આરંભની પંક્તિમાં જ વર્ષોથી બંધ પડેલી બારીને ઉઘાડતાં દિશાઓનો સૂર કવિને સૌંદર્યનો અનુભવ કરાવે છે. જુઓ,-
‘‘વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો,
‘આવ’, ‘આવ’, દિશાઓથી સૂર એ કર્ણ આવતો’’ (એજન. પૃ.-52)
નિસર્ગનો સૂર સાંભળીને કવિ પોતાની જાતને નિસર્ગમાં ભેળવી દે છે. બારીએ ઊભા રહીને એ વાયુ, આકાશ, પુષ્પો-વૃક્ષો, ઝરણા, ધૂળ, ખેતરો-પાક, પર્વતો, બાળક, નાયિકા, સાધુ - એ સર્વેને નીરખે છે. ને એમનો આવકાર ભર્યો સાદ સાંભળે છે. કાવ્યમાં અંતે રાત્રીનું આગમન થાય છે. રાત આકાશથી સુધા ભરી પ્યાલી લઈને આવે છે. પંખી, વન, નિર્જર અને માનવીને પાઈને સઘળું ભુલાવી પોતાનામાં સમાવી લેં છે. કવિ પણ એમાંથી બાકાત રહેતા નથી.
‘‘મેં યે પીધી રજનિકરથી લેઈ ને એક પ્યાલી
અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી;
તો યે સૌનો ઉર મહીં સુણું ‘આવ’નો સાદ :
ના બારી, ના ઘર મહીં રહું, જાઉં એ સર્વ સાથ’’ (એજન. પૃ.- 54)
કવિ બારી-ઘર મૂકીને પ્રકૃતિને ખોળે નિરંતર વહે છે. ત્યાર પછી તો પ્રકૃતિના કેટકેટલાં રૂપો, અનુભવો એમની કવિતામાં ઝીલાયા છે. કવિએ અંધારાને શણગારીને રાતને સોહામણી બનાવી છે. એને વર્ણવતા કહે છે,-
‘‘ગગનને રૂપાળું કર્યું તારા મઢીને એને
ધરતીએ મેલીને દીવા,
ફૂલોએ ફોરમને આલીને એનું
અંગે અંગ મહેકાવ્યું! હો આજ.’’ (એજન. પૃ.- ૩૩)
આવી ધરતીના પગે પાણી રૂપી ઘૂઘરા ખડખડ બોલી રહ્યાં છે ને એનો હરખ સમાતો નથી. કવિએ અંધારાને શણગારી, મહેકાવી, રંગાવી ને પછી અપનાવ્યું છે. આથી એમણે અંધારા સાથે ઐક્ય સાધ્યું છે. અંધારું ડરામણું-બિહામણું લાગવાને બદલે કવિને સૌંદર્યભર્યું લાગે છે. એટલે જ કવિ ગાઈ શકે છે,-
‘‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો
આજે સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી
પમરતી પાથરી દે પથારી.’’ (એજન. પૃ.- ૩૨)
કવિએ ઇન્દ્રિયવ્યત્યય કરીને અંધારાને માણ્યો છે. અંધારાને આંખોથી જોઈ શકાય છે પણ કવિ એને સૂંઘે છે. કવિનો ઇન્દ્રિયવ્યત્યય કાવ્યમાં આગળ વધીને અંધારાના સૌંદર્યને વર્ણવે છે. ને એમનું ચિત આનંદનો એકરાર કરે છે. આમ, કાવ્યોમાં સૌંદર્યની સરળ, નાજુક સરવાણી વહે છે. જે એમની કવિતાની વિશેષતા બની રહે છે.
સૌંદર્યાભિમુખ કવિ પ્રહલાદ પારેખની કવિતાનો પ્રમુખ વિષય પ્રકૃતિપ્રેમ છે. કવિની ર્દષ્ટિએ સૌંદર્યાભિમુખ હોવાને કારણે પ્રકૃતિના વિવિધ તત્વો પ્રત્યે અનેરું આકર્ષણ છે. કવિએ પ્રકૃતિને તેના ઉચ્ચ ધોરણોથી ચાહી છે. અને એનું નિરૂપણ કવિતામાં કર્યું છે. આથી એમના પ્રકૃતિ કાવ્યો શુદ્ધ પ્રકૃતિપ્રેમના કાવ્યો છે. પ્રકૃતિ કાવ્યોને લીધે જ એમની કવિતા ગાંધીયુગની-ત્રીસીની કવિતાથી જુદી પડે છે.
પ્રકૃતિ એ કવિનો સ્થાયીભાવ છે. એને પ્રગટ કરતાં તેઓ પ્રકૃતિચિત્રો પણ નિરૂપે છે. આ ચિત્રોમાં કવિનો પ્રકૃતિપ્રેમ અને ચિત્રનિર્માણ શક્તિનો પરિચય થાય છે. શબ્દો દ્વારા કવિ કેવું સુરેખ ચિત્ર દોરી શકે છે. તેનું સુંદર ઉદાહરણ ‘અવધૂત’ કાવ્ય છે. કાવ્યમાં વિરાટ અવધૂતનું મનોરમ ચિત્ર અંકિત થયું છે. અવધૂત રાત્રે તારલા સંગ નાચે છે. તો ક્યારેક પૂરમાં, વંટોળમાં નાચે છે. ભરતીના ડુંગરે કૂદે છે તો વનમાં ભભૂકી ઊઠતા દવમાં તે પ્રગટ થાય છે. જ્વાલામુખી અને વર્ષાવાદ્ય વગાડી સરોવર, નદી અને નિર્ઝરોને નચાવતા અવધૂતનું ચિત્ર જોઈને કવિ કહે છે :
‘‘ઉમંગભર કોઈ પાગલ ઊઠી મને નાચતો,
વિરાટ અવધૂતને નિરખીને અનાસકત આ.’’ (એજન. પૃ.- 64)
કવિએ અવધૂતનું સુંદર શબ્દચિત્ર યોજ્યું છે. એના માટે કવિએ કરેલી ભવ્ય કલ્પના જોઈને નાનાલાલ સહજ યાદ આવી જાય છે. ‘સૂર્યોદય’ નામક કાવ્યમાં કવિ સૂર્યોદયને યથાતથ નિરૂપ્યો છે. રાતના અંધકારથી આકાશ, સિંધુના જલ મુક્ત થયા હતાં. તારલા ક્યાંક પ્રજ્વલિત હતાં ને વાદળા ટૂંટિયું વાળીને સુતા હતાં. તેવા પરોઢના સમયે સૂર્ય અને સિન્ધુનું મિલન થાય છે. તેના આગમનથી જ આ સુષુપ્ત સૃષ્ટિ નવપલ્લવિત, ચેતનવંતી બને છે. :
‘‘તહીં ક્ષિતિજ ઉપરે અજબ ચેતના જાગતી
અને વિવિધ રંગને પળપળે નભે છાંટતી;
સુવર્ણ તણી લીટીઓ સકલ વ્યોમમાં આંકતી
જણાય નભ-સાગરે ભરતી તેજની આવતી’’ (એજન. પૃ.- 61)
સૂર્ય પ્રકાશ-તેજનું પ્રતીક છે. તે પ્રગટ થતાં જ સમગ્ર સૃષ્ટિમાં નવસંચાર થાય છે. તેનામાં અપાર ચેતના છે. તેના ઉદયથી જ સૌ સ્મિત રહે છે. સૂર્યોદયનું રમણીય ચિત્ર કવિએ શબ્દોથી કંડારી છે. ‘વીજળી’ કાવ્યમાં કવિએ વીજળીની ભયાનકતાનું બિહામણું દ્રશ્ય ખડું કર્યું છે. સમુદ્ર, આકાશ, વન, પશુ-પક્ષીઓ અને માનવ સૌ કોઈ એની સામે નિ:સહાય બનીને ઊભા છે. જુઓ,-
‘‘પ્રચંડ તહીં ઊઠતો તિમિરે - ભીતરે નાદ કો,
ચિરાય નભ નાદથી, ધરણી - અંગ ધ્રુજી ઊઠે :
સહુ જનપદે, વને, જલતરંગની ઉપરે,
પ્રકાશ નિજ, વીજળી, નિજ જવાબ શો પાથરે!’’ (એજન. પૃ.- 62)
વીજળીની સામે મનુષ્ય નિ:સહાય બનીને કોઈ જવાબ આપી શકે એમ નથી. કવિએ પ્રકૃતિના આવા અનેક મનોરમ્ય ચિત્ર શબ્દોથી અંકિત કર્યા છે. એમાં એમની કવિતા શક્તિનો પાસ નજરે પડે છે. કવિએ પ્રકૃતિનું પ્રિય તત્વ- વર્ષાને નિરૂપતા અનેક કાવ્યો આપ્યાં છે. કવિ વર્ષાને ગરમીથી બળતી ધરતીના તપ છોડાવવા વિનવે છે, તો એને ક્યારેક વણજારો કહીને પણ ઓળખાવે છે. અને એના આગમનથી સૃષ્ટિના થભેલા પ્રાણ ફરી ગતિ કરવા માંડે છે. વર્ષાના આવા અનેક રૂપો કવિએ પ્રયોજ્યાં છે. ‘ધરતીના તપ’માં કવિ સૂર્યના તાપથી પોકારી ઊઠેલી ધરતીનું વર્ણન કર્યું છે. તાપથી એના અંગ ને રંગ પણ સુકાઈ ગયા છે. શરીરમાંથી ચેતના ચાલી ગઈ છે. વન, પશુ-પક્ષીઓ, મેહુલાની રાહ જુએ છે. કવિ તારા અને પર્વતોના શિખરોને પૂંછે છે કે, તમે તો આકાશને આબનારાં છો. તમે ક્યાંય એની વીજળી ઝબુકેલી જોઈ છે. અને કાવ્યાંતે કવિ મેહુલાને ધરતીના તપ છોડાવવા વિનવણી કરે છે. જુઓ,-
‘‘આવોને મેહુલિયા! આવો, ધરતીનાં તપ છોડાવો
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો :
અમરતથી હૈયું એનું દિયોને ભરી!’’ (એજન. પૃ.- 40)
વર્ષા આવે ને ધરતીને એના રૂપ રંગ પાછા આપે. પણ કાવ્યની પરાકાષ્ઠા તો પ્રથમ પંક્તિમાં જ છે. તાપથી ધરતીને જે અવદશા થઈ છે. એને વર્ણવતા કવિ કહે છે,-
‘‘એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવા તપ રે તપ્યાં’તા એક દિન પારવતી સતી.’’ (એજન. પૃ.- 40)
‘ધરતીનાં તપ’ ને માતા ‘સતી પાર્વતી’ના તપ સાથેની કવિની તુલના આકર્ષક છે. રૂપક અલંકાર પ્રયોજીને આ તુલનાને વાસ્તવિક બતાવી છે. આ મેહુલિયો ધરતીનાં તપ છોડાવતો નથી ત્યારે સહજ એને વણજારો-વેપારી કહીને સંબોધે છે. અને કહે છે. :
‘‘એલા મેહુલિયા વણજારા રે!
તારો માલ અહીંયા આલ.’’ (એજન. પૃ.- 43)
લોકગીતના લયમાં કવિએ વર્ષાને એના મોલ-તોલ પૂછ્યા છે. એના આગમનથી સૃષ્ટિ શુષ્કતાના ગીત છોડીને આનંદ-હર્ષોલ્લાસના ગીત ગાઈ રહી છે. એના તાલે મોરલા, વન, નદી, ઝરણાં, પર્વત સૌ કોઈ થનગની રહ્યાં છે. કવિ કહે છે :
‘‘ગીતે એ આભમાં નાચે છે વાદળી,
પોઢયાં અંકુર સૌ ઉભા થયાં,
પૃથ્વીના પ્રાણનાં થંભેલાં વ્હેણ સૌ
તાલે એ ગીતના વ્હેતા થયાં.’’ (એજન. પૃ.-42)
વર્ષાના આગમનથી પૃથ્વીમાં થતા સકળ ફેરફારને કવિએ અહીં વર્ણવ્યાં છે. કવિએ પ્રકૃતિનાં આ તત્વ એવા પુષ્પની લીલાઓ પણ વર્ણવી છે. ‘જૂઈ’ કાવ્યમાં ‘જૂઈ’ના ખીલવાથી લઈને આથમવા સુધીની ક્રિયાને આકર્ષક રીતે સરળ શબ્દોમાં નિરૂપી છે. જૂઈના ખીલવાના સમયને વર્ણવતી કવિની આ અદભુત કલ્પના તો જુઓ,-
‘‘સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૂરિયાં શા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય,
ખીલે છે જૂઈ ત્યારે
તેને ગમતું અંધારે’’ (એજન. પૃ.- 41)
માનવ સ્વપ્નના પ્રદેશમાં જાય ત્યારે એ રમવા જાય, મધરાતે પવન સાથે સંતાકુકડી રમે અને આકાશે પ્રભાતનો સંચાર થાય ત્યારે આથમતી જતી શરમાય. આવી ‘જૂઈ’ની વાત કવિએ રોમાચક નિરૂપી છે. ‘બનાવટી ફૂલો’ને નામક કાવ્યમાં કવિ બનાવટી ફૂલોને પ્રશ્ન કરે છે. તમને રંગ છે. આકાર છે. લાબું જીવન છે. ઘર અને અંબોડાની શોભા છે. ક્યારેક તમારી પ્રશંશા પણ થાય છે. પરંતુ તમે ક્યારેક સંવેદનને અનુભવ્યું છે. :
‘‘પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે;
શશીનું, ભાનુનું , ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?
વસંતે વાયુનું રસિક અડવું આ અનુભવ્યું?’’ (એજન. પૃ.- 55)
સંવેદન વિહીન બનાવટી ફૂલોને કવિ ક્યારેય પ્રકૃતિના આ તત્વોનો એકાકાર થયો છે ? એવા ઉદગાર સાથે વેધક સવાલો કરે છે. કવિએ ક્યારેક પોતાના આંનદની મહેફિલો આકાશમાં માણી છે. ‘અમારી મહેફિલો’માં કવિએ તારાને ચંદાની મટુકીનું પાણી પીવા માટેની પ્યાલીઓ તરીકે વર્ણવી છે. :
‘‘અમારી મહેફિલો કદીક નભના મંડપ મહીં
થતી; ને ત્યાં રાત્રિ નિજ મટુકી ચંદા શિર ધરી,
લઈ આવે પીણું અજબ-ભરિયું એ મટુકીમાં;
અમે તારા-પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી’’ (એજન. પૃ.- 60)
પ્રકૃતિ અને માનવ જીવન સાથેના પોતાના એ તાદાત્મયને કવિએ અહીં રસમસ્ત મહેફિલો રૂપે કલ્યો છે. આકાશ, વર્ષા, વસંત અને સૌથી વધુ તો વિશાળ માનવ જગત સાથે રંગભરી મહેફિલો માણે છે. કવિ હૃદય ઘાસ સાથે તાદાત્મ્ય સાધે છે. એને જોવાથી એમનું હૃદય હર્ષથી આનંદિત થઈ જાય છે. ‘ઘાસ અને હું’ કાવ્યમાં જાણે બંને એક થઈ ગયા હોય એવી કલ્પના વ્યક્ત થઈ છે. :
‘‘કેવી અહો આ મન તણી છે સાધના,
(વા નેહની એને કહું આરાધના?)
કે જોઉં જેને બા’ર
તેને અંગમાં ને અંતરે હું અનુભવું!
રે સ્વપ્નમાં યે ઘાસનું એ ચહુદિશે;
સુખદ એવું જોઉં છું હું ફરકવું.’’ (એજન. પૃ.- 69)
પ્રકૃતિના તત્વ ‘ઘાસ’ સાથે સવાર, બપોર અને સાંજ અનુભવતા કવિ રાત્રે સ્વપ્નમાં પણ રોમેરોમ એનો અહેસાસ કરે છે. કવિનું પ્રકૃતિ સાથે, એના વિવિધ તત્વો સાથે આવું ગજબનું તાદાત્મ્ય ધરાવે છે. આથી એમના કાવ્યોમાં પ્રકૃતિના તત્વો સોળે કળાએ ખીલી ઊઠે છે. આમ, કવિ પાસેથી શુદ્ધ પ્રકૃતિ પ્રેમના કાવ્યો પ્રાપ્ત થાય છે.
પ્રકૃતિ પ્રેમને વ્યક્ત કરનાર પ્રહલાદ પારેખ પાસેથી માનવપ્રેમને નિરૂપતાં કાવ્યો મળે છે. કવિએ પ્રેમના વિરહ ને મિલન બંને ભાવોને નિરૂપ્યાં છે. એમના કાવ્યોમાં પ્રેમના સુમધુર ચિત્રો અંકિત થયા છે. એમની પ્રેમકવિતા પ્રકૃતિકવિતા સાથે હરીફાઈ કરે એટલે સમૃદ્ધ છે. ‘પરબ’, ‘એક ફૂલ ખીલ્યું છે’, ‘વહાણું’, ‘દિલડાંની વાત’, ‘આવશે’, ‘આવી’તી એક તારી વાદળી’, ‘વાંસળી’, ‘વાંછા’, ‘મારાં રે હૈયાને તેનું પારખું’, ‘અંધ’, ‘એક છોરી’, ‘વિદાય’, ‘અબોલડા’, ‘વાતો’ વગેરે કાવ્યોમાં કવિએ પ્રેમનું ઝરણું અવિરત પણે વહાવ્યું છે. ને એની વિવિધ ભાવછટ્ટાઓનું ગાન કર્યું છે.
‘વાતો’ એ પ્રણયભાવને આલેખતું ઉત્તમ સૉનેટ છે. કવિએ મિલનરાત્રીની પ્રણયગોષ્ઠિને અત્યંત સંયમિત રીતે નિરૂપી છે. વૃક્ષ ઉપર સૂતેલા પંખીઓ, પુષ્પ-સૌરભની કળીઓ, આકાશના તારા, શબનમ-પ્રકૃતિના સર્વ તત્વો પોતાની પ્રણયગોષ્ઠિ સાંભળી ન જાય તે માટે કવિ પ્રિયતમાને ધીમે-ધીમેથી વાત કરવાનું કહે છે. કાવ્યમાં પછી તો વાતોને બદલે અન્ય રીતે પ્રણય વ્યક્ત થાય છે. પ્રિયતમાનો સ્વર ધીમો થતો થતો છેવટે એટલો બધો ધીમો થઈ જાય છે કે,-
‘‘પછી તો ના વાતો, પ્રિય અધર જે કંપ ઉઠતો;
ધ્વનિ તેનો આવી મુજ હૃદય માંહી શમી જતો.’’ (એજન. પૃ.- 67)
પ્રેમમાં વાણી અનિવાર્ય નથી. વાણીની સહાય વિના પણ પ્રેમીજનો એક બીજાની વાત સાંભળીને સમજી શકે છે,પરંતુ પ્રિયજનો વચ્ચે અબોલડા હોય તો હૃદયની હજાર વાતો કરી શકાતી નથી. પ્રિયતમા સાથે નિસર્ગલીલા જોવા જઈ શકાતું નથી. સુર સાથે સૂર મિલાવી શકાતો નથી. કવિ કહે છે,-
‘‘મળી મળી નેન વળી જતાં ફરી,
અકથ્ય શબ્દે વદી વાત ઉરની;
હૈયું મૂંગુ ચાતક શું અધીર;
એ રાહ જોતું તુંજ શબ્દબિન્દુની:’’ (એજન. પૃ.- 66)
પ્રિયતમનું હૃદય મૂંગુ ચાતક બનીને પ્રિયતમના શબ્દની રાહ જોતું ઊભું છે. ‘પરબ’માં કાવ્યનાયિકા પરબ બાંધીને બેઠી છે. પરંતુ એની મુંઝવણ એ છે કે પાણીડાં કોણ પીવા આવશે. કાવ્યનાયિકા રાહ જોતી ઊભી છે,-
‘‘હું તો બેઠી પરબ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે ?’’ (એજન. પૃ.- 35)
લોકલયમાં રચાયેલું આ કાવ્ય સુંદર છે. એક પંક્તિમાંથી અડધી પંક્તિ તો ‘કે પાણીડાં કોણ પીશે ?’ આ પ્રશ્નમાં જ વ્યક્ત થાય છે. બાકીની અડધી પંક્તિમાં કાવ્ય નાયિકાનો ભાવ-અધિરતા સચોટ રીતે અભિવ્યક્ત પામી છે. કાવ્યની અંતિમ પંક્તિમાં નાયિકા આશા વ્યક્ત કરે છે કે,-
‘‘કોઈ આવીને નીર લે માગી,
કે પાણીડાં કોણ પીશે ?’’ (એજન. પૃ.- 35)
આમ, કાવ્યાન્તે નાયિકાના પરબની સાર્થકતા સિદ્ધ થાય છે. ‘એક ફૂલ ખીલ્યું છે’ કાવ્યમાં પ્રિયતમની ડાળીએ પ્રેમનું એક અંકુર ફૂટ્યું છે. પરંતુ એની ડાળી કે મૂળ કળાતું નથી. આવા ફૂલની વાત કરતાં કવિ કહે છે :
‘‘વિના તે ડાળ, વિના મૂળિયે રે,
જેવા ખીલે છે સૂરજ ને સોમ રે,
એમ રે ખીલે મારા વા’લમનું ફૂલ :
એ તો ફરકે, ને હરખે મારા રોમેરોમ રે,’’ (એજન. પૃ.-36)
આ રળિયામણું ફૂલ વાલમની ડાળીએ ઊગ્યું છે. છતાં નાયિકાના મનમાં એની મહેક આવે છે. ને એ ગગનમાં ઊડવા લાગે છે. એના રંગ ને મહેક નાયિકાના અંગે અંગમાં પ્રસરી જાય છે. ‘દિલડાંની વાત’ નામક કાવ્યમાં નાયિકાને વીજળી જેવી દિલડાંની વાતો કહેતા નથી આવડતી. પણ જો દિલડું હશે તો ભલે એની વાતો વીજળી, પરાગ કે કલરવ જેવી હશે તો પણ ઝીલાશે. ‘એક છોરી’ નામક કાવ્યમાં એક છોકરી કવિના હૃદયમાં દેરી કોતરી ગઈ છે. એનું મનોરમ વર્ણન જુઓ,-
‘‘એક છોરી
કોરી ગઈ અંતરમાંહી દેરી :
આંખો તણાં બે નિજ ટાંકણાંથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતરમાંહી દેરી
એ એક છોરી.’’ (એજન. પૃ.- 59)
આ છોકરીએ કવિનું અંતર કોરી કોરીને દેરી બનાવી અને એ સ્વયં એમાં (હૃદયમાં) પધારીને દેવ બની ગઈ છે. દેવ તુલ્ય બનેલી પ્રિયતમમાં કવિ હૃદયમાંથી કોઈ કારણસર વિદાય લે છે ત્યારે તે કહે છે :
‘‘કદી નહીં કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,’’ (એજન. પૃ.- 65)
આ ભાવ કવિ નાયિકાને વિદાય આપે છે. અને એના ભાવિ જીવન માટે સંમતિ આપતા કહે છે,-
‘‘મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી’’ (એજન. પૃ.- 65)
તો આપણે સાથે ગાળેલો સમય, જોયેલાં સ્વપ્નો, કરેલો આનંદ, એની ગોદમાં પંથરેલાં આંસુ અને નવા જગતની કરેલી કલ્પનાઓ - આ બધું ભૂલીને નૂતન જીવનની શરૂઆત કરજે. અને છતાંય જો ક્યારેક તારાં સ્મરણે આવી જાઉં તો અત્યારથી જ તારી ક્ષમા માંગુ છું :
‘‘છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું’’ (એજન. પૃ.- 65)
કવિએ મિલન અને વિરહના આવા અનેકવિધ ભાવોને કાવ્યમાં પ્રગટાવ્યાં છે. અને માનવ પ્રેમની કવિતાને સમૃદ્ધ કરી છે. આમ, કવિની માનવ પ્રેમની કવિતા પ્રકૃતિ કવિતા જેટલી જ મહત્વની છે.
કવિ પ્રહલાદ પારેખ પાસેથી પ્રક્રીણ વિષયની રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. ‘આપણે ભરોસે’ કાવ્યમાં કવિએ માનવીના કર્મના સિદ્ધાંતને વર્ણવ્યો છે. જીવનમાં આપણે જ આપણા ભરોસે આગળ વધીએ. મહેનતથી, ખુદના ભરોસાથી, બળને બાહુમાં ભરી અને હૈયામાં હામ ભરીને સાગર જેવા સાગરને પણ ઝુકાવી શકાય છે. આપણાં જીવનના સઢ અને સુકાન આપણી પાસે રાખીએ તો કોઈ ક્યારેય આપણને ડુબાડી કે ઉગારી શકતું નથી. :
‘‘કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર :
એનો કરવૈયો કો આપણી બહાર નહીં
આપણે જ આપણે છઈએ;’’ (એજન. પૃ.- 51)
ભગવત ગીતાનો કર્મ સિદ્ધાંત કવિએ અહીં સરળ શબ્દોમાં અભિવ્યક્ત કર્યો છે. તો વળી, ‘છેલ્લી પૂજા’માં રાજ આજ્ઞાની વિરુદ્ધ જઈ ભગવાન બુદ્ધની પૂજા કરવા જતાં પોતાની જાતનું બલિદાન આપી દેનાર એક યુવતીની નિસ્વાર્થ ભક્તને આલેખવામાં આવ્યું છે. રાજા અજાતશત્રુ બૈદ્ધ ધર્મનો વિરોધી હતો. એણે પોતાના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે,-
‘‘બુદ્ધનો સ્પૂત કો પૂજે, મોતની તો સજા ઠરી.’’ (એજન. પૃ.- 70)
આથી કાચા-પોચા અને કહેવાતાં ભક્તો કડક રાજ આજ્ઞાથી ડરી ગયાં ને પૂજા કરવાનું છોડી દીધું. પરંતુ એક યુવતી પોતાના નિત્યક્રમ પ્રમાણે સાંજ ઢળતા પૂજા સામગ્રી લઈને સ્પૂત પાસે ગઈ અને પૂજા કરતાં કરતાં આનંદ સમાધિમાં લિન થઈ ગઈ. એની આ ક્રિયાએ સૈનિકના રોષને જાગ્રત કર્યો. એણે તલવાર ચલાવી એક જ ઝાટકે યુવતીનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. કપાયેલું મસ્તક ઇષ્ટદેવ બુદ્ધના ચરણોમાં જઈને પડ્યું. જગતની કોઈ સત્તા કે બળ ભક્તને ભગવાનથી અલગ કરી શકતું નથી. એ સનાતન સત્ય કવિએ આ કાવ્ય દ્વારા ઉજાગર કર્યું છે.
કવિ પ્રહલાદ પારેખ પાસેથી ઊર્મિકાવ્ય, ગીત, સૉનેટ અને ખંડકાવ્ય જેવા સ્વરૂપોમાં કવિતા મળે છે. આ સ્વરૂપોને કવિએ પૂરી નિસ્બતથી પ્રયોજયાં છે. એમણે સંસ્કૃત છંદોનો લય તેમજ લોકલયનો પણ સફળ વિનિયોગ કર્યો છે. ગીતોમાં ‘કે’, ‘હે જી’, ‘રે’, ‘હો’ જેવા શબ્દો પ્રયોજીને કવિ લોકગીત સાથે અનુસંધાન સાધે છે.આમ એમની ગીત કવિતા ઉત્તમ છે. એમના સોનેટમાં સંસ્કૃત છંદો યોગ્ય રીતે નિરૂપ્યા છે. તેઓ કાવ્યમાં કયારેક નવા શબ્દોનો પણ વિનિયોગ કરે છે. આમ એમની કાવ્યબાની સહજ અને સરળ છે. તેમજ પ્રસાદિકતાનો ગુણ પણ ધરાવે છે. ક્યાંય કોઈ શબ્દ, કોઈ બાબત અયોગ્ય લગે તો પણ એમની સૌંદર્યતા સામે નગણ્ય જેવી છે. એમણે કવિતામાં શબ્દ દ્વારા જે સૌંદર્ય પિંડ બાંધ્યો છે તે એમની કવિતામાં અનેક રીતે જોઈ શકાય છે. આમ, પ્રહલાદ પારેખની કવિતા ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ જેવી છે.
સંદર્ભ :