અનિતા દેસાઈની અંગ્રેજી નવલકથા ‘ફાયર ઓન ધ માઉન્ટેઇન’- એક સફર
પ્રસ્તાવના:
અનિતા દેસાઈ ભારતીય સાહિત્યના અંગ્રેજી ભાષા અને સાહિત્યના ખૂબ ખ્યાતનામ લેખિકા છે. જેમનો જન્મ એક જર્મન માતા ટોની નીમેની કૂખે અને બંગાળી પિતાના આંગણામાં સાલ ઈ.સ.૧૯૩૭ ની ૨૪મી જૂને થયો હતો. તેમનું બાળપણ દિલ્હી શહેરમાં જર્મન અને બંગાળી ભાષા બોલીને વીત્યું અને શાળામાંથી અંગ્રેજી લખતા અને બોલતા થયા. લેખિકા તરીકે તેમના ગુણો નાનપણમાં જ દેખાયા હતા જયારે તેમની પહેલી ટૂંકીવાર્તા ૯ વર્ષની ઉંમરે છપાઈ. તેમનો અંગ્રેજી વિષય સાથેનો સ્નાતક સુધીનો અભ્યાસ ૧૯૫૭માં મિરાંડા હાઉસ ઓફ યુનિવર્સીટી, દિલ્હીથી પૂરો થયો. અને તે જ વર્ષે ૨૧ વર્ષની વયે તેમના લગ્ન એક ધનાઢ્ય કમ્યુટર સોફ્ટવેર કંપનીના માલિક અશ્વિન દેસાઈ સાથે થયા. ધંધાર્થે અનિતાને તેમના પતિ સાથે ભારતના જુદા જુદા શહેરો જેવા કે કલકત્તા,દિલ્હી,પૂના,ચંડીગઢ વગેરેમાં રહેવાનું થયું. આ શહેરના દર્શન તેમની નવલકથાઓમાં એક કે બીજી રીતે ઝીલાય છે. એમાં પણ પુરાની દિલ્હી અને ચંદીગઢની સોસાયટીને તો તેમણે તેમની નવલકથામાં આબેહૂબ ચીતરી છે. તેમના દાંપત્યજીવન દરમિયાન ચાર બાળકો અર્જુન, રાહુલ, તાની અને કિરણને જન્મ આપી ઉછેર્યા. તેમાંથી કિરણ દેસાઈ પણ ભારતીય અંગ્રેજી લેખિકા તરીકે બુકર પારિતોષિત વિજેતા બની અનિતા દેસાઈના વારસાને આગળ વધારી રહ્યા છે.
નોંધનીય વાત એ છે કે અનિતા દેસાઈ ત્રણ વાર બુકર પ્રાઈઝની સ્પર્ધામાં નોમીનેટ થઇ બુકર પારિતોષિતથી વંચિત રહી ગયા જયારે કિરણ દેસાઈ તેમની બીજી જ નવલકથા માટે પોતાની માતાના વારસાને વિજેતા બનાવી ૨૦૦૮નું બુકર પ્રાઈઝ જીતે છે. જોગાનુંજોગ આ નવલકથાનું નામ પણ ‘ઇનહેરીટન્સ ઓફ લોસ’ છે. કિરણ દેસાઈ આ પ્રસંગે તેમની માતા અનિતા દેસાઈ માટે કહે છે કે, “આ પુસ્તક એટલું તો એમના સાનિધ્યમાં લખ્યું છે કે જાણે પુસ્તક એમનું હોય એવું જ લાગે.”[૧]
જયારે કિરણ ૧૬ વર્ષના થયા ત્યારે અનિતા દેસાઈ તેમના પતિથી અલગ થઇ અમેરિકા રહેવા ચાલ્યા ગયા.ત્યાં સુધી તેઓ માત્ર એક ગૃહિણી બનીને ઘર અને પરિવારને સાચવતા. તેના વિશે તેઓ લખે છે કે, “મારું સાહિત્ય (લખાણ)મારા પત્ની અને માતા હોવાને આધીન હતું. હું ભારતીય ગૃહિણી નું જીવન જીવતા; અવકાશમાં લખી નાખતી, છુપાવતી અને અંગત રાખતી.”[૨]
તેમની પહેલી નવલકથા ‘ક્રાય, ધ પીકોક(મોરના ડૂસકા) ૧૯૬૩માં પ્રકાશિત થઇ. ત્યારબાદ તેઓ ‘ક્લીઅર લાઈટ ઓફ ધ ડે’ , ‘ઇન કસ્ટડી’ અને ‘ફાસ્ટીંગ ફીસ્ટીંગ’ માટે ત્રણ વાર બુકર પ્રાઈઝની સ્પર્ધામાં આવ્યા. ૧૯૭૮માં તેમની નવલકથા ‘ફાયર ઓન ધ માઉન્ટેઇન’ માટે ભારતનો સુપ્રસિદ્ધ એવો સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો. પદ્મશ્રી અનિતા દેસાઈની આ અકાદમી એવોર્ડ વિજેતા નવલકથા એક ઉત્તમ અને તેમના અંગત જીવનનો પડઘો પાડતી એક રીતે તેમની આત્મકથા સમાન કૃતિ છે.
આ નવલકથા ત્રણ સ્ત્રીઓ નંદા કૌલ, રાકા અને ઈલા દાસ ની કહાની દર્શાવે છે જે જીવનમાં બનતી ઘટનાઓ અને વળાંકોને કારણે એકબીજાની નજીક આવે છે. નંદા કૌલ જે હવે કરીગ્નાનો, હિમાચલના નાના પ્રદેશમાં રહે છે તે એક વખતે પંજાબ યનિ.ના કુલપતિના પત્ની અને બાળકો, આયા, અને નોકરોથી ભર્યાભાદર્યા ઘરના માલિક હતા. એ મહેમાનોની સતત અવરજવર વાળા ઘરમાં લોકોની વચ્ચે પણ તેઓને એકલતા સાલતી. ખાસ કરીને જ્યારથી તેઓ જાણી ગયા હતા કે તેમના પતિ મી. કૌલનું તેમની જ યુનિ.ના ગણિતના અધ્યાપિકા સાથે પ્રેમસંબંધ છે. મી. કૌલ હમેશા નંદા પાસે અપેક્ષા રાખતા કે તેઓ સિલ્કની સાડીમાં , મોતી અને નીલમના ઘરેણાથી સજ્યાધજ્યા રહે કે જે એક કુલપતિના પત્ની ને શોભે. નંદા માટે તે સિલ્કની સાડી અને મોતીઓ કેદ સમાન હતા. પરંતુ આ આદત મી.કૌલના મૃત્યુ પછી પણ અકબંધ રહી. મી.કૌલના મૃત્યુ પછી નંદાએ એક પ્રકારનો હાશકારો અને શાંતિનો અનુભવ કર્યો અને વધુ શાંતિ મેળવવાના બહાને તેઓ કરીગ્નાનો જેવી પહાડી જગ્યા પર રહેવા ચાલ્યા ગયા. જ્યાં તેમને મુક્તતાની અનુભૂતિ થતી. તે એટલા તો પોતાના એકાંતને માણવા લાગ્યા કે બહારના કોઈ અવાજને તેઓ સ્વીકારતા ન હોતા.
આ એકાંત ત્યારે ભંગ થાય છે જયારે આ ત્રણમાંથી બીજી સ્ત્રી (કિશોરી)ના આગમનના એંધાણ તેઓ સંભાળે છે. એક દિવસ નંદાની દીકરી આશાનો પત્ર મળે છે જેમાં તે કહે છે કે તેની દીકરી તારા (નંદાની પૌત્રી) કે જે એક સરકારી અધિકારીને પરણી છે પરંતુ હવે એ તેના સંસારમાં ખુશ નથી અને તેના લગ્નને બીજી તક આપવા બીજા દેશમાં સ્થાયી થવા માંગે છે. પરંતુ તારાની દીકરી રાકાને ટાઈફોઈડ થવાના કારણે તે તેને સાથે રાખીને સાચવી શકે તેમ નથી. અને હવા ફેર માટે નંદા પાસે મોકલી રહ્યા છે. આ પત્ર વાંચતા જ નંદા ગુસ્સા અને ખિન્નતાથી ભરાઇ જાય છે. કારણકે તે જાણતી હોય છે કે તારાનું લગ્નજીવન ડામાડોળ થવાનું કારણ તેના પતિના બીજી સ્ત્રી સાથેના સંબંધ છે. નંદાને ફરી પોતાની સાથે થયેલી છેતરામણીની યાદ આ પત્ર અપાવી જાય છે. અને બીજી બાજુ રાકાનું આગમન તેની શાંતિને ભંગ કરશે જે તે સ્વીકારવા તૈયાર હોતી નથી. એક સ્ત્રી, માતા કે નાની તરીકે નંદાનું આ વર્તન વિચિત્ર છે. ખાસ કરીને આપણા ભારતીય સમાજની સ્ત્રીઓના સંદર્ભમાં. જયારે જયારે નંદા પોતાના બાળકો કે પૌત્રો પૌત્રીઓને યાદ કરે ત્યારે તેમના નામના બદલે બાળક બોલવાની આદત રાખતા આ તેમનું તેમના પરિવાર પ્રત્યેની નીરસતા દાખવે છે.
રાકા પણ એકલતા અને અલિપ્તાતાના સંદર્ભમાં બીજી નંદા કૌલ છે. રાકા બાળક હોવા છતાં પણ નવા મિત્રો બનાવવા કે નવા લોકોને મળવાનું જરા પણ પસંદ નથી કરતી. નંદ અને રાકાની પરિસ્થિતિ અને કારણો અલગ અલગ હોવા છતાં તેમના સ્વભાવ અને અણગમા મળતા આવે છે. રાકા તેની પરનાની નંદા કરતા પણ અલિપ્તતાના મામલામાં ચઢિયાતી સાબિત થાય છે. સવારથી નીકળી પડવાનું કસૌલીની ગલીઓમાં અને જંગલોમાં. સાંજે ચાના સમયે પાછા ફરવાનું અને કોઈ સાથે એક શબ્દની આપ લે વગર પોતાના રૂમમાં ભરાઇ જવાનું. નંદા માટે પણ આવું બાળક એ પહેલો અનુભવ હતો. નંદા પણ હવે રાકાના જીવનમાં તેની અલિપ્તાતામાં રસ લેવા લાગી હતી. પરંતુ રાકા નંદાને એક પણ મોકો પ્રવેશવાનો આપતી નથી અને ઠંડા કલેજે નંદાના શબ્દો અને તેને હડસેલી દેતી. આ બંનેની એકલતા અને નિ:શબ્દ જીવન વચ્ચે પણ એક અલગ પ્રકારનો સંબંધ બંધાય છે. બંને પોતાના સંબંધો અને પરિવાર દ્વારા અસ્વીકારના ભોગ બન્યા છે. એક છે નંદા જેને આજીવન પત્નીનો સંબંધ વેંઢાર્યો અને બીજી બાજુ રાકા છે જેણે પોતાની મા તારાને પત્ની તરીકે સંબંધમાં સંઘર્ષ કરતા જોઈ છે. જયારે તેના પિતા તેની મા ને મારતા હથોડીથી, લાકડીથી, ત્યારે રાકા ઉપર પોતાના રૂમમાં રજાઈ નીચે ડરીને સંતાઈ જતી અને માર અને રડવાની ચીસો અને ડૂસકામાં ભીની થયેલી રજાઈમાં સૂવાનો પ્રયત્ન કરતી. તે અંધકાર અને એકલતામાં પોતાની જાતને વધુ સુરક્ષિત અનુભવતી. રાકા તેની પરનાની નંદા કરતા વધુ નજીક તેમના રસોઈયા રામલાલની હતી. નંદાના એકલતાની અભેદ્ય દિવાલોને રાકા એ તેના મૌન અને એકલતાથી તોડી રહી હતી. અને રાકા માટે આ નવી વાતોડી સ્ત્રી નંદા અજાણ હતી.
આ બંનેની દુનિયાની બહુ નજીક કસૌલીમાં જ ઈલા દાસ નામની સ્ત્રી જે આ ત્રિકોણ નો ત્રીજો ખૂણો છે તે પોતાના જીવનની પ્રતિકૂળતાઓ સાથે એકલા હાથે ઝઝૂમી રહી છે. તે કસૌલી ના ગાર્ખલ ડિવીઝનમાં વેલફેર અધિકારીની સેવા બજાવે છે. નંદા અને ઈલા સ્કૂલ અને કોલેજ્કાળના મિત્રો હતા અને નંદાના કહેવાથી જ મી. કૌલ ઈલાને તેમની જ યુનિ.માં હોમસાયન્સની અધ્યાપિકા તરીકે નિયુક્ત કરી હતી. ઈલા દાસ પણ નંદા અને રાકાની જેમ કુટુંબથી છેતરાયેલી વ્યક્તિ છે જેના પિતા તેમના ત્રણ પુત્રોને વિદેશની યુનિ.માં ભણવા માટે અઢળક દેવું કરીને મોકલે છે છતાં એ ભાઈઓ ખરાબ રીતે નિષ્ફળ થઇ ત્યાંથી પાછા આવે છે.પિતા આ આઘાતમાં મૃત્યુ પામે છે. ભાઈઓ દારૂના રવાડે ચઢે છે. ઈલાની માતા થાપાના ફ્રેકચરથી પથારીવશ છે અને આ બધાનો ખર્ચ અને દેવું ઈલા પર આવી પડે છે. ઉપરથી ભાઈઓ, મા અને દીકરીને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકી ભાડાના ઘરમાં રહેવા ધકેલી ડે છે. ઈલા દાસ પોતીકાઓની યાતના વેઠીને તેમાંથી વિમુખ થયેલ સ્ત્રી છે. મી. કૌલની આપેલી નોકરી મી. કૌલના મૃત્યુ સાથે જ છીનવાઈ જાય છે અને ઈલા દાસ નિવૃત્ત થવાની ઉંમરે ફરી પૈસા કમાવવાના સંઘર્ષમાં ઉતરી પડે છે. જીવનના આ પડાવે ફરી નંદા ઈલાના વહારે આવે છે અને તેને સામાજિક સેવકનો કોર્સ કરવાની સલાહ આપે છે. કોર્સ પછી ઈલા ને કેરીગ્નાનોમાં જ વેલફેર અધિકારીની નોકરી મળે છે. પરંતુ નંદાના એકલતાપ્રિય સ્વભાવના કારણે તે ઈલાને પોતાના ઘરમાં રાખી શકતી નથી. ઈલા નંદા અને રાકા કરતા અલગ પ્રકૃતિની વ્યક્તિ છે. તે દુનિયામાં એનાથી પણ કચડાયેલા લોકોને જોઇને પોતાના જીવન ને જીવવા લાયક માનનારી આશાવાદી વ્યક્તિ છે. તે પોતાના જીવનની સંધ્યાને લોકોના દુઃખ દૂર કરી સહાય કરવાના ધ્યેયથી વિતાવે છે. અને તે નંદા અને રાકાથી જરા જુદી રીતે લોકોની વચ્ચે જીવે છે. ઈલા સામાજિક સેવક તરીકેની નિષ્ઠા બજાવવામાં ક્યાય ઊણી ઉતરતી નથી અને તેની કિંમત તેને પોતાનો જીવ આપીને ચૂકવવી પડે છે. ઈલા તેના ગામમાં ચાલતી બાલવિવાહ જેવી કુપ્રથાને રોકવા વચ્ચે પડે છે. પ્રીતસિંહ, જે પોતાની સાત વર્ષની દીકરીને પોણા એકર જમીન અને બે બકરીઓ માટે એક ઘરડા વિધુર અને છ બાળકોના પિતા સાથે પરણાવવા તૈયાર થયો હતો. તેનો ઈલા દાસ પુરજોશમાં વિરોધ કરી તેને બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રીતસિંહ અને ગામના બીજા રૂઢીવાદીઓ તેને અવગણે છે. અને છેવટે ઈલાનો વિરોધ જયારે વધુ પ્રબળ બને છે ત્યારે એક સાંજે ઈલા માર્કેટથી પોતાના ઘર તરફ જતી હોય છે ત્યારે પ્રીતસિંહ તેની આબરૂ લૂંટી તેનું ખૂન કરી નાખે છે. ઈલા દાસે સમાજને જાગૃત કરવાની વૃત્તિમાં પોતાનો જીવ ગુમાવી દે છે.
ઈલાનું આ મૃત્યુ જ નંદા અને રાકાના જીવનની ખોખલી એકલતાને જાતે વહોરવાના ઢોંગને અને તેમના દુઃખદાયી ભૂતકાળની દીવાલો ગંજીપાનાની જેમ કકડભૂસ કરી દે છે. નંદા પોતાના પતિના એક ખ્રિસ્તી સ્ત્રી મિસ.ડેવિડ સાથેના સંબંધને સ્વીકારી શકતી નથી. તે પત્ની અને માતા તરીકે જયારે નિષ્ફળ થાય છે ત્યારે તે નિષ્ફળતાથી ભાગતા એકલતાનો અંચળો ઓઢી લે છે. આ અંચળો ઈલાના મૃત્યુની સાથે જ ઉતરી જાય છે અને નંદા ભૂતકાળ અને વર્તમાનની પરિસ્થિતિને સ્વીકારે છે. પરંતુ રાકા તેની વાસ્તવિક જીવનથી ભાગી શકતી નથી. અને નવલકથાના અંતમાં બંડ પોકારે છે કે તેને પોતાના જીવનરૂપી જંગલને ભરેલા અગ્નિ ઉપર વિકસાવ્યો છે. જે પ્રતીકાત્મક છે કે તેનું બાળપણ અન્યાયી પ્રતિકૂળતા અને તેના વાંક વગરના પારિવારિક વિસંગતાના કારણે ખતમ થઇ ગયું છે.
અસ્તિત્વવાદ:
અનીતા દેસાઈ અસ્તિત્વવાદ અને માનવતાવાદને પ્રોત્સાહન આપતા લેખિકા છે. કોઈ પણ અસ્તિત્વવાદી માટે વ્યક્તિગત સ્વતંત્રતા એ મુખ્ય ચિતાનો વિષય હોવો જોઈએ. અસ્તિત્વવાદ સીધું વ્યક્તિગત ઓળખની શોધ કરે છે. અને એ ઓળખ માટે ઝઝૂમવું કે ઓળખને ટકાવી રાખવાના રસ્તા શોધવા એ અસ્તિત્વવાદ છે. અનીતા દેસાઈની આ નવલકથા ત્રણ સ્ત્રીઓના પોત પોતાની રીતે માણસ તરીકે, સ્ત્રી તરીકે, પત્ની તરીકે, પુત્રી તરીકે અસ્તિત્વ ટકાવી રાખવાની કથા છે. નંદા પતિ દ્વારા છેતારાયેલ હોવા છતાં તેના વિરુદ્ધ બંડ પોકારી શકતી નથી ઉલટાનું આંખ આડા કાન કરી એ જ પતિ, પરીવાર, તેમના મિત્ર વર્તુળ અને ઉચ્ચ સમાજની સ્ત્રીની જેમ સંપૂર્ણતા ભોગવવાનો ડોળ મી. કૌલ જીવે છે ત્યાં સુધી અને પછી પણ કરે છે. આ તેની પરિસ્થિતિઓ થી લડી ના શકવાને કારણે અથવા તો પત્ની તરીકે અસ્તિત્વ ટકાવી રાખવાની યુક્તિ છે. રાકા પણ જયારે તેના માતા પિતા જયારે બીજી જગ્યા એ સ્થાયી થવા ઈચ્છે છે ત્યારે તે પોતાની પરનાની જેને ક્યારેય પણ પહેલા જોઈ નથી અને કેરીગ્નાનો જે જગ્યામાં ક્યારેય આવી નથી તેવી જગ્યા પર રહેવા તૈયાર થઇ જાય છે.તે પણ પોતાના કચડાયેલા અસ્તિત્વ ને બાળપણના રૂપમાં ટકાવવા સંઘર્ષ કરે છે. અહીં, ઈલા દાસ એક સુંદર અસ્તિત્વવાદી વ્યક્તિ તરીકે ઉભરીને આવે છે જેનું આશાવાદી વલણ અને જિંદગી પ્રત્યેની આસ્થા તેના અસ્તિત્વને ટકાવી રાખવા બહુ મદદરૂપ થાય છે. તેની યુવાનીમાં કૌટુંબિક જવાબદારીઓ ના કારણે લગ્ન ના કરી શકવાનો અફસોસ હોય કે પિતાનું દેવું ચૂકવવાનું હોય, કે પોતાના ભાઈઓના તિરસ્કાર પછી પોતાનું અને પોતાની માતાનો નિભાવ કરવાનું હોય તે પીછેહઠ કર્યાં વગર સંઘર્ષ કરતી રહે છે. જીવનની સંધ્યા એ પણ જયારે યુનિ.ની નોકરી ચાલી જાય છે ત્યારે પણ નાસીપાસ થયા વિના સમાજસેવાનું કાર્ય સ્વીકારી જીવનના અંત સુધી પોતાનું કર્મ કરે રાખે છે. આ ત્રણેય સ્ત્રીઓમાં ઈલા સૌથી વધુ પ્રતિકુળ પરિસ્થિતિઓ માં પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવામાં સફળ રહે છે. જયારે નંદા જરાય હાથ પગ માર્યા વગર જે પ્રતિકૂળતા આવે તેમાં જેમ કુર્મ પોતાના અંગોને સંકોરી અનુકુળ પરિસ્થિતિની રાહ જોવે છે તેમ પોતાના વિચારોને સંકોરી એકલતાના હવાલે કરી દે છે. આ નંદાની નીતિ છે અસ્તિત્વને ઠેસ ના પહોચે તે માટેની. અહીં નંદા, તેના પતિ મી. કૌલ, નંદાની પુત્રી તારા આ દરેક પાત્ર પોતાના જીવવાના બે અલગ અલગ પાસાઓને પોષે છે. નંદા બહાર એક સંપૂર્ણ ગૃહિણી અને કુલપતિની પત્ની છે તો અંદરથી પતિ દ્વારા છેતરાયના ઘવાયેલા અહમને લઈને એકલતાને શાંતિનું નામ આપી ને વિમુક્ત રહેનારી સ્ત્રી છે. મી.કૌલ પણ સાર્વજનિક જીવનમાં એક પ્રતિષ્ઠિત કુલપતિ તરીકે એક અલગ ચહેરો ધરાવે છે જયારે અંગત જીવનમાં લગ્નમાં વિસંગતા સાથે નંદા સાથે નાખુશ અને બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધનો બીજો ચહેરો ધરાવે છે. નંદાની પૌત્રી તારા પણ પોતાના પતિના બીજી સ્ત્રી સાથેના સંબંધ ને કારણે ભાંગી પડતા પોતાના લગ્નજીવનને પતે લાવવા જે પ્રયત્નો કરે છે તે પણ એક પ્રકારના અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રયત્નો છે. અનીતા દેસાઈના લેખન કાર્યમાં અસ્તિત્વવાદ ના ચિત્રો વારંવાર અને લગભગ દરેક પાત્રમાં આલેખતા જોવામાં આવે છે.
સ્ત્રી સંવેદના:
અનીતા દેસાઈની મોટા ભાગની નવલકથાઓમાં સ્ત્રી પાત્રો અને સ્ત્રી સંવેદનાઓ મોખરે છે. તેમની નવલકથાઓના મુખ્ય પાત્રોમાં સ્ત્રી કેન્દ્રસ્થાને જોવા મળે છે. જેમ કે ‘ક્રાય, ધ પીકોક’ માં માયા નું પાત્ર, ‘ક્લીયર વોઈસ ઓફ ધ ડે’ માં વિમલાનું પાત્ર અને ‘ફાયર ઓન ધ માઉન્ટેઇન’માં ઈલા, રાકા ને નંદાના પાત્રો. કેટલાક વિવેચકો અનીતા દેસાઈને નારીવાદી લેખીકા તરીકે ઓળખાવે છે. અહીં, એ કહેવું ઘટે કે નારીવાદી શબ્દનો અર્થ અંગ્રેજી સાહિત્યમાં નારી પ્રત્યે થતા અન્યાયો, તેનું શોષણ, પુરુષપ્રધાન સમાજમાં તેની થતી અવગણના કે પછી માત્ર પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પુરુષ સાથે વેંઢારવા પડતા સંબંધોની ચર્ચા, વાત કે આલેખન કરવું એમ થાય છે અનીતા દેસાઈ અહીં તેમના બધા મુખ્ય પાત્રો સ્ત્રી હોવા છતાં નારીસંવેદના ને વર્ણવતા લેખિકા કહેવા વધુ યોગ્ય છે નહિ કે નારીવાદી લેખિકા. જેનું મુખ્ય કારણ એ છે કે અનીતાના બધા સ્ત્રી પાત્રો સાથેના કરુણ પરિણામો કાં તો પરિસ્થિતિને આધીન હોય છે કાં તો સ્ત્રી પાત્રોના સ્વભાવ, તેમના વિચારવિશ્વ સાથે જોડાયેલા કાં તો અપેક્ષ બર ના આવી હોય તેવી પરિસ્થિતિઓમાં આવ્યા હોય છે. આ નવલકથામાં નંદા હર્યાભર્યા સમાજમાં રહેતા હોવા છતાં પણ એકલતા અનુભવવતા એવા વ્યક્તિ બતાવ્યા છે જે પોતાની જાત સાથે સતત સંઘર્ષમાં વર્ષો કાઢી નાખે છે અને જયારે મી. કૌલનું અવસાન થાય છે ત્યારે એ સંઘર્ષ માંથી છૂટ્યા ની લાગણી થઇ હોય એમ અને હવે એ સમાજમાં વધુ ના રહી શકવાના કારણે કસૌલી ચાલ્યા આવે છે. આ એક સ્ત્રી તરીકેની આટલી મથામણ પછી પણ કઈ ના મળ્યાની નિષ્ફળતા અને એનાથી સમાજ સામે કિટ્ટા પાડીને બેસી ગઈ હોય એમ કસૌલીમાં બધા થી દુર થઈને બેસેલી નંદા જોવા મળે છે. ઈલા પણ પોતાની સમાજસેવાની પ્રવૃત્તિ દ્વારા સ્ત્રી સહજ બીજા લોકો માટેની પ્રેમ, કરુણા અને સંવેદનાની અગનથી તરબતર જોવા મળે છે. તે પરિવારથી દગો મળ્યો હોવા છતાં પણ નિરાશ થયા વગર અને સ્ત્રી સહજ સમર્પણ ભાવથી બધાનું ભલું ઈચ્છે છે. અનીતા અહીં નારીના સહજ સ્વભાવની સાથે તેની દૂભાતી લાગણીઓને પણ સારી પેઠે વર્ણવે છે. નંદા એક પત્ની અને માતા તરીકે નીરસ બને છે તેની પાછળ તેનો સ્ત્રી તરીકે ઘવાયેલો અહમ અને પતિ દ્વારા થયેલી અસ્વીકારની લાગણી જવાબદાર છે. તેની પાસે કોઈ રસ્તો નથી બંડ પોકારાવોનો કે ઇબ્સનના નાટક ‘એ ડોલ’સ હાઉસ’ની જેમ તેના પતિ અને બાળકોને છોડીને સ્વતંત્ર થવાનો અને એ ઘવાયેલી લાગણી નંદાને ઘર, કુટુંબ અને દુનિયાથી દૂર એકલતા સુધી લઇ જાય છે. રાકાની સંવેદના પણ નાનપણમાં જ પોતાના જ માતા પિતા દ્વારા ખાસ્સી રૂંધી નાખવામાં આવી છે. જ્યાં કેન્દ્રસ્થાને મેની માતા તારાને તેનું લગ્નજીવન દેખાયા છે અને દીકરી રાકાને નંદા પાસે મૂકી દેવામાં આવે છે. રાકા નાનપણમાં જ લગ્નજીવનના ખોટા અર્થો, પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીનું સ્થાન જેવા વિકટ પ્રશ્નો નો સામનો કરે છે અને તેની ઉંમર કરતા વધુ પાકટ બને છે.
ચેતનાની ધારા (પ્રવાહ):
અંગ્રેજી સાહિત્યમાં જે નવલકથાનું આધુનિક સ્વરૂપ આવ્યું ‘Stream of Consciousness’ કે જેના પ્રણેતા જેમ્સ જોયસ, વર્જીનીયા વુલ્ફ, હેન્રી જેમ્સ અને ડ.હ.લોરેન્સ જેવા લેખકો હતા, અનીતા દેસાઈની મોટાભાગની નવલકથા આ પ્રકારની ટેકનિક દ્વારા લખી છે. જેને ગુજરાતી ભાષામાં ચેતનાનો પ્રવાહ કે ધારા પ્રમાણે ચાલતી કથા પણ કહી શકાય. જેનો અર્થ છે બહારની વિવિધ ઘટનાઓ કે પ્રસંગો સિવાય અંદરના વિચારો કે વ્યક્તિના મનની ગતિવિધિઓ અને વિચારોના વંટોળ ને નિહાળવું કે વર્ણવવું. જે બહારની દુનિયા કરતા અંદરની (મનની) દુનિયાનો વધુ અભ્યાસ છે. જેમાં પ્રતીકો, એકોક્તિઓ અને કલ્પનવાદની ભરમાર જોવા મળે છે. જેમાં વ્યક્તિની સંવેદનાઓ અને લાગણીઓ જ મુખ્ય ઘટના છે. અનીતા દેસાઈ સ્ત્રી સંવેદના અને તેમના આંતરિક મનને વધુ મહત્વ આપે છે. તે અલગ અલગ પ્રતીકો સાથે પાત્રોના મનની સ્થિતિ છતી કરે છે.
પ્રતીકવાદ અને એકોક્તિ:
પ્રતીક્વાદ અને એકોક્તિ એ આ પ્રકારની મનોદશા દર્શાવતી નવલકથાના અનન્ય અંગો છે. અનીતા દેસાઈની ‘ક્રાય, ધ પીકોક’ અને ‘ફાયર ઓન ધ માઉન્ટેઇન’ જેવી નવલકથા તેના ઉત્તમ ઉદાહરણ છે. આ નવલકથાના પાત્રો બીજા પાત્ર કરતા પોતાની જાત સાથે વધુ સંવાદો કરે છે. અને આ સંવાદો થકી જ વાંચક તેમના મનની લાગણીઓ તેમજ ભૂતકાળના પ્રસંગો, યાદો અને ઘટનાઓને જાણી શકે છે. એકોક્તિ એક એવો પૂલ છે જે વર્તમાન અને ભૂતકાળને એકબીજાથી જોડે છે.જે કથાને વધુ તીવ્ર અને સક્ષમ બનાવે છે. દાખલા તરીકે જયારે નવલકથાના પહેલા જ અંકમાં નંદાને તેની પૌત્રી તારાનો પત્ર એક ટપાલી દ્વારા મળે છે ત્યારે એ ટપાલી એ નંદા માટે પ્રતીક છે અડચણનું કે એની વર્તમાન શાંતિ એ એકલતાને દૂષિત કરતુ. સાથે સાથે તારા જયારે પત્રમાં તેની મન:સ્થિતિ, ભાંગેલા લગ્નજીવનની સ્થિતિ, તેને સંધાવાના પ્રયત્ન રૂપી બહાર સ્થાયી થવાનું પ્રયોજન અને રાકાને તેની પાસે મોકલવાની વિગતો વાંચે છે તે તરત નંદા પોતાના ભૂતકાળમાં સરી પડે છે. અને તેની એકોક્તિ દ્વારા જ તેના ભૂતકાળનું સ્મરણ વાંચકોને થયા છે. આ નવલકથામાં નંદા અને રાકા બંને એવા પાત્રો છે જે સતત તેમના વર્તમાનને ભૂતકાળના અંધકારભર્યા પડછાયા હેઠળ જીવે છે. અને એ કાળા પડછાયાને કારણે તેમનો વર્તમાન પણ ધૂંધળો બની જાય છે. નંદા કૌલ એકલતાને વરે છે કારણકે તે પોતાના ભૂતકાળના સતત વ્યસ્ત , બીજાના આદેશનું પાલન કરવામાં અને ફરજો નિભાવાવામાં થાકી ગયા છે અને બળપૂર્વકની એકલતા સ્વીકારી કરીગ્નાનોમાં બહારની દુનિયાથી છૂટકારો મેળવવા આવે છે. જયારે રાકા એ સ્વભાવ સહજ એકલાતાપ્રિય વ્યક્તિ છે. જે તેના ઘરની અસલામત, અનિચ્છનીય, અપ્રિય અને અસહજ વ્યક્તિ છે. તેના ઘરના અણગમતા વ્યવહારના કારણે તે ઘર અને બહારની દુનિયાથી દૂર થઇ જાય છે. તે એકલી પોતાની સાથે રમે છે અને સંવાદ કરે છે જે આ કથાને વધુ અર્થપૂર્ણ બનાવે છે. પ્રતીક્વાદ પણ અનીતા દેસાઈની મનગમતી અને મહત્વની યુક્તિ છે નવલકથાને વધુ તીવ્ર અને અર્થસભર બનાવવા માટેની. સૌથી પહેલા તો આ નવલકથાનું શીર્ષક જ તેના પત્રોના જીવન અને મન:સ્થિતિને દર્શાવે છે. આ નવલકથા કરીગ્નાનોના પહાડી પ્રદેશમાં આલેખાયેલી છે જે પાત્રોના જીવનના પથરાળ અને ખરબચડા પ્રવાહીને દર્શાવે છે. રાકા અને નંદા પોતાના ભૂતકાળની પીડાદાયક વરવી યાદોની અગ્નિમાં વર્તમાનમાં પણ તેમના જંગલરૂપી જીવનને બાળી રહ્યા છે. અનીતા દેસાઈ કરીગ્નાનોના પહાડી પ્રદેશમાં નંદા, રાકા અને ઈલાના જીવનને એક ભરેલા અગ્નિ ઉપર પાથરે છે. ઈલા પણ પોતાના સમાજસેવાના કાર્યમાં પોતાના જીવને સમાજ માટે ન્યોછાવર કરે છે અને રૂઢીવાદી સમાજના કોપનો ભોગ બને છે.
ભારતીય સમાજદર્શન:
અનીતા દેસાઈ વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં તેમનો જન્મ અને ઉછેર બિલકુલ ભારતીય ઢબમાં ભારતીય સંસ્કૃતિની અસર હેઠળ થયેલ છે. તેમની નવલકથાઓમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિનું આબેહૂબ વર્ણન જોવા મળે છે. તેમને જીવનકાળ દરમિયાન ગાળેલા ભારતના અલગ અલગ શહેરોમાં તેમના લેખન દરમિયાન સીધી રીતે જણાઈ આવે છે. જયારે ‘ફાયર ઓન ધ માઉન્ટેઇન’ અનિતાના દીકરી કિરણ દેસાઈ વાંચે છે ત્યારે તે કહે છે કે, “........‘ફાયર ઓન ધ માઉન્ટેઇન’....એક બાળક તરીકે તે મારા હૃદયની ઘણી નજીક છે.અમારું બાળપણ પહાડોમાં ગુજાર્યું છે. અમે મોટા દિલ્હીમાં થયા..પરંતુ ઉનાળા વેકેશનમાં હમેશા મસુરી ઉપાડી જતા......”[૩]
અનીતાએ ભારતીય પ્રદેશોનું ભૌગોલિક વર્ણન જ નહિ સામાજિક પ્રતિકૃતિ પણ દર્શાવી છે. ભારતીય ગામડાઓમાં આધુનિક સમયમાં ચાલતા કુરિવાજો અને કુપ્રથાઓ પણ પૂરી સચ્ચાઈથી સહેજ પણ અતિશયોક્તિ વગર આલેખ્યું છે. ઈલા દાસ આવા જ એક કુરિવાજ નો ભોગ બને છે અને જીવ ગુમાવે છે. પ્રીતસિંહ નામનો પિતા જયારે તેની સાત વર્ષની દીકરીને આધેડ વિધુર સાથે માત્ર થોડી જમીન માટે પરણાવવા તૈયાર થાય છે ત્યારે ઈલા દાસ આ બાળવિવાહની પ્રથાનો વિરોધ કરે છે. પ્રીતસિંહ ઈલા દાસની હત્યા કરી તેની લાશ ઉપર પોતાની દીકરીને પરણાવે છે.ઈલા દસ જેવા કેત્યાય લોકો આ સામાજિક કુપ્રથાના ભોગ બન્યા હશે એ અનીતા ઈલાના પાત્ર દ્વારા દર્શાવે છે. સાથે કસૌલીના સુંદર અને પ્રાકૃતિક વાતાવરણને માણસોનો બનાવેલો સમાજ કેવો ડહોળી નાખે છે! તે પણ પીડાદાયક છે. આ નવલકથામાં રાકાના પાત્ર દ્વારા અનીતા કરીગ્નાનોના જંગલો અને ગલીઓને સુંદર રીતે ચીતરે છે. કાસૌલીના જંગલોની રમણીયતા, એકાંત અને શાંતિ એ પહાડી પ્રદેશની મુલાકાત લેવાનું મન થઇ જાય તેમ જણાય છે.
આત્મકથાત્મક વૃતાંત:
અનીતા દેસાઈની દરેક નવલકથામાં કેટલાક વિષયોની ચર્ચા અચૂક રીતે જોવા મળે છે કે જે તે પોતાની નીજી જીવનમાં પણ અનુભવેલ છે. કોઈ પણ લેખક કે કવિ મોટાભાગે પોતાનું લેખન કે કથા પોતાના જીવનના અનુભવ, પીડા, દુઃખ કે ભૂતકાળની યાદો પરથી લખે છે. અનીતા દેસાઈ પણ લગ્નમાં વિસંવાદ અને કુટુંબમાં વિસંવાદ પોતાના અંગત જીવનના અનુભવ પરથી પીરસે છે. અનીતા દેસાઈ તેમના પતિ અશ્વિન દેસાઈથી અલગ થઈને અમેરિકામાં સ્થાયી થાય છે. અનીતા શરૂઆતના વર્ષોમાં ગૃહિણી તરીકે અને માતાની ફરજોથી લદાયીને લેખનકાર્યને સંતાડીને કરતા. અનિતાની આ પીડા નંદાના કુલપતિની પત્ની તરીકેના પાત્ર દ્વારા સીધી રીતે આલેખાયેલી છે. અનીતા દેસાઈ હમેશા બે જીવન જીવ્યા છે એક લેખિકા તરીકે અને એક માતા તરીકે. આ બંને વચ્ચે વહેચાયેલા અનીતા નંદાને પણ ભૂતકાળ અને વર્તામાં વચ્ચે વહેચાયેલ બતાવે છે. એક સામાજિક પ્રતિષ્ઠાને સાચવવા બધાને હસતા ચહેરે આવકારનાર અને એકલા પડતા જ એ નકલી હાસ્યનો ચહેરો ફેકી એકલતાને ઓઢી લેનાર.
ઉપસંહાર:
અનીતા દેસાઈએ અંગ્રેજી સાહિત્યના આધુનિક સમયના ઊંચા ગજાના લેખિકા છે જે ચેતનાના પ્રવાહ દર્શાવતી આધુનિક પ્રકારની નવલકથા સમાજને આપે છે. તેમનું લેખન દેશ, દુનિયા અને સમાજના પ્રશ્નો ને વર્ણવે છે જેમકે ભૌગોલિક પ્રતિકૂળતાઓ, સામાજિક કુરિવાજો, અસ્તિત્વના પ્રશ્નો, સ્ત્રી સંવેદના વગેરે અને સાથે સાથે આંતરિક વિશ્વને પણ એટલી જ ઊંડાઈ અને બહોળી દ્રષ્ટિથી નિહાળે છે. જેમકે પાત્રોની મન:સ્થિતિ, તેમની આવેગો, વ્યક્તિગત સ્વભાવ અને તેની મર્યાદા, ભૂતકાળને લીધે થતી વર્તમાન પર અસર અને બીજું ઘણું. અનીતા દેસાઈના લેખન કાર્યની યુક્તિઓ પણ ઘણી મહત્વની અને રસપ્રદ છે. તે સીધા સંવાદો અને ઘટનાઓ કરતા પ્રતીકો અને એકોક્તિઓ દ્વારા કથાને આગળ વધારવામાં વધુ રસ ધરાવે છે. અને વાંચકો પણ આ નવલકથાના વહેણના વહેવા લાગે છે. સાહિત્ય અકાદમી પુરસ્કૃત આ નવલકથા ‘ફાયર ઓન ધ માઉન્ટેઇન’ અનીતા દેસાઈની શ્રેષ્ઠ નવલકથાઓ માંની એક અને ભારતીય સાહિત્યમાં ખ્યાતિ પામેલ છે. આ એક નમ્ર પ્રયત્ન છે અંગ્રેજી ભાષામાં લખાયેલ ભારતીય સાહિત્યની કૃતિને આલેખવાનો. બાકી આ નવલકથાનું જો સુંદર ગુજરાતી ભાષાંતર થાય તો તે વાંચવાની મજા જ કૈક ઔર હોય તેવી આ નવલકથા છે.
સંદર્ભ