લઘુકથા - ‘જિગરી’
ઉનાળાના ધોમ–ધખતા અસહ્ય તડકાને કારણે બધા જ જીવો અકળામણનો અનુભવ કરી રહ્યાં હતાં. પક્ષી પારેવા ગરમીથી રક્ષણ મેળવવા બોરડી, બાવળ કે સૂકાયેલા કોઈ ઝાડના ઠુઠા નીચે લપાઈને બેઠા હતાં. એ શાંત વતાવરણમાં નવ અંકુરિત લીમડાના ઝાડ પરથી ભગવાન રામને પ્રિય એવી એક ખિસકોલી પોતાની બધી જ તાકાત એકીસાથે એકઠી કરી જાણે કે સાવધાની આલારામ વગાડી રહી હતી. ત્યાં થોડે દુર આવેલા રેલવેના પાટા પરથી થોડા વખત પહેલા જ એક ટ્રેન પુર ઝડપે સરસરાટ કરતી, જમીન પર પોતાની ધ્રુજારી મૂકી ચાલી ગઈ હતી.
રેલવેના પાટાથી થોડે દુર ઊભેલા બે મિત્રો આ ટ્રેનને જતી જોય ખૂબ આનંદિત થયા અને ટ્રેનમાં જાણે પોતાના જ કોઈ સ્વજન બેઠા હોય તેમ તે બેઠેલા તમામ લોકોને ઊંચા હાથ કરીને...એ..આવજો..ફરી....આવજો....ટાટા....ફરી આવજો...એવું ખૂબ આગ્રહ કરીને કહેતા હતા. એટલામાં ટ્રેન ત્યાંથી પસાર થય ગઈ અને તે પછી ફરી વાતાવરણ શાંતિપૂર્ણ બની ગયું. તેથી પેલી ખિસકોલીના આલારામ ધ્વનિએ ફરીથી તે બંને મિત્રોનું ધ્યાન દોર્યું.
તેમાંના એકે કહ્યું “ જોને ભાઈ આ રામ પ્યારી ક્યારની કુદાકુદ કરે છે, કોઈ તેના બચ્ચાને લઈ તો નથી જતું ને?”
બીજાએ જવાબ આપતા કહ્યું, “ હશે કઈ, ભાઈ જવા દેને ખિસકોલીને બીજું કામ પણ શું? એને આખો દિવસ ખાવું-પીવુંને રામના ગીત ગાવા..”
પેલાએ કહ્યું, “ ના ના જોતો ખરા કોઈ બિલાડી, કુતરો કે સાપ વગેરે તો નથી ને? તેને જોઈને એ કદાચ ડરી ગઈ હશે.”
આમતેમ જોતાં એવું કઈ પણ નજરે ન ચડ્યું. ખિસકોલીની એ ભાષા બંને મિત્રોને ન સમજાણી, તેથી આમતેમ જોઈ આગળ પાટા પર ચાલવા માંડ્યા. થોડે દુર જતા એ પાટા એક સંકળા પુલ પરથી પસાર થતા હતા. તેની નીચે નદી ને એક ઊંડી ખાય હતી. નદીમાં પાણી તો ન હતું, પરંતુ જોતા જ તે ખૂબ ભયંકર લગતી હતી. બંને મિત્રો એ ઊંડી ખાય પસાર કરતા હતા, એટલામાં તેનું ધ્યાન પાટા પર ગયું તો સામેથી બીજી ટ્રેન આવતી દેખાઈ. બંનેના ધબકારા વધી ગયા, હવે શું કરીશું? બંનેએ દોડ લગાવી પરંતુ હવે બચવું મુશ્કેલ હતું. તેથી એક બીજાનો હાથ પકડી લીધો અને બંને કહેવા લાગ્યાં કે, “ ડરતો નહી જિગરી હું તારી સાથે જ છું. હિમંત રાખ હમણાં પૂલ ટપ્પી નીકળી જઈશું.”
બંને મિત્રોએ બધી જ તાકાત એકઠી કરી જોરથી દોડવા લાગ્યુ. ટ્રેન ખુબ નજીક આવી ગઈ ત્યારે બંનેએ એક બીજાને ધક્કો માર્યો. ટ્રેન જાણે કોઈ યમનો દૂત હોય તેમ ખૂબ નજીકથી પસાર થઇ ગઈ. પછી બંનેએ રાહતનો શ્વાસ લીધો. બંનેએ એકી સાથે એક બીજાને કહ્યું, “ કેમ જિગરી બચાવી લીધોને?” એટલું બોલતા બંનેને પેલી ખિસકોલી યાદ આવી એટલે કહ્યું કે, પેલી ખિસકોલી પણ આપણને અહી ન આવવાનો સંકેત આપતી હશે, તેથી એ પણ આપણી ‘જિગરી’ કહેવાય ને.
એમ કહી બંને મિત્રો અધ્ધર શ્વાસે ખિસકોલી પાસે ગયા તો તેમની આંખો ખુલીને ખુલી રહી ગઈ....અરે આ તો રામ પ્યારી.. પાટાની નજીક અનંત નિદ્રામાં....