‘બીડી બુઝાતી નથી’ અને ‘અંધારા’: એક તુલનાત્મક અભ્યાસ
ઘરનો મોભી પુત્રવધૂ પર નજર બગાડે અને સગા બાપના આવા કાળા કરતૂત સામે દીકરો એક હરફ પણ ન ઉચ્ચારી શકે ત્યારે જે લાચારી અનુભવે તેનું ચિત્રણ રાધેશ્યામ શર્માની ‘ઘટના તરીકે ખોં ખોં’, કિરીટ દૂધાતની ‘ભાય’, જયેશ ભોગાયતાની ‘બીડી બુઝાતી નથી’ તથા પ્રભુદાસ પટેલની ‘અંધારા’- આ ચારેય વાર્તામાં જોવા મળે છે. આ પ્રકારનું આલેખન ભાવકને આઘાત આપે છે. સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે આ ચારેય વાર્તાકારોએ આપણા અન્યાયી અને શોષણખોર કૌટુમ્બિક સંબંધોને નિરૂપ્યા છે. આવા વડીલો એ આપણી કુટુંબ વ્યવસ્થાની કાળી બાજુ છે. આ વાર્તાઓ વાંચતાં પ્રાચીન ભારતીય કથાનું યયાતિનું પાત્ર યાદ આવી જાય. બબ્બે પત્ની અને પાંચપાંચ પુત્રો હોવા છતાં યુવાન પુત્રનું યૌવન ખુંચવી લેનાર યયાતિના જ વંશજો હોય તેવા વડીલો આ વાર્તાઓમાં રજૂ થયા છે.
વિષય એક જ હોવા છતાં કથનકેન્દ્રની પસંદગી અને નિરૂપણરીતિમાં રહેલા વૈવિધ્યને કારણે આ વાર્તાઓ એકમેકથી જુદી તરી આવે છે. ‘ઘટના તરીકે ખોં ખોં’માં મિશ્ર કથનકેન્દ્ર છે. ‘ભાય’માં ભોળાની વેદના તેના મિત્ર કાળુના મુખે કહેવાઇ છે. ‘બીડી બુઝાતી નથી’માં ‘હું’નું કથનકેન્દ્ર છે, જ્યારે ‘અંધારા’માં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે.
જયેશ ભોગાયતા નવલિકા સ્વરૂપના અભ્યાસી છે. તેમની આ ઊંડી સૂઝનો લાભ વાર્તાકાર જયેશ ભોગાયતાને પણ મળ્યો છે તેની પ્રતીતિ તેમના વાર્તાસંગ્રહ ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’માંથી પસાર થનાર દરેક ભાવકને થાય. ‘બીડી બુઝાતી નથી’એ તેમની પ્રથમ વાર્તા છે. આ વાર્તા ‘શબ્દસૃષ્ટિ’ સામયિકમાં (ફેબ્રુઆરી ૧૯૮૬) પ્રગટ થઈ હતી. પ્રથમ વાર્તા હોવા છતાં કથનકેન્દ્રની પસંદગી અને પરિવેશને કારણે આ વાર્તા નોંધપાત્ર બની છે.
‘બીડી બુઝાતી નથી’માં કથક નાનાનો લાડકવાયો દોહિત્ર સુનીલ છે. તેની બાળપણની સ્મૃતિઓમાં સ્નેહાળ નાનાનું ચિત્ર સચવાયેલું છે. સુનીલ નાનાનું વિકૃતરૂપ મામી સાથેના જાતીય સંબંધોમાં જુએ છે. સુનીલ દોહિત્ર પણ છે અને કરશનમામાનો ભાણો પણ છે. નાનાનાં બે ભિન્ન રૂપોનો સંવેદનશીલ એવો સુનીલ સાક્ષી છે. આ બેવડા સગપણના કારણે સુનીલ સંત્રાસ અનુભવે છે. તેથી તે ડેલીની સાંકળ ખખડાવતા અચકાય છે. વાર્તાના આરંભથી નાનાનો સ્નેહ, નાનીની યાદો તથા નાનાની વિકૃતિ અને મામાની વ્યથા- આ બે અંતિમો વચ્ચે તીવ્ર ભીંસ અનુભવતો સુનીલ જોવા મળે છે. અહીં જો કથક તરીકે કરશનમામા હોત તો માત્ર મામાની જ વેદના રજૂ થઈ શકત. કથકની પસંદગીના કારણે આ વાર્તા સંકુલ બની છે. સુનીલના બાળમાનસમાં સચવાયેલી પ્રેમાળ નાનાની છબી વાસ્તવિકતા જાણ્યા પછી તૂટે છે અને તેની અસર સુનીલના સંવેદનશીલ માનસ પર શી થાય છે તે આ વાર્તાકાર દર્શાવે છે. એટલે કે, સુનીલને થયેલા સંત્રાસની અનુભૂતિ આ વાર્તાના કેન્દ્રમાં છે. વાર્તાનો આરંભ જુઓ:
‘ડેલીનું ઝીણું અંધારું બદામનાં પાંદડાઓને ધ્રુજાવતું હતું. ખીલા પાસે સૂકું ઘાસ વેરાયેલું હતું. પથ્થરોના ઢગલા પર કપડાં સુકાતાં હતાં. બંધ ઘરની અંદર વાસણ ખખડવાનો આછો અવાજ આવતો હતો. તુલસી વગરના ક્યારામાં છાપાંના કાગળો પીળા પડી ગયા હતા. બસમાંથી ઊતર્યા બાદ ઘર સુધી આવતાં મેં પાણી વગરના કૂવા જેવા બે-ત્રણ ચહેરા જોયા, જાણે તરસ્યા પથ્થરો! થોડું બોલવાની ઇચ્છા થઇ પણ મારી જીભ પર વિચિત્ર ચીકણો પદાર્થ બાઝી ગયો હતો. ગબડતા પથ્થરની જેમ ઘર તરફ આવ્યો. ત્યાં ફળિયું મને ભોંકાતું રહ્યું.’ (પૃ.૧૩)
વાર્તાકારે નાયકની ભીંસ દર્શાવવા માટે પરિવેશનો સર્જનાત્મક વિનિયોગ કર્યો છે. ‘સૂકું ઘાસ’, ‘તુલસી વગરનો ક્યારો’, ‘પાણી વગરના કૂવા જેવા ચહેરા’- ભીનાશનો અભાવ દર્શાવે છે. નાયકનું ગબડતાં પથ્થરની જેમ આવવું અને ફળિયું ભોંકાતું લાગવું તેની ભીંસ દર્શાવે છે.
વાર્તાકારની એક અન્ય વિશેષતા તે સમય નિરૂપણ. આ વાર્તામાં સાયકલની ઘંટડીના રણકારથી સુનીલની બાળપણની સ્મૃતિઓ જીવંત થઈ ઉઠે છે. આ સ્મૃતિજગત કેવું છે? તેમાં છે પ્રેમાળ નાના. સુનીલને ખભે બેસાડતા, શિયાળાની કડકડતી ઠંડીમાં તેને હેતથી ગરમાગરમ ચા પીવડાવતા અને નાનીની ચાનો સ્વાદ યાદ કરતા નાના. આ સુંદર સ્મૃતિઓ હોવા છતાં સુનીલ શાથી બારણું ખખડાવતાં અચકાય છે એવો પ્રશ્ન થાય. કોઈક ઉતાવળિયો વાચક એમ માની લે કે કદાચ નાના હયાત નહીં હોય. બારણાની આ તરફ મધુર સ્મૃતિઓ છે અને પેલી તરફ છે બીભત્સ વાસ્તવ. બારણું ખુલતાંવેંત આ સ્મૃતિઓ છિન્નભિન્ન થઈ જશે એ સત્ય સુનીલ જાણે છે માટે જ બારણું ખખડાવતાં અચકાય છે. ઘરમાં પ્રવેશતાં સુનીલને દીવાલો ચૂમી લેતી લાગે છે.
મામી અને સુનીલ વચ્ચેનો એક સંવાદ સૂચક છે.
સુનીલ : નાનાબાપુને કેમ છે?
મામી : બોલવામાં તકલીફ ખૂબ જ પડે છે. બોલે છે ત્યારે બહુ સમજી શકતી નથી. તમારા મામા તો બસ આખો દિવસ બીડી ફૂંક્યા કરે છે ને ચા પીધા કરે છે. (પૃ. ૧૫)
મામીના જવાબમાં રહેલી વિસંગતિ સૂચક છે. નાનાની તબિયતની સાથે મામાની અવસ્થાનો ઉલ્લેખ મહત્ત્વનો બની રહે છે. મામા અને નાના જે રીતે સુનીલને આવકારે છે તે પણ જોવા જેવું છે. મામા સુનીલને બેબાકળી આંખે ઘુરકીને જુવે છે જ્યારે નાના તેને પ્રેમથી આવકારે છે અને ભેટીને રડે છે. મામાનું આ પ્રકારનું વર્તન વાચકની જિજ્ઞાસા સંકોરે છે. સુનીલને ઊંઘ આવતી નથી. તે ફાનસના ઝીણા અજવાળામાં આસપાસની સૃષ્ટિને જોયા કરે છે. આ વાર્તામાં પરિવેશ અગત્યનું તત્ત્વ છે.
‘અર્ધખુલ્લા બારણામાંથી મેં મામીના લંબાયેલા શરીરને જોયા કર્યુ. વળગણી પર મામીનાં કપડાં લટકતાં હતા...અર્ધખુલ્લા બારણામાંથી મામીના કપાળ પર પડતાં આછા અજવાસમાં ચાંદલાને જોયો. ખાલી પાણિયારાની નીચે બુઝાયેલી બીડીના ઢગલા વચ્ચેથી દુર્ગંધ ધીમેધીમે આખા ફળિયામાં પ્રસરવા લાગી...ઉપર છતને તાક્યા કરી. કૂવાના તળિયા જેવી છત લાગી...ડેલીનો સૂસવતો અંધકાર મને ભીંસતો રહ્યો.’ (પૃ.૧૬-૧૭)
મામીનો માંસલ હાથ, તેમનાં ઝાંઝર અને વસ્ત્રોનો ઉલ્લેખ-મામી એ ઘરની વહુ નહીં પણ ઉપભોગનું સાધન માત્ર છે એ તરફ ઇંગિત કરે છે. બીડીની દુર્ગંધનો ઉલ્લેખ એક સાથે બે બાબત સૂચવે છે: મામાની મૂક વ્યથા અને નાનાની વિકૃતિની દુર્ગંધ. ‘કૂવા જેવી છત’ એ ઉપમા સુનીલની ગૂંગળામણ દર્શાવે છે. માત્ર ગૂંગળામણ જ નહીં સુનીલના મનમાં ઊઠતા અને અનુત્તર રહેતા પ્રશ્નો પણ સૂચવાય છે. મામીના ઝાંઝરના અવાજની સમાંતરે મામાની ઉધરસનો ઉલ્લેખ મામાની દયનીય દશાને તીવ્રતાથી ઉપસાવે છે. ધ્વનિ અને દૃશ્યના સાયુજ્યથી વાર્તાકાર આ આખી સંકુલ પરિસ્થિતિની અનુભૂતિ ભાવકને કરાવે છે.
બીજા દિવસે સવારે કરશનમામા આખી રાતના બીડીનાં ઠૂંઠા ભેગાં કરીને બહાર ફેંકી આવે છે. સુનીલ નાના સાથે ઝઘડી બેસે છે અને કહે છે, ‘તમારું મોત થશે ત્યારે હું તમને યાદ નહિ કરું! મારે મન તમે કરશનમામાની હત્યા કરી છે.’ (પૃ.૧૭) આટલું બોલીને તે મામાના હાથમાં દસની નોટ મૂકી, ઘરની બહાર નીકળી જાય છે. રસ્તા ઉપરથી ઘર તરફ જુવે છે તો નાના બારીમાં ઊભા હોય છે. સુનીલને બારીના સળિયાને લીધે ‘તેમની આંખો જાણે કે ટુકડા કર્યા હોય’ તેવી લાગે છે. ખીજાયેલો સુનીલ લાઇટર ખરીદે છે અને મનોમન વિચારે છે કે મામાએ કેમ કશું સળગાવ્યું નહિ હોય?
વાર્તાકારે પરિવેશનો ખૂબીથી ઉપયોગ કર્યો છે. વાર્તાના આરંભમાં આવતો નગરજીવનનો નિર્જીવ પરિવેશ સુનીલની વિષાદમય ચેતનાને રજૂ કરે છે.
‘ઉઘાડ-બંધ થતા શોપિંગ સેન્ટરના દરવાજામાંથી આવ-જા કરતા લોકો રસ્તા પર આવીને જુદા પડી જાય છે ને હું મારી સાયકલને બ્રેક મારી દઉં છું... અસંખ્ય હાથથી નિર્જીવ થયેલા છાપા પર ચાનો કપ મૂકી દઉં છું. છું. આખો દિવસ સતત ઢોળાયા કરતા પાણીમાં ટાયર ચોંટી જાય છે. કાદવ સાયકલના પંખામાં ફસાઈ જતાં થોડીવાર ખચકાઈ જાઉં છું.’ (પૃ.૧૩)
જીવનની અર્થહીનતા અનુભવતો સુનીલ નગરજીવનથી કપાયેલો છે તેનો ખ્યાલ ઉપરોક્ત વર્ણન દ્વારા મળી રહે છે. અહીં યાદ રાખવું રહ્યું કે આ વર્ણન સુનીલની દૃષ્ટિએ થયું છે. ઘરનો પરિવેશ અને તેમાં વાર્તાકારે મૂકેલાં સંકેતો સુનીલની ભીંસને અને મામાની વ્યથાને વળ ચઢાવે છે. ખાલી પાણિયારું, તુલસી વગરનો ક્યારો, બીડીની દુર્ગંધ જેવાં સંકેતો ભાવક ચેતનાને સક્રિય કરે છે. ખાલી પાણિયારાને અઢેલીને સૂતેલા મામાના જીવનમાં પણ ખાલીપો છે. તુલસી વિનાનો ક્યારો નાનાની વાસનાનું સાધન બનેલી મામીની દશા તરફ સંકેત કરે છે. પારંપરિક રીતે તુલસી પવિત્ર ગણાય છે. આ ઘરમાં તુલસી નથી એ ઉલ્લેખ અહીં વિકૃતિ છે એમ સૂચવે છે. સગા બાપ સામે લડી ન શકનાર કરશનમામાની બીડી પીવાની ચેષ્ટા તેમના વંધ્ય આક્રોશને રજૂ કરે છે. તેમણે ધુમાડો જ પીધા કર્યો છે. બીડી મામાના બિચારાપણાને, લાચારીને રજૂ કરે છે.
મામાએ શા માટે વિરોધ ન કર્યો? મામીએ શા માટે આમ કર્યુ? મામીની મરજી હતી કે સસરાની વાસનાનો ભોગ બનવું પડ્યું? ચીલાચાલું વાર્તામાં આ બધા પ્રશ્નોના ગળચટ્ટા ઉત્તર લેખક આપી દેતો હોય છે. આ વાર્તામાં આમ બનતું નથી. જે યોગ્ય છે કારણ કે, અહીં વાર્તાના કેન્દ્રમાં મામા કે મામી નથી પણ સુનીલ છે. તેની ભીંસ છે, અકળામણ છે, સંત્રાસ છે. આ બધાં પ્રશ્નો સુનીલને પીડે છે. પણ તેનો કોઇ ઉત્તર તેને મળતો નથી. આ નિરુત્તર પરિસ્થિતિ જે રીતે સુનીલને પીડે છે, એ પીડાની અનુભૂતિ વાર્તાકાર ભાવકને કરાવે છે. જીવન એટલું સરળ નથી કે બધાં પ્રશ્નોના ઉત્તર એમ જ સરળતાથી મળી જાય. આવા નિરુત્તર રહેતા સવાલો અને તે સવાલોના લીધે વેઠવી પડતી યાતના એ વાર્તાકાર જયેશ ભોગાયતાની અન્ય વાર્તાઓમાં પણ જોવા મળે છે. તેમની એક વાર્તાનું તો શીર્ષક જ છે ‘તેની પાસે કોઇ ઉત્તર ન હતો’. તેમની વાર્તાઓનું કેન્દ્ર જ આવી અનુત્તર સ્થિતિઓ છે. તેઓ પોતે જ વાર્તાસંગ્રહના નિવેદનમાં કહે છે,
‘અનુત્તર જ રહેતી સ્થિતિઓની અપાર મૂંઝવણો મેં અનુભવી છે. એ મૂંઝવણો મારી વાર્તાની સામગ્રી છે.’ (પૃ.૪)
પ્રભુદાસ પટેલની ‘અંધારા’ વાર્તા સસરા ખીમલાની ભડભડતી વાસનાથી હારી-થાકીને રૂપલી ભાગી જાય છે. એ જાણીને ખીમલો આખું ઘર માથે લે છે એ સનસનાટીભર્યા પ્રસંગથી શરૂ થાય છે. વાર્તાકારને કૃત્રિમ ઉત્સુકતા જગાવવામાં રસ નથી. તે તો બાબુ-રૂપલીની લાચારીને નિરૂપે છે.
વાર્તામાં કથનકેન્દ્ર સર્વજ્ઞનું છે. પાત્રોથી નિશ્ચિત અંતર જાળવવા છતાં જે રીતે કથક બાબુની વેદના, રૂપલીનો ભય, લાચારી નિરૂપે છે તે જોતાં કથકના સૂરમાં રહેલી બાબુ-રૂપલી તરફની સહાનુભૂતિ સુજ્ઞ ભાવક પામી શકે. તેનો અર્થ એ નથી કે તેઓ ખીમલાની પશુતાને બતાવવાનું ચૂક્યા છે. વાર્તાનું પ્રથમ વાક્ય જુઓ:
‘પંચાવન-સાઇઠ વરસેય આખલાની જેમ વરતી બેસતા ખીમલાની ગામના સહુ કોઇને ધાક વરતાતી.’ (પૃ-૧૨૨)
ખીમલાની પાશવિક વૃત્તિ ‘આખલાની જેમ’ ઉપમા વડે રજૂ થઈ છે. ઘરમાં આવતાવેંત તેનું પત્ની ધનીને ફટકારવું, બાબુને બેફામ ગાળો બોલવી- આ ક્રિયાઓ તેની હેવાનિયતને રજૂ કરે છે. આ વાર્તામાં પ્રભુદાસ પટેલે જે રીતે સમયની ગતિને આલેખી છે તે નોંધપાત્ર છે. બાપાની ત્રાડોથી થથરી ગયેલો બાબુ સંસ્મરણોમાં ખોવાઇ જાય અને એ રીતે રૂપલીનું પાત્ર વાર્તામાં પ્રવેશે. બાબુ-રૂપલીનું લગ્નજીવન, બાબુની જાતીયવૃત્તિ, તેને થયેલો ક્ષય, રૂપલીનું સ્ખલન, બાબુને સાજો કરવા મથતી રૂપલીની મથામણ, ફરી દારૂની લતે ચઢી જતો બાબુ, રૂપલી પર આળ ચઢાવતો બાબુ, રૂપલીના મોઢે સત્ય જાણ્યા પછી ઠરી જતો બાબુ- આ બધું જ અલપ-ઝલપ સ્મૃતિઓરૂપે બાબુના ચિત્તમાં ઝબકી જાય છે. બાપાની વિકૃતિથી ફફડી ગયેલી રૂપલી શી રીતે તેની સોડમાં ભરાઈ ગઈ હતી એ બાબુને યાદ આવે છે. રૂપલીએ આપઘાત કર્યો હશે તો? એ વિચારે બાબુ થથરી ઉઠે છે. માની રોકકળથી બાબુ સમજી જાય છે કે તેની બીક સાચી ઠરી છે. ગુસ્સે ભરાયેલો બાબુ દારૂ પીને, કુહાડો ઉઠાવી ઘર બહાર નીકળે ત્યારે લાગે કે હવે તો ખીમલાનું આવી બનશે. પણ થાય છે વિપરીત. બાબુ આંબા પર આડેધડ પ્રહારો કરે છે અને પછી ત્યાં જ ફસડાઈ પડે છે. વર્તમાન સમયમાં ખીમલાએ મૂકેલા તંગલાના કારણે ગામલોકો રૂપલીને ગુનેગાર માની રહ્યા છે. બાબુની સ્મૃતિઓ વડે લેખક રૂપલીની વ્યથા બતાવે છે. રૂપલી માટે મૃત્યુ એ જ એકમાત્ર છૂટકારો હતો તેની પ્રતીતિ આ સંસ્મરણો કરાવે છે.
આ વાર્તામાં પ્રયોજાયેલ ગદ્ય પણ સ-રસ છે. ક્ષયના રોગથી ખવાઈ ગયેલા બાબુડા માટે લેખક લખે છે, ‘બાબુડો દેડકાની જેમ હાંફી પડ્યો’. બાબુ ફરી દારૂની લતે ચડી જાય છે ત્યારે વાર્તાકાર લખે છે,
‘રોગના દાબમાં પીળુંપચ્ચ થઈ ગયેલું, ડાંગર જેમ દવાનો છાંટો મળી જતાં પાછું લીલુછમ્મ થવા થનગને તેમ બાબુની દેહવાડીમાંય થનગનાટ, પણ તેણે ઓચિંતો જ એવો પલટો માર્યો કે- રૂપલી માટે તો છેક ખળામાં આવી ગયેલું ડાંગર એમ ને એમ ભેળાઇ ગયું!’ (પૃ.૧૨૫)
રૂપલીની આશા, આકાંક્ષાઓ પર ફરી વળેલું પાણી ‘ખળામાં આવી ગયેલું ડાંગર ભેળાઇ ગયું’ આ શબ્દોથી સચોટ રીતે દર્શાવ્યું છે. તો ખીમલાની પકડમાંથી છૂટતી-ફફડતી રૂપલી બાબુની સોડમાં લપાઇ જાય છે ત્યારે લેખક લખે છે,
‘જાણે બિલાડાએ ઘવાયેલી કૂકડીને પાંજરાનો આશરો મળી ગયો હોય!’ (પૃ.૧૨૭)
‘વન્યરાગ’ની વાર્તાઓમાં પ્રભુદાસ પટેલે રચેલું ધ્વનિ અને દૃશ્યનું સાયુજ્ય ધ્યાન ખેંચે છે. આ વાર્તામાં પણ ધ્વનિ અને દૃશ્યનું સાયુજ્ય નોંધવા જેવું છે. રાત્રિના અંધકારમાં આંબા તળેથી આવતો ‘ખાક...થૂ’નો ધ્વનિ, તેની સાથે ચોપાડમાંથી આવતો ‘ખણણણ’ અવાજ અને તેની સાથે જ બાબુનું ‘ખાંવ...ખાંવ’- આ ધ્વનિઓ અંધારામાં ઊઘડતી ખીમલાની પશુતા, રૂપલીની જાતીયતા અને બાબુની લાચારીને સંયમિત, છતાં વેધક રીતે રજૂ કરે છે. આંબો ખીમલાના પૌરુષનું સૂચન કરે છે. આખી રાત આંબા નીચે સૂઈ રહેતો ખીમલો ખોંખારા કરીને રૂપલીને બોલાવે છે. અંધારામાં થતો આ ખેલ કુટુંબવ્યવસ્થાની અંધારી બાજુને રજૂ કરે છે. એ પણ નોંધવા જેવું છે કે બંને વાર્તાના લેખકોએ સાંજનો સમય પસંદ કર્યો છે. બાબુના શરીરમાં ક્ષયનું અંધારું, બાબુ-રૂપલીના દાંપત્યજીવનમાં અંધારું, અંધારામાં જ સળવળતી ખીમલાની વાસના અને અંધકારમાં જ મૃત્યુ પામતી રૂપલી. વાર્તામાં આરંભથી અંત સુધી અંધારું જ વ્યાપેલું જોવા મળે છે.
‘બીડી બુઝાતી નથી’ અને ‘અંધારા’- બંને વાર્તાઓનું એકસાથે વાંચન કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો ધ્યાન ખેંચે છે. બાબુ અને કરશન બંને બાપ સામે લાચાર છે. કરશન બીડી પીધાં કરે છે. બાબુ દારૂ ઢીંચ્યા કરે છે. બાબુનો વંધ્ય આક્રોશ તેનો પોતાનો જ જીવ લે છે. કરશન જીવતો પણ મૂએલા જેવો છે. બંને વાર્તામાં પરિવેશનો વિનિયોગ સુંદર રીતે થયો છે. કથનકેન્દ્રની પસંદગીમાં રહેલી ભિન્નતા બંને લેખકોના જુદાં દૃષ્ટિકોણને દર્શાવે છે. જયેશ ભોગાયતા સુનીલની ભીંસને નિરૂપે છે તો પ્રભુદાસ પટેલ બાબુ-રૂપલીની લાચારીને આલેખે છે. જયેશ ભોગાયતા બાહ્ય ઘટનાઓનું નિરૂપણ ન કરતાં સૂચક સંકેતો વડે નાયકની ચેતના પર પડેલા ઉઝરડા બતાવે છે. જ્યારે પ્રભુદાસ પટેલ બાહ્ય ઘટનાનો આશ્રય લે છે. રૂપક પ્રયોજીને કહીએ તો પ્રભુદાસ પટેલ બાહ્ય ઘટનાનો જંપિંગ બોર્ડ તરીકે ઉપયોગ કરે છે. જ્યારે જયેશ ભોગાયતા વાચકને સીધા જ ઊંડા વમળમાં ખેંચી જાય છે. બંને વાર્તાકારોએ વિકૃતિને સંયમિત રીતે નિરૂપી છે. ‘બીડી બુઝાતી નથી’ વાર્તાની સરખામણીએ ‘અંધારા’ વાર્તા વાચકને લાગણીનું ઘેરું નિરૂપણ કરતી જણાય. બંને વાર્તાના પરિવેશ જુદાં છે. ‘અંધારા’માં આદિવાસી સમાજ છે. આ સમાજમાં આદિમતા છે. લાગણીઓ અહીં કોઇ આળપંપાળ વિના રજૂ થવી જરૂરી છે. જો આ વાત ધ્યાનમાં હોય તો તરત સમજાઇ જાય કે વાર્તાકાર તરીકે પ્રભુદાસ પટેલ વધુ પડતા સંયમિત થવા જાય તો સરવાળે વાર્તાને હાનિ પહોંચે. સામા પક્ષે જયેશ ભોગાયતાએ સુનીલની ચેતનાને કેન્દ્રમાં રાખી છે. તેના ચિત્તમાં નાનાની બે છબી રહેલી છે: પ્રેમાળ અને શોષણખોર. આથી સ્વાભાવિક છે કે તેની ગુંગળામણ અકથ્ય હોય. વળી, બંને વાર્તામાં ભિન્ન સમાજ હોવા છતાં વડીલોની શોષકવૃત્તિ એકસમાન જોવા મળે છે. આમ, વિષયની દૃષ્ટિએ નજીકની જણાતી આ બંને વાર્તાઓ કથનકેન્દ્ર, પરિવેશ અને નિરૂપણરીતિમાં રહેલી ભિન્નતાને લીધે એકમેકથી ભિન્નરૂપ ધારણ કરે છે.
સંદર્ભ: