Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘સારા દિ’: બે જીવોના ભૂખાગ્નિને પ્રજ્વલિત કરતી કથા

ગુજરાતી ભાષામાં યુવાસર્જક તરીકે રામ મોરી ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના લાખાવડ ગામમાંથી આવે છે. ‘મહોતું’ વાર્તાસંગ્રહ કુલ ૧૪ વાર્તાઓ લઈને વાચક-ભાવક સામે પ્રગટ થાય છે. તેમાની એક વાર્તા ‘સારા દિ’ એ એક સ્ત્રી હ્રદયને ઝંકૃત કરે છે. માત્ર એટલું જ નહિ, પરંતુ બે જીવી સ્ત્રી પોતાને અને આ દુનિયામાં આવનારા જીવને ખવડાવવા માટે વલખા મારે છે. ઘર છે, કુટુંબ છે, પતિ છે, છતાં એકલવાયી પોતાના જ સાસરે ભટકે છે. એવા ભાવ સાથે સસુરપક્ષના સભ્યોની સેવામાં પોતાનું અસ્તિત્વ ગુમાવતી, ખાવા માટે ઘરમાં કશુંક ગોતતી, પોતાની સંભાળ ન રાખનારા સાસુ, જેઠાણી અને પતિને સતત ધિક્કારતી એવી સ્ત્રીની આ કથા છે.

વાર્તાની શરૂઆત વિલક્ષણ સ્થિતિથી થાય છે. ગીતાવહુ ચાની તપેલીમાં કાંકરા નાખી તળિયે હાથ ફેરવી તપેલીને સાફ કરવા લાગે છે. અહિ કાંકરા અને તળિયું બંને ભાવપ્રતીકો, ખાવા માટે અભાવની સ્થિતિ દર્શાવે છે. એટલું જ નહિ તપેલીમાં કાંકરા નાખ્યા પછી કાંકરા ઘસાઈને વિચિત્ર અવાજ કરે છે. આ અવાજ પણ એક આકાર લેતા જીવનો પ્રતિધ્વની બનીને રહી જાય છે. જેઠાણી સાથે ફળિયામાં ગીતાવહુ વાસણો ધોતી હોય છે અને એ સમયે ઓસરીમાં સાસુ અને વર જગદીશ ઝઘડતા હોય છે. ઝઘડવાના અવાજથી ગીતાવહુને સહેજ રોવું આવે છે પણ એ રોણું જેઠાણીના વાસણ ખખડાવવાના અવાજથી દબાઈ જાય છે. વાસણનો અવાજ ગીતાવહુના ભાવનો વિરોધી બને છે. જાણે કે પોતાનું રોવું પણ વાસણ અને ઝઘડવાના અવાજમાં ક્યાંય દબાઈને ધકેલાય જાય છે. અલબત સજીવ કે નિર્જીવ કોઈ જ ગીતાવહુને સાંભળવા તૈયાર નથી.

ગીતાવહુનો પતિ જગદીશ કશોજ કામ ધંધો કરતો નથી. જમવાના સમયે ગમે ત્યાંથી ઘરે આવી જાય છે અને જમવામાં આ નથી, પેલું નથી, એવો હુંકાર ગીતાવહુને દબાવવામાં પ્રગટ કરે છે. જગદીશની મા જગદીશને ખોટા રૂપિયાની સાંખે તોલે છે. પાંચમા નંબરનો દીકરો જગદીશ તેના પિતા હયાત નથી. મોટાભાઈ પોલીસની નોકરી કરે છે. કમાવવાની કશી જ ચિંતા ન કરનારો જગદીશ માના બે વેણ હરરોજ સાંભળે છે. “તે એમાં રાડું શેની પાડે છે તું? તળાજાથી ટીલું લઈને આયવો છો ? હાંઢીયાને ઉભા ગળે મીઠું દે એવડો થ્યો પણ સુધર્યો નથ. દિ-રાત મલકમાં ટણકવુંને ગળસવા ટાણે ખોટા રૂપિયાની જેમ ઘેર પાછો. આ તારા મોટા ભાયું પાહેથી કાંક તો શીખ્ય... તારા બાપુ આ દિ’ દેખાડવા હાટુ મને મૂકીને ઉપર વીયા ગ્યા’ તા? બળતરા મારી મા ખોડીયાર ભવ આખાની મારે બળતરા...”

આતો રોજની માથાકૂટ. આવીને આવી પળોજણમાં ગીતાવહુની સંભાળ લેવાની કોઈનેય પડી નથી. વાસણ વધુ જોરથી ઘસવામાં મગ્ન થતી ગીતાવહુ આ લપથી અલિત્પ રહેવા માગતી હતી. તેને આવા સમયે દેવુમાના શબ્દો યાદ આવે છે.” ગીતાવોવ આ ટાણો ‘દોહદ’ નો કે’વાય. જે મન થાય તે ખાઈ લેવું...” ‘દોહદ’ એટલે જે ખાવાનું મન થાય એ ગર્ભવતીબાઈએ પેટ ભરીને ખાઈ લેવું એટલું જ એ સમયે ગીતાવહું સમજેલી.

જગદીશને વાળું દેવામાં પોતાને હડધૂત થતી હોય એવું અનુભવે છે. ચા ઠરી ગઈ હોય, દૂધનું બોઘડું જગદીશ સામે ધરતી હોય અને જમવામાં કચાશ ન રહે એ માટે જગદીશનું પૂરેપૂરું ધ્યાન રાખે છે પણ પોતાની ભૂખની કે પછી અંદર સળવળતો જીવની ભૂખ કોઈ ધ્યાનમાં લેતું નથી. વધારે તો ત્યારે લાગી આવે છે કે પોતાનો પતિ પણ આ વાતથી અજાણ છે.

આ દિવસોમાં સારું સારું ખાવાનું મન થાય એ આશાએ ગીતાવહુ જગદીશે લાવેલી થેલી ખોળવા માંડે છે. એ એજ કારણે કે જેઠાણીને જયારે ‘સારા દિ’ હતા ત્યારે જેઠજી રોજ રાત્રે નોકરીએથી આવે ત્યારે કંઇકને કંઇક જેઠાણી માટે ખાવાનું લેતા આવતા. આ પળ માટે ગીતાવહુની માત્ર કલ્પના જ કામ કરતી અને થેલી ખાલી નીકળતી. નાની વહુ નવા જન્મેલા લાલિયાના ગૂમૂતર અને પપલાવવામાંથી ઉચી નથી આવતી. આ દ્રશ્યને જોઈ ગીતાવહુ પોતાની ભાવનાઓને અવગણે છે. જગદીશને ચા-દૂધ રોટલો ઝાપટતો જોઈ ગીતાવહું રસોડામાં મૂંગામોઢે જતી રહે છે. પ્લેટફોર્મ પર ટેકો દઈને ઉભેલી ગીતા જાળિયામાંથી નેવે બેઠેલી કાળી મીંદડી તરફ નજર કરે છે. કાળી મીંદડી ભૂખનો પર્યાય બને છે. ગીતાને ભૂખ લાગી છે. ગાલ અંદરથી ખેંચાય છે. દૂંટી હેઠે ખંજવાળ આવે છે. અંદરથી તો જાણે એક કોરી આગ ભડક્યા કરતી હતી. તે ફરી જગદીશની થેલી સામે જુએ છે. પછી અભરાયે ગોઠવાયેલા રવાના લોટ ભરેલા ડબ્બા તરફ નજર કરે છે. તેને થાય છે કે શીરો કરીને ખાઈ લઉં. કે પછી ટોપરું ભભરાવીને સુખડી કરી નાખું ? એ પ્રશ્નાર્થ સાથે મન કશું સ્વીકારવા તૈયાર થતું નથી. કારણ કે ભૂખ કરતા બે અસ્તિત્વોની ઝંખના વધારે પરેશાન કરે છે. એ સાથે જગદીશના બે ધ્યાનપણાને વારંવાર નજરમાં લાવીને નજરઅંદાજ કરે છે.

સુખડી કે શીરોની કાલ્પનિક સુવાસથી પેટમાં પણ હલનચલન થાય છે. અહી વાર્તાકારે બે જીવોની અપેક્ષાને મહત્વ આપ્યું છે. સાંજથી ગળ્યું ખાવાની ઈચ્છાથી પેટ ઉપર હાથ ફેરવી અંતે ગેસ ઉપર તવી મૂકી ટોપરું ઉતાર્યું. ટીફીન ધોતી ગીતાની આંખમાં આંસુ ટપકે છે. ગળ્યું ખાવાની ઈચ્છા મનથી તો મરી ગઈ છે. પણ પેટને અને પેટને કેમ સમજાવવું ? એ મથામણમાં રડવાનો અવાજ ગીતા સાડીના છેડાથી દબાવી દે છે. સાડીનો છેડો એક માત્ર અત્યારે અવાજ કે ભૂખ દબાવવા માટે પૂરતો છે. ગીતા વાસણ ગોઠવીને રસોડામાં આવે છે ત્યાં કાળી મીંદડી ટોપરાનો ડબલો ઢોળીને પ્લેટફોર્મ ઉપર આંટા મારતી હતી. અંદર આંતરડા અને જીવ વળ ખાય છે. ભૂખ વધતી જાય છે અને ત્યાં કાળી મીંદડી દ્યોતક બને છે. રાત્રે સુતીવેળાએ ગીતા માત્ર પલ્લુંમાં ગાંઠવાળી બાંધી રાખેલા મોરસના દાણા ચગળે છે. ગળ્યો પ્રવાહ પેટમાં જાય છે. થોડી ટાઢક વળે છે તો એક ખારો પ્રવાહ ઓશીકામાં જાય છે. આ બને પ્રવાહો બન્ને જીવોના અભિસંધાનમાં ભૂખાગ્નિને જ બતાવે છે. એમ મોરસના દાણા ચગળતા ચગળતા આખી રાત ચગળી નાખે છે. એ સૂચક છે. સવારે કપાસ વિણવા એક દાડિયો ઘટતો હતો. તો તેની જગ્યાએ ગીતાવહુએ જવાનું હતું. પરોઢમાં વાશીદાનું, ઘરનું કામ પતાવી તે વાડીયે જાય છે. બે જેઠાણી અને દાડિયાની સાથે ગીતા પણ કપાસ વિણવા કામે લાગી જાય છે. કૂવા તરફ ઢળેલી આંબલી ઉપર નજર જતા ગીતાને મોઢામાં પાણી અને ખટાશ ઉભરાવવા લાગે છે. તે ખટાશ કપાસના પાન અને જીંડવા સુધી પહોચી જાય છે. એટલે જ ગીતા કપાસના પાન અને જીંડવા ચોળી નાખે છે. જરા જઈ આવુંના બહાના તળે ગીતા આંબલી બાજુ જાય છે અને ત્યાથી સાત આંઠ વાર બહાનું કાઢી કાતરા લઇ આવે છે. બ્લાઉઝમાં સંતાડી રાખેલી આંબલી પંદરેક વર્ષની છોકરી જોઈ જાય છે અને જાણે ગાલ પર તમાચા છોડાયાના ભાવ સાથે અંતે આંબલી પણ ફેંકી દે છે.

દિવસ આથમે જેઠાણી દેવમંદિરમાં બેઠા બેઠા ઘીમાં પલાળી રૂની વાટ બનાવે છે. ગીતા આખા દિવસના થાકના લીધે આરામ કરવાની ઈચ્છા રાખે છે. છતાં આરામ કરવા જઈ શકતી નથી. પગ, હાથ, માથુ તૂટે છે. પાણીયારે પાણી પીવા જાય છે. પછી દેવમંદિરમાં આવી જેઠાણીને પોતે વાટ પલાળી દેશે, એવો વિવેક કરે છે. આ વિવેકમાં કશોક સ્વાર્થ પણ છે. એ સ્વાર્થ માત્ર પોતાના માટે નથી પણ અંદર સળવળી રહેલા જીવ માટે છે. મંદિરની ઝાલર વાગતી હતી. ઓસરીમાંથી ટી.વી.નો અવાજ સંભળાતો હતો. રસોડામાંથી રોટલાના ટપાકાનો અવાજ આવતો હતો. ગીતાએ ઘી ભરેલા વાટકા સામે જોયું અને નસુ ખેંચાતા માથા પર હાથ દબાવ્યો, ગળું બળતું હતું અને પેટમાં આલોચના વધતી જતી હતી. આખા ડિલે જાણે આછી બળતરા. એણે મન મક્કમ કર્યું. “મંદિરમાં બેઠેલા લાલજીની મૂર્તિ સામે નજર કરી. મંદિરની પાછળ મૂકાયેલી બારીએ લટકતા અરીસામાં ગીતાને એનું મોઢું દેખાતું હતું. ઉંબરે ઉભેલી કાળી મીંદડી ઘીના વાટકાને ટાંપીને બેઠી હોય એમ પૂંછડી પટપટાવતી આમતેમ નજર કરી ગીતાના જતા રહેવાની રાહ જોતી હતી. ગીતાએ એક નજર ફળિયા તરફ કરી, લાલજીની મૂર્તિ તરફ કરી, પાછળ ઉભેલી હોઠ ઉપર જીભ ફેરવતી મીંદડી તરફ કરી અને સાડીનો છેડો વધારે ખેંચી માથું ઢાકતા એણે ઘીનો વાટકો ઉંચો કર્યો. એની અંદર કંઈ કેટલીય આંબલીઓ હિંલોળા લેતી હતી. ટોપરું વેરાયું હતું ને મોરસના દાણા ચમકવા લાગ્યા. એ ઘીને, લાલજીને, મીંદડીને જીભને અને અરીસામાં પોતાને જોતી રહી.”

આ રીતે કથાંત સૂચિત છે. નારી હૃદયની ભાવનાઓ ઝીલતી આ કથા એક વિશેષ રીતે નોખી તરી આવે છે. સામાજિક માનસિકતા છતી કરતી આ વાર્તા પ્રતિનિધિત્વ કરે છે, ગીતા જેવી કેટલીય વહુઓનું અને સાથે જગદીશ કે પછી જગદીશની મા, મોટાભાઈ કે જેઠાણી, કહો કે આખા સસુરપક્ષનું અને અંતે સમાજનું ! બીજો જીવ પોતાનામાં પાળી રહેલી સ્ત્રીની કેટકેટલીય અપેક્ષાઓ આ વાર્તામાં ઢંકાય જાય છે. સાથે જ સારું સારું ખાવાનું તો ઠીક પરંતુ બે ટક સરખુય જમવાનું ન ભાળતી ગીતા પોતાના તરફ ધૃણા અનુભવે છે. જગદીશ જેવા નમાલા પતિને એટલીય ખબર નથી કે આવનારા પોતાના બાળક માટે કે પછી જેને પરણીને લાવ્યો છે એવી પોતાની પત્નીની કેવી જવાબદારી નિભાવવી. આ જ છે સમાજનો અરીસો, સમાજમાં કેટલાય એવા લોકો છે જે પરણીને માત્રને માત્ર સ્ત્રીને પોતાના ઘરની એક પરાયી સ્ત્રી જ માને છે. અને મા બાપને પોતાના દીકરાને પરણાવવાની હામ કેટલીય સ્ત્રીઓના જીવનને આવી રીતે વેડફી નાખવા પૂરતી હોય છે.

આટલો સંદર્ભ પૂરતો છે વાર્તાને સમાજ કે નારી હૃદય સાથે જોડવા માટે. ગીતાના મન, હ્રદય, પેટ અને જીવની બળતરા સાચેજ ભાવકને વિચારતા કરી મૂકે છે. નારી પ્રત્યેની અનુકંપા એક નારી જ સમજે, પરંતુ અહી ભાવક તરીકે સ્ત્રી કે પુરુષ એવા ભેદ પાડવાની જરૂર લાગતી નથી. વાર્તાકાર સ્ત્રીકેન્દ્રી વાર્તા દ્વારા પોતાની સંવેદના દર્શાવે છે અને સાથે તરત જ ભાવકની સંવેદના જોડાય જાય છે. ગીતાના દેવમંદિરમાં ઘીના વાટકાને મોઢા સુધી લઇ જવાના વિલક્ષણ ભાવને એક સહજોર્મિમાં મૂકી દઈ, આખા દિવસની ભૂખી ગીતા, અંતે મૂર્તિ સામે, બિલાડી અને અરીસા સામે જુએ છે. ત્યાં આંબલી, ટોપરું તેમજ મોરસના દાણા ઘીના વાટકામાં ચમકતા દેખાવા લાગે છે.

આટ આટલી વસ્તુ બે જીવની ભૂખ મીટાવવા માટે પૂરતાં નહોતા કે પછી માત્ર આ એક ઘીનો વાટકો પણ આંતરડાની ભૂખને બાળી શકે એમ નથી. માત્ર એક ઈશારો જ છે. અહી એ ઉપરથી જ સામાન્ય ભાવકને ખ્યાલ આવી જાય કે નારી કે માતૃહૃદય કેટલુંય પોતાનામાં દબાવી રાખે છે અને અંતે પરિસ્થિતિનો ટ્રેક બદલ્ય છે. ને પછી સામાજિક માન્યતા વધારે દ્રઢ બને છે. કોઈપણ સ્ત્રી પોતાના માટે ભૂખ સહન કરે પણ પોતાના બાળક માટે ભૂખ સહન ન કરી શકે. એવી પારાવાર વેદના આ કથામાં ગીતાના પાત્ર દ્વારા સચોટ રીતે મૂકી છે અને ત્યારે લાલજીની મૂર્તિ પણ તેને મદદ કરવા તૈયાર થઇ જાય છે. તો જગદીશ કે પછી ગીતાની સાસુ, જેઠાણી એ તો માણસ છે. એટલે દાખલો માત્ર સમાજને પ્રેરણા લેવા કાફી છે.

વાર્તાકારે કથા, ભાવ, ભાષા, સામાજિક સંદર્ભ વિશેષ રીતે દર્શાવ્યા છે. રોજબરોજ બનતી ઘટનાઓ શાબ્દિકરૂપે આકાર પામે ત્યારે તે એક બે કુટુંબ પૂરતી ન રહેતા, સમગ્ર જનસમાજની બને છે. વાર્તામાંથી પ્રેરણાત્મક અંશો ખૂબ જ મહત્વના હોય છે. બસ તેનો પ્રચાર અને પ્રસાર યોગ્ય રીતે થવો જોઈએ, જે આ વાર્તામાં જોઈ શકાય છે. યુવા સર્જક રામ મોરી વધુ વાર્તાઓ આપે એવી અપેક્ષા.

સંદર્ભ :

  1. ‘મોહતું’ લે. રામ મોરી, આવૃત્તિ – પ્રથમ - ફેબ્રુઆરી ૨૦૧૬ કિંમત : ૧૪૦/-રૂ. પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લી.

આશિષ ચૌહાણ, ગુજરાતી ભાષા – સાહિત્ય ભવન, એમ.કે.બી.યુનિ. ભાવનગર. ashishjchauhan21@gmail.com