લઘુકથા: દાદા
તાજગી મેળવવા હું વતનમાં આવ્યો હતો. ઘણા સમયથી રાત રોકાયો ન્હોતો. નાના ભાઇના પરિવારના સ્નેહની અને માતા-પિતાના સ્મરણોની ખૂશ્બુ રાતની હવામાં ભળ્યા હતાં.
સવારમાં તાજોમાજો થઇ ફળીયામાં જઇ ઉભો રહ્યો. ખીલેલી સવાર આંખમાં ભરાવા લાગી. માએ રોપેલી નાળીયેરી હવે ઘરના છાપરાને ઢાંકી રહી હતી. એની ટોચે સાત-આઠ નાળીયેરના ઝુમખા લટકી રહ્યા હતા. બાપુજીએ વાવેલો લીમડો ઘટાદાર બની આંગણાને તાપતડકાથી બચાવતો હતો.
મારી વાવેલી નિલગિરી ખાસ્સી ઊંચે ગઇ હતી. ત્યા જઇ હું ઉભો રહ્યો. ચારે બાજુથી કોતરાયેલું એક જમરુખ નીચે પડ્યું હતું. નાનો પાછળ આવીને ઉભેલો. ‘પોપટરાજા આવે છે’ એણે કહ્યું.
ભાઇની દિકરી હર્ષવી પણ આવીને મારી બાજુમાં ઉભી રહી ગઇ. મને કહે, ‘ મેં અને ભઇલાએ એનું નામ પાડ્યું છે.’
‘એમ? શું નામ પાડ્યું?’
‘ભાવેશદાદા.’
‘અરે એ તો મારું નામ’, મેં કહ્યું. ‘મારું નામ કેમ?’
‘એ એક દિ’ ચીકુ લઇ આવે. બીજે દિ’ જમરુખ. કો’ક દિ’ કેરી તો કો’ક દિ’ જાંબુ. કાં’ક ને કાં’ક ફ્રુટ લઇ ને આવે તમારી જેમ.’ હર્ષવીએ કહ્યું.
‘ઓહ્હો..! એમ વાત છે?’ કહી મેં ઉપર જોયું. પોપટ ત્યાં ન હતો પણ હું મને ત્યા દેખાયો. એની લીલાશ અને એનો મધુર કંઠ મારામાં ઉતર્યો અને મેં હર્ષવીને તેડિને વહાલ વરસાવ્યું.