‘વાયરસ’ : ગાયનોકોલોજિસ્ટ ડોક્ટરની કરુણદાયી વ્યથાની કથા
ગુજરાતી સાહિત્યમાં વાર્તા સ્વરૂપ ખૂબ જ વિકસી રહ્યું છે, જેમાં અનેક સર્જકોએ તેમની લેખીની ચલાવી છે. તેમાંના એક સર્જક માવજી મહેશ્વરી. તેમણે વાર્તા, નવલ, નિબંધ, ચરિત્ર, અને સંશોધનક્ષેત્રે નામના મેળવી છે. તેમની પાસેથી વાર્તાસંગ્રહોમાં ‘અર્દશ્ય દીવાલો’, ‘વિજોગ’, ‘રત્ત’, ‘પવન’, ‘હસ્તરેખા’, ‘ખોવાઈ ગયેલું ગામ’ અને ‘સરપ્રાઈઝ’(૨૦૧૬) મળે છે. ‘સરપ્રાઈઝ’ વિશે માવજી મહેશ્વરી નોંધે છે કે :- ‘આ સંગ્રહ ‘સરપ્રાઈઝ’ રૂપે જ આપું છું. મારી વાર્તા શૈલી કરતા વાર્તાનો જુદો ચહેરો આ સંગ્રહમાં દેખાશે’.
‘સરપ્રાઈઝ’માં કુલ ૨૦ વાર્તાઓ ગ્રંથસ્થ છે. એમાંથી અહીં તેમની હૃદયસ્પર્શી વાર્તા વિશે નોંધુ તો :- “ગાયનોકોલોજિસ્ટ ડોક્ટરની વેદનાને વ્યક્ત કરતી આ વાર્તામાં મુખ્ય પાત્ર ડોક્ટર ડિસોઝાનું હોવા છતાં ગૌણ પાત્ર લોપા થકી નાયિકાને(ડોક્ટરની પત્ની અલ્કાને) મજાકમાં કરેલી વાત નાયિકાના મગજમાં વાયરસ રૂપી ઘર કરી જતા નાયક-નાયિકા વચ્ચે મતભેદની દીવાલ બની જતા ગૌણ પાત્ર થકી વાર્તા એક સુંદર કલાઘાટ પામે છે”. એવી ‘વાયરસ’ નામની વાર્તાને આસ્વાદવાનો મારો ઉપક્રમ છે.
વોટ્સ હેપન્ડ ? અંગ્રેજી સાડા છ અક્ષરના પ્રશ્નથી વાર્તાનો ઉઘાડ થાય છે. જોકે આ પ્રશ્ન રોજનો હતો છેલ્લા એક વર્ષથી પૂછાતો હતો અને એનો કોઈ જ ઉત્તર ન હતો. ડોક્ટર ડિસોઝા અંધારામાં તાકતા રહ્યાંને અલ્કા જવાબ આપ્યા વગર પડી રહી. ડોક્ટર ડિસોઝા જડની જેમ પડેલી અલ્કાના હોઠને અડતા બોલ્યા - ‘અલ્કા માય ડિયર આમ જો. પ્લીઝ સી. વોટ્સ ધ પ્રોબ્લેમ ? તને રાતે શું થઈ જાય છે ? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. ડિયર તુ પહેલા કેવી મસ્ત હતી (એક તરફી સંવાદ ; પૃ - ૭૪). ડોક્ટરની જોડે શબ્દો ખૂટી ગયા એનાથી વધારે એમને અપીલિંગ લેંગ્વેજ આવડતી ન હતી. એમને ખબર હતી કે અલ્કા રિસાયેલી હોત તો કદાચ મનાવી લેત. પણ આ રીસ નહીં કંઈક બીજું હતું. પોતે સ્ત્રીઓના શરીરશાસ્ત્રના નિષ્ણાંત ડોક્ટર તેમની પરી જેવી પત્નીના શરીરમાં બરાબરના ગૂંચવાઈ ગયા હતા. આમ જુઓ તો ડોક્ટર ડિસોઝાની કારકિર્દી તેમની ચામડી જેવી ઝગમગ ! પાંત્રીસ વર્ષે દાક્તરીમાં ખ્યાતિ મેળવી લીધી.અલ્કા સાથે અકળ ચોઘડીએ પરિચયમાં આવતા બંનેએ લગ્ન કરી લીધા. અલ્કા એટલે કવિની ભાષામાં કહીએ તો કુદરતે એને ઘડીને હાથ ધોઈ નાખ્યા હશે. પોતાની અદ્ભુત પત્નીને જોઈ ડોક્ટરના હૈયામાં હેતનો હિંલ્લોળ ચડતો. લગ્નના શરૂઆતના દિવસોની રંગીન ક્ષણોમાં ભાવુક થઇ જતા પરંતુ એકાદ વર્ષથી ડોક્ટરનું શરીરશાસ્ત્રનું જ્ઞાન ગુંચળે વળી ગયું હતું. તેમની જ પત્નીના શરીરમાં અટવાયા હતા.તેમના કિંમતી બેડ પર સુવા જાય કે જરા ફ્રેશ થઈને અલ્કા બેડ પર આવતા ડોક્ટરની પરીક્ષા ચાલુ થઈ જતી. ડોક્ટર અકળાતા નિરાશા સાથે સિગરેટ પીવા ટેરેસ પર જતા રહેતા. એક વાર ડોક્ટરે જરા ઝૂકીને અલ્કાના ગાલ પર પોતાનો સુવાળો હાથ ફેરવ્યો જાણે કોઈ અણગમતી ચીજ અડી ગઈ હોય તેમ અલ્કાનું આખું શરીર સંકોચાઈ ગયું તેથી ડૉક્ટર બોલ્યા - ‘અલ્કા આમ લાઈફ કેમ નીકળશે ડિયર ? તારા મનમાં શું ચાલે છે તે મને કહી દે. પ્લીઝ બિલિવ મી કે તું જે કહીશ એ હું કરીશ ( એક તરફી સંવાદ ; પૃ - ૭૭). ડોક્ટર ખાસ્સુ મથ્યા તોય અલ્કા એમ જ પડી રહી. કદી બન્યું ન હતું તે બન્યું. ડોક્ટર ડીસોઝાના મર્મસ્થાન પર કશુક વાગ્યું હોય તેમ એકદમ ટટ્ટાર થયા. એમની અંદરનો પુરુષ ઉછળ્યો. અવાજ બરછટ થયો. દાંત ભીંસીને બોલ્યા - ‘ઓકે.તારે આવું જ કરવાનું હોય તો હવે હું પણ હાથ નહીં જોડું. કાલથી હું બીજા બેડરૂમમાં સુઈશ. પડી રહેજે અહીં એકલી. સાલ્લી નકામી ઓરત... (એક તરફી સંવાદ ; પૃષ્ટ - ૭૭). ઝડપથી ઊભા થઇને ડોક્ટર નાઈટ ગાઉન પહેરીને નીકળી ગયા બહાર. અલ્કા અવાચક થઈ ગઈ. એના હોઠ ધ્રુજયા, ગાલ પરથી આંસુ સરતા રહ્યા. બે ઘડી પોતાને પણ કહ્યું - અલ્કા તે આ શું માંડ્યું છે. આટલું ભણી છે તોય તને નાની વાત સમજાતી નથી ? ડોક્ટર તને કેટલો પ્રેમ કરે છે ! ( જાત સાથેનો સંવાદ ; પૃ - ૭૮). અલ્કાને એવું થયું કે કે દોડી ને ટેરેસ પર જાય અને ડોક્ટરના ગળામાં હાથ નાખીને રડતા રડતા બધું કહી દે. જે મનમાં ધોળાય છે અને માફી માંગી લે. પણ આ વિચારો મનમાં જ રહ્યા અને વાર્તા આખી ફ્લેશબેકમાં જતા તેને લોપા યાદ આવી. લોપાએ એક વખત કૉફી હાઉસમાં કહેલું - ‘અરે ! અલ્કાડી તને આ શું સુજ્યું ? પસંદ કરી કરીને ગાયનોકોલોજિસ્ટ પસંદ કર્યો ? જે માણસ આખો દિવસ કેટલીય સ્ત્રીઓને ઉઘાડી કરતો હોય એ તને આપશે શું ? એના હાથ અનેક સ્ત્રીઓને અડીને બેજાન બની ગયા હોય’ ( પૃ - ૭૮). એય માનવામાં ન આવતું હોય તો કાલથી જજે એના ક્લિનકમાં. પછી અલ્કાને ગંભીર થઈ ગયેલી જોઈને લોપાએ કહ્યું અરે મસ્તી કરું છું યાર. લોપા તો ચાલી ગઈ પણ પાછળ તોફાન મુકી ગઈ. લોપાની આ મજાક આ વાર્તાનું મુખ્ય પાસું છે. લોપાએ કહેલી વાત અલ્કાના મનમાં વાઇરસની જેમ ફેલાઈ ગઈ. તેને રોજ બપોરે ક્લિનિક પર જવાનું શરૂ કર્યું. ક્લિનિકમાં આવતી નાની-મોટી, યુવાન-વૃદ્ધ ,રૂપાળી- કદરૂપી, જાતજાતની સ્ત્રીઓને અલ્કા જોયા કરે. ડોક્ટર દરેક સ્ત્રીને તપાસે. કેબિનની અંદર લઈ જાય. બહાર આવે વોશબેઝીનમાં હાથ ધુએ. થોડીવારે કેબિનમાંથી સ્ત્રી કપડા સરખા કરતી બહાર આવે. આ બધું અલ્કાના મનમાં ઘર કરી ગયૂ ભુલવા મથે તોય ભુલાય નહી. રાતે સુગંધી બેડરૂમમાં ડોક્ટરના સુવાળા હાથ અડે અને આખું શરીર ઠંડુગાર ! ને એક પછી એક ક્લિનિકના ચિત્રો મગજમાં ઊભા થાય. તેથી તેના પર ઝૂકેલા ડોક્ટર ડિસોઝા અજાણ્યો માણસ લાગે. રોજ એનું એજ અંધારું ભિંસતું રહે. એને એવું થાય કે જોરથી ચીસ પાડીને ડોક્ટર ને કહી દે, તમારા શરીરમાંથી વાસ આવે છે, અજાણી સ્ત્રીઓની વાસ. વાર્તાના અંત તરફ જતા અલ્કા ધીમેથી ઉઠી અને વોશબેઝિનનો નળ ચાલુ કર્યો. આંખો પર પાણીની છાલક મારી. ધીમેથી દરવાજો ખૂલ્યો. ડોક્ટરે અલ્કાના ખભા પર હાથ મૂક્યો. અચાનક અલ્કા ચિશ પાડતા બોલી કે પ્લીઝ, ડોન્ટ ટચ મી. આઈ એમ નોટ યોર પેશન્ટ !
પાત્રનિરૂપણ તરફ જોતા અહીં મુખ્ય પાત્ર નાયક ડોક્ટર ડિસોઝાનું છે. જે સ્ત્રીઓના શરીર શાસ્ત્રોના નિષ્ણાંત છે. પરંતુ તે પોતાની જ સુંદર પત્નીના શરીરમાં બરાબરના અટવાયા છે. તેમને તેની સુંદર પત્ની અલ્કા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. વાર્તાની નાયિકા અલ્કા ડોક્ટર ડિસોઝાની પત્ની છે.તે જન્મજાત ચિત્રકાર હતી. તે ખૂબ જ સુંદર સ્ત્રી છે.જ્યારે પાર્ટીમાં ડોક્ટર સાથે જતી તો ત્યાં સંયમી પુરુષો પણ અલ્કાને જોયા વગર રહી શકતા નહીં. ‘અલ્કા એટલે કવિની ભાષામાં કહીએ તો કુદરતે એને ઘડીને હાથ ધોઈ નાખ્યા હશે’( પૃ - ૭૬). તેને તેની બહેનપણી લોપાની મજાકથી ડોક્ટર પ્રતેય ધૃણા જાગી હતી. વાર્તાનુ ખલનાયક પાત્ર એટલે લોપા મિસ્ત્રી જે બિન્દાસ સ્વભાવની પત્રકાર. બિન્દાસ હોવા છતાં પણ અહીં તે ખલનાયિકાનું સ્થાન પામે છે. કારણ કે નાયક અને નાયિકાના સુખી જીવનમાં લોપાની મજાક મતભેદની દીવાલ ઊભી કરે છે જે અલ્કાના મનમાં વાઇરસની જેમ ફેલાઈ જાય છે. આમા લોપાના પાત્ર થકી વાર્તાને એક સુંદર કલાઘાટ મળે છ.
ભાષા સૃષ્ટિ તરફ નજર કરતા મુખ્યત્વે ગુજરાતી શિષ્ટ ભાષામાં જ વાર્તા લખી છે. પરંતુ અનુઆધુનિક યુગને કેન્દ્રમાં રાખીને સર્જકે અંગ્રેજી ભાષા સાથે પણ નાતો રાખ્યો છે. જેથી અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી મિક્સ ભાષા પણ જોવા મળે છે જેનું ટાઈપિગ ગુજરાતીમાં જ છે. જેમ કે :-
‘અલ્કા, પ્લીઝ ટેલ મી. વોટ્સ પ્રોબ્લેમ ? ડુ યુ નો ઇટ્સ વેરી ટેરીફિક કંડીશન ફોર મી ? ( પૃ - ૭૪).
‘અલ્કા માય ડિયર આમ જો. પ્લીઝ સી. વોટ્સ ધ પ્રોબ્લેમ ? તને રાતે શું થઈ જાય છે ? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ’ (પૃ - ૭૪).
‘પ્લીઝ આજે ઓપનલી કહી દે. વી આર નોટ ઓન્લી હસબન્ડ વાઇફ. વી આર. બેસ્ટ ફ્રેન્ડસ’ (પૃ - ૭૫).
વર્ણનકલા તરફ નજર કરતા વાર્તા એ વર્ણન કલાથી ખાસ શોભતી હોય છે. સર્જકની વર્ણન કલા પર કેવું પ્રભુત્વ હોય એ મુખ્ય છે, અહીં વર્ણન કલા પર સર્જકની સારી પકડ રહી છે. જ્યારે ડોક્ટર અલ્કાને રાત્રી સમયે મનાવતા હોય છે. ત્યારે અલ્કા કશું જવાબ નથી આપતી એ વખતની રાત્રીનું વર્ણન :- ‘દૂરથી કોઈ ફાસ્ટ ટ્રેનની વ્હીસલનો અવાજ બંધ બેડરૂમમાં પહોંચી આવ્યો. યુદ્ધ હારી ગયેલા સેનાપતિની જેમ ડોક્ટર ડીસોઝાએ અલ્કા પર નજર નાખી. એમની ગરદન ધીરેથી ઝૂકી ગઈ. એ.સી ફેનની આશિ ઘરઘરાટી સિવાય અલ્કાના હળવે હળવે ચાલતા શ્વાસનો અવાજ ડોક્ટર ડિસોઝાના બેડ પર વેરાતો રહ્યો.’ (પૃ - ૭૫). જ્યારે ડોક્ટર રાત્રે અલ્કાને અડતા ત્યારે જે ચિત્ર ખડું થતુ ત્યારનું વર્ણન :- ‘રાત્રે સુગંધી બેડરૂમમાં ડોક્ટરના સુવાળા હાથ અડે અને આખુંય શરીર ઠંડુગાર ! ન કોઈ સંચાર કે કોઈ ઉન્માદ ! ફિનાઈલ અને દવાની વાસ વચ્ચે એક પછી એક આવતી સ્ત્રીઓ. કૅબીનનું ઉઘાડ થતું બારણું. વોશબેઝિનના નળમાંથી છૂટતું પાણી, વારંવાર હાથ લૂછવા ને કારણે ભીનો થઈ ગયેલો નેપ્કિન !’ (પૃ - ૭૯)
રસ અને સંઘર્ષની બાબતમાં વાર્તાકારે પુરી વાર્તામાં નાયકનું જીવન કરુણમય અને સંઘર્ષી આલેખ્યું છે.નાયક પોતાની પત્નીને છેલ્લા એક વર્ષથી મનાવતો હતો પરંતુ તેના પ્રત્યે થી કોઈ જવાબ ન હતો અહીં સંઘર્ષ સાથે કરુણ રસ પણ જોવા મળે છે જેમકે :- ‘પ્લીઝ આજે ઓપનલી કહી દે. વી.આર નોટ ઓન્લી હસબન્ડ વાઈફ વી.આર. બેસ્ટ ફેન્ડસ. શું હું તને ગમતો નથી ? મારી કોઈ હેબિટ ગમતી નથી ? આખર વાત શું છે ? મને તું જોઈએ. મારી સ્વીટ અલ્કા જોઈએ. માય વાઇફ માય લાઈફ ! પ્લીઝ ટેલ મી...’(પૃ-૭૫). સર્જકે ગૌણ રસમાં વીર રસની આછેરી ઝલક પાડી છે. જેમાં પુરુષની સહનશક્તિ પછીની અભિવ્યક્તિ જોઈએ તો :- ‘એમની અંદરનો પુરુષ ઉછળ્યો. અવાજ બરછટ થયો. જરા દાંત ભીંસીને બોલ્યા - ઓકે. તારે આવું જ કરવાનું હોય તો હવે હું પણ હાથ નહીં જોડું. કાલથી હું બીજા બેડરૂમમાં સૂઈશ. પડી રહેજે અહીં એકલી. સાલ્લી નકામી ઓરત...’(પૃ-૭૭).
અનુઆધુનિકયુગને કેન્દ્રમાં રાખીને સર્જકે શીર્ષક અને વિષયવસ્તુને તદ્દન નવો ઘાટ આપ્યો છે જેમાં અંગ્રેજી શબ્દ ‘વાયરસ’ પરથી બનેલી આ વાર્તામાં અંગ્રેજી ભાષાની પણ સારી મહેક મૂકી છે. વળી સંવાદ, રસ, સંઘર્ષ અને વર્ણનથી એક ઉત્તમ વાર્તા બની રહે છે. આમ ‘સરપ્રાઈઝ’ સંગ્રહ વિશે જે માવજી મહેશ્વરીએ લેખક નિવેદનમાં નોંધ્યું છે એ પરથી કહી શકાય કે ખરેખર વાર્તાનો તદ્દન જુદો ચેહરો જોવા મળે છે.
સંદર્ભગ્રંથ :-