Included in the UGC-CARE list (Group B Sr. No 172)

કાશ્મીરનો પ્રવાસ અને કાશ્મીર વિશેનું પ્રવાસ સાહિત્ય

મનુષ્યનાં જીવનનો મુખ્ય હેતુ આનંદ છે. મનુષ્યનાં જીવનમાં નવીનતા હોય તો તે રસપૂર્ણ બને છે. માણસનો મૂળ સ્વભાવ સંચલનશીલ છે. એનામાં રખડવાની, ભટકવાની વૃત્તિ સ્વાભાવિક છે. મનુષ્ય આદિકાળમાં ભટકીને જ જીવન વ્યતિત કરતો હતો. સમયાંતરે સુસંસ્કૃત માનવીએ પ્રવાસ દરમિયાન લેખ કે પ્રકૃતિ-સંસ્કૃતિનાં જે કંઇ પણ દ્રશ્યો જોયા હોય તેમના યથોચિત વર્ણન, તેમના દર્શનથી જાગેલા મનોભાવોએ વાચકનાં ચક્ષુ સમક્ષ ખડું કરવાથી સહપ્રવાસી જેવો અનુભવ કરાવે છે. કાકાસાહેબ પ્રવાસનું મહત્ત્વ આંકતા કહે છે કે, "પ્રવાસ મારફતે માણસ જેટલો ભુમિનો ભાગ આંખ વડે પોતાનો કરે છે, જેટલું અંતર પદાક્રાંત કરે છે, જેટલો અનુભવ સંઘરી શકે છે તેટલે દરજ્જે તેનું જીવન સમૃદ્ધ થાય છે. કેટલાક શોખીનો પોતાના સુખ માટે પ્રવાસ કરે છે" પરંતુ મોટા ભાગના પ્રવાસીઓના પ્રવાસ પાછળ કોઇ ને કોઇ પ્રયોજન રહેલું છે. તેવા પ્રવાસ હેતુલક્ષી બને છે. પ્રવાસ દરમિયાન પ્રવાસ કરનારની અંગત રુચિ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે એ વ્યક્તિ પ્રવાસવર્ણન લખે છે ત્યારે તેમાં તેનું મનોઘડત વર્ણન અને અમુક ચોક્કસ પ્રકારનો ઝુકાવ આવે છે તે મુખ્ય પ્રવાસવર્ણનને આપણે અલગ-અલગ પ્રકારમાં મૂકી શકીએ.

અર્વાચીન યુગમાં પારસીઓ તરફથી પ્રવાસ કૃતિઓ મળે છે. આ સાહસિક કોમનું સમાજપ્રદાન એટલે ડોસાભાઇ કરાલની ‘ગરેટબરીટનની મુસાફરી’ ઇ.સ.૧૮૬૧, દિનશા તાલેયારખાં ‘અમેરિકાની મુસાફરી’, કાવસજી દીનશાહ જીકેઆસના ‘ઇરાનની મુસાફરી’. અર્વાચીન યુગમાં પારસી કોમ સિવાય મહિપતરામ પાસેથી ‘ઇગ્લાંડની મુસાફરીનું વર્ણન’, કરસનદાસ મૂળજી ‘ઇગ્લાન્ડમાં પ્રવાસ’ ઇ.સ.૧૮૬૬, કવિ શિવલાલ ધન્નેશ્વર દ્વારા ‘પ્રવાસવર્ણન’, દામોદર ઇશ્વરદાસ ‘ચીનની મુસાફરી’, શેખ યુસુફઅલી ‘ઇંગ્લેન્ડમાં પ્રવાસ’ તથા હરિશંકર જોશી તરફથી ‘રામેશ્વરાદી દક્ષિણયાત્રાવર્ણન’. આ સિવાય જેમ-જેમ યુગ બદલાતો રહ્યો તેમ-તેમ દરેક યુગમાં ગુજરાતી સાહિત્યનું પ્રવાસ સાહિત્ય સમૃદ્ધ થતું રહ્યું. પંડિતયુગમાં કલાપી દ્વારા ‘કાશ્મીરનો પ્રવાસ’, હરગોવિંદ કાંટાવાલાની ‘મહીસુરની મુસાફરી’ મળે છે. આ સિવાય કાળાનુક્રમે ઝવેરચંદ મેઘાણી ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં સૌરાષ્ટ્રના તીરે તટે’, વિજયરાય વૈદ્ય ‘ખુશ્કી અને તરી’, ધૂમકેતુ ‘પગદંડી’, સુંદરમ્ ‘દક્ષિણાયન’, મણિલાલ દ્વિવેદી ‘નેપાળ-આસામ ભ્રમણ’, ભોગીલાલ સાંડેસરા ‘પ્રદક્ષિણા’, રસિક ઝવેરી પાસેથી ‘અલગારી રખડપટ્ટી’, રઘુવીર ચૌધરી ‘બારીમાંથી બ્રિટન’, ચંદ્રકાન્ત બક્ષી ‘યહ તો વહી જગહ હૈ, ગુઝરે થે હમ જહાંસે’, ભોળાભાઈ પટેલે ‘વિદિશા’, ‘પૂર્વોત્તર’ પ્રતિસેન ગુપ્તા પાસેથી... આમ, ગુજરાતી પ્રવાસ સાહિત્ય ખુબ જ ફુલીફાલીને સમૃદ્ધ થયું છે. બધાં જ સર્જકોનું પ્રેરણાનું સ્રોત રહ્યું છે.

પ્રવાસસાહિત્ય તો ઘણું બધું ગુજરાતી સાહિત્યને મળ્યું પરંતુ ફક્ત ને ફક્ત હિમાલય અથવા કાશ્મીર માટે જ લખાયું હોય એવા ગ્રંથોમાં પંડિતયુગમાં ‘કોલાબાથી કાશ્મીર’, પદ્માવતી દેસાઈ તરફથી ‘પવિત્ર હિમાલયપ્રવાસ’, રતિલાલ ત્રિવેદી પાસેથી ‘હિમાલયનો સર:પ્રદેશ’, ડુંગરશી સંપટ ‘હિમાલયના પુણ્યપ્રદેશમાં’, હિમ્મતલાલ તુનારા પાસેથી ‘હિમાલયનું પર્યટન’, મણિલાલ દ્વિવેદી પાસેથી ‘મ્હારું કાશ્મીરપ્રયાણ’, હરિચંદ મહેતા દ્વારા ‘કાશ્મીરથી નેપાળ’, વ્રજલાલ કામદારનો ‘હિમાલયનો પ્રવાસ’, મોહનલાલનો ‘કાશ્મીરપ્રવાસ’, સ્વામીઆનંદ પાસેથી ‘હિમાલયનાં તીર્થસ્થાનો’, કિશનસિંહ ચાવડા ‘હિમાલયની પદયાત્રા’, પૂર્ણિમાબેન પકવાસા ‘જય શ્રી બદરીકેદારનાથ’, રસિકલાલ પરીખ ‘મારો હિમાલયપ્રવાસ’, ઠાકોરલાલ કાંટાવાળા તરફથી ‘શ્રી બદ્રીનાથયાત્રા’, શાંતાબેન કવિ પાસેથી ‘કાશ્મીર’ – એ સિવાય સુધાકર રામચંદ્ર હિંડિયા પાસેથી ‘હિમાલયયાત્રાના સ્મરણો’, વજુભાઇ દવે : ‘નવી નજરથી કાશ્મીર’, ડો. રમેશ શાહ તરફથી ‘હિમાલયનો પ્રવાસ’ જે ફક્ત ને ફક્ત કાશ્મીર અને હિમાલયને કેંદ્રમાં રાખીને લખવામાં આવ્યા છે.

ઉત્તરભારતમાં હિમાલય પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થળ છે. કુદરતે ત્યાં સૌંદર્યના ઢગ ખડકી દીધા છે. ભારતદર્શનમાં હિમાલય, કાશ્મીરની બાદબાકી ન કરી શકો. કાશ્મીર વિશે આપણા રાજવી કવિ કલાપી-સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ તરફથી મળે છે. તો બીજી તરફ બાલકૃષ્ણ દત્તાત્રેય તરફથી ‘હિમાલયનો પ્રવાસ’ મળે છે. ઉત્તરભારતનું સૌંદર્ય પીને એનું વર્ણન બંને સાક્ષર પાસેથી એવું મળે છે જેમાં પોતાનો પોતીકો અવાજ પડઘાય છે. ‘કાશ્મીરનો પ્રવાસ’ કવિહૃદય કુદરતપ્રેમી રાજવી કલાપીની કલમનું પ્રથમ સર્જન છે. એમણે એમના વાજસુરવાળા તથા પાછળના કવિ મિત્રો અને જરૂરી માણસો સાથે રાજકુમાર તરીકેની તાલીમના ભાગ તરીકે છ મહિનાનો પ્રવાસ કરેલો. રાજકોટથી કાશ્મીર અને ત્યાંથી લાહોર, દિલ્હી, આગ્રા, મથુરા, હરદ્વાર, પ્રયાગ, કાશી, અયોધ્યા(બિહાર), બોધી ગયા, કલકત્તા, પુરી, દક્ષિણ ભારત થઈ પાછા વતન લાઠી આવેલા. આ બધાં સ્થળના પ્રવાસ બાદ કલાપીએ લખવા માટે પસંદ કર્યો માત્ર કાશ્મીરનો યાત્રાનુભવ. સમગ્ર પ્રવાસવર્ણન એ જોશીજી ઉપરના પત્ર રૂપે લખાયેલું છે. પ્રવાસવર્ણનમાં કલાપીએ પ્રથમ કાશ્મીરદર્શનનાં અનુભવની વાત કરી છે. પ્રકૃતિ સાથે એકરૂપ અને સમરસ થઈ એમાંથી મળતો આનંદ, સ્વર્ગસમી ભૂમિ સાથેનું એમનું તાદાત્મ્ય એ એમના વર્ણનોમાં જોવા મળે છે. કાશ્મીરની વાત માંડતા કલાપીની કલમમાં રાજીપો દેખાય છે. જાણે આનંદના પ્રયોજન માટે જ લખ્યું છે. પત્રરૂપે લખાયું હોવાથી કર્તાનું આત્મનિરીક્ષણ અને વ્યક્તિત્વ જીવંત બને છે.

પત્રની શરૂઆત ‘પ્રિય માસ્તરસાહેબ’, તે પ્રવાસવર્ણનનો હેતુ સમજાવે છે. “આપને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે અને મને પણ કુદરતની કૃતિ પર લક્ષ આપી તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે. કાશ્મીર દેશ કુદરતી ખૂબીનો જ સમુદાય હોવાને લીધે તે વિશે આપને કંઈક લખવું એવી મ્હારી ઇચ્છા છે.” પ્રવાસવર્ણનમાં તેઓએ વાસ્તવિક સધ્યત અને જીવનચિત્રો ખડા કરે એવી કેટલીક જગ્યાએ માહિતી આપી છે. પ્રવાસ વૃત્તાંત એટલો રસમય છે કે, એમની કલ્પનશૈલીના પ્રવાહમાં વાચક લેખકની સાથે નીકળ્યો હોય એમ સાક્ષાત્કાર અનુભવે છે. કલાપીની કથનકલા રસિક છે, ઝીણીઝીણી વિગતોનું નિરૂપણ કરવાનું તેઓ ભુલ્યા નથી. તેમનું કથન સુરેખતા, ચિત્રાત્મકતા અને ક્યાંક વિનોદ પણ આપે છે. ખચ્ચર માટે તેઓ કહે છે કે, “ખચ્ચરને આ ઘોડા સાથે દોડતા ઘણી મુશ્કેલી પડતી હતી અને વારંવાર અટકવું પડતું હતું તો પણ સોટીથી જરાક શિખામણ આપતાં આ પ્રાણી દોડવા લાગતું.” આ પણ એક નવું વિમાન!! ખચ્ચરને ‘પનોતું પ્રાણી’ અને ‘લંબકરણ’ એ શબ્દોથી પણ તેઓ નવાજે છે. કાલેલકર જેવું ચિંતન પણ કવિ કલાપી આ પુસ્તકમાં દેખાડે છે. કાશ્મીરના પંડિતોની મુસલમાન માજીઓ પરની શીરજોરીની વાત કરતી વખતે રાજવી કવિનું હૃદય કકળી ઊઠે છે. દ્રવ્યની લાલસા મનુષ્યના બ્રહ્મતુલ્ય શુદ્ધ આત્માને કેવો તુચ્છ બનાવી દે છે ! સ્વાર્થ અંત:કરણને કેવું અશુદ્ધ કરી નાંખે છે ! બારામુલ્લા જતી વખતે ડાકબંગલામાં વેઠેલી ભુખ, તરસ અને હાડમારીનો પ્રસંગ આધુનિક સુધારાની વિલાસીતાં પર વિચાર કરતાં લખે છે કે, “અંધારું થઈ જાય, ડુંગર અને ખાઈ વચ્ચેવચ્ચે અંધારામાં શી રીતે ચાલી જાય !? આવી રીતે છતાં પાણીએ અને વગર ઇલાજે ભુખ્યા બધા માણસો ઉરી તરફ ઉપડ્યા.” પોતાની આવડત અને કલાને ગુપ્ત રાખવાની પદ્ધતિ પર પણ ચિંતન કર્યું છે. એ કહે છે કે, “છૂપું રાખવાની ટેવ ઘણી જ નુક્શાનકર્તા છે. તેથી સુધારાને તેમજ કલા કૌશલ્યને ઘણી જ હાનિ પહોંચે છે અને તેથી જ દેશ પછાત રહી જાય છે" આવા સ્વદેશ ભગત જુવાનનું લાગણીથી ધબકતું હૃદય કાશ્મીરની સ્થિતિ જોઈને દુ:ખ પણ પ્રગટ કરે છે. "લોકો આવા ગરીબ અને કંગાળ કેમ છે ? પાણીની આટલી છત છે કે ક્યાંય કૂવો ગાળવો જ પડતો નથી છતાં આટલી ગંદકી કયાંથી ? કાલિદાસના સમયમાં આ સ્વર્ગ કેવું હતું, હાલ કેવું છે, હવે કેવું થશે ?" આ ૧૮ વર્ષના જુવાનની મુગ્ધતા સાથે દેશદાઝના દર્શન થાય છે. નાની ઉંમરમાં પણ વિચારો તપાસવાનો, વ્યવહારો તપાસવાનો વિવેક છે. તેમના વિચારોમાં દંભ કે આડંબર ક્યાંય નથી આવતા, ઉલટું એમ લાગે છે કે કલાપીને વિચારો મગજમાંથી નહીં હૃદયમાંથી સ્ફુર્યા હશે ! અને તેથી જ તેમાં ભાવના, ઊર્મિ અને આત્માનો અવાજ છે. પ્રવાસવર્ણનનાં અંતે પ્રવાસ મુશ્કેલીભર્યો હોવા છતાં પ્રવાસ કરવાની આવશ્યકતા ઉપર, વિપત્તિના લાભો ઉપર, આપણે કસાવવાની જરૂર ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે એ ચિંતનશીલતા કલાપીના મનોઘડતરમાં જ હતી તેની પ્રતીતિ કરાવે છે.

જન્મજાત કવિપ્રતિભા સાથે કલાપીને કાશ્મીરની નિસર્ગલીલાનાં રૂપ મન ભરીને પીવાં હતાં અને એનું મુગ્ધભાવે વર્ણન કરવું હતું, અને તેથી જ સૌંદર્યદર્શી કવિ કલાપી કાશ્મીરના પ્રવાસમાં છતા થાય છે. સૌંદર્યલક્ષી કવિ તરીકેનું તેમનું વ્યકિતત્વનું જોરદાર પાસું અહીં પ્રગટ થાય છે. દાલ સરોવરનાં સૌંદર્યને લેખક આપણી આંખ આગળ જીવતું કરે છે : “સરોવર અથવા સ્વર્ગની અંદર દાખલ થયા. પાણી પર નિલા અને જરદ વેલા, તેના સુંદર અને પોપટીયા રંગના પાંદડા, કેટલીક જગ્યાએ મખમલ જેવો દીસતો લીસો ચળકતો શેવાળ અને કમળના નાના, લીલા અને સુકાઈ ગયેલા સોનેરી રંગના આ ડાળીના આકારના પાનો છવાઈ ગયેલા હોય છે. તેઓ પર નાના, મોટા, લાંબા અને ગોળ ચળકતા આમતેમ રડતા ઘડીમાં મળી જતાં અને ઘડીમાં છુટા પડતા જલબિંદુઓ, આકાશ પરના ખરતાં તારાગણ અને અચલ ગ્રહો જેવા ભાસે છે.”

સૃષ્ટિલીલા ઉપરનો એમનો અગાધ પ્રેમ એમના લખાણમાં ઝળકી ઊઠે છે. કુદરતની સાથે વાતો કરતા એ જાણે કંઈ કહેતી હોય તેમ એમાંથી એમને અનેક સુચનાઓ મળતી, અનેક યોજનાઓ એમાંથી એમનાં હૃદયમાં ઘડાતી. એક તરફ સૃષ્ટિલીલાનો અનુભવ લેતા અને બીજી તરફ જનસ્વભાવ અને લોકપ્રવૃત્તિનો અનુભવ લેતા. મનુષ્ય સાથેની વાતચીતથી પોતે પ્રકૃતિની સૃષ્ટિલીલામાં ભળી જતા. જેલમનાં ખળખળ વહી જતાં પાણીના પ્રવાહનું કલાપી લાંબા લાંબા વાકયો અને વિવિધ અલંકારોથી વર્ણન કરે છે : “મયુરપિચ્છ જેવા ચળકતા સરુના અસંખ્ય વૃક્ષો અને બીજા જુદા-જુદા રંગના સુશોભિત ગાલીચા દરેક ડુંગર અને ખીણમાં પથરાઈ ગયા છે. સ્લેટના પર્વતોની દિવાલો અને ઘાડ(ગાઢ) વૃક્ષ ઘટા ડાબી બાજુ પર ઝૂમી રહી છે.”

કલાપી પાસે શબ્દનો ભંડાર છે. તેથી જેમ દીવો દીવાને પ્રગટાવે તેમ તેમનો એક શબ્દ બીજા અનેક શબ્દોને પ્રગટ કરે છે. સંસ્કારી લોકો સામાન્ય વ્યહવારમાં જે ભાષા વાપરે છે તેવી ભાષાશૈલી આ પ્રવાસકથામાં છે તેથી જ તે વધારે સાદી, વધારે સુગમ અને વધારે સ્વાભાવિક લાગે છે. ગોવર્ધનરામ અને બાણ જેવા સંસ્કૃતના સમર્થ પંડિતોના કલાપી ઘણે ઠેકાણે અનુગામી હોય એવું લાગે જ. જાણે એમના વિચારો પ્રકૃતિને જોવાની દૃષ્ટિનું વહન કરતા હોય, પરંતું એમના જેવા કઠીન શબ્દો કે સમાસોથી દુર રહ્યા છે. વધુ પડતી ભાષાની અસર તેમની રોજની બોલાતી ભાષાને લીધે લાગે છે. શબ્દોનો સુંદર વિનિયોગ, રૂઢીપ્રયોગો અને કહેવતોનો ઉપયોગ કરી ભાષાને પ્રવાહી બનાવી છે. કયાંક ઉર્દૂ શબ્દ જેવા કે જીગર, બચ્ચા, કિસ્તીનો ઉપયોગ કર્યો છે તો બીજી બાજુ શુદ્ધ કાઠિયાવાડી ભરણાં, ધંધા, અડાળી, ખોરડું, કાંગા, નીંદર રડી ગયું એવા શબ્દો પણ પ્રયોજ્યા છે.

તેમના ગુરુ મણિલાલે પ્રવાસના અંતની ટીકા કરતાં કહ્યું છે : “Very Morase conclusion for travel full of beautiful scenes and description” તેમનો અભિપ્રાય યથાર્થ છે. સુંદર, મનોહર પ્રવાસવૃત્તાંતનો અંત આ રીતે બોધદાયક લખાણથી પુરો થાય તે ખરેખર અરુચિકર છે. આ બધામાં માત્ર તેમની ઉંમરનો જ દોષ છે એમ ના કહી શકાય. એવો થોડો ઘણો દોષ તે વખતના પ્રવાસસાહિત્યનોય છે. બાકી ૧૭ વર્ષના નવયુવાન પાસેથી વધારે આશા પણ કઇ રીતે રખાય?

આ બધી મર્યાદાઓથી કલાપી સભાન હતા જ. આ પત્રો તો ગુરુને રાજી રાખવા માટે લખાયા હતા. તેઓ કોઇ સાહિત્યકૃતિ સર્જી રહ્યા છે તેવા સભાન પ્રયત્નથી તેમણે પત્ર લખ્યા નથી અને આ પત્રો પાછળથી પ્રવાસપુસ્તક રુપે પ્રગટ થશે તેનો પણ તેમને ખ્યાલ ન હતો. આ પુસ્તક માટે કલાપીને પોતાને અસંતોષ હતો અને તેથી તો તેમણે ગોવર્ધનરામ અને મણિલાલ જેવા વિદ્વાનો પાસે પુસ્તકને સુધારાવી પ્રગટ કરવાની વિનંતી પત્રોમાં કરી હતી પણ એ શક્ય ન બન્યું. આમ છતાં જેવું છે તેવું આ પ્રવાસપુસ્તક ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર છે. જોકે આ પુસ્તક સ્વયંપર્યાપ્ત પ્રવાસ ગ્રંથ નથી પણ ડાયરીરૂપે લખેલી પ્રવાસનોંધનો પ્રવાસપત્રમાં ઉપયોગ થયો છે.

આમ છતાં ઓગણીસમી સદીના પ્રવાસસાહિત્યના પુસ્તકોમાં સ્થાન પ્રથમ છે. ઐતિહાસિક દૃષ્ટિએ અને કલાપીના સાહિત્યિક ઘડતરની દૃષ્ટિએ કાશ્મીર પ્રવાસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માત્ર માહિતી આપતો કે શિક્ષકવૃત્તિથી લખાયેલ ગ્રંથ નથી, પણ તેમાં પ્રવાસલેખકનું વ્યક્તિત્વ ઉપસી આવે છે. તેમનો મોજીલો સ્વભાવ, તેમનું સંવેદનશીલ હૃદય, તેમનો દેશપ્રેમ અને તેમનો સૌંદર્યપ્રેમ આમાં ઠેરઠેર નજરે પડે છે. તેમની લાગણીશીલતા અને કલ્પનાશીલતાએ જે જોયું-જાણ્યું તેને તેમણે પોતાની રીતે પોતીકો ઓપ આપ્યો છે. છટાદાર ગદ્યમાં અલંકારીક શૈલીએ કલ્પનાથી ભભકભર્યા પ્રકૃતિવર્ણનો આપતો આ સર્વ પ્રથમ પ્રવાસગ્રંથ છે. આ પછી આપણને છેક કાલેલકર પાસેથી સાહિત્ય કોટીના પ્રવાસ પુસ્તક મળે છે.

આમ કહી શકાય કે, ઘણાં બધાં જાણ્યા-અજાણ્યા લેખકોએ કાશ્મીર વિશે લખ્યું છે, પોતાની નજરે આલેખ્યું છે. કલાપીના કાશ્મીરપ્રવાસનું ઐતિહાસિક મૂલ્ય ખુબ જ છે. અનંતરાય રાવળ કહે છે કે “છાપેલા પુરાછ ફરમાની પણ નહીં એવી આ લઘુપ્રવાસકથા અંગત અનુભવોના બ્યાનથી વાર્તારસ ઘણી બધી માહિતી, વિનોદચિંતન, કાશ્મીરની પ્રકૃતિ દ્વારા સર્જકના સ્પર્શવાળા શબ્દચિત્રો, વિવિધ છટાઓવાળું ગદ્ય એ બધી બાબતોમાં કાકાસાહેબનો ‘હિમાલયપ્રવાસ’ને સંભારી આપે એવી ગુણસામગ્રીને કારણે ગુજરાતી સાહિત્યની એક પદયાત્રા સીમાચિહ્ન જેવી કૃતિ અને હિમાલયની પૂર્વ પૂર્તિ બની રહે છે”. પ્રકૃતિના વિવિધ દ્રશ્યોનાં ચિત્રણમાં લેખકની સૌંદર્યરસિકતા, કલ્પનાશક્તિ, અલંકાર સામર્થ્ય અને ભાષાપ્રભુત્ત્વનું દર્શન થાય છે. ક્યારેક ટુંકા-ટુંકા વાક્યોમાં પ્રકૃતિનાં મનોરમ ચિત્રો દોરાય છે. લેખકે ક્યાંક દૃશ્યનું સમગ્ર ચિત્ર આલેખ્યું છે તો ક્યાંક દૃશ્યના કોઇ એક ભાગને ઉપસાવી રેખાઓ દોરી છે. પ્રકૃતિના રમ્ય, નાજુક કરાલ રૂપને તેમણે કુશળતાથી આલેખ્યા છે. સૌંદર્યઘેલા કવિઓનો પ્રકૃતિલીલા પ્રત્યેનો અનુરાગ અને તેમનાં ભાવસ્ફુરણો અહીં સ્થળે સ્થળે રૂપમાં અભિવ્યક્તિ પામ્યાં છે.

સંદર્ભસૂચિ :

  1. કાશ્મીરનો પ્રવાસ - કલાપી
  2. હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
  3. હિમાલયને ખોળે - પ્રવીણ દરજી
  4. ભારત ભ્રમણ શિલ્પ સ્થાપત્યનો ભવ્ય વારસો - મણિલાલ ગિરધારલાલ

જયેશકુમાર રાઠોડ(રાષ્ટ્રકુટ) પીએચ.ડી. શોધછાત્ર, પૂર્ણિમા સોસાયટી શેરી નમ્બર 1, અમર જ્યોતની બાજુમાં, નાના મવા મેઈન રોડ, રાજકોટ. મો : 9909271313 Email : rjayesh5555@gmail.com