Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ગુજરાતની ભાતીગળ કાષ્ઠકળાનું વિહંગાવલોકન

પ્રાગઐતિહાસિકકાળ મનુષ્યની ઉત્પત્તિનો સૂચકકાળ મનાય છે. પરંતુ માનવ ઇતિહાસના લેખનનો આરંભ લગભગ પાંચ હજાર વર્ષ જૂનો માનવામાં આવે છે. લાખો વર્ષની પ્રાચીન પરંપરાઓ વિશે અનેક માન્યતાઓ અને મૌખિક, વાચિક પૂરા-કથાઓના આધારે જ અનુમાન કરવામાં આવે છે. આદિઅશ્મયુગથી મધ્યઅશ્મયુગ અને અંત:અશ્મયુગ વિશે વિચારતાં એમ કહી શકાય કે તે વખતે માનવસભ્યતા અસ્તિત્વમાં હશે. લગભગ ૩૫ હજાર વર્ષ પૂર્વે યૂરોપમાં ‘ક્રોમેગ્રન માનવ’ દ્વારા પત્થરો અને પ્રાણીનાં શિંગડામાંથી કલાત્મક ઓજારો સર્જ્યા હોવાનો મત મળે છે. અંગ્રેજ નૃવંશશાસ્ત્રી રોબર્ટ બુસફૂટ નોંધે છે,‘ઈસ. 1863માં ચેન્નઈ ખાતે આદિઅશ્મયુગના અવશેષો મળી આવ્યા હતા. એજ રીતે ઇસ. 1893 માં અમદાવાદ ખાતે સાબરમતીના કિનારે હથિયારોના અવશેષો પ્રાપ્ત થયાં હતા. મધ્યઅશ્મિકાલીન ભૂમિતિ આકારના અવશેષો પાવાગઢની આજુબાજુ પણ મળી આવ્યા હતાં. જે લગભગ ચાલીસ હજાર વર્ષ જૂના માનવામાં આવ્યા છે. માનવસભ્યતાની વિખ્યાત હડપ્પાસભ્યતા પાંચેક હજાર વર્ષ પૂર્વેની મનાય છે. સિંધુસભ્યતા અનુસાર લોથલ પાસે માનવઅસ્થિપિંજર મળી આવ્યાં હતાં. એમાં વિવિધ ઘરવપરાશનાં સાધનો અને ઘરેણાં પણ મળી આવ્યા હતાં.અહીંથી પ્રાપ્ત થયેલા કળા વિષયક અવશેષો પણ ધ્યાન ખેંચે છે. આવા તો અસંખ્ય સંશોધન થયાં છે, જે માનવની સર્જનાત્મક કળાદ્રષ્ટિનાં વિશિષ્ટ ગુણોને દર્શાવી આપે છે.

આપણી કળાસંસ્કૃતિમાં શૈલકળા(રોકઆર્ટ) અને માટી તથા વાંસ -લાકડાં દ્વારા બનાવેલી કૃતિઓ વિશેષ રૂપે જોવા મળી છે. જે જીવાતાં જીવન સાથે વણાયેલી છે. વિવિધ પુરાકથાઓ, દંતકથાઓ અને લોકકથાઓ વાચિક-મૌખિક પરંપરાનો મહત્વનો હિસ્સો ગણાય છે. જેમાં વિવિધ લલિત અને લલિતેતર કળાઓનું વર્ણન થતું રહ્યું છે. કળાસર્જનનું એક ઉદાહરણ જોઇએ, વરસાદ મુસળધાર વરસી રહ્યો હોય ત્યારે માનવને એનાથી બચવાની જરૂર ઊભી થઈ હશે. થોડાંક પાંદડાં, વાંસ, થડ અને લાકડાંની આડશ લઈનેકે મોટા પથ્થરોની ગુફાઓમાં એને સુરક્ષા મળી હશે. પછી નવરાશની પળોમાં એણે લાકડાં કે પથ્થર ઉપર અસ્પષ્ટ આકૃતિઓ કોતરી હશે...! નૃવંશશાસ્ત્રીઓપણઆવા નિષ્કર્ષ પર આવે છે. એ રીતે ચિત્રો,કથાઓ, સંગીતની ધુનો અને વિવિધ કળાઓનો આવિર્ભાવ થયો હશે. કળાનો એક આધુનિક સિધ્ધાંત છે કે સ્વતંત્રતા સાથે સર્જનાત્મકતા અને સૌંદર્યબોધની પ્રાપ્તિ,એ ઉપરોક્ત સંભાવનાઓને દ્રઢ કરે છે. માનવજાત પાસે હજારો વર્ષોથી રહેલો કળાનો ભવ્ય વારસો એની સૌથી મૂલ્યવાન જણસ છે.

કળાનો આવિર્ભાવ એક અમોઘ સ્ફોટ હોય છે. એક સહજ કળા(possible arts) અને એક વિશેષ પરિસ્થિતિમાં સર્જાય છે એ વિશિષ્ટ કળા(potential arts)છે. એમાં આત્માનો ગહન સ્ફોટ હોય છે, જેનાથી કળાકૃતિનું સર્જન થતું હોય છે. પછી એની સાથે રસ, સૌંદર્ય, આનંદ, લાવણ્ય અને સમસામયિક સાધારીકરણ વગેરે કલાનાં સોપાનો જોડાતાં જાય છે. આપણે ત્યાં સૌંદર્યની મીમાંસા ખૂબ વિસ્તૃત રીતે થઈ છે. એ કળાની ધ્યોતક બાબત છે. દુનિયા અને ભારતમાં પ્રાચીન સમયથી શિલ્પો, મૂર્તિકળા અને કાષ્ઠકળા અને ચિત્રકલાઓ જોવા મળી છે.ચીની પ્રવાસી હ્યુએન સંગ કે અન્ય મુસાફરોએ આપણી ભવ્ય શિલ્પ અને હસ્તકળાઓ વિશે વિગતે નોંધ્યું છે. આ લેખમાં આપણે ગુજરાતની કાષ્ઠકળાના સંદર્ભમાં વિગતે વાત કરીએ.

એ તો સર્વવિદિત છે કે આદિમાનવો જંગલો અને પર્વતીય પ્રદેશોમાં વસવાટ કરતા હતા. અહીં એમની કળાદ્રષ્ટિ પણ ધીરેધીરે વિકસિત થઈ હતી. સાદ્રશ્યતાના સિધ્ધાંત અનુસાર માનવ સૌ પહેલાં પશુ,પંખી, માનવ આકારો અને ઘરવપરાશનાં સાધનો બનાવતો થયો. એની સાથે પોતાના રક્ષણ માટે વિવિધ હથિયારો પણ બનાવતો. જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી ચૂક્યાં છે. ભારતવર્ષની વાત કરીએ તો સમય જતાં સંસ્કૃતિની બે પરંપરાઓ વિકસતી ગઈ. એક કલાકારીગરી અને બીજી વાચિક કે મૌખિક સાહિત્યની પરંપરા. અલબત્ત, બંને એકબીજાનાં અભિન્ન અંગ છે. આ લોકકળાઓ સમકાલીન અને વર્તમાન સંસ્કૃતિને સમજવા માટેનું મહત્વનું માધ્યમ છે અને અંશ છે. તત્કાલીન જીવન, દેશકાળ, જનજીવન, ઋતુઓ અને વ્યવહારોની વાત કળાઓ દ્વારા સુપેરે સમજી શકાય છે. મધ્યપ્રદેશમાં ભીમબેઠકા અને ઉદયગીરીના શૈલ ચિત્રો,ગુજરાતનાં જૈન સ્થાપત્યો, કિલ્લાઓ, કાષ્ઠકલાની હવેલીઓ અને ઐતિહાસિક ધરોહરો એનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે.

ભારત અને ગુજરાતમાં અનેક કળાઓ પ્રાચીન કાળથી સ્થાપિત થયેલી છે. તે જેતે સમયની સભ્યતા અને સંસ્કૃતિને સમજવામાં ઉપયોગી નીવડે છે. અહીં ખૂણે ખૂણે હસ્તશિલ્પીઓ અને કલાકારો રહે છે. કાષ્ઠકળાની વાત કરીએ તો કેટલાક પ્રશ્નો ઉદભવે છે. કાષ્ઠક્લા કેવી રીતે સર્જાય છે? એનાં સર્જન માટે કઈકઇ સામગ્રી જરૂરી છે? કાષ્ઠકળાની પરંપરા કેટલી પ્રાચીન છે? કાષ્ઠકલા દ્વારા સૌંદર્યપરક દ્રષ્ટિ ખીલે છે?કાષ્ઠકળાનું શું ઔચિત્ય છે? લગભગ દરેક પ્રશ્નોનાં ઉત્તર આપણે પામી શકીએ છીએ. જ્યારે આપણે આંગણું બુહારીએ ત્યારે વાંસ કે ખજૂરીની સાવરણીનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે નૃત્ય કરવું હોય તો સાગ કે સીસમના મોટાં થડમાંથી બનાવેલ ઢોલને વગાડીને સંગીતમાં લયતાલ ઉત્પન્ન કરવામાં આવે છે. તો ઘરને બારણાં કે બારી વડે ઉજાસ કરવા અને રક્ષણ કરવા વિશે વિચારીએ છીએ. આ રીતે કાષ્ઠકળાના વિવિધ આયામો ઉદભવે છે. કાષ્ઠકલા વિષે 13મી, 14મી સદીમાં ‘પ્રમાણમંજરી’ નામનો ગ્રંથ મળી આવે છે. જેના રચયિતા નકુલપુત્ર મલ્લ છે, તેઓ માળવા પ્રદેશના છે. તેમણે કાષ્ઠકળા વિશે વિગતે લખ્યું છે.

વૈદિકકાળમાં મોટાભાગે લાકડાં અને વાંસ દ્વારા મકાનો અને કાષ્ઠગ્રામો બનતાં હતાં,એવું વેદ, પુરાણો અને ઉપનિષદોમાં વર્ણવવામાં આવ્યું છે. અલબત,એના કોઈ આધાર કે અવશેષો મળતા નથી. રાજાને રહેવાના મહેલો,રાણીના અંતેવાસો, ઋષિઓના આશ્રમો, પર્ણકુટીઓ, મકાનો, મંદિરો વગેરેનાં નિર્માણમાં લાકડાંનો મહત્તમ વપરાશ થયેલો જોઈ શકાય છે. તો દરવાજા,બારસાખો, મહેલો અને મંદિરોમાં થતી કોતરણી અને કલાત્મક શિલ્પોનો ઉલ્લેખ જોવા મળે છે. નંદવંશના શાસન દરમિયાન લાકડાંનો ઉપયોગ મહાલયો, મંદિરો અને કિલ્લાઓ બનાવવા થયો હતો. જેના પુરાવા પણ મળી આવે છે. પ્રાચીન પાટલિપુત્ર નગરના ખોદકામમાંથી મોટાં પાટડા મળી આવેલ છે. પરંતુ એના પર કોતરકામ જોવા મળતું નથી. પરદેશી મુસાફરોએ નોંધ્યું છે કે નંદશાસનમાં અને મૌર્યકાળમાં ભારત અને ગુજરાતમાં કાષ્ઠકળાનો વિકાસ થયેલો જોવા મળે છે. ચન્દ્ર્ગુપ્ત મૌર્ય પછી સમ્રાટ અશોકનો સમયગાળો સ્થાપત્ય અને શિલ્પકળા માટે નોંધપાત્ર ગણાયો છે. કીર્તિસ્તંભ, જયસ્તંભ વગેરેમાં આરસ અને ગુલાબી પથ્થરનો ઉપયોગ થયો છે. પરંતુ એના પાયામાં કાષ્ઠકળાનો સંદર્ભ ઉપયોગમાં લીધો હશે એ સ્પષ્ટ છે. જેની વિગત સાંચીનાંસ્તુપો અને અમરાવતીના બૌધસ્તુપોની વેદીકાઓ અને તોરણોનાં બાંધકામમાં થયેલ કોતરણી પરથી જાણી શકાય છે. એક વિચાર પ્રમાણે સ્થળ અને કાળ કલાનાં પોષક તત્વો છે. ગુજરાતની ભૂમિ કલાકારો માટે પ્રેરક બને છે. કોઈપણ શિલ્પકૃતિ સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. આપણી કાષ્ઠકળાઓ સંગીત,નૃત્ય,ચિત્ર અને પારંપરિક જીવનને લઈને સર્જાઈ છે.

ગુજરાતમાં જૂનાગઢની ઉપરકોટની પ્રાચીન ગુફાઓમાં ચંદ્ર સલાકાઓ ઉપરનું કોતરકામ તથા બાવા પ્યારાની ગુફાના દ્વારો પરનું અદ્ભુત નકશીકામ, તળાજાની એભલ ગુફાની છત અને બહારના ભાગે કરેલું કોતરણી કામ, સાલા ડુંગરની ગુફાઓનાં સ્તંભો ઉપરની કોતરણીમાં કાષ્ઠશિલ્પની અસર થયેલી છે. ગુજરાતમાં છ્ઠા સૈકાથી લઈને દસમાં સૈકા સુધીમાં કાષ્ઠકલાનો વિકાસ થયેલો જોઈ શકાય છે. આ કાળ ચૌલુકયો અને સોલંકી શાસકોનો સમય હતો. તો એક તરફ મુસ્લિમો પણ ભારતમાં આવી ચૂક્યા હતા. એ દરમિયાન બૌધ્ધ અને જૈન તથા વૈષ્ણવ પરંપરામાં કાષ્ઠશિલ્પો જોવા મળે છે. ઇસ. 470- 788 દરમિયાન મૈત્રક રાજય અસ્તિત્વમાં હતું. ઇસ. 900 થી ઇસ. 1360 દરમિયાન સોલંકી અને વાઘેલા શાસનકાળમાં મોટાભાગે મંદિરો, ચબૂતરા અને મહેલોમાં કાષ્ઠકલા જોવા મળે છે. ઇસ.1413માં મુઘલ સલ્તનતનાં આરંભ સાથે કલાનાં પરિમાણ પણ બદલાય છે. આમ ગુજરાતમાં એક સાથે સમાંતરે મુઘલ,જૈન, બોદ્ધ, વૈષ્ણવ,શૈવ-શાક્તઅને આદિવાસી સ્થાપત્યમાં કાષ્ઠકળા નજરે ચડે છે. અમદાવાદમાં શાહી મહેલ, ભદ્રનો કિલ્લો, શાહી મસ્જિદ, ત્રણ દરવાજા,જામા મસ્જિદ, કોટના કિલ્લા અને મહાલયોનું નિર્માણ મુઘલ શૈલીમાં થાય છે. જેમાં અલગ જ કાષ્ઠકળાનું સર્જન થાય છે. અહીં ભારતીય અને અરબી ફારસી ચિત્ર અને શિલ્પ શૈલીનું મિશ્રણ જોવા મળે છે.

મુસ્લિમ ઇતિહાસના આધારે એવું જાણવા મળે છે કે ઇસ. ૧૦૨૪માં જ્યારે મહમ્મદ ગઝનવીએ સોમનાથનું મંદિર તોડયું ત્યારે એ મંદિરનો સભામંડપ લાકડાનો હતો. એક રીતે જોતાં લાકડું વધુ ટકાઉ નથી રહેતું. એટલે મંદિરો અને મહેલોનાં બાંધકામમાં લગભગ છઠા સૈકાથી લાકડાંની જગ્યાએ પત્થરનો ઉપયોગ વધ્યો હતો. છતાં લાકડાનો હસ્તશિલ્પ અને હસ્તકલાઓ તરીકે ઉપયોગ તો થતો જ હતો. મુસ્લિમોએ યુધ્ધ પછી ઘણી જગ્યાએ મંદિરોનો નાશ કર્યો હતો. છતાં વડોદરા, ચાંપાનેર અને સિધ્ધપુર પાટણ, માંડવી વગેરે સ્થળોએ કાષ્ઠ શિલ્પો બનતાં હતાં. વડોદરામાં જે ગાયકવાડ રાજ્યમાં સંગ્રહાલય છે એ સંપૂર્ણ લાકડાનું બનેલું છે. જે સોળમી-સત્તરમી સદી દરમિયાન નિર્મિત થયું હતું. આ મંડપની કાષ્ઠકૃતિઓમાં નેમિનાથનો લગ્નોત્સવ, સંસારત્યાગ, વર્ષીદાન ઉત્સવ, શોભાયાત્રાઓ, લલિત ત્રિભંગમાં વેણુધારી શ્રીકૃષ્ણ, ગજલક્ષ્મી, દેવકન્યાઓ, ગંધર્વો, પશુ-પંખીઓનાં સુંદર ચિત્રો વગેરે અનેક વિષયો કાષ્ઠકૃતિઓમાં મળે છે.

કાષ્ઠશિલ્પો અને એની બનાવટો નિવાસસ્થાનો અને મહેલોમાં વિશેષ રીતે જોઈ શકાય છે. રાજા-રાણી, સેનાપતિ, પ્રધાનો અને નગરશેઠ તથા સામાન્ય માણસોના નિવાસને શૃંગારિત કરવા અને સૌન્દર્યબોધ માટે કલા કૃતિનું સર્જન કરવામાં આવતું. એમાં દેવમંદિરો, હવેલીઓ અને માર્ગ વચ્ચે ચબૂતરાઓમાં કોતરીને કાષ્ઠકૃતિઓનું નિર્માણ થતું હતું. આપણે અગાઉ જોયું તેમ અનેક પ્રજાઓ આપણી ભૂમિમાં આવી હતી જેમકે હૂણ, ચૌલુક્ય, મૈત્રક, ચાંપોટકટ, પ્રતિહાર, મરાઠા, મુઘલ અને અંગ્રેજોનાં કાળમાં અલગ-અલગ શૈલી અને સ્વરૂપમાં કાષ્ઠકલાઓ વિકસી હતી. આ કૃતિઓ જેતે કાળની સાંસ્કૃતિક કળાની સ્થિતિ સરસ રીતે દર્શાવી આપે છે. શૃંગાર, સૌંદર્ય અને સાજ-શણગાર સાથે જોડાયેલી જીવન તરાહને આ કલાઓ સ્પર્શે છે. જેમાં બારણાં, બારસાખ, ટોડલા, ઘુંમટ, કિલ્લાકોટ, મૂર્તિઓ, વસ્ત્રો,ઘરવપરાશનાં સાધનો, કૃષિકાર્યને લગતાં સાધનો, આભૂષણો વગેરે લાકડામાંથી બનાવવામાં આવતાં હતાં.

ગુજરાતમાં આઠમી સદીમાં પારસીઓ આવીને વસ્યા હતા. સંજાણના રાજા જાદીરાણા પાસે પારસીઓએ ગુર્જર પરદેશમાં રહેવાની મંજૂરી માંગી હતી. રાજાએ મંજૂરી આપતાં તેઓએ સંજાણ,ઉદવાડા, નવસારી અને સુરતમાં વસવાટ શરૂ કર્યો હતો. સંજાણ એક ઐતિહાસિક નગર છે. પારસીઓની અગિયારી અને કીર્તિસ્તંભો પ્રસિધ્ધ છે. તેમનાં મકાનો અને અગિયારીઓમાં કાષ્ઠકલા જોવા મળે છે. એ રીતે પારસીઓનું કળા ક્ષેત્રે મહત્વનું યોગદાન કહી શકાય. નાટકો અને વેશ ભજવવા માટે લાકડાંની કલાત્મક વસ્તુઓ પારસી કાળમાં બનતી હતી. ગુજરાતમાં શામળાજી, અંબાજી, પાવાગઢ અને દ્વારકામાં ધાર્મિક મંદિરોમાં અદભૂત કાષ્ઠકલાનાં નમૂના જોવા મળે છે. શામળાજી ગુજરાતનાં મહત્વના કૃષ્ણતીર્થોમાંનું એક છે. અહીં ત્રિલોકનાથ, રણછોડરાય, કાશી વિશ્વનાથ અને મહાવિષ્ણુનાં મંદિરોમાં વિરાટકાય દરવાજાઓ લાકડાંની ભવ્ય કોતરણી સાથે જોવા મળે છે.ઇસ.ની પંદરમી સદીમાં બાંધેલ મંદિરોનો ઇસ.૧૭૬૨ જીર્ણોદ્વાર થયો હતો. તે વખતે પણ કાષ્ઠશિલ્પોમાં કામ થયું હતું.

બૌદ્ધ ધર્મના પ્રભાવ વખતનાં ઉત્સવો, યાત્રાઓમાં પાલખી, રથ, ડોલીઓ વગેરે કાષ્ઠકલાના બેનમૂન નમુનાઓ છે. અહીં કાષ્ઠમાં લોકકલાઓ અને કોતરકામની સુંદર અસર દેખાય છે. કાષ્ઠકલાઓને લીધે કારીગરો અને કલાકારોને રોજી મળી રહેતી હોવાને લીધે આકળાઓ બહોળા પ્રમાણમાં વિકસી હતી. ભિન્ન-ભિન્ન પેટર્ન, ભાત, ફૂલવેલ, ભોમિતિક આકારો, તત્કાલીન સમાજજીવનમાં વ્યાપ્ત આકારો, પશુ-પંખીઓ અને પ્રાકૃતિક પરિવેશ કલારૂપપામ્યો હતો. લાકડામાંથી બનાવેલ કલાકૃતિ લાંબો સમય રહેતી નથી અથવા એની સારસંભાળ વધારે કરવી પડે છે, તેથી ઘણી વાર કલાકારોય રસ લેતા નહોતા. સાથે-સાથે એમાં શ્રમ અને સમયની પણ સમસ્યા રહે છે.છતાં જે સમર્પિત કલાકારો હતા તેઓ સરસ યોગદાન આપતા હતા.

સોલંકી કાળમાં બનેલાં ઘણાં કાષ્ઠશિલ્પોમાં મંદિરો, ઘર અને મહાલયોનાં અવશેષો મળી આવે છે. દેવ-દેવીઓ,અપ્સરાઓ, નર્તકીઓ, ધ્વનિવાધ્યો સાથેના કલાકારો, કૃષ્ણલીલાઅને રાસનાં દ્રશ્યો, રામાયણ અને મહાભારતનાં પ્રસંગો, દેવોનાં વાહનો જેમકે હંસ,ગરુડ,મોર,નંદી, વાઘ,સિંહ, મત્સ્યો, અને લોકદેવી-દેવતાઓનાં કાષ્ઠશિલ્પો મળે છે. ઘણી જગ્યાએ ઝુંમરો, દાણલીલા, નાગદમનનાં શિલ્પો જોવા મળે છે. તો ક્યાંક કાષ્ઠકલામાં શરીર સૌષ્ઠવ સાથે કામલીલાનાં દ્રશ્યો કંડારેલાં જોઈ શકાય છે. એમાંના કેટલાંક શિલ્પો સંગ્રહાલયોમાં સચવાયેલાં છે. ઘણાં કલાશિલ્પો અમદાવાદ, ચાંપાનેર, વડોદરા પાસે વસો અને નડિયાદ ઉપરાંત ભુજ, જુનાગઢ, સૌરાષ્ટ્ર,પાટણ જેવા સ્થાનોએ કાષ્ઠકલાના નમૂના જળવાયેલા છે. સોળમાં અને સત્તરમાં સૈકાની કાષ્ઠકૃતિઓ હળવદના જૂના રાજમહેલમાં રાખેલી છે. અહીંયા સ્તંભો અને મહેલોના ટેકાઓમાં કાષ્ઠકળા જોવા મળે છે. જેમાં કૃષ્ણજીવનના પ્રસંગો તથા તત્કાલીન જીવનની તરાહો, પહેરવેશ, આભૂષણો અને ઘરવપરાશનાં સાધનો જે તે સમયની જીવનશૈલીને દર્શાવી દે છે. ભુજ અને જામનગરના રાજમહેલોપણ કોતરકામ માટે સુખ્યાત છે. જૈન દેરાસરોની કાષ્ઠકળા એની ઝીણવટ અને બારીકાઈને લીધે જગપ્રસિદ્ધ છે. 14 થી 19 મી શતાબ્દીમાં જૈનોનાં દેરાસરો લાકડાનાં હતાં, પણ પછીથી એમાં આરસપહાણ અને કોટાસ્ટોન વપરાય છે. શત્રુંજયનાં દેરાસરો, સુરતમાં ચિંતામણી દેરાસર, અમદાવાદમાં શાંતિનાથ દેરાસર કાષ્ઠકલાના બેનમૂન નમૂના છે.

અમદાવાદ અને ધોળકા, ધંધુકાની આજુબાજુનાં મકાનોમાં કઠેડા તથા બહારના ભાગનાં નેવાં અને છત ઉપર અંદરથી કોતરણી કરીને મૂકેલા પાટમાં બારમી સદીથી લઈને ઓગણીસમી સદી દરમિયાનનાં ફૂલબુટ્ટાઓ, વેલો, ગાણિતિક આકારો અને અનેક જાતની ડીઝાઇનસ જોવા મળે છે. ભીમનાથ મહાદેવ મંદિરમાં હજી આજે પણ સુંદર કોતરણી કરેલા કઠેડા છે. મરાઠાકાળમાં ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય શરૂ થવામાં હતો. આ સંપ્રદાયનાં મંદિરો, સાધુઓની હવેલીઓ, ભવ્ય દરવાજાઓ કાષ્ઠકલાના અદભૂત નમુનાઓ છે. વડતાલ, અમદાવાદ,ગઢડા, મુળી, ગોંડલ, સુરતમાં કાષ્ઠમાં વિવિધ લોકકળાઓ જોઈ શકાય છે. કાલુપુર મંદિરની હવેલીમાં સ્તંભ અને ટેકાઓ કોતરણીથી શોભાયમાન છે. અમદાવાદની અસંખ્ય પોળમાં લાકડાં પર કરેલું કોતરકામ ભવ્ય કલાકારીગરીનો ઇતિહાસ જીવંત કરી દે છે. સોળમાં સૈકાથી આરંભાયેલ કલાકારીગરી સિધ્ધપુર અને પાટણના વોરા પરિવારોનાં મકાનોનું લાકડાં પર કોતરકામ જોતાં કોમવાદથી કળા પર રહી છે, એ જણાઈ આવે છે. આ શૈલીના નમુનાઓ ભાવનગર પાસે મહુવા, ખંભાત, ભરૂચ, ગોધરા અને દાહોદમાં જોવા મળે છે. દાહોદમાં ઔરંગઝેબનો કિલ્લો અને વહોરા તથા મુસ્લિમો દ્વારા કરેલ સ્થાપત્યમાં લાકડાનો પ્રયોગ થયેલો છે.

હવેલીનું સ્થાપત્ય કાષ્ઠકળાનો વૈશ્વિક દસ્તાવેજ ગણી શકાય. પ્રાચીન સમયમાં સંયુક્ત કુટુંબ હતાં. એકસાથે સો જેટલા સભ્યો એક પરિવારમાં રહેતા. સુખી ઘરના લોકો હવેલી બંધાવતા. એનું બાંધકામ મોટાભાગે લાકડાથી થતું. આગળનો ભાગ રવેશ, ખડકી, ઓસરી, પરસાળ, પૂજામંદિર, રસોડુ, શયનખંડો, કોઠાર અને વાડો વગેરેમાં કોતરકામ સરસ રીતે કર્યું હોય છે. પરંતુ હવે એપણ વિલુપ્ત થવાના આરે છે. અમદાવાદની પોળોમાં આવેલી અનેક હવેલીઓ સુખ્યાત છે. જેમાંની શાંતિદાસ ઝવેરીની હવેલી, દોશીવાડા,પતાશાપોળની હવેલી,સાંકડી શેરીમાં આવેલી દિવેટિયાની હવેલી, ટંકશાળની હવેલી, વડોદરામાં સુરેશ્વર દેસાઈની હવેલી, હરિભક્તિ પરિવાર, લલ્લુબહાદુરની હવેલી,રાયપુરમાં સારાભાઈની હવેલી, ભરૂચમાં ભિખારીદાસ અને લલ્લુભાઈની હવેલી કાષ્ઠકળાનો પરિચય આપે છે. એનાં સ્થાપત્યમાં ભોંયતળિયેથી એક કે બે માળની હવેલી બનાવવામાં આવતી. જેમાં ઝરૂખા,ખડકી, વરંડા, પ્રવેશદ્વાર, માંઢ, ચોક,પરસાળ, ઓસરી સાથે હીંચકા, પાણિયારું, મેડી અને દાદર વગેરેમાં લાકડાંની ભવ્ય કોતરણી કરીને કલાત્મક રીતે સજાવવામાં આવે છે. હવેલી સ્થાપત્ય અંગે ગુજરાત નસીબદાર છે, કારણકે કોઈ જગ્યાએ આવી કાષ્ઠકળા જોવા મળતી નથી.

જીવન અને વ્યવહારમાં અનેક જાતનાં ઓજારો અને લોકવાધ્યોમાં લાકડામાંથી બનેલ હસ્તકલાઓ પરંપરાથી ચલણમાં રહી છે. કૃષિ અને વણાટ કામ, વાંસકલા, કોતરકામ વગેરેમાં અનેકલોકો સંકળાયેલા હોય છે. ખાસ કરીને ખેતર સાથે હળ, ઓરણી, જોહરું, ટોપલું, મુસળ, ગાડાં, વેલ વગેરે જોડાય છે. ઘરવપરાશમાં આવતાં ઓજારોમાં શિકા, ઘોડિયાં, ઢોલિયા, હીંચકા, મંજુસ, પાટપટારા, પેટી, સૂપડું, કરંડિયો, કુંજો, બાજઠ, પાણિયારું, પાલખી, મંદિર, માંડવડી, ખીલ, ટોડલા, બાલગાડી અને રમકડાં કાષ્ઠકલાનાં ચિરકાલીન ઉદાહરણ ગણી શકાય. અલબત્ત હવે પ્લાસ્ટિક અને ફાઈબર તથા લોખંડનાં ઓજારો અને રમકડાં વપરાશમાં આવ્યાં છે, એટલે કાષ્ઠકળા અને એની બનાવટો ફેશન રૂપે શહેરોમાં જોવા મળે છે. હવે એમાં મશીનો દ્વારા બનાવેલ ફર્નિચર અને વિદેશી રમકડાં પણ આવ્યાં છે.

સંગીત અને નૃત્ય સાથે કાષ્ઠના તંતુવાદ્યો અને અન્ય હસ્તકલાઓ જોવા મળે છે. વાંસળી, ઢોલ, સિતાર, તંબૂરો, સરોદ, વીણા, તુંબ, જંતર, બૂંગિયો, ડાકલા, ડમરુ, તબલાં, ઢોલક, ખંજરી, કરતાલ, કામડી, કુંડા, શરણાઈ, ત્રાંસા વગેરે સાથે આદિવાસી વાદ્યોમાં વેણુ, પાવો, રોળી, માંદળ, ઘાઘળો, તુર, ઢાકો, ઓનકુ, ધુવર, ટીપણું વગેરે અનેક પ્રકારનાં સંગીત અને નૃત્યો સાથે સબંધિત વાધ્યો વાંસ, નેતર,સાગ,સીસમનાં લાકડામાંથી બને છે. આ બધાં વાદ્યોનાં વગાડનાર બહુ ઓછા જોવા મળે છે. આ વાદ્યો સંગ્રહાલયમાં જ જોવા મળે છે. આધુનિક સાધનો અને સંગીતની ફૂહડ ઝાકઝમાળમાં આવાં કાષ્ઠકળાનાં ઓજારો અને વાદ્યો હવે ઐતિહાસિક ધરોહર બની રહ્યાં છે એ આપણી સૌંદર્યદૃષ્ટિ માટે ઘાતક ગણી શકાય.

કાષ્ઠકલાઓમાં આદિવાસી સમુદાયોમાં ખૂબ વિવિધતા જોવા મળે છે. પારંપરિક મૂર્તિઓ, લોકદેવી-દેવતાઓ,વિચિત્ર મુખોટાઓ, ખેતી સાથે અને ઘર સાથે જોડાયેલાં હથિયારો અને ઓજારો તેઓ લાકડામાંથી જ બનાવે છે. વાસ્તવમાં આદિલોકકલાઓ તેમનાં જીવન સાથે વધુ સબળ રીતે જોડાયેલી છે. કાષ્ઠકળા માટે લાકડું પસંદ કરવાથી માંડીને કાપવા અને ઉચિત ઢાળ આપવામાં તેઓ પાવર્ધા હોય છે. તેમને લાકડાંની ખૂબ સારી ભાળ પણ હોય છે. તેમનાં નૃત્યો, ઉત્સવો અને મેળાઓમાં અનેક જાતનાં ભાતીગળ કાષ્ઠશિલ્પો જોવા મળે છે.પંખીઓને ચણ ચણવા માટેના ચબૂતરાઓઅને પરબડીઓ તથા શિકાર માટેના માંચડા લાકડામાંથી બને છે.તો હથિયારો અને સંગીતનાં સાધન સાથે દેરાઓ પણ લાકડામાંથી બનાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે હવે તો ભિન્ન-ભિન્ન જાતનાં ફર્નિચર લાકડાંમાંથી સર્જાય છે.

આમ સમગ્ર રીતે જોઈએ તો માનવજીવનમાં કાષ્ઠકળા આદિકાળની ભવ્ય વિરાસત ગણી શકાય. માનવની સૌંદર્ય અને આનંદની પ્રાપ્તિના માધ્યમ તરીકે કાષ્ઠકળા વિકસિત થઈ છે. આપણે આવી અદભૂત ધરોહર અને ઐતિહાસિક વારસાનું જતન કરવું જોઈએ. આજે આધુનિકતાની આંધળી દોડ સાથે આપણી લોકકલાઓને ભૂલવાનું નિકૃષ્ટ કાર્ય કરવાનું વધુ થાય છે. એ ખેદજનક ગણાય. સરકાર કલાવારસાને સાચવવા માટે કાયદા અને કાનૂન બનાવે છે પણ, આપણી આ નૈતિક ફરજ છે એમ માનીને સહુએ જાગૃત થવાનો સમય આવી ચૂક્યો છે. ઠેકઠેકાણે સંગ્રહાલયો સ્થાપીને અનેક કલાઓને પુનઃ જીવંત કરીને સંરક્ષિત કરી શકાય એમ છે. આ માટે વિધ્યાલયો અને યુનિવર્સિટી સ્તરે સતત પ્રયાસો થવા જરૂરી છે. લોકકલાકારો અને લલિત કલાઓમાં વ્યવસાય કરતાં કારીગરોને પ્રોત્સાહન આપીને આર્થિક રીતે સહયોગ કરવો રહ્યો. ગુજરાતમાં કલાપ્રતિષ્ઠાન માનવસભ્યતાના ગૌરવશીલ કલાવારસાને સાચવી રહ્યું છે, એ જેવીતેવી વાત નથી.

સંદર્ભગ્રંથ:

  1. રૂપપ્રદ કલા,ભાગ-1 અને 2. માર્કંડ ભટ્ટ, કલાપ્રતિષ્ઠાન, સુરત- 2020
  2. ગુજરાતનો લોકકલાવૈભવ, સં.જોરાવરસિંહ જાદવ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર-2019-20
  3. લોકસંસ્કૃતિ અને કલામાં પશુઓ, સં. જોરાવરસિંહ જાદવ, કલાપ્રતિષ્ઠાન, સુરત
  4. સંવાદ, હિ. સં.વંદના પાંડેય, આદિવાસી લોકકલા અકાદમી, ભોપાલ
  5. ગુજરાત:લોકસંસ્કૃતિ ઔર સાહિત્ય, હસુ યાજ્ઞિક,રાષ્ટ્રીય પુસ્તક ન્યાસ,નઇદિલ્લી- 2014
  6. પ્રતિરૂપ, હિ. સં.વસંત નિરગુણે, મ.પ્ર.આદિવાસી લોકકલા પરિષદ, ભોપાલ-1999
  7. સામયિકો- અતુલ્ય વારસો, કુમાર, ગુજરાત-દીપોત્સવી અંક, આદિલોક, નવનીત સમર્પણ, શબ્દસર, શબ્દસૃષ્ટિ, હિન્દી સામયિકો- ચૌમાસા, પૂર્વગ્રહ, સમરલોક, કલાસમય

ડૉ. સુરેશ મકવાણા, સહપ્રાધ્યાપક, ક્ષેત્રિય શિક્ષા સંસ્થાન, એનસીઇઆરટી, શ્યામલા હિલ્સ, ભોપાલ-૪૬૨૦૦૩ (મ.પ્ર.) મો. 9826815720 Email- skmakwana74@gmail.com