વજ્રાદપિ કઠોરાણિ મૃદૂનિ કુસુમાદપિ : 'રાઘવનું હ્રદય'
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુન્દરમ્ ગાંધીયુગના પ્રમુખ કવિઓમાંના એક છે. ઉમાશંકર જોશી અને સુંદરમે ગાંધીયુગની સમગ્ર ભાવનાઓને તેના ઉત્તમ સ્વરૂપમાં સાકાર કરી છે. કવિતા ક્ષેત્રે માતબર પ્રદાન કરનાર આ બંને કવિઓ આ યુગના પ્રધાન કવિઓનું સ્થાન અને માન પામ્યાં છે.
સુન્દરમના બધા સંગ્રહોથી એક વિશિષ્ટ પ્રકારનો કાવ્યસંગ્રહ 'યાત્રા' ઈ.સ. ૧૯૫૧માં પ્રગટ થાય છે. કવિની સાધનાના શિખરરૂપ આ સંગ્રહથી સુન્દરમે એક નવું જ પ્રસ્થાન કર્યું છે. એ ગાંધીયુગની ભાવનાઓ છોડી નવી આધ્યાત્મિક ભાવનાથી ભરપૂર છે. 'નર્મદ સુવર્ણચંદ્રક' ને પાત્ર થયેલો આ ગ્રંથ શૈલી, કલ્પના, ભાવ, નિરૂપણ એમ અનેક રીતે શ્રેષ્ઠ છે. આ સંગ્રહમાં વૈવિધ્ય ખરેખર ઓછું છે. પણ જે વિષયો કવિને સ્પર્શ્યા છે તેનું સુંદર કાવ્ય નિરૂપણ એમણે કર્યું છે. મહર્ષિ અરવિંદાશ્રમમાં રહી એમણે જે સાધના અને ચિંતન કર્યા છે તેના પરિણામ રૂપે આ ગ્રંથની કવિતાની પ્રાપ્તિ થાય છે. અહીં સુન્દરમના 'યાત્રા' કાવ્યસંગ્રહનું એક શ્રેષ્ઠ કાવ્ય 'રાઘવનું હ્રદય' વિશે વાત કરવાનો ઉપક્રમ છે. પૌરાણિક પાત્ર પરના આ કાવ્યમાં કવિની ઉત્કટ અભિપ્સા ખાસ ધ્યાન ખેંચે છે.
'રામાયણ'માં રામે સીતાનો ત્યાગ કર્યો એ પ્રસંગ બહુ વિવાદાસ્પદ રહ્યો છે. મર્યાદાપુરોષત્તમ ગણાતા રામની એ મર્યાદા ગણાવી ઘણા ગીતો રચાયાં છે. ઘણી ચર્ચાઓ થતી રહી છે. પ્રત્યેક વ્યક્તિ સીતાત્યાગની ઘટનાનું પોતાની દષ્ટિએ અર્થઘટન કરે છે. સુન્દરમની આધ્યાત્મિક ચેતના આ પ્રસંગમાં 'રાઘવના હ્રદય'ની પરખ કરે છે. એટલું જ નહીં પણ પોતે એવું હ્રદય મેળવવાની તીવ્ર અભિલાષા સેવે છે :
'મને આપો આપો હ્રદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં ધર્માર્થ સ્ફુરતાં.'
'રાઘવનું હ્રદય'માં કવિ રાઘવનું હ્રદય માંગતાં કહે છે કે જેણે ધર્માર્થ અને દિવ્યાર્થ સ્ફુરતાં વિપળમાં સીતાને ત્યજી દીધી એવા રામ જેવું દિવ્યાર્થ અને ધર્માર્થ ખાતર સર્વસ્વનો ત્યાગ કરતું હ્રદય મને આપો.
જે સીતાને મેળવવા માટે રામે શિવધનુષ્ય ભાંગ્યું અને પરશુરામનો કોપ વહોર્યો. રામે વનવાસ દરમિયાન સીતા માટે લીધેલી કાળજી –
'વળી જેને કાજે વનવન મહીં મંગળ રચ્યાં,
અને જેને કાજે કપટમૃગની કીધી મૃગયા.'
માં પણ રામનો સીતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થાય છે. એ જ સીતાનું જ્યારે રાવણ હરણ કરે છે ત્યારે રામે સીતાવિરહમાં આંસુ વહાવ્યાં. એટલું જ નહીં પણ સીતાને પાછી મેળવવા સમુદ્ર નાથ્યો. રાવણ સાથે સંગ્રામ ખેલ્યો અને રાવણને હરાવી પુષ્પકવિમાને આરોહી અયોધ્યા આવ્યા અને રાજ્યાભિષેક કર્યો ત્યારે રામે સીતાને સામ્રાજ્ઞી બનાવી. પછી ગર્ભવતી સીતાની ઈચ્છાઓ પણ પૂર્ણ કરી.
'અને જેના જેના મૃદુ મૃદુલ હા દોહદ કશા
પૂછ્યાપ્રીછ્યા મીઠા અમૃત વચને, ને અવનવા
જગાવ્યા ઉત્સાહો સહચરણ ઉલ્લાસ રસના.'
આટલું આટલું સીતા માટે કર્યું છતાં જ્યારે સીતાને ત્યાગવાનો સમય આવ્યો, ધર્મને માટે, ત્યારે ક્ષણમાં જ પોતાના નાના ભાઈ લક્ષ્મણ સાથે વનમાં સીતાને મોકલી આપી. રામે તે સમયે સીતાનું મુખ જોવાની પણ ઈચ્છા ન કરી. નહીં તો સીતા તો રામ માટે-
'હતી જે પોતાનું અવર ઉર, જે અમ્રત સમી
હતી અંગે અંગે, નયનદ્વયની કૌમુદી હતી.'
પોતાનું જે બીજું હ્રદય હતું. જે અંગે અમૃત જેવી હતી, તેને ત્યાગના આરંભમાં જોઈ લેવાનું પણ મન ન કર્યું. અને હ્રદયને એવું કઠણ કર્યું કે પત્થર પણ એટલો કઠણ ન બને.
'-જરા જોઈ લેવા મન નવ કર્યું, માત્ર ઉરને
કર્યું એવું, જેવો કઠિન પણ ગ્રાવા નવ બને.'
વળી જ્યારે સીતા હરાઈ હતી ત્યારે જે વિજેતા રામે કેટલાંય કપિદલો રાવણ સામે લડવાને સાથે લીધાં હતાં તે રામે આ વખતે સીતાનો વિયોગ થયો ત્યારે કોઈને સાથે લીધા નહીં અને માત્ર પ્રિય વિરહનો અગ્નિ એકલાએ જ જીરવ્યો. જે હ્રદયપુટમાં રામે એકાકી રહીને પ્રિય વિરહનો અગ્નિ જીરવ્યો, પચાવ્યો અને ભાર્યો તે હ્રદય અહો કેવું કૂણું અને કેવું વજ્ર જેવું હશે ?
'અને એકાકીએ પ્રિયવિરહનો અગ્નિ જીરવ્યો,
પચાવ્યો ને ભાર્યો હ્રદયપુટ જે માંહી, અહ તે
કશું કૂણું ને હા કશું કઠિન તે વજ્જર સમું !'
મહાકવિ ભવભૂતિએ પણ રામને માટે કહ્યું છે. વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ – એવું રાઘવનું હ્રદય ઉત્તમોત્તમ છે. સુન્દરમને એવા હ્રદયની અભિપ્સા છે જે કોમળ પણ હોય અને ધર્માર્થ અને દિવ્યાર્થ સ્ફુરતાં વજ્ર સમું કઠિન પણ થઈ શકે. કાવ્યના આરંભે કરેલી યાચના એકાદ-બે જ શબ્દના ફેરફારથી કવિ કાવ્યના અંતે પણ કરે છે :
'મને કોઈ આપો હ્રદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં દિવ્યાર્થ સ્ફુરતાં.'
વિપળમાં દિવ્યાર્થ અને ધર્માર્થ સ્ફુરતાં સીતાને ત્યજી દીધી એવું પુરુષોત્તમ રાઘવનું હ્રદય મને આપો જેથી દિવ્યાર્થ અને ધર્માર્થ માટે સર્વસ્વનો ત્યાગ કરી શકું. 'હરિને વિદાય' આપતાં સુન્દરમ પ્રભુના હ્રદયને પણ પિછાણે છે ! એવા હ્રદયની યાચના પણ કરે છે ! સુન્દરમની કવિતામાં ભાવ અને ચિંતનનું આનંદદાયક રસાયણ થયું છે જે કવિના હ્રદગતને તેમજ રાઘવના વ્યક્તિત્વને અસરકારક અભિવ્યક્તિ અર્પે છે.
આ કાવ્યમાં કવિએ પુરુષોત્તમ રાઘવનું હ્રદય યાચ્યું છે. રઘુ પરથી રાઘવ. રઘુવંશની પરંપરાને જાળવી રાખવા માટે પોતાના સર્વસ્વનો પણ ત્યાગ કરીને રામે રઘુવંશના રાજા તરીકેનો મુખ્ય ધર્મ બજાવવાનો હતો. આથી તેમણે શ્રેય વિરૂદ્ધ પ્રેયમાંથી નિસ્વાર્થપણે શ્રેયને જ પસંદ કર્યું. રામે પ્રજાને અર્થે સીતાનો ત્યાગ કર્યો હતો. રાજ્યાભિષેક પછી પ્રજાને રાવણને ગૃહે જઈ આવેલી સીતાનો રામે સ્વીકાર કર્યો તે ગમ્યું નહીં. રામના એક દૂતે સીતા માટે પ્રજામાં થતી ચર્ચાના સમાચાર આપતાં રામે સીતાનો ત્યાગ કર્યો. રામ સાચા લોકપાલક હતા. પ્રજાની સેવા એ રાજાનો ખરો ધર્મ છે, પ્રજાના સાચા પાલક બનવાનું છે એ રામના જીવનનો મુખ્ય ઉદ્દેશ છે. સીતા રામને પ્રાણથી પણ વધુ પ્રિય હતી. છતાં જનતાપ્રિય રામે પોતાની પ્રજાને ખાતર પોતાના સ્વાર્થનો, પોતાના સુખનો, પોતાના પ્રેમનો ભવ્ય ભોગ અર્પ્યો. જીવનનું આ જ ખરું વ્યક્તિત્વ છે કે ધર્મને ખાતર એમણે એકલાએ જ હ્રદયમાં સીતાના વિરહનો અગ્નિ ભર્યો અને પચાવ્યો; તે હ્રદય કેવું કૂણું અને વજ્ર જેવું ! કોઈની સહાનુભૂતિની અપેક્ષા રામે સીતાની વિદાય પછી રાખી નહીં અને એકાકી જ એમના હ્રદયે અનેક વર્ષો સુધી સીતાના વિરહનો અગ્નિ સહ્યો. પોતાના સ્વાર્થનો ભોગ આપનાર આ હ્રદય કેવું કોમળ અને કેવું કઠણ ! સુંદરમ કહે છે કે મને એવું હ્રદય, રાઘવતણું, આપો જેણે પોતાની સીતા વિપળમાં જ દિવ્યાર્થ સ્ફુરતાં ત્યજી દીધી.
કાવ્યની ભાષા સાદી અને સરળ છતાં રમણીય છે. રાઘવના હ્રદયના જેવું ભવ્ય, ત્યાગી, પવિત્ર અને કોમળ છતાં કઠણ હ્રદય કવિ ઈચ્છે છે. જીવનમાં સ્વાર્થ કરતાં ધર્માર્થ જેમને વધુ પ્રિય હતો, સ્વાર્થ કરતાં પરમાર્થ વધુ પ્રિય હતો, તેવા પુરુષોત્તમ ગણાયેલા રાઘવનું હ્રદય ખરેખર અદ્વિતીય છે. આપણા સાંસ્કૃતિક ગ્રંથોમાં બીજું કોઈ આવું પાત્ર નથી જેવું રામાયણમાં વાલ્મીકિએ સરજ્યું છે. ધર્મને ખાતર સર્વસ્વનો ભોગ આપતા રાઘવનું હ્રદય માત્ર કઠણ નથી એ કોમળ પણ છે અને દ્રવી પણ જાણે છે. પણ ધર્માર્થ અને દિવ્યાર્થમાં એ હ્રદય કઠણ થઈ અડગ અને સ્થિર રહે છે. સીતા સાથે રામે ગાદી ત્યાગ કર્યો હોત તો તેઓ ધર્મચ્યુત થયા કહેવાત. વિરહ સહન કરીને રાજા તરીકેની ફરજ એમણે બજાવી એ જ એમના વ્યક્તિત્વનું ભવ્ય લક્ષણ છે. વળી પ્રિય વિરહનો અગ્નિ એમણે એકલાએ જીરવ્યો અને એક પત્નીત્વ જ રાખ્યું, સીતા માટે, પ્રજા માટે દ્રવતું હ્રદય સ્વાર્થનો ત્યાગ કરતાં કેટલું કઠણ થઈ ગયું ?
મહાકવિ ભવભૂતિએ પણ 'ઉત્તર રામચરિત'માં રામના હ્રદયનું અનોખું નિરૂપણ કર્યું છે. સીતાના વિયોગમાં રામની કરુણ પરિસ્થિતિ આલેખી ભવભૂતિએ રામના 'એક રસ કરુણ'ને દર્શાવ્યો છે. રામના જીવનની કરુણતા આલેખી સીતા અને રામના અદ્વૈત અને અદ્વિતીય પ્રેમનું નિરૂપણ ભવભૂતિએ કર્યું છે. સીતા રામને મન કેવી હતી તે એક શ્લોકમાં કવિ ભવભૂતિએ નિરૂપ્યું છે. એ જ વાણી કવિ અહીં આલેખે છે.
'ઈયં ગેહે લક્ષ્મીરિયમમૃતવર્તિર્નયનયો-
રસાવસ્યા: સ્પર્શો વપુષિ બહુલશ્વન્દનરસ:
અયં કણ્ઠે બાહુ: શિશિરમસૃણો મૌક્તિકસર:
કિમસ્યા ન પ્રેયો યદિ પરમસહ્યસ્તુ વિરહ:.' ('ઉત્તરરામચરિત' – ભવભૂતિ અંક : ૧, શ્લોક : ૩૮)
'ગૃહે આ લક્ષ્મી, ને અમૃતસળી છે એ નયનની,
શરીરે સ્પર્શો શા રસભર, શકે ચંદન રસ !
ગળે બાહુ આ તે શિશિરમૃદુ મુક્તાસરસમો !
ન શું એનું પ્રેયસ ? અસહ પણ તે માત્ર વિરહ.' (કવિશ્રી ઉમાશંકર જોશીનો અનુવાદ)
વળી કોમળ અને કઠોર માટે કવિ ભવભૂતિના શબ્દો –
'વજ્રાદપિ કઠોરાણિ મૃદૂનિ કુસુમાદપિ,
લોકોત્તરાણાં ચેત્તાંસિ કો હિ વિજ્ઞાતુમર્હતિ.' ('ઉત્તરરામચરિત' – ભવભૂતિ અંક : ૨, શ્લોક : ૦૭)
'કઠોર જે વજ્રથી યે, પુષ્પથી પણ જે મૃદુ,
અલૌકિક મનુષ્યોનાં ચિત્તને પામી કો શકે ?' (કવિશ્રી ઉમાશંકર જોશીનો અનુવાદ)
રામનું આવું વ્યક્તિત્વ પ્રખ્યાત છે અને આ કાવ્યમાં કવિએ એ વ્યક્તિત્વથી મુગ્ધ થઈને રાઘવનાં હ્રદયની અપેક્ષા રાખી છે. કાવ્યની શરૂઆતની બે પંક્તિઓમાં કવિએ 'ધર્માર્થ' શબ્દ વાપર્યો છે અને અંતની આખી બે પંક્તિ એમની એમ મૂકી માત્ર 'ધર્માર્થ'ને સ્થાને 'દિવ્યાર્થ' મૂકી અર્થસિદ્ધિ સાધી છે. વળી 'ધર્માર્થ' કરતાં 'દિવ્યાર્થ' કવિના આધ્યાત્મિક આરોહણ પછી વધુ ઉપપન્ન લાગે છે. કાવ્યનો છંદપ્રવાહ સરળ અને આહ્લલાદક છે. શિખરિણી કવિનો પ્રિય છંદ રહ્યો છે. આ જ છંદને દઢતા પ્રગટ કરવા માટે કવિએ પ્રયોજ્યો છે:
'મને આપો આપો હ્રદય પ્રભુ તે રાઘવતણું'
આ પંક્તિમાં 'આપો'નું પુનરાવર્તન કેટલું સહજ છે.
એક રીતે 'રાઘવનું હ્રદય' એ કાવ્ય એક પ્રાર્થના-માગણીનું કાવ્ય છે. કવિને શું જોઈએ છે ? રાઘવનું હ્રદય. શા માટે ? તેમણે કશું સ્પષ્ટ કહ્યું નથી. આરંભની અને અંતની બબ્બે પંક્તિઓમાં ક્રમશ: 'ધર્માર્થ' અને 'દિવ્યાર્થ' એ બે શબ્દો દ્વારા થોડું સૂચવાય છે કે જે રામે સીતાનો ત્યાગ કર્યો તે રામના હ્રદયની કોઈ ઉચ્ચ હેતુ અર્થે કવિ માગણી કરે છે. રામે સીતાનો ત્યાગ પોતે જેને ધર્મ માન્યો છે તે લોકારાધન માટે કર્યો હતો. લોકારાધનના 'ધર્માર્થ'માંથી આત્માને અર્થે પૃથ્વીનો પણ ત્યાગ કરવા પ્રવૃત્ત થનાર અધ્યાત્મવીર રૂપે રામના ચરિતને ઉપસાવી અંતિમ પંક્તિમાં કવિએ આ પૌરાણિક કથાનકને નવો વળાંક આપ્યો છે:
'તજી જેણે સીતા વિપળ મહીં દિવ્યાર્થ સ્ફુરતાં'
અને ત્યારે સીતા રામાયણનું એક પાત્ર માત્ર રહેતી નથી, ઘણુંબધું વધારે એ થઈ રહે છે. કાવ્ય છેવટે મનુષ્યહ્રદયમાં અહર્નિશ ચાલતા શ્રેય-પ્રેયના ગજગ્રાહને જઈને સ્પર્શે છે. રામનું સર્વસામાન્ય કથાનક વિશિષ્ટ ભાવસ્થિતિને વ્યક્ત કરવા ખપમાં લેવાયું છે એટલે તો આ રચના રામાયણકારની, ભવભૂતિની કે રાઘવપ્રશસ્તિની ન રહેતાં સુન્દરમની થઈ રહે છે. હરકોઈ અધ્યાત્મયાત્રી દરેક જમાનામાં રટતો જ રહેશે કે
'મને કોઈ આપો હ્રદય પ્રભુ તે રાઘવ તણું'
હરકોઈ કલાકાર પોતાની કલાસાધનામાં સત્યની ઝાંખી કરે એ એક વાત છે પણ સુન્દરમ જેવામાં સત્યદર્શનની આરત જ્યારે કવિતાનો વિષય બને છે ત્યારે કંઈ ઓર રંગ જામે છે. તેમની સત્યની ખોજ ત્યારે અનેરું લાવણ્ય ધારણ કરે છે.
હ્રદય દર્પણની રમૂજભરી એકતા કવિએ આલેખી એક પ્રકારની પવિત્ર આત્માની એકલવાયી પરિસ્થિતિનો નિર્દેશ અહીં કર્યો છે. કાવ્યનો પ્રવાહ સરળ અને મનોરમ છે. કવિની શૈલીની રમણીયતા આપણને રસના પ્રવાહમાં ખેંચે છે. સળંગ પદ્યરચનાનું સામર્થ્ય આટલા નાનકડા કાવ્યમાં પણ જોવા મળે છે.
સંદર્ભગ્રંથો :