Included in the UGC-CARE list (Group B Sr. No 172)

એકતરફી સંવાદ

જોયું આજે એ શિલ્પખચિત દહેરું
જેને બધા કહે કાવ્ય પથ્થર કેરું.

પૂછયું એને- “કોણે રચ્યું?” તો કહે, “ખબર નથી...”
મેં કહ્યું, “તારો આ જવાબ બરાબર નથી.”

ત્યાં તો આવ્યો એક યુવાન- કહે, “હું છું શિલ્પી.
મેં જ કોર્યા આ પથ્થરો, આકારો વિવિધ કલ્પી...”

કહ્યું, “કરાવો આસ્વાદ થોડો આપની રચનાનો.”
તૈયાર થયો એ ને કાઢ્યો એક ટહુકો મજાનો,

“જુઓ આ પદ્મ છે. દેખાય છે? ને આ બીજું...
ખીલેલા ફૂલ માં કંઈ લાગે છે તમોને જુદું?”

“અહો! દેખાય છે સમાન પણ ખીલવાની રીત જુદી...”
“ને આ મૂર્તિઓને પણ જુઓ કરે છે પ્રીત જુદી..

જુદું.. જુદું...
જુઓ.. આ પણ ને એ પણ...

અરે.. આને ઘડતી વેળા આવી હતી યાદ પ્રિયતમા,
એથી તો જુઓ એક પુષ્પ સાહ્યું વામ હાથમાં,

ને આ રચી મેં આવી જ્યારે યાદ મને મારી મા,
આ હું છું બેઠો વહાલ ખૂંદતો જુઓ ખોળામાં,

ને આ...

અરે ક્યાં ચાલ્યા...?

જુઓ... આ પણ જુદી છે..

અરે..”

દૂર જતી જોઈ મને એ નિરાશ લાગે છે,
એ મારી પાસે સમયની નવરાશ માંગે છે.

ઘડ્યા હશે એણે શિલ્પો ખૂબ યત્ન કેળવી,
નિર્ધન હશે કદાચ તો દુઃખ વેઠી વિદ્યા મેળવી,

પણ લાચાર છું હું,
એણે તો વર્ષો કાઢ્યા છે એ રચવામાં,
મારી પાસે સમય નથી આ ગજવામાં,
ને વળી, એ બતાવે છે જુદું જુદું ને અલગ,
આંખ ઓછી પડે છે બધું પારખવામાં.

ઝલક પટેલ