Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘હિમાલયના પ્રવાસ’માં ભારતીયતાનાં અંશો

સંસ્કૃતિનો સીધો સંબંધ ભાષા સાથે છે. સર્જક જ્યારે પોતાની વાતને ભાષાના મધ્યમથી રજૂ કરે છે ત્યારે તે પોતાની સંસ્કૃતિને પણ રજૂ કરે છે. સંસ્કૃતિ એ જ તો જે-તે સમાજની સાચી ઓળખ છે. આપણે જ્યારે ભારત અને ભારતીયતા એમ બોલીએ ત્યારે ભારતીય સંસ્કૃતિને વ્યક્ત કરીએ છીએ. ભારતની લોકસંસ્કૃતિનું યશોગાન કરતું સાહિત્ય ભારતીય સાહિત્ય કહેવાયું છે. એમ જોવા જતાં ભારતીય ભાષામાં રચાતી સાહિત્યકૃતિ ભારતીયતાના લક્ષણોથી પર ના રહી શકે. અહીં મારે વાત કરવી છે એવી એક કૃતિની કે જેમાં ભારતીયતાના અંશો પડેલા છે. માતૃભાષા મરાઠી હોવા છતાં સવાયા ગુજરાતી બનીને સર્જનપ્રવૃત્ત રહ્યા એવા કાકાસાહેબ કાલેલકરે ‘હિમાલયનો પ્રવાસ’ કૃતિમાં ભારતીયપણું પ્રસ્તુત કર્યું છે તે જાણી-સમજીને આનંદ થાય તેવી બાબત છે.

કાકાસાહેબ કાલેલકર. મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જન્મ ૧ ડિસેમ્બર, ૧૮૮૫માં થયો અને ૯૬ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. ગુજરાતી સાહિત્યના ઉત્તમ નિબંધકાર અને પ્રવાસ લેખક. એલ.એલ.બી. સુધી અભ્યાસ. ૧૯૧૫માં શાંતિનિકેતન, ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં ઉપનિષદો, ધર્મશાસ્ત્ર, પ્રાચીન ઇતિહાસ અને બંગાળીના અધ્યાપક રહ્યા. તેમણે પાંચ વર્ષ વિદેશયાત્રા કરી તેમજ દસેક વર્ષનો જેલવાસ પણ ભોગવ્યો. ઈ. સ. ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’ અને ૧૯૬૫માં સાહિત્ય અકાદમી દિલ્હીનું પરિતોષિક મળ્યું. કાકાસાહેબ ગાંધીજીના અંતેવાસીઓમાંના એક હતા. તેમના ગદ્યસામર્થ્યનાં લીધે ગાંધીજીએ કાકાસાહેબને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ આપેલું.

ઈ.સ. ૧૯૧૨માં કાકાસાહેબે હિમાલયનો પ્રવાસ કર્યો. આ પ્રવાસને પ્રવાસ કરતાં યાત્રા કહેવી વધુ યોગ્ય લાગે છે. કાકાસાહેબની સાથે આ યાત્રામાં તેમના આત્મીય મિત્ર સ્વામી આનંદ અને અનંતબુવા મરઢેકર હતા. યાત્રાના સાતેક વર્ષ પછી કાકાસાહેબે યાત્રા અંગેની લેખમાળા હસ્તલિખિત માસિક માટે સાબરમતી આશ્રમના સાથીઓ અને વિદ્યાર્થીઓનાં આનંદ માટે શરૂ કરી હતી. ઈ.સ ૧૯૨૪માં આ પ્રવાસ નિબંધો પુસ્તકરૂપે પ્રગટ થયાં. આ નિબંધો માત્ર હિમાલય પ્રવાસના નથી; એમાં પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા અને બેલુરમઠની યાત્રાનો પણ સમાવેશ કર્યો છે. કાકાસાહેબની યાત્રાનો આરંભ હરિદ્વારથી થાય છે અને જમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ નજીક અંત આવે છે.

‘પ્રયાગરાજ’ એ કાકાસાહેબની યાત્રાનું પહેલું ધામ. અહીં ગંગા-યમુનાનો રમણીય સંગમ છે. આ સંગમ વિષે કાકાસાહેબ જણાવે છે કે, ‘હિંદુ અને મુસલમાન સંસ્કૃતિની એકતાની કંઈક ઝાંખી કરનાર સમ્રાટ અકબરે અહીં સંગમ ઉપર આવેલા સનાતન અક્ષયવટની આસપાસ એક મજબૂત કિલ્લો બાંધેલો છે... અકબરે બંધાવેલ એ કિલ્લામાં બૌદ્ધધર્મી સમ્રાટ અશોકનો શિલાસ્તંભ છે. તેના ઉપર અશોકની ધર્મલિપિ કોતરેલી છે. સમુદ્રગુપ્તના રાજકવિ હરિષેણે લખેલા કેટલાક શ્લોકો પણ આ જ સ્તંભ પર કોતરેલા છે’(પૃષ્ઠ- ૫-૬) અહીં આપણને ભારતની બિનસાંપ્રદાયિકતા અને સર્વધર્મ સમભાવનાના દર્શન થાય છે.

આપણો ભારત દેશ પ્રાચીન સંસ્કૃતિ, મૂલ્યો, રીત-રિવાજો, માન્યતાઓ, રૂઢિ-પરંપરા, આધ્યાત્મકતા વગેરે પર ટકેલો છે. અહીંની પ્રજા પુરાવાને બદલે શ્રદ્ધામાં વધારે માને છે. હિમાલયના પ્રવાસમાં આપણને ભારતની ઘણી માન્યતાઓના દર્શન થાય છે. તેના કેટલાંક ઉદાહરણ જોઈએ: પ્રયાગરાજમાં રહેલા અક્ષયવટ વિષે ભાવિક લોકો કહે છે, ‘થડ અહીં છે અને ડાળીઓ બોધિગયામાં છે. આનો અર્થ શો તે સમજવું કઠિન છે. શું એક વખતે બૌદ્ધ ધર્મ બોધિગયાથી અલ્લાહાબાદ સુધી ફેલાયો હતો એવો એનો અર્થ કરવો? હિમાલયમાં પણ મહાદેવના મહાલિંગનો એક છેડો કેદારનાથમાં છે એમ કહેવાય છે, તેનો પણ અર્થ શો? અરે, હિંદુઓ એમ પણ કહેતાં અચકાતા નથી કે ગદાધર શ્રીવિષ્ણુનો એક પગ ગયામાં છે અને બીજો પગ મક્કામાં છે’(પૃષ્ઠ-૫) અહીં ભારતીય લોકોની શ્રદ્ધાના દર્શન થાય છે. ભારતીય સંસ્કૃતિની ઓળખ ગણાતા કુંભમેળામાં જુદા-જુદા પ્રાંતના લાખો લોકો આવી કોઈપણ ભેદભાવ વગર એક થઈને પુજા-અર્ચના તથા સ્નાન કરી પાવન થાય છે. આ કુંભમેળા વિષે કાકાસાહેબ કહે છે, ‘પ્રખ્યાત કુંભમેળો બાર બાર વરસે અહીં ભરાય છે. દર સાલ તો માઘમેળો જ ભરાય છે. આવા મેળાઓ પર, પ્રાંતપ્રાંતના સાધુઓ, સંન્યાસીઓ, તપસ્વીઓ અને સંતોમહંતો આવે છે, નવીનવી દલીલોની આપ-લે થાય છે’(પૃષ્ઠ-૬) હિંદુસ્તાનમાં અનેક સામ્રાજ્યો થઈ ગયા; ઘણાં આક્રમણો થયાં. બાહ્ય પ્રજાએ ઘણો વિનાશ સર્જ્યો પણ ભારતીય લોકોની શ્રદ્ધા, વિશ્વાસને કારણે તે અખંડિત રહ્યું. એવા બનાવોથી આપણો ઇતિહાસ ભરપૂર છે. ઔરંગઝેબની મસ્જિદના બે મિનારા જોઈને કાકાસાહેબ કહે છે, ‘આ બે મિનારા પાછળ હિંદુસ્તાનના ઇતિહાસનું પરમરહસ્ય, ચરમરહસ્ય છુપાયેલું છે. ઔરંગઝેબે ધાર્મિક ઝનૂનનાં આવેશમાં આવીને કાશીનું કેન્દ્ર, હિંદુ ધર્મનું તિલક, વિશ્વેશ્વરનાથનું મંદિર તોડી નાખ્યું અને મંદિરની જગાએ મસ્જિદ ચણવી છે. હજી એ મસ્જિદના પાછળના ભાગમાં મૂળ મંદિરના અવશેષ જોવામાં આવે છે… મરાઠા સરદાર હરિદ્વારના પંડાઓને ભૂમિદાન કરવા લાગ્યા છતાં આ હિન્દુઓને કાશી જેવા પવિત્ર ધર્મક્ષેત્ર ઉપર ઇસ્લામી પતાકાની પેઠે વિરાજતી ઔરંગઝેબની મસ્જિદ તોડી નાખવાનો વિચાર સરખો ન આવ્યો. આજે એ મસ્જિદ ઇસ્લામી ધર્મના વિજયની પતાકા રહી નથી, પણ હિંદુ લોકોએ પોતાનું સામ્રાજ્ય લગભગ દેશભર વ્યાપી ગયું હતું તે વખતે બતાવેલી સહિષ્ણુતાની ધજા છે’(પૃષ્ઠ-૮) આના પરથી કહી શકાય કે ભારતીય લોકોમાં બદલાની ભાવના જોવા મળતી નથી. ‘The city of the dead and the dying.’ એટલેકે ‘મરેલાં અથવા મારવાની અણી પર આવેલા લોકોની નગરી’ તરીકે ઓળખાતું બનારસ આપણને વિવિધાતામાં એકતાના દર્શન કરાવે છે અહીં પૂર્વમીમાંસાવાદી, વેદાંતીઓ, બંગાળી અને નૈયાયિકો, ઈસાઈ અને આર્યસમાજીઓ, વૈદિયા, કારીગરો, ભૂદેવો વગેરે બધા જ લોકો ભેદભાવ વગર રહે છે. યાત્રા દરમિયાન કાકાસાહેબને આપણા ભારતીય રીત-રિવાજો અને મૂલ્યો તથા ઉચ્ચ સંસકારોના દર્શન ઘણી જગ્યાએ થતાં તેની વાત કરતાં તેઓ કહે છે, ‘બનિયા પાસેથી દાળ, ચોખા અને બટાટા ખરીદી લીધેલાં. બનિયાએ બે ત્રણ વાસણો પણ આપ્યાં; અમે મનમાં કહ્યું ‘કેવો ભલો વાણિયો! રાંધવાને વાસણ પણ આપે છે!’ પાછળથી ખબર પડી કે, પહાડમાં તો આ રિવાજ જ છે. આટાચાવલની કિંમત લે છે તેમાં જ બનિયા વાસણનું ભાડું પણ ગણી લે છે’(પૃષ્ઠ- ૫૩) બીજો એક અનુભવ ટાંકતા કાકાસાહેબ જણાવે છે કે, ‘અમારી મૂંઝવણ જાણી એ ગરીબ લોકોએ અમને લોટ, મીઠું, તાવો, લાકડાં વગેરે થોડુંક-થોડુંક આપ્યું અને કહ્યું કે ‘જોજો રાંધવામાં બહુ વાર નહીં લગાડતા. હમણાં ‘ઓલાં’ પડશે. અમારી થોભવાની હિંમત નથી. અમારા વાસણકૂસણ નીચલાં ગામડામાં અમને આપી દેશો તો ચાલશે... પહાડમાં અણીને પ્રસંગે જેમણે અમને મદદ કરી હતી અને અમારા પર આટલો વિશ્વાસ રાખ્યો હતો એ લોકો કંઈ અમિર ન હતાં. આખો જન્મારો વૈતરું કરે ત્યારે એક યાત્રા જેટલા પૈસા બચાવે.’ (પૃષ્ઠ-૧૪૩) બે અલગઅલગ પ્રદેશના અજાણ્યા લોકોની એકબીજાને સહજ રીતે મદદ કરવાની ભાવના આપણા ભારત દેશમાં જોવા મળે છે. અહીં ખરી ભારતીયતાના દર્શન થયા જણાય છે.

હિંદુ ધર્મમાં પૂર્વજોનું શ્રાદ્ધ કરવું એ અત્યંત પવિત્ર અને ધાર્મિક ક્રિયા છે. ‘ગયાનું શ્રાદ્ધ’ પ્રકરણમાં કાકાસાહેબે આ વિષે વિસ્તારથી વાત કરી છે. અહીં તેમણે ફલ્ગુ નદીના કાંઠે શ્રાદ્ધ કર્યું. આ અગાઉ તેમણે પ્રયાગરાજમાં પિતાશ્રીના અસ્તિ ત્રિવેણીસંગમમાં પધરાવીને શ્રાદ્ધ કર્યું હતું. તેમના ગોર મહારાજે શ્રાદ્ધ વિષે કહ્યું કે, ‘ગયામાં આવીને શ્રાદ્ધ કરવું એ માણસની ગૃહસ્થ જીવનની છેલ્લી ફરજ છે, તે પૂરી થઈ એટલે હવે તમારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ ષડરિપુનો ત્યાગ કરવો જોઈએ’(પૃષ્ઠ-૧૬) અહીં કાકાસાહેબે ભારતીયતાના દર્શન કરાવ્યાં છે પણ સાથેસાથે આજની વાસ્તવિકતાનો અરીસો પણ બતાવ્યો છે. અત્યારે લોકો પાસે શ્રાદ્ધની ક્રિયાના બહાને જે મોટી દક્ષિણા પડાવાય છે તે તથા સાવ સામાન્ય વસ્તુનો ત્યાગ કરીને ધર્મ સાથે જે રમત રમાય છે તેનું ચિત્ર બતાવ્યું છે. આ ઉપરાંત લોકોના મનમાં કેટલીક માન્યતાઓ રૂઢ થઈ ગઈ છે એ વાસ્તવિકતાથી આપણને તેઓ અવગત કરાવે છે. ‘હિંદુસ્તાનમાં સ્વચ્છતા, પવિત્રતા, લાજ, સિદ્ધિ અને નિષિદ્ધ, ચોખ્ખું, એઠું વગેરે વિષેની કલ્પના દરેક ઠેકાણે ચોક્કસ થઈ ગયેલી છે; પણ બે પ્રાંત અથવા બે કોમની કલ્પનાઓનો મેળ ખાતો નથી, કાશ્મીરમાં હાથ એઠો ન થાય એટલા માટે ડગલાની લાંબી બાંયમાં રોટી કે રોટલો પકડી ખાનાર લોકો મને બુટપહેરવામાં હાથનો ઉપયોગ કરતો જોઈ હસતાં હતા. અને પોતે ખાટકીના ત્યાંથી ફળો વેચાતાં લઈ ધોયા વગર ખાતાં હતાં’(પૃષ્ઠ-૩૪) આ ઉપરાંત બંગાળમાં લોકો ડાબા હાથ વડે પાણી નથી પીતા. તેઓ માને છે કે ડાબો હાથતો સવારે શરીરશુદ્ધિ માટે વપરાય. આથી તેમને ડાબા હાથની સૂગ ચઢતી. પણ જ્યારે બે હાથે લોટની કણક બાંધવી હોય ત્યારે તેઓ શું કરતાં હશે એવો પ્રશ્ન મનમાં ઊભો થાય. લોકોની શ્રદ્ધા ક્યારેક અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય છે. આપણા દેશના ધર્મચુસ્ત લોકો બીજા પ્રાંતમાં જઈને બે-ત્રણ મહિના ત્યાનાં લોકોના મહેમાન બને તો આપણા ધર્મ વિષેની કલ્પના ઘણી સુધરી જાય. આપણો ભારત દેશ ગામડાઓનો બનેલો છે. દેશના મહત્તમ લોકો ગામડામાં રહે છે પણ જાતિભેદના કારણે ક્યારેક એકતા જળવાતી નથી અને હુલ્લડો, ઝગડા અને મતભેદો ઊભાં થાય છે.

ભારતની સાંપ્રત સ્થિતિને જુદાંજુદાં ઉદાહરણો દ્વારા આપણી સમક્ષ મૂકી આપતા કાકાસાહેબ કહે છે કે, ‘ઉત્તર હિંદુસ્તાનમાં રેલવે શરૂ થયે પોણા સો વરસ તો સહેજે થયાં હશે. છતાં હજી લોકો રેલવેથી ટેવાયા નથી. રેલવેનો ‘ટાઈમ’ સાચવવા પાંચ-પાંચ છ-છ કલાક વહેલા સ્ટેશન પર આવીને બેસી જાય છે. ટિકિટની બારી આગળ પહેલો નંબર મેળવવા માટે ત્યાં ઉભેલા પોલીસને રુશવત આપી આસપાસના સ્ત્રીપુરુષ મુસાફરોને ધક્કા મારી આગળ જવાનો હક ખરીદી લે છે. સ્ટેશન પર ગાડી આવ્યા પછી ઉતરનાર ઉતારુઓ ઉતરી જાય ત્યાં સુધી ત્રીજા વર્ગના મુસાફરોને રેલવેના ઓટલા(પ્લેટફોર્મ) પર જવા દેતા નથી. એ હજી એમની સમજમાં જ નથી આવતું… અને ટ્રેનમાં? ટ્રેનમાં જબરદસ્ત લોકો ધોળે દહાડે પણ લાંબા પગ કરીને સુવાના. બેઠેલા લોકો બની શકે તેટલી વધારે જગા રોકવા માટે પલાંઠો તાણી પગની નસોને કસરત કરાવવાના. ડબાનું બારણું અંદર ખુલતું હોય ત્યારે બારણાં આગળ જ સામાન ખડકાવાના, અને બેદરકાર રેલવે જેટલાં કષ્ટ આપે તેમાં બને એટલો ઉમેરો કરવાના.’(પૃષ્ઠ-૪૧) ગામડાની પ્રજાની અવદશા અને કેટલાક માથાભારે લોકોની માનસિકતાનો અહીં ખ્યાલ આવે છે. તથા ભારતીય સમાજનું વરવું ચિત્ર જોવા મળે છે. કાકાસાહેબ પોતે જો સંન્યાસી થાય તો તેમના આશીર્વાદ લેનારને ધર્મશાળા બાંધવાને બદલે હિંદુસ્તાનમાં જ્યાં જ્યાં ધર્મશાળાઓ ત્યાં શૌચવિધિ માટેના સ્થાન બાંધવાના આશીર્વાદ આપવાની જ વાત કરે છે, અને આવું કરનાર સ્વર્ગે તો જશે જ પણ સાથે સાથે દેશના લાખો યાત્રાળુઓ સવારના નરકમાંથી બચશે એમ તેઓ કહે છે. આ નાનકડી વાત પરથી પણ આપણને ભારતની હાલની સ્થિતિનો ખ્યાલ આવી જાય છે.

ભારત ભલે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોય છતાં બાહ્ય પ્રજાના આવવાથી ભારતીય લોકોને અન્ય ધર્મ અંગીકાર કરાવવાના કિસ્સાઓથી આપનો ઇતિહાસ ભરપૂર છે. એવો જ બનાવ પહાડી વિસ્તારમાં બનેલો. અહીં વટલાવેલા પહાડી લોકોની વસાહત છે. ત્યાંના લોકોનો આક્રોશ તેમની વાતોમાં છલકાય છે, ‘કાકાજી, દેખીયે ઈન પાદડિયોંકી ચાલાકી! જબ યહાં કે લોગોંકો ઈસાઈ બના લેતે હે તબ ઉનકો દૂસરે પ્રાંતમે લે જાતે હે, ઔર દૂસરે પ્રાંત કે બિટલાયેહુએ લોગોંકો યહાં લાકર રખતે હૈ, તાકિ સમાજકે સાથ ઉનકા સંબંધ ટૂટ જાય ઔર લોગોમેં ભી ઈન પાદડિયોં કે ખિલાફ દ્વેષ પેદા ન હો. હમારે પ્રાંત મેસે કિતને લોગ ઈસાઈ હો ગયે ઈસકા પતા નહીં રહતા ઔર દૂસરે પ્રાંત કે ઈત્તર લોગોંકો ઈસાઈ બને હુએ દેખકર ઉસ પ્રાંતકે લિયે ભી હમમે નફરત હોતી હૈ.’-હરખદેવ(પૃષ્ઠ-૬૧). ‘ગોવધ’ નામક પ્રકરણમાં આધુનિકીકરણના લીધે લોકોની બદલાતી માનસિકતા, મૂંગા પશુઓને વેઠવી પડતી વેદના વગેરેનું વાસ્તવિક ચિત્ર જોવા મળે છે. યુરોપીયન લશ્કરને ગૌમાંસ પૂરું પાડવા હિંદુસ્તાનની ગરીબ ગાયો અને બળદ ઉપર ક્રૂર માણસોનો આહાર અને જાતજાતના રોગો માટે દવા થવાની ફરજ પાડવામાં આવી છે. આપણા દેશમાં એક તરફ ગાયને માતા ગણી તેની પુજા થાય છે તો બીજી તરફ તેની આવી સ્થિતિ જોઈને સર્જક પોતાનો રોષ વ્યક્ત કરે છે, ‘જ્યાં ચાળીસ હજાર ગોકુળનો સંહાર થાય છે ત્યાં બીજા સંકટની શી જરૂર છે? મને થયું કે, આ બુરજ પર ચઢી પેલો ઘંટ વગાડી બાવીશ કરોડ હિન્દુઓને હું અહીંયાં ભેગા કરું; અને તેઓ ન સાંભળે તો હિમાલયમાં અદ્રશ્યરૂપે વિચરનાર તેત્રીસ કરોડ દેવોને ગૌમાતાનો આર્તનાદ સંભળાવું’(પૃષ્ઠ-૭૯).

ઇતિહાસ જોતાં ખ્યાલ આવે છે કે આદિ-અનાદિ કાળથી આપણા ભારત દેશમાં નારીને પૂજનીય સ્થાન અપાય છે. પણ એક વાસ્તવિકતા એ પણ છે કે આજ ભારતીય સમાજના લોકો સ્ત્રીને સાવ સામાન્ય ગણી અપમાનિત કરે છે. કાકાસાહેબ પોતાની યાત્રામાં જોયેલી એક ભારતીય નારીનું વર્ણન આ રીતે કરે છે, ‘કદમાં કાંઇક ઠીંગણી, ભરાવદાર બાંધો, મગવા રંગની(લીલી) સાડી, કપાળ પરનો ચાંલ્લો જૂની ઢબનો મોટો, નાકમાં મોટી નથ, વાંકડિયા વાળ થોડાક ઊડે છે અને થોડાક પરસેવાથી કપાળ પર ચોંટી ગયા છે, એવી એ સતી હિમાલયના રસ્તા પર ચડણ હોય કે ઉતાર હોય, સાસભરી ચાલે છે’(પૃષ્ઠ-૧૦૭). આ સ્ત્રીનો પતિ તેની સાથે ખૂબ ક્રુરતાથી વર્તે છે. પ્રવાસ દરમિયાન સ્ત્રીને બધાથી પહેલા ચટ્ટીએ પહોંચીને રસોઈ બનાવવાની ફરજ પાડે છે. જમતાં-જમતાં સ્ત્રીને વઢે તેમજ માથા પર પ્રહાર કરે અને છેલ્લે જે વધ્યું હોય તે ખાવાનું કહે. એ પ્રવાસીને તો કાકાસાહેબ નરપશુ જ કહે છે. પણ અહીંની માન્યતાઓ એવી રૂઢ કે, આર્ય કુટુંબના ઝગડામાં બહારના માણસથી પડાય નહીં આથી લોકો માત્ર આવી પરિસ્થિતિમાં કશું બોલ્યા વગર ચૂપ-ચાપ જોયા કરે. આ ભારત દેશની મોટી વિટંબણા બને છે.

કાકાસાહેબ ‘બોધિગયા’માં ભગવાન બુદ્ધને ભારતવર્ષની સનાતન શ્રદ્ધાની ઉપમા આપે છે. તો ‘બેલુડમઠ’માં સુજલા, સુફલા, મલયજ શીતલાની ભૂમિ બંગાળની વાત કરી છે. બંગાળ એટલે તળાવોની ભૂમિ. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, બિપિન પાલ, અરવિંદ ઘોષ, ખુદીરામબોઝ જેવા મહાપુરુષોની જન્મ ભૂમિ. આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા મહાકાવ્ય ‘રામાયણ’ના મર્યાદાપુરુષોત્તમ રામની રાજધાની વિષે કાકાસાહેબે અલાયદું પ્રકરણ આપ્યું છે. તેમાં આદિ શંકરાચાર્ય વિષે વાત કરતાં જણાવે છે કે તેમણે સંન્યાસીઓના દસ નામ, ચાર મઠની સ્થાપના અને બ્રહ્મચારીઓનાં ચાર પ્રકાર પાડ્યાં. શંકરાચાર્ય સમુદ્રગુપ્ત ને નેપોલિયન જેવો વિજેતા, રાજા ટોડરમલ કે શિવજી જેવા વ્યવસ્થાપક, તુલસીદાસ જેવા કવિ, બુદ્ધ ભગવાન જેવા આત્મવિશ્વાસી, જ્ઞાનેશ્વર જેવા સાહિત્યાચાર્ય અને વ્યાસ જેવા વિશાળબુદ્ધિ હતા. આથી જ તેમને હિંદુધર્મસમ્રાટ કહ્યા છે. સર્વ ભારતીય ભાષાઓની માતૃભાષા ગણાતી સંસ્કૃત અને તેના સાહિત્યને વણીને કાકાસાહેબે વાચકોને આપણા પૌરાણિક વારસાથી અવગત કરાવ્યા છે. ત્રિજુગી નારાયણમાં નારાયણનું પ્રાચીન મંદિર છે. અહીં જે અગ્નિ છે તે સતયુગથી આજસુધી સતત બળતો આવ્યો છે! કહેવાય છે કે પાર્વતી અને મહાદેવના વિવાહના હોમ માટે આ અગ્નિનું આધાન કર્યું હતું. ત્યારથી આજ સુધી એ અગ્નિ બિલકુલ ઓલવાયો નથી! શ્રદ્ધાનો વિષય હોય ત્યાં કોઈ પૂરાવાની જરૂર હોતી નથી. આ જ્યોત ઉપરાંત કેદારનાથ મંદિરના આગલા ભાગે ગ્રીક શૈલીનો છાપરાનો ત્રિકોણ બનાવેલો છે. આ મંદિરનું સ્વરૂપ જ પ્રાચીનતાનો નમૂનો છે. પણ અહીં પ્રશ્ન એ થાય કે ગ્રીક શૈલી અહીં આવી ક્યાંથી? કે ગ્રીક લોકોએ અહીંથી લીધી? આપણા હિન્દુ ધર્મના મહાકાવ્ય રામાયણ અને મહાભારતનો નાતો કેદારનાથ સાથે રહ્યો છે. કેદારનાથની મૂર્તિ કેવળ મોટો ખરબચડો પાષાણ જ છે. હજાર વર્ષ થયાં છતાં એકની એક શ્રદ્ધા ભારતવાસીઓને દરવર્ષે અહીં લાવે છે. આપણા ઇતિહાસ-પુરાણોમાં જેટલા મહાપુરુષો પ્રખ્યાત છે એમાંથી ઘણા આ શિવલિંગને આલિંગન દઈને ધન્ય ધન્ય થયા હશે. શિયાળો આવતા જ મંદિરો બંધ કરતી વખતે અંદર જે દીવો તેઓ પ્રજ્વલિત રાખીને આવે છે તે જ ઉનાળા સુધી ટકે છે! કેટલું આશ્ચર્ય!

ભારતીય લોકોના મનમાં સાધુઓ વિષે જુદા-જુદા ખ્યાલો જોવા મળે છે કેટલાક લોકો સાધુઓને જડીબુટ્ટી અથવા મંત્રના જાણકાર સમજતા હોય તો કેટલાક લોકો સાધુઓને છેતરામણા, ધતિંગ ચલાવનાર, આળસુ ઠગ સમજે છે. કેટલાક લોકો તો ત્યાં સુધી કહે કે આ બધા સાધુઓને પકડીને ફોજ તૈયાર કરી અંગ્રેજો સામે લડાવવા જોઈએ. અહીં ભારતીય લોકોની માનસિકતાનો ખ્યાલ અને તેમના વિચારો જોઈને રમુજ થાય છે. પણ એક વાત સ્પષ્ટ છે કે આપણું લોકસાહિત્ય આ સાધુઓની કૃપાએ જ જીવતું રહ્યું છે ધાર્મિક સંસ્કૃતિ ટકાવવા, વધારવા, ફેલાવવા ને સુધારવા માટે દુનિયામાં આટલી સુધારેલી અને ખાતરીવાળી વ્યવસ્થા આપણને હિંદુસ્તાન સિવાય બીજે ક્યાંય નહીં મળે. સાધુ કોઈ ગામમાં જાય ત્યારે ગામના છોકરાઓને વાર્તાઓ દ્વારા લોકજીવનનું અને ભૂગોળનું જ્ઞાન પીરસે, વેપારીઓને વેપારની તો શૂરવીરોને બહાદુરીની કદર શીખવાડે, ગામની ડોશીઓના વૈદકના જ્ઞાનમાં ઉમેરો થાય, દુખિયાના રોગ મટે તો ક્યારેક મંદિર કે ધર્મશાળાનો જીર્ણોદ્ધાર પણ થાય. આવી રીતે સાધુ સંતો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈ આપણી ભારતીય સંસ્કૃતિની આપ-લે કરે છે, અને આ રીતે સંસ્કૃતિને જીવંત રાખે છે. સાંપ્રત સમયની પરિસ્થિતી જોતાં જણાય છે કે આપણી સંસ્કૃતિ ધીમે ધીમે નાશ પામતી જાય છે. આથી જ કાકાસાહેબ પોતે કહે છે, ‘આપણી સંસ્કૃતિને દરેક ઉચ્ચ અને ઉદાત્ત સંસ્થા પ્રાણને અભાવે આપણે સડવા દીધી અને આજે તેને સુધારવાને બદલે તેનો નાશ કરી આપણે અસંસ્કારી, અસંગઠિત દશાને વળગવા માગીએ છીએ. ગ્રીસ, રોમ, ઈજિપ્ત વગેરે રાષ્ટ્રો મરી ચૂક્યાં, હિંદુસ્તાન એક જીવે છે, એમ અભિમાનપૂર્વક કહેનાર આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે, હિંદુસ્થાન જીવે છે એનો અર્થ એ છે કે, હિંદુસ્તાન હજી પોતાની જૂની સંસ્કૃતિમાંથી ઉપજેલી સંસ્થાઓ ટકાવી અને સુધારી રહ્યું છે. આ સંસ્થાઓ તોડી નાખી કે હિંદુસ્તાને કબ્રસ્તાનમાં પ્રવેશ કર્યો સમજવો’(પૃષ્ઠ-૭૧). હરદ્વાર એટલે યાત્રાળુઓનું નગર, જ્વાલાપુર તે પંડાઓનું ધામ અને કનખલ તે સંન્યાસીઓની કાયમી શિબિર. આ ત્રણેય એક સમષ્ટિ થઈ ભરતવર્ષના દર્શન કરાવે છે. અહીં રહેલો આપણો ભવ્ય વારસો બાહ્ય આક્રમણોથી કેવો હણાયો તેનો ખ્યાલ નીચેના ઉદાહરણ પરથી આવશે, ‘હિન્દી કારીગરીની ‘આલા દરવાજા’ની વસ્તુઓ ક્યાં ક્યાં પડી હશે ક્યાં ક્યાં સડતી હશે અને કેટલી દેશવટો ભોગવતી હશે, એનો વિચાર આવતા મન ઉદ્વિગ્ન થયું. કેટલાય ગ્રંથો લંડન મ્યુઝિયમમાં કે બર્લિન મ્યુઝિયમમાં ગયા છે, કેટલાયે ચિત્રો અને મૂર્તિઓ બોસ્ટન મ્યુઝિયમમાં આજે બિરાજે છે. પોતાની આવી વિડંબના થતી જોઈ ભારતકળા પોક મૂકીને રોતી હશે એવો વિચાર મનમાં આવ્યો’(પૃષ્ઠ-૯૧)..

કાકાસાહેબને હિમાલયની યાત્રા દરમિયાન ભારતના જુદાંજુદાં પ્રાંતીય લોકોનો ભેટો થતો રહ્યો છે. આ લોકો શાળા મહાશાળામાં ભણ્યા વગર માત્ર એકબીજાના પરિચયથી અને પોતાની આવડતથી શીખે છે. કાકાસાહેબ તેમને મળેલા એક કુલીના શબ્દો ટાંકે છે, ‘oh sir, you are gentleman, I knows English, sir I am gentleman coolie, sir I have10 years live in Dehradhun, sir… give me four anna bit, sir. Copper is very heavy, sir’(પૃષ્ઠ-86). અન્ય પાત્રો કૈરાસિંગ અને બાદરુની વાત કરતાં કહે છે કે, ‘કૈરાસિંગ અને બાદરુ એ કંઈ શહેરી મજૂરો જેવા ભૂખલા મજૂરો નહોતા. વતન, વાડી, ઢોર, ખેતી અને સામાજિક પ્રતિષ્ઠા એમના પ્રમાણમા એમની પાસે ઠીક ઠીક હતાં. પહાડના લોકો પાસે નાણાંનો દુકાળ. એટલે યાત્રાની મોસમમાં એકાદ મહિનો કુલીપણું કરી પચાસ પોણાસો રૂપિયા મેળવી લે એટલે આખું વરસ સુખેથી જાય, અને હાથમાં નાણાંની છૂટ રહેવા ખાતર ઘરનો માલ ગમે તે ભાવે વેચવાનું જોખમ ખેડવું ન પડે’(પૃષ્ઠ- ૧૨૬-૧૨૭). શહેરી અને પહાડી છોકરાઓમાં પણ મોટો ભેદ. શહેર પાસેના ગામડાંઓમાં રહેતાં છોકરા પૈસા માંગે, ઊંડાણના ગામડાંના છોકરાઓ જાત-જાતના સવાલ પૂછે, ફલાણું શું છે ને ઢીંકણું શું છે? જ્યારે પહાડીના બાળકો મુસાફર પાસેથી ‘સૂઈ દે, ધાગા દે, બિંદી દે,’ એ જ માંગણી કર્યા કરે. આથી જ હિંદુસ્તાનના કોઈપણ ખૂણેથી મુસાફર અહીંના પહાડોમાં જાય અને તેની પાસે સોય-દોરો અને બિંદી હોય તો કોઈપણ ગામડામાં આવકાર મળે જ છે. પહાડી લોકોનું વર્ણન કરતાં કાકાસાહેબ કહે છે કે, ‘પહાડી લોકોનો ચહેરો હિન્દી અને ચીની ઢબના મિશ્રણનો હોય છે. એમના મોઢા ઉપર સ્વાસ્થ્ય જેવું લાગતું જ નથી. રોવાની અને હસવાની એક સામટી તૈયારી કરી હોય એવું એમનું મોઢું હોય છે. ઠંડી હવાને કારણે એમને જાડાં ઊની કપડાં પહેરવાં પડે છે. પગે જાડા જાડા જોડા. એમાં પણ ઉપરની બાજુએ ઊની જાળીની ભાત. આખું ધ્યાન(સ્વાંગ) બહું મજાનું લાગે છે’(પૃષ્ઠ-૧૪૦).

ભારત એનેક પ્રજાતિઓનું નિવસ્થાન છે અહીં અનેક જાતના લોકો રહે છે. કેટલાંક લોકો સ્થાયી વસવાટ કરવાને બદલે રોજીરોટી કમાવા ટોળીઓ બનાવી સ્થળાંતર કરતાં રહે છે. આપણી પ્રાચીન સભ્યતા ગણાતી સિંધુખીણની સંસ્કૃતિમાં પણ માનવ ભટકતું જીવન જીવતો હતો તે જ પરંપરાને અત્યારે પણ કેટલીક ટોળીઓએ જાળવી રાખી છે તેનું ઉદાહરણ જોઈએ, ‘રાણાગામમાં વિચિત્ર પોશાકવાળાં સ્ત્રી-પુરુષોની નાનકડી છાવણી જોઈ. એ સ્થાયી ગામડું ન હતું, પણ કામચલાઉ નિવાસ હતો. રખડતી ટોળીની સ્ત્રીઓના પહેરવેશમાં, હાવભાવમાં અને આંખોમાં એક જાતનું ઉગ્રપણું અને લૂંટારાપણું હોય છે. અબળા કે લલના એ નામ એમને માટે હોય જ નહીં’(પૃષ્ઠ-૧૩૪). ‘ભક્તિના ધામમાં’ પ્રકરણમાં કાકાસાહેબ બંગાળના ગામડાનું વર્ણન કરતાં કહે છે, ‘બંગાળનું ગામડાનું જીવન સાદું અને સુંદર છે. બંગાળી ઝૂંપડીઓનાં છાપરાં ઘટાદાર રૂપાળાં હોય છે. એમની દીવાલો સુંદર માટીથી રંગેલી હોય છે. જ્યાં જાઓ ત્યાં ગાયનવાદન સંભળાય છે’(પૃષ્ઠ-૩૫). કાકાસાહેબ આ નિબંધમાં પાછલાં પ્રકારણોમાં પહાડી લોકજીવન, તેમની રહેણીકરણી, ખેતી વિષે, ત્યાંના પશુ, વૃક્ષો, નદીઓ, ફૂલો, જીવજંતુ વગેરેના સુંદર વર્ણન કરીને માહિતી આપી છે. આપણાં આ ખેતી પ્રધાન દેશમાં વિવિધરીતે ખેતી કરવામાં આવે છે. સપાટ મેદાની ખેતી કરતાં પહાડી ખેતી ખૂબ કઠિન હોય અને વધુ મહેનત માગી લે છે. તેથી પહાડી લોકો વધારે ખડતલ હોય છે. કાકાસાહેબ પહાડી ખેતી વિષે વાત કરતા કહે છે, ‘અહીં હિમાલયની ખેતી જોવા જેવી હોય છે. બેઠી અને પહોળી ટેકરી હોય ત્યાં શિખરથી તળેટી સુધી બબ્બે ચચ્ચાર હાથ પહોળાં પગથિયાં જેવા ક્યારા બનાવે છે. અને તેમાં હાથે ખોદીને અનાજ વાવે છે. નદીનો બાંધેલો ઘાટ જેવો દેખાય છે તેવો આ ખેતરોનો દેખાવ લાગે છે’(પૃષ્ઠ-૫૭). તેઓ હૃષીકેશના સાધુઓનાં રહેઠાણ વિષે વાત કરતાં કહે છે કે આ સાધુઓના ઝૂંપડાં ઘાસના દોરડાં તેમજ ગંગાજીમાં તણાઈ આવતા લાકડાંનાં બનાવેલાં હોય છે. આવાં દસ વીસ ઝૂંપડાં વચ્ચે વ્યાખ્યાનમંડપ હોય ત્યાં નાના-મોટા સાધુઓનું જૂથ ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’નો સિદ્ધાંત સમજી લે. અહીંના સાધુઓની જેમ સામાન્ય લોકો પણ ઓછામાં ઓછી સુખ સગવડો કે જીવન જરૂરિયાતની વસ્તુઓથી શ્રેષ્ઠ જીવન જીવી જાય છે. એનું એક ઉદાહરણ જોઈએ. ‘હિમાલયના ખેડૂતની રસોઈમાં અજબનું સ્વાવલંબન હોય છે. તેની પાસે વહોરાની ટોપી જેવી એક મોટી લોઢાની તપેલી કે તાંસળી હોય છે. એમાં એ પહેલાં લોટ બાંધીને પથરા પર મૂકી દે છે. પછી ત્રણ પથરાના ચૂલામાં દેવતા સળગાવી તેના પર એ જ તાંસળીમાં રોટલીઓ શેકી લે છે. એ બધી રોટલીઓ હાથરૂમાલ પર રાખી ફરી એ જ તાંસળીમાં શાક રાંધી લે છે. તાંસળી લોઢાની એટલે ગમે તે શાક એક જ રંગનું થઈ જાય છે. હવે એને શું જોઈએ? શાક-રોટલી ધરાઈને ખાય અને તાંસળી ઊટકે એટલે પાણી પીવાનું પણ એ જ વાસણ. જમીને બપોરે જરા વામકુક્ષી કરી લે, અને એ જ તાંસળી માથાપર રાખી એના પર ફેંટાજેવુ બાંધી દે એટલે કેરીના ગોટલા જેવડા કરા આકાશમાંથી પડે તો યે શિર સલામત. આટલી સૂઝ અને હિકમત હોવા છતાં શહેરીઓ કહે છે કે પહાડના લોકો જંગલી’(પૃષ્ઠ-૧૦૯-૧૧૦).

‘હિમાલયનો પ્રવાસ’ કૃતિમાં કાકાસાહેબ વાચકને ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને વાસ્તવબોધ સાથે સૌંદર્યબોધ કરાવે છે. હિંદુ ધર્મનું રહસ્ય પ્રગટ થાય એવું ધરતીની સપાટી પરનું સ્થળ તે હિમાલય. મનુષ્યમાત્રને પોતાની જન્મભૂમિ તેનો વિરહ અને જન્મભૂમિએ પહોંચી જવાની ઇચ્છા નિત્ય જાગૃત હોય છે જ. આવી જ ઇચ્છા હિંદુ લોકોના મનમાં હિમાલયને વિષે છે. ‘ઇતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તરધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિંદુસ્તાનને જ આર્યોની આદ્યભૂમિ સિદ્ધ કરે, પરંતુ રાષ્ટ્રહૃદયમાં વસતિ પ્રેરણાને જો કંઈ ઔતિહાસિક મહત્ત્વ હોય, તો હિમાલય એ આપણું આર્યોનું આદ્યસ્થાન છે. રાય હો કે રંક, વૃદ્ધ હો કે યુવા, પુરુષ હો કે સ્ત્રી, પ્રત્યેકને લાગે છે કે આયુષ્યમાં વધુ નહીં તો એક જ વાર, પણ હિમાલયના દર્શન કરીએ’(પૃષ્ઠ-૪૫). અહીં સાચી ભારતીયતાની ઓળખ મળે છે. કોઈપણ વ્યક્તિ ઊંચ-નીચના ભેદભાવ વગર હિમાલયના દર્શન કરી શકે છે. તેને કોઈ સીમાડાનડતા નથી. આથી જ હિમાલય એ ભારતમાતાના મુકુટ રૂપે રહી તેમના મસ્તકે બિરાજે છે. કાકાસાહેબે હિમાલયના સાક્ષાત્કાર પછી સર્જેલા શબ્દ-શિખર આગળ આપણે નતમસ્તક થઈ જવું પડે છે, ‘હિમાલય- આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પુયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પીતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિકુલગુરુએ એ ‘દેવતાત્મા નાગાધિરાજ’ને પૃથ્વીનો માનદંડ કહ્યો છે. તે અનેક અર્થે યથાર્થ છે. હિમાલય એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતના સર્વે દુ:ખોને સમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે’(પૃષ્ઠ-૪૬-૪૭). આ હિમાલય આપણી પૌરાણિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. તેણે અસંખ્ય ધરતીકંપ અને આકાશમાંથી હજારો ધૂમકેતુને આંખની પાપણ હલાવ્યા વગર જોયા છે. મહાદેવનો વિવાહ અને સતિનો વિરહ જોયો છે. પાંડવોની મહાયાત્રાને સફળ કરવામાં અને રઘુકુળની પેઠીઓની કઠિન તપશ્ચર્યાનો તે સાક્ષી રહ્યો છે.

ભારતમાં સાંપ્રત સમયે પણ પ્રકૃતિને દેવ તરીકે પૂજાય છે. આપણા પૂર્વજો આ પ્રકૃતિ સાથે વાત કરતાં અને તેના તત્ત્વોના આધારે દરેક સમસ્યાઓનું સમાધાન લાવતાં. પછી તે વરસાદની આગાહી હોય કે માર્ગ શોધવો હોય. તેનું ઉદાહરણ જોઈએ, ‘બહાર આવ્યો ત્યારે આકાશ નિરભ્ર હતું; નક્ષત્રો અદ્ભૂતકાંતિથી ચમકતાં હતાં. હું હિમાલયમાં આવ્યો તે પહેલા મારા એક રસિક મિત્રે નવસારીમાં તારાઓ સાથે મારી ઓળખાણ કરવી આપી હતી. તારાઓ મારા દોસ્ત બની ગયા હતા. પૌર્ણિમાના ચંદ્રથી પણ બી ન જાય એવા બધા તારાઓને હું ઓળખતો હતો તેમની તરફ મે જોયું. તેમણે કહ્યું ‘ભાઈ, શા માટે ગભરાય છે? આ તે વળી શાનો પારકો મુલક? શું અહીંયાં તારું સગુંવહાલું કોઈ નથી? જુઓ અમે આટલા બધા તારા દોસ્તો અહીં પણ જેવા ને તેવા સાથે જ છીએ. બે ઘડી થોભીશ તો બીજા પણ પેલા પહાડ ઉપરથી હમણાં ઊંચે આવશે’(પૃષ્ઠ-૫૫). આ પ્રકૃતિ બધી મુશ્કેલીઓની દવા છે. યાત્રા દરમિયાન ખૂબ ચાલવાથી જ્યારે કાકાસાહેબના પગમાં ઊંડી તડો પડી ત્યારે ચીડના ઝાડમાંથી નીકળતો તાજો ગુંદર એ તડોમાં ભરી લીધો અને એનું પરિણામ એ આવ્યું કે બીજે દિવસે ચામડી એવી જામી ગઈ હતી કે જાણે કદી ફાટી જ ન હોય. આપણી પવિત્ર ગણાતી નદીઓમાં દીપદાન કરવું એ પુણ્યનું કામ છે. ગંગામૈયા પોતાના કલરવથી કહેતી હશે કે, ‘હિંદુસ્તાનમાં આવેલાં દેશદેશાંતરનાં સંતાનો મારા પ્રિય કંકરોની પેઠે સહિષ્ણુ અને અહિંસક બની એકત્ર રહેશે એમ સાબિત કરનાર હું ભારતની સંસ્કૃતિ છું’(પૃષ્ટ-૯૩). આપણા પૂર્વજો ગણાતા આર્યોનો ઇતિહાસ આપણે ખરેખરો જાણી શક્યા નથી. તેઓ અહીંના મૂળ વતની હતા કે બહારથી આવ્યા હતા તેના વિષે જુદાજુદા મતો પ્રવર્તે છે સર્જક તે વાતને અહીં સાંકળે છે, ‘ગંગોત્રી, જમનોત્રી, કેદાર, બદરી, અમરનાથ, ખોજરનાથ, માનસરોવર, રાકસતાલ, અમરકંટક, મહાબળેશ્વર, ત્ર્યંબક વગેરે બધાં તીર્થો નદીનું મૂળ શોધવાની નૈસર્ગિક જિજ્ઞાસાના પરિણામ છે એમ હું માનું છું. ઉત્તર ધ્રુવ તરફ રહેતી આર્ય પ્રજા જેમ ઉષ્ણતા આપનાર સુરજ ક્યાંથી ઊગે છે એને ક્યાં આથમે છે એમ શોધવા માટે બહાર નીકળી અને ચારે ખંડો પર પ્રસરી, તેમ હિંદુસ્તાનનાં સંતાનો પોતાનાં ઢોરને લઈને કે એકલાં નદીનું મૂળ શોધતાં-શોધતાં ફરતાં હોય એમાં નવાઈ નથી’(પૃષ્ઠ-૯૪).

ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય પીપળો. એના પાનની પતરાવળ બનાવાય નહીં, એના ઉપર જમે તે પાપ કરે એવી માન્યતા જોવા મળે છે. પીપળાના પાનની પતરાવળ પર ગૃહસ્થાશ્રમીઓ ન જમે એવો પ્રાચીન દંડક છે. જેને ઘર છોડ્યું એ પીપળાના પતરાવળ પર જામી શકે એને મન હોય તો. વડનું ઝાડ એ આપણા ગૃહસ્થાશ્રમનો આદર્શ સૂચવે છે તેની વડવાઈ જમીનમાં ઉતારીને અવિભક્ત કુટુંબ બનાવે છે જ્યારે પીપળો દર વર્ષે પોતાના પાંદડાં ખેરવી નાખે છે તેથી સંન્યાસીધર્મ સૂચવે છે. આ બે આશ્રમ જ હિન્દુ સમાજને વિશેષ પવિત્ર બનાવે છે. ભારતની પવિત્ર નદી ગંગાનું નીર સર્વ દુ:ખોને દૂર કરી પાપોમાંથી મુક્તિ અપાવનાર ગણાય છે તેથી હિમાલયની યાત્રા કરનાર લોકો ગંગોત્રીમાંથી ગંગાજળનો લોટો ભરી લે છે. એ પવિત્ર જળ અનેક પ્રાંતોના અનેક ઘરો અને ઝૂંપડાંઓમાં જશે; પ્રાયશ્ચિત કરતાં કેટલાય પાપીઓને ઈશ્વરની ક્ષમાની શાંતિ આપશે તો કેટલાય મૃત્યુશય્યા ઉપર પડેલા લોકોને મરણકાળની શાંતિ આપશે. કાકાસાહેબ કહે છે કે, ‘કેટલાક સાધુઓ તો, જેમ આપણે પાટીથી ખાટલાને વણી કાઢીએ છીએ તેમ, અહીંનું ગંગાજળ સેતુબંધ રામેશ્વર પહોંચાડી અને રામેશ્વરની રેતી ગંગોત્રીમાં પધરાવી આખા ભારતવર્ષને ધર્મબંધનથી વણી કાઢે છે. ચારધામની યાત્રાએ આપણો ધાર્મિક વણાટ છે. દેશ અને સમાજ એ રીતે એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે’(પૃષ્ઠ-૧૫૩). કાકાસાહેબે વળતાં જોયું કે રસ્તામાં કેટલાક લોકો બદરીનાથનો ભાત તડકામાં રાખી સુકવતતાં હતાં. આ સૂકો ભાત તેઓ પોતાના ઘરે લઈ જશે. બંગાળીઓ બંગાળમાં, પંજાબી પંજાબમાં, મારવાડી પોતાનું ભૂમિમાં, મહારાષ્ટ્રીઓ મહારાષ્ટ્રમાં, મદ્રાસીઓ છેક રામેશ્વર સુધી લઈ જશે. આ બધા લોકો સગા-વહાલાંઓને ભાત પ્રસાદ તરીકે આપશે. જેમ શાલિગ્રામ પત્થર ન ગણાય, જનોઈ સૂતર ન ગણાય તેમ ભાત અનાજ ન ગણાય એ તો પ્રભુનો પ્રસાદ.

અંતમાં એટલું કહી શકાય કે બદરીધામ એ વિવિધાતામાં એકતાની ભૂમિ છે. ‘અહીં નારાયણને બારણે રાજા રંક એક, ગરીબ તવંગર એક, બ્રાહ્મણ શુદ્ર એક, પાપી પુણ્યવાન એક, સુખી-દુ:ખી, રોગી-કુષ્ઠી, ઢેડ-ચમાર, શુદ્ર-અતિશુદ્ર, ચાંડાળ-પતિત, ઊંચનીચ, કાળા-ગોરા, વૈષ્ણવ-શૈવ, સંન્યાસી-ત્યાગી, શાક્ત-વૈરાગી, નાના-મોટા, બાળક-સ્ત્રી, બધાં જ એક, અહીં ભેદભાવ નથી, અહીં ન્યાત નથી, અહીં સંપ્રદાય કે પંથ નથી, અહીં તારું-મારું નથી, અહીં દ્વૈત નથી, દ્વેષ નથી, અહીં વાદ નથી, અહીં ઝગડો નથી અહીં સનાતની અને સમાજિસ્ટ નથી, અહીં સુધારક નથી, ઉદ્ધારક નથી, અહીં પૂર્વ નથી, પશ્ચિમ નથી, અહીં બધુ જ એક, કેમકે આ જ બધાં ભાંડુઓ ફરી એક જ પિતાને મળવા વિદેશથી પાછા આવેલાં છે’(પૃષ્ઠ-૧૭૩). આ જ આપણી ભારતીય સંસ્કૃતિ.

સંદર્ભ ગ્રંથ:-

  1. કાકાસાહેબ કાલેલકર, ‘હિમાલયનો પ્રવાસ’, નવજીવન પ્રકાશન, પ્રથમ આવૃત્તિ-૧૯૨૪

ગાયત્રી રાજેન્દ્રભાઈ વસાવા, પીએચ. ડી. શોધછાત્રા, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર- ૩૮૮૧૨૦