આરણ્યક સંસ્કૃતિની સૂત્રધાર : ‘અરણ્યા’
ગુજરાતી નાટ્યસાહિત્યમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા નાટ્યસર્જક છે. જેમાં સતીશ વ્યાસનું નામ મોખરાના સ્થાને આવે છે. છેલ્લા ત્રણેક દાયકાથી ગુજરાતી નાટ્યક્ષેત્રે સર્જન પ્રવૃત્તિનો આરંભ કરી, સાહિત્યને એકાંકીઓ તથા નાટકોનું પ્રદાન કરે છે. સર્જકના એકાંકીઓ અને નાટકો માનવજીવનના ગૂઢ રહસ્યોને રજૂ કરે છે. તેમણે આધુનિક તેમજ અનુઆધુનિક એમ બંને સમયગાળામાં મૂકી શકાય એવા એકાંકીઓ અને નાટકો ગુજરાતી નાટ્યસાહિત્ય સ્વરૂપને આપ્યાં છે. તેમણે ત્રણેક એકાંકીસંગ્રહો તથા નવ પૂર્ણ કદના નાટકો સર્જયાં છે. ‘નો પાર્કિંગ’, ‘તીડ’ અને ‘પૂતળીબાઈ’ તેમના એકાંકીસંગ્રહો તથા ‘પશુપતિ’, ‘જળને પડદે’, ‘કામરું’, ‘અંગુલિમાલ’, ‘ધૂળનો સૂરજ’, ‘અમે અહીંથી નહીં જઈએ’, ‘મેં ગંદેવીનો ગલો’, ‘અરણ્યા’ તથા ‘મન મગન હૂંઆ’ જેવાં પૂર્ણ કદના નાટકો આપ્યાં છે. આ નાટકોમાં માનવજીવનના પ્રશ્નો તો છે જ, સાથે કેટલાંક નાટકોમાં મીથનો પ્રયોગ પણ થયેલો જોવા મળે છે. જ્યારે ‘મેં ગંદેવીનો ગલો’ નાટકમાં રાજકીય રમત સાથે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપતું વિષયવસ્તુ જોવા મળે છે. ગુજરાતી નાટ્યસાહિત્યમાં જવલ્લે જ કોઈ નાટકનો નાયક આદિવાસી સમાજનો યુવક હોય. આ ઉપરાંત કેટલાંક ચરિત્રાત્મક નાટકો પણ આ નાટ્યસર્જક પાસેથી મળે છે.
‘અરણ્યા’ નાટકનું કથાવસ્તુ ‘મહાભારત’માંથી લેવામાં આવ્યું છે. મહાભારતમાં હિડિમ્બાની કથા ‘આદિપર્વ’ અને ‘વનપર્વ’માં આવે છે. લાક્ષાગૃહમાંથી બચેલા પાંડવો ફરતા ફરતા હિડિમ્બવનમાં પ્રવેશે છે. ત્યાંનો અધિપતિ હિડિમ્બ આ માનવીઓેના દેહને જોઈ, પોતાના ભોજન માટે આ માનવીઓના દેહને લઈ આવવા પોતાની બહેન હિડિમ્બાને મોકલે છે. હિડિમ્બા ભીમને જોતાની સાથે તેના મોહમાં જકડાઈ જાય છે. આ કારણે તે તેનો શિકાર કરી શકતી નથી. મનમાં વસેલાં મોહના લીધે, હિડિમ્બાને ભાઈ પાસે જતાં મોડું થતા તેની તપાસમાં હિડિમ્બ આવે છે. જેથી ભીમ અને હિડિમ્બ વચ્ચે યુદ્ધ થાય. યુદ્ધમાં હિડિમ્બ મૃત્યુ પામે છે. સ્વતંત્ર બનેલી હિડિમ્બા ભીમના મોહથી આકર્ષાઈ તેને પ્રેમ કરે છે. પોતાની ઇચ્છા અને કુંતી જેવાં વડીલની મંજૂરી લઈ ભીમ સાથે સહસંબંધ બાંધે છે અને તેને ભીમના સંતાનની જે વાંછા છે તે પૂર્ણ થાય છે અને તેને એક સંતાનની પ્રાપ્તિ થાય છે. તે સંતાનનું નામ ‘ઘટોત્કચ’ છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનના રક્ષણ માટે કૃષ્ણ દ્વારા ઘટોત્કચનો ઉપયોગ થાય છે અને અર્જુન બચી જાય છે અને હિડિમ્બા પુત્ર ઘટોત્કચ મૃત્યુ પામે છે. આમ ‘મહાભારત’ની આ કથાને આધારે સતીશ વ્યાસ ‘અરણ્યા’ નાટકનું સર્જન કરે છે.
નાટકના નિવેદનમાં જ નાટ્યસર્જક જણાવે છે કે, પહેલાં તો એક રમૂજી એકાંકી ભીમ અને હિડિમ્બાના પ્રેમાલાપનું લખવું હતું; પરંતુ, અનિવાર્ય સંજોગોને લીધે એ બંધ રહ્યું. ફરી ઇચ્છા થતા પૂર્ણ કદનું નાટક ગુજરાતી નાટ્યસાહિત્યને મળે છે. આ નાટક બે અંકમાં વહેંચાયેલું છે; પરંતુ, લેખકે નોંધ્યું છે કે ‘પ્રત્યેક અંક સ્વતંત્ર રહે એવુંયે ધ્યાન રાખ્યું છે’. (અરણ્યા-નિવેદન-પૃ-પ) એટલે કે બંને અંકનો સ્વતંત્ર એકાંકી તરીકે પણ એનો પ્રયોગ થઈ શકે છે.
સતીશ વ્યાસે નાટકનો આરંભ થોડી હળવી શૈલીમાં અને રમતિયાળ રીતે કર્યો છે. નાટકની શરુઆતમાં બધા પ્રેક્ષકો સભાગૃહમાં આવી ચૂક્યા છે; પરંતુ હજુ સુધી નટી પ્રવેશી નથી તેથી સૂત્રધાર થોડો ચિંતિત છે. સૂત્રધારના ઉદ્ગારથી નાટક આરંભાય છે.
સૂત્રધાર : અહોહો ! પધારો, પધારો સર્વ ગુણીજનો, સાધુજનો પધારો ! આજે પુત્રદા એકાદશીનો મંગળ દિવસ છે અને આપ સર્વ સપરિવાર આ નાટક જોવા પર્ધાયા છો તો આપનું હાર્દિક સ્વાગત છે. (પૃ.૭)
સૂત્રધાર નટીને બોલાવવાના પ્રયત્ન કરતા, નટીને બૂમો પાડે છે.
નટીઃ (કેશ ગૂંથતાં ગૂંથતાં) શું છે તે આમ મોટે મોટેથી ભસો છો ! એટલે કે આરડો છો ? બરાડો છો ?’ (પૃ.૭)
સૂત્રધાર નટીને થોડા ધીમા અવાજે અને મીઠાશથી વર્તવાનું કહે છે. નટી ક્ષમાયાચના કરે છે. સૂત્રધાર આજે કયું નાટક ભજવાના છે તે ભૂલી ગયો હોવાથી નટીને યાદ કરાવવા કહે છે. તે દરમિયાન નટી અને સૂત્રધાર વચ્ચે રમૂજી સંવાદ ચાલે છે. નટી, સૂત્રધારને કમલપાલિકાના બીજનું પાન કરવા કહે છે તેની સાથે જ સૂત્રધારને યાદ આવે છે કે આજે આપણે કમલપાલિકાનું નાટક કરવાનું છે. કમલપાલિકા નામ કેવી રીતે આવ્યું ? એના વિશે સૂત્રધાર અને નટી વચ્ચે વાર્તાલાપ થાય છે. વાર્તાલાપ દરમિયાન સૂત્રધાર પાસેથી હિડિમ્બની વાત આગળ વધે, આ હિડિમ્બ એટલે હિડિમ્બ અરણ્યનો સ્વયં પ્રસ્થાપિત શાસક. કમલપાલિકા એની બહેન, હોવાથી હિડિમ્બા તરીકે ઓળખાય છે. એટલે આપણે પ્રેક્ષકોને પુત્રદા એકાદશી નિમિત્તે હિડિમ્બાનું નાટક બતાવવા જઈ રહ્યા છીએ. સૂત્રધાર પ્રેક્ષકોને આનંદ આપવા માટે જ ગીતનો પ્રયોગ કરે છે.
‘સૂત્રધારઃ કહું ત્યારે, સાંભળોઃ
અરણ્ય વચ્ચે શાલવૃક્ષ
ને હિડિમ્બ રહેતો ખાંતે,
વનને એણે ઓળખ આપી
હિડિમ્બવનની જાતે !....
એ કહેતો એ નિયમ,
આચરણ કેવળ એનું પાળો,
સર્વ રાક્ષસો, પશુ, પક્ષીઓ
વેણ ન એનું ટાળો !
નટીઃ ભગિની એની કમલપાલિકા
કરે કમલશૃંગાર,
કમલ કર્ણમાં, કમલ કેશમાં,
કંઠ કમલનો હાર’ (પૃ.૧૦)
આ ગીતમાં વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસના ચમકારાથી નાટક દીપે છે. સૂત્રધાર અને નટી દ્વારા રજૂ થયેલું ગીત પૂર્ણ થતા પ્રેક્ષકોની આતુરતા વધે છે. પ્રેક્ષકો સાથે સૂત્રધારનો નાટક ઝડપથી શરૂ કરવા માટે નાનકડો ઝઘડો પણ થાય છે. સૂત્રધાર અને નટી દ્વારા રજૂ થયેલું ગીત નાટકના કથાવસ્તુ માટે પૂર્વ ભૂમિકાનું કામ કરે છે, જે નાટ્યસર્જકની ખરી સૂઝ બતાવે છે. હિડિમ્બનો પ્રવેશ મંચ પર થાય છે ત્યારે જાતભાતના અવાજો, પશુ-પક્ષીઓના કોલાહલ તેમજ વાયુની ગતિ વગેરેથી રાક્ષસપતિનું આગમન આકર્ષિત બને છે.
‘હિડિમ્બ: ગંધાય છે, ક્યાંક કશું ગંધાય છે. કાચુંકાચું માણસનું માંસ ગંધાય છે. ખાઉં, ખાઉં. ક્યાં છે માણસ ? ક્યાં છે ?’ (પૃ.૧૧)
હિડિમ્બ, માણસોને જોઈ પોતાના નાના ભાઈ કિર્મિર અને કમલિનીને બોલાવે છે. હિડિમ્બ પોતાના નામ ઉપરથી કમલિનીને હિડિમ્બા જ કહે છે. હિડિમ્બ સૂતેલા માણસોને બતાવી પોતાના તથા પરિવારના (હું, તું અને કિર્મિર) ખોરાક માટે હિડિમ્બાને સૂતેલા માણસોને લઈ આવવાનું કહે છે. આપણે ત્રણે જણા સાથે મળી ઉજાણી કરીશું. હિડિમ્બા સૂતેલા માણસો પાસે પહોંચે છે. સૂતેલા માણસોમાં એક પુષ્ટ દેહધારીને જોતાની સાથે એના મોહપાશમાં પડે છે. હિડિમ્બાના પગરવથી પુષ્ટ દેહધારી માણસ જાગી હિડિમ્બા સાથે વાર્તાલાપ કરતા હિડિમ્બા પોતાનો પરિચય આપે છે. સાથે બીજા સૂતેલા માણસોનો પણ અરણ્યકન્યા પરિચય મેળવે છે. પુષ્ટ દેહધારી વ્યક્તિ પોતાની સાથે માતા કુંતા, યુધિષ્ઠિર તેમજ નાના ભાઈઓનો પરિચય આપે છે. તે હિડિમ્બાને પિચાશી કે રાક્ષસીથી સંબોધે છે. અરણ્યકન્યા પોતાનો પરિચય આપતા કહે છે કે, મારો નાનો ભાઈ કિર્મિર મને કમલિની કહે છે. મારો મોટો ભાઈ હિડિમ્બ મને હિડિમ્બા કહીને બોલાવે છે. પુષ્ટ દેહધારી વ્યક્તિને આ વિસ્તાર હિડિમ્બવન હોવાની જાણ થાય છે અને આ વનનો સ્વામી હિડિમ્બ છે તેની બહેન હિડિમ્બા છે તે જાણી પુષ્ટ દેહધારી માણસ તેને ભગાવવાના પ્રયત્નો કરે છે. હિડિમ્બા અને પુષ્ટ દેહધારી માનવ વચ્ચે સંવાદથી બંનેની શક્તિનો અંદાજ આવે છે. બંને એકબીજાને મહાત કરી શકતા હોવા છતાં હિડિમ્બા આ પુરુષને જોતા જ આકર્ષાઈ હોવાથી તે પુરુષને હિડિમ્બ પાસે લઈ જઈ શકતી નથી. આમ, બંને વચ્ચે ચાલતી વાતચીતમાં હિડિમ્બાને વિલંબ થતા આ વિસ્તારનો સ્વામી હિડિમ્બ ત્યાં આવે છે અને ભાઈ-બહેન વચ્ચે વાર્તાલાપ થાય છે અને તેના કારણે બીજા બધા જાગી જાય છે. તે વાર્તાલાપ જોઈએ,
‘હિડિમ્બાઃ ના, ભાઈ, એને તો મારી પાંપણોએ ઉઠાવી લીધો છે!... એને ! મારાથી એનો વધ નહીં થાય ભાઈ !...’ (પૃ.૧૪)
પોતાની બહેનને હિડિમ્બ માનવજાત પર ભરોસો ન કરવા કહે છે. હિડિમ્બાને બાજુ પર ખસેડી પુષ્ટ દેહધારી પુરુષને મારવા ધસે છે. બંને વચ્ચે દ્વંદ્વયુદ્ધ થાય. બંને એકબીજાને વશ થતા નથી. જાગેલા બીજા માણસો પુષ્ટ દેહધારીને મદદ કરવાનો પ્રયત્ન કરે છે; પરંતુ તે ના પાડે છે. પુષ્ટ માણસ હિડિમ્બને મરણશરણ પહોંચાડે છે અને હિડિમ્બાની માફી માંગે છે. માતા-કુંતા અને હિડિમ્બાને એકબીજાનો પરિચય થાય છે. હિડિમ્બા ભીમને પહેલેથી જ ઓળખી ગઈ હતી એવું તે જણાવે છે. હિડિમ્બા કેવી રીતે ભીમને ઓળખી ગઈ હતી ? એવું જાણવાનો ભીમ પણ પ્રયત્ન કરે છે.
‘હિડિમ્બાઃ મેં તમારાં પરાક્રમો વિશે યાયાવર સંતો પાસેથી જાણ્યું હતું.’ (પૃ.૧૬)
માતા-, હિડિમ્બાના જ્ઞાન-ગુણ વગેરેથી પ્રભાવિત થાય છે. અને તેના ત્રિકાળજ્ઞાની હોવાનું જાણે છે. આ વિદ્યા કેવી રીતે મળી આવા યુધિષ્ઠિરના પ્રશ્નથી હિડિમ્બા પોતાને મળેલી વિદ્યાની આખી કથા સંભળાવે છે. કથા સાંભળી સહદેવ ધન્યતા અનુભવે છે. હિડિમ્બા, આ સમયે કુંતીને પોતાની કુળવધૂ તરીકે ભલે ન સ્વીકારો; પરંતુ ભીમ સાથે થોડું એકાંત આપવા વિનંતી કરે છે. કુંતી, ભીમની મનઃસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરી ભીમને, હિડિમ્બા સાથે જવાની સંમતિ દર્શાવે છે. હિડિમ્બા ભીમ સાથે એકાંતમાં જતા પહેલાં પોતાના ભાઈના મૃતદેહને ભૂમિદાન કરવાની તૈયારી કરે છે. એમાં કિર્મિર અને ભીમ બંને મદદરૂપ થાય છે. ભીમ અને હિડિમ્બા એકાંતવાસ કરે ત્યાં ભીમ, હિડિમ્બાને પોતાના ભાઈના મૃત્યુના દુઃખ વિશે પૂછે છે ત્યારે એવો પ્રત્યુતર આપે છે કે, ‘દ્વંદ્વયુદ્ધમાં એકનું હણાવું સહજ છે...’(પૃ.૧૭) અને હિડિમ્બ બની બેઠેલો રાજા હતો તેમ જણાવી પોતાની અને કિર્મિરની લાચાર સ્થિતિનો ઉલ્લેખ કરે છે. ભીમને આ એકાંતવાસમાં પોતાને વશ કરવા અથવા પોતાને વશ થવા સમજાવે છે; પણ ભીમને ભૂખ લાગતાં ફળની વ્યવસ્થા કરે છે. ત્યાં હિડિમ્બા ફરી ભીમને કહે છે કે, ‘મને વશ થા કે વશ કર’ ભીમ કહે છે કે. હું વશ થવા ના પાડું તો ? એમ કહેતા જ એકાએક પગની આંટી મારી હિડિમ્બા ભીમને નીચે પાડી દે છે, અને હિડિમ્બા ભીમને ચુંબન કરે છે. બંને એકબીજામાં લીન થાય છે પછી ભીમ હિડિમ્બાને પોતાની સાથે લઈ જવાની વાત કરે છે ત્યારે હિડિમ્બા ના પાડે છે અને આ સવાલનો જવાબ માતા કુંતી અને યુધિષ્ઠિર પાસેથી મેળવવા આગ્રહ કરે છે. અહીં સભ્ય સંસ્કૃતિ દ્વારા રાનીપરજોના (જંગલ કે વનમાં રહેતા માનવીઓને) અસ્વીકારની વાત આવે છે. આરણ્યક સંસ્કૃતિ અને નગરસંસ્કૃતિના માનવ સંસ્કારોની વાત અહીં નાટ્યકારે અસરકારક રીતે મૂકી નાટ્યસર્જનકલાની સૂઝ દર્શાવી છે.
સર્જક ભીમ અને હિડિમ્બા વચ્ચે સુંદર સંવાદ સર્જી ફરી પોતાની સર્જનશક્તિની કળાથી નટી અને સૂત્રધારનો અલગ જ, નાટક કઈ રીતે ઊભું કરવું ? આ પ્રશ્નના જવાબમાં લેખક સૂત્રધારના મુખે બોલાવે છે કે, આ અણધાર્યું નથી કે નથી અપૂર્વ ? આ, આપણે જેને ભૂલી ગયા હતા આ એ નાટક છે. નટી અને સૂત્રધાર દ્વારા પ્રેક્ષકને આનંદ આવે છે કે એવા પ્રશ્નના જવાબમાં પ્રેક્ષકો અંદરથી નાટકને આગળ ચલાવવા કહે છે.
રંગમંચ ઉપર કુંતી-અર્જુન-યુધિષ્ઠિર વગેરે આવી રહ્યાંનો સૂત્રધાર અહીં નિર્દેશ કરે છે. સૂત્રધાર નાટકનો ખૂબ મહત્ત્વનો ભાગ આગળ વધારવાની વાત કરી રંગમંચ ઉપરથી ખસી જાય છે. એક તરફથી યુધિષ્ઠિર, કુંતી અને અર્જુન પ્રવેશે છે અને બીજા છેડેથી હિડિમ્બા નૃત્ય કરતી અને આનંદવિભોર બની ગીત ગાતી પ્રવેશે છે.
‘હિડિમ્બાઃ રાનમાં બીજ નવું રોપાશે. છીપલે મોતી એક ગૂંથાશે.’ (પૃ.ર૩)
આ પંક્તિ નાટ્યસર્જક હિડિમ્બાના મુખે ગવડાવી, જાણે ભાવિની એંધાણી કરતાં હોય એવું લાગે છે. યુધિષ્ઠિર હિડિમ્બાને નૃત્ય કરતા રોકવા પ્રયત્ન કરે છે; પરંતુ કુંતીના નિર્દેશથી યુધિષ્ઠિર અટકે છે. કુંતી અહીં હિડિમ્બાની અને નારીની શક્તિ-પ્રયુકિત વખાણે છે. તેને નારી જાણે શક્તિ સ્વરૂપ લાગે છે અને હિડિમ્બાને નૃત્ય તથા ગાવાની છૂટ આપે છે. ભીમ પણ નૃત્ય કરે છે. ફરી હિડિમ્બા પેલું ગીત ગાવાનું શરૂ કરે છે:
‘હિડિમ્બાઃ રાનમાં બીજ નવું રોપાશે!
છીપલે મોતી એક ગૂંથાશે !
પર્ણ પર્ણ ને શાખ શાખમાં નવલા સૂર ફૂંકાશે.
ઝરણ ઝરણ ને સરિત સરિતમાં અદકાં જળ લ્હેરાશે;’ (પૃ-ર૪)
હિડિમ્બાને સાથે લેવા ભીમ ખૂબ આગ્રહ કરે છે. કુંતી વિદાયની વાત કરે છે. હિડિમ્બાને સાથે લઈ જવાની ભીમની વાત ‘કુંતી : ના, એ નહીં બની શકે. એ રહી અરણ્યકન્યા ને આપણે રહ્યાં રાજવંશી! એને આપણી સાથે ફાવશે નહીં ! ખરું ને હિડિમ્બા ?’ (પૃ-ર૬) એમ કહી હિડિમ્બાને સાથે લઈ જવાની વાત કરતા ભીમને રોકે. અહીં અરણ્યસંસ્કૃતિ અને નગરસંસ્કૃતિ વચ્ચેનો વિરોધ દર્શાવ્યો છે. હંમેશાં શહેરના લોકો (રાજવંશી) વનવાસી કે વનમાં વસતા લોકોને પોતાની સાથે ક્યારે જોવા માગતાં નથી. એટલા માટે કુંતી હિડિમ્બાને પોતાની સાથે લઈ જવા તૈયાર નથી. એ આખી વાત હિડિમ્બા પર છોડે છે. યુધિષ્ઠિર પણ આ વાતમાં સંમત નથી તેથી જ હિડિમ્બા જણાવે છે કે, માતા કુંતી અને મોટાભાઈ યુધિષ્ઠિર બન્નેને રાજત્વ નડે છે. હિડિમ્બા પોતે સ્વતંત્ર છે માટે કોઈ બંધનમાં રહેવા માંગતી નથી. શહેરી કે રાજવંશી બંધિયાર જીવન જીવવા માટે તૈયાર નથી. જયારે કુંતી પોતાના રીતરિવાજની વાત કરે છે. એ હિડિમ્બા અને ભીમના બાળકને પોતાનું બાળક ગણાવે છે ત્યારે હિડિમ્બા આ બાળકની અરણ્યબાલ તરીકેની ઓળખ આપે છે. હિડિમ્બા ત્રિકાળજ્ઞાની હોવાથી કુંતી પોતાના તથા પોતાના સંતાનોને ભવિષ્યમાં રાજ્ય શાસન મળશે કે કેમ ? એ પ્રશ્ન પૂછતા હિડિમ્બા કોઈ જવાબ આપતી નથી અને ભવિષ્ય ન જણાવવાની વાત કરે છે. કુંતી પોતાના કુળદીપકને જોવાની વાત કરે તેમજ ત્યાંથી વિદાય થવા ભીમને ઉતાવળ કરવાનું સૂચન કરે છે. ભીમ હિડિમ્બા પાસે પ્રસવ થાય ત્યાં સુધી રોકાય છે. કુંતી બાળકની જાતિ જણાવવા કહે છે; પરંતુ હિડિમ્બા ના પાડે છે. અહીં સર્જક પોતાની કુશળતાથી નારી જાતિમાં ચાલતા કુળદીપકની મહેચ્છાઓની પરંપરા ઉજાગર કરે છે અને હિડિમ્બા કુંતીની ક્ષમાયાચના માંગે છે પણ તેની ના પાડવાની રીતથી કુંતી થોડી ના ખુશ થઈને પણ નારી ઇચ્છાને વધાવે છે. તેને નારી સન્માન માટે આવશ્યક સમજે છે. આ પછી સૂત્રધાર દ્વારા ફરી ગીત શરૂ થાય છે.
‘ખરો ભાગ તો હવે આવશે
હવે જામશે ખેલ,
તનનો, મનનો , અંતરમનનો
હવે નીકળશે મેલ;’(પૃ-૩૦)
ગીતના શબ્દોથી ખ્યાલ આવે છે કે હવે પછી નાટક જામશે અને આગળ પણ વધશે. ત્યાં નાટકનો પ્રથમ અંક પૂર્ણ થાય છે. નાટ્યસર્જક સતીશ વ્યાસ આ પ્રથમ અંકમાં પ્રેક્ષકોની જીજ્ઞાશા વધારે છે અને હવે શું થશે ? ભીમ, હિડિમ્બા અને આવનાર બાળકનું પ્રથમ અંકમાં નારીની સ્વતંત્રતા, સંસ્કૃતિઓના ટકરાવ, નગરસંસ્કૃતિ અને અરણ્યસંસ્કૃતિના વિરોધાભાસની આછી-પાતળી રેખાઓને સચોટ રીતે રજૂ કરે છે.
નાટકનો બીજો અંક પણ નટી અને સૂત્રધાર વચ્ચેની વાતચીતથી શરૂ થાય છે. અહીં સૂત્રધારના મુખે લેખક સરસ ગીત મૂકે છે.
‘સૂત્રધારઃ આ પાછું છે બીજું નાટક
સ્વતંત્ર એને ગણજો,
ઉકેલાય કંઈ મર્મ એહનો
સળંગ એને ગણજો !’ (પૃ-૩ર)
નાટકને આગળ વધારતા પ્રેક્ષકોની આતુરતા વચ્ચે હિડિમ્બા ચમત્કાર પ્રયુકિતથી પુત્રને જન્મ આપે છે અને એ બાળક પણ નાનું નથી પૂરેપૂરા અઢાર વર્ષનો હોય એવો યુવાન દાઢી મૂછોવાળો જેમ નાટકમાં કે ચલચિત્રમાં જીવનની ગતિવિધિ બતાવવામાં આવે છે, એ રીતે ભીમ અને હિડિમ્બાના આ બાળકને બતાવવામાં આવ્યો છે. આ બાળકના માથા ઉપર એકપણ વાળ નહીં, એટલે કે કેશવિહીન. હિડિમ્બાએ એક સાધુ પાસે એનું નામકરણ કરાવ્યું જેનું નામ રાખવામાં આવ્યું ઘટોત્કચ. આ ઘટોત્કચ નામ વિશેનો સંવાદ જોઈએ,
‘નટીઃ ઘટોત્કચ એટલે શું?
સૂત્રધારઃ ઘટ એટલે ઘડો. માટીનો, માટલું, માટલા પર કે ઘડા પર વાળ હોય ? નહીં ને ? કચ એટલે વાળ, એટલે એનું નામ પડ્યું ઘટોત્કચ...’(પૃ-૩૪)
ઘટોત્કચ મોટો થઈ ગયો હોવાથી ભીમ ત્યાંથી નિશ્ચિત થઈને વિદાય લે છે. ભીમની વિદાય સમયે પણ ફરી હિડિમ્બા ભીમને આંટીમારી પાડે છે અને દીર્ધ ચુંબન આપે છે. આ પછી નાટકનું દ્રશ્ય બદલાય છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. જ્યાં જુએ ત્યાં યુદ્ધની વાતો ચાલે છે અને યુદ્ધની વાત વન સુધી પણ પહોંચી ચૂકી છે. યુદ્ધ ગમે તેની વચ્ચે થાય; પરંતુ પરાજિત તો બન્ને પક્ષે થવાનું નક્કી હોય છે. પાંડવોની યુદ્ધ છાવણીમાં કૃષ્ણ અને યુધિષ્ઠિર યુદ્ધથી ચિંતિત હોય વાત- વિમર્શ કરી રહ્યા છે. દુર્યોધન સેનાપતિ તરીકે જુદા જુદા મહાનુભાવોને ગોઠવે છે; પરંતુ જયારે કૃષ્ણને કૌરવોનો સેનાપતિ કર્ણ બનશે, ત્યારે શું થશે ? તેની ચિંતા સતાવે છે. કર્ણની શક્તિથી અજાણ યુધિષ્ઠિર, અર્જુનનો વિજય થશે એમ માને છે; પરંતુ કૃષ્ણ ‘સાંગ’ નામના શસ્ત્રની જાણ કરે છે. યુધિષ્ઠિર વિશ્રામ માટે જાય છે. કૃષ્ણ ચિંતા મગ્ન હોય ત્યાં ઇન્દ્રનો પ્રવેશ થાય છે અને તે બંને વચ્ચે સંવાદ ચાલે છે. ‘સાંગ’થી અર્જુનનો વધ થાય તેમ હોવાથી કૃષ્ણ પોતાની ચિંતા વ્યક્ત કરે છે. ઇન્દ્ર તે માટેની યુકિત બતાવે છે કે જો ભીમપુત્ર ઘટોત્કચને લઈ આવવામાં આવે તો આ મુશ્કેલી ટળી શકે એમ છે. ઇન્દ્રની કપટલીલાથી હિડિમ્બા અને ભીમની જાણ બહાર ઘટોત્કચને કુરુક્ષેત્રમાં લઈ આવવાનું નક્કી થાય છે. ઇન્દ્ર ભીમનો વેશ ધારણ કરી ઘટોત્કચને લેવા જાય છે. અહીં દેવો પોતાના સંતાનના રક્ષણ માટે ‘છળ’થી બીજાના સંતાનની બલી ચડાવતા અચકાતા નથી આ વૃત્તિનો સહજ સંદર્ભ અહીં મૂકવામાં આવ્યો છે.
ઇન્દ્ર, ભીમનો વેશ ધારણ કરી હિડિમ્બાના નિવાસે વનમાં પહોંચે છે. હિડિમ્બા, પુત્રવધુ સાથે શાકભાજી, વન્યફળો તથા ઇંધણ લેવા ગયા છે. ઇન્દ્ર કપટથી ઘટોત્કચ તથા તેમની આખી ટોળીને યુદ્ધ માટે કુરુક્ષેત્ર લઈ આવે છે. ઘટોત્કચની ટોળીનો એક મિત્ર ઢૂંઢિયો અહીં હિડિમ્બાને જાણ કરવા માટે રહે છે. યુદ્ધમાં ઘટોત્કચ કૌરવોની સેનાને ભરપૂર હંફાવે છે તેથી વિવશ થઈને કર્ણ મૃત્યુના અંતિમ સમયે ‘સાંગ’નો પ્રયોગ કરે છે અને ઘટોત્કચ મરણને શરણ થાય છે. મૃત્યુના અંતિમ સમયે ઘટોત્કચના લીધે અર્જુન બચી જાય છે. કૃષ્ણ, યુધિષ્ઠિર, ઇન્દ્ર વગેરે અર્જુન બચી જવાથી રાહત અનુભવે છે; પરંતુ આ કર્ણના શસ્ત્રથી કોણ મરાયું એને કોઈ ઓળખતું નથી. પાંડવ છાવણીમાં જયારે વાત થતી હતી ત્યારે હિડિમ્બા ઢૂંઢિયાના જણાવ્યા પ્રમાણે પોતાના પુત્રની ભાળ મેળવવા આવી છે ત્યાં શ્રીકૃષ્ણને મળવા માંગે છે, આ બંને વચ્ચે સંવાદ થાય છે. આ સંવાદ દ્વારા ઇન્દ્ર અને કૃષ્ણ દ્વારા રચાયેલી કપટલીલાની જાણ પાંડવો મેળવે છે. જ્યાં હિડિમ્બાની વાત પાંડવો સ્વીકારવા તૈયાર નથી, ત્યાં કૃષ્ણ ‘પાંડવ વંશ’ને બચાવવા કરેલી આ યોજનાનો ઘટસ્ફોટ કરે અને ઘટોત્કચના મૃત્યુની જવાબદારી સ્વીકારી પોતાને શાપ આપવા હિડિમ્બાને કહે છે. તે સમયે હિડિમ્બા શહેરીજનો (રાજવંશો) કરતા, અરણ્યમાં વસતા લોકોનું ચડિયાતાપણું બતાવતા કહે છે કે, ‘... હું તમારી આર્ય પરંપરાની સતી નારીઓ જેવી નથી કૃષ્ણ કે તરત શાપ આપું. પતિવ્રતા છું, નારી છું. શાપ તો તરત આપી શકું પણ ના. અમારું કુળ આ નથી શીખવતું...’(પૃ-પપ) એમ કહી હિડિમ્બા પોતાના અરણ્યકુળ તેમજ વન્યસંસ્કૃતિનો મહિમા કરે છે. પોતાની સાથે કપટી ખેલ ખેલાયા પછી પણ ઘટોત્કચના દીકરા બર્બરિકને યુદ્ધ માટે તે સોંપતી જાય છે. એ સાથે સૂચન કરે છે કે અરણ્યને અન્યાય થાય ત્યારે તેને સહાય કરશે અને ચેતવે પણ છે કે કોઈપણ પક્ષે અન્યાય થશે તો બર્બરિક તે પક્ષને જ મદદ કરશે. અહીં નાટકનો બીજો અંક સૂત્રધાર અને નટીના ગીતની પંક્તિઓ સાથે પૂર્ણ થાય છે.
સદૈવ કૃષ્ણત્વ અકળ્યું જ રહેશે ?
પાંડુત્વ શું શબ્દ ન એક કહેશે ?
શતાબ્દીઓથી વણથંભ ચાલ્યું;
બલિપ્રથાદુષણ કોણ સ્હેશે ? (પૃ-પ૭)
‘અરણ્યા’ નાટકમાં નાટ્યકારે ભીમ અને હિડિમ્બાના મહાભારતના કથાનકનો ખપ પૂરતો જ ઉપયોગ કરી, તેને વિકસાવી, તેમાં આરણ્યક સંસ્કૃતિની ઝિંદાદિલીનું ભરપૂર સમર્થન કર્યું છે, સાથે સંસ્કૃતિની ચીલાચાલુ રીતરસમો, તર્ક અને કપટી વલણને સત્યની એરણ પર ચકાસી નવો જ દૃષ્ટિકોણ દર્શાવવા તર્કબદ્ધ પ્રયાસ કર્યો છે. બે અંકના આ નાટકમાં અરણ્યસંસ્કૃતિમાં સ્ત્રીઓની સ્વતંત્રતા અને અરણ્યના કાયદાના સ્વીકારની ભૂમિકા છે, તો બીજા અંકમાં અરણ્ય વાસીઓની ઉદારતા દર્શાવી આરણ્યક સંસ્કૃતિનો અનેરો મહિમા ગાયો છે. બંને અંકોને સ્વતંત્ર રીતે ભજવી શકાય તે ખૂબી અહીં ધ્યાનાર્હ છે. સાથે પ્રેક્ષકોની જિજ્ઞાસાવૃત્તિને મહાભારતના જાણીતા કથાવસ્તુ સાથે સાંકળી કપરું કાર્ય કરી નાટકની મંચનક્ષમતાને વધારી દીધી છે. નાટ્યકારે આ નાટકમાં ભીમ અને હિડિમ્બાના જીવન આધારિત તેમજ પૂરા પાંડવકુળની રીતને ઓળખી છે. નાટકમાં રાજકીય રમતથી લઈ સામાજિક સંસ્કૃતિની પણ પોતાની કોઠાસૂઝની સરસ રજૂઆત થયેલી જોઈ શકાય છે. સમગ્ર નાટકમાં નારી સ્વતંત્રતાની વાત હોય, રાજકીય માળખું હોય ભાવકવર્ગને સરસ રીતે નિરૂપિત કરી આપ્યું છે. મહાભારતની મૂળકથામાં કેટલાંક ફેરફાર કરી, વાચકોને આકર્ષ્યા પણ છે. જાણીતા કથાવસ્તુ સાથે પણ નવા પ્રયોગો અને નવા દ્રષ્ટિકોણ દ્વારા સુંદર નાટ્યરચના રચી શકાય તે સતીશ વ્યાસે પોતાના ‘અરણ્યા’ નાટક દ્વારા સાકાર કરી બતાવ્યું છે.
સંદર્ભસૂચિઃ