Included in the UGC-CARE list (Group B Sr. No 172)

કલ્પનોની કલાત્મક ક્રીડા : “મેં તો સૂરજને રોપ્યો છે આંગણે...”

ગીત કવિતાઓની આપણી સાધના અતિપ્રાચીન રહી છે. ગીત સ્વરૂપને જ્યારે શુદ્ધ રીતે મૂલવવા બેસીએ ત્યારે ગુજરાતી સાહિત્યમાં રચાયેલાં ગીતો અને ગીતેવ રચનાઓની એક ભવ્ય પરંપરા આપણી સામે પ્રત્યક્ષ થાય છે. ગુજરાતી ગીત-કવિતાને સમૃદ્ધ કરવામાં અનેક રસજ્ઞ કવિઓનું પ્રદાન છે. કોઇ વિદ્વાનો ગુજરાતી ગીત સ્વરૂપનાં મૂળ લોકગીતોમાં શોધે છે, તો વળી કોઇ વિદ્વાનો કાવ્યાત્મક સૌંદર્યની નજાકતને સાચવવા માટે ગીત કવિતાને સંગીતની કલાથી અળગી રાખીને તેનું ભાવન કરવાની ભલામણ કરે છે.

ગીત માટે તો કહેવાયું છે કે, “ગીત ન હોય સોળ શણગાર, ગીત ચરણે ના ઝાંઝર ભાર..”

કવિશ્રી ન્હાનાલાલે જ્યારે ‘છંદનાં ઝાંઝર ટૂંકાં પડ્યાં’ની રાવ કરી હતી. તે સંદર્ભસૂત્રનો છેડો ઝાલીને ઉક્ત પંક્તિના આધારે એટલું તો સમજી શકીએ કે ગીત સુંદરીના પગની મસૃણતા એટલી છે કે છંદના નિયમો પણ તેને બંધન લાગે છે. આમ, ગીતની ઋજુતા અને માર્દવ તેને અન્ય પદ્યસાહિત્યનાં સ્વરૂપો કરતાં અલગ પંક્તિમાં પ્રતિષ્ઠિત કરે છે. કવિ શ્રી વિનોદ જોશીએ ગીત સ્વરૂપ વિશે ચર્ચા કરતા તેમનાં એક લેખમાં ગીતનાં ત્રણ મહત્વનાં ગુણ લક્ષણો દર્શાવ્યાં છે. એમનાં મતે એક આદર્શ ગીતમાં ‘ઊર્મિપ્રવણ ભાષા’, ‘ગીતોચિત ઊર્મિ’ અને ‘તાલબદ્ધ લય’ હોય છે. કોઈ પણ ગીત રચનાને આ માપદંડોથી પ્રમાણી શકાય. પરંતુ ગીતસંજ્ઞામાં જ ગેયતાનો સ્વભાવ ભળેલો અનુભવી શકાય છે. માટે આ ગીત સ્વરૂપને લઈને ઘણી ગેરસમજણો પ્રવર્તતી રહે છે. ગીતના સ્વભાવ સાથે જોડાયેલા ગાયકીના ગુણને લીધે ગીત સ્વરૂપ, સાહિત્ય અને સંગીત બંને અવકાશમાં વિહાર કરતું પંખી બની રહે છે. કેમ કે, કોઈપણ કાવ્યરચના જ્યારે સ્વરબદ્ધ થાય ત્યારે ભાવકના એક સાથે બે ભાવન કેન્દ્રો સક્રિય થાય છે. સંગીતને માણવાની સાથે સાથે સાહિત્યકલાના સૌંદર્યને પણ ગ્રહણ કરવાની વૃત્તિ સતેજ રાખવી પડે છે. જો ભાવકનું ચિત્ત સંગીતકલાના પ્રવાહમાં પ્રવાહિત થઈ જાય, તો સાહિત્યકલાના રસકેન્દ્રો જાણે-અજાણે તેની ભાવયિત્રીના પરિઘની બહાર જતા રહે છે. કદાચ એટલે જ ઘણા બધા ગીત કવિઓએ પોતાની ગીત રચનાઓ સંદર્ભે સંગીતનાં તત્વનો પરિહાર કર્યો હશે.

પરંતુ અત્યારે એક એવા વિશિષ્ટ ગીતની વાત કરવી છે કે જેણે ભાવકો પાસે અક્ષરદેહે પહોંચતા પહેલા સ્વરાંકનના માધ્યમથી પ્રસિદ્ધિના પર્વતો સર કર્યા છે. આ ગીતે પોતાની કાવ્યાત્મકતાનાં આપબળે અગણિત ભાવકોનાં મન જીતી લીધાં છે. આ ગીત ફિલ્મનાં માધ્યમથી ગાયનપ્રિય ભાવકો સુધી પહોંચ્યું, એટલું જ નહી તત્પશ્ચાત તેમાં રહેલી કાવ્યાત્મકતાનાં કારણે સંગીતની કળાને અતિક્રમી જઈને સાહિત્યરસિક ભાવકનાં ચિત્ત સુધી પણ તે પોતાની ઓળખ સ્થાપિત કરી શક્યું છે. માત્ર સંદર્ભ ખાતર અહીં આ સાથે આ ગીત રચનાને મૂકી છે જેથી તેની પંક્તિઓના સથવારે આપણે તેમાં રહેલા રસકેન્દ્રમાં પ્રવેશ મેળવી શકીએ અને કવિએ સર્જેલી આ સૃષ્ટિમાં જઈ તેની સંવેદનવર્ષામાં ભીંજાય શકીએ.

ગીત : “મેં તો સૂરજને રોપ્યો છે આંગણે...”
કવિ : મિલિંદ ગઢવી
ફિલ્મ : 'પ્રેમજી' રાઈઝ ઑફ અ વૉરિયર. (૨૦૧૫)
ગાયિકા : વ્રતિની ઘાડગે.
સંગીત : કેદાર ઉપાધ્યાય અને ભાર્ગવ પુરોહિત.

મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે, મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ…
હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં
બધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં
મારી મહેંદીનો ગહેકે છે મોરલો, એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ…
કોઈ આવીને ઓરતાને ઓરી ગયું,
મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું,
હું તો ઊભી છું ઉમરને ઉંબરે, મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ…

આ ગીતની ભાવસૃષ્ટિમાં પ્રવેશ કરી તેનાં અર્થ સૌન્દર્યનું પાન કરીએ. કોઈ પણ કાવ્યનો આરંભ કાવ્યનાં ભાવવિશ્વનું દ્વાર હોય છે. અહી કાવ્યારંભે એક સુંદર કલ્પન પ્રથમ પંક્તિમાં જ રચી લેવામાં આવ્યું છે.

“મેં તો સૂરજને રોપ્યો છે આંગણે”

અહીં ‘સૂરજ’ કે જે સમસ્ત સંસારનો સ્વામી છે, પુષ્ટિકર્તા છે, તેનાં પુણ્યપ્રકાશનાં પરિણામે સચરાચરમાં પ્રાણતત્વનો સંચાર થાય છે. તેવાં સવિતાનારાયણ દેવની અસહ્ય તેજોમય મુદ્રા અહી કાવ્યનાયિકાને અભિપ્રેત નથી. કાવ્યનાયિકાએ તો રોજ પોતાનાં આંગણમાં ખીલતા પારૂલ પુષ્પ જેવા સૂરજને જ પોતાનાં આંગણમાં રોપ્યો છે.

અહીં એક શબ્દપ્રયોગ પર ખાસ ધ્યાન આપવું ગમશે કે, સૂરજને ધરતીમાં ‘દાટ્યો’ નથી, ભોંયમાં ‘ભંડાર્યો’ નથી... પણ ‘રોપ્યો’ છે, જાણે કે.. ‘વાવ્યો’ છે. સૂરજ જેવા પ્રતાપી પ્રાકૃતિક તત્વને પોતાનાં ફળિયામાં રોપવાની નમણી ચેષ્ટા તો એક કુમળી વયની નાયિકા જ કરી શકે... કેમકે સૂરજ એ તો આશાપૂર્ણ દેવ છે, સમસ્ત સચરાચરનો પોષક છે. પરંતુ અહીં સૂરજને કોઈ દેવતાના ભાવથી આરાધવામાં નથી આવ્યો. અહીં સૂરજએ દિવાકર સ્વરૂપમાં વિદ્યમાન છે. દિવસના સ્વરૂપમાં પ્રસ્તુત છે. કાવ્યનાયિકાએ આંગણામાં સૂરજને ‘રોપ્યો’ છે માટે સ્વાભાવિક છે કે આંગણામાં હવે અંધકારને કોઈ સ્થાન નથી. એ અંધકાર એટલે સ્થુળ દુન્યવી અંધકારની અહી વાત નથી એમ કહેવાની હવે કોઈ જરૂર ખરી! અહી આંગણમાં સૂરજને રોપવાની ક્રીડામાં મનનાં પણ તમામ તિમિરને ઉટકી માંજીને ઉજાળવાની એક ભાવના છે, અને જયારે મનુષ્યએ કશુંક રોપ્યું હોય, કશુંક વાવ્યું હોય તો તેમાંથી કઈક ઉગી નીકળવાની એક આશાવાદી ભાવિ સંભાવના પણ રહેલી છે. એક કૂમળી વયની કન્યાનું મન આશાભર્યું ન હોય તો જ નવાઈ! ..અને માટે સૂરજને અહીં આંગણામાં એક સંવેદનહીન ખજાના તરીકે ભંડાર્યો નથી, પણ એક જીવંત ઉર્જાનાં કેન્દ્ર તરીકે આંગણામાં વાવ્યો છે અને પંક્તિના ઉત્તરાર્ધમાં જ તેનું પરિણામ કાવ્ય નાયિકાએ આપણને હરખભેર જણાવ્યું છે.

“મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ.”

અહીં “રે લોલ..” માત્ર લયમાં પડતી રિક્તતાની ખાંચને પૂરવાની લાપી બનીને આવતો તાનપુરક શબ્દ બનીને નથી રહી જતો અપિતુ, ‘રે લોલ’ માં સૂરજને વાવ્યા પછી જે ઝીણી ઝીણી કાંકરીઓ પણ ઝળહળી ઉઠી છે, તે અદ્ભુતરસની અનુભૂતિ અને કાવ્યનાયિકાના હરખનો ઉદગાર પણ બની રહે છે. એ પછીની પંક્તિ જોઈએ..

“મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે...”

એ પછી આવતી આ સહરૂપા પંક્તિમાં સૂરજની જોડીમાં સ્વાભાવિકપણે જ ચાંદો આવીને બેસી ગયો છે. ‘સૂરજને આંગણે રોપ્યો છે’ કેમ કે, સૂરજ સાથે તો સામુદાયિક જીવનની ભાવના જોડાયેલી છે. તેની તેજસ્વિતા ઘરઆંગણને અજવાળવા માટે બહુ આવશ્યક હતી, પણ ચાંદા સાથે તો કાવ્યનાયિકાનો સંબંધ વધારે અંગત હોય ને! અલબત કાવ્યનાયિકાનો જ નહી પ્રત્યેક મનુષ્યનો ચંદ્રમા સાથેનો નાતો થોડો વ્યક્તિગત હોય છે કેમ કે ચાંદો નિશાચર છે. રાતે દરેક મનુષ્ય દુન્યવી જંજાળમાંથી મુક્ત થઇ પોતાના મનોજગત તરફ વળ્યો હોય છે ચાંદો એ અંગત સંવેદનો સાક્ષી હોય છે. કારણ કે, ચાંદો તો ઉજાગરાનો સાથી છે. ચાંદો તો કન્યાનાં જાગરણોનો જોડીદાર છે. ચાંદો તો પોતાની સાંઢણી પર સપનાઓની પોઠ ભરીને લાવતો અખંડ વણઝારો છે. દરેક વ્યક્તિનો ચંદ્રમા સાથેના સંબંધ સૂરજ કરતાં વધારે અંગત હોય છે. કેમ કે, ચાંદો દરેકના આગવા એકાંતનો ગવાહ હોય છે. સહુને એકલતામાં મૂક આશ્વાસન આપનાર ગોઠિયો હોય છે. આવા મનપ્રદેશના મરમી ચાંદાથી અળગા રહેવું નાયિકાને પાલવે તેમ નથી અને માટે જ સૂરજને આંગણમાં રોપનારી નાયિકા ચાંદાને તો પાંપણ પર મૂકે છે. હિન્દી ભાષાનો આ બહુ જાણીતો શબ્દપ્રયોગ છે કે કોઈ પણ વાતને “પલકો પે સજાના...” કે “પલકો પે બીઠાના” એ વાત જ સૂચવી આપે છે કે એ વાતનું વ્યક્તિને મન કેટલું બધું મહત્વ છે. એટલે એ ન્યાયે અહી રજૂ કરેલું કલ્પન જ કેટલું પ્રતીતિકર અને શીતળ છે. ચંદ્રની શીતળતા અને ત્રસ્ત આંખોના થાક, આ બંનેનો અહીં મર્ઝ-મરીઝનો અનોખો મેળ મળ્યો છે. ચાંદાનો અહીં આંખની શાતા આપનાર પ્રસાધન તરીકે વિનિયોગ કરવાનું તો આ કાચી ઉંમરની નાયિકાને જ અરઘે ! આ બહાને કવિએ કરેલો પરકાયા પ્રવેશ કેવો તો પ્રસ્તુત નીવડયો છે ! હવે પ્રથમ પંક્તિમાં જેમ કાર્ય અને કારણને સિદ્ધ કરવામાં આવ્યા, તેમ બીજી પંક્તિમાં પણ તે પ્રણાલિકાને અનુસરવામાં આવી છે.

જૂઓ..
“મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ…”

પાંપણ અને ચાંદાનું સાયુજ્ય થયું તો એનું પરિણામ સ્વપ્નલોક સુધી પ્રસર્યુ છે. મનના તરંગોને મયંક સાથે સંબંધ છે, એ વાતની તો માનસશાસ્ત્ર પણ પુષ્ટિ કરે છે અને એટલે જ નિદ્રા, અનિદ્રા, રાત્રી, એકાંત, ચંદ્રમા, આ બધા જ ઉપકરણો અંતે તો ભાવકને નિરાકાર સંચલનોના સંસાર તરફ લઈ જાય છે. અહીં એકમેક સાથે ગૂંથાયેલા આ બધા જ પરિમાણોમાં સમુદ્રનું વધુ એક ઉમેરણ થાય છે. આપણા કવિઓએ તો મન અને મહેરામણ બંનેમાં કેટલી બધી સમાનતા શોધી લીધી છે ! જો ચંદ્રની અસર સંવેદન પર થાય તો સમંદર પર તો થવાની જ. પણ અહીં જલરાશિના સમુદ્રની વાત નથી. અહીં તો સપનાના દરિયાની વાત છે. જો પાંપણ પર ચાંદો આવીને બેસે તો નયનની વાટે મન સુધી એની અસર પહોંચે.. અને સપનાઓની ભરતી આવ્યા વગર ન રહે, અને એટલા માટે જ પંક્તિમાં કહ્યું ને કે.. “...દરિયાઓ ખળભળે રે લોલ…”

કવિ એ અહી કવિતા સર્જવા માટે ખપજોગી સામગ્રીનું કુશળતાપૂર્વક ચયન કરી લીધું છે. અહી આ પંક્તિ વિશે એક વાત નોંધવાનું મન થાય કે ‘ખળભળવું’ ક્રિયાપદ વિચલિત અવસ્થાનું દ્યોતક છે. ખળભળાટ એટલે વ્યાકુળતા, અસ્વસ્થતા અને આંદોલન. ખળભળાટ મચી જવો એટલે શાબ્દિક અર્થમાં સમજીએ તો, “અશાંતિ ઊભી થવી” એવું અહીં સમજાય. પરંતુ એક વૈકલ્પિક વિચારણા કરીએ કે જો અહીં ‘ખળખળાટ’ શબ્દથી પ્રેરિત ‘ખળખળવું’ ક્રિયાપદ પ્રયોજવામાં આવ્યું હોત અને પંક્તિમાં “...દરિયાઓ ખળખળે રે લોલ…” આમ શબ્દપ્રયોગ થયો હોત તો, તેમાં ઝરણાનો નિનાદ શ્રુતિગમ્ય બન્યો હોત. ખળખળાટમાં રમ્યતાનો અનુભવ તુલનાત્મક રીતે વિશેષ થાય છે. પરંતુ કવિને અહીં કાવ્યનાયિકાનાં મનનાં સંચલનો ઝરણા જેવાં રમ્ય છે એવું દર્શાવવું હોત, તો ચંદ્રમા અને તેના પ્રભાવની અસર અહીં સાર્થક ન થઈ હોત. કેમ કે ચંદ્રમાને તો સમુદ્ર સાથે સંબંધ છે. વનવાસી ઝરણાઓ સાથે નથી. વળી, સમુદ્રના જળરાશિનો અવાજ ઝરણાના “ખળખળાટ” જેવો રેશમી હોતો નથી. સમુદ્રના જળ પ્રતાપી ‘ખળભળાટ’નો નાદ જ કરી શકે. એટલે ભલે કન્યાનું મન હોય પણ મનની ઉર્મિઓ તો સમુદ્રની ભરતી જેટલી જ પ્રબળ છે એમ દર્શાવવા કવિએ અહીં ‘ખળભળે’ ક્રિયાપદ પ્રયોજ્યું હશે, એવું અહી એક સાત્વિક સમાધાન મળે છે. કવિતામાં આગળ વધતા ખ્યાલ આવે છે કે, કાવ્યની નાયિકાને આપણે જીવનમાં પણ એક પછી એક પડાવ પસાર કરતી જોઈ શકીએ છીએ.

જૂઓ..
“હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં..”

આ પંક્તિમાં કંકુથાપાનો જે સંદર્ભ નિર્દિષ્ટ છે તે જીવનના પરિણયનાં પ્રકરણ તરફ ઈંગિત કરે છે. કવિ શ્રી વિનોદ જોશીની યાદગાર ગીત રચના ‘કુંચી આપો બાઇજી’ ની એક પંક્તિ અત્રે યાદ આવે છે.
“કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો..”

એ ગીતની નાયિકા અને આ ગીતની નાયિકા બંને કંકુના થાપામાં કૌમાર્યનો અસ્ત જૂએ છે. પિતૃગૃહમાં એક પુત્રી તરીકે અને એક કોડભરી કન્યકા તરીકે પોતાની જે મુદ્રા હતી તે કંકુ થાપાના આ લાલ રંગોમાં વિલીન થતી જોવા મળે છે. આ ગીતની નાયિકા પોતાની જાતને અહી કંકુ થાપામાં ખોવાતી જૂએ છે. પરંતુ અહીં આપણે ખોવાઈ જવાની ક્રિયાને નકારાત્મક શા માટે સમજવી?! ‘ખોવાઈ જવું’ બે અર્થમાં હોઈ શકે. એક તો ‘અસ્તિત્વ ભૂંસાઈ જવું’ એ અર્થમાં હોય અને બીજું કોઈ પણ વાતમાં ‘તલ્લીન થઈ જવું’ કોઈ ‘વિચારોમાં લીન થઈ જવું’ એ ઘટનાને પણ આપણે ‘ખોવાઈ જવું’ કહીએ છીએ. ડગલે ને પગલે પ્રિયતમને યાદ કરનારી નાયિકા કંકુથાપામાં લાલરંગની કોઈ ભયાનકતા નથી જોઈ રહી પરંતુ અહી તો કંકુના થાપામાં એ જાણે ભવિષ્યના મંગલમય દિવાસ્વપ્નમાં ખોવાતી જાય છે. પ્રણયની આ અવસ્થાને આપણી સંસ્કૃતિ પણ સમર્થન આપતી હોય તેમ પછીની પંક્તિમાં કહેવાયું છે કે પ્રિયના સ્મરણમાં ખોવાયેલી આ નાયિકાને સમાજની આંખો ઉપાલંભથી જોતી નથી. કેમ કે અહીં જે પ્રણય છે તે વયસહજ સ્ખલન નથી પણ આ પ્રણય તો ગૃહમાંગલ્યમાં પરિણમવાનો છે અને માટે જ સમાજની આંખો મમતાનાં અમી આંજીને કંકુથાપામાં ભાવિ સ્વપ્નોમાં ખોવાયેલી નાયિકાને અમૃતદ્રષ્ટિથી અભિષિક્ત કરે છે. આ પછી ફરી એકવાર કંકુથાપા અને મમતામયી આશીર્વાદ મંડિત દૃષ્ટિની બનેલી બહારની દુનિયામાંથી કવિ પુનઃ મનવગડામાં પાછા ફરે છે. કંકુના થાપાનો એક લાલ રંગ કવિએ બતાવ્યો અને તરત જ લાલ રંગની બીજી ભાત કવિએ પછીના ચરણમાં આલેખી છે.

જૂઓ..
“મારી મહેંદીનો ગહેકે છે મોરલો ..”

માત્ર સાદા શબ્દોથી પણ રંગ અને સુગંધના અનુભવ આપવાની શક્તિને આ કવિની પૌઢ કલમનું એક મહત્વનું પરિણામ ગણી શકીએ. અહીં હથેળીમાં મૂકેલી મહેંદી પોતાની સુગંધથી તો અભિવ્યક્તિ થતી જ હશે, પરંતુ આ ઉપરાંત તેમાં ચીતરેલા મોર દૃષ્ટિ અને શ્રુતિનો અનુભવ પણ આપે છે. અહી મહેંદીમાં આલેખેલો ગહેકતો મોરલો શા માટે કેકારવ કરી રહ્યો છે! તેનું કારણ આ જ પંક્તિના ઉત્તરાર્ધમાં મળે છે કે જૂઓ..
“એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ…”

તેને સાજણની આંગળીઓના સ્પર્શનો વિરહ સાલી રહ્યો છે. માત્ર બે હથેળીઓના મિલાપને આટલી કલાત્મક રીતે દર્શાવીને કવિએ સનાતન લગ્ન પરંપરાના પાણિગ્રહણ સંસ્કારના અર્થને પણ કેવો ચરિતાર્થ કર્યો છે ! આમ એક જ પંક્તિમાં ઘ્રાણ, દ્રષ્ટિ, શ્રુતિ અને સ્પર્શ એમ ચતુર્વિધ અનુભૂતિની ચોપાટ કવિએ આ પંક્તિમાં પાથરી છે. આ પછીના અંતરામાં આગળ વધીએ તો પ્રણયમત્ત અવસ્થાની અહીં ખુબ જ નિર્દંભ શૈલીમાં માત્ર બે પંક્તિમાં અભિવ્યક્તિ થઈ છે. જૂઓ..

“કોઈ આવીને ઓરતાને ઓરી ગયું..”

ઉક્ત પંક્તિને જોઈએ તો તેની શબ્દયોજનામાં ‘અ’કારનાં વર્ણસગાઈનાં સૌંદર્યને તો વખાણવું જ રહ્યું, પણ પાકશાસ્ત્રના ‘ઓરવું’ ક્રિયાપદને અહીં થોડો સમજવો ગમે તેવો છે. હોંશે હોંશે જ્યારે ભાવપૂર્વક કોઈ શુકનવંતુ રાંધણ ચૂલે ચડાવવામાં આવે છે ત્યારે તેના માટે તળપદી પરિભાષામાં ‘ઓરવું’ ક્રિયાપદ પ્રયોજાય છે. મોટાભાગે આ ક્રિયાપદની પાછળ શુભંકર આશયની વાંછના કરવામાં આવે છે. અહીં આંધણ ઓરાઈ તો ગયા છે પણ એ ઓરતાના આંધણ છે. સ્નેહલ દાંપત્યજીવનના ઓરતા તો કઈ કન્યાએ સજાવ્યા નહીં હોય ?! પણ અહીં કાવ્યની નાયિકા પ્રિયતમનું નામ ઉચ્ચારવા જાણે-અજાણે તૈયાર નથી અને એટલે જ નામ ઉચ્ચારણને નિવારીને તે “ “કોઈ આવીને ઓરતા ઓરી ગયું” ” તેવી અધ્યાહાર પૂર્ણ વાત કરે છે, પરંતુ તેનો આ અધ્યાહાર તેના મનની વાતને જરાય છાની રાખી શકતો નથી. ઊલટાનો તેના હૈયાનો હરખ છતરાયો થાય છે. અહીં ‘ઓરી જવું’ ક્રિયાપદ એક વધુ અર્થછાયાને પણ ભાવક ચિત્તમાં રેલાવી જાય છે. ‘ઓરવું’ એ પ્રક્રિયાદર્શક પદ છે, પરિણામદર્શક નથી.. અને એટલે જ જાણે કે આ કાવ્યની નાયિકા કહેવા માંગે છે કે હજી તો મનમાં ઓરતાઓ અંકુરિત થઇ રહ્યા છે, ફળીભૂત થયા નથી. હજી મનમાં આકાંક્ષાઓના બીજ વવાયાં છે, તેના પર પૂર્ણતાના પુષ્પો પાંગરવાના તો બાકી છે. પોતે પ્રણયની એક અણબુઝી અવસ્થામાં છે એ પ્રગટ કરતાં જાણે કાવ્યનાયિકા લજ્જિત થતી હોય, તેમ તે પોતાની દશાને સંતાડવા હાથવગું વાનું આડું ધરે છે અને કહે છે કે..

“મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું..”

આમ તો ઢીંગલીની આંખો અનિમેષ જાગરણ કરનારી આંખો હોય છે, પણ અહી ઢીંગલીની અનિદ્રા કિશોરાવસ્થામાંથી યુવાવસ્થા તરફનો રસ્તો ચિંધનારી દર્શિકા બની રહે છે. માટે અહી ઢીંગલીઓ પણ હવે ઉજાગરા કરવા લાગી છે એ કથનમાં જાણે કે એમ સૂચવાઈ રહ્યું છે કે આંખમાં નીંદર સમાઈ શકે એવી હવે જગ્યા બાકી બચી નથી. જાણે વાર્તાઓ અને સપનાઓ એ નયનોમાં કાયમી માળો નાખ્યો છે. આ ગીતની અંતિમ પંક્તિનો પૂર્વાર્ધ આવો છે કે,

“હું તો ઊભી છું ઉમરને ઉંબરે...”

કિશોર અને તરૂણ અવસ્થાની વિદાયને આ શબ્દોથી જ પુષ્ટિ મળે છે કે : “હું તો ઊભી છું ઉંમરને ઉંબરે..” અહીં પણ ‘ઉંમર’ અને ‘ઉંબર’ના સમાનધર્મી નાદસૌંદર્ય ધ્યાન આકર્ષિત કર્યા વગર રહેતા નથી. ઉંમર અને ઉંબર માત્ર વર્ણનાં સૌંદર્યને લઈને આવનારા વાહન નથી. અર્થના સૌંદર્યને પણ બંને શબ્દો એ ઓતપ્રોત થઈને શણગાર્યું છે. ઉંમરનો એક એવો પડાવ કે જ્યાં બંને અવસ્થા એકમેકમાં ભળતી હોય, ત્યારે આ પ્રકારના સંવેદનોના શૃંગ અને ગર્ત આવ્યા જ કરવાના.. અને એટલે જ

“ન યયો ન તસ્થૌ” ની દશા માત્ર ‘અભિજ્ઞાન શાકુન્તલ’ની શકુન્તલા કે ‘કુમારસંભવ’ની શૈલપુત્રીની જ હોય એવું જરૂરી થોડું છે..! કોઈ પણ કન્યા ઉંમરના આ વળાંક પર આ સ્થિતિનો અનુભવ કરતી જ હશે.. અને આ અનુભવ વ્યક્તિગત અનુભવ નહીં જ હોય. એ સાર્વત્રિક અનુભૂતિમાં સાકાર થતો હશે તો જ કવિતાનો વિષય બનવાનું સન્માન તે સંવેદનનાં ભાગ્યમાં લખ્યું હશે.

અંતે,
“મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ…”

કાવ્યાંતે કાવ્યનાયિકાના અંતરમાં ઘૂઘરીઓનો રણઝણાટ બે પ્રકારની અનુભૂતિ આપી જાય છે. અહીં રણઝણાટ શબ્દમાં શ્રવણનો આનંદ તો છે જ, પણ બીજો પણ એક અનુભવ છે જે માનસી પણ છે અને શારીર પણ છે. અને આ બંને અનુભવની પાર ‘રણઝણવું’ ક્રિયાપદમાં એક વાજિંત્રની અવસ્થાનો પણ ઉલ્લેખ છે. અહીં ‘રણઝણવું’ એટલે વીણાની જેમ ‘ઝંકૃત થઈ ઉઠવું’ એવો પણ અર્થ લઈ શકીએ. ઘૂઘરીનો રણઝણાટ તો મનના ખિલખિલાટ આનંદનો પરિચય આપે જ છે, પણ સાથે સાથે કાવ્યનાયિકા પોતે જ જાણે સારંગી બનીને મનને મૂંઝવનારા અને મોહિત કરનારા સ્વરો પ્રગટ કરી રહી હોય તેવું અહીં તો લાગે છે. આમ, મુગ્ધ અવસ્થાનાં મનઃસંચલનોને સાકાર કરતી આપણી કાવ્ય પરંપરામાં આ રચના એક નમણું ઉમેરણ બનીને આવી છે તેનો એક સાત્વિક હર્ષ વ્યક્ત કરવાનો આ એક ઉન્મેષ અહી પ્રસ્તુત કરેલ છે.

સંદર્ભ:

  1. ફિલ્મ : 'પ્રેમજી' રાઈઝ ઑફ અ વૉરિયર. (૨૦૧૫) દિગ્દર્શક : શ્રી વિજયગીરી બાવા.

ડૉ. શક્તિસિંહ આર. પરમાર, મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ઘોઘા. ભાવનગર.