Included in the UGC-CARE list (Group B Sr. No 172)

નિબંધકાર દલપતરામ

ગુજરાતી સાહિત્યના ઈતિહામાં ઈ.સ. ૧૮૫૦ થી ૧૮૮૫ આસપાસનો સમયખંડ ‘સુધારકયુગ’ તરીકે જાણીતો છે. અંગ્રેજી શાસનને કારણે દેશીઓમાં જે પ્રકારે નવીન જીવનરીતિઓ પ્રત્યે એક વલણ વિકસી રહ્યું હતું, અભિગમ કેળવાઈ રહ્યો હતો તેને કારણે આ યુગને સમાજસુધારા કે સંસારસુધારાના યુગ તરીકે ઓળખવામાં આવ્યો હતો. પરદેશી શાસન (અંગ્રેજી)ને કારણે હિન્દુસ્તાનમાં આધુનિક વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર અને કેળવણી વિષયક સંસ્થાઓ અને વ્યવસ્થાઓની એક નવી પરંપરાનો ઉદભવ થયો. હિન્દુસ્તાને મધ્યયુગીન પરંપરામાંથી અર્વાચીન પરંપરા રચવાની શરૂઆત કરવાં માંડી હતી. ઓગણીસમી સદીના આરંભે જ આ પરિવર્તનનાં પવન ફૂંકાવા લાગ્યા હતા. અંગ્રેજી નિશાળો વર્તમાનપત્રો-ચોપાનિયા-સામયિકોનું પ્રકાશન, તાર-ટપાલ અને રેલવે જેવાં યાંત્રિક ઉપકરણો આદિના આગમને હિન્દુસ્તાનમાં એક નવાં યુગના મંડાણ કરવા માંડ્યા હતા. દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી એટલેકે ‘કવીશ્વર દલપતરામ’ આ યુગના પ્રત્યક્ષ સાક્ષી અને પ્રતિનિધિ હતા. દલપતરામનો જન્મ ૧૮૨૦માં. એ વાતને ૨૦૦ વર્ષ થવા આવ્યાં છે. મધ્યકાલીન ભક્તકવિ દયારામ અને અર્વાચીન ગુજરાતી કવિ દલપતરામનું કાળગણનાની દૃષ્ટિએ અનુસંધાન સર્વવિદિત છે. ‘બાપની પીંપર’ (૧૮૪૫) માં દલપતરામે અર્વાચીન કવિતાની છડી પોકારીને (૧૮૫૨) માં દયારામે ક્ષર દેહ ત્યજી ‘અક્ષર’ સ્વરૂપે જ શાશ્વત નિવાસ કર્યો. આ બે સંદર્ભની વચ્ચે ૧૮૫૦માં ‘ભૂતનિબંધ’થી દલપતરામે ગદ્યલેખક તરીકે પણ ગુજરાતના સાક્ષરજગતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. એટલે ‘ભૂતનિબંધ’(૧૮૫૦)થી શરૂ કરીને ૧૮૯૮માં અવસાન અવસાન પામ્યાં તે પૂર્વેના લગભગ અડતાલીસ વર્ષ સુધી દલપતરામે કવિતા અને ગદ્યલખાણો લખીને ગુજરાતી ભાષા-સાહિત્યની ઉમદા સેવા કરી છે. ગુજરાતી સાહિત્ય-સમાજમાં દલપતરામ કવિ તરીકે જેટલાં પોંખાયા-સ્વીકારાયા અને ચર્ચાયા તેટલાં નિબંધકાર કે ગદ્યકાર તરીકે અભ્યાસીઓ-વાચકોનો સમભાવ કે સમદૃષ્ટિ નથી પામ્યાં તે સ્વીકારવું પડે તેમ છે. દલપતરામનાં સાહિત્યની તુલના હંમેશા નર્મદના સાહિત્ય સાથે થતી રહી અને યેનકેન કારણોથી નર્મદને દલપતરામથી એક ડગલું આગળ સ્થાન મળતું રહ્યું. પરંતુ આજે ૨૦૦ વર્ષનો સમય પસાર થયા પછી પાછળ દૃષ્ટિ કરીએ છીએ તો નર્મદની તુલનાએ દલપતરામનું સાહિત્ય સમાજ અને વિદ્વાનોની વચ્ચે વધુ સ્વસ્થતા અને સમભાવ સાથે ટકી રહ્યું છે. નર્મદ જુદી રીતે ‘અર્વાચીનોમાં આદ્ય’ છે જ. પરંતુ એથી દલપતરામનું મૂલ્ય સહેજે ઓછું આંકી શકાય નહિ. દલપતરામના નિબંધોને કેન્દ્રમાં રાખીને અહીં નિબંધકાર દલપતરામની લાક્ષણિકતાઓ તરફ થોડાં સંકેતો આપવા છે.

દલપતરામના નિબંધો વિશે વાત કરવા માટે મુખ્ય આધાર સામગ્રી તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘દલપત ગ્રંથાવલી’ના પાંચમા ખંડ પૈકીના ‘દલપત-ગદ્ય’નાં બીજા ભાગનો ઉપયોગ કર્યો છે. આ ગ્રંથમાં સંપાદક મધુસૂદન પારેખે દલપતરામના નિબંધો અને અન્ય ગદ્યલખાણો–કે–જે મોટેભાગે ‘બુદ્ધિપ્રકાશ’માં દલપતરામે તંત્રીસ્થાને કે અન્ય નિમિત્તે લખીને પ્રગટ કર્યા હતા તેનો સમાવેશ કર્યો છે.

દલપતરામના નિબંધોને સંપાદક મધુસૂદન પારેખે ત્રણ વિભાગમાં વિભાજિત કરીને અનુગામી અભ્યાસીઓ માટે સરળતા કરી આપી છે.

વિભાગ-૧માં મુખ્યત્ત્વે દલપતરામના ઇનામીસ્પર્ધામાં વિજેતા થયેલાં દીર્ઘનિબંધો છે. છે. ‘વિદ્યાબોધ’ અને ‘કથનસપ્તશતી’ જેવાં સંકલનો પણ અહીં સમાવેશ પામ્યાં છે.
વિભાગ-૨માં ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી લેખમાળા છે. અને
વિભાગ-૩માં ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલ છૂટાછવાયા લેખો છે.

લગભગ – ૭૦૦ (સાતસો) પાનામાં પ્રગટ આ ગદ્યસાહિત્યમાં ‘નિબંધ’ કહી શકાય તેવું સાહિત્ય અલબત્ત પ્રમાણમાં ઓછુ છે છતાં નિબંધકાર તરીકે દલપતરામની અવગણના કરી શકાય તેમ નથી. દલપતરામના નિબંધોની ચર્ચા કરતાં પહેલાં દલપતરામના સમયની પરિસ્થિતિઓ અને દલપતરામની સામાજિક નિસબત પ્રત્યે થોડી સ્પષ્ટતાઓ જરૂરી છે :

  1. દલપતરામે અંગ્રેજી-કેળવણી પ્રત્યક્ષ મેળવી નહોતી. અંગ્રેજી સાહિત્યનો પરિચય તેમને અંગ્રેજી-મિત્રોના સંપર્ક-સમભાવને કારણે થયો હતો. એટલે નિબંધ સંબંધી તેમની સંકલ્પના નર્મદના જેટલી સ્પષ્ટ નહોતી.
  2. ધર્મનિષ્ઠ હિન્દુ બ્રાહ્મણ હોવાને કારણે પોતાના સર્જનને તેમણે ધર્મશાસ્ત્ર-પ્રમાણિત રાખવાનો ઠીક ઠીક પ્રયાસ કર્યો. નીતિશુદ્ધ જીવનધોરણના તેઓ આગ્રહી હતા. એટલે તેમના નિબંધોનું સ્વરૂપ પરંપરાગત સંસ્કૃત-ગદ્ય-પ્રબંધ રીતિનું હતું. (અન્ય ધર્મો પ્રત્યે સમદ્રષ્ટિ રાખી હતી.)
  3. સંસાર સુધારો – સમાજ સુધારો તેમના સર્જનનો મુખ્ય ઉદેશ હતો. નિબંધો પણ એ જ આશયથી લખ્યા.
  4. સ્વદેશીઓમાં જે નઠારા રિવાજો કે ચાલ હતાં તેને દૂર કરવા શિક્ષણ કે વિદ્યા જ સાચો રસ્તો છે તેવો તેમનો મત હતો.
  5. ઇનામી સ્પર્ધાઓ માટે રચાયેલાં દલપતરામના નિબંધોનું એક મહત્ત્વનું લક્ષણ તેની દીર્ઘસૂત્રતા છે. ભારતીય જ્ઞાન-વિજ્ઞાનનાં ગ્રંથોના પ્રભાવમાં દલપતરામે સ્વદેશીઓને સમજાય એ ભાષામાં ઉદેશલક્ષી-હેતુલક્ષી નિબંધો જે-તે વિષયની વિશદ માંડણી અને વિસ્તાર સાથે દાખલા-દ્રષ્ટાંતોના અનેક પ્રસંગો વણી લઈને રચ્યાં છે.
  6. ૧૮૫૭ના વિપ્લવ-પ્રથમ ક્રાંતિની આસપાસના સમયગાળામાં અંગ્રેજી પ્રશાસનના પ્રભુત્ત્વ અને દેશી રજવાડાઓની મર્યાદાઓ-વિશેષતાઓને નજીકથી જોનાર દલપતરામ પોતાના નિબંધોમાં પ્રગતિ-કે સુધારા માટે પરદેશી રહેણી-કરણી અને ખાસ તો વિદ્યા-જ્ઞાન સંબધી તેમનાં અભિગમને અપનાવવાનો મત પ્રગટ કરે છે.

આમ, દલપતરામના નિબંધો વિશે ચર્ચા કરતી વખતે આ અને આવાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તત્કાલીન અને પૂર્વકાલીન સંદર્ભમાં દલપતરામના નિબંધોને જોવા-તપાસવાં જોઈએ. આટલી ભૂમિકા અને કેટલીક સ્પષ્ટતાઓ પછી હવે આપણે નિબંધકાર દલપતરામ વિશે-કહો કે દલપતરામના નિબંધો વિશે થોડો પરિચય મેળવીએ.

દલપતરામે ‘ભૂતનિબંધ’ ૨૮-૨૯ વર્ષની વયે લખ્યો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઈજનથી ૧૫૦ રૂપિયાનું ઇનામ સોસાયટીના ઠરાવ મુજબ છ મહિનાની સમય અવધિમાં વિસ્તારથી નિબંધ લખી મોકલ્યો. સ્પર્ધામાં આ નિબંધ પ્રથમ ક્રમાંક મેળવે છે. નિબંધને સ્વતંત્ર પુસ્તક રૂપે ૧૮૫૦માં પ્રકાશિત કરવામાં આવે છે. તેનો અંગ્રેજી તરજૂમો પણ થાય છે, ઉર્દૂ ભાષામાં અને ફારસી ‘હરફ’માં પણ છપાય અને એમ એક ગુજરાતી પુસ્તક ભારતમાં અને પરદેશમાં પહોંચે છે. ‘ભૂતનિબંધ’ – એક સામાજિક નિબંધ છે. તત્કાલીન સમાજમાં ભૂત-પ્રેત ઈત્યાદિ વિષયક જે ભ્રમ અને ભય પ્રચલિત હતાં તેનાં વિશે દલપતરામ પોતાનાં વિચારો વ્યક્ત કરે છે. આ નિબંધ દલપતરામે પ્રકરણોમાં આલેખ્યો છે. દરેક પ્રકરણમાં દલપતરામ ક્રમશ: પોતાનાં વિચારોની માંડણી કરી તેનો વિકાસ કરે છે. ભૂત વિશેના વિવિધ ભ્રમ માન્યતાઓ વિશે ઢગલાબંધ દાખલા-દૃષ્ટાંતો આપી લોકોની માનસિકતા આલેખે છે. બીજા પ્રકરણમાં ભૂતના શોધની સાચી વાતો પ્રગટ કરે છે. લોકોમાં ભૂત વિશેની ચાલતી વાતોને દલપતરામ ખોટી માને છે. ત્રીજું પ્રકરણ ભૂત કાઢવાના ઉપાયો વિશેનું છે. ચોથા પ્રકરણમાં પણ ભ્રમછેદનના વિવિધ ઉપાયો આલેખીને લોકોને ભયમુક્ત થવા પ્રેરે છે. હિન્દુ સનાતન ધર્મ ઉપરાંત, જૈન, મુસલમાન તેમજ વિલાયતી ધાર્મિક માન્યતાઓ-ખાસ કરીને ભૂતપ્રેતાદિ સંબંધ વિશે ખપ પૂરતા આધારો આપીને દલપતરામ પોતાના વિચારોની પક્વતા અને વ્યાપકતાના દર્શન કરાવે છે. વાર્તાઓના માધ્યમે લોકોમાં પ્રચલિત ભય અને ભ્રામક રૂઢિઓને ઉજાગર કરીને સાચી દિશા દેખાડવાનું કામ દલપતરામના આ નિબંધે કર્યું છે. દલપતરામનો આ નિબંધ એ અર્થમાં લોકશિક્ષણનું કાર્ય કરે છે. સહજ વાતચીતની વાણીમાં પોતાના વિચારો અને આગ્રહોને શાસ્ત્રમત પ્રમાણો સાથે ટાંકીને દલપતરામ સમાજને-લોકોને ભૂત-પ્રેતાદિ ભ્રમમાંથી મુક્ત થવાની હાકલ કરે છે. સ્વાનુભવને આલેખીને શોધથી સત્યને સમજવાની અને સ્વીકારવાની શીખ આપે છે.

‘જ્ઞાતિનિબંધ’ પણ સ્પર્ધા નિમિત્તે રચાયેલો. ‘નાતો બાંધવાનું કારણ શું ?’ ‘શા કારણથી નાતના વિભાગ થયા ?’ ‘નાતના ચાલ જુદા પડવાનું કારણ શું ?’ અને ‘નાતના કાયદાના લાભ-ગેરલાભ શા ?’ – આવા પ્રશ્નોના જવાબ આપતા દલપતરામે ચાર ભાગમાં –‘ज्ञात्युत्पति भाग’, ‘ज्ञातिभेद भाग’, ‘ज्ञात्याचार भाग’ અને ‘ज्ञातेलाभालाभ भाग’ એમ આ નિબંધ લખ્યો. દરેક ભાગને અંતે સારાંશ આપીને મુદ્દાસર વિષયને રજૂ કરવાની દલપતરામની શિસ્ત ધ્યાન ખેંચે છે. દલપતરામનો આ નિબંધ જ્ઞાતિપ્રથામાં વહેંચાયેલી આપણી સામાજિક સંકુચિતાને ખોલી આપે છે. જ્ઞાતિ વિશેના ધર્મ-શાસ્ત્ર મતોને સાથે-સામે રાખીને દલપતરામ પોતાના વિચારો આ નિબંધમાં સ્પષ્ટ ભાષામાં આલેખે છે. ‘જ્ઞાતિનિબંધ’- સંદર્ભે ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસમાં યશવંત શુક્લ લખે છે,

‘અર્વાચીન ગુજરાતીઓ આ પહેલો સમાજશાસ્ત્રીય ગદ્યગ્રંથ છે, કેમકે જ્ઞાતિસંસ્થાના ઇતિહાસથી આરંભી એની વર્તમાન સ્થિતિનું, એના તડાનું અને એની વિસંગતિઓનું એમણે એમાં માર્મિક નિરૂપણ કરેલું છે. સ્થિરમતિ લેખકે કર્માનુસાર વર્ણ-નો સિદ્ધાંત એમાં પ્રતિપાદિત કરેલો છે. અને જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓના ભેદપ્રભેદોના મૂળમાં અલગપણાનું અને ઉચ્ચતાનું અભિમાન પડેલું છે એમ સ્થાપી વિશાલતર સમાજોની તેમણે હિમાયત કરી છે પોતાની સ્થાપના માટે આધાર ધર્મશાસ્ત્રનો લઈને દલપતરામે લોકમતને બૃહદસમાજરચના ભણી વળવા ભારે પુરુષાર્થ કર્યો છે.’ (પૃ. ૩૧-૩૨ ગુ. સા. પ. ઈ.)

જ્ઞાતિવાદની આપણી પ્રવર્તમાન સમસ્યાનો ઉકેલ દલપતરામે પોતાના આ નિબંધમાં આજથી દોઢસો વર્ષ પહેલાં વિચારીને આપ્યો છે. નવાં અભ્યાસીઓએ આ પ્રકારના નિબંધને જરાં ઝીણી નજરે જોઇને દલપતરામની સર્જકતાની પુનઃપ્રતિષ્ઠા કરવી અનિવાર્ય છે. ‘જ્ઞાતિનિબંધ’માં દલપતરામે અનેક સંદર્ભો અને લોકપ્રચલિત કથા-વાર્તાઓના માધ્યમે તત્કાલીન સામાજિક પરિસ્થિતિઓ-વલણો અને માનસિકતાનું સચોટ નિરૂપણ કરીને ગુજરાતી ભાષા અને ગુજરાતી સમાજની ઉમદા સેવા કરી છે.

ગુજરાતમાં કન્યા કેળવણીનો આરંભ કરવામાં દલપતરામનું યોગદાન પણ મહત્ત્વનું છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ સ્ત્રીઓની સામાજિક સ્થિતિ ઘણી કફોડી છે એવું અનુભવાતાં દલપતરામે પોતાના બે નિબંધ ‘બાળવિવાહનિબંધ’ અને ‘બાળોઢાઅભ્યાસ પ્રકરણ’માં તત્કાલીન યુગની અત્યંત ગંભીર કુરૂઢિની પોતીકા અભિગમથી ચર્ચા કરીને ઉકેલની દિશામાં પોતાનો આગ્રહ અને મત પ્રગટ કર્યા છે. આ બન્ને નિબંધોની પ્રસ્તાવનામાં દલપતરામ પોતાની નિસબત માર્મિક રીતે રજૂ કરે છે : “ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ સવંત ૧૯૧૦ સન ૧૮૫૪માં ઠરાવ કર્યો કે, નાહનપણામાં પરણાવ્યાથી શા શા ફળ થાય છે, ને તેથી છોડીયોને અભ્યાસ કેવો ચાલે છે, એ વિશે સારામાં સારો નિબંધ બનાવશે તેને રૂ. ૧૫૦, દોઢસો ઈનાંમ આપવામાં આવશે.

એ ઠરાવ ઉપર આ નિબંધ મેં બનાવવા માંડ્યો, ત્યારે નાહાનપણામાં લગ્ન કરવાથી ઘણું કરીને માઠા ફળ થાય છે એવું મારી નજરમાં આવ્યું. ત્યારે બીજો સવાલ જરૂર ઉપજ્યો કે એવા ફળ થાય છે તો ય પણ લોકો નાહાનપણામાં પરણાવે છે, તે કારણ શું હશે, તે બતાવીને એ કારણ વહેમે ભરેલાં છે એવું સમજાવવું જોઈએ માટે આ નિબંધના પ્રકરણ -૩ મેં બતાવ્યા છે. તેમાં બાલવિવાહફળ પ્રકરણ-૧, બાલવિવાહકારણપ્રકરણ-૨, બાળોઢાભ્યાસ પ્રકરણ-૩ એ રીતે છે.” (પૃ. ૧૯૮, દલપત-ગદ્ય-ભાગ-૨, દલપતગ્રંથાવલિ-૫, ગુ. સા. અ.)

આ બંને નિબંધોમાં દલપતરામે વિશદ રીતે નિરુપ્ય વિષયની છણાવટ કરી છે. અનેકાનેક દૃષ્ટાંતો આપીને બાળવિવાહ કરનારાઓની સામાજિક-માનસિક, આર્થિક અને કેળવણી વિષયક સ્થિતિ-ગતિને આલેખીને એ દિશામાં ન જવા લોકોને સમજાવે છે. ‘બાળોઢાઅભ્યાસ’ શબ્દમાં બાળ-નવોઢા અને અભ્યાસ એમ ત્રણ પદો જોડાયેલા છે. નવદંપતી જે હજુ તો બાળક છે તેમાં જીવનરીતિના અભ્યાસને લઈને દલપતરામે પ્રશ્નો રજૂ કર્યા છે અને ગૃહસ્થીનો અભ્યાસ કે કેળવણીનો અભ્યાસ સારી રીતે બાળવિવાહિતો પામી શકતા નથી એવો મત પ્રગટ કર્યો છે. શાસ્ત્રોએ પણ બાળ-વિવાહની મના કરી છે એવા પ્રમાણો સાથે દલપતરામ કન્યાને સોળ વરસ પછી જ યૌવનમાં પગ માંડે ત્યારે જ પરણવાનો અભિમત પ્રગટ કર્યો છે. આ નાનકડી પુસ્તિકામાં રજૂ થયેલાં દલપતરામના વિચારો અને ગુજરાતી ગદ્ય આજે પણ ભારતીય અને ગુજરાતી સમાજમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિનો અભ્યાસ કરવામાં નિર્ણાયક બને તેવું છે.

વર્તમાનમાં ‘સ્વચ્છ ભારત’નું મહાભિયાન ચાલે છે તે આપણે સૌ જાણીએ છીએ. સ્વચ્છતા સૌને ગમે છે પણ સ્વચ્છતાનું આચરણ કરવું ગમતું નથી. આપણી આ માનસિકતાનું મૂળ તપાસવા જઈએ તો ૧૮૫૮માં પ્રકાશિત ‘શહેરનાં સુધારા વિશે નિબંધ’ પાસે જવું પડે તેમ છે. દલપતરામ અંગ્રેજી શાસન અને જીવનરીતિના જરા વિશિષ્ટ રીતે સમભાવી હતા. સુધારાના ચાલ માટે તેનો આગ્રહ ‘જોસ્સા’વાળો નહિ પરંતુ સ્વસ્થ સમદ્રષ્ટિનો હતો. ધર્મનિષ્ઠ સાંપ્રદાયિક-સંસ્કાર ઘડતરને કારણે દલપતરામની વાણી-વર્તન-વિચારમાં આવેશ કે ઉગ્રતાના ભાગ્યે જ દર્શન થાય છતાં કહેવું પડે કે મક્કમતાથી એ અંગ્રેજી સરકારને પણ પોતાનો મત રજૂ કરી શકતા હતા. નિબંધની પ્રસ્તાવનામાં પોતાનો ઉદેશ સ્પષ્ટ કરતાં દલપતરામ લખે છે :

“આ નિબંધ બનાવવાનું કારણ એ છે કે, હિન્દુસ્તાનના દરેક શહેરમાં તથા ગામડામાં હાલમાં ગંદકી ઘણી જોવામાં આવે છે, તેથી કોગળિયા વગેરેનો હત્યારો ઉપદ્રવ પેદા થાય છે, તેથી કેટલીએક સ્ત્રીઓ બાળરાંડ થાય છે ને કેટલાએક વંશ ઊખડી જાય છે અને કેટલાએક લોકો ઘણી પીડા પામે છે. ને ગંદકીના સબબથી માણસની બુદ્ધિ તથા બળ ઘટે છે. ઢોર તથા બીજા જનાવર પણ નિર્બળ અને રોગી થઈ જાય છે.... ....આ નિબંધ વાંચ્યાથી ગંદકી દૂર કરીને પવિત્રપણું રાખવાની બુદ્ધિ પરમેશ્વર આ દેશના લોકોને આપશે.” (પૃ. ૨૯૧, ‘દલપતગદ્ય-૨, દલપતગ્રંથાવલિ-૫, ગુ. સા. અ.)

આવી દૂરંદેશી ધરાવતા દલપતરામ આપણી ભાષાના એક પ્રતિભાવંત સારસ્વત છે જેનો આપણે સૌ મહિમા કરી રહ્યા છીએ. દલપતરામની એક દીર્ઘદ્રષ્ટા તરીકેની પ્રજ્ઞા આજે જયારે આપણે ‘સ્વચ્છ ભારત’ની મુહિમ ચલાવીએ છીએ ત્યારે સ્વયંસિદ્ધ બને છે. દલપતરામે આ નિબંધમાં પ્રજાની સુખાકારી અને આરોગ્ય માટે શાસનને શું પગલાં લેવાં સુવિધા ઊભી અને પ્રજાએ તેમાં કેવો અને કેટલો સહયોગ આપવો તેનું લાક્ષણિક ચિત્ર ખડું કર્યું છે. અહીં પણ ઉદાહરણો અને તર્ક-પ્રમાણોની મદદથી દલપતરામે શહેર સુધારા સંબંધી પોતાના વિચારો વ્યક્ત કરીને સામાજિક સુધારણા અને નવજાગૃતિનો પડો વગાડ્યો છે. અહીં એ ઉલ્લેખનીય છે આ નિબંધ અંગ્રેજી સાહિત્યની વિભાવનાએ નથી ઘડાયો. દલપતરામે મૌલિક દૃષ્ટિબિંદુથી પરદેશી પ્રણાલિયોની રીતભાત-જાણી-સાંભળી અહીં દેશીઓને એ-સુધારાની દિશામાં વાળવાનો ઉમદા ઉદ્યમ કર્યો છે.

‘રાવલ શ્રી વિજયસિંહનો સ્વર્ગવાસ’ અને ‘મહિપતરામ વિલાયત જવા વિષે’- નિબંધો વ્યક્તિલક્ષી હોવા છતાં તેમાં દલપતરામનો આશય ગુજરાતી ગદ્યની તત્કાલીન તરાહોમાંથી પામી શકાય છે. ભાવનગરના મહારાજ વિજયસિંહના દેહવાસના પ્રસંગે ગયેલાં દલપતરામને અગિયાર દિવસ રાજમાં રહેવાનું બન્યું ત્યારે સદગત મહારાજના સ્વભાવ અને સદગુણના પ્રજામાં થતાં વખાણ સાંભળી દલપતરામ એ સઘળું લખી પ્રગટ કરવાની ઈચ્છા થઇ અને ખાસ તો ભવિષ્યની પ્રજા પોતાના ઉમદા ચરિત્ર રાજવી વિશે વિગતે જાણે એવા હેતુથી વિદ્વાનોની પ્રીતિના લાભ સારુ ‘રાવલ શ્રી વિજયસિંહનો સ્વર્ગવાસ’- નિબંધ લખી-છપાવ્યો.

મહિપતરામના પરદેશગમને પ્રોત્સાહિત કરવાનું-બિરદાવવાનું કાર્ય એક જવાબદાર સાક્ષર તરીકે દલપતરામે કર્યું છે. દેશીઓમાં વિલાયત-પરદેશ જવાનો ભય શા કારણે છે અને પરદેશ ગયેલા સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તેનાં ભયસંકેતો અને મહિપતરામના સાહસને આ નિબંધમાં દલપતરામે ખૂબ મર્મસભર વાણીમાં આલેખન કર્યું છે. વ્યક્તિ મહિપતરામની તેજસ્વી પ્રતિભાથી આકર્ષાયેલા દલપતરામ તેમને અંતરના કેટલાય આશિષ આપીને વિલાયત જવા શુભેચ્છા આપે છે તેમ જ ‘સુખસાતાથી પાછા આવીને અમને ભેટો’ એમ કહે છે. આ બંને નિબંધોમાંથી પ્રગટ થતાં દલપતરામના સ્વભાવવિશેષનો ગુણ નિબંધ સ્વરૂપની એક જુદી લાક્ષણિકતા નર્મદ પૂર્વે પ્રગટાવે છે.

દલપતરામના ‘વિદ્યાબોધ’ વિષયક લખાણ આમ, તો ‘બુદ્ધિપ્રકાશ’ના લેખોનું સંકલન છે. જેમાં દલપતરામનો વિદ્યા-અભ્યાસ પ્રેમ પ્રગટે છે. પંદર જેટલાં લેખોમાં ‘વિદ્યાના લાભ’થી માંડીને ‘ભૂગોળ વિષે’ની તેમાં વિગતે ચર્ચા છે.

‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલાં નાનાવિધ વિષયોનાં ગદ્ય-લખાણોમાંથી પસાર થતાં આપણને દલપતરામની વિશિષ્ટ નિબંધરીતિ-રૂઢિનો પરિચય મળે છે. આ લખાણો દ્વારા દલપતરામે પ્રજાને કલ્યાણકારી માર્ગ બતાવવાનું કામ કર્યું છે. લોકશિક્ષણ-સમાજશિક્ષણની ગરજ દલપતરામના આ નિબંધોએ સારી છે. પ્રજામાં જ્ઞાનનો વધારો થાય, પ્રજા ઉદ્યમી બને, ભૂત-પ્રેતાદિ-જાદુ-વહેમોના અજ્ઞાનમાંથી મુક્ત બને, ઉદ્યોગો ખીલવે, નવી વિદ્યાને અપનાવે, પરદેશગમન કરે, ધર્મની સાચી દૃષ્ટિ કેળવે – વગેરે બોધ તેમના વિચારોરૂપે આ લખાણમાં પ્રગટે છે.

દલપતરામના નિબંધો સંબંધી કેટલાક સ્પષ્ટ નિરીક્ષણો મળી આવે છે. ઇનામી સ્પર્ધાઓ નિમિત્તે રચાયેલાં નિબંધોમાં તેમની ઉમદા જીવનદ્રષ્ટિનો અભિગમ દેખાય છે. સંસાર સુધારો-સમાજસુધારણા તેમના નિબંધનો મુખ્ય ઉદેશ રહ્યો છે. ‘નિબંધ’ સ્વરૂપ સંબંધી તેમની માન્યતા-વિભાવના નર્મદની જેમ પરદેશથી પ્રભાવિત નહોતી. કથા-વાર્તાઓ-લોકોક્તિઓનો વિનિયોગ કરીને આ નિબંધોને રસમય બનાવવાનો પ્રયાસ કર્યો છે. તત્કાલીન લોકબોલી અને ભાષાના સંસ્કારોનો પરિચય આ લખાણોમાંથી વિગતે મળી રહે છે. ગુજરાતી નિબંધ સાહિત્ય ક્ષેત્રે દલપતરામનું પ્રદાન સહેજ પણ ઓછું આંકી શકાય તેમ નથી. નિબંધ સાહિત્યનાં અભ્યાસીઓએ આ નિબંધોમાંથી અવારનવાર પસાર થઈને તેને ઝીણી નજરે ઉકેલવાનું કામ કરવા જેવું છે. આ નિબંધો દલપતરામની નિબંધકાર તરીકેની સર્વ લાક્ષણિકતાઓના પરિચાયક છે.

સંદર્ભગ્રંથ

  1. 'દલપત ગ્રંથાવલિ'-૫, દલપત-ગદ્ય ભાગ ૨, સંપા. પારેખ મધુસૂદન, પ્રકા.વર્ષ 2000 પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી.
  2. 'ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ' ગ્રંથ: ૩, સંપા. ઉમાશંકર જોશી અને અન્યો, સંવર્ધિત બીજી આવૃત્તિ 2005, પ્રકાશક ગુજરાતી સાહિત્ય પરિષદ.
  3. 'નિબંધ અને ગુજરાતી નિબંધ', સંપા. જયંત કોઠારી, આવૃત્તિ,1995, પ્રકાશક :ગુર્જર ગ્રંથ રત્ન.

ડૉ. વિપુલ પુરોહિત, ગુજરાતી વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.