Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ડૉ. નવીન વિભાકરની નવલકથા “નેલ્સન મંડેલા”

આધુનિક ગુજરાતી નવલકથાકારોમાં ડૉ. નવીન વિભાકરનું માનભર્યું સ્થાન છે. તેમનો જન્મ આફ્રિકાના ટાન્ઝાનિયામાં ૨૫ ઓગષ્ટ ૧૯૩૬ના રોજ મ્વાન્જા ગમે થયો હતો. ડૉ. નવીન વિભાકર ૬ વર્ષની ઉંમરે ભારત પરત આવ્યા પછી તેમનું પ્રાથમિક શિક્ષણ ૬-૧૨ વર્ષ સુધી વેરાવળ ગુજરાતમાં ચાલ્યું હતું. મૂળ જૂનાગઢના વતની. આ સર્જક ભારતની આઝાદીના દીવાસોમાં સાક્ષીભાવે દેશ ભક્તિના રંગે રંગાયેલા હતા. આઝાદી પછી તેઓ પણ આફ્રિકા નિવાસ કરી ત્યાં ગ્રાન્ટ મેડીકલ કૉલેજમાં મેડિસીનમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાની મૂળ સંસ્કૃતિ અને માતૃભાષા પ્રત્યે અપાર પ્રેમ દાખવતા તેઓ વાંચનનો જબરો શોખ ધરાવતા. ગુજરાતી સાહિત્યનાં વિશાળ વાંચન પછી સર્જનાત્મકતા પાંગરે છે. તેઓ શરૂઆતમાં નવલિકાઓ લખતા. જે ચિત્રલેખા, નવચેતન, કુમાર, અખંડ આનંદ, જન્મભૂમિ જેવા ખ્યાતનામ સામયિકોમાં પ્રગટતી. ધીમે ધીમે નવલિકામાંથી નવલકથા તરફ લેખક ઢળતા જાય છે ને ઈ.સ. ૧૯૬૪માં તેઓ વિદેશની ધરતી પરથી ‘અભિ મત જાઓ’ નામક પ્રથમ નવલકથા પ્રગટ કરે છે. ત્યારબાદ થોડો સમય ડૉકટરની પ્રેક્ટિસ અને પછી ઈ.સ. ૧૯૯૨માં અમેરિકામાં સ્થાયી થાય છે. આ સમયગાળા દરમ્યાન પણ તેમનું સર્જનકર્મ ચાલુ જ રહે છે. ઈ.સ. ૧૯૯૨થી અમેરિકામાં ડોક્ટર તરીકેનો વ્યવસાય શરૂ કરે છે જે ઈ.સ. ૨૦૦૨ સુધી ચાલુ રાખી ઈ.સ.૨૦૦૨માં તેઓ નિવૃત્તિ લઇ સાહિત્યની સેવા તરફ વળે છે. જેનાં ભાગરૂપે તેમણે ગુજરાતી સાહિત્યમાં નવલિકા, નવલકથા, જીવનકથા, સ્મરણકથા અને પ્રવાસોના ગ્રંથો દ્વારા ગુજરાતી સાહિત્યને રળિયાત કરી વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. તેમના વાર્તાસંગ્રહ ‘ચાંદ બનકે આના’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે. આ સિવાય ‘જન્મભૂમિ’, ‘પ્રવાસી’ અને ‘ગુજરાત દર્પણ’(અમેરિકા)માં તેમની નવલકથાઓ ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ છે.

ગુજરાતી કથાસાહિત્યમાં ડૉ. નવીન વિભાકરનું આગવું પ્રદાન ગણાવી શકાય. તેમણે આશરે ત્રીસથી પણ વધારે નવલકથાઓ આપી છે. જેમાં ‘રૂદિયે વાગ્યા ઘાવ’, ‘મૃત્યુનું કવચ’, ‘નાજુક નમણું પંખી’ જેવી નવલકથાઓ ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલી છે. આ ઉપરાંત પણ ઘણી નવલકથાઓ છે. જેનો અહીં નામ-નિર્દેશ ઉલ્લેખ નથી કરતો. પરંતુ મારે જે નવલકથા વિશે વાત કરવી છે તે ‘નેલ્સન મંડેલા’ જીવનદર્શન પ્રકારની નવલકથા છે. ડૉ. નવીન વિભાકર પાસેથી છએક જેટલી જીવનકથાઓ સાંપડે છે. જેમાં ‘ભાગ્યવિધાતા’, ‘સરમુખત્યાર’ જેમાં ઈદી અમીન વિશે વાત છે તો ‘દલાઈલામા’, ‘સિકંદર પોરસ’ ઈત્યાદી જીવનકથાઓ નવલકથા સ્વરૂપે જોવા મળે છે.

નવલકથા માત્ર મનોરંજનનું કે સમય પસાર કરવાનું સાધન ન બની રહેતાં માનવજીવનનું પણ દર્શન કરાવે છે. લગભગ સર્જકનું વ્યક્તિત્વ તથા જીવન વિશેનું તેમનું ચિંતન પણ કૃતિમાં પ્રતિબિંબિત થતું હોય છે. છતાં સર્જક જે ચિંતન રજૂ કરવા માંગતો હોય તે નવલકથામાંથી સહજ રીતે પ્રગટ થવું જોઈએ. અહીં જીવનદર્શન પરાણે લાદેલું ન લાગવું જોઈએ. નવલકથાની કથામાંથી કોઈ ઉદ્દેશ્ય ને બોધ પ્રગટ થવો જોઈએ. માનવીય જીવનનાં અંશોનું આલેખન માત્ર ન બની રહે તેની નોંધ સર્જકે લેવી જોઈએ. જીવન મૂલ્યોનું આલેખન થતું હોય તેવી રચના સર્જક દ્વારા થવી જોઈએ. અહીં ‘નેલ્સન મંડેલા’ નવલકથામાં ગાંધીજીના વિચાર ધરાવતા નેલ્સન મંડેલાનું સમગ્ર જીવન ખૂબ ઝીણવટપૂર્વક દર્શાવાયું છે. રાજકીય નવલકથાકાર તરીકે ડૉ. નવીન વિભાકર ગુજરાતી નવલકથા જગતમાં માનભર્યું સ્થાન પામ્યા છે. તમની ઘણીખરી નવલકથાઓ રાજકારણનાં જટિલ પ્રશ્નોને ઉજાગર કરતી જોવા મળે છે. પાંચ ખંડમાં વિભાજીત “નેલ્સન મંડેલા” નવલકથામાં કથાવસ્તુ એક પાત્રને આધીન છે. પ્રસંગોનાં વાસ્તવિક આલેખન સાથે લેખકે દસ્તાવેજી પુરાવા ચિત્રો સાથે મૂકી આપ્યા છે. જીવનચરિત્રાત્મક શૈલીયુક્ત આ નવલકથા માનવજીવનનાં અપ્રગટ રહસ્યોને પ્રગટાવવાનું પ્રેરણાબળ પુરું પાડે છે. લેખકે સત્યઘટના પર આધારિત દક્ષિણ આફ્રિકાનાં તારણહાર, મહાન વૈચારિક ક્રાંતિ લાવનાર યુગપુરૂષ નેલ્સન મંડેલાનું જીવનદર્શન, શૈશવકાળ, યુવાવસ્થા, સંઘર્ષો, જેલયાત્રાઓ આ બધું જ બહુ બારીકાઈથી આલેખ્યું છે. નેલ્સન મંડેલાની ૨૭ વર્ષની જેલયાત્રા અને તે કપરા સમય દરમ્યાન મંડેલાના મનની સ્થિરતા, તેમની જ્ઞાનપિપાસા આ બધું નવલકથામાં સાંગોપાંગ નિરૂપાયું છે.

‘નેલ્સન મંડેલા’ નવલકથા પાંચ ખંડમાં ૨૭૧ જેટલાં પાન પર વિસ્તરેલી જોવા મળે છે. દરેક ખંડને આકર્ષક શીર્ષકથી લેખકે વિભાજીત કરી છે. પ્રથમ ખંડને ‘આકાર’ શીર્ષકથી, બીજો ખંડ ‘ઘડતર’, તૃતીય ખંડ ‘ગાઢ અંધકાર’, ચોથો ખંડ ‘સપનાની પેલે પાર મુક્તિ’ અને અંતિમ ખંડ ‘સપનાનું સત્ય : સ્વતંત્રતા અને.’ આમ, પાંચ ખંડમાં વિભાજીત આ નવલકથાનું પ્રકાશન આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લિ. અમદાવાદથી ૨૦૧૦માં થયું. આ નવલકથાના પ્રારંભે સરદાર વલ્લભભાઈ અને ગાંધીજીના ક્રાંતિકારી વિચારો મુકી લેખકે દક્ષિણ આફ્રિકાનો નકશો મુકી આપ્યો છે. નવલકથાનો પ્રથમ ભાગ ‘આકાર’ શીર્ષકથી છે જેમાં નેલ્સન મંડેલાનું શૈશવકાળ વિસ્તાર પૂર્વક નિરૂપાયો છે. તેમના જન્મથી માંડીને બધી જ વિગતો ખૂબ ઝીણવટતાપૂર્વક દર્શાવી છે. તેમનું કૌટુંબિક, સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ મંડેલાના ઉમદા વ્યક્તિત્વને ઘડવામાં કેવું સફળ નીવડે છે તે સહજતાપૂર્વક દર્શાવ્યું છે. તેમનો જન્મ ગર્ભશ્રીમંત કુટુંબમાં, દાદા-પરદાદા રાજા-મહારાજાઓ હતા. તેમનાં પિતા ગાડલા હેન્ડી થમ્બુ લોકોનાં મુખી હતા. અત્યંત ધનાઢ્ય પરિવારમાં જન્મેલા મંડેલાનું આ વૈભવી જીવન લાંબો સમય ચાલતું નથી. પિતા ગાડલા હેન્ડીને ચાર પત્નીઓ જેમાંથી ત્રીજા નંબરની પત્ની નોસેકેની ફેનીનો પુત્ર નેલ્સન મંડેલા છે. નેલ્સન મંડેલાનું બાળપણ જેમ-જેમ વિકસતું જાય છે તેમ-તેમ તેમનાં જીવનમાં સંઘર્ષ ઉત્પન્ન થતો જાય છે. આમ જુઓ તો મંડેલાનું બાળપણનું નામ ‘રોહીહલાહલા’ જે ર્હાઝા ભાષાનું. જેનો અર્થ સંઘર્ષ થાય છે. નેલ્સન નામ તેમનાં પ્રાથમિક શિક્ષિકાએ રાખ્યું હતું. શૈશવનાં થોડાં વર્ષોમાં પિતાને પદભ્રષ્ટ કરવામાં આવે છે તો આવી પડેલા આઘાત સહન ન થતાં તેમનાં પિતાનું અવસાન થાય છે. નેલ્સનના પિતાને ચાર પત્ની અને અગિયાર બાળકો હતાં. જેથી પિતૃપ્રેમથી તેઓ થોડા અભાવિત રહ્યાં પરંતુ માતૃપ્રેમથી તેઓ રસ તરબોળ હતા. પિતાના અવસાન પછી માતા અને મંડેલા હિજરત કરી બાજુના ગામમાં જતા રહે છે. ત્યાં નેલ્સનના પિતાનો મિત્ર જેનું નામ જાભીનગબાનો છે તે નેલ્સનને ગોદ લે છે. હિજરતના કારણે તેમનો અધુરો રહેલો અભ્યાસ પાલક પિતા ત્યાં પૂરો કરાવે છે. અહીં પ્રથમ પ્રકરણની આ બધી સત્ય વિગતો લેખક મંડેલાના મુખે દર્શાવે છે.

‘નેલ્સન મંડેલા’ નવલકથાનો બીજો ભાગ ‘ઘડતર’ શીર્ષકથી દર્શાવાયો છે. આ વિભાગ કથાનો મુખ્ય અને મહત્વનો ભાગ છે. નેલ્સન મંડેલાના જોનિસબર્ગના અભ્યાસ પછીની તેમની સ્થિતિ અને પરિસ્થિતિ આ વિભાગમાં મંડેલાના મુખે લેખક દ્વારા કહેવાય છે. નેલ્સન મંડેલાના વકીલાતના અભ્યાસ બાદ બ્રિટીશ સરકારે કરેલા તેમના પરના અત્યાચારો ઝીણવટપૂર્વક આલેખ્યા છે. બ્રિટીશ સરકારે તેમના પર લાદેલા નિયમો બહુ કપરા હોય છે. તેમાંથી પસાર થઈ પોતાના દેશની ભોળી પ્રજાને આઝાદ કરાવવાનું સપનું તેઓ ગાંધીજીની માફક હંમેશા સેવતા રહ્યા છે. ગાંધીજીએ જે રીતે દેશ માટે અહિંસક લડાઈ આદરી હતી અને અંગ્રેજ સરકારે જે રીતે ગાંધીજી પર અત્યાચારો કર્યા હતા તે જ પરિસ્થિતિ મંડેલા પર મંડાણી. તેમની અમુક સમયગાળા પછી ધરપકડ પણ થઈ. પોતના દેશની ભોળી અને લાચાર પ્રજા પર થતાં અત્યાચારો તેમના જ શબ્દોમાં જોઈએ તો – “જીવનમાં શિક્ષણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આફ્રિકનોને શિક્ષણ મેળવવું હોય પણ એવી કોઈ તક આપવામાં જ નો’તી આવતી. ચર્ચને મિશન તરફથી સ્કૂલો હોય તેમાં દાખલા પણ કેટલા આફ્રિકનોને આપી શકાય ! યુનાઈટેડ પાર્ટી સત્તા પર હતી ત્યારે શ્વેત ને આફ્રિકન વિદ્યાર્થીઓના સિલેબસ એક જ રહેતાં. છતાં રંગભેદ તો તેમાંય દેખાઈ આવતો. શિક્ષણના ભંડોળમાંથી શ્વેત માટે છ ગણું વધુ વપરાતું. આફ્રિકનો માટે શિક્ષણ ફરજીયાત નો’તું. પ્રાયમરી – પ્રાથમિક શાળામાં જ ફક્ત ભણાવવામાં આવતું. આફ્રિકન પ્રજાના અડધા ઉપરાંત બાળકો શાળામાં જતાં જ નહિ. બહુ થોડાં ગ્રેજ્યુએટ સ્કૂલમાં જતા. મા-બાપને જ ભણાવવાની તક ન મળતી હોય. બાળકો શિક્ષણનું મહત્વ ક્યાંથી સમજે”.૧ (પેજ નં-૮૪, નેલ્સન મંડેલા) આફ્રિકનો હંમેશા ગુલામ જ રહે તેવો બંધોબસ્ત અને નિયમો બ્રિટિશ સરકારના હતા. નેલ્સન મંડેલા આ બધાની સામે મોરચો માંડીને બેઠા હતા. તેમણે સત્યાગ્રહો કરી લોકોને સદમાર્ગે દોરવાનું કામ ઉપાડી લીધું. તેના માટે તેમણે નાના-મોટા ભાષણો, મિટીંગો ઈત્યાદી શરૂ કરી આફ્રિકનોને સદમાર્ગે લઇ જવા પ્રયાસો કર્યા. જેમાં બ્રિટિશ સરાકાર નેલ્સન મંડેલાની વિરુદ્ધ હતી. તેમણે કાવતરાં કરી અસંખ્યવાર મંડેલાની અટકાયત કરી. તેમના જ શબ્દોમાં કહીએ તો – “અમારા બધા પર કાવતરું કરી, હિંસા રચી આખા દેશને કોમ્યુનિષ્ટ બનાવવાના દેશદ્રોહને તહેમત મુકાયું અને સમયગાળો છેક પાછળ ૧લી ઓકટોબર ૧૯૫૨ થી ૧૩ ડીસેમ્બર ૧૯૫૬નો રજૂ કરવામાં આવ્યો. આ કાયદો અંગ્રેજ કાયદો નો’તો પણ પહેલાનો રોમન ડચ કાયદો હતો. એ કાયદા હેઠળ દેશદ્રોહની સજા હતી. સજાએ મોત”.૨ (પેજ નં-૯૬) ત્યારબાદ અંગ્રેજ સરકારે મંડેલાની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા. અલગ-અલગ પ્રકારની કપરી પરિસ્થિતિનો સામનો તેમણે કરવો પડયો. અંગ્રેજ સરકારે વિવિધ પ્રકારનાં ગુનાહો દાખલ કરી તેમને આજીવન કેદની સજા સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ મંડેલા પોતે પણ એક સફળ વકીલ હતા. તેમના પણ અસંખ્ય પ્રયાસો રહ્યા હતા કે, આફ્રિકનો કોઈ કાળે આ રંગભેદમાંથી આઝાદ થઈ સ્વતંત્રતા ભોગવે. નિર્દોષ મંડેલાના જીવનની કપરી દશા તેમનો ૨૭ વર્ષનો કેદકાળ છે. જે દરમ્યાન તેમણે કોઈ પણ સાથે વાતચીત કર્યા વિના આ સમયગાળો એક જ ઓરડીમાં પૂરો કર્યો. જેનું વાસ્તવિક શબ્દચિત્ર દસ્તાવેજી પુરાવા અને વિવિધ ચિત્રો દ્વારા નવલકથાકાર દર્શાવે છે.

નવલકથાનો ત્રીજો ભાગ ‘અંધકાર’ શીર્ષકથી શરૂ થાય છે. જેમાં અંગ્રેજ સરકારે મંડેલાને પુરેલા જેલનું વર્ણન અને ૨૭ વર્ષનો કેદકાળ ખૂબ જ બારીકાઈથી એક પણ પ્રસંગ, ઘટના રહી ન જાય તેમ દર્શાવાયો છે. લેખકે મંડેલાના જીવનનો મહત્વનો ભાગ આ ભાગમાં થોડાં જ પાન પર પ્રકાશિત કર્યો છે. મંડેલાના જીવનની સંઘર્ષગાથા મંડેલાના જ શબ્દોમાં નિરૂપતા લેખક મુકી આપે છે કે – “હું ‘ડી’ કક્ષાનો કેદી હોવાથી મને એક મુલાકાતીને મળવા દેવાતો ને છ મહીને એક જ પત્ર આપવા દેતા. કુટુંબ તરફથી સમાચાર ન આવવા દેવા તે તો અમાનુષી ગણાય. અમારા એ હકને પણ કચડી નાખ્યો હતો. કુટુંબીજનોના પત્રોની તો કાગડોળે હું રાહ જોતો”.૩ (પેજ નં-૧૮૯) આવા અમાનુષી અત્યાચારો વચ્ચે પણ મંડેલા સ્વનો અભ્યાસ કરે છે. ખૂબ વાંચન કરે છે. મનન અને ચિંતનનો પરિતાપ ૨૭ વર્ષ ચાલે છે. જેલમાં થયેલાં તમામ અનુભવો લેખકે બારીકાઈથી આ પ્રકરણમાં દર્શાવ્યા છે.

‘નેલ્સન મંડેલા’ નવલકથાનાં ચોથા પ્રકરણને લેખક ‘સપનાની પેલે પાર મુક્તિ’ શીર્ષકથી આપે છે. લેખકે આ પ્રકરણમાં મંડેલાના જેલવાસ ભોગવ્યા પછીનું વાસ્તવિક ઊજળું ભવિષ્ય દર્શાવ્યું છે. આંતરરાષ્ટ્રીય દબાણ અને નેલ્સન મંડેલાનું નગ્ન સત્ય જીતે છે. તેમનો જેલવાસ પૂર્ણ થયા બાદ તેઓ દક્ષિણ આફ્રિકનોની ભોળી પ્રજાની સ્વતંત્રતા માટે કમર કસે છે. પરિણામે એ દિવસ આવી ગયો જયારે પ્રથમ વખત આફ્રિકનો માટે મત આપવાનો અધિકાર મળ્યો. તે લેખકના વર્ણનાત્મક શબ્દોમાં જોઈએ તો – “જૂન ૩ ૧૯૯૩ બહુ થોડાં માણસોને યાદ હશે, પણ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં તે સીમાચિહ્ન હતો. કારણ કે વાટાઘાટોની મીટિંગમાં એ દિવસ પહેલી રાષ્ટ્રીય જાતિભેદ વગરની, એક મનુષ્ય એક મતવાળી ચૂંટણીની જાહેરાત થઈ અને ૨૭ અપ્રિલ ૧૯૯૪માં આફ્રિકનો પહેલી વાર મત આપવા ગયા. ત્યારબાદ નેલ્સન મંડેલાને ઈ.સ.૧૯૯૩માં નોબેલ મીસ પ્રાઈઝ ડી.કલર્કની સાથે આપવામાં આવ્યું. કદાચ તેમના જીવનનો સૌથી વધારે આનંદનો દિવસ હતો. ત્યારબાદ તેઓ ચૂંટણી લડ્યા અને પરિણામે જુલાઈ ૧૯૯૬માં તેઓ જંગી બહુમતીથી જીતી એ જ વર્ષ તેઓ પ્રેસીડેન્ટ બને છે. આમ દક્ષિણ આફ્રિકાની ભોળી પ્રજાના વિકાસના દ્વારો ખુલે છે. નેલ્સન મંડેલા ખૂબ જ જહેમત ઉઠાવી લોકસેવાનું, લોકજાગૃતતાનું, લોકોને શિક્ષણ તરફ વળવાનું મહત્વનું કામ કરે છે. જેનું વર્ણન આ વિભાગમાં જોવા મળે છે.

‘નેલ્સન મંડેલા’ નવલકથાનો અંતિમ ભાગ સુખદ છે જે લેખક ‘સ્વતંત્રતા અને.’ જેવા શીર્ષક તળે ખૂબ જ ટૂંકી વાત કરે છે. જેમાં નેલ્સન મંડેલાના લોકહિતનાં કર્યો, તેમના સપનાનું દક્ષિણ આફ્રિકા આ બધું જ સરળ ભાષામાં જોવા મળે છે. આ નવલકથામાં વસ્તુ નિરૂપણ જેમ વાસ્તવની ભૂમિ પર ચાલે છે તેમ પાત્રો પણ વાસ્તવિક છે. દક્ષિણ આફ્રિકા તથા બ્રિટિશ અધિકરીઓના વાસ્તવિક પાત્રો નવલકથામાં જોવા મળે છે. અહીં દક્ષિણ આફ્રિકા તથા બ્રિટન જેવાં પ્રદેશોનું રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ જોવા મળે છે. તો રસાળ ગદ્યાત્મક શૈલીમાં નેલ્સન મંડેલાનું જીવન ઉજાગર કરી ભાવકને નેલ્સન મંડેલાના જીવનની વાસ્તવિક સંઘર્ષગાથા શબ્દબદ્ધ કરે છે.

આમ, અનેક રીતે વાચક માટે પ્રેરણાનું ઝરણું બનતી ‘નેલ્સન મંડેલા’ નવલકથા અનેક રીતે મહત્વની પુરવાર થાય છે.

સંદર્ભસૂચિ

  1. ‘ચાર નવલકથાકરો’ – ભરત મહેતા, ડિવાઈન પબ્લિકેશન, પ્ર.આ. ૨૦૦૬
  2. ‘ગુજરતી નવલકથા: ફેર વિચારણા’ – જશવંત શેખડીવાળા, પાર્શ્વ પ્રકાશન, પ્ર.આ. ૨૦૦૫
  3. ‘કથા-સિધ્ધાંત’ – સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, પ્ર.આ. ૨૦૦૨
  4. ‘નેલ્સન મંડેલા’ – ડૉ. નવીન વિભાકર, આર.આર.શેઠ કંપની, મુંબઈ, પ્ર.આ. ૨૦૧૦

ડૉ. વિશાલ વાટુકિયા, પ્રોજેક્ટ ઓફિસર, શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. મો-૯૭૨૪૧૮૧૪૨૧ ઈમેઈલ- vatukiya.vishal2010@gmail.com