‘વંદે હાસ્યમ્’: હાસ્યનો ‘ફ્રૂક્ટોઝ’ - રસ અને વક્રોક્તિની દૃષ્ટિએ
‘હાસ્યનું રાષ્ટ્રગાન’ એટલે પ્રદ્યુમ્ન જોષીપુરા લિખિત ‘વંદે હાસ્યમ’! આ હાસ્યપુસ્તકમાં કુલ ઓગણીસ હાસ્યલેખો સમાવિષ્ટ છે. સર્જકે તેમના અગાઉના હાસ્યપુસ્તકો- ‘જલ્પન’, ‘વર્તુળના વિકર્ણ’, ‘હસતાં હસતાં’ અને ‘બોલ્યું, બાફ્યું માફ!’માંથી પસંદગીના લેખોનો ‘વંદે હાસ્યમ’માં સમાવેશ કર્યો છે અને એમાંથી આજે પસંદગીના લેખોનો ભારતીય સાહિત્યમીમાંસાના રસ અને વક્રોક્તિના ઓજારો થકી મૂલવવાનો મારો ઉપક્રમ છે. જે માટે ભરતમુનિના ‘નાટ્યશાસ્ત્ર’ અને કુંતકના વક્રોક્તિવિચારને આધારભૂત માન્યાં છે.
પ્રથમ લેખ છે- ‘ચંદ્રકનો કલાકાર’. એવોર્ડ તો આજકાલ એટલા સામાન્ય થઈ ગયા છે કે વોર્ડના પ્રતિનિધિની ઓળખાણથી પણ મળી જાય! હકીકતે, આજે માણસને એવોર્ડની નહીં, એવોર્ડને ‘જીવતા જાગતાં ગળા’ની જરૂર છે. આ લેખમાં પણ આવું જ થાય છે, બાબુને ‘મળેલાં’ એવોર્ડ સાથે. આખી વાતને મરક મરક હાસ્ય સાથે વણી લેવામાં આવી છે. બાબુનું અહેસાન ઉતારવા બાબુભાઈ રાજકારણી સન્માન સમારંભનું આયોજન પણ કરી નાખે છે અને આખા ગામમાં ચર્ચા થઈ જાય છે. તેમાં નિમંત્રકોમાં માત્ર ‘નામદેહે’ અસ્તિત્વમાં હોય તેઓના નામ વાંચી આશ્ચર્યચકિત થયેલ બાબુને રમણલાલ રાજકારણી તેમની સફળતા અને સમૃદ્ધિનું રહસ્ય ગણાવે છે. એવા નામો રાશનકાર્ડ, સરકારી સહાય, કમિશન ડીલ, બેંક ખાતા કે સરકારી લોન માટે વપરાતા હોય તો ‘તુચ્છ સન્માન’ માટે તો વાપરી જ શકાય. અહીં વિસ્મયનો ભાવ નિહિત છે જેમાં અદભૂત રસને સ્થાન છે.
જાતભાતની પ્રજા જાતભાતના કારણોથી સમારંભમાં આવેલી, તેનું રસિક વર્ણન હાસ્યરસ નિષ્પન્ન કરે છે. કોઈ, લોકોને હળવા-મળવાના બહાને, કેટલાક વ્યવહારબુદ્ધિથી, નિવૃત્ત લોકો ‘પ્રવૃત્તિ’ સમજીને તો નવદંપતી તેમના ‘ખાસ હેતુ’ને પાર પાડવા આવ્યા હતા. લેખમાં આવતું એક વિધાન- આમેય ધારાસભાની સીટ અને ચંદ્રક એ બે વસ્તુ એવી છે કે કોને ક્યારે અચાનક મળી જાય તે નક્કી નથી હોતું- ખડખડાટ હાસ્ય જન્માવે છે. નાનપણમાં બાબુએ કલાકાર તરીકે એવો ઉત્તમ અભિનય કર્યો હતો કે લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. એ પ્રસંગમાં કરુણ રસનો આછેરો પાશ અનુભવી શકાય છે.
હવે, વક્રોક્તિ-વૈવિધ્યની રીતે આ લેખને મૂલવીએ. સૌપ્રથમ આ લેખમાં જોવા મળતા વર્ણવિન્યાસ/વ્યંજનાવિન્યાસ વક્રતાના દ્રષ્ટાંતો નોંધીએ-
બધી વાતમાં પાછળથી મંજૂરીની મહોર મારવાને ટેવાયેલા સરકારી અધિકારીઓનાં નામ પણ અમુક અમુક સમિતિઓમાં લખી નાખ્યાં.
ઉપર્યુક્ત વિધાનના પૂર્વાર્ધમાં ‘મ’ વર્ણ ક્રમિક ત્રણ વખત અને ‘સ’ વર્ણ સમયાંતરે બે વખત આવર્તન પામતા વર્ણવિન્યાસ વક્રતાનું દૃષ્ટાંત બને છે.
આપણે ત્યાં કરોડો રૂપિયાનાં કમિશન કોણે આપ્યા અને કોણે ખાધાં એ પણ ખબર પડતી નથી, તો પછી આવી સન્માન જેવી સામાન્ય બાબતમાં કોણ રસ લેવાનું છે?
અહીં ‘સ’ વર્ણ બેવડાતો જોઈ શકાય છે.
…અને અડધા આ સમારંભમાં કોણ કોણ આવ્યા છે તે જોવાની જિજ્ઞાસાથી વગર નિમંત્રણે આવેલા હતા.
અહીં ‘જ’ વર્ણ સળંગ બે વખત આવર્તન પામે છે.
‘ત્રીસેક વર્ષ પહેલાં તમે વળી કઈ એવી ભૂમિકા ભજવેલી?’
આ વિધાનમાં ‘ભ’ વર્ણ ક્રમિક બે વખત પુનરાવર્તન પામે છે.
બાબુએ ચાંદીનો ચંદ્રક તેમને સોંપી દીધો.
‘ચ’ વર્ણ અહીં બેવડાતો જોઈ શકાય છે.
આ સિવાય, ‘એ તો મેં આવીને પૂછપરછ કરી ત્યારે એમને ખબર પડી કે તેમના સુપુત્રને ચંદ્રક મળ્યો છે’- આ વિધાનમાં પ્રયોજાયેલ ‘સુપુત્ર’ શબ્દ ઉપસર્ગ વક્રતાનું ઉદાહરણ છે, જેમાં ‘સુ’ એ ઉપસર્ગ છે. પ્રત્યય/પદપરાર્ધ વક્રતાનો એક પેટાપ્રકાર તે ઉપસર્ગ વક્રતા. ઉપસર્ગ વક્રતા નિપાત કે વૈચિત્ર્ય વક્રતા તરીકે પણ ઓળખાય છે.
‘ખરચ: કરકસરનો’ લેખનો સાર માત્ર એક વાક્યમાં- વાનરનકલ નફા કરતા નુકસાન વધારે કરાવે છે. કરકસર હોવી જોઈએ પણ તેમાં પણ દૂરનો વિચાર અને નજીકની પરિસ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ. અહીં, કરકસરના અમલ માટે બોલાવેલી બેઠકમાં આઈસક્રીમ મંગાવીને ચંપકમાસા એન્ડ પરિવારે એ આદર્શની શરૂઆત કરી દીધી. અને પછી તો એક પછી એક ઘટના બનતી ગઈ જેમાં, સરકાર કહે ને તેમ વિકાસ હોવાનો ભાસ થાય પણ અડકવા જઈએ તે પહેલાં ઓગળી જાય! ખડખડાટ હાસ્યને તેમાં સ્થાન છે. ઠીક આવું જ, આજે પણ જે તે સમસ્યાના ઉકેલ માટે બનાવેલી સમિતિ પાછળ સમસ્યા કરતાં વધારે ખર્ચ થાય છે. પણ કરકસરના ઉચ્ચ લક્ષ્યાંકને હાંસલ કરવા ‘હાથના મેલ’ જેવા પૈસાને ધ્યાને થોડો લેવાય?
વહેલા ઉઠવા જૂનું ઘડિયાળ ઠીક કરાવ્યું પછી નવું લીધું, ભિખારીને દાન આપવું પડ્યું, ટિકિટોમાં દંડાયા, વાળ કાપતાં-કાપતાં ખિસ્સુ કપાઈ ગયું (આલંકારિક અર્થમાં), પેન્ટમાંથી ચડ્ડી બનાવવાના મોહમાં ભક્ત ભગવાનને શોધે એમ દરજીની શોધ ચલાવવી પડે, કામવાળીને ‘સાતમું પગારપંચ’ આપી પાછી બોલાવવી પડે…પણ કરકસર તો થઈ! આ દરેક વર્ણનમાં હાસ્યરસ નિહિત છે.
હવે વક્રતા-પરિચય મેળવીએ. આ લેખમાં આવતા વર્ણવિન્યાસ વક્રતાના દ્રષ્ટાંતો જોઈએ-
દુષ્કાળના વરસમાં કરકસર દ્વારા ખોટો ખર્ચ થતો રોકવાનો સરકારશ્રીનો સંકલ્પ જાણીને અમારાં ચંપકમાસા અને ચંપકમાસીએ પણ એ જ સંકલ્પ કર્યો, કારણકે સરકારની કોઈપણ ભાવના કે પ્રવૃત્તિને સહકાર આપ્યો તેને તેઓ યુગધર્મ સમજે છે.
અહીં, ‘ખ’ વર્ણ ક્રમિક બે વખત અને ‘સ’ વર્ણ કુલ છ વાર આવર્તન પામે છે.
…એમ કહી કેટલાકે ગામ બહાર વિકસતા વિસ્તારોમાં કેબિન નાંખીને બેઠેલા એક-બે દરજીઓનાં નામઠામ આપ્યાં.
‘વ’ વર્ણ સળંગ બે વખત પ્રયોજાયો છે.
રિક્ષા કરીને તેમાં પાટલૂનોનું પોટલું નાખીને તે ત્યાં ગઈ.
અહીં, ‘પ’ વર્ણ ક્રમિક બે વખત પ્રયોજાયો છે.
આ નવી નિમણૂક કહેવાય એટલે નવો જ પગાર આપવો જોઈએ.
‘ન’ વર્ણ અહીં કુલ ત્રણ વખત આવર્તન પામે છે.
આ સિવાય- ‘…આ તો તમે ઘરના જ કહેવાય એટલે ચા મુક્યો છે.’ અહીં, લિંગ વક્રતા સધાય છે. સામાન્ય રીતે નારી જાતિમાં પ્રયોજાતી ચા અહીં નરજાતિમાં પ્રયોજાઈ છે.
અન્ય એક લેખ છે – ‘અતિનમ્રતા’! ‘નમ્રથી વધે ઉમ્ર’ પર બોલનાર વ્યક્તિની તુમાખી કઈ ઓછી નથી હોતી, એ વાત વિદ્યાર્થી અવસ્થાથી જ આપણને ખબર પડી જાય છે. આ વાત અહીં હળવા અંદાજમાં મૂકાયેલી છે. એ પહેલાંનો સમય હશે કે, જયારે બે સાઇકલસવાર અથડાય ત્યારે તેમના વાણીવર્તન પરથી તેમના સંસ્કારોનો ખ્યાલ આવતો હોય. આજે તો એ સમય છે કે, તેમન વાણીવર્તન પરથી તેમની ‘પહોંચ’નો ખ્યાલ આવે છે. જે રીતે દરેકને માટે કપડાંનું માપ અલગ હોય તેમ વ્યક્તિએ વ્યક્તિએ કાયદો લાગુ થવાની તીવ્રતા પણ અલગ હોય છે. જુદા જુદા સદગુણોની પ્રતીકાત્મક મૂર્તિ બનાવવી હોય તો ‘અતિનમ્રતા’ની મૂર્તિ મૌન અને બહેરી જ બનાવવી પડે- આ વિધાન ઘણું સૂચક છે અને તે ગાંભીર્યની સાથે-સાથે મરક-મરક હાસ્ય પણ જન્માવે છે.
આ લેખમાં સમાવિષ્ટ વ્યંજનાવિન્યાસ વક્રતાને સોદાહરણ સમજીએ-
મારો શ્રવણદોષ હોય કે પછી આચાર્યશ્રીના આત્માનો અવાજ હોય પણ મને તો ‘સુંદર’ની જગ્યાએ ‘ગુંદર’ શબ્દ જ સંભળાયો.
અહીં ‘અ’ વર્ણ ક્રમિક ત્રણ વખત આવર્તન પામે છે.
ઊર્મિના ઊભરા ગાળો વાટે બહાર કાઢવા પણ પેલો માણસ મારી સામે હસતો જ રહ્યો.
વાક્યના પૂર્વાર્ધમાં ‘ઊ’ વર્ણ બેવડાતો જોઈ શકાય છે.
મને તરત જ ખ્યાલ આવ્યો કે મહાન પુરુષો એકાંતમાં આત્મ-નિરીક્ષણ કરવા બેસતા હશે ત્યારે વિચારો કરતા કરતા એમની ભૂલો એમને સમજાતી હશે અને ત્યારે પોતે જ પોતાના પર આજ્ઞા ચલાવીને કાનની બૂટ વારંવાર ખેંચી લેતા હશે, અને તેના પરિણામે જ એમના કાન ખેંચાઈને લાંબા થઈ જતા હશે.
અહીં, ‘અ’ વર્ણ સમયાંતરે આઠ વાર પુનરવર્તન પામે છે.
તેમજ, ‘રૂમમાં એ કંઈ લખી રહ્યા હતા એટલે બહુ જ વિનમ્ર પગલે મેં પ્રવેશ કર્યો’- અહીં પ્રયોજાયેલ ‘વિનમ્ર’ શબ્દ ઉપસર્ગ વક્રતાનું દૃષ્ટાંત છે. તે ઉપરાંત, ‘અહિંસાને બહાને કાયરતાને પોષવી એના કરતાં હિંસા દ્વારા પણ મર્દાનગી બતાવવી વધુ સારી’ આવું એક સુવાક્ય મારી નજરે પડ્યું- અહીં પણ ‘સુવાક્ય’ શબ્દ ઉપસર્ગ વક્રતાને છતી કરે છે, જેમાં ‘સુ’ એ ઉપસર્ગ છે.
‘ભોજનનો મહિમા’- ભોજન એટલે શું? ભોજન એટલે માણસને માણસ બનાવી રાખતી પ્રવૃત્તિ. જાતભાતના માણસોથી આ પૃથ્વી બાકીના ગ્રહોથી અલગ પડે છે પણ તમામને એક વાત સરખી રીતે સતાવે છે- ભૂખ! આ લેખમાં શુદ્ધ હાસ્યરસ તેની ઉત્કૃષ્ટ અવસ્થાએ છે, એમ કહી શકાય. જો ‘ભોજન’ની ક્રિયા ન હોત તો માણસની દુનિયા કેટલી અલગ હોત! ‘ખાયા-પિયા સબકુછ ઔર દેશ કો ઘાટે મેં ઉતારા લાખો કે’ ના ધોરણે દંગાફસાદ, લૂંટફાટ, ખૂન કરીને તમામ અનીતિઓને પૂર્ણ નીતિવાન રીતે લાગુ કરીને આવેલા રાજકારણીઓ ‘શિખર સંમેલન’, ‘સમિટ’ વિ.ના નામે જેની યજમાન પ્રજા છે, તેવી મિજબાની કરવા તો જાય છે. બાકી આટલા વર્ષો થયા; ભારત-પાક, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન, ગરીબ-અમીર વગેરે નામ’ચીન’ વિવાદો અણઉકલ્યા કેમ રહે? ઘણાં ઉપવાસો ભવિષ્યના ‘છપ્પન ભોગ’ના દરવાજા તરીકે પણ થતાં હોય છે. લેખનો અંત શાંતરસ સાથે સમાપન પામે છે- ‘ભૂખ્યા જનોની જઠરાગ્નિ’ એ ઈશ્વર માટે છપ્પન ભોગથી વિશેષ છે.
વાત હવે વક્રતાની કરીએ તો, ‘ધીમે ધીમે ગવૈયો જેમ ગાવામાં તેમ ખવૈયો ખાવામાં ગુલતાન થઇ જાય છે.’- અહીં ‘ગ’ વર્ણ ત્રણ વખત અને ‘ખ’ વર્ણ સળંગ બે વાર આવર્તન પામતા વર્ણવિન્યાસ વક્રતા નિષ્પન્ન થાય છે. તેમજ-
જગતમાં ‘રામરાજ્ય’ ફેલાવવા મથતા રાજદ્વારી નેતાઓ એક બીજા માટે ભોજન સમારંભ રચીને જ મંત્રણા કરે છે.
ઉપર્યુક્ત વિધાનમાં ‘ર’ વર્ણ ત્રણ વખત પ્રયોજાયો છે.
…રસોઈ પાછળ જીવનની અમૂલ્ય પળો હોમી દઈને સ્વૈચ્છિક શહીદી નોંધાવતી સ્ત્રીઓને પણ ખૂબ રસ પડે.
અહીં, ‘સ/શ’ વર્ણ ત્રણ વખત આવે છે.
આજકાલ યુવાનોમાં જેટલી બેકાળજી વધતી જાય છે એટલી જ બેકારી પણ વધતી જાય છે.
અહીં ‘બ’ વર્ણ બેવડાય છે.
ઉપરાંત, ‘ઓડકારને બદલે એવો સુંદર ઉદગાર એના શ્રીમુખેથી નીકળી પડ્યો હશે’- અહીં ‘શ્રીમુખ’ શબ્દ ઉપસર્ગ વક્રતાનો પુરાવો છે. તેમજ ‘પરદેશથી આવેલા એક સામ્યવાદી મિત્ર મને એક વાર મળવા આવ્યા’- અહીં, ‘સામ્યવાદી’ એ વિશેષણ વક્રતાનું દૃષ્ટાંત છે.
અન્ય એક લેખ છે- ‘વર અને વહુ’. આ સંસારનો સાર માત્ર એક જ વાક્યમાં કહેવો હોય તો એમ કહી શકાય કે, આ દુનિયામાં સુખ પતિની પત્નીને ખુશ રાખવાની આવડત પર ટકેલું છે. આ હાસ્યલેખમાં લગ્નજીવનનાં એ જ પ્રસંગોને શબ્દ આયનો ધરાયો છે. પશ્ચિમમાં લગ્નો કરાર સ્વરૂપે અને અહીં તકરાર સ્વરૂપે નિભાવાય છે- આ વાક્યમાં પ્રેમીને પ્રેમિકાની આંખોમાં દેખાય તેવી જ ઊંડાઈ છે.
‘વ્હાલા’, ‘વ્હાલી’ થઈને થતું સંબોધન લગ્ન બાદ લાંબા સમય સુધી ચાલતું નથી કારણકે, નવું આવતું બાળક ‘આલી રે આલી, આતા માજી વારી આલી’ના ધોરણે વ્હાલા અને વ્હાલીમાંથી ‘વ્હાલ’ પોતાના માટે લઈ લે છે અને પછી એ બેહાલ થઈ ગયેલા શબ્દો ‘સાંભળો છો?’ની ખાલ પહેરીને આજીવન મંડરાય છે. એક તરફ લગ્નજીવનની વાત વાત્સલ્ય રસનો અનુભવ કરાવે છે (ભરતમુનિ નિર્દેશિત નવ રસો ઉપરાંત રાજા હરિપાલ વાત્સલ્ય રસને પણ રસમાં સ્થાન આપે છે, તે શાંત રસની જેમ જ અનુગામી ઉમેરણ છે) તો બીજી તરફ નજીવી બાબતમાં થતાં છૂટાછેડા દામ્પત્ય જીવનમાં સર્જાતી મીઠીમાંથી ખાટી બની જતી ખટપટ કરુણ+હાસ્ય રસનો અનુભવ કરાવે છે.
‘વર અને વહુ’ શીર્ષકમાં જ વર્ણવિન્યાસ વક્રતા છે. કારણ કે, ‘વ’ વર્ણ બે વખત આવર્તન પામે છે. એ સિવાય-
મારા એક મિત્રે રોજ મારી પાસે નીતનવો કોયડો લઈને આવે છે.
અહીં ‘મ’ વર્ણ કુલ ત્રણ વખત આવર્તન પામે છે.
…મિત્રપત્નીની રસોઈ-શૈલી રહસ્યભરી નવલકથાના લેખક જેવી હોય છે.
આપણે જોઈ શકીએ છે કે, ‘ર’ વર્ણ ક્રમિક બે વખત પ્રયોજાયો છે.
પરિણામે જે વારે મિષ્ટાન્ન રંધાવાનું હોય તે વારે જ મહેમાનોની સંખ્યા વધવા લાગી.|
થોડા-થોડા અંતરે ‘મ’ વર્ણ બે વખત આવર્તન પામે છે.
માટે હવે રથનાં નહિ પણ સાયકલનાં બે પૈડાંની ઉપમા આપવી વધુ ઉચિત છે, કારણકે પાછલાં પૈડાની પેઠે ગૃહિણીએ તો ગૃહભાર સહીને ફક્ત જીવનમાર્ગનું માર્ગદર્શન કરાવતાં આગલાં પૈડાં સમા પતિને જ અનુસરવું પડે છે.
ઉપર્યુકત વિધાનમાં ‘ઉ’ અને ‘ગ’ (‘ગૃ’નો ‘ગ’ વર્ગમાં સમાવેશ કરતા) વર્ણ બે-બે વાર આવે છે અને ‘પ’ વર્ણ થોડા-થોડા અંતરે કુલ સાત વાર પુનરાવર્તન પામે છે.
અલબત્ત આગલું પૈડું અસ્થાને જતું ન રહે એ પુરતી બ્રેક તો પાછલાં પૈડાંને જ હોવી જરૂરી છે.
અહીં વાક્યના પૂર્વાર્ધમાં ‘અ’ વર્ણ ત્રણ વખત આવર્તન પામે છે.
‘આનંદમેળામાં કેટલીક વાર આપણને કેટલાંક આપ્તજનો ભટકાઈ જવાનો સંભવ રહે છે.’
‘અ’ વર્ણ સમયાંતરે કુલ ત્રણ વખત આવર્તન પામે છે.
તે સિવાય, ‘પણ વખત જતા ‘ઘોડિયા’નો પ્રવેશ થાય છે અને ‘વર’ શબ્દ દૂર ને દૂર થતો જાય છે’- આ વિધાનમાં આવતો ‘ઘોડિયા’ શબ્દ રૂઢિવૈચિત્ર્ય વક્રતાનું દૃષ્ટાંત છે. અહીં, ‘ઘોડિયા’ શબ્દ તેના કોશગત અર્થ હીંચકો કે ઝૂલોના અર્થમાં નથી પરંતુ શિશુના અર્થમાં પ્રયોજાયો છે.
‘સગાંએ નાણાં માગ્યાં’ પણ એક રસસભર લેખ બની રહ્યો છે. અમુક લોકોના મતે સગાં એટલે (નાણાંની) સગવડ કરી આપે તે. કમનસીબે, પ્રદ્યુમ્ન જોષીપુરા એ હદે સગાઓ દ્વારા છૂટથી ઉપયોગ થતી MUDRA યોજનામાં ફસાય ગયા છે કે તેમની મુખ’મુદ્રા’ જ બદલાય ગઈ છે! મરક-મરકથી લઈને ખડખડાટ હાસ્ય સુધીની સફર આ લેખમાં કરી શકાય છે. લેખમાં પ્રયોજાયેલું એક વિધાન- ‘પરિણામે આપણે ભાગે તો વિદ્યાપીઠોમાંથી નીકળ્યા પછી એ નિરર્થક જ્ઞાનનું પોટલું ઉંચકીને ફર્યા કરવાનું જ રહે છે.’- ખૂબ ગહન છે, જ્યાં થોડીક ક્ષણો હાસ્યરસ એ કરુણરસના આવરણ નીચે છુપાઈ જાય છે.
નાણાં માંગવા આવનાર વ્યક્તિ જાણે ભગવાનને ય હરાવી નાણાં આપી દેશે એવી વાતો કરતો હોય છે. બે ઘડી એમ થાય તે રઘુકૂળમાંથી તો નથી ને? અને એ જ વ્યક્તિ પાસે નાણાં પાછા માંગવા જઈએ ત્યારે બિલકુલ બીજો જ ચહેરો જોવા મળે. માનવ સ્વભાવની ખાસિયતો અને ખાસ તો મસ્કા મારવા પાછળ છુપાયેલી ચાલાકી ભાવકને વિસ્મયતાનો અનુભવ કરાવે છે, જેમાંથી અદભૂત રસ પ્રગટે છે. અંતમાં સર્જકની ઈચ્છા છે કે, મને તિજોરી નહીં પણ માણસ સમજીને તેઓ મળવા આવે- એ તેમની વ્યથાને ઉજાગર કરે છે અને ઈશ્વર તેમને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના શાંત રસ જન્માવે છે. એક સમય આવે કે પછી આવા ‘સગા’ઓથી ‘સૂગ’ ચઢવા લાગે અને આપણને મધ્યસ્થ બેન્ક સમજતા લોકોને હાંસિયામાં નાખી દેવાનું મન થાય. વક્રોક્તિ-વૈવિધ્યની રીતે પણ આ લેખ ધ્યાનાર્હ બની રહે છે.
‘જો એ ધંધામાં સફળતા નહિ મળે તો છેવટે લોકો મને કાયર કહે તો પણ તમારી માફક નોકરું કરીને ગુલામી વેઠીને પણ તમારાં નાણાં દૂધે ધોઈને આપી જઈશ’- આ વાક્યમાં ઉલ્લેખિત ‘નોકરું’ શબ્દ લિંગ વક્રતાનું ઉદાહરણ છે, જે પદપૂર્વાર્ધ/પ્રકૃતિ વક્રતાનો એક પેટાપ્રકાર છે. સામાન્ય રીતે નારીજાતિમાં પ્રયોજાતા નોકરી શબ્દને અહીં નાન્યતર જાતિમાં સુચવાયો છે, માટે લિંગ વક્રતા સ્પષ્ટ થાય છે.
તે સિવાય, ‘અંદર જઈને જોયું તો મોટા ઢોલિયા પર એ બિરાજેલા, આજુબાજુ દવાઓના અને ફળફળાદિના ગંજ ખડકેલા મેં જોયા.’- અહીં આવતો ઢોલિયા શબ્દ પર્યાય વક્રતાનું પ્રમાણ છે. વર્ણનને અનુરૂપ પલંગ/ખાટલા જેવા તેના પર્યાયો કરતાં ઢોલિયો શબ્દ જ વધુ બંધબેસતો જણાય છે. ‘…ધંધો માંદો પડી જાય ત્યારે પણ લોકો ધંધાની ખબર કાઢવા જાય ત્યારે પણ લોકો ધંધાની ખબર કાઢવા જાય છે તે જાણી મને સાનંદ આશ્ચર્ય પણ થયું!’- અહીં ‘સાનંદ’ શબ્દ થકી ઉપસર્ગ વક્રતા બને છે તેમજ ‘નાઈધર બોરોવર નોર લેન્ડર બી’ આવું સુવાક્ય શેઈકસ્પીયર કઈ રીતે લખી શકે છે?- અહીં પ્રયોજાયેલ ‘સુ’વાક્ય શબ્દ ઉપસર્ગ વક્રતાનું પ્રમાણ છે.
તેમજ, મૂળ કથારસને પોષક બનાવવા અહીં સર્જકે હેરોલ્ડ લાસ્કીના જીવનમાં બનેલ એક પ્રસંગ ટાંક્યો છે, જે મૂળ કથાનકને વેગ આપનારો બન્યો છે. ત્યાં પ્રબંધ વક્રતાના એક પેટાપ્રકાર એવા કથાવિચ્છેદ વક્રતાનો પુરાવો છે. હવે આપણે આ લેખમાં નિહિત વ્યંજનાવિન્યાસ વક્રતાના ઉદાહરણો નોંધી લઈએ-
એ જ રીતે આપણા પર આવતી આપત્તિઓનું સર્જન પણ આપણી સહાનુભૂતિનો ગેરલાભ ઉઠાવવાની લોકોની વૃત્તિના બે ભાગ અને આપણા ‘અહંમ’ના એક ભાગને લીધે જ થતું હોય છે.
આપણે જોઈ શકીએ છે કે, ‘અ’વર્ણ કુલ આઠ વખત (અંતમાં ક્રમિક ચાર વખત) અને ‘સ’ વર્ણ બે વખત આવર્તન પામે છે.
…મસ્કાને મશ્કરીના સૂરમાં ભેળવતાં બોલ્યા: ‘ભાઈ! આ ગામમાં લૂંટવા જેવા બે જ સ્થળો છે, એક છે બેંક અને બીજું તમારું ઘર.’
અહીં ‘મ’ વર્ણ ક્રમિક બે વાર પ્રયોજાયો છે.
તેમના માતુશ્રી એકાએક કેવી રીતે માંદાં પડી ગયાં છે અને પોતે નાણાકીય રીતે કેટલા બધા મૂંઝાઈ ગયા છે તે વાત અમને મૂંઝવી નાખે એટલી સવિસ્તાર વર્ણન સાથે કરી.
થોડા-થોડા અંતરે ‘મ’ વર્ણ અહીં ચાર વખત પ્રયોજાયો છે.
પૈસાનો પ્રશ્ન નથી પણ મારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
અહીં ‘પ’ વર્ણ (‘પ્ર’નો ‘પ’ વર્ગમાં સમાવેશ કરતા) કુલ પાંચ વખત (વાક્યના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં ક્રમિક બે-બે વાર) આવર્તન પામે છે.
તે બોલ્યા, ‘ના, સહિષ્ણુના, સાહસિકના, સમજ્યા?’
‘સ’ વર્ણ સળંગ ત્રણ વખત આવર્તન પામે છે.
જીવનરૂપી બેટરી બેસી જતી લાગે ત્યારે કોઈને કોઈ પ્રકારનો જાપ જપીને તેને ચાર્જ કરી લેવાની ઘણાંને ટેવ હોય છે.
અહીં ‘બ’ વર્ણ બે વખત અને ‘જ’ વર્ણ ત્રણ વખત આવે છે.
દૂધનાય ડચૂરા વળે એવા દુઃખના દિવસો આવી ગયા છે.
ઉપર્યુક્ત વિધાનમાં ‘દ’ વર્ણ કુલ ત્રણ વખત આવર્તન પામે છે.
પણ વારંવાર પૈસા માગતાં સગાંઓના સંપર્કમાં આવ્યા પછી મને સમજણ પડે છે…
‘સ’ વર્ણ અહીં ત્રણ વાર પ્રયોજાયો છે.
આ પુસ્તક કૌંસપ્રયોગ, વિષયવૈવિધ્ય, ભાષાશૈલી, શીર્ષક ઔચિત્ય અને કહેવત-રૂઢિપ્રયોગોની રીતે જોતા પણ આકર્ષક બન્યું છે.
‘વંદે હાસ્યમ’ના હાસ્યલેખોમાંથી હાસ્ય સહજ રીતે સ્ફૂરે છે. સર્જકે મારીમચેડીને હાસ્ય નિષ્પન્ન કરવાનો કૃત્રિમ પ્રયાસ કર્યો નથી. અહીં માત્ર શુદ્ધ અને સહજ હાસ્યરસને જ સ્થાન છે. માટે જ, લેખના શીર્ષકમાં નોંધ્યું છે તેમ, ‘વંદે હાસ્યમ’ એ હાસ્યસાહિત્યનું ‘ફ્રૂક્ટોઝ’ (FRUCTOSE - C6H12) છે. ફ્રૂક્ટોઝ એ સૌથી મીઠી કુદરતી મીઠાશ છે, જે ફળો અને મધમાંથી જ પ્રાપ્ત થાય છે. તે જ રીતે અહીં પણ સાહજિક રીતે ભાવક હાસ્યરસમાં રમમાણ બને છે.
[‘વંદે હાસ્યમ’: પ્રદ્યુમ્ન જોષીપુરા, અરુણોદય પ્રકાશન-અમદાવાદ, પ્ર.આ.: મે, ૨૦૦૪, મૂલ્ય: ૬૫]