લઘુકથા
પાણી
એક જાણીતા અને ખ્યાતનામ લેખક કે જેમણે ઘણા બધા વિષયો પર પોતાની કલમ ચાલવી હતી. નવલકથા, નિબંધ, કવિતા, નવલિકા - આ બધા જ સાહિત્યસ્વરૂપોમાં તેમનું વિશેષ યોગદાન રહેલું. કોઈ વિષય લેખકે બાકી નહી રાખ્યો હોય કે જેના પર લેખકે વિચાર ના કર્યો હોય !
લેખકે "પાણી" પર ઘણા બધા કાવ્યો અને નવલકથા પણ લખી હતી. એ બધું તો ઠીક પણ લેખકને પાણી વિષય જ એટલો બધો ગમતો કે ગરીબો અને તરસ્યાજન પાણી પી શકે તે માટે તેમણે પાણીની પરબ પણ બંધાવી હતી.
આજે રોહિતને પીએચ.ડીના માર્ગદર્શન માટે આ જ લેખક પાસે જવાનું હતું. રોહિત પછાત વિસ્તારમાંથી આવતો અને લેખક અમદાવાદમાં રહેતા એટલે રોહિતે તો સવારની વહેલા ચાર વાગ્યાની એસ.ટી. પકડી. લગભગ 11 વાગ્યાના સુમારે રોહિત લેખકના ઘરે પહોંચી ગયો. દરવાજો બંધ હતો. ઘંટડી વગાડી અને અંદરથી લેખક બહાર આવ્યા. અને રોહિતને બહાર વરંડામાં બેસાડ્યો. રોહિતે કેમ મુલાકાત કરવા આવ્યો છે તેની જાણકારી આપી. અને પાણી જેવા અમૂલ્ય વિષય પર ઘણા બધા સાહિત્યસ્વરૂપોમાં ખેડાણ કર્યું છે તે બદલ રોહિત લેખકની પ્રશંસા કરી રહ્યો હતો.
"......સાહેબ, તમે પાણી વિષય પર જે જે સાહિત્યસ્વરૂપોમાં ખેડાણ કર્યું છે તેના પર હું રિસર્ચ કરી રહ્યો છું, પાણી પરની તમારી બધી જ રચનાઓનો મેં અભ્યાસ કર્યોં અને એ ઉપરથી તમારા ઉમદા વિચારનો ખ્યાલ આવે છે અને બીજું બધું તો ઠીક પણ તમે ગરીબો માટે તથા તરસ્યા લોકો માટે પાણીની પરબો બંધાવી છે જે તમારું યોગદાન ખરેખર અમૂલ્ય છે."
પાણીની ચર્ચા ચાલી રહી હતી એટલે સ્વાભાવિક રીતે રોહિતને ગળામાં પાણીનો શોષ પડી રહ્યો છે તે માલુમ પડ્યું.
સામે જ પાણીનો ખાલી ગ્લાસ પડ્યો હતો, વારંવાર રોહિતની નજર તે ખાલી ગ્લાસ પર પડી રહી હતી. પાણી વિષય પર નિપુણતા મેળવનાર લેખક રોહિતની નજરને કળી જાય છે અને રોહિત પાણી માંગે તે પહેલાં જ લેખક પૂછી લે છે, "તમે કેવા છો ભાઈ ???”