Included in the UGC-CARE list (Group B Sr. No 172)

'શોષ' : એક નારીવાદી નવલકથા તરીકે

ગુજરાતી સાહિત્યજગતમાં સૌથી વધારે લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ જો હોય તો તે છે નવલકથા. નવલકથા એક એવું સ્વરૂપ છે જે અભણ માણસને પણ વાંચીને સંભળાવવામાં આવે તો તે પણ સારી રીતે સમજી શકે છે. જેમ સાહિત્ય સમાજનો આયનો છે તેમ નવલકથા પણ સમાજના આયનાનું પ્રતિષ્ઠિત સ્વરૂપ છે. ગુજરાતી સાહિત્યમાં નવલકથાના સ્વરૂપનું ખેડાણ ખૂબ જ બહોળા પ્રમાણમાં થયું છે, પરંતુ નારીવાદી નવલકથાનું પ્રમાણ અન્ય નવલકથાઓ કરતા ઓછી છે. નારીવાદી નવલકથાઓ માત્ર નારી લેખિકાઓ જ નથી લખતી, પરંતુ પુરુષોએ પણ નારીવાદી નવલકથામાં કલમ ચલાવી છે. નારીવાદી લેખિકાઓમાં તો ગુજરાતી સાહિત્યમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ છે. જેમાં ધીરુબેન પટેલ, કુન્દનિકાબેન કાપડિયા વર્ષા અડાલજા, વર્ષા પાઠક, બિંદુ ભટ્ટ, દક્ષા દામોદરા વગેરે લેખિકાઓએ નારીવાદી નવલકથામાં કલમ ચલાવી છે. તેમની કૃતિઓને એવોર્ડથી સન્માનિત પણ કરી છે. જેમાના એક લેખિકા છે દક્ષા દામોદરા. જેની કૃતિ 'શોષ'ને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. જેના કેન્દ્રમાં નારી સંવેદના રહેલી છે. જેના અંગે ચર્ચા કરવાનો અહીં ઉચિત ઉપક્રમ છે.

"પ્રસ્તુત નવલકથાનું ઉદ્ભવ સ્થાન આજથી 686 વર્ષ પૂર્વે એક કચ્છી વીરલો નામે દુદશાએ કચ્છની તૃષા છીપાવવા કરેલ એક ખમીરવંતા પ્રયાસની ગાથા ગાતું કાલજિર્ણ જલમંદિર ભગ્ન ખંડેરમય વાવરૂપે ભદ્રેશ્વરમાં હયાત છે. એ ગાથા આ કથાનું ઉદ્ભવ બિંદુ છે." (પૃષ્ઠ નં.૫)

દક્ષા દામોદરાની 'શોષ' નવલકથામાં નારી સંવેદનાનું વર્ણન કેન્દ્રસ્થાને છે. સ્ત્રી જીવન એટલે એક અધૂરી રહેલી તરસ, એક ન સંતોષાતો શોષ, ઉચ્ચ વર્ગ કે પછાત વર્ગની સ્ત્રીઓના જીવનની સંવેદના આ નવલકથામાં વ્યક્ત કરવામાં આવી છે. નારી ચરિત્રો કેન્દ્રમાં હોય તેવા સર્જનને જ નારીવાદી અભિગમ કહી શકાય નહીં. કેમકે નારીવાદી અભિગમ એટલે કશા ભેદભાવ વગર એક નારીની વ્યક્તિ તરીકેની સંવેદના વ્યક્ત થઈ હોય તેને નારીવાદ કહેવાય. માધવી અને પુરંદર કચ્છના પ્રવાસે જવાના છે તેવા આયોજન સાથે કથાનો આરંભ થાય છે.

માધુરી અને પુરંદર બંને પતિ પત્ની છે. માધવીને રાજેન્દ્ર મકવાણા સાથે અનૈતિક સંબંધ છે એવી શંકાથી પુરંદર હંમેશા તેને જોવે છે. ન સંભળાય તેવા અપશબ્દો બોલે છે. અને છેક તલાક સુધી વાત પહોંચી જાય છે. પરંતુ માધવીના પિતાની મિલકતની લાલચમાં ઠંડો પડી જાય છે. અને માધવીને કહે છે ચાલ આપણે કચ્છના પ્રવાસે જઈએ. આ સમય દરમ્યાન પુરંદર જેનાથી બચવા માંગતો હતો એ જ પરિસ્થિતિ માધવીને સહજ ખેંચી જાય છે. તૃષાતુર કચ્છની અને એમાં જાતિભેદને કારણે પ્રેમનું બલિદાન દેનારી દેશળ રાજલની પ્રેમકથામાં માધવી પોતાના જીવનની એકરૂપતા જુએ છે.

ઇ.સ. 1313 -15ની આસપાસ કચ્છમાં થઈ ગયેલ દેશળ રાજલની પ્રેમકથા પ્રસ્તુત નવલકથામાં છવાઈ જાય છે. રાજલ ઉચ્ચ જ્ઞાતિની છોકરી છે અને દેશળ પછાત વર્ગનો છોકરો છે. બંને વચ્ચેની પ્રીતની કથા કચ્છમાં ઘણી જ પ્રખ્યાત છે. કચ્છના પ્રવાસ દરમ્યાન આ કથા માધવીના માનસ પટ પર તાજી થાય છે.

માધવીના જન્મથી જ પિતાની પુત્ર ઝંખના પર પાણી ફરી વળે છે. દીકરી તરીકે જન્મેલી માધવી બાળપણથી જ પોતાના પિતાના સ્નેહથી વંચિત રહે છે. આ વાત દ્વારા સમાજમાં પ્રબળરૂપે જોવા મળતી પુત્ર ઝંખના સામે પુત્રીની સંવેદના તરફ લેખિકાએ આંગળી ચીંધી આપી છે. માત્ર માધવી જ નહીં અનેક દીકરીઓ આ સંવેદનાથી પીડાતી હોય છે. અને આથી ક્યારેક પિતૃપ્રેમ અથવા માતૃપ્રેમ અથવા માતા-પિતા બંનેના પ્રેમથી પુત્રીઓ વંચિત રહી જતી હોય છે. આ કારણે અતૃપ્ત માણસ વિકૃતિ તરફ ધકેલાઈ જાય છે. જે વાતને માધવીના પાત્ર દ્વારા લેખિકાએ નિરૂપી આપી છે.

પિતાના પ્રેમના અભાવે ઉછરેલી માધવી અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમકે, ચિત્ર , કાવ્ય આદિ. પરંતુ પિતાને આ ગમતું નથી. ત્યાંજ માધવીની મોટી બહેન પરજ્ઞાતિના છોકરા જોડે પ્રેમલગ્ન કરી લે છે. આથી આઘાત પામેલા પિતા બધો રોષ માધવી પર ઠાલવે છે. ક્રોધિત થયેલા પિતા માધવીને કહે છે, કે તું બની શકીશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આ વાત પછી માધવી અટવાઈ જાય છે આર્ટ્સમાંથી કોમર્સના થોથામાં. રસના ક્ષેત્રથી વિમુખ થઈને માધવી કોમર્સમાં માંડ પાસિગ માર્ક્સ લાવે છે. અને પિતાની ઈચ્છા પર પાણી ફરી વળે છે. પિતાની અપેક્ષા પૂરી ન થવાથી માધવી સતત અપરાધભાવ અનુભવે છે. આ અપરાધભાવ તેના મનને સતત કોરી ખાય છે. પિતાના શબ્દ મનમાં સતત ગૂંજ્યા કરે છે. સ્ત્રી હંમેશા પરિવારના સ્વપ્ન પૂરા કરવાની જ ઝંખના રાખતી હોય છે. આજ વાત માધવીમાં પણ જોવા મળે છે.

દરેક સ્ત્રી પરણિને સાસરે જાય છે ત્યારે કેટકેટલાં સ્વપ્ન જોતી હોય છે. પરંતુ ગૃહ પ્રવેશ કરતી વખતે કળશમાં રહેલા ચોખ્ખા વેરવિખેર થઈ જાય છે તેમ સ્ત્રીના સ્વપ્ન પણ વેરવિખેર થઈ જાય છે અને મનોમન ભાંગી પડે છે. માધવી પરણિને સાસરે ગઈ તે રાત્રે જ તેના સ્વપ્નાઓ ભાંગીને ભુક્કો થઈ ગયા હોય તેવું લાગે છે. સતત પપ્પાના શબ્દો યાદ આવે છે. તારા જેવી છોકરીઓથી થાય શું? બસ પરણી ગયા. માધવી ચોધાર આંસુએ રડવા લાગી. પિતૃસ્નેહના અભાવને પુરવા મથતી માધવી પુરંદર સાથેના સહવાસમાં પણ સ્નેહ માટે સતત તરસતી રહી છે. પુરંદર માધવીને માત્ર ભોગવે છે પણ માધવીની ઇચ્છા અપેક્ષાઓનો ખ્યાલ રાખતો નથી. પિતૃ પ્રેમથી વંચિત રહેલી માધવી પ્રતિ પ્રેમની ઝંખના અભાવમાં સતત જીવે છે. પિતાના આધિપત્યમાંથી છૂટી પતિના આધિપત્યનીચે આવે છે. માધવી પુરંદરના પ્રેમના અભાવે દિવસે દિવસે દૂર થતી જાય છે. તેથી પુરંદરની ઇચ્છા પ્રમાણે વર્તન પણ નથી કરી શકતી એટલે પુરંદરન માધવી પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. માધવીની કરુણતા એ છે કે માધવી માત્ર માણસ તરીકે નહીં પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નારી તરીકે જીવવા માંગે છે. જે પુરંદરને મંજૂર નથી. આ પીડા માત્ર માધવી જ નહીં પરંતુ અનેક સ્ત્રીઓ ભોગવે છે. પીડામા ને પીડામા આખી જિંદગી પસાર કરી નાખે છે. દુનિયામાં ઘરે-ઘરે માધવી જોવા મળે છે. લેખિકાએ દરેક સ્ત્રીના ચિત્તમાં ઉઠતા પ્રશ્નો અહીં માધવી દ્વારા વ્યક્ત કર્યાં છે.

શું સ્ત્રી એટલે માત્ર ગૃહિણી? આદર્શ ગૃહિણી? જેની કોઈ જ મહત્વાકાંક્ષા ન હોય ? તેનું કોઈ અસ્તિત્વ જ ન હોય, માત્ર ચાર દિવાલની અંદર જ પુરાઈને રહેવાનું? આવા ઢાંચામાંથી બહાર નીકળવા માટે આજે આધુનિક યુગની સ્ત્રીઓ આ બધાં રીતરિવાજો તોડવા માટે મથી રહી છે. જેને પુરુષ પ્રધાન દેશના પુરુષો સહન કરી શકતા નથી. પુરુષો હંમેશા સ્ત્રીને ઉતરતી કક્ષાની જ માને છે. સ્ત્રી તેનાથી આગળ થવી ન જ જોઈએ. તેનું આધિપત્ય છીનવાઈ જાય તે પુરુષો સહન ન કરી શકે એટલે સ્ત્રીને ચાર દીવાલમાં રાખે છે. પરંતુ પુરુષો એવું નથી વિચારતા કે એક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. ભલે પછી માતા, પત્ની, બહેન કે અન્ય કોઈ સ્ત્રી હોય. પુરુષોનું મન સ્ત્રીઓ વિશે શું વિચારે છે તે પુરંદરના પાત્રાલેખન દ્વારા અહીં રજૂ કર્યું છે અને તેનો પ્રચંડ વિરોધ કરતી માધવીના સંવાદ દ્વારા નિરૂપાયું છે. લેખિકાના શબ્દોમાં જોઈએ તો-
"પુરંદર...શરીરની ગરમી મારી અંદરની એકલતાના બરફને પીગળાવી શકતી નથી.
મારું વૈચિત્ર્ય એ જ છે પુરંદર કે હું હૃદય પૂર્વક જીવવા માગું છું, માત્ર શરીર પૂર્વક નહીં..."(પૃષ્ઠ નં.૨૮)

પુરંદર પોતાની ઈચ્છાઓને સંતુષ્ટ કરીને માધવીને વીંટળાઈને સૂઈ જતો પરંતુ માધવીની ઈચ્છા અને અપેક્ષાઓ સ્નેહને સતત ઝંખતી રહે છે. જેની કોઈને કશી પરવા જ નથી હોતી. માધવીને પતિનો પ્રેમ અને હુફ ન મળતા તેનું મન અંદર ને અંદર કોરી ખાય છે. પુરંદર માધવીને એક વખત કહે છે પ્રેમ અને સેક્સ બંને એક સિક્કાની બે બાજુ છે ત્યારે માંથી સરસ જવાબ આપે છે અને કહે છે-
"હા પુરંદર પ્રેમ અને સેક્સ એક સિક્કાની બે બાજુઓ છે. પરંતુ એ ક્યારેય એક ન જ હોય શકે."(પૃષ્ઠ નં.૨૪)

આવા સંવાદો સ્ત્રી-પુરુષની સમજણને વિશદ કરે છે. સ્ત્રીના મહત્વકાંક્ષી વલણથી પુરુષ માનસમાં ભૂકંપ આવી જાય છે. વહેમ, ઈર્ષા, દ્વેષ જેવા ભાવ જન્મવા લાગે છે. પુરૂષ બહિવર્તનનું ગૌરવ લેતો સ્ત્રીના મુક્ત વર્તનને સહન કરી શક્તો નથી. પુરંદરની માનસિક સંકુચિતતાના પ્રસંગોને પણ લેખિકા અહીં વ્યક્ત કર્યા છે જે સમગ્ર પુરુષ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. માધવીને રાજેન્દ્ર મકવાણા સાથે અનૈતિક સંબંધ છે એવી શંકાની દૃષ્ટિએ જોતાં પુરંદરના માનસ પટ પર અણગમો ઉભરાય છે. એ જ પુરંદર જે રશ્મિ મહેતા સાથે પ્રેમથી વાતચિત કરે છે અને વર્તન વ્યવહાર પણ પ્રેમના હોય તેવું દેખાય છે. જયારે અહીં માધવી પણ રાજેન્દ્ર મકવાણા સાથે એ રીતે વાતચિત કરે છે તો તેના પર કેમ આરોપ મુકવામાં આવે છે? જયારે પુરંદર પર કેમ કોઈ આરોપ મુકવામાં આવતો નથી? શું સ્ત્રી કોઈ પુરુષ સાથે બોલે તો તેને એવા સંબંધો હશે એવું કેમ માની લેવામાં આવે છે? આખરે સ્ત્રી પણ એક માણસ જ છે તેને પણ બધા સાથે બોલવાનો અધિકાર છે ને હોવો જ જોઈએ.

નારીવાદના પ્રણેતા વર્જિનિયા વુલ્ફે નારીલેખનની હિમાયત કરી છે. અને કહેછે સ્ત્રી કેમ કલાને ક્ષેત્રે કશું ના કરી શકે? એવાં પ્રશ્નો ઉઠાવી વુલ્ફ કહે છે કે વૈચારિક સ્વાતંત્ર્ય વગર પોતીકી આવક અને અલાયદા ઓરડા વગર કવિતા રચવી શક્ય જ નથી. વુલ્ફના આ ચિંતનનો વિનિયોગ કથામાં પણ સમાંતરે ગૂંથાયો છે. લેખિકાની અડચણો અહીં કથા આરંભે જ પ્રવૃત છે. સહપાઠી રાજેન્દ્રને બતાવવામાં માધવીએ લખેલી કવિતાની નોટ બાપુના હાથમાં આવી જાય છે અને ગુસ્સે થઈ ખિન્ન નજરે જુએ છે અને કહે છે હવે પછી આવું ન લખાય તેની કાળજી રાખજે ભણવામાં ધ્યાન કરવાનું છે કલા પ્રત્યે નો વિરોધ પરણ્યા પછી પણ દાંપત્યજીવનમાં વિવાદનો નિમિત્ત બને છે ત્યારે માનવીનને કલા પ્રત્યેની ઉત્સુકતા નિરાશામાં પરિણામે છે આ રીતે સ્ત્રીને દરેક બાબતે બંધનમાં રાખવામાં આવે છે. જે વાતને માધવીના પાત્ર દ્વારા લેખિકા સતત ઉજાગર કરે છે.

માધવીના ચરિત્ર ચિત્રણ દ્વારા લેખિકાએ નારી જાગૃતિ અને નારીના અધિકારની વાત કરી છે 'શોષ' નવલકથા આમ તો નારીવાદી નવલકથા છે પરંતુ દલિત ચરિત્રોને પણ નિરૂપવામાં આવ્યાં છે. અહીં ઉચ્ચકુળની માધવી અને દલિત વર્ગના રાજેન્દ્ર મકવાણાનો પ્રણય સંબંધ નિરૂપવામાં આવ્યો છે.આથીઆનવલકથાનીગણનાદલિતવાદી નવલકથામાંપણથાયછે. સુવર્ણ સમાજની માધુરી અને દલિત સમાજનો યુવક રાજેન્દ્ર ચિત્રકલા સર્જનની પ્રવૃત્તિ અને કલાકીય સૂઝ સમજથી હોશિયાર છે. આથી માધવી તેના તરફ આકર્ષાય છે. માધવીને કોઈ જાતિ ભેદ નડતો નથી. પરંતુ કૌટુંબિક ઘટનાઓ તેનું મનોબળ તોડી નાંખે છે પિતાની ઈચ્છાઓ પૂરી કરવામાં માધવી નિષ્ફળ નીવડે છે. અભ્યાસમાં પણ રાજેંદ્રથી પાછળ રહી જાય છે. માધવીને સ્ફીઝોફેનિયાની બિમારી છે. તે રોગની વાત બાર ફેલાય તેના પહેલાં જ માધવીના લગ્ન કરી દેવાની તેમના પિતાની ઈચ્છા છે. માધવી અને પુરંદરના લગ્ન થાય છે. પરંતુ પુરંદરને રોગની ખબર પડતાં દિવસે દિવસે બંને વચ્ચેનું અંતર વધતું જાય છે.

માધવી રાજેન્દ્રને મળવા જાય છે તો પુરંદર તેને શંકાની દૃષ્ટિથી જુવે છે. અને બન્નેના જીવનમાં કડવાહટ ઉભી થાય છે. લેખિકાએ કચ્છ પ્રદેશના દેશળ રાજલની કથા 'શોષ' નવલકથામાં નાયિકા માધવી અને રાજેન્દ્રના પાત્ર દ્વારા પ્રગટ કરી છે. માધવીના માનસમાં ચાલતા સંઘર્ષને બહાર કાઢવા કચ્છ પ્રદેશની પ્રેમગાથા ઉપયોગી નિવડે છે. પરંતુ માધવીના સંઘર્ષનો અંત કરુણ છે. માધવીના જીવનનો જ અંત નહીં દુનિયાની દરેક સ્ત્રીઓનો આ જ અંત હોય છે.

અહીં તો માત્ર માધવીના પાત્ર દ્વારા લેખિકાએ આપણી સમક્ષ સ્ત્રીઓની વેદના વ્યક્ત કરી છે. ઘરે-ઘરે માધવી જોવા મળે છે. સ્ત્રી કેટલીકલી સંવેદના લઈને જીવતી હોય છે. કોને કહેવું? કોને ન કહેવું વગેરે પ્રશ્નો સ્ત્રીઓના માનસ પટ પર હંમેશા પથરાયેલા હોય છે. દરેક સ્ત્રીના પ્રશ્ન એક સરખા જ હોય છે. હંમેશા તેની સહનશીલતાની પરાકાષ્ઠા આવી જાય છે અને તે એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે પોતાનું માનસિક સંતુલન ખોઇ બેસે છે. અહીં પણ નાયિકા માધવી પોતાના હૈયામાં ધરબાયેલ વાતને પ્રગટ કર્યા બાદ સદાને માટે મૌન બની જાય છે. તેની જિંદગીનો કરુણ અંત આપણા મસ્તિષ્કને હચમચાવી મૂકે છે. તેની જિંદગીમાં અનેક વણછીપેલી તૃષાઓને પરિતૃપ્ત કરવા તે સતત ઝુરતી રહે છે. છતાં તે તૃષાઓ એક સ્વપ્ન બનીને રહી જાય છે. અને આરંભથી અંત સુધી તે એક શોષ બની રહે છે.

આ રીતે લેખિકાએ 'શોષ'નવલકથામાં માધવીના પાત્ર દ્વારા સમાજની દરેક સ્ત્રીઓની પરિસ્થિતિને આપણી સમક્ષ જાણે રજૂ કરી હોય તેવું પ્રસ્તુત નવલકથામાંથી પસાર થયા બાદ સતત લાગ્યા કરે છે. પ્રસ્તુત કૃતિ એક નારીવાદી નવલકથા તરીકે ઉત્તમ સિદ્ધ થાય છે.

સંદર્ભગ્રંથ :-

  1. 'શોષ', લે. દક્ષા દામોદરા, પ્રથમ આવૃત્તિ- ૨૦૦૩

સોનલ બી. જાડા, પીએચ.ડી. શોધ છાત્ર, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ. મો. 9512281961 ઇ-મેલ- jadasonal1993@gmail.com