Included in the UGC-CARE list (Group B Sr. No 172)

દલિત ચેતનાનો નવ્ય આવિર્ભાવ : ‘કમઠાણ’

વાર્તાકાર સંજય ચૌહાણ પાસેથી ‘એના શહેરની એકલતા’ અને ‘થુંબડી’ પછીના લાંબા સમયના અંતરાલ બાદ ‘કમઠાણ’ ( 2019 ) વાર્તાસંગ્રહ મળે છે. પોતાના સમાજમાં, પોતાની આસપાસ, પોતાના પરિસરમાં, અને પોતીકા પરિવેશમાં બનતા નવિનતમ બનાવોને વાર્તા વિષય બનાવીને સર્જકે ઉત્તમ કામ કર્યુ છે. આ પૂર્વેના સંગ્રહોમાં એમની પાસેથી જે વાર્તાઓ સાંપડી તે સામાન્ય સ્વરૂપની એટલે કે દલિતેતર હતી. જ્યારે ‘કમઠાણ’ની બધી જ વાર્તાઓ દલિત વાર્તાઓ છે. આમ, તો આ વાર્તાઓ ‘થુંબડી’ પ્રગટ થયાના અરસામાં જ રચાયેલી હતી. કિંતુ, સર્જકનો આશય એક આખો સંગ્રહ દલિત વાર્તાઓનો કરવાનો હોવાથી આ વાર્તાઓએ સંગ્રહાબધ્ધ થવામાં થોડો સમય લીધો. સમાજના કોઇપણ નાના-મોટા દ્રષ્ટિબિંદુને વાર્તાપોત આપીને એને ચોક્કસ ઢાંચામાં ઢાળવાની કૂનેહ સર્જક પાસે છે. જેમાં દલિતો અને ભદ્રવર્ગ વચ્ચેના વૈમનસ્યો, સંઘર્ષ, શોષણ, બદલો, સભાનતા, વિદ્રોહ જેવા મૂલ્યો વાર્તામાં ઉપસી રહે છે. પ્રત્યેક વાર્તા તેના નોખા વિષયવસ્તુ અને રચનાપ્રકલ્પથી આગવો મિજાજ પ્રગટાવે છે. પ્રથમથી જ વર્ગભેદની ઊંડી ખાઇમાં ધરબાઇ ગયેલા સમાજના દ્રષ્ટિબિંદુઓની સમજણ સાથેની રજુઆત ધ્યાનાર્હ બની છે. જે-તે સ્થળ-કાળના ભાષા-બોલી, રૂઢીઓ, વહેવારો, પરીવેશની સાથે પનારો પાડીને વર્ણવિચ્છેદ માટેનો સૂર પ્રત્યેક વાર્તામાં રેલાયો છે.

સંગ્રહમાં સમવિષ્ટ તેર વાર્તાઓ દલિત ચેતનાના વર્ણ્ય વિષયથી ભરીભાદરી હોવા ઉપરાંત પ્રત્યેક વાર્તા તેના નોખા-અનોખા ભાવવિશ્વને ખડું કરી આપે છે. પ્રશાંત પટેલ નોંધે છે કે, - “જ્યાં જ્યાં લેખક સંવેદનશીલ બનતા જાય છે ત્યાં ત્યાં તેમની ભાષા અને ભાષા દ્વારા રજૂ કરેલી વાતો આપણને સ્પર્શી જાય છે. ત્રીજા પુરૂષનુ કથન સર્જક્ને બરોબર ફાવ્યુ છે. ખૂબ નામના અને ઓછા સંવાદોથી સર્જકે પાત્રની માનસિકતા, મૂંજવણ જે રીતે ખોલી બતાવી છે તેમાં તેમની વાર્તાકાર તરીકેની કુશળતા રહેલી છે.” વાર્તાના પ્રત્યેક પાસાને તપાસીને જ તેના માટેના કોઇ ચોક્કસ અભિપ્રાય સુધી પહોંચી શકાય. સંગ્રહમાં સમાયેલી વાર્તાઓ પૈકીની પસંદગીની વાર્તાઓ સંદર્ભે સમજ કેળવીએ.

સંગ્રહની પ્રથમ વાર્તા ‘પેંતરો’માં ભેમો ઉમેદ ચમાર સાથે વેર વાળવા પેંતરો રચે છે. ભેમાના બાપા વર્ષોથી પડતર જમીન વાવતા હતા. ઉમેદ એ જમીન દલિતોને અપાવે છે. તો વળી, ગામની સરપંચની ચૂંટણીમાં પણ ઉમેદના કારણે ભેમાની પત્નીને નહીં પણ તળજાની પત્નીને જીત મળે છે. ચૂંટણી વેળા ઉમેદને મનાવવા ભેમાએ પ્રયત્નો કરેલા પણ ફાવેલો નહીં. એટલે આંખમાં કણાની જેમ ખૂંચતા ઉમેદને પાઠ ભણાવવા ભેમો દાંના સાથે મળી તરકટ રચે છે. ગામમાં ફરતો મૂકેલો માતાજીનો બકરો મારી રાવણુ કરવુ, ત્યાં ઉમેદને બોલાવી ભાગી છૂટી તેનુ આળ એના માથે આવે એવુ કરવું. દાંનો અને રતીયો તેના સહાયક બને છે. ખેતરના ઢાળીયામાં બાંધી રાખેલા બકારાને મારી નાખવામાં આવે છે. રોટલાને શાક બને છે તે આખુ વર્ણન દ્ર્શ્યાત્મક બની રહે છે. રતીયો ઉમેદને રાવણામાં આવવા મનાવી આવેલો. અહીં બધી તૈયારીઓ થઇ ગઇ છે માત્ર ઉમેદના આવવાની રાહ જોવાય છે. ઉમેદ પહેલી ધારનો દારુ લેવા રોકાયો હોવાથી હજુ આવ્યો નથી. પણ સમય કરતાં પણ વધુ મોડુ થવાથી ભેમાને રઘવાટ ઉપડે છે. તેથી, એ તપાસ કરી ઉમેદને તેડી લાવવા રતીયાને પાછો મોકલે છે. ત્યારે એ સમાચાર લાવે છે કે, ઉમેદ દારૂ લેવા ગયો ત્યારે રેડ પડી એને પોલીસ પકડી ગઇ. ઉમેદને ફસાવવા ગોઠવેલા પેંતરામાં પોતે જ ફસાઇ જાય છે. ગામના, સમાજના ડરથી બધા ફફડી ઉઠે છે. આખી વાર્તામાં ભેમાની ચેષ્ટાઓ, મનોમય ઉક્તિઓ, વાર્તા વિકાસ માટે ઉપકારક નીવડી છે. તો વળી, રોળુ ફગાવવુ, ચીબરી બોલવી, બળતરા ઉપડવી જેવા પ્રતીકાત્મક રૂઢીગત સંકેતો નોંધનીય બની રહે છે. મનોહર ત્રિવેદી આ વાર્તાને 2007ની શ્રેષ્ઠ વાર્તા જાહેર કરતા નોંધે છે કે, - “નાકામિયાબીએ સર્જેલા રોષનું અદ્દ્ભૂત ચિત્રણ, ઠેર-ઠેર વ્યક્ત થતી દલિત પાત્રોની સ્વાભાવોક્તિ, ખાસિયતો અને બોલીને સંજય વ્યંજના સાચવીને આલેખી શક્યા છે. એમની પાસે ગ્રામતળનો જીવંત સંપર્ક તથા સંવાદોની હાથવગી કલા છે, તેની ‘પેંતરો’ વાર્તા સાહેદી પૂરે છે.” અહીં ઉમેદની બાહોશતા અને ભેમાની બદલો લેવાની તીવ્ર ભાવનામાં તેની શારીરિક ચેષ્ટાઓ અને મનોસંચલનો, ક્રિયા-પ્રક્રિયા સુપેરે ઉપસાવી છે. દલિતોના શોષણની વેધકતાનો સામેનો છેડો વાર્તામાં સર્જકે આગવા અંદાજમાં રજુ કર્યો છે.

‘લાશ’ વાર્તામાં કોઇ અજાણ્યા ગાંડા માણસની લાશ ગામના ચોરે પડી છે. તેને અગ્નિદાહ આપી નિકાલ કરવા ગામના વાલ્મીકિ સમાજના લવજી અને મનોરને કહેવામાં આવે છે. ગામમાંથી આ કામ માટે વિશેષ દાણા ને બીજુ પણ મળશે એમ વિચારી બન્ને ખુશી-ખુશી આ કામ કરવા તૈયાર થાય છે. રાત્રિના અંધકારમાં બન્ને ફડક સાથે ગંધાતી લાશને લારીમાં મૂકી નીકળ્યા છે. એ રાતનુ, રસ્તાનુ, રસ્તામાં દારુ પીવુ જેવા વર્ણનો સરસ થયા છે. અવનવા વિચારોની અવઢવમાં અટવાતા અને ડરને માથે લઇ બન્ને ચાલ્યે જાય છે. એમની જાતીના કારણે કે મજબુરીવશ આ તો એમને જ કરવુ પડે એમ હતુ તો એમાંથી છૂટી પણ કઇ રીતે શકે? એમને જણાવ્યા મૂજબ લાકડાં લેવા મંદીરના બાવજીને બોલાવે છે ત્યારે એ પણ લાશની જાત જાણ્યા વીના લાકડાં આપવાની ના પાડી તેમને ધુત્કારે-ધમકાવે છે. તેમની સાથે ભૂતકાળમાં બનેલ યાતનાનો બનાવ તેમની નજર સમક્ષ ખડો થાય છે. તો વળી, અત્યારની લાશનું ભૂતકાળના બનાવ સાથે સંન્નિધાન થતાં બન્ને બાબતે જાત ઓળખનો પ્રશ્ન તેમનામાં ઝબકાર જગવે છે. એક જ સમયે વાલ્મીકિ અને ગામના બીજા પણ માણસનુ મોત થાય છે ત્યારે વાલ્મીકિ સમાજના લોકોને મારી ધુત્કારી ત્યાં લાશને બાળવા દેવામાં આવતી નથી ને મોઢામાં ખાસડું પકડાવે છે. આવા બનાવે એમને પોતાના ગામ જઇ લાશનો નિકાલ કરવો એવી શરતે એમને ગામમાં રહેવા દીધેલા. ક્ષણભર તો બન્ને વિચારમાં પડી જાય છે કે, લાકડાં તો મળ્યાં નહી હવે શું કરવું? એ તો વાળમાંથી લાકડાં ખેંચી લાવી લાશને બાળવાનુ પણ વિચારે છે. તેમાં તેમની સ્વ-સભાનતા જોવા મળે છે તો તેની સાથે એનો નિકાલ જો નહી કરે તો ગામમાં પણ તકલીફનો સામનો કરવો પડશે.

ગામના બહાર રહેતા શેઠના મૃત્યુ સમયે કેવુ ઝડપભેર કામ કરેલું.. જે બીજુ કોઇ ન કરી શકે..! બધા જોતા રહી ગયેલા. એ એમના ખંતની અને કાર્ય કુશળતાની સાહેદી પૂરે છે. તેમછતાં પોતે માણસની કોઇ વિસાતમાં નહીંનો સૂર વાર્તામાં પમાય છે. માત્ર જાત માટે આટ આટલી યાતનાઓ વેઠ્યા પછી માણસ વિદ્રોહ ન કરે તો શું કરે? એ પોતાની રીતે પણ લાશનું ઠેકાણુ પાડી દેત પણ કાલ ગામવાળા જ એની જાત જાણ્યા વીના કેમ બાળી? એવા પ્રશ્ને પોતાના ઉપર જ ચડી બેસે તો...! એની જાત જાણવી રહી એના ઝબકારમાં જ વાર્તા ખીલી છે. અને એના માટે સર્જકે યોજેલા પ્રકલ્પો વાર્તાને ઉપકારક છે. આ લાશની જાત કઇ? એની ઓળખ થાય તો જ લાશનો નિકાલ કરવો એવા નિર્ધાર સાથે બન્ને લારી સાથે લાશને ગામમાં પાછી લઇ આવે છે. ફ્લેશબેક, સંન્નિધાન, મોઘમતા, ટીખળ સાથેના પ્રાદેશિક લકેકા-લહેજા અને પ્રાકૃતિક વર્ણનો દ્વારા વાર્તા ઉત્તમ ચમત્કૃતિને વરી છે.

‘છબી’ વાર્તામાં અંધશ્રધ્ધા અને લંપટ, કપટી, ધૂતારાના સહવાસમાં સમાજનો ભોળો વર્ગ કેવી રીતે ફસાય છે તેનો નિર્દેશ છે. એક જ છત નીચે રહેતા દંપતીના બદલાયેલા વિચારો વાર્તાનું મુખ્ય બિંદુ છે. કરશન સાઇડના કામે નર્મદા બાજૂ ગયેલો ત્યાં કોઇક બાપજી સાથે તેની મૂલાકાત થયેલી. તેમને થોડુ દાન પણ કરે છે. આજે એ ગામના સત્સંગ કાર્યક્રમમાં પધારવાના છે. એમનામાં કરશનને વિશેષ શ્રધ્ધા હોવાથી ઘરે એમની મોટી છબી લગાવી છે. આજે એ ઘરે પધારશે એમ વિચારી ખૂશ છે. એની પત્ની મગી નાસ્તિક અને આંબેડકરવાદી છે. જે આ વેદીયાવેડા અને આડંબરમાં માનતી નથી. જેથી બન્ને વચ્ચે ચકમક ઝરે છે. બન્નેના તદ્દન વિરોધી વલણ હોવાથી એવુ બને એ સ્વાભાવિક છે. બાપજી આવવાના છે અને કરશન તેની પત્નીના સ્વભાવને જાણે છે. તેથી, પહેલાં જ એને બાંધવાનો પ્રયત્ન કરે છે. બાપજી આપણા ઘરે પધારશે તો ઘર ચોખ્ખું રાખવુ અને કોઇ બખાડો ન કરવો. કિંતુ, સામે મગી પણ જો બાપજી ન આવે તો છબી માળીએ ચડાવવાની વાત કરે છે. બન્નેના વિચારોનો તદ્દન વિરોધાભાસ દર્શાવીને સર્જકે વાર્તાનુ મુખ્ય કામ લીધુ છે. અંતે બાપજી ગામના દરબારને ત્યાં જાય છે. પાછળ-પાછળ ફરતા કરશનનો કોઇ ભાવ પણ પૂછતુ નથી કે બાપજી આવતા નથી. મોટા ઉપાડે બાપજીને માથે લઇ ફરતા કરશનની લગણી અને શ્રધ્ધા એક જ જાટકે ભાંગીને ભુક્કો થઇ જાય છે. ઓછામાં પૂરુ તે સતદાન પાસેથી જાણે છે કે, બાપજી તો હોટેલનુ જ ખાય-પીએ છે. આવી સાચી બાબત જાણ્યા પછી કરશન એકદમ ઓજપાઇ જાય છે કે, જેને સંત માનીને પૂજ્યા એજ ધૂતારા નિકળ્યા. ‘મેં તો હંસલો જાણીને કીધી પ્રીત, મોઢામાં ઝાલી માછલી રે’ જેવો ઘાટ કરશનનો થયો. બધાની સામે પોતે ભોંઠો પડી ગયો. હવે પત્ની સામે કઇ રીતે જવુ.? ઘરે પહોંચીને મનમાં ઉમટેલા વિચાર વમળથી પોતાની શુધ્ધિ અને પ્રાયશ્ચિત રૂપે છબી ઉતારી પછાડે છે. આડંબર કે મિથ્યાચારમાંથી બહારા આવવા માટેની સુંદર સમજ વાર્તામાંથી મળી રહે છે મગી અને કરશન બન્ને પાત્રો પોતાની રીતે સાચા છે પણ સત્યની ઝાંખી થવી એ એની ચરમસિમા છે. શરુઆતથી અંત સુધી તંગ ક્ષણને પકડી રાખવામાં સર્જકને સફળતા મળી છે.

ગુણવંત વ્યાસ નોંધે છે કે, “છબી વાર્તાના કેન્દ્રમાં હોઇ, પ્રારંભથી અંત સુધીનો તેનો સંધાતો આવતો તાર એક ઉત્તેજનાભરી જિજ્ઞાશા ટકાવી રાખતા અંતમાં રહસ્યસ્ફોટ સાથે પર્દાફાશ કરે ત્યાં વાર્તા - કથા ‘વાર્તા’ રૂપ પામે છે. હળવાશભરી શૈલીમાં વાર્તાનું ગાંભીર્ય સંજય ચૌહાણ ઠીક ઠીક ઉપસાવી શક્યા છે. એ એનો વિશેષ છે.” પ્રાદેશિક લહેકામાં ઉભરાતા સંવાદો વાર્તાને પોષક છે. કરશન દ્વારા બોલાતા વાક્યો – ‘હાહરુ પાપમાં પડાશે.’, ‘નુગરી લાગે સે’, ‘પાપમાં પડશે રાંડ,’ ‘આને પુણ્ય નહીં કમાવુ હોય.?’ જેવામાં બાપજીના સાનિધ્યની વ્યાપક અસર કરશનની જોઇ શકાય છે. તો વળી, મગી દ્વારા પણ ‘આપણા તો એક જ બાવજી બીજા બધા ધુતરા’, છબી માળીએ ચડાવે, ઘર સાફ ન કરવુ, પગે ન લગવુ, દૂર બેસવુ વગેરે સંકેતો તેની સમજણની સાહેદી પૂરે છે. કરશનના ભ્રમ નિરસનની આ કથા તેના મૂકામ સુધી પહોંચીને સારાસાર વિવેક દર્શાવી આપે છે.

જે પરથી વાર્તાસંગ્રહનુ શીર્ષક અપાયુ છે એવી ‘કમઠાણ’ વાર્તામાં પણ દલિત ચેતનાને ઉજાગર કરતી એવી એક બાજુનો નિર્દેશ થયો છે. દલિતોમાં, એમના સમાજમાં બાહોશ, બાહદુર અને કૂનેહબાજ માણસોને પણ આ ઊંચ-નીંચ અને આભડછેટના આટાપાટામાં કેવુ ભોગવવુ પડે છે. કૂડ-કપટની નીતિ-રીતિથી દલિતોને કેવી રીતે વેતરી દેવામાં આવે છે એવી ભાવના વાર્તાનો વિષય છે. કિંતુ, સમાજ હવે જાગૃત છે એ કોઇપણ રીતે પરિસ્થિતિનો ક્યાસ કાઢી બદલો લઇ લેવાની તૈયારી દાખવે છે. આવા અમાનવીય કૃત્યો સામે ઝીંક ઝીલનારા બાહોશ લોકો પોતાની રીતે પોતાનો રસ્તો કાઢવાની ક્ષમાતા-કૂનેહ ધરાવતા હોય છે. એ વાર્તાનો મુખ્ય હાર્દ છે. ભરત મહેતા નોંધે છે, - “વાર્તાનો પ્રથમ પરીચ્છેદ કેવળ ક્રિયાથી ભરીને વાર્તાનાયકની તંગ ક્ષણનુ આલેખન કરી દે છે. સર્વજ્ઞના કેંદ્રમાં ક્રિયાઓ દ્વારા પાત્રનો ઉકળાટ, અનુભૂતિ વ્યક્ત થતા જ હતા. તેથી રેખાંકિત વાક્યોની જરૂર ન્હોતી આખા કમઠાણમાં મનુસ્મૃતિના સંચલનોને લેખકે સૂક્ષ્મતાથી ઝિલ્યાં છે. વિદ્રોહની વાર્તા ઠંડા કલેજે કહેવાઇ છે.”

વાર્તાનાયક મોલ્લો દલિત બાહોશ યુવાન છે. તેનામાં જોમ-જુસ્સો, ક્ષમતા ગજબના છે. એકવાર કૂવો કૂદવાની શરત પણ જીતી જાય છે. કમશી કૂવામાં પડી જાય છે. તેથી, નાનમ અનુભવતા સવર્ણ કમશીને તેના પર દાઝ છે. સરપંચના ભાઇની દીકરી તળાવમાં ડૂબી રહી હોય છે ત્યારે કોઇ કાંઇં કરી શકતુ નથી. માનવતા ખાતર મોલ્લો તેને બચાવે છે. ત્યારે તેના માટે ગામ ભેગુ થાય છે એ વખતે તો કોઇ દંડ થતો નથી પણ બીજીવાર એને બોલાવામાં આવે છે ને એની પાસેથી આ ગુના માટે પાંચસો રૂપિયા દંડ લેવામાં આવે છે. આમ તો મોલ્લો આવી બાબતોમાં ક્યારેય બદે નહીં એવો છે. પણ પોતના કારણે સમાજના બીજાઓને ભોગવવું ન પડે એમ વિચારી પાંચસો રૂપિયા ઉછીના લાવીને પણ ભરી દે છે. પછી અટપટા મંત્રો દ્વારા અભડાયેલા તળાવને શુધ્ધ કરવામાં આવે છે. ત્યારે પણ તેનામાં દ્વેશ જન્મે છે કે જ્યાં હાજતથી માંડીને બધી જ ક્રિયાઓ થતી હોય ત્યાં એના પડવાથી અપવિત્ર? અને એનાથી કોઇનો જીવ બચ્યો છે. એ બાબત ધ્યાનમાં આવતી નથી પણ તળાવ અભડાયાની બાબત એમના ધ્યાનમાં આવે આ કેવી નિષ્ઠુરતા ? તો વળી, તળાવની જેવા-તેવા મંત્રોથી શુધ્ધ કરવુ આ કેવી વિચિત્ર માન્યતા.! અહીં અંધશ્રધાની અને સવર્ણોના માનસમાં ઘર કરી ગયેલી માન્યતાનો સ્પષ્ટ ચિતાર મળે છે. “દિયોર બધા અગી-ગાંડ ધોઇ-ભેંસો નવરાવી ત્યારે તળાવ અભડાતુ નથી ! અમે હારા કાંમે પડ્યા તો તળાવ અભડાઇ ગયુ “ (પૃ.51) પછી મફાજી ઠાકોર જોડે રાવણુ કરી, દારુ પીવડાવી એની જોડે દંડ કેમ, અને કોના કહેવાથી લેવાયો ? એ બધુ બોલાવડાવે છે. જેમાં કમશીનુ નામ આવે છે, જેમાં મોલ્લાની વાત કઢાવવાની ત્રેવડ અને વાતના મૂળ સુધી પહોંચવાને જહેમત, તેનુ બુધ્ધિચાતુર્ય જોઇ શકાય છે. આવુ જાણ્યા પછી કોની મતી કાબુમાં રહે? મોલ્લો પણ એવુ જ વિચારે છે કે આની સાથે બદલો કેમ લેવો? એવામાં જ કમશીની ભેંસ મરી ગઇ ને મોલ્લાને લાગ મળ્યો. કાનાભાનો વારો છે. રમલો અને નાથો ગયા છે પણ ભેંસ અંદર હોવાથી થોડો સમય થવાથી ફૂલી ગઇ છે. જેથી, એમનાથી કાઢી શકાય એમ નથી. મોલ્લા વિના આ કામ અશક્ય જેવુ છે. મોલ્લાને તક મળી છે અને એ જતી કરવા માંગતો નથી. વધી ગયેલા નખની એ ધાર કાઢે છે... જે પ્રતિકાત્મક છે. નખથી કાંઇ ભેંસને ચીરી પણ ન શકાય કે એને ફોડી પણ ન શકાય! તે છતાં એ માત્ર નખ દ્વારા પેટ ફોડીને આખા ઘરમાં ગંધ વેરવાનો સંકેત એની ભાવનાને છતી કરે છે. અહીં મોલ્લાની ભાવોપસ્થિતિ અને મનઃસ્થિતિ એકસાથે નિર્દેશાયા છે. ભાવકને કૂતુહલવશ જકાડી રાખે, તેનામાં પણ જિજ્ઞાશા પ્રેરે એવો ઘાટ સર્જકે ઘડ્યો છે. મોલ્લાના વ્યક્તિત્વને સર્જકે અગાઉના બનાવો અને સંકેતો દ્વારા ઊંચુ ઉઠાવ્યુ છે. જેથી એ અહીં કંઇક અલગ કરશેનો ભાવ વાચક-ભાવક્ને લાગ્યા કરે પણ તેના મનમાં ચાલતી ગતિવિધિ-કમઠાણ કંઇક જૂદુ જ છે. એ ઘડાયેલા કમઠાણથી જ વાર્તા પાર ઉતરે છે. ઘરમાં જવાય નહીં ઘર અભડાઇ જાય ભેંસને બહાર કાઢી આપો તો લઇ જઇએ એવુ સુચવાય છે. આજે સકંજામાં આવેલ કમશી ખૂદ ઘરમાં જવાની સંમતી આપે છે પણ મોલ્લો માનતો નથી. અહીંનો વિરોધાભાસ નોંધવા જેવો છે. ગામનુ તાળાવ અભડાય પણ આજે પોતાના પર આવ્યુ છે ત્યારે ઘરમાં પણ જઇ શકાય. કહેવાતા સવર્ણોના આવા બેવડા વલણો જ જાતિગત ભેદભાવ એ માત્ર ક્ષુલ્લક, ઉપજાવી કાઢેલી, થોપી બેસાડેલી બાબત છે જેની પ્રતીતિ થાય છે. સવર્ણોની આવી હલકી માનસિકતા પણ અહીં છતી થાય છે. મોલ્લો જો સરપંચ ઘરમાં જવાની અનુમતી આપે તો જાઉં ને ભેંસ કાઢુ કહી ટસનો મસ થતો નથી. છેવટે મજબૂર કમશી સરપંચને બોલાવવા જાય છે. લીમડા નીચે ઉભેલા કમશીના ખભે કાગડાનુ ચરકવુ પણ મોટા અર્થસંકેતોને તાગે છે. જેમાં કમશીની ભોંઠપ, લાચારી, વિવશતાનો નિર્દેશ પમાય છે. ગરજ પડે ત્યારે ગધેડાને બાપ કહેવાનો સૂર વાર્તામાંથી વ્યંજિત થાય છે. વિદ્રોહની-બદલાની વાર્તા બાંયો ચડાવ્યા વિના કે બાથડિયાં લીધા વિના એમના જેવા જ ન્યાયથી તોળાઇ છે. અસરકારક ભાષા સંયોજન, સંવાદ, વિશેષ પાત્રાંકન દ્વારા મોઘમતાથી વાર્તા આગવી ચમત્કૃતિને વરી છે.

‘રંગ’ વાર્તા માનવીના બદલાતા વર્તન-વ્યવહાર, સ્વભાવ લેખે આંતર રંગને પ્રગટ કરતી પ્રતિકાત્મક વાર્તા છે. રંગ એ વાસ્તવિક રંગથી ઉપર ઉઠીને વ્યક્તિના બદલાતા વલણ સંદર્ભે પ્રયાજાયો હોવાથી તેમાં માર્મિકતા અને મોઘમતાથી દલિત ચેતના ઉજાગર થઇ છે. વાર્તામાં પ્રો. દેવજી પરમાર સ્મિતાને ભણવામાં ખૂબ મદદ કરે છે. કૉલેજ કાળ દરમિયાનથી છેક પી.એચડી અને પ્રોફેસર બને છે ત્યાં સુધી. પુસ્તકથી માંડીને ભલામણ સુધીની બધી જ મદદ કરે છે. પ્રો. દેવજી માત્ર હોશિયાર વિદ્યાર્થિની છે એ હેતુથી અને ક્યાંક આગળ જશે તો પોતાનુ નામ ઊંચુ જશે એ હેતુથી ભરપુર મદદ કરે છે. કિંતુ, એમને એ ક્યાં ખબર છે કે એ જેને મદદ કરી રહ્યા છે એ તુચ્છ-હલકી જાતિવાદી માનસિકતા ધરાવતી હશે? એમને ભોળાભાવે બધુ જ શીખવ્યું-આપ્યું પણ એના પર પાણી ફરી વળ્યુ. દેવજીની નિખાલસ ભાવનાની સામે સ્મિતાની ક્ટ્ટર જાતિવાદી માનસિકતા માત્ર સ્વાર્થાધિન બનીને રહી જાય છે. દેવજીની પરમાર અટક એ કદાચ દરબાર કે સવર્ણ હોય એવુ ધારી એમની સાથે નિકટનો સંબંધ કેળવાયો છે. એ સમયે તો એમને માન પણ ખૂબ આપે છે. અવાર-નવાર ઘરે આવવા પણ વિનવે છે. કદાચ એ સંબંધ કામ કઢાવવા પુરતો પણ હોય! બધુ પતી ગયા પછીની આ વૃત્તિ કદાચ પોતાનુ કામ કઢાવવાની એક ચાલ પણ હોય. કિંતુ, દેવજી પરમારને તો માત્ર પોતાની વિદ્યાર્થિનીને મદદ કરવી એટલુ જ માત્ર સિમિત છે. એ બધુ જ વાર્તાની પાશ્ચાદભૂ પર આલેખાયુ છે. ભૂતકાલીન આ બધી જ બાબતો આજે એકસામટી વાર્તાનાયકના ને કથકના માનસથી ઉઘડે છે. જેમાં ફ્લેશબેક પ્રયુક્તિનુ પ્રયોજન થયુ છે.

અત્યારે અવાર-નવાર ઘરે બોલાવતી અને પોતાને પ્રિય વિદ્યાર્થિનીના ગામે કોલેજમાંથી એન.એસ.એસ શીબિર લઇને બધા આવ્યા છે. જેમાં પ્રો. દેવજી ખુબ ખુશ છે. સ્મિતા સૌથી પહેલાં મને બોલાવશે-આવકારશે એવા વિચારથી. પણ એમને ક્યાં ખબર છે કે, એના મનમાં જાતિવાદી કીડો ઘૂસેલો છે. જેથી, એન રંગમાં-વર્તનમાં બદલાવ આવ્યો છે.? શીબિર ગામમાં પહોંચે છે ત્યારે સ્મિતા આવે પણ છે ત્યાં દેવજી પરમારના બધા ખ્યાલો ખોટા પડે છે. તે બધાયને ચા પીવા બોલાવી જાય છે એક દેવજી પરમારને છોડીને.! આ છોકરાઓ જોડે કોણ રહેશેના જવાબમાં સ્મિતા જ કહે છે. – ‘દેવજી સર છે ને !’ ત્યાં દેવજી સરને લાગી આવે છે. બધા જ સ્મિતા સાથે એના ઘરે ચા પીવા ગયા છે. દેવજી સર અહીં બસ સ્ટેંડ પર વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિમાં જોડાયા છે. એમના મનમાં ચાલતા અસંખ્ય વિચારો વાર્તાને ઘેરી બનાવે છે. નાસિપાસ થયેલા દેવજી સર વિચારે છે જેના માટે આટલુ કર્યુ એજ વ્યક્તિ આવુ હોય? આવો જાતિભેદ? જેવા પ્રશ્નો એમના આંતર-મનને ઘેરી વળે છે. એમની જાત પોતાના જ કાબૂમાં રહેતી નથી. પોતે ભાન ભૂલ્યા હોય એમ વિચિત્ર વર્તન દાખવે છે. વાર્તામાં રંગની સાર્થકતા સિધ્ધ કરવા અને એના શીર્ષકને વફાદાર રહેવા તો વળી, વર્તાવિકાસ માટે સર્જકે વાર્તામાં ઘણીવાર રંગના સંદર્ભો-સંકેતો-ઇંગીતો મૂક્યા છે. જેમ કે, -
“સામેની દીવાલ પર કોલેજ દ્વારા બોલાવેલ પેંટર સૂત્ર લખવામાં પરોવાઇ ગયો હતો. એણે હજુ અડધુ વાક્ય જ લખ્યુ હતુ - પરિવર્તન જ સંસારનો ...પીંછીથી ઉતરતો લાલ રંગ જાણે ચારે તરફ ફેલાતો હોય એવુ લાગતુ હતુ. થોડી વારમાં તો આખ્ખી દીવાલ લાલ ચટ્ટાક ! દીવાલ પર ફેલાયેલો રંગ દીવાલ પરથી ઉતરીને જમીન પર આવ્યો. જમીનને ભીંજવતો રંગ છેક એમના પગ પાસે આવી ઉભો. ભડકીને સહેજ પાછા પડી ગયા. એ ક્ષણે જ લાલ રંગ પણ પાછો હટી ગયો.” ( પૃ. 65 )

અહીં માણસાઇના રંગની સાથે બાહ્ય રંગને આલેખીને નાયકની વ્યથાનો ચિતાર મળે છે. પાસે આવતા લાલ રંગને જોઇને એમનુ હટી જવું એ આવા માણસોથી દૂર રહેવાનું વ્યંજીત કરી જાય છે. તો પેઇન્ટર દ્વારા લખાતા સૂત્રમાં પણ એ એને અધૂરું મૂકીને પરિવર્તનની અધુરપ દર્શાવી છે. સંસારનો નિયમ હજુ બદલાયો નથી એવુ સૂચવી જાય છે. તો વળી, દેવજી પરમારની જાતિ માટે સૂચક રીતે પ્રયોજાયેલો રંગ અને એમની જાતિ ઓળખ વાર્તામાં કેવી રીતે થઇ તેનો નિર્દેશ આ રીતે મળી રહે છે. -
“પોતાના ટેબલ પર પડેલા નેઇમ પ્લેટ પર લખ્યુ હતુ ‘દેવજી પરમાર’ એ સફેદ રંગ વાદળની જેમ ફાટ્યો. જાણે વિજળી આંખોમાં ઉતરી પડી. ચહેરો સ્થિર કર્યો, ‘હું દલિત છું, રાજપૂત નથી.” (પૃ. 66)

માત્ર આટલા આછકલા શબ્દ પ્રયોજનથી જ વાર્તામાં રહેલા ગૂઢાર્થને સમજી શકાય છે. અહીં પરમાર એ રાજપૂત કે દલિત ! એ બાબત અહીં સરસ ઉગરી છે અને એના આધારે સર્જકે જાતિગત ભિન્નતા ઉભી કરી છે. વાર્તાના અંતે રંગની પ્રતિકાત્મકતા સરસ પમાય છે. જેમ કે, -
“દીવાલ પર લખાયેલા વાક્યોનો લાલ રંગ અદ્દલ સ્મિતાના ચહેરાના બદલાયેલા રંગ સાથે ભળવા લાગ્યો. તેજ લીસોટા એમની આંખોને આંજી નાખતા હોય તેમ એમને ઘેરી વળ્યા. આંખે અંધારા વળવા જેવુ થયુ. જાણે ભીંસ અનુભવાઇ હોય તેમ શરીરને ઝંઝોળ્યું. પછી દોડવા જેવુ ચાલ્યા. છેક બસસ્ટેશનના ઓટલે જઇ બેઠા. હાંફ ચડી આવી. થોડીવાર છાતી પર હાથ મૂકી રાખ્યો. ત્યારે શ્વાસ હેઠો બેઠો. આંખો મસળીને જોયુ. પેલા મિશ્ર થયેલા રંગો એમનાથી દૂર ઉભા રહી ગયા.” (પૃ. 67)

અહીં રંગની પ્રતિકાત્મકતા સ્પષ્ટ પમાય છે. બાહ્ય રંગને આંતરના રંગ સાથે દર્શાવીને સર્જકે અહીં માનવીય ભેદભાવ અને એનાથી ઉભા થતો સંઘર્ષ મોઘમતાથી સ્ફૂટ થવા પામ્યો છે. પ્રતીક, વ્યંજના , સંકેતો દ્વારા વાર્તા તેના મૂળ હાર્દને બખૂબી પ્રગટાવી આપે છે.

સર્વજ્ઞના કથનકેન્દ્રથી લખાયેલી ‘વળાંક’ વાર્તામાં સફાઇ કર્મચારી તરીકે નિવૃત થયેલા ભેમાના મનોભાવો અને અન્ય સવર્ણો દ્વારા થયેલા તેના અપમાન માટેના વૈમનસ્યની વાર્તા છે. ગમે તે સફાઇ કરીને ગામ ચોખ્ખુ રાખે, ગટરમાં ઉતરે, ના કરવાના બધા જ કામ કરે તો પણ ધુત્કાર ! એકવાર કેશાજીના ગલ્લા આગળ ઉભેલા ભેમાને કેશાજીએ – “એ આગો હટ દિયોર, આ માગતાને માગતા આવી ઉભા ખરા બપોરે, અહીં તારો બાપ કંઇ મૂકી ગયો સે ? જા આગો ટળ. ને ભેમાને બળતા પગલે ત્યાંથી હટી જવુ પડ્યુ હતુ.” ( પૃ. 81 ) આ ડંખ ભેમાને આજે ઘણા દિવસે પણ કોરી ખાય છે. તબિયત સારી નથી, ઉભા થઇ શકાતુ નથી. તેમ છતાં, મનમાં વાળેલી ગાંઠને કોઇપણ પરિસ્થિતિમાં મુકામ આપવો એ ભેમાનુ લક્ષ્ય બની ગયુ છે. બસ સ્ટેંડ બાજુની કેશાજીના ગલ્લાની બાજુની ગટર એવી બની છે કે વારંવાર ઉભરાઇ જાય છે. જ્યારે એ ઉભરાતી ત્યારે ભેમો ફટાક કરતો અંદર ઉતરી જતો અને તરત જ એનો નિકાલ લાવતો. અત્યારે એ નોકરી પર નથી. એની જગ્યાએ બીજા કર્મચારી આ કામમાં જોડાયા છે. આજે ત્યાં રોકેલો સફાઇ કર્મચારી હાજર નથી અને ગટર ઉભરાઇ છે. ભેમાને આ તગાલો જોવાની અને કેશાજીને બતાવવાની ઇચ્છા થઇ આવી. નાદુરસ્ત તબિયત હોવા છતાં એ ઉભો થઇ જાય છે અને નીકળી પડે છે. તેની ચાલની લઢણ, તેની મનોમય ઉક્તિઓમાં પ્રગટતો રોષ, રસ્તાનુ અને તડકાનુ વર્ણન સરસ બનવા પામ્યુ છે. તેની સાથે જ પોતના શરીરની યાતનાનુ અને પોતાને જવા માટે પડતી તકલીફ તો વળી તુટવા આવેલ ચ્પ્પલ જેવુ પણ ભેમાના અંતરને છતુ કરવા, તેની દાઝને પ્રગટ કરવા ઉપકારક બની રહે છે. એ બનાવથી ભેમાને એટલું લાગી આવ્યું હતું કે, તેને થયુ હતુ સાલુ આપણી માણસમાં કોઇ ગણતરી જ નહીં. ત્યારથી જ એને કોઇની સામે હાથ ન ફેલાવવાનો વણલખ્યો નિયમ લઇ લીધો હતો.

આજે આવી પરિસ્થિતિમાં પણ કેશાજીની હાલત જોવાની ને તેની સામે ‘હાક થુ’ કરવાની ઘેલછા તેને અહીં સુધી ખેંચી લાવી છે. આખીય વાર્તા તેના મનોસંચલનોમાં ઉઘડે છે. કેશાજી પ્રત્યેની તેની દાઝ વ્યક્ત કરવા વાર્તામાં ઠેકઠેકાણે પ્રતિકો-ઇંગિતો મૂક્યાં છે. મનમાં ઉભરતા ભાવ અને એકોક્તિઓ રૂપે જોઇ શકાય છે. એવા કેટલાક દ્રષ્ટાંત જોઇએ તો -
“કેશાજી હવે તારી વાત.. કેશાજી તારો કેસ ના કઢાવુ તો કે’જે.....!” (પૃ. 78)
“તે દિયોર કેશાજી અમે છાંયડેય ના ઊભા રહી શકીએ? બસ તમારી ગટરો સાફ કરીએ તો જ સારા?” (પૃ. 81)
“જાતે જ ખી-ખી કરતો બબડી પડ્યો. હોવે, કેશોજી વળગ્યો સે.” (પૃ. 82)
“દિયોર કેશાજી ખરા તડકે તને ગટરમાં આડો કરું. કેસલા આજે તારી કેસેટ ના ઉતારું તો કે’જે કે મું ભેમો ન’તો. કેસલા... તારા .... તારા હોસ્લા કુટું તારા...” (પૃ. 83)
“આજે કેશાજીનું લોહી પી જાવું સે. દિયોર ભર્યા બજારમાં મારી આબરૂ પર પાદયો સે. આજે છોડું કે..?” (પૃ. 85)
“તુ મને શું સમજ્યો લ્યા કેસલા.?” (પૃ. 85)
“એની ગરમી હવે કેવી બતાવે સે જોવુ સે. હવે હું તમારા હુકમનો તાબેદાર નથી ભઇ.. કેશા..” (પૃ. 85)
“કેશલા તારુ કાળુ થાય.” (પૃ. 85)

જેવામાં ભેમાના મનમાં ચાલતી ગડમથલ અને પોતાને થયેલા અપમાનની દાઝ સુપેરે ઉપસી રહે છે. ભેમાના મનમાં ચાલતા વિચારોને કથનનુ પાસું બનાવીને તેના ચૈતસિક સંચલનોને પ્રગટ કરી આપી વાર્તાકારે ઉમદા કાર્ય દાખવ્યું છે. વાર્તામાં એકદમ પ્રાદેશિક લય-લઢણ અને લહેકો, જે-તે સમાજમાં બોલાતી તુચ્છ્કારભરી બોલી બળ પૂરે છે. કેશાજીના ઘરનું વાતાવરણ અને ડોશી સાથેનો તેનો સાહજિક સંવાદ પણ વાર્તાને ઉઠાવ આપે છે. તો વળી, વાર્તાના અંતની વાત કરીએ તો, બદલાની ભાવનાથી આવેલ ભેમો સીધો ગટરમાં ઉતરી જાય, તે અત્યારે નોકરી પર પણ નથી ને બિમાર પણ છે. છતાં તેની માનવીય વૃત્તિ જોઇ શકાય છે. કેશાજી દ્વારા બોલાતા શબ્દો. ભેમો આયો એટલે અમારે ભગવાન આવ્યા. એમાં પણ સવર્ણો કામ કઢાવવા કેવા મિતભાષી થઇ જાય છે તેનો નિર્દેશ મળે છે. બધા બોલાવે છતાં ભેમાનું પાછુ ન જોવું - ન આવવું જેમાં તેના સ્વમાનની છાપ ઉપસી આવે છે. વાર્તાના નાના બિંદુઓમાં સંધાતા તાર એક ઉત્તમ વાર્તાની ગૂંથણી કરી આપે છે.

‘વરંડો’ વાર્તા દલિતો સાથે ધાર્મિક વૃતિઓમાં પણ કેવુ ભોગવવુ પડે છે તેનો નિર્દેશ કરતી વાર્તા છે. વાર્તાનાયક નારણ ખાધે –પીધે સુખી દલિત માણસ છે. તે ગામનો સરપંચ છે અને એ પણ એને દલિત અનામતની સીટથી મળ્યુ છે. ગામડાનું વાતાવરણ અને ત્યાંની તુચ્છ માનસિકતા, ત્યાંના સ્થાપિત હિતો તેના સરપંચપણાને સ્વિકારતા નથી. તેની સામેની બાજૂ ઉપસરપંચ પથુને બધા સરપંચ માને છે ને સરપંચ તરીકેનુ બધુ માન-પાન તે ભોગવે છે. નારણ ધાર્મિક બબતો અને દાન ધરમમાં વિશેષ માને છે. તેથી, તેનો લાભ લેવાનુ અહીંના ધર્મના ઠેકેદારો ચૂકતા નથી. તેના પર એવી અસર પાડવામાં આવી છે કે, એ ઉચ્ચ સવર્ણ લોકો જોડે ભળીને એમની બધી જ બાબતોમાં જોડાય છે. એને તો એમ જ છે કે, ગામના મોટા લોકો એને માન આપે છે. પણ એને ખબર નથી કે માત્ર એનો ઉપયોગ કરવા માટેનો જ સંબંધ છે. અહીં બે સમાજના અલગ - અલગ મંદિર વચ્ચે ઊભા પાત્રો અને મંદીરની ભીતર ખેલાતા દ્વંદ્વની વાત થઇ છે. આજે નારણ વહેલા ઉઠી ગયો. કારણ કે, એને કંઇક જાણવુ છે. શું જાણવુ છે એ એની પ્રતિક્રિયાઓ દ્વારા, તેની સ્વગતોક્તિઓમાં ફ્લેશબેક દ્વારા ઉઘડતુ જાય છે. ગામ મંદિરનો વરંડો બનાવવનો છે. બધાની હાજરીમાં ત્યાંનો મહારાજ નારણ જોડે બે હજારનો ફાળો અને એની બધી જવાબબદારી નારણને સોંપે છે. તેની સામે વાસ મંદિરનો વરંડો માત્ર પચાસ રૂપિયાયાના ફાળા પેટે લેવાના હોવા છતાં અટવાઇ પડે છે.

દર રવિવારે નારણ ગામ મંદિરે જાય છે. અને આરતીમાં પચાસની નોટ મૂકે છે. ગરીબ રેવી એની પાસેથી બસ્સો રૂપિયા ઉછીના લઇ ગઇ છે. છેલા ત્રણ રવિવારથી એ પચાસ-પચાસ રૂપિયા પાછા આપી જાય છે. ત્રીજી વાર આપે છે ત્યારે એ ચિમળાયેલી નોટ પોતે આરતીમાં મૂકી હતી એવી જ લાગે છે ત્યાંથી વાર્તાનાયકની શંકાનુ કેંદ્ર વિકસે છે. એટલે આજે ખાતરી કરવાના ઇરાદાથી પચાસની નોટ પર કંકુના ટપકા કરે છે ને એનો નંબર બરાબર યાદ કરી લે છે. વાસ મંદિરથી નીકળી તે ફટાફટ ગામ મંદિર જાય છે. તેને જાણવુ છે કે, પોતાની શંકા સાચી કે ખોટી ? મંદિરમાં જઇ આરતીમાં ઊભો રહી, આશકા લઇ પચાસની નોટ મૂકે છે. ત્યાંથી નીકળી થોડો સમય પસાર કરે છે. ત્યાં તો રેવી આવીને એને પચાસ રૂપિયા ધરે છે એ નોટ જોતા જ એને ખાતરી થઇ જાય છે ને ખૂદ છોભીલો પડે છે. પોતાના જ માણસો સાથે પોતે અન્યાય કરતો હોવાનો ભાવ પામે છે. એટલે જ તે પોતાના વાસ મંદિર પાસે જઇ નિર્ણય લે છે. અહીં નારણના મનનુ નિર્ગરણ દાખવીને વાર્તાનો સુખદ અંત આપ્યો છે. જે નારણના શબ્દોમાંથી જ ફલિત થઇ રહે છે. જેમ કે, - “ લ્યાં હેડા દલા, મૂળદા ઇંટો રખાઇ છઅ લેવા. વરંડો ચણી લઇએ. કોઇ ઉઘરાણુ નથી નાખવુ બધો ખર્ચો મારો.” ( પૃ. 104 ) અહીંની સૂચકતા નારણ પર થયેલ અસરની છે. આજ સુધી પોતાને ભોળવતા લોકોની અડોડાઇ પારખી ગયેલો માણસ એમની સામે બાંયો ચડાવવા સક્ષમ નથી તો વાર્તાકારે અને વાર્તાનાયકે લીધેલો આ નિર્ણય ઉત્તમ છે. કલ્પેશ પટેલ નોધે છે કે, - “ વાર્તાકારે જાણ્યે-અજાણ્યે આપણી ધર્મસંસ્થા કેવી રીતે સ્થાપિત હિતો સાથે ભળેલી છે એનો કલાત્મક ચિતાર આપ્યો છે. વળી, સ્વછતા અને પવિત્રતાની દુહાઇ આપતા તથાકથિત ધાર્મિકો ભીતરથી કેટલા ખોખલા છે, એ પણ બતાવી આપ્યુ છે. આજકાલ દલિતોની સમાનતાના નામે એમની ભાવનાશીલતાને રોકડી કરવાની રાજનીતિ બળવત્તર બની છે ત્યારે સંજય જેવા પ્રમાણમાં નવા વાર્તાકારે સમય સૂચકતા દાખવીને એક સારી કહેવાય એવી વાર્તા આપી છે. વાર્તાનો અંત પણ પ્રતીતિકર રીતે આવે છે. વાર્તામાં સંજય ચૌહાણે શક્તિ દેખાડી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.”

વાર્તામાં વાર્તાકારે અનેક અર્થવલયો ઉપસાવ્યા છે. મંદિર નિમિત્તે દલિતો સાથે થતા અત્યાચારના ઘણા પ્રશ્નોને અહીં એકસાથે વાચા મળી છે. નારણ પોતાના સમાજના વરંડા માટે કામ કરવા તત્પર થાય એ ભ્રમ ભાંગવાની ક્ષણ વાર્તાને ઊંચેરી ઊઠાવે છે. ગામડાના રાજકારણમાં પણ દલિતોનુ કેવુ સ્થાન હોય છે એ પણ વાર્તામાં સહજ રીતે પ્રગટ થયુ છે. સરપંચ જ સરપંચ ન કહેવાય એનાથી બીજી મોટી બીના કઇ હોઇ શકે? પોતાના સમાજના વિરોધે ચાલતો નારણ પણ પોતાના હોદ્દા અને થોડા પૈસે સંપન્ન હોવાના કારણે. બીજી બાજુ પચાસ રૂપિયા દલિત રેવીને આપી દેવા એ ગરીબ દલિત યુવતીઓના જાતિય શોષણનુ દ્યોતક બને છે. વરંડો દલિતોનો ઓછાયો ના પડે અભડાઇ ન જવાય એવા હેતુથી બનાવવાનો છે. એવા કામ માટે પણ દલિત નારણ જેવા પાસેથી કામ કઢાવવાની ત્રેવડ કહેવાતા ધર્મના ઠેકેદારોમાં કેવી હોય છે તેનો પણ પરચો મળી રહે છે. આખ્ખીય વાર્તામાં આવા જુદાજુદા ઘટક પ્રયોજીને વાર્તામાં અદ્દલ દલિત ચેતના ઉપસાવી છે. પારૂલ કંદર્પ દેસાઇ નોંધે છે, - “ઘટનાઓમાંથી અનેક અર્થવલયો પ્રગટે છે. વાર્તાકાર સીધુ કશું ન કહેતાં સંકેતથી ધાર્મિક સંસ્થાઓના વડાઓના બેવડા વલણ અને કામુક વૃતિને આલેખે છે. ગ્રામીણ રાજકારણના વરવા રૂપને પણ વાર્તાકાર નિર્મમતાથી પ્રગટ કરે છે. નારણમાં આવી પ્રતિક્રિયા જન્મે એ માટેનુ વાતાવરણ વાર્તાકાર પ્રતીતિકર રીતે ઉભું કરી શક્યા છે.” વાર્તામાંથી એટલુ મર્મ તો સહજ પમાય છે કે, સહેજ મોટા થયેલા દલિતોનુ શોષણ હજૂ થયા કરે છે. હજુ આભડછેટ છે જ, હજુ અસ્પૃશ્યતા છે. પહેલાં આ બધી જ બાબતો ખુલ્લી થતી હતી હવે આડકતરી રીતે થાય છે. પેટમાં પેસીને પરપોટા કરવાની નીતિ જોવા મળે છે. દશા એજ છે માત્ર એની દિશા બદલાઇ છે, એ વાર્તાનો નિર્દેશ છે.

‘કમઠાણ’ સંગ્રહની બધી જ વાર્તાઓમાં સહેલ કર્યા પછી જો કહેવાનુ હોય તો એટલુ કહી શકાય કે, સંજય ચૌહાણે દલિત ચેતનાનો ગ્રાફ પોતાની કૂનેહ અને કૌષલ્યથી પ્રસ્થાપિત કર્યો છે. આજ સુધીની દલિત વાર્તાઓ કરતાં થોડુ ઉપરનુ કામ એમના હાથે થયું છે. ઉભરતા વાર્તાકારોમાં ખૂબ ઓછા સમયમાં પોતાનુ નામ જમાવનાર સંજય ચૌહાણના આ વાર્તાસંગ્રહ દ્વારા તેમની યશકલગીમાં એક વધુ છોગુ ઉમેરાયુ છે. અહીં સમવિષ્ટ વાર્તાઓ સિવાયની સંગ્રહની અન્ય વાર્તાઓ જેવી કે, ‘વાંક’, ‘વારો’, ‘ઠરાવ’, ‘વટ’, ‘ગરજ’ અને ‘બળતરા’ જેવી વાર્તાઓ પણ તેના નવ્ય વિષય અને કથન બાહુલ્યથી દલિત ચેતનાનો આગવો મિજાજ પગટાવે છે. પોતાની આસપાસના બાનાવો અને ખૂબ બારીકાઇથી જોયેલા સમાજના અનુભવો અને અન્ય સમાજ દ્વારા થયેલ અપમાન, અત્યાચારના બનાવો અહીં મુખરીત થયા વીના ખૂબ જ સંયમતાથી પ્રયોજાયા છે. દરેક વાર્તા તેના નોખા-અનોખા વિષયવસ્તુ દ્વારા આગવી ભાત ઉપસાવે છે. તેમની આ વાર્તાઓની વાત કરીએ તો સર્જકની કથન ટેકનીક ગજબની છે. સર્વજ્ઞની-ત્રીજા પુરુષ એકવચનનું કથનકેંન્દ્ર એમને વધુ માફક આવ્યુ છે. સંગ્રહની માત્ર બે વાર્તાને બાદ કરતાં બધી જ વાર્તાઓ સર્વજ્ઞના કથનકેંદ્રની જોવા મળે છે. એક નાનકડી બાબતને વાર્તાપોત આપી તેના મૂળ સૂધી પહોંચવાને ક્ષમતા સર્જક પાસે ગજબની છે. બીજી કોઇ બાબત આ વાર્તાઓ વિશે નોંધવી હોય તો એ નોંધી શકાય કે, બધી જ વાર્તા દલિત છે, તેમના અન્યાય, અત્યાચાર, આભડછેટ, શોષણની છે. મોટાભાગની વાર્તાઓમાં શોષીત થયેલ પાત્ર કંઇક કરી છૂટવા પ્રેરાય છે. પણ તેની સમજ દ્વારા મળતો વાર્તાનો તોડ તેને ઉંચી બનાવે છે. અહીં સર્જકની પોતાની સભાનતાની સમજ સ્પષ્ટ ઉભરી રહે છે. દરેક વાર્તામાં કોઇને કોઇ એવો બનાવ છે કે, જેનુ પરીણામ ક્યારેક મોટાગજાનું કે મોટી બરનું હોઇ શકે. કિંતુ, અહીં વિદ્રોહ છે પણ સમજણ પૂર્વકનો, અહીં બદલો છે પણ સંયમ પૂર્વકનો, અહીં સજા છે પણ કુદરતી, અહીં અન્યાયની સામે ન્યાય છે પણ વિવેકી. આજ રીતે ગામડાનુ શોષીત માનસ હોવા છતાં તેમની પ્રાદેશિક લોકબોલી કે લહેકા લઢણમાં પણ ક્યાંય અવિવેક જેવુ જવલ્લે જ જોવા મળે. એમની આ વાર્તાઓને બિરદાવતા અજયસિંહ ચૌહાણ નોંધે છે કે, “ સમગ્રપણે જોતાં, વાર્તાના વસ્તુ અને ભાવવિશ્વને અનુરૂપ નકશીદાર આલેખ. પરિવેશ રચવાની કુશળતા ટૂંકા-ટૂંકા વાક્યોના આછા લસરકાઓથી રચાતા સબળ પ્રતીકો સાથે તળપદ બોલીના લાક્ષણિક વિનિયોગને કારણે આ વાર્તાઓ એક જૂદા જ ભાવવિશ્વનો અનુભવ કરાવે છે.” બધી રીતે જોતાં એક-બે નબળી વાર્તાને બાદ કરતાં બધી વાર્તાઓ ઉત્તમ બનવા પામી છે.

ડૉ. વિક્રમ સોલંકી, મુ. પો. તા. વડાલી, જિ. સાબરકાંઠા, મો. 9409677829 ઇ મેઇલ – vvsolanki416@gmail.com