Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘ધરતી ખોળે પાછો વળે’માં પ્રકૃતિ નિરૂપણ

રામચંદ્ર ગુહા જેમણે ‘આધુનિક ભારતના રવીન્દ્રનાથ ટાગોર’ તરીકે ઓળખાવે છે, એવા જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક શ્રી શિવરામ કારન્થની ‘મરાલી મણ્ણિગૈ’ શીર્ષકથી કન્નડભાષા/શૈલીમાં લખાયેલી સુપ્રસિદ્ધ નવલકથાને શ્રી પ્રભાશંકર મંગળવેઢેકર ‘ધરતી ખોળે પાછો વળે’ શીર્ષકથી ગુજરાતીમાં અનુવાદિત કરી છે. ઇ.સ ૧૯૮૨માં સાહિત્ય અકાદમી, દિલ્હી, દ્વારા પ્રકાશિત થઈ છે.

નવલકથાના શીર્ષકમાં જ પ્રકૃતિનો પર્યાય છે એવી ‘ધરતી’, ને; ધરતીના ખોળે ઊછળતા પ્રકૃતિગત દક્ષિણ કર્ણાટકના મંગળુર જિલ્લાની આજુબાજુના જનસમુદાયના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પરિવેશને બૃહદ રીતે આ નવલકથા આલેખે છે. નવકથાને ભારતીય જીવનદર્શનના સંદર્ભે, નારી વેદના સંવેદના સંદર્ભે, ઇકોક્રિટિસિઝમ સંદર્ભે, પ્રકૃતિ નિરૂપણના સંદર્ભે, કૃષિકથા સંદર્ભે, એમ બહુવિધ આયમોથી જોઈ-તપાસી-મુલવવાની ભરપૂર શક્યતાઓ રહી છે. મારો અભિગમ અહી કૃતિને પ્રકૃતિ સંદર્ભે તપાસવાનો રહ્યો છે. પરંતુ એ પહેલાં કેટલીક મહત્ત્વની વાતો પર નજર જરૂર કરીશું.

પહેલી મહત્ત્વની વાત એ છે કે પારોતી, સરસોતી, સત્યભામા અને નાગવેણી જેવાં પાત્રોમાં ઉપસી આવતી માતૃવાત્સલ્યની ભાવના બાબતે દર્શક આ નવલકથાને ‘માતૃમહિમ્ન સ્તોત્ર’ તરીકે ઓળખાવે છે. બીજી મહત્ત્વની વાત, આ નવલકથામાં આલેખાયેલા સામાજિક સંદર્ભો, પારિવારિક સંદર્ભો, નવલકથાનો પરિવેશ, કૃષિ સાથે સંકળાયેલું જીવન, ઈત્યાદી બાબતે ઉપસી આવતું ભારતીય જીવનદર્શન. પણ, નવલકથાની ત્રીજી બાજુ? ત્રીજી બાજુ તો અહી, ભારતીની આઝાદી પહેલાં અને આઝાદી પછીનાં વર્ષોમાં પિતૃસત્તાક રૂઢિચુસ્ત સમાજની પરંપરાઓમાં કચડાતી નારીસંવેદના પણ તો મુખર થઈ જ છે...! શિયાળો, ઉનાળો કે ચોમાસુ. સવાર, સાંજ કે બપોર, ટાઢ, તાપ કે વરસાદને પણ નજરઅંદાજ કરી રાતદિવસ ખેતરમાં કાળી મજૂરી કરતી, રસોડાના ધુમાડામાં ઠૂહુ ઠૂહુ કરીને, આંખે આંધળી થતી, સર્જક કહે છે તેમ ‘ધુમાડાના ત્રાસને કારણે પારોતીબાઈની આંખ હંમેશા જાસૂદના ફૂલ જેવી લાલચોળ !’ (પૃ:0૬) એવી પરિસ્થિતિમાં બધાંને ભરપેટ જમાડતી પારોતીને પોતાના જ ઘરમાં એ પણ પૂછવાનો અધિકાર ન હોય, કે ‘આ ઘર કેમ સજાવવામાં આવી રહ્યું છે?’ (સજાવવાનું તો પાછું પારોતીએ જ...!) ને જ્યારે ખબર પડે કે પોતાનો પતિ રામ ઐતાળ બીજી પત્ની લાવવા ઘોડે ચઢવાના છે, ત્યારે કેવો વજ્રપાત થાય એ તો એ પારોતી જ જાણે! પારોતીનો વાંક એટલો જ કે તે મા નથી બની શકતી? પારોતીની, ‘આંખોમાં મોગરાનો રંગ કદી દેખાયો જ નહીં...’ (પૃ:0૬) નાની નણંદ સરસોતી એટલે જ સ્તો કહે છે કે ‘આ ભાઈને તો ઘરનાં બૈરની કિંમત કચરા જેટલી! ખરબરબચડી ભોંય અરીસા જેવી કરવાની અમને કહેવાનું. પણ કેમ? શા માટે? એ બધું અમને જણાવવાનું નહીં’ (પૃ:૫૪) શ્રી કારન્થે અહી પારોતી-સરસોતી નિમિત્તે મૂંગે મોઢે સહન કરતી ઘણી બધી સ્ત્રીઓની વેદનાને પણ વાચા આપી છે. સરસોતી, પારોતી, સત્યભામા અને નાગવેણી જેવી સ્ત્રીઓના પારિવારિક દરજ્જાને નાતે આ નવલકથા નારી સંવેદનાને પણ ઉજાગર કરે જ છે, સાથે સાથે પ્રકૃતિગત માનવ સ્વભાવાની વિલક્ષણતાઓ પણ અનેકાનેક પત્રો દ્વારા હૂબહૂ આલેખાય છે.

નવલકથાનું નિમિત્ત ભલે દક્ષિણ કર્ણાટકનું જન-માણસ છે, પરંતુ નવલકથામાં આલેખાયેલું વિષયવસ્તુ સમગ્ર ભારતના જન-માણસને આવરીલે છે એ હકીકતને આપણે નકારી ના શકીએ.

પરંતુ, આપણે અહિયાં નવલકથાની કથા સાથે સંકળાયેલી સૌથી મહત્ત્વની વાત, પ્રકૃતિ નિરૂપણને સર્જક કેવી રીતે ઉજાકાર કરે છે એ જોવાનો પ્રયત્ન કરીશું.

શ્રી કારન્થે નવલકથાની કથાવસ્તુ સાથે તાદાત્મ્ય સાધતી પ્રકૃતિને પણ છૂટા હાથે વણી છે. શરૂઆતના કેટલાક પ્રકરણોમાંથી પરસા થતાં તો એમ જ લાગે કે પ્રકૃતિક જ એક પાત્ર તરીકે નવલકથામાં ઊભરી આવે છે. માણસના જીવન સાથે પ્રકૃતિ કેવી રીતે અભિન્ન જોડાયેલી છે એ વાત અહિયાં મુખર થાય છે. ખેડ, ખેતર, ખાતર, પાણી, વાવણી કે લણણીની વાત હોય, કે પછી, રહેણીકરણી કે ખાવાપીવાની વાત હોય કે પછી સામાજિક પ્રસંગો ઉત્સવો ઈત્યાદિની વાત હોય, લેખકે કથાવસ્તુની સાથે પ્રકૃતિનું સ્વાભાવિક તાદત્મ્ય સાધ્યું છે. પ્રકૃતિ સાથે માણસનું જીવન કેટલું વણાયેલું છે એ નિમિત્તે પર્યાવરણ સાથે માણસનું નિજી જીવન કેટલો ગાઢ સંબંધ ધરાવે છે, માણસના અસ્તિત્વ સાથે કેટલું તદાત્મય છે, સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ પ્રકૃતિ અને પર્યાવરણના પાયા ઉપર ઊભું છે એ પણ આ નવલકથા નિમિત્તે જાણી -માણી શકીએ છીએ. ઋતુ ઋતુના રંગ સાથે માણસ સ્વભાવની સ્વાભાવિક મર્યાદાઓ-વિશેષતાઓને પણ લેખક બહુ સુક્ષ્મતાથી આલેખે છે.

ક્યારેક જાત સાથે, ક્યારેક સમાજ, તો ક્યારેક પ્રકૃતિ સાથે સંઘર્ષ માંડતી આ નવલકથા રામ ઐતાળથી રામ ઐતાળની સુધીની ત્રણ પેઢીની વાતને આલેખતી ચક્રાકાર ગતિએ ચાલે છે. હળવી શૈલીમાં શરૂ થતી નવલકથાની શરૂઆત જ પ્રકૃતિથી થાય છે. જૂઓ:
‘આ જ કારતક મહિનામાં પાર્વતીને ચોવીસમું પૂરું થઈ પચીસમું વર્ષ બેસશે. હેવિળ્ંબી સંવત્સરના જેઠ માહિનામાં તેનું લગ્ન થયું. તે પણ કેવું એમ પૂછો છો? આવા જ ધોધમાર વરસદમાં. તેના પિતા નારાયણમય્યા મણુર ગામના. તેમનું ઘર દરિયા કિનારે, કાંઠાના રેતાળ પટની એક બાજુએ. ઘરની ચારે બાજુ કાજુનાં ઝાડ. તેની વચ્ચે આવેલું તેમનું ઘર નળિયાથી છાયેલું નહોતું. -તેને હતું ફક્ત ઘાસનું છાપરું જ. દરિયા પરથી આવતા પવનના સૂમસૂમ સૂસવાટા વચ્ચે તેમનું ઘર કેવી રીતે ટકી રહ્યું હતું એ પણ એક આશ્ચર્ય !...’ (પૃ:૦૧) આમ, સમુદ્ર, નદી, નાળાં, પવન, જંગલ, ખાડી, ઊંચે ઉછાળતાં મોજાં, ફૂંકાતો પવન, જેવાં કુદરતી આયમોની વચ્ચે જ ઊછળતી નવલકથાની પૃષ્ઠભૂ પ્રકૃતિની સાથે અભિન્ન રીતે જોડાઈને ચાલે એ સ્વાભાવિક જ છે.

પારોતીનાં લગ્ન, કોડી ગામના કોદંડ ઐતાળના પુત્ર રામ ઐતાળની સાથે થયાં છે. ભર ચોમાસે ધોધમાર વરસતા વરસદમાં ઐતાળની જાન મણૂર ગામે નારાયણમય્યાના માંડવે જે હાલતમાં પહોંચે છે એ હાલત; અને લગ્નનું વર્ણન હાસ્યથી ભરપૂર તો છે જ, સાથે સાથે પ્રકૃતિ એમાં કેવો ભાગ ભજવે છે એ પણ જોવા જેવુ છે. વરસતા વરસાદમાં રામ ઐતાળની જાન, નારાયણમય્યાના માંડવે લથબથ પલળતી પહોંચે છે. વરસાદનું પ્રાકુતિક વર્ણન વરસાદની જેમ અનાધાર વરસ્યું છે, પરંતુ હસતાં હસતાં શ્રી કારન્થ આપણને ગામડાંમાં ગરીબી અને લાચારીથી જીવતા માણસોના વાસ્તવિક જીવન સામે લાવીને ખડા કરી દે છે. જૂઓ:
ખૂદ કોદંડરામ વારંવાર કહેતા ‘...અમારા કુંવરના લગ્નટાણે દેવોએ વાંજા વગાડેલાં. હાથબોંબ, બંદૂક, કોઠી, હવાઈ, વગેરે દવાખાનું તો ઇન્દ્ર્દેવે જ પૂરું પાડ્યું હતું. ઓઢેલી છત્રીઓ ચચ્ચાર વાર કાગડો થઈ ગઈ. લગ્નમંડપમાં પ્રવેશતી વેળાએ, ઐતાળે ખુદ ઓઢેલી છત્રીનો દંડો માત્ર હાથમાં રહ્યો હતો. આ તે કેવો વરસાદ ! આવા ઠાઠમાં, જેમણે પીઠ પર કાંબળી ઓઢેલી હતી તે લોકોનાં મોં, છાતી અને પગ ભીંજાઇ ગયા હતા પણ પીઠ કોરી ધાકોર રહી હતી... તે દિવસે જાનૈયાઓને ઘર લાવવાવનું કામ ઘેટાં-બકરાંના ઝૂંડને એકઠાં કરીને લાવવા જેવું મુશ્કેલ હતું....જાનૈયાઓનું સામૈયું લગ્નમંડપમાં જ થયું. સાચું કહીએ તો, ઘરની સામે ડાંગરના ખેતરમાં તે થયું હોત તો સારું થાત. પણ પાણી ભરાયેલા ખેતરોમાં પવન સૂસવાતો હોય અને વરસાદ વરસતો હોય ત્યારે આવું શક્ય બને ખરું ? એટ્લે ઘરનું આંગણું જ વરસાદને લીધે ડાંગરનું ખેતર બની ગયું હતું. મંડપનું છાપરું ઊડી જતાં માત્ર આંગણું જ બાકી રહ્યું હતું.... વરસદમાં ભીંજાયેલા વરરાજાને પણ લગ્નમંડપના અગ્નિની હુંફ મળી નહીં, ધુમાડો, પવન અને વરસાદની ફરફર એ જ ત્યારે મંત્રો અને ગીતોની ગરજ સારતા હતા… આમ તો વરસાદે વરરાજના ઘરને પણ છોડયું નહોતું. તેમના ઘરની સાવ નજીક-માત્ર થોડેક જ છેટે નદીનું મુખ હતું. પશ્ચિમે દરિયો, દક્ષિણે નદી અને દરિયાનો સંગમ અને પૂર્વમાં નદી. લગ્નના એ વર્ષે કોડી ગામના દરિયાનું પાણી ગાંડુતૂર બન્યું હતું...’ (પૃ: ૦૩) અહિયાં હાસ્યરસથી ભરપૂર લગ્નના વર્ણનમાં પણ લેખક વરસાદી પ્રકૃતિનું વર્ણન હૂબહૂ આલેખી પ્રકૃતિ અને પ્રસંગનું તાદત્મ્ય સાધે છે.

નવલકથાનાં ત્રણ પત્રો. રામ ઐતાળ, તેની વિધવા બહેન સરસોતી અને હમણાં જ પરણીને લાવેલી પત્ની પારોતીનો ઘરસંસાર, નવલકથનો પ્રાણ છે. સરસોતી વિધવા થયા પછી રામની જોડે પિયરમાં જ છે. સરસોતી અને પારોતી નણંદ ભોજાઈ છે. પણ એ બંનેનો નાતો બે બહેનો કરતાં પણ વિશેષ છે. રામ ઐતાળનો આખો દિવસ ગોળપદું કરવામાં જાય. રાતે મોડા આવે ને સવારે વહેલાં નીકળી જાય. બપોરનું જમવાનું તો યજમાના ને ઘેર જ હોય! સરસોતી વિધવા થયા પછી તો એક ટાણું જ કરતી. એટેલ એકલી પારોતી બપોરના ભોજનમાં પાણીમાં પૌઆ પલાળીને જમી લેતી. ખેતીનું કામ કરવાનું, ગાયોને ચરાવા લઈ જવાની, વડી, પાપડ કે અથાણાં કરવા, જેવા દૈનિક કામોમાં સરસોતી અને પારોતીનું પરંપારિક જીવન પસાર થતું. રામ ઐતાળ ક્યારેક સરસોતી પારોતી સાથે ખેતીમાં હાથબટવારો કરાવે, પણ ક્યારેક ક જ. આ રોજિંદા ઘરેલુ કામમાં સૌથી મોટી સમસ્યા ઈંધણ-બળતણ ભેગું કરવાની. આ કામ એટલું મોટું કે વરસ આખું પહોંચતું. લેખક, પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સાંકળેલી આ ઘટનાને કેવી રીતે મૂકે છે જૂઓ:
‘ખૂબ આધે આવેલાં જંગલોમાંથી આવતી નદીના વહેતાં પાણીમાં ચોમાસામાં લાકડાં, ઝાડ ખૂબ ખૂબ તણાઇ આવતાં. દરિયામાં ઉતરીને પકડવાનું કામ જેવુ તેવું ન હતું. એ લાકડાં લેવા નદીના મુખની ઉત્તર દિશાએ, સાગરેને કાંઠે બે માઈલ દૂર જવું પડતું. ગમે તેટલો વરસાદ પડતો હોય તો પણ તેનો ખ્યાલ કર્યા વિના સવારના પહોરમાં ઘરમાંથી નીકળી સાગરના કાંઠા પર જો રાહ જોતાં ઊભા રહીએ તો સામેથી વરુણ દેવ શું શું લાવે છે તે દેખાય. એક દિવસ બહુ મજાની વાત બની. સવારે ઊઠીને ત્રણે ય દરિયા કાંઠે ગયાં. એમના જેવાં ચાલીશ પચાસ માણસો પરોઢ થતાં પહેલાં ત્યાં રાહ જોતાં ઊભાં હતાં. પૂર આવે ત્યારે વૃક્ષો વધારે પ્રમાણમાં તણાઇ આવે. પણ સાથે સાથે પવનનો ઝપાટો અને વરસાદનો મારો પણ વધારે રહેતો. તેમ છતાંય ઐતાળ દરિયામાં ઉતર્યા. ગોઠણભેર પાણીમાં ઊભા રહી ચીલનજરે તે જોઈ રહ્યા હતા. લાકડા જેવો એક કાળો ટુકડો લગભગ સો વાર દૂરથી વહી આવતો હતો. ઐતાળે તરતાં તરતાં મોજાં પાર કરી, ત્યાં જઈ હાથની ઝાપટ મારીને તે ખેંચ્યો. આ સાહસ કરી કાંઠે આવતાં તેમને અડધો પ્રહર લાગ્યો. છેલ્લા એક મોજાંની થપાટે તેમણે આણેલા ઝાડને રેતીના ઢગ પર ફેંકી દીધું. તેના વજન પરથી તેમને લાગતું હતું કે લાકડાના ઓછામાં ઓછા પચાસ ભારા તો થશે. પણ નજર નાંખતા જોયું કે તાણીને આણેલી તે પ્રચંડ વસ્તુ લાકડું નહોતી પણ પાડાનું મડદું હતું. તેમણે ઝાડની ડાળ નહોતી ઝાલી પણ તેનું શીંગડુંઝાલ્યું હતું.....(પૃ:૦૭) અહી વાત બળતણ ભેગું કરીને આખો વર્ષ ચૂલો ચાલવાવની જ છે. પણ, સમુદ્રની, નદીની અને જંગલની પ્રકૃતિ સાથે કેવી રીતે સંકળાયેલી છે એ જોવા જેવુ છે. હળવી અને હાસ્યાત્મ્ક શૈલીમાં લેખક પર્યાવરણ તરફ પણ અંગુલિનિર્દેશ કરી જાય છે.

સવાર સવારનું એક પ્રકૃતિ વર્ણન પણ ધ્યાનહાર્ય બને છે, જૂઓ : ‘…રાત વીતી ગઈ, ઉજાસ થયો. પૂર્વના આકાશમાં સુંદર વાદળાં છવાયાં હતાં. સવારના સૂર્યે સુંદર મેધધનુષ્ય પાથર્યું હતું. સવારનો તડકો ઝાકળથી ભીના થયેલાં નારિયેળ અને તાડનાં વૃક્ષોની ડાળીઓને ચૂમતો હતો. તે દિવસે પ્રકૃતિનું વાતાવરણ કેવું સ્વચ્છ હતું ! સ્નાન કરી નવાં વસ્ત્રો પહેર્યા ન હોય જાણે!’ (પૃ : ૩૬)

આમ, શરૂઆતના થોડા પ્રકરણોમાં તો નવલકથા આવા રોજિંદી બનાવોમાં જ ચાલે છે. ખાસ કરીને ડાંગરની ખેતી અને ખેતીમાંથી ઉપજતું ધાન, ધાન ઉપર નિર્ભર સમગ્ર જીવન. લેખકનો કૃષિ સાથેનો નાતો જાત અનુભવનો છે એવું એમના વર્ણનો પરથી જાણી શકાય છે. ડાંગરનું ધરું નાંખવું, ઉપાડીને ક્યારમાં રોપવું, નીંદામણ કરવું, વાઢવું, લણવું જેવી ક્રિયાઓનુ વર્ણન અદ્દલ ઉતરે છે. ડાંગળ ક્યારમાં રોપાયા પછીનું પ્રકૃતિ વર્ણન કેવું સુંદર રીતે આલેખે છે જુઓ.
‘…શ્રવણ મહિનાની શરૂઆતમાં તળાવ જેવુ દેખાતું પશ્ચિમ તરફનું મેદાન વાવણી પત્યા પછી લીલુંછમ્મ થઈ ગયું. સમુદ્રનો પવન અને દક્ષિણનો પવન માઈલો સુધી ખેતરોના ઊભા રોપને હિલોળા ખવડાવતો હતો. સમુદ્રમાં ઊડતાં મોજાં જેવુ લાગતું તે દૃશ્ય સમુદ્રને પણ લજવે તેવું હતું. ઐતાળના ઘરની પછવાડે ઊભા રહીએ તો પૂર્વ અને પશ્ચિમ બને બાજુ દેખાય. પશ્ચિમ તરફ જોઈએ તો વાદળી, લીલો સમુદ્ર ગર્જના કરતો દેખાય. તેનાં કાંઠા પર ફીણ ઊછળતાં મોજાં દેખાય. પૂર્વ તરફ મોં કરીએ તો લીલું પથરાયેલું વિશાળ મેદાન નજરે પડે. લીલા પાકને સમસમ કરીને ઝુલાવતા પવનનું દૃશ્ય દેખાય....’ (પૃ:૨૯)

આવું, પ્રકૃતિનું સુંદર વર્ણન ભાવકને વાવણીથી લીલાંછમ થયેલા મેદાનમાં લાવીને ખડા કરે છે. પ્રકૃતિ અને પરિશ્રમ બન્નેનો મહિમા છે. આ સાથે નારિયેળી, કણજી, ફણસ, આંબો જેવી કુદરતી વન-વગડાઉ પ્રકૃતિ પર પણ, માણસ જીવન કેટલું નિર્ભર છે, એ બાબત પણ અહી મુખર થાય છે. કણજીનાં બીજનું તેલ કાઢીને આખું વર્ષ ઘરમાં અજવાળું પાથરવાનું, ફણસના પાપડ, કેરીનું અથાણું, નાળિયેલમાંથી કોપરેલ કાઢી ખાવામાં વાપરવાનું, નારિયેળનાં પાનથી ઘરની છત ઢાંકવાની ઈત્યાદી નાની નાની પણ બહુ મોટી વાતો પ્રકૃતિ નિમિત્તે આ નવલકથામાં આલેખાઈ છે.

પાકની સાથે બદલાતી પ્રકૃતિ, શ્રવણ પછી, ભાદરવો ને; આસો માહિનામાં તૈયાર થયેલાં ડાંગરનાં ધાનથી ભળ્યા ખેતર કેવાં લાગે છે જૂઓ:
‘…ભાદરવો પત્યા પછી ખેતરમાં ડાંગરનાં પીળાં કણસલાં બાણશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ જેવાં સૂતાં હતાં. આકાશમાં વાદળાં ભેગાં મળીને ગડગડાટ કરવા લાગ્યાં. ખેડૂતો ખેતર સુધી જાય ત્યાં સુધી તડકો હોય અને દાતરડાંથી ઘાસ કાપી તે તેના ભારા બાંધે ત્યાં તો પળમાં જ કાળાં ભમ્મર વાદળ એકઠાં થાય, વરસાદ તૂટી પડે અને વીજળી સળકે. દિવસે જ અંધારું વ્યાપે. સમુદ્રથી પૂર્વના ધાટ સુધી વીજળીવેલ આમતેમ ઉપર નીચે ઝૂમે. ‘આ તો આંખ સામે જ પડી’ ‘કયું તાડનું ઝાડ બળી ગયું?’ એવી બૂમાબૂમ ઊઠે અને લોકો સત્વરે જ દોડાદોડ કરે...’ (પૃ:૩૦) પ્રકૃતિના ભવ્ય સ્વરૂપની રૂબરૂ કરાવે છે.

આમ, રોજિંદા જીવનમાં પારંપારિક રીતે ચાલતી નવલકથા એક નવી ઘટના સાથે સામાજિક બનવા તરફ વળે છે. લગ્નના ઘણાં વર્ષો પછી પણ, મા ન બનતી પારોતીને બાજુ મૂકી પુત્ર ઘેલસામાં આંધળો બનેલો રામ ઐતાળ પડુમુન્નૂર ગામના માદપય્યાની દીકરી સત્યભામા સાથે બીજાં લગ્ન કરે છે. આ લગ્નનું નક્કી કરીને રામ ત્રણ દિવસે જ્યારે ઘેર આવે પાછા આવતા હોય છે ત્યારે, રામનું માનસ કેવું છે? જૂઓ:
‘તે દિવસે ઐતાળ ધેર પાછા જવા નીકળ્યા, તે નદીનું મુખ ઓળંગતા હતા ત્યારે આકાશમાં રંગીન વાદળાં ઘૂમતાં હતાં. હસતાં પાણીની લહેરો સૂર્યનાં કિરણોમાં તલવારના ધારની જેમ ચમકી ચમકીને અદ્રશ્ય થતી હતી. નદીનું પાણી આનંદથી ઉછળી ઉછળી સમુદ્રને ચૂમતું હતું....’ (પૃ: ૧૪૧)

પ્રકૃતિનું તો સુંદર આલેખન છે જ, સાથે માણસની પ્રકૃતિની વાત પણ અહી અછતી નથી રહેતી. પુત્ર ઘેલછામાં અંધ રામ ઐતાળનું વ્યક્તિચિત્ર પ્રકૃતિની સાથે આલેખાયું છે.

આજ વાતની સામેની બાજુ, એકલી પડેલી પારોતીની વેદના સાથે લેખક અહી પ્રકૃતિનું આલેખન કેવી રીતે કરે છે એ જૂઓ :
‘ચક્રનેમિક્રમ મુજબ ચંદ્રની યાત્રા આગળ વધી. પાતળા આકાશના પાલવ નીચે તરતો તરતો તે પશ્ચિમના સમુદ્રના તરંગો પર સરકતો આગળ વધ્યો. પાણીમાં તરતા લાકડાના ઢીમચાની જેમ તે ધીમે ધીમે આગળ વધતો હતો. અંતે તે એક નાના સરખા ટમટમતા દીવા જેવો બની ગયો. અને છેક છેલ્લે, પારોતી સામે ઓસરીમાં મૂકેલા દિવાની જેમ હોલવાઈ ગયો.

હા, દીવો હોલવાઈ ગયો! પારોતીના સામેનો દીવો તેલના અભાવે હોલવાઈ ગયો. બળેલી વટમાંથી ધુમાડો નીકળ્યો પણ પરોટીને એની ગંધ આવી નહીં. વાટ બળીને રાખ થઈ ગઈ. પારોતીને એકાએક ખ્યાલ આવ્યો કે દીવો હોલવાઈ ગયો છે. ‘હેં દીવો હોલવાઈ ગયો?’ પણ ઊઠીને દીવામાં તેલ નાખવું જોઈએ, પાછો પેટાવવો જોઈએ, રાત માટે રંધાવું જોઈએ એવો કશો જ વિચાર એણે આવતો નહોતો. ‘હોલવાઈ ગયો તો ભલે હોલવાઈ ગયો. બહાર ચાંદનીનું અજવાળું છે…’ (પૃ :૫૯) પારોતીના જીવન સંદર્ભે પણ ચંદ્રની યાત્રા અને તેલના અભાવે દીવાનું હોલવાઈ જવું પ્રતિકાત્મ બની રહે છે.

માતૃત્વની ઝંખના કરતી પારોતીના જીવનની આ કરૂણ ઘટના લેખકે હૃદયધ્રાવક રીતે આલેખી છે. રામ ઐતાળના ઘરમાં એક નવી સ્ત્રી સત્યભામાનું આગમન થાય છે. એક જ ઘરમાં એક થઈને રહેતી ત્રણ સ્ત્રીઓ સરસોતી, પારોતી અને સત્યભામાનો સુમેળ ભારતીય જીવન પરંપરાને ઉજાગર કરી જાય છે.

સમય જતાં સત્યભામાને એક દીકરો થાય છે. લક્ષ્મીનારાયણ. ઉર્ફે લચ્ચા. મા કરતાં મોટી બા પારોતીની મમતા વધારે મળતાં સ્ત્રી સહજ ઈર્ષાનો ભાવ અહી સત્યભામાના પત્રમાં બતાવાયો છે. માનવગત પ્રકૃતિનું આલેખન પણ અહી માર્મિક રીતે કરાયું છે. પરંતુ એ સાહજિક વાતને આગળ ન વધારતાં લેખક લચ્ચાના આગમન સાથે નવલકથાને જુદી જ દિશામાં લઈ જાય છે. લચ્ચાનું અંગેજી શિક્ષણ અને મોસાળનો અતિશય લાડ-પ્રેમ લચ્ચાને પણ, જુદી જ દિશામાં લઈ જાય છે. છોકરો હાથમાંથી ગયો છે એવું જાણવા છતાં કોઈ અમર આશાએ રામ ઐતાળ લચ્ચાના લગ્ન બાજુના ગામના એડવોકેટ વાસુદેવની દીકરી નાગવેણી સાથે કરાવે છે. પારોતીનો સંસ્કાર વારસો આગળ જતાં નાગવેણીમાં આલેખાયો છે, જ્યારે રામ ઐતાળના ક્યાંક દંભી, સ્વાર્થી સ્વભાવનું આરોપણ લચ્ચામાં થયેલું જોવા મળે છે.

એક વાત અહી અચૂક નોંધાવી જોઈએ કે નવલકથાના શરૂઆતના થોડા પ્રકારણોમાં પ્રકૃતિનું વર્ણન વિસ્તારથી આલેખાયું છે. પરંતુ નવલકથા જેમ જેમ કથામાં બંધાતી જાય છે; તેમ તેમ પ્રકૃતિનું વર્ણન આછા લસરકા સાથે વર્ણવાતું જાય છે.અને ભારતીય કૌટુંબિક જીવન શૈલી મુખર થતી જાય છે.

સમય સાથે પારોતી, સરસોતી અને રામ ઐતાળ દેવલોક પામે છે. ઘરમાં હવે સત્યભામા, લક્ષ્મીનારાયણ યાને લચ્ચા અને નાગવેણી જ છે. પરસ્ત્રી ગમન, દારૂ અને જુગારના રવાડે ચઢેલો લચ્ચા રામની બધી મિલકત ફના કરી નાંખે છે. સત્યભામા અને નાગવેણી ગરીબીના ગોળ અંધકારમાં ધકેલાય છે. કામુક લચ્ચાના કપટી સહવાસથી નગવેણી એક કસુવાવડ, પછી એક દીકરનું અકાળે અવસાન થયા પછી બીજા એક દીકરાને જન્મ આપે છે. ઉંધા રવાડે ચઢેલો લચ્ચા દીકરાનું મોઢું જોવા પણ નથી રોકતો. ઘર છોડીને ચાલ્યો જાય છે. મા સત્યભામાના મરણ વખતે પણ તે નથી આવતો.

નગવેણીના દીકરાના નામકરણ વિધિમાં દીકરાનું નામ દાદાના નામ રામ, પરથી રામ જ રાખવામાં આવે છે. રામને પણ કોડીના દરિયાનું ઘેલું લાગેલું છે. કોડીની પ્રકૃતિ સાથેનો તેનો લાગવ અપ્રતિમ રહ્યો છે. ક્યારેક રામ મા નાગવેણી સાથે સમુદ્રના કિનારે જતો. એના સૌદર્યનું પાન કરતો. એક વર્ણન જોઈએ. જૂઓ:
‘છેવટે સૂર્યાસ્ત થતાં સુધી રામ ત્યાં ઊભો રહ્યો, નાગવેણીનું મન પણ તે દૃશ્ય જોવા ઉત્સુક હતું. સમુદ્રના પવનના હાલરડાંને તાડનાં વૃક્ષોની ડાળીઓના ભરભર અવાજે સંગીત આપી...ઘરનાં આંગણાની ચારે બાજુનાં નારિયેળનાં વૃક્ષો ચાંદનીમાં સ્નાન કરતાં ઊભાં હતાં...આખી રાત સમુદ્રના તાલે તાલે નાળિયેરીનાં પાંદડાઓનું અને તાડનાં વૃક્ષોની ડાળીઓનું સંગીત ગુંજતું હતું....(પૃ:૩૨૨) આજ, પ્રકૃતિનો પ્રેમ નવલકથાને અંતે રામ ઐતાળને વતન તરફ લઈ આવે છે.

મૈસૂર જેવા મોટા શહેરમાં રહી રામ બી.એ સુધીનો અભ્યાસ કરે છે. ચાલુ અભ્યાસે જ એકાદ વર્ષ માટે ગાંધીજીના હિંદ છોડો આંદોલનમાં જોડાઈ એકાદ વર્ષ માટે જેલની સજા પણ ભોગવે છે. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમને આગળ ધપાવવાના તેના પ્રયત્નો નોકરીની શોધમાં અને ગરીબીની આડમાં ક્યાં સંતાઇ જાય છે એ ખુદ રામ પણ જાણી શકતો નથી. નોકરીની શોધમાં રામ મૈસૂર છોડી મયાનગરી મૂંબઈમાં આવે છે, ત્યાં ચિત્રકળા શીખે છે. સંગીતની કળા એને નાગવેણી જોડેથી વારસામાં મળેલી છે. પરંતુ કળા તેના પેટનો ખાડો નથી પૂરી શકતી. મુંબઈમાં નોકરીના શોધવાના ખૂબ રઝળપાટ પછી એક દિવસ તે ચોપાટીના દરિયા કિનારે આવીને બેસે છે, ત્યાં સર્જક શહેરની અને ગામડાની પ્રકૃતિનું આલેખન કરવાનું ચૂક્યા નથી. જૂઓ. :
‘મહિનાઓ વીતી ગયા છતાં કઈ કામ ધંધો મળ્યો નહીં...એક દિવસે આમ જ વિચાર કરતો તે શહેરમાં ફરવા નીકળ્યો. ચાલી ચાલીને ક્ંટાળ્યા પછી ચોપાટીના સાગર કાંઠે આવીને બેઠો. ત્યાની રેતી મદ્રાસના સમુદ્ર જેવી નહોતી. સામેના સમુદ્રનું પાણી પણ ગંદુ હતું. સમુદ્રના સ્વાભાવિક ઉછાળા અને મસ્તી પણ ત્યાં દેખાતાં નહોતાં, આ સમુદ્ર તો વરસાદના પાણીથી ભરેલો વિશાળ તળાવ જેવો લાગતો હતો. જો કે તેને કાંઠે બેઠેલો જનસમુહ અનેકાનેક વાતો કરતો ઉલ્લાસથી નાચતો હતો. મુંબઈના બધા જ પ્રકારના લોકો – ફરનારા, ખાણીપીણી કરનારાં, ઓડકાર ખનારા ત્યાં એકઠા થયા હતા. ત્યાં લોકોનો એટલો મોટો સમુદાય હતો; છતાંય કોઈ કોઈને ઓળખાતું નહતું.’ (પૃ : ૪૧૧)

આ સંદર્ભે એક બીજું વર્ણન પણ ધ્યાનહાર્ય બને છે. જુઓ : ‘…અહીનો સમુદ્ર અમારા ગામના સમુદ્ર જેવો નહીં, નાનપણમાં તે જ મને હાલરડું ગાતો હતો. તેનું સંગીત અમે ઘરમાં સાંભળતા. અહીંનો શાંત સમુદ્ર જોઈને એવું લાગે કે તે પોતાનું કાઇંક ખોઈ બેઠો છે. આ સમુદ્રને અમારા સમુદ્ર જેવો આત્મા નથી...(પૃ:૪૨૧)

અહી, સર્જકે ગામડાના દરિયાની પ્રકૃતિ અને શહેરના દરિયાની પ્રકૃતિની સાથે સાથે માણસોની પ્રકૃતિની (લોકોનો એટલો મોટો સમુદાય હતો; છતાંય કોઈ કોઈને ઓળખાતું નહતું.) વાત પણ વણી લીધી છે.

ને; એક દિવસે નાગવેણીનો પત્ર આવે છે, ‘પડી ગયેલી દીવાલની માટી હું જાતે જ પાવડાથી ભેગી કરી રહી હતી ત્યારે દીવાલમાં રાખેલો એક માટીનો ઘડો મને મળી આવ્યો.... તે ઘડામાં રાણીના જમાનાના ત્રીસ સોનાના સિક્કા હતા. આ બધુ કામ તારા દાદાજીનું- બીજા કોઈનું નહીં, હવે તું ત્યાં શા માટે દુ:ખ વેઠે છે? અહી જ થોડીક ખેતી કરીશું અને સુખે જીવન પસાર કરીશું...’(પૃ:૪૨૦)

અંતે રામ ‘મનના સંતોષ માટે જ હું મારે ગામ જાઉં છુ. મારી મા અને મારો સમુદ્ર – આ બે જ મને સંતોષ આપી શકશે…’ કહીને વતન કોડીમાં પાછો આવે છે. શહેર છોડીને વતન કોડીમાં પાછો આવેલો રામ કેવી પ્રકૃતિ શ્વસે છે જૂઓ:
‘પરોઢિયે સમુદ્રકિનારા પરના ડુંગર પર ધુમ્મસ પ્રસર્યું હતું. મકરસંક્રાંતિનો ઠંડો પવન જોરથી વહેતો હતો. તે પવન દાંત કકડાવી જાય એવો હતો. બૃહસ્પતિનો તારો ઊગવાનો તે સમય હતો. ચન્દ્ર્બિંબ આકાશમાં ચમકતું હતું. ઐતાળના ઘરની વાડ પર રહેતાં પક્ષીઓ કલરવ કરતાં જાગી ઊઠ્યાં....”(પૃ:૪૨૩)

આવા પ્રકૃતિક વર્ણનથી પૂરી થતી નવલકથા ‘ધરતી ખોળે પાછો વળે’ એ અર્થમાં પણ સાર્થક બને છે. ગામની શાળામાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારે છે. કેટલાક આપવાદોને બાદ કરતાં દાદા રામ ઐતાળના સંસ્કારનો વારસો પૌત્ર રામ ઐતાળમાં આલેખાય છે. નવલકથાના અંતે રામના લગ્ન સરસ્વતી નામે એક સુકન્યા સાથે થાય છે. દાદા રામ ઐતાળથી પૌત્ર રામ ઐતાળ, સરસોતી-પારોતી, પારોતી-સત્યભામા, સત્યભામા-નાગવેણી અને છેલ્લે નાગવેણી-સરસોતી. એટલે સરસોતીથી સરસોતી સુધીની આ નવલકથા જિંદગીના ઘણા ઉતાર ચઢાવનું, જિદગીની તડકી છાંયડીનું માર્મિક બયાન રજૂ કરી જાય છે.

સમગ્ર કૃતિ પ્રકૃતિના સાનિધ્યમાં આલેખાય છે. પ્રકૃતિગત પ્રકૃતિ અને માણસગત પ્રકૃતિને પણ સર્જક બહુ સૂક્ષ્મતાથી અલેખે છે.

સંદર્ભ

  1. મરાલી મણ્ણિગૈ’ લેખક: શિવરામ કારન્થ, ગુજરાતી અનુવાદ ‘ધરતી ખોળે પાછો વળે’ અનુવાદક: પ્રભાશંકર મંગળવેઢેકર, આવૃત્તિ :૧૯૮૨, દિલ્હી સાહિત્ય અકાદમી

દશરથ સો.પટેલ, ગુજરાતી વિભાગ, મીઠીબાઈ કોલેજ, વિલેપાર્લે (પશ્ચિમ). dspatel282@gmail.com