‘હજાર ચૌર્યાસીની મા’ સ્વરૂપની દ્રષ્ટિએ
મહાશ્વેતા દેવી દ્વારા રચિત `હજાર ચૌર્યાસીની મા’ જ્ઞાનપીઠ પુરસ્કૃત બંગાળી નવલકથા છે. જેનો અનુવાદ નિસ્પૃહા દેસાઈએ કર્યો છે. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની વાસ્વલક્ષી ક્રાન્તિકારી કૃતિઓના અનુવાદો બહુ ઓછા થાય છે. પરંતુ નિસ્પૃહા દેસાઈનાં અનુવાદે આ કાર્ય શક્ય બનાવ્યું છે. આ કૃતિને અત્યારસુધી અનેક રીતે જોવામાં આવી છે, જેમકે નારીવાદી કૃતિ તરીકે, સ્ત્રીમુક્તિની કથા તરીકે અને સમાજમુક્તિની કથા તરીકે. અહીં આ નવલકથાનો સ્વરૂપની દ્રષ્ટિએ અભ્યાસ કરવાનો ઉપક્રમ છે. એવા બહુ ઓછા સર્જકો હોય જે વર્તમાન સમસ્યા અથવા પ્રશ્નોને કળારૂપ આપી શકે. એવા બહુ ઓછા સર્જકોમાંના મહાશ્વેતા દેવી છે જેમણે `હજાર ચૌર્યાસીની મા’ નવલકથામાં સાંપ્રત નક્સલવાદી આંદોલનની ઘટના દ્વારા રાજકીય અને સામાજિક પ્રશ્નોનું આલેખન કળાત્મક રીતે કર્યું છે. એ અર્થમાં આ કૃતિ સઘન સંરચના ધરાવે છે.
‘હજાર ચૌર્યાસીની મા’નું વસ્તુ સમયનાં ચાર ખંડ - સવાર, મધ્યાહન, સાંજ અને રાત્રીમાં વિસ્તરેલું છે. આ ચાર ખંડ એટલે માત્ર એક દિવસનો ભૌતિક સમય સ્વીકારી સુજાતાનું બત્રીસ વર્ષનું લગ્નજીવન આલેખાયું છે અને ખાસ તો વ્રતી સાથેના ભાવાત્મક સ્મરણો આલેખાયા છે. જેમા એક તરફ સુજાતાની નજરે જોવાયેલો વ્રતી છે તો બીજી તરફ દિવ્યનાથ અને તેના અન્ય ભાઈ-બહેનની નજરે જોવાયેલો વ્રતી છે. `સવાર’ ખંડમાં ભૂતકાળના સુજાતાના આ સ્મરણો આલેખાયા છે. આ ખંડમાં ભૌતિક ઘટનાઓ તો માત્ર નંદિનીનો ટેલીફોન અને સુજાતાનો બીની તથા તુલી સાથેનો સંવાદ છે. બાકી બધા સ્મરણો છે. કૃતિનાં આરંભે બાવીસ વર્ષ પહેલાની એક સવારના સ્વપ્નમાં સુજાતા પહોંચી જાય છે. આ દ્રશ્ય છે વ્રતીને જન્મ આપવાની તૈયારી કરતી સુજાતાનું. જેમાં સુજાતા બેગમાં- ટુવાલ, કપડા, બ્રશ, સાબુ જેવી વસ્તુ ભરી નર્સિંગહોમ જવાની તૈયારી કરે છે. આ તૈયારી નિમિત્તે સુજાતાની અન્ય ત્રણ પ્રસૂતિઓ પણ કેવી રીતે પતિ અને સાસુનાં સાથ વગર થઈ હતી તેની વિગતો વણાતી જાય છે. આ નાની નાની વિગતો દ્વારા સુજાતાનાં અન્ય પરિવારજનો સાથેનાં સંબંધો સ્પષ્ટ થતા જાય છે. `પેટ દૂંટીની નીચે ઊતરી ગયું છે બેન’ એવા હેમના અનુભવી સુઝાવથી સુજાતા એકલી જ નર્સિંગહોમમાં દાખલ થઈ જાય છે. પરંતુ ડૉક્ટરનો ચહેરો જોઈ સુજાતાને ચિંતા થાય છે. અને તે પોતાના જીવનાં જોખમે પણ બાળકને બચાવી લેવા ડૉક્ટરને ઓપરેશન કરવાનું કહે છે. વ્રતીના જન્મ બાદ સુજાતા પ્રથમ વાર પોતાનો સંતાન પરનો અધિકર વ્રતી દ્વારા મેળવે છે કારણ કે પ્રથમ ત્રણ સંતાનો સાસુ પાસે ઉછરેલા અને ધીમે ધીમે તેમના માટે દાદી અને પિતા જ મુખ્ય અને સુજાતા ગૌણ બનતી ગઈ. પરંતુ વ્રતી વખતે તે પોતાનો અધિકાર જતો કરતી નથી. અને એ રીતે વ્રતી નોકરાણી હેમ અને સુજાતા પાસે ઉછરે છે. વ્રતીની હત્યા સુજાતાના મનમાં અનેક પ્રશ્નો, સંશયો જગાવી જાય છે. તો વ્રતીના મૃત્યું સાથે જ સુજાતાનાં મનમાં દિવ્યનાથનું પણ મૃત્યું થઈ જાય છે! કારણ કે પુત્રના મૃત્યુંના સમાચાર સાંભળીને પણ તેને જોવા જવાની જગ્યાએ તેનું નામ છાપામાં કેવી રીતે ન આવે તેની તૈયારીઓ દિવ્યનાથ અને મોટાભાઈ જ્યોતિ દ્વારા કરવામાં આવે છે! એટલું જ નહિ સુજાતાને ગાડી લઈ જાવાની પણ ના પાડી દે છે! અને જ્યોતિએ તો તે દિવસથી ટેલીફોનને પણ પોતાના રૂમમાં ખસેડી લીધો છે! અહીંથી સુજાતાનાં કૃત્રિમ સંબંધોમાંથી મુક્તિનો આરંભ થઈ જાય છે અને પ્રો. ભરત મહેતા કહે છે તેમ : `સુજાતાની વ્રતી સાથેની લોહીની સગાઈ વિચારની સગાઈમાં ઘટ્ટ બને છે.’ (પૃ. 116) બન્ને એક બીજા માટે જ આ પરિવારમાં રહેતા હતા. એટલે જ કદાચ આ પરિવારમાં બે વર્ગ પડી ગયેલા છે. એક વર્ગમાં સુજાતા અને વ્રતી છે તો બીજા વર્ગમાં દિવ્યનાથ તેની માતા અને અન્ય ત્રણ સંતાનો છે. વ્રતીના મૃત્યું બાદ વ્રતીને અંતિમ ક્ષણે જોવા ન જવું અને ગાડી લઈ જવાની ના પાડનાર પિતા દિવ્યનાથ અને જ્યોતિ દ્વારા ટેલીફોનને પણ એ દિવસથી પોતાના રૂમમાં ખસેડી લેવો જેવી ઘટનાઓ સુજાતાને સ્થૂળ અને કૃત્રિમ સંબંધોમાંથી મુક્તિ અપાવનાર બની રહે છે. એ જ રીતે મોટી બહેન નીપા અનેક પુરુષો સાથે સંબંધ રાખનારી છે, તો તુલી પણ દિવ્યનાથના અન્ય સ્ત્રીઓ સાથેનાં સંબંધોને `મર્દાનગી’ રૂપે જુએ છે! અને માટે જ મોટાભાઈ જ્યોતિને વહુઘેલો અને કાયર કહે છે! આ બધુ જાણતો વ્રતી એટલે જ પોતાની બહેનો અને ભાઈ સાથે ક્યારેય લાગણીનાં સંબંધે જોડાઈ શક્યો નથી, તે દિવસથી ક્યારેય તેમની સાથે બેસીને ખાધું પણ નથી. નંદિનીને મળીને આવ્યા બાદ તુલી અને બીનીનાં ઝગડા વિશે સાંભળતી અને ઝગડા બાદ ત્રણે એક સરખા વસ્ત્રો પહેરીને તૈયાર થઈને જાણે કાંઈ બન્યું જ ન હોય એવી રીતે વર્તતી જોઈને તથા `તારે મૃત્યું પામેલા માટે નહિં પણ જીવતા માટે વિચારવું જોઈએ! ’ એવું કહેનાર તુલી વગેરે અન્ય લોહીનાં ભાવહીન સંબંધો પણ જાણે તુટી જાય છે, તો સામે પક્ષે વ્રતી સાથેનો સંબંધ દ્રઢ થતો જાય છે. દિવ્યનાથ તો વ્રતીના મૃત્યું બાદ ઘરમાંથી પણ વ્રતીના ચિહ્નોને ભૂંસી નાખવા માંગે છે! અને એટલે જ વ્રતીના ફોટોગ્રાફને ત્રીજા માળનાં ઓરડામાં ચડાવી તાળું મારી દીધું છે. પરંતુ ત્રણ મહિના પછી સ્વસ્થ થતી સુજાતા એ રૂમની ચાવી હક પૂર્વક માંગે છે અને રોજ રાત્રે ત્યાં જઈ એ રૂમની સફાઈ કરી એની સાથે જોડાયેલી વસ્તુને જોઈ વ્રતી સાથે વાતો કરે છે. આમ, આ સંદર્ભે વ્રતી પરિવારનાં અન્ય સભ્યો કરતા કઈ રીતે જુદો હતો તેનુ આલેખન `સવાર’ ખંડમાં સુજાતાનાં સ્મરણો દ્વારા થયું છે.
કૃતિનાં આરંભ અને અંત બન્નેમાં પીડાનો ભાવ છે. આ પીડા સાંકેતિક છે. આરંભની પીડા જન્મ આપવાની પીડા છે, જ્યારે અંતની પીડા જન્મ પામવાની પીડા છે! જન્મ આપવાથી જન્મ પામવાનાં આ ઉલ્ટા ક્રમને શક્ય બનાવે છે તેનો મધ્ય. કૃતિનો મધ્ય સમુની મા અને નંદિનીની સાથેની મુલાકાત છે. `મધ્યાહન’ ખંડમાં સુજાતાની સમુની મા સાથેની મુલાકાત છે. સમુની મા અને નંદિની સાથેની મુલાકાત દ્વારા સુજાતાનો નવો જન્મ શક્ય બને છે. એ અર્થમાં `સુજાતા’ એટલે સારી રીતે જન્મેલી એ નામ પણ સાર્થક છે! `મધ્યાહન’ ખંડના આરંભમાં કલકત્તાની વર્તમાન સ્થિતિ કેવી નથી અને અઢી વર્ષ પહેલા કેવી હતી તેનું સંનિધ્ધિકરણ કર્યું છે. સમુની માની સ્થિતિ અને પરિવાર નિમિત્તે સમાજનો નિમ્ન વર્ગ આલેખાયો છે. ચારેબાજુ તૂટેલી દિવાલો અને ક્યાંક તેને કાગળ અને પૂંઠા ચોટાડી સાધવાનો પ્રયત્ન છે એવુ ઘર! આપણા સમાજની અસમાન સમાજરચનાને પ્રગટ કરે છે. વ્રતીના મૃત્યું પછી સુજાતા આ દિવસે ત્યાં આવતી હતી. એ અર્થમાં બન્ને માતાનો ભાવ સમાન છે. બન્ને એ પોતાના પુત્રને ગુમાવ્યા છે. પણ બન્નેની પરિસ્થિતિ ભિન્ન છે, બન્નેના વર્ગ જુદા છે. અહીં પણ સમય બે સ્તર પર વહે છે. એક વર્તમાન અને બીજો ભૂતકાળ (જ્યારે પહેલીવાર સુજાતા સમુની માને મળી હતી) અને જે સંવાદ થયો હતો તેનું આલેખન સાથે સાથે થતું જાય છે. સમુના ઘેર આવવાથી સુજાતાને શાંતિ મળે છે. કારણ કે અહીં વ્રતી આ લોકોનાં સ્મરણોમાં જીવે છે, અને એ વ્રતી પોતાના પરિવાર કરતા જુદો છે, સમુની મા પાસેથી તે વ્રતીની નવી ઓળખ પામે છે. જે સમુ, વિજિત, પાર્થ, લાલટૂ જેવા શોષિતો માટે લડતો હતો, શોષિતોને ન્યાય અપાવવા માટે થઈને તેણે પોતાનું શાંતિ અને સલામતીભર્યું જીવન છોડી દીધું હતું! હત્યાનાં દિવસે પણ તે સમુ અને તેના મિત્રોને ચેતવવા જ આવ્યો હતો, તથા તે અહીં આવી ચા પીતો, ગપ્પા મારતો, સમય ગાળતો અને હત્યાના દિવસે પણ તે અહીં જ હતો જેવા સમુની માના વ્રતી વિશેના સ્મરણો દ્વારા સુજાતાને એક નવા વ્રતીની ઓળખ થાય છે. બીજી તરફ સમુને ઘેર આવતા પહેલા તે જ દિવસે સુજાતા સાથે વિતાવેલી ક્ષણોનું પણ આલેખન સાથે સાથે થયું છે. સમાંતરે આ સમયનું કલકત્તાનું વાતાવરણ, વ્રતી અને તેના મિત્રોની હત્યા વગેરે પ્રસંગો દ્વારા ક્રાંતિકારી માહોલ ઊભો કર્યો છે. બેકારી, ભૂખમરો, શોષણ, ગરીબી, લાચારી, ભ્રષ્ટાચાર વગેરેની સામે લડવા આ નક્શલવાદનું આંદોલન ચાલ્યું હતું અને સમુ, વિજિત, પાર્થ, લાલટૂ, કુશ વગેરે જેવા કેટલાય યુવાનોએ પોતાના જીવનને આ માર્ગે વાળ્યું હતું. સમુની મા સાથેની આ મુલાકાત દ્વારા સુજાતા સમાજમાં અને પોતાના પરિવારમાં આસ્થાહીન, નોમેનલીનેસ, ગેરમાર્ગે ચડેલ યુવાન તરીકે ઓળખાતા વ્રતીની નક્કર નૈતિક ઓળખ પામે છે. તો પોતે જે ભદ્ર સમાજમાં જીવે છે, તેના વાસ્તવિક દંભી ચ્હેરાને પણ પામે છે. એ સમાજ કેવો છે: `જ્યા પગ નીચે ધરતીનો આધાર નથી, ધરતીમાં ઘૂસેલાં મૂળ નથી. એક અજાણ્યો મૃત સમાજ જ્યાં નગ્ન શરીર બતાવવામાં શરમ નથી, શરમ લાગે છે ભાવનાઓને બતાવવામાં!’ (પૃ. 61-62) અને એટલે જ તે જાણી શકે છે કે વ્રતીએ શાં માટે આવા સમાજનો ત્યાગ કરી ક્રાન્તિકારી માર્ગ આપનાવ્યો હતો, સુજાતા આ મુલાકાતમાંથી વ્રતીના બદલાવાનું કારણ જાણે છે. પ્રથમ ખંડ `સવાર’માં સુજાતાના વ્રતી સાથેનાં સંવેદનોના સ્મરણો છે, તો સાથે સુજાતા માટે આ પ્રશ્નો પણ છે કે તે કેવી રીતે અને શાં માટે આ માર્ગે વળ્યો? જેનો જવાબ આ `મધ્યાહન’ ખંડમાં પ્રાપ્ત થાય છે.
`સાંજ’ ખંડમાં સુજાતાની નંદિની સાથેની મુલાકાત છે. નંદિનીની મુલાકાત વ્રતીની હત્યાનાં કારણમાં લઈ જાય છે અને આ કારણ દ્વારા ભ્રષ્ટ રાજ્યતંત્ર અને તેના હાથા તરીકે કામ કરતા પોલીશતંત્રની વાસ્તવિકતા આલેખાઈ છે. નંદિની સાથેની મુલાકાત દરમ્યાન જેલમાં તેના પર કરવામાં આવેલ અમાનવીય અત્યાચારોનું બયાન છે, જેના કારણે તેને પોતાની એક આંખ ગુમાવવી પડી છે! છતાં એ હજુ હારી નથી. તે પોતાનો વિદ્રોહ હજુ ચાલું રાખશે એવો નિર્ધાર આ સંવાદમાંથી પ્રગટ થાય છે. વ્રતી કેવી રીતે અથવા કયા કારણે બદલાયો તેનો જવાબ સુજાતા સમુની મા સાથેની મુલાકાતમાંથી મેળવે છે, તો તેના મૃત્યું પાછળ કયા પરિબળો જવાબદાર છે તેનો બોધ નંદિની સાથેની મુલાકાતમાંથી થાય છે. સુજાતાનો હવે બધુ શાંત છે એવો ભ્રમ પણ નંદિની દ્વારા જ તૂટે છે! અને એટલે જ સુજાતા દ્વારા નંદિનીના હાથ પર પોતાનો હાથ મૂકાય છે. આ હાથ મૂકાવાની ક્રિયા સુજાતા નંદિની સાથે મનથી જોડાઈ છે તેનો સંકેત બને છે. આ હાથ મૂકાઈ તો ગયો પણ સુજાતાને એક ડર પણ છે કે નંદિની હાથ ખસેડી તો નહિ લે ને, જે સમુની બહેન પાસે જાકારો હતો એવો જાકારો મળશે તો? પણ અહીં જાકારો નહિ પણ સ્વીકાર છે. આ સ્વીકારને કારણે સુજાતા કૃતાર્થ બને છે. માટે સાંકેતિક રીતે સુજાતા પુત્રને પ્રેમ કરનાર, તેના વિચારોને પ્રેમ કરનાર અને તેના મૃત્યું પછી તેને જીવન ધ્યેય બનાવી જીવનાર નંદિની સાથે જોડાય છે. વ્રતી સુજાતા માટે જ એ પરિવારમાં રહેતો હતો એવી સ્પષ્ટતા પણ નંદિની પાસેથી પ્રાપ્ત થાય છે. આ સ્પષ્ટતા તેને વ્રતીની વધારે નજીક લઈ જાય છે. આથી નંદિની સાથેની આ મુલાકાત વ્રતીની સમુની મા દ્વારા પ્રાપ્ત થતી ઓળખને પૂર્ણ કરે છે. વ્રતીની પૂર્ણ ઓળખ તેને પોતાની ઓળખ સુધી લઈ જાય છે. તેથી જ નંદિનીને મળ્યા બાદ સુજાતાની દુનિયા બદલાઈ જવાની છે! તે હવે વ્રતી ચેટરજીની મા નથી રહી પરંતુ લાશ બની ગયેલ 1084ની મા છે!
`રાત’ ખંડમાં તુલીની સગાઈનો પ્રસંગ છે. આ ખંડનાં આરંભમાં આલેખાયેલ પરિવેશ સુજાતાના અંધકારમય જીવનમાંથી પ્રકાશમય જીવન તરફની ગતિનો સંકેત કરે છે. સુજાતાની રાહ જોતા દિવ્યનાથ બૂમ પાડી ઊઠે છે- `ઘેર આવવાનો સમય થઈ ગયો? હદ છે ને!’ (પૃ.31) દિવ્યનાથનાં પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ સુજાતા જતી રહે છે. સાથે સાથે પોતાના પાર્ટી માટે સજાવેલ ઘરનું પણ સૂક્ષ્મ નિરિક્ષણ તેના દ્વારા થતુ રહે છે. વ્રતીનું ટેનિસ રમવાનું ટેબલ, જેના એક પાયાનું લાકડું તેના બૂટથી છોલાય ગયું છે, તેના પર જ એક દિવસ મિત્રો સાથે મળીને તેને રવીન્દ્રજયંતિ ઉજવી હતી. આજે તેના પર વાઈનના ગ્લાસ મૂકવામાં આવ્યા છે! આ ઘરમાંથી વ્રતીની એક એક યાદો ભૂંસવામાં આવી છે! જ્યારે દિવ્યનાથ અંદર આવે છે અને તેને મોડું આવવાનું કારણ તથા કેટલા બધા મહેમાનો આવવાના છે, બધી વ્યવસ્થા કરવાની છે. આ બધા પ્રશ્નો કરે છે ત્યારે પહેલી વાર જ તેના જવાબમાં ધમકીનો સ્વર છે: "તમે- જો- આ જ – ઘડીએ- અહીંથી- ચાલ્યા- નહિ- જાઓ- તો- હું ઘરમાંથી- નીકળી- જઈશ અને ક્યારેય પાછી નહિ ફરું-" (પૃ.83) જીવનમાં ક્યારેય પોતાના પતિની સામે ન બોલનાર આજ પ્રથમવાર તેની સામે ખુલ્લો વિરોધ કરે છે: " બે વર્ષ એ અગાઉના, છેલ્લા બત્રીસ વર્ષથી તમે તમારી સાંજ ક્યાં વિતાવતા હતા, છેલ્લા દસ વર્ષથી કોની સાથે ટૂર પર જાઓ છે, શાં માટે તમારી જૂની ટાઈપિસ્ટ માટે મકાન ભાડું ભરો છો- આ બધું મેં તમને ક્યારેય નથી પૂછ્યું. તમે મને એક પણ વાત ના પૂછશો- ક્યારેય પણ નહિ ! (પૃ.83) અને તેને અહીંથી જવાનું કહી દે છે ! સુજાતાનાં આ "જાઓ"માં પ્રથમવાર હુકમનો સ્વર તો છે જ પણ સાથે દ્રઢતા પણ છે. સુજાતાનાં "જાઓ" દ્વારા `ડોલ્સ હાઉસ’ની નોરાનું સ્મરણ થાય, તેણે પછાડેલા દરવાજાનો પછડાટ સંભડાય છે! સુજાતાના આ રૂપને જોઈને દિવ્યનાથને પરસેવો આવી જાય છે. રેલિંગ ઉતરતા સુજાતાને પીડા થઈ રહી છે જે તેને ફરી વ્રતીનાં જન્મ સાથેની પીડા સાથે જોડે છે. પોતે બદલાઈ ગઈ છે એ જોવા આજે વ્રતી નથી તેનો વસવસો સુજાતાને રહી જાય છે, વ્રતીનો છૂંદાયેલો ચ્હેરો તેની નજર સામે આવ્યા કરે છે. વ્રતી અને તેના જેવા અનેક યુવાનોને મારનાર આજે પણ આ સમાજમાં પ્રતિષ્ઠિત બની જીવી રહ્યા છે ! આ બધુ સુજાતાના મનને ડોહળી રહ્યું છે. અંદર કેટલીએ ઉથલ – પાથલો થઈ રહી છે. એમાથી શાતા મેળવવા જ જાણે તે પોતાની જાતને શાવર નીચે છોડી દે છે. આ સ્નાનને તેના પરિવાર સાથેના કૃત્રિમ સંબોધોના મૃત્યુંના સ્નાન સંદર્ભે પણ જોઈ શકાય! જાણે મનોમન સુજાતાએ દ્રઢ નિર્ધાર કરી લીધો છે કે આ અંતિમ કર્તવ્ય નિભાવી આ ઘરમાંથી નીકળી જવું. વ્રતીમય સુજાતા જ્યારે નીચે જાય છે ત્યારે તુલીની સગાઈની પાર્ટી ચાલી રહી છે. ક્લબ ગયા વગર તો જીવવું મુશ્કેલ થઈ જાય એવું વિચારતા જીસુ - મૌલી મિત્રા, સ્વામીજી, સ્વામીજી રટ્યા કરતી મિસિસ કાપડિયા, દારૂના ધંધાના બાદશાહ કહેવાતા મિસ્ટર કાપડિયા, મોટાભાગે નશામાં ચૂર રહેનારી ટોની કાપડિયાની બ્હેન નરગીસ, વ્રતી જેવા ક્રાન્તિકારીઓની ધડપકડ કરનાર સરોજપાલ, હવા પ્રમાણે રુખ બદલનાર ધિમાન રોય જેવા દંભી લેખકો એમના વચ્ચે થતી વ્રતીની કુસંગતે ચડવાની, ગુમરાહ હોવાની વાતો સુજાતાને વધારે બેચેન કરે છે, ચક્કર આવવા લાગે છે, અને ત્યારે જ સરોજ પાલ આવે છે! જેના ઇશારે વ્રતી અને તેના મિત્રોનું મૃત્યું થયું હતું તે જ આજની પાર્ટીનો મુખ્ય મહેમાન છે! અને સુજાતાને તેને મિઠાઈ આપવાની છે! આ બધા નશામાં ચૂર, દંભી જીવન જીવતા લોકો સુજાતાને મડદાં લાગે છે, તેમાથી ગંધ આવે છે! તેના મનમાં પ્રશ્ન થાય છે કે વ્રતીએ આવા લોકો માટે પોતાનો જીવ આપ્યો, અને તે વ્રતીના નામની ચીસ પાડી ઊઠે છે, આર્તનાદ કરી ઉઠે છે. આ પીડા, આ આર્તનાદમાંથી નવી સુજાતા જન્મે છે જે શોકથી તપ્ત છે, જે પોતાના પુત્રનો બદલો લેવા માટે દ્રઢ છે!
ભૌતિક સમય પ્રમાણે સમયના આ ચાર પ્રહરોમાં બનતી કેટલીક ઘટનાઓ અને પ્રસંગો સુજાતાને ભૂતકાળમાં લઈ જાય છે. એટલે કથામાં સમયની ગૂંથણી ભૂતકાળ-વર્તમાન-ભૂતકાળ-વર્તમાન એ પ્રકારની છે. એમાં પણ બાળપણનાં વ્રતી સાથેનાં સ્મરણો અને વ્રતીની હત્યા પછીનાં સ્મરણો એક સાથે ગૂંથાતા જાય છે. વ્રતીના મૃત્યું બાદ ત્રણ મહિના પછી ભાનમાં આવતી ફરી બેંક જવાનો અને ત્યાં ભીખનને આશ્વાસન આપવાનો પ્રસંગ તેને ફરી વ્રતીનાં અનેક પ્રશ્નોથી ભરેલા મૃત્યુંનાં સ્મરણોમાં લઈ જાય છે. વર્તમાનમાં ટેલીફોનની ઘંટડી વાગવાની ઘટના સુજાતાને બે વર્ષ પહેલા વ્રતીનાં મૃત્યુંના સમાચારની ઘટના સાથે જોડે છે. તો એ ઘટના પછી મોટો પુત્ર જ્યોતિ એ ટેલીફોન પોતાના રૂમમાં લઈ ગયો છે! એ ઘટનાનાં સ્મરણ સાથે પણ જોડાય છે એટલું જ નહિ સુજાતા અને મોટાપુત્ર જ્યોતિ વચ્ચેના સંબંધોના આલેખનનું પણ નિમિત્ત બને છે. ઘંટડી વાગવાની આ ઘટના સુજાતાને અનુક્રમે બીની અને તુલી દ્વારા કોનો ફોન હતો એવી પૃચ્છા દ્વારા ભાઈ અને માતા સંદર્ભેની વાસ્તવિકતા પણ આલેખાઈ છે. આમ આ એક ફોનની ઘંટડી વાગવાની ઘટના દ્વારા સુજાતા માટે વ્રતી તેના પરિવારના અન્ય સભ્યોથી કઈ રીતે જુદો હતો, તે બહું સાંકેતિત વિગતો દ્વારા આલેખાયું છે.
નવલકથામાં સ્વીકારાયેલો આ એક દિવસ સુજાતાનું જીવન પરિવર્તન કરનારો કેવી રીતે બને છે એમાં જ નવલકથાની કલાત્મકતા છે. સમયની પસંદગી ખૂબ જ સાંકેતિક છે. ભૌતિક સમય તરીકે જે દિવસ પસંદ કરવામાં આવ્યો છે તે ૧૭મી જાન્યુઆરીનો છે. આ તારીખ સાથે ત્રણ સંદર્ભો જોડાયેલા છે: ૧. બાવીસ વર્ષ પહેલા આ જ દિવસે વ્રતીનો જન્મ થયો હતો. ૨. બે વર્ષ પહેલા આ જ દિવસે વ્રતીની હત્યા થઈ હતી અને ૩. વ્રતીની હત્યા બાદ બે વર્ષ પછી સુજાતાની નાની દીકરી તુલીની સગાઈ પણ આ જ દિવસે છે. આ ત્રણે દિવસ સાથે જોડાયેલી ઘટનાઓ સુજાતાના જીવનમાં મહત્ત્વના ભાવાત્મક વળાંકો લાવનાર બની રહે છે. સમયની આ પ્રકારની ચુસ્તી અને પસંદગી નવલકથાની સમગ્ર સંરચના સંદર્ભે કાર્યસાધક પુરવાર થઈ છે.
સુજાતા નવલકથાનું મુખ્ય પાત્ર છે. નવલકથાના આરંભમાં સુંદર ચહેરાવાળી, બી.એ. પાસ, બેન્કમાં નોકરી કરતી, ફૂલછોડને પાણી પાઈ, ચોપડીઓ વાંચી પોતાનું જીવન પૂરું કરનાર, બીજાને અનુકૂળ થઈ જીવનાર, બીજાના સુખને પોતાનું સુખ માનનાર, પોતાની ઇચ્છાઓને દબાવનાર, ક્યારેય સામો જબાવ ન આપનાર, પોતાના જ ઘરમાં ગૌણ પાત્ર ભજવનાર એવી સુજાતા નવલકથાને અંતે ઘર છોડવાનો નિર્ણય કરી, પોતાની ઇચ્છા પ્રમાણેનું જીવન જીવવા તત્પર બને છે. સુજાતાનાં પાત્રમાં આવેલું આ મહત્ત્વનું પરિવર્તન આકસ્મિક નથી, પણ વાસ્તવિકતાની નક્કર ભોંય પર આવેલું સાહજિક છે. વિરોધનો તણખો તો સુજાતામાં પડેલો જ છે, માટે જ તે વ્રતીના જન્મ પછી દિવ્યનાથને પ્રથમવાર શરીર સંબંધ બાધવાની ના પાડી દે છે, તેનો બીજો વિરોધ દિવ્યનાથના કહેવા છતાં નોકરી ન છોડવાનો, ત્રીજો વિરોધ દિવ્યનાથ પાસેથી વ્રતીનાં રૂમની ચાવી માંગવાનો છે. વ્રતીના કહેવા છતાંય સુજાતા દિવ્યનાથનાં અનૈતિક સંબંધોને સહન કરતી રહે છે, દિવ્યનાથને આ સંદર્ભે ક્યારેય પુછતી નથી! પરંતુ સમુની મા અને નંદિનીને મળી આવ્યા બાદ તે દિવ્યનાથને દ્રઢતાપૂર્વક સામે જવાબ આપી શકે છે. કારણ કે સમુની મા અને નંદિની પાસેથી અત્યારસુધી પોતાના ઘરમાં માવડિયો, નોમેલિનેસ જેવી ઓળખ ધરાવનાર વ્રતીની નક્કર વિચારધારા સાથે જીવનાર, અસમાન સમાજ વ્યવસ્થાને બદલવા નીકળેલ તરીકેની નવી જ ઓળખ થાય છે. વ્રતીની આ ઓળખ સુજાતાનાં પરિવર્તનનું કારણ છે. નોકરીના સ્થળ અને ઘર સિવાય ક્યારેય બ્હાર ન નીકળેલી સુજાતાનું પ્રત્યક્ષરૂપે સમુની માના ઘરે જવું તેને વ્રતીની નજીક લઈ જાય છે, તો સાથે સમુની માની વાસ્તવિક પરિસ્થિતિથી પરિચિત થાય છે! પોતાના આવતા સમુની માએ સાડી બદલી છે, એ બદલેલી સાડી પણ કોર વગરની જાડી છે, તો બદલી હશે તે સાડી કેવી જર્જરિત હશે? એવો પ્રશ્ન તેના મનમાં થાય છે અને તે પોતાના પહેરેલા ઘરેણા પ્રત્યે પણ સભાન બને છે. આવા નાના સંકેતો સુજાતાના આંતરને આલેખે છે. તો સાથે તેમના શોષણ, અન્યાય, બેકારી, ગરીબી અને તેના કારણની વાસ્તવિકતામાં પણ લઈ જાય છે. સમુની માને ત્યાંથી નંદિનીનાં ઘર સુંધી જતી સુજાતા નંદિની સાથેની મુલાકાત દ્વારા વ્રતીનાં મૃત્યુંનું ખરું કારણ તેમા સંડોવાયેલ ભ્રષ્ટ રાજ્યતંત્ર વિશે જાણે છે એટલું જ નહિ નંદિની દ્વારા જ તેનો ભ્રમ પણ દૂર થાય છે. પોલીશતંત્રના અત્યાચારો દ્વારા દ્રષ્ટિ ગુમાવવા છતાં હજુ પણ લડવાનો દ્રઢ નિર્ધાર કરનાર નંદિની દ્વારા સુજાતાના નિર્ણયને બળ મળે છે.
નવલકથાનું બીજુ મહત્ત્વનું પાત્ર વ્રતી છે. વ્રતી સુજાતાનું ચોથું સંતાન છે. વ્રતી દ્વારા જ સુજાતાનું પરિવર્તન શક્ય બન્યું છે. વ્રતીના બાહ્ય દેખાવનું વર્ણન આ રીતે થયું છે – ‘ગોરો, દુબળો, વ્રતી – રેશમ જેવા મૂલાયમ વાળ, આંખોમાં મમતા એ વ્રતી’ (પૃ.14) સુજાતાનાં વ્રતી વિશેનાં સ્મરણો દ્વારા વ્રતીના પાત્રનું આલેખન થયું છે. જેમાં વ્રતીનાં પાત્રનાં બે પાસાં આલેખાયા છે: 1. નમાયો અને માવડિયો વ્રતી અને 2. ક્રાંતિકારી વ્રતી. બાળપણથી જ અન્ય ત્રણ સંતાનોથી વ્રતી જુદો છે. સુજાતાના પગે વળગી નોકરી પર ના જઈ પોતાની સાથે રહેવાની જીદ્દ કરતો. આઠ વર્ષનો વ્રતી જ્યારે એકલો સૂતા ડરે છે ત્યારે સુજાતા હેમને તેના રૂમમાં સૂવાનું કહે છે. દિવ્યનાથ ત્યારે ગુસ્સે થાય છે અને અન્ય સંતાનો પણ એકલા સૂતા ડરતા ત્યારે તો સૂજાતાએ આવું ન્હોતું કહ્યું પણ એ સમયે તે દિવ્યનાથ વિરુદ્ધ બોલી શકી ન હતી, પરંતુ વ્રતી વખતે તે ચૂપ રહી શકતી નથી. આમ, વ્રતીનું પાત્ર બાળપણથી જ સુજાતામાં રહેલા વિરોધના તણખાંને સંકોરતું રહે છે. વ્રતીએ નાનપણથી જ કોઈનો રૂઆબ નહોતો સ્વીકાર્યો. પિતાનાં કોઈ નિયમો પાડ્યા નહોતા. તે મોડો ઊંઘીને મોડો ઊઠતો. જમવાના ટેબલને બદલે વ્રતી રસોડામાં જઈને હેમ પાસે ઉંબરા ઉપર બેસીને જમતો. તેને જૂઠું બોલીને ફોસલાવી શકાતો નહિ. સમજાવીને કહો તો જ માને. બાળપણમાં કલ્પનાશીલ બાળક ડરે તેમ ડરતો પરંતુ બાળપણથી તેને મૃત્યુંની કવિતા ખૂબ ગમતી આવો વ્રતી જેમ મોટો થતો જાય છે તેમ એની અંદર એક નવી દુનિયા રચાતી જાય છે. અને એટલે જ તે સુજાતાને પોતાના અન્ય સંતાનો કરતાં જુદો લાગે છે. સુજાતાની તબિયત ખરાબ હોય ત્યારે દશ વર્ષનો વ્રતી પોતાનું રમવાનું છોડી ઘેર આવતો રહે અને માને પંખાથી હવા નાખે છે. માટે જ દિન્યનાથ તેને દૂધ પીતો છોકરો, છોકરી જેવો છોકરો, નો મેનલીનોસ એવું કહે છે! પરંતુ એ જ વ્રતી સુજાતાનાં જીવતા રહેવાનું કારણ બને છે. તેથી જ આવા જિદ્દી, સંવેદનશીલ, કલ્પનાશીલ વ્રતીને તે દિવ્યનાથ અને સાસુંની સામે થઈ પોતાના સાનિધ્યમાં ઉછેરે છે. વ્રતીના પાત્રનું બીજુ પાસું ક્રાન્તિકારી તરીકેનું છે. વ્રતી દિવ્યનાથને ઓળખી ગયો હતો અને એટલે જ પિતાને જે મૂલ્યોમાં શ્રધ્ધા છે, તેમા વ્રતીને નથી. પરિણામે જ પિતા પુત્રનું ક્યારેય બન્યું નથી. તે દિવ્યનાથને ‘બોસ’ કહેતો. તે પિતાના અન્ય સ્ત્રીઓ સાથેનાં સંબંધો વિશે જાણતો હતો અને આ સંદર્ભે પિતાને ધમકી પણ આપી ચૂક્યો હતો. તેણે ક્યારેય પિતાની જોહુકમી સ્વીકારી નહોતી. માટે જ દિવ્યનાથને તે પોતાના દુશ્મન જેવો લાગતો હતો. અન્ય ત્રણે ભાઈ – બ્હોનો પિતા વિશે જાણતા હોવા છતાં તેમનો સાથ દેતા! અને તુલી તો પિતાનાં આ વર્તનને મર્દાનગી તરીકે જોતી! આ જાણ્યા પછી વ્રતીએ ક્યારેય તેમના ભાઈ-બ્હોનો જોડે ખાધું નથી. માતા અને પુત્ર વચ્ચે આ બાબતે જ્યારે ચર્ચા થતી ત્યારે તે સ્પષ્ટ રીતે જણાવી દે છે- " એમને જે વસ્તુ પર, જે મૂલ્યો પર વિશ્વાસ છે એની ઉપર બીજા પણ કેટલાયે લોકોને વિશ્વાસ છે. એ મૂલ્યબોધને જે પાળીપોષી રહ્યા છે એ વર્ગ અમારો દુશ્મન છે અને એ જ વર્ગના પિતાજી છે. " (પૃ.18) સુજાતા અને વ્રતી વચ્ચેનાં આવા સંવાદો દ્વારા વ્રતીની ક્રાંતિકારી તરીકેની નક્કર માનસિકતા આલેખાઈ છે. સુજાતા જ્યારે પણ તેને કંઈ પૂછતી ત્યારે તે કશું બોલવાની જ્ગ્યાએ ફક્ત હસી દેતો. તેના આવી રીતે હસવા અને બોલવાની રીતમાં સુજાતાને સહનશીલતા, ધીરજ જેવા ગુણો ઝલકાતા. સુજાતાને તે પોતે બાપ હોઈ અને સુજાતા તેની દીકરી હોય એવી રીતે સમજાવતો. આવો વ્રતી બદલાઈ રહ્યો છે એની જાણ સુજાતાને હતી પરંતુ કોઈ ડર ન હતો. પણ જ્યારે તેની હત્યા થાય છે ત્યારે વ્રતીનું આ મૃત્યું સુજાતા માટે અનેક પ્રશ્નો મૂકી જાય છે. જેનો જવાબ તેને સમુનીમા અને નંદિની સાથેની મુલાકાત દ્વારા પ્રાપ્ત થાય છે. પોતાના પરિવારમાંથી ભૂંસાઈ ગયેલો વ્રતી સમુની માના પરિવારમાં અને નંદિનીનાં આદર્શોમાં જીવે છે! સમુની મા જ્યારે સુજાતાને કહે છે વ્રતીએ અંતિમ રાત અહીં ગાળી હતી, વ્રતી અહીં આવતો, સામેથી ચા માંગતો, સામેથી ખાવાનું માંગતો, ગપ્પા મારતો, સમય ગાળતો ત્યારે સુજાતાને જાણે એક નવા વ્રતીની ઓળખ થાય છે. સમુની મા વ્રતીને કહેતી કે તું શાં માટે બધું લૂંટાવી રહ્યો છે, તારી પાસે શું નથી. ત્યારે વ્રતી કશું બોલતો નથી માત્ર થોડું મલકતો અને વ્રતીનું એ હાસ્ય સમુની માનાં મનમા કાયમ વસી ગયું છે! સમુ, વિજિત, પાર્થ, લાલટૂ આ બધા વિશે જાણીને સુજાતાને વ્રતીનાં સિધ્ધાંતોની નક્કરતા સમજાય છે. વ્રતી પોતાના માટે નહિ પરંતુ સમાજના આ અન્યાય પામેલા વર્ગ માટે લડતો હતો. અને આ બાધાની સાથે જીવતા નહિ પરંતુ મરતા સુધી તેને શોષિતો, અને પીડિતોનો સાથ દીધો હતો. વ્રતીની આ ઓળખ તેણે પોતે ઊભી કરેલી છે. જેની પ્રતીતિ સુજાતાને સમુની માને મળ્યા બાદ થાય છે- " વ્રતીના જીવનનો જે અધ્યાય જેને એણે પોતાનો બનાવેલો હતો, જ્યાં તે સ્વયં સંપૂર્ણ હતો, એ અધ્યાયમાં વ્રતી આ છોકરાઓ સાથે એકરૂપ થઈ ગયો હતો. આ જ એના નજીકના આત્મીય સ્વજનો હતાં; સુજાતા અને ઘરનાં માણસો નહિ,...પોતાનો મત, પોતાની આસ્થા, પોતાના આદર્શ સાથે વ્રતીએ પોતાનું એક અલગ અસ્તિત્વ બનાવ્યું હતું. ...એટલા માટે એ જીવન અને મૃત્યું બન્નેમાં વ્રતીની સાથે જ રહ્યાં અને આજે સુજાતા પણ એ લોકો સાથે એકાત્મ થઈ ગઈ છે. "(પૃ. 52-53) વ્રતીની આ ઓળખ દ્વારા સુજાતા તેની સાથે એકાત્મ તો બને છે સાથે અન્ય બંધનોમાંથી મુક્તિ પણ મેળવે છે. નંદિની સાથેની મુલાકાત દ્વારા વ્રતીના ક્રાન્તિકારી તરીકેનાં કાર્યો અને માતૃવત્સલ પુત્રનું પાસું આલેખાયું છે. જેમાં આ સમાજને બદલવાનાં તેમને સાથે જોયેલા સ્વપ્નો, તેની કવિતાઓ લખવી, મિટિંગો કરવી વગેરે પ્રૃવતિઓ આલેખાઈ છે. તેના જ એક સાથી અનિદ્યનાં દગાને કારણે તેમની હત્યા થાય છે. નંદિની દ્વારા જ વ્રતી પોતાની માતાને સૌથી વધારે પ્રમ કરતો હતો અને એટલે તે અનેક વાર સુજાતાની વાતો નંદિની સાથે કરતો. સુજાતા સાથેની આ લાગણીને કારણે જ ૧૫મી જાન્યુઆરીએ અડ્ડા પર જવાનું હોવા છતાં તેણે મૂલતવી રાખ્યું હતુ. કારણ કે તે જાણતો હતો પોતાનો જન્મદિવસ સુજાતા માટે કેટલો મહત્ત્વનો છે! એટલું જ નહિ પોતાને નોકરી મળતાં સુજાતાને બીજે રહેવા લઈ જવાનું પણ તેણે વિચારી રાખ્યું હતું. આમ સુજાતાનાં સ્મરણોમાં વ્રતીનું પાત્ર છવાયેલું છે. અને અન્ય સ્મરણો સમુની મા અને નંદિનીનાં છે. જેના દ્વારા વ્રતીના પાત્રની સમગ્ર રેખાઓ ઉપસી છે.
ગૌણ પાત્રોમાં દિવ્યનાથ, દિવ્યનાથના માતા, સુજાતાનાં ત્રણ સંતાનો પુત્ર જ્યાતિ, પુત્રી નિપા અને તુલી, જમાઈ ટોની કાપડિયા, નોકરાણી હેમ, સમુની મા, નંદિની, વ્રતીનાં ક્રાંતિકારી મિત્રો સમુ, વિજિત, પાર્થ, લાલટું વગેરે મહત્ત્વનાં છે. દિવ્યનાથ એ ઉચ્ચ મધ્યમવર્ગ તથા દંભી સમાજનું પ્રતિનીધિત્વ કરતું પાત્ર છે. જેને ભ્રષ્ટાચાર આચરીને પણ પોતાનું કામ કરાવી લેતા આવડે છે. જેના માટે પોતાનો મોજ-શોખ, અમન-ચમન એ જ સર્વોપરી છે. ‘માને માથે અને પત્નિને પગ નીચે રાખવી.’ એવી માન્યતા ધરાવનાર છે. સુજાતા તેમના માટે માત્ર ભોગવવાની વસ્તુ છે! અને એટલે જ દરેક પ્રસુતી પછી તે સુજાતાને ટોનિક લેવા વિશે પૂછે અને ક્યારે તેનું શરીર ફરી મા બનવા માટે લાયક થાય તેની જ રાહ જોતા હોય છે! વિવાહ સિવાયનાં સબંધોને તે પુરુષોચિત માને છે. તેમના વ્રતી સિવાયનાં સંતાનોએ પણ પિતાનાં આ સબંધોને સહજ રીતે સ્વીકારી લીધા હતા! પરંતુ વ્રતી નથી સ્વીકીરતો અને તે દિવ્યનાથને આ સંદર્ભે ધમકી પણ આપી દે છે. માટે જ ક્યારેય પિતા-પુત્ર વચ્ચે બન્યું નથી. વ્રતીનાં મૃત્યુંના સમાચાર આવે છે ત્યારે પણ તેને પોતાની આબરુની પડી છે! ના કે પોતાના પુત્રની, એટલું જ નહિ વ્રતીને જોવા જતી સુજાતાને ગાડી લઈ જવાની પણ ના પાડી દે છે! વ્રતીની એકેએક ચીજોને તેના રૂમમાં મૂકી તાળું મારી દે છે. સુજાતાની સ્વતંત્રતા, તેનું સ્વમાન, પ્રેમ એના વિશે તેમને ક્યારેય વિચાર્યું નથી. તેમને જ્યારે આર્થિક સંકડામણ હતી ત્યારે સુજાતાને નોકરી કરવા મોકલી પણ જ્યારે આર્થિક સ્થિતિ સુધરી ગઈ ત્યારે નોકરી છોડવાનું કહી દે છે. આ સંદર્ભમાં પુરુષવાદી સત્તાનું પ્રતિનીધિત્વ કરતું પાત્ર પણ છે. આ રીતે દિવ્યનાથના પાત્રનું આલેખન તેમની વિચારધારા અને કાર્યોઓ દ્વારા થયું છે.
સુજાતાનો મોટો પુત્ર જ્યોતિ અને પુત્રવધુ દેખિતી રીતે એકબીજાને બેહદ પ્રેમ કરતાં દંપતી છે પરંતુ વાસ્તવજીવનમાં તેમની પથારી પણ જુદી છે! બીની અને જ્યોતિ પાર્ટીમાં ક્યારેય એકબીજા સિવાય અન્ય સાથે નૃત્ય પણ કરતાં નથી. જે એક પરિવારમાં રહેતા હોવા છતાં જાણે પોતાની સ્વાયત્ત દુનિયામાં જીવતા હોય એ રીતે આલેખાયા છે, જોરજોરથી ઝગડ્યા બાદ પણ તુરંત જ હસી હસીને વાતો કરવી તેમના માટે સહજ છે! નીપા સુજાતાની મોટી દીકરી છે. જેને લગ્ન પછી પણ પોતાના દીયર સાથે સંબંધ છે. નાનું બાળક હોવા છતાં તેને પાર્ટીમાં મોજશોખમાથી ફુરસદ નથી. તો તુલી હંમેશા પોતાના પરિવારનાં સભ્યોથી અસંતૃષ્ટ રહેનારી છે. જાણે તેના દ્વારા પોતાનું ઘર ચાલે છે, એ કશું ન કરે તો ઘરમાં કંઈ જ ન થાય એ પ્રકારની માનસિકતા ધરાવે છે. તેનો દેખાવ અને રૂઆબ સુજાતાની સાસુ જેવા છે. અને એટલે જ તે દિવ્યનાથની પ્રિય છે. પિતાના અન્ય સ્ત્રીઓ સાથેનાં સબંધોને તે પુરુષત્વ તરીકે ખપાવતી હતી અને માટે જ પોતાના મોટાભાઈને કાયર કહેતી! સાસુનું પાત્ર પણ ખુબ ઓછી રેખા દ્વારા અસરકાર આલેખાન પામ્યું છે. પુત્રના અવગુણોને ઢાંકનાર અને તેને પ્રોત્સાહન આપનાર તથા વહુ પર સત્તા જમાવનાર પીઢ પરંપરાગત સાસુ તરીકેનું તેનુ પાત્ર આલેખાયું છે. તેની સર્વોપરી સત્તાનાં આલેખન માટે એક વાક્ય- જ્યા સુધી સાસુ જીવતા હતા ત્યાં સુધી સુજાતાએ પોતાની મનપસંદ સાડી પણ ખરીદી નથી! - જ પૂરતું છે દિવ્યનાથના આ પરિવારજનો શ્રીમંત સમાજમાં દંભી જીવન જીવતા લોકોનું પ્રતિનીધિત્વ કરનારા છે. તો સામે પક્ષે નીમ્મ વર્ગનું પ્રતિનીધિત્વ કરનાર તરીકે સમુની માનો પરિવાર આલેખાયો છે. જેમાં ગરીબી, બેકારી, અસમાન વર્ગ રચનાનો ભોગ બનેલ સમુ, લાલટૂ, વિજિત, પાર્થ છે. જેમણે આ દુષણોને દુર કરવા ક્રાન્તિનો માર્ગ અપનાવ્યો છે. અને વ્રતી પણ તેમની સાથે જોડાયેલો છે. તેમનું મૃત્યું તેમના પરિવારજનોને અંધકારની ગર્તામાં ધકેલી દે છે. સમુની માના વસ્ત્રો, તેના ઘરની કાગળ પૂંઠાની દિવાલો, એકના એક પુત્રનાં મૃત્યું પર રોતી, ચૂલો ફૂંકતી સમુની માનું આલેખન એ આપણાં દેશની કારમી વાસ્તવિકતાને આલેખે છે. સમુના ગયા બાદ જેને એક ટંક ખાવાના પણ સાસાં છે. પરંતુ જ્યા લાગણીની સચ્ચાઈ છે! ભાઈ અને પિતાનું અવસાન થતાં ઘરની બધી જવાબદારી પોતાના પર આવી પડતા ટ્યુશન કરીને ઘર ચલાવતી સમુની બ્હેન જે સુજાતાનાં આવતા ચિડાય છે. કારણે તેને પોતાના મહોલ્લામાં સાંભળવું પડે છે, અપમાનિત થવું પડે છે. આ બધા પાત્રો વાસ્તવિકતાની ભોંય પર આલેખન પામ્યાં છે. આ બે પરિવાર સિવાય નંદિનીનું પાત્ર પણ મહત્ત્વનું છે. જેના કારણે સુજાતામાં વિરોધ કરવાની શક્તિ દ્રઢ બને છે. નંદિની વ્રતીની સાથીદાર અને પ્રેમિકા છે. વ્રતીનાં મૃત્યું સમયે જ તેની પણ ધડપકડ થયેલી અને તેના દ્વારા જ પોલીસતંત્રનાં અત્યાચારો પણ આલેખાયા છે. પૂછતાછને નામે નંદિની પર થયેલાં અત્યારો અને અમાનુસી વર્તનનું બયાન નંદિની દ્વારા થયું છે. હજારો વોલ્ટની લાઈટ સતત તેના પર ફેકવાને કારણે તેણે પોતાની આંખ ગૂમાવી છે પરંતુ આ અમાનુસી અત્યાચાર તેને તોડી શક્યો નથી! ઉલ્ટું તેની લડવાની શક્તિને વધારી છે! નંદિનીનાં આ દ્રઢ નિર્ધારને કારણે જ સુજાતાને પણ બળ મળે છે. બીજુ બધુ શાંત છે એ સુજાતાનાં ભ્રમને પણ નંદિની તોડે છે, જેના કારણે સુજાતા વાસ્તવિકતાને જાણે છે. આ બધા પાત્રોની સાથે દંભી જીવન જીવતાં અને ભ્રષ્ટાચારને માર્ગે ચાલી પૈસા, માન, મોભો મેળવનાર પત્રો તરીકે મૌલી મિત્રા, જિસુ મિત્રા, મિસિસ કાપડિયા, મિસ્ટર કાપડિયા, રાજનેતાનાં હાથા તરીકે કામ કરનાર સરોજપાલ જેવા પોલિસ અધિકારી, તો 420 તરીકે તુલીનો થનાર પતિ વગેરે જેવા પાત્રો દ્વારા આ સમયની સામાજિક અને રાજકીય સમસ્યાઓનું આલેખન થયું છે.
વિષયને અનુરૂપ ભાષા નવલકથાનું જમાં પાસું છે. ભષાની દ્રષ્ટિએ આ નવલકથામાં લેખિકા સમક્ષ પડકાર છે. કારણ કે એક તરફ માતા સુજાતાની આંતર અભિવ્યક્તિ છે, તો બીજી તરફ નક્શલવાદનું આંદોલન. પરંતુ લેખિકાએ આ પડકારને ભાષાનાં ત્રણ ઘટકો કથન, વર્ણન અને સંવાદ પાસેથી અસરકારક કામ લઈને સફળતા પૂર્વક ઝીલ્યો છે. કેટલાક ઉ.દા. જોઈએ તો વ્રતીને જન્મ આપવા સમયેની સુજાતાની પીડાનું આલેખન- ‘ડૉક્ટરનો ચહેરો એને જોઈને ચિંતાતુર થઈ ગયો હતો. સુજાતા ડરી ગઈ હતી, દર્દને લીધે આંખો વારંવાર દ્રવી ઊઠતી હતી. જાણે કોઈએ બે આંખો પર ઘસેલો કાચનો ટુકડો રાખી દીધો હોય.’ (પૃ.8)
‘સુજાતાનાં પેઢુને ચીરતાં દુખાવો અંદર-બહાર થઈ રહ્યો હતો. ઈ.સ. ૧૯૪૮ની ૧૬મી જાન્યુઆરીએ સુજાતા વારે વારે પથારીની ચાદરને મુઠ્ઠીમાં ભીંસી લેતી હતી. માથું પરસેવાથી પલળી ગયું હતું. આંખો નીચે કાળાં કુંડાળાં ફેલાઈ રહ્યાં હતાં. સહેજ પણ ઠંડી નહોતી લાગતી, અલબત્ત તે વર્ષે જાન્યુઆરીમાં ખૂબ જ ઠંડી પડી રહી હતી.’ (પૃ.9) જેવા કથનમાં હ્રદયદ્રાવક ભાષાનો પ્રયોગ થયો છે. તો સુજાતા જ્યારે વ્રતીની લાસને જુએ છે તેનું વર્ણન પણ લેખિકાનાં ભાષા પ્રભુત્વને સિદ્ધ કરે છે-
‘એની છાતી, પેટ, ગરદન ઉપર ગોળીઓનાં ત્રણ નિશાન હતાં. ભૂરાં ધાબા! ખૂબ પાસેથી છોડેલી ગોળીઓ, ભૂરી ચામડી કોરડાઈટની આગથી શેકાયેલી, બદામી લોહીના ખાબોચિયાની ચારેબાજુ દારૂ-ગોળાના ધુમાડાથી ખાલી થયેલા ખોખાં, લીરાચીરા થયેલ ચામડી, ગરદન, પેટ અને છાતીમાં ત્રણ ગોળીઓ. ’ (પૃ.15)
‘વ્રતીની ચહેરો! વ્રતીનો ચહેરો ! સુજાતાએ ખૂબ બળપૂર્વક બંને હાથે ચાદર ખસેડી નાખી હતી. વ્રતીનો ચહેરો! કોઈ તીક્ષ્ણ અને ભારે હથિયારના પાછળના ભાગથી મારી મારીને છૂંદી નાંખેલો વ્રતીનો ચહેરો!’ (પૃ.15)
પુત્રને લાસ રૂપે જોતી માતાનાં હ્રદયભાવો આબેહુબ ભાષામાં ઝીલાયાં છે. જેના માટે લેખિકાની સાથે એક અનુવાદકાર તરીકે નિસ્પૃહા દેસાઈની પણ સિધ્ધિ છે. એટલું જ નહિ સુજાતાના મનોભાવને પ્રગટ કરવા માટે વિરામ ચિહ્નોનો પણ સાર્થક વિનિયોગ નવલકથામાં થયો છે. જેમકે વ્રતીનાં મૃત્યું અને તેના પરિવારની વ્રતીના મૃત્યું પરની પ્રતિક્રિયા સંદર્ભે સુજાતાનાં મનમાં સર્જાતી પ્રશ્નો અને આશ્ચર્યોની હારમાળા. તો ‘મધ્યાહન’ પ્રકરણનાં આરંભમાં મૂકાયેલું કલકતાની એક કોલોનીનું વર્ણન (જેમાં સમુની મા રહે છે) અને એ જ કોલોનીની બદલાયેલી વર્તમાન સ્થિતિનું વર્ણન વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપનાર બન્યા છે. સમુના ઘરના વર્ણન દ્વારા આપણા દેશની કરુણ વાસ્તવિકતા આલેખાઈ છે- ‘આ લોકોનું ઘર ખૂબ જ જર્જરિત છે. પતરાંના છાપરા પર ઘૂળ-ધમાસ જામેલ છે. ચારેબાજુની દીવાલ તૂટેલી છે. ક્યાંક ક્યાંક કાગળ, પૂંઠા ચોટાડ્યાં છે.’ (પૃ.33) તો વ્રતી અને તેના મિત્રો પર થયેલા હુમલાનું વર્ણન પણ ચાક્ષુસ અને રૂવાડાં ઊભા કરી દેનારું છે-
‘એક ચીસ... સાલ્લાઓ ચપ્પુ ચલાવો છો? કોઈએ કહ્યું, ‘‘ ખતમ કરો સાલાઓને.’’સૂત્રો ત્રણ અવાજોમાં, પછી વિજિતના ગળામાં ખૂબ ઝડપથી ફંદો આવી પડે છે, એનો અવાજ રુંધાઈ જાય છે. ‘‘હા, હા, હા,’’ સૂત્રો! સૂત્રો! સ્લોગન ‘‘જિંદાબાદ’’! "જુગ જુગ જીવો !" ભયંકર નાસભાગ. અચાનક બધા જ અવાજો થંભી ગયાં. ખૂનીઓ દૂર ભાગી રહ્યાં છે. ગોળીનો અવાજ ફટ્ ફટ્ ફટ્ શિયાળાની ઠંડી હવા થથરી જાય છે. ગંધકની વાસ-હવાનું ગળું ગૂંગળાવતી દારૂ-ગોળાની વાસ! કાલિમાથી લીંપાયેલા ચહેરાઓ દૂર ભાગી રહ્યાં છે...’ (પૃ.59-60)
આવા અનેક વર્ણનો નવલકથાનું જમાં પાસું છે સાથે આ બધા વર્ણનો લેખિકાની ભાષાક્ષમતા અને ભાષાપ્રયોજન શક્તિનો પરિચય કરાવે છે.
કથન અને વર્ણનનાં પ્રમાણમાં નવલકથામાં સંવાદ બહુ ઓછા છે પરંતુ તે પાત્રની માનસિકતાને પ્રગટ કરનારા છે. જેમકે સુજાતા અને તુલી વચ્ચેનો સંવાદ-
"અજીબ ઘર છે! અને અજીબ એની ડિસિપ્લિન." તુલીએ દબાયેલા અસંતુષ્ટ અવાજે કહ્યું હતું
અત્યારથી માત્ર અઠ્ઠાવીસ વર્ષની ઉંમરમાં જ આટલો અસંતોષ ભર્યો છે ! હજી આખી જિંદગી બાકી છે. "જ્યોતિ મોડો સૂએ છે એને ઊઠાડવાથી શું ફાયદો? અને તારા પિતાજી તો લસ્સી પીશે."
" એ તો મેં એમને માલિશ કરવાવાળા સાથે જ મોકલી દીધી છે. પિતાજીની વાત નથી."
" બિની પૂજા કરીને આવે છે."
" એ બધા ઢોંગ છે."
"કેમ? ઢોંગ કેમ છે? તારી દાદી તો રોજ પૂજાપાઠ કરતી હતી. મને નહોતું ગમતું છતાં રિવાજ ખાતર પાણી અને ફૂલ હું પણ ચડાવી દેતી. બિનીને ગમે છે તો એ પૂજાપાઠ કરે છે એમાં તને ઢોંગ ક્યાં દેખાય છે?"
" વિલાયતમાં પિતાનું ઘર છે એટલે ત્યાં રહેતી હતી. ત્યાં ઉછરીને મોટાં થયેલાંને! પૂજા કરવામાં શું વાંધો આવે? મને તો કાંઈ વિરોધ કરવા જેવું નથી લાગતું"
" સાચો ભક્તિભાવ હોય તો જુદી વાત છે. એને માટે પૂજાઘર એ તો ઘરેલૂ સાજ-શણગાર છે."
" તું પણ સ્વામીજીના મંદિરમાં જાય છે- પાર્કસ્ટ્રિટમાં "
" એ જુદી વાત છે મા "
" મને તો નથી લાગતું. જેને જે વાતમાં વિશ્વાસ હોય જે કરવાનું મન થતું હોય તે કરે પણ બીજાનો વિશ્વાસ ઢોંગ ધતિંગ અને પોતાનો વિશ્વાસ સાચો એવું કેમ વિચારે છે ?".... (પૃ.28)
ઉપરાંત વ્રતી અને સુજાતા વચ્ચેનો સંવાદ, સુજાતા અને સમુની મા વચ્ચેનો સંવાદ અને સુજાતા અને નંદિની વચ્ચેનો સંવાદને પણ આ રીતે જોઈ શકાય.
નવલકથામાં પ્રયોજાયેલા ઉપમા, ઉત્પ્રેક્ષા જેવા અલંકારો દ્વારા પાત્રની માનસિકતા અને આ દંભી સમાજની વાસ્તવિકતાનું અસરકાર આલેખન થયું છે-
‘બધું જ ધૂંધળું ધૂંધળું, પણ કોઈ કોઈ સ્મૃતિ હીરાની છરી જેવી ચમકતી, ધારદાર તેજ હોય છે-પોતાના તેજથીજ કાપી નાખે એવી.’
‘આ બધું જાણે ઊધઈએ ખાધેલું, વ્યાધીગ્રસ્ત, સડેલું કેન્સર છે. મૃત થયેલા સંબંધોને જાણે ઢસડતાં હોય તેમ, કેટલીક લાશો જીવવાનો દેખાવ કરી રહી છે. (પૃ.101).
તો સાંપ્રત કટોકટીની સ્થિતિ સંદર્ભે મૌન સેવનાર બૌધિકો પર નવલકથામાં ધારદાર –તિક્ષ્ણ કટાક્ષો કર્યા છે. ઉ.દા. તરીકે – ‘પશ્ચિમ બંગાળના તરુણ કિશોરોનું જીવન સંકટમાં છે. આ કોઈ એવી ગંભીર ઘટના નથી. જો હોય તો શું સરઘસના શહેર આ કલકત્તામાં સંઘર્ષના સમર્થક કલાકાર, સાહિત્યિક અને બુદ્ધિજીવી લોકો આ બધું લખવા માટે પોતાની કલમ ન ઉપાડત? સમુના શરીર ઉપર તેવીસ ઘા હતા અને વિજિતના શરીર ઉપર સોળ. લાલટૂની નાભિ અને આંતરડાને ખેંચી કાઢીને લાલટૂના શરીર પર લપેટી દીધાં હતાં. એમાં જરૂર કોઈ પાશવતા, પૈશાચિકતા નહોતી ને? જો હોય તો કલકત્તાના કવિ અને લેખક પેલી બાજુના બંગાળમાં થતી પાશવિકતાની સાથે સાથે આ બંગાળમાં થતી પાશવિકતાનું વર્ણન પણ કરત, કંઈક કહેત. અને જ્યારે એ લોકોએ ના કહ્યું, કલકત્તામાં થતી રોજ રોજની આ લોહીની હોળીને વણ દેખી કરીને કવિઓએ ફક્ત બીજા બંગાળના મૃત્યું યુધ્ધની વાતો જ લખી ત્યારે એમનો જ દ્રષ્ટિકોણ ઠીક રહ્યો હશે, હેં ને? સુજાતાની દ્રષ્ટિ ચોક્કસ ખોટી છે, ચોક્કસ. કવિ-લેખક-બુદ્ધિજીવી કલાકાર- આ લોકો તો સમાજના વિશિષ્ટ સન્માનિત સભ્યો છે, સમાજના સ્વીકૃતિ પ્રાપ્ત પ્રવક્તા દેશના અંત:કરણનો અવાજ!’ (પૃ.47) કટાક્ષની આ ધાર ભાષામાં બરાબર અનુભવાય છે. આમ, લેખિકાએ સમાજની રાજકીય અને સામાજિક પરિસ્થિતિને આલેખવા માટે ભાષા પાસેથી કાર્યસાધક કામ લીધું છે. અને અનુવાદક તરીકે નિસ્પૃહા દેસાઈએ પણ ભાષાની આ તિક્ષ્ણતાને ગુજરાતીમાં પણ જાળવી રાખી છે.
સામાજિક અને રાજકીય વાસ્તવિકતાનાં આલેખનમાં પરિવેશનો કાર્યસાધક વિનિયોગ લેખિકાએ નવલકથામાં કર્યો છે. કેટલાક ઉ. દા. જોઈએ. જેમકે કલકત્તાનું એ ૧૯૪૮નું વાતાવરણ નવલકથામાં વાસ્તવની ભૂમિકાએ આલેખાયું છે – ‘હવે કોઈ અશાંતિ નથી. કોઈ ડર નથી. હવે દુકાનોના દરવાજા ધડાધડ બંધ નથી થતાં. ઘરનાં દરવાજા પણ બંધ નથી થતાં. રીક્ષાવાળા, રાહદારી કે શેરીનાં કુતરાં કોઈ ઊંધુ ઘાલીને ભાગતાં નથી. આજ કાલ ક્યાંય બોમ્બ ફૂટવાનો અવાજ પણ નથી સંભળાતો કે નથી સંભળાતું- મારો મારો, હો-હલ્લા, મરતા માણસની ચીસ, કે મારવાવાળાનો ઉલ્લાસ! શબવાહિનીઓ ઘરઘરાટ સાથે હવે સડકો ઉપર નથી દોડતી, હેલ્મેટ પહેરેલ પોલીસ, સિપાહી કે મિલિટરીનો જવાન કોઈ કિશોરને ઘસડતો લઈ જતો નથી દેખાતો. પોલીસવાનની પાછળ દોરડાથી બાંધેલું બેહોશ શરીર રસ્તા ઉપર ઢસડાતું, ખેંચાતું નથી જોવા મળતું.’ અહીં વર્તામાન પરિસ્થિતિની સાથે બે વર્ષ પહેલાની પરિસ્થિતિ પણ વક્ર રીતે આલેખી છે!
‘આ બધા ઉપરથી એવું માની શકાય કે કલકત્તા એ દિવસે પણ સ્વાભાવિક જ હતું. ફક્ત વ્રતી ભવાનીપુરથી દક્ષિણ જાદવપુર નહોતો જઈ શકતો. બારાસતના આઠ છોકરાઓ ગળામાં નાંખવામાં આવેલ ફાંસાથી રુંધાઈ બેહોશ બની અને પછી ગોળીઓ વાગવાથી મરી ગયા વગર ક્યાંયે જઈ શકતા નહોતા. પૂર્વ કલકત્તામાં નાનપણથી સાથે રમેલા એક છોકરાની લોહીથી લથબથ લાશને રીક્ષામાં નાખી બીજા છોકરાઓ તાસ-નગારાં વગાડતા, નાચતા, પૂજાના સરઘસની સાથે સાથે જઈ રહ્યા હતા.’ (પૃ.46)
તો ‘રાત’ પ્રકરણનાં આરંભમાં મૂકાયેલ પરિવેશ નંદિનીની મુલાકાત બાદ સુજાતાની બદલાયેલી માનસિકતાનો સંકેત કરે છે- ‘શિયાળાની સાંજ ખૂબ જલદી ઢળી જાય છે, એટલા માટે જ આટલું અંધારું છે. અને અંધારું છે એટલે જ સુજાતાના દરેક ઓરડાઓમાં આટલો તેજ પ્રકાશ છે.’ (પૃ.81) આ પ્રાકૃતિક પરિવેશ સુજાતાની આત્મઓળખ સંદર્ભે જોઈ શકાય. તો આત્મઓળખ થયાં બાદનો સુજાતાનો વિરોધ આ રીતે આલેખાયો છે- ‘ઠંડી-બેહદ ઠંડી. ઓતરાદા વાયરા ફૂંકાતા હતા. અંધારો બગીચો-ઘોર અંધકાર. આ અંધકારમાં ઓગળી શકાય તો? ફરી પાછું આ ઘરમાં ઘૂસવું ન પડે! સુજાતા જાણે મનોમન ઘર છોડવાનો નિર્ણય લઈ ચૂકી છે. જેનો સંકેત અહીં પડેલો છે.
સર્વજ્ઞના કથન કેન્દ્રથી આ નવલકથાનું કથન થયું છે. સુજાતાની આત્મઓળખની સાથે નક્શલવાદ જેવા સાંપ્રત વિષયનાં આલેખન સંદર્ભે સર્વજ્ઞનું કથન કેન્દ્ર વિશેષ કાર્યસાધક નિવડ્યું છે. જો માત્ર સુજાતાના સંવેદનની વાત કરવાની હોત તો પ્ર. પુ. એ.વ.નું કથન કેન્દ્ર ઉપકારક નિવડી શક્યું હોત પરંતુ અહીં નક્સલવાદનો આખો સંદર્ભ સુજાતાનાં પુત્ર વ્રતી સાથે જોડાયેલો છે. અને વ્રતીનું મૃત્યું થઈ ગયું છે. એટલે કેટલીક વાર સુજાતાનાં સ્મરણો, સ્વપ્નો પણ સર્વજ્ઞનાં કથનકેન્દ્રથી કહેવાયા છે. બીજુ સુજાતાનું સામાજિક જીવન માત્ર બેન્કથી ઘર અને ઘરથી બેન્કની સાથે માત્ર પુત્ર વ્રતી સુધી જ સિમિત છે. જેના કારણે પણ સાંપ્રત નક્શલવાદનું આલેખન તેના કેન્દ્રથી શક્ય બની શકે નહી. અને સુજાતા સ્વભાવે વિશેષ સંકોચશીલ છે, જે પોતાનાં વિશે પણ ખુલ્લીને બોલી શકે તેમ નથી. આ સંદર્ભે પણ સર્વજ્ઞના કથનકેન્દ્ર દ્વારા તેના આંતરિક ભાવોને મોકળાશથી વાચા મળી છે. તેનામાં રહેલો વિરોધ પણ સર્વજ્ઞનાં કેન્દ્ર દ્વારા જ આલેખવો શક્ય બન્યો છે. તો વર્તમાન કલકત્તાની સામજિક અને રાજકીય સ્થિતિનું આલેખન પણ સર્વજ્ઞ સિવાય ભાગ્યે જ શક્ય બને. એમાં પણ સર્વજ્ઞ કથક દ્વારા જે કલકત્તાની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પર બૌદ્ધિકોનું જે મૌન છે તેના પર થયેલાં ધારદાર કટાક્ષો તો પ્ર. પુ. એ.વ. દ્વાર શક્ય જ ન બની શક્યા હોત. તેના માટે તો સર્વજ્ઞનું કથન કેન્દ્ર વિશેષ કાર્યસાધક પુરવાર થયું છે!
આમ, સમગ્ર રીતે જોતા નજીકનાં ઇતિહાસને વિષય તરીકે પસંદ કરીને નારીને કેન્દ્રમાં રાખીને આ નવલકથા લખાઈ છે. પરંતુ સાંપ્રત વિષયનાં આલેખન પૂરતી આ નવલકથા મર્યાદિત રહી જતી નથી. પરંતુ પ્રો. ભરત મહેતાએ કહ્યું છે તેમ સમાજદર્શન અહીં કળાત્મક રીતે પ્રગટ્યું છે. આ સંદર્ભે પ્રો. ભરત મહેતાનો અભિપ્રાય યોગ્ય છે- "માર્ક્સવાદી ચિન્તક લેનિને આજના યુગને એકતરફ સામ્રાજ્યવાદ (era of imperialism)નો યુગ ગણાવ્યો તો બીજી તરફ સર્વહાર ક્રાન્તિ (era of proletariat revolution)નો યુગ પણ ગણાવ્યો છે. સમાજનું આ દ્વન્દ્વ, પ્રતિક્રિયાશીલ અને પ્રગતિશીલ પરિબળોનું દ્વન્દ્વ ‘હજાર ચોર્યાસીની મા’ નવલકથાની સંરચનામાંથી કળાત્મક રીતે પ્રગટ થયું છે. આ કૃતિને ‘નારીવાદી’ કહીને એનું હ્રસ્વીકરણ કરી શકાય તેમ નથી. આ કૃતિમાંથી વિસ્તરતી ત્રિજ્યાઓ નારીવાદના પરિઘને ઓળંગી જાય છે. અહીં લેખિકાનું ક્રાન્તિકારી દર્શન કળાકૃતિની સંરચના વડે પ્રગટ્યું હોવાથી મારે મન આ કૃતિનો મહિમા છે. સ્ત્રીમુક્તિની સાથોસાથ આ નવલકથા સમાજમુક્તિની કથા પણ છે." (પૃ.115)
સંદર્ભ ગ્રંથ