Included in the UGC-CARE list (Group B Sr. No 172)

પ્રેમ, વેદના, કરુણા ને આંસુનો સાક્ષાત્કાર : ‘સરનામાં વિનાનાં માનવીઓ’

અપાર જૈવિક વિવિધતાઓથી સભર વિશ્વમાં માણસ નામે નોખું પ્રાણી છે. શારીરિક લક્ષણોથી માણસ દેખાય, વરતાય પણ આંતરિક ગુણ-કર્મથી ‘માણસ’ બનવું ઘણું અઘરું છે. એટલે જ કવિ સુન્દરમે કહ્યું હશે, “હું માનવી માનવ થાઉં તો ઘણું” ! ‘મનુષ્ય’ બની રહેવું જરાય સહેલું નથી. સત્ય, પ્રેમ, કરુણા, સ્નેહ, અનુકંપા, બંધુત્વ, ન્યાય, સદાચાર, અહિંસા, પરોપકારને જીવનમંત્ર બનાવી પરાર્થે થોડું પણ જીવાય તો મનુષ્ય જન્મ સાર્થક ગણાય. બાકી જન્મ મળ્યા પછી પારિવારિક ગુજરાન માટે જ જીવન ખર્ચી નાખવું એ તો માનવેતર જીવોમાં પણ ક્યાં નથી વરતાતું ? સ્વાર્થની ભાવનાથી ઉપર ઊઠી જીવનની સાર્થકતા સિદ્ધ કરનારાં ઘણાખરાં માનવીઓમાંથી એક એટલે મિત્તલ પટેલ ! ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના એક ગામ શંખલપુરમાં એકંદરે સુખી ગણાતા ખેડૂત પરિવારમાં જન્મેલ મિત્તલ પટેલ સાચા અર્થમાં મનુષ્ય જન્મ સાર્થક કરી રહ્યા છે. સાહિત્યના ક્ષેત્રે મિત્તલ પટેલ સમૂહ માધ્યમો અને દૈનિકોમાં લેખન દ્વારા આમ તો ઠીક-ઠીક જાણીતું થઈ ગયેલું નામ છે. પણ પોતાના પ્રથમ પુસ્તક ‘સરનામાં વિનાનાં માનવીઓ : વિચરતી પ્રજાની વ્યથા-કથાઓ’ દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે વિધિવત્ દમામભેર પ્રવેશ કર્યો છે, એમ કહીએ તો જરાય ખોટું નથી. ઓગસ્ટ, 2020માં પ્રથમ આવૃત્તિ ને ઓક્ટોબરમાં ત્રીજી આવૃત્તિ તૈયાર કરવી પડે, એ સિદ્ધિ ખૂબ નાની ઉંમરે અને પ્રથમ પુસ્તકથી મેળવી રહ્યા છે એનો અનેરો આનંદ છે. સમૂહ માધ્યમોમાં પુસ્તક વિશેની ચર્ચાઓ ઉડીને આંખે વળગે છે.

વિશ્વભરમાં રંગ-નસ્લ, અમીર-ગરીબ, ધર્મ-કોમ વગેરેના આધારે મનુષ્ય-મનુષ્ય વચ્ચે ભેદભાવો પ્રવર્તિત છે, લોહિયાળ ઇતિહાસ રહ્યો છે. પણ ભારતમાં જોવા મળતા જાતિગત ભેદભાવ જેવું વરવું ને અમાનવીય રૂપ વિશ્વ-ઇતિહાસમાં ક્યાંય જડતું નથી. દલિતો, આદિવાસીઓ, વિચરતા-વિમુક્ત સમુદાયો યુગોથી ગરીબી, અશિક્ષા, અપમાન, ઉપેક્ષાની પીડાને સહન કરતાં આવ્યા છે. વિશ્વ ચંદ્ર-મંગળની યાત્રા તરફ આગળ વધી ગયું પણ પૃથ્વી પર સમાજમાં હજુ સામાજિક ભેદભાવો નામશેષ કરી શકાયા નથી અને નજીકના ભવિષ્યમાં થાય એવાં કોઈ લક્ષણો જણાતાં પણ નથી. મિત્તલ પટેલ ઉચ્ચ અભ્યાસ અર્થે ગામડાંમાંથી અમદાવાદ આવે છે ને ત્યાર બાદ સમાજના આ બિહામણા રૂપ તરફ ધ્યાન જાય છે. અભ્યાસકાળ દરમિયાન ‘ચરખા’ સંસ્થાની ફેલોશિપ મેળવી ક્ષેત્રકાર્ય કરવા યુવાની સહજ રોમાંચ, જિજ્ઞાસાથી મિત્તલ દક્ષિણ ગુજરાતના શેરડી કામદારોની વસાહતમાં જઈ ચડે છે ને ત્યાંથી એક નવી જ મિત્તલ ભીતર આકારિત થવા લાગે છે. 23-24 વર્ષીય યુવા મિત્તલ ડફેરોના ડંગામાં કદમ મૂકી જીવનભર આ જ કેડીએ આગળ વધવાનો જાણે-અજાણે મનોમન સંકલ્પ કરી બેસે છે. સામાજિક દાયિત્વ નિભાવતાં સેવાકીય ક્ષેત્રમાં પ્રવેશથી લઈ વર્તમાન પર્યંતના અનુભવોને ક્રમશઃ સમાજ સમક્ષ પુસ્તકાકાર રૂપે મૂકવાનો વિચાર મનમાં ચાલે છે, જેનું પ્રથમ સોપાન એટલે ‘સરનામાં વિનાનાં માનવીઓ’.

જેમની પાસેથી સેવાના પાઠ ભણવા મળ્યા એવા અરવિંદભાઈ આચાર્ય સમાજના તકવંચિત સમુદાયને, વિચરતી-વિમુક્ત જાતિના લોકોને સરનામાં વિનાનાં માનવીઓ કહેતા. એટલે મિત્તલ પોતાના પ્રથમ પુસ્તકને એ શીર્ષક આપી અરવિંદભાઈને એક રીતે નોખી શ્રદ્ધાંજલિ આપે છે. 29 શીર્ષકોમાં ગામેગામ ભટકતું જીવન જીવતાં લોકોની કથા વેદના, પીડા, આંસુ, પ્રેમ, સમર્પણ, મમત્વથી લખાઈ છે. ભૂમિકા અને પરિશિષ્ટમાં પ્રસિદ્ધ સાહિત્યકાર માધવ રામાનુજ લેખિકાના આછેરા પરિચય સાથે વ્યથા-કથાને ઉઘાડ આપે છે. લેખિકા પોતાની યાત્રાની કથની કરુણાની કલમ થકી આંસુમાં ઝબોળી વાચક સમક્ષ મૂકે છે, જે સહૃદયી વાચકોના અંતરને ભીંજવી નાખે છે, ચિત્તને દ્રવિત કરી દે છે. સાહિત્યપ્રેમી કથાકાર મોરારી બાપુના આંગણે ‘અસ્મિતા પર્વ’માં તકવંચિતોની પીડાનો ચિતાર આપી સમાજનું ધ્યાન દોર્યું. ત્યાર બાદ ‘ફૂલછાબ’ની બુધવારની પૂર્તિ ‘પંચામૃત’માં ‘વિચરતી જાતિનાં વીતક’(2018) શીર્ષકથી લેખ પ્રકાશિત કર્યા, જે અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે.

શેરડી કામદારની જોડી ‘કોયતા’ તરીકે ઓળખાય. કોયતા એ શેરડી કાપવા વપરાતું સાધન-ઓજાર છે. આ સંજ્ઞા મનુષ્યની નામવાચક બની માણસની સ્વતંત્ર ઓળખને જાણે કે નામશેષ કરી નાખે છે. દેશનો કોઈપણ ખૂણો લઈ લો, કામદારને, મજૂરને, વેઠીયાને ક્યારે માણસ ગણવામાં જ આવે છે ? પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ જ નહીં, લઘુત્તમ વેતન પણ ક્યાં અપાય છે ? ‘કામદારની પત્નીને બાઈક-સવાર ઉપાડી ગયો’ શીર્ષકથી લેખમાળાનો પ્રારંભ થાય છે અને એક નવી જ દુનિયામાં, નવા જ વાસ્તવમાં વાચકનો પ્રવેશ થાય છે, જ્યાં આંસુ, વેદના, પીડાનો સાગર મૂક થઈ ગરજે છે. નવેમ્બર, 2004ની રાત્રીએ 23 વર્ષીય મિત્તલ શેરડી કામદારોની વસાહતમાં રોમાંચ સાથે કોઈપણ પ્રકારના અનુભવ કે કોઈ તૈયારી વિના પહોચી તો જાય છે પણ પ્રથમ દર્શને જ જે દૃશ્ય સામે આવે છે, એ તેમને હતપ્રભ કરી નાખે છે. સામાજિક ક્ષેત્રે કામ કરતી સુરતની સંસ્થા ‘નવસર્જન’ના એક કાર્યકર ભાઈ સાથે કીમ ચોકડી પાસેના એક ગામમાં સાંજના સુમારે પહોચે છે. અહીં ઠંડીમાં પ્લાસ્ટિકના કંતાનોમાં જીવતરના દિવસો ટૂંકા કરતાં માનવીઓથી સાક્ષાત્કાર થાય છે. ઉપરથી એ પ્રથમ રાત્રે જ એક મજૂરના પત્નીને બાઈક-સવાર ઉપાડી જાય છે. પત્ની કે બહેનને ગામનો કોઈ માથાભારે હેવાન ઉપાડી જાય ને એ પછી હવસ સંતોષી ક્યારે પરત મોકલે એ કઇં નક્કી નહીં, ને તેમ છતાં એક હરફ સુદ્ધાં ન બોલી શકવાની ત્રાસદ સ્થિતિ પ્રત્યક્ષ જોઈ મિત્તલ હચમચી જાય છે. વંચિત સમુદાયોની મહિલાઓએ આજે પણ નિર્મમ અત્યાચારના ભોગ બનવું પડે છે. તેમની વ્યથાને ઉજાગર કરી દુનિયા સમક્ષ મૂકનાર કોઈ નથી. પોતાના સમુદાયના લોકો પણ અભાવમય જિંદગીમાં વિરોધ કરવા સાથ આપી શકે તેવી સ્થિતિમાં હોતા નથી. જો વિરોધ કરવા બેસે તો બાળકો-વૃદ્ધો સાથે ભૂખે મરવાનો દિવસ આવે કેમકે જમીન-જાયદાદ તો મળે નહીં. એટલે પેટની ક્ષુધા શાંત કરવા અત્યાચાર સહન કરીને પણ વેઠ કર્યે જવી પડે છે. આવા વાતાવરણમાં મિત્તલ ભૂખ, ઠંડી સહન કરીને જુદી-જુદી વસાહતોમાં ફર્યા કરે છે. ત્રણ-ત્રણ દિવસ ભૂખથી પીડાઈ મંદિરના ઓટલે ખાલી પ્રસાદ (તે પણ અપમાનિત થઈ) મેળવી મિત્તલ ભીતરથી વલોવાઈ જાય છે. મંદિર-મસ્જીદમાં હજારો-લાખોના દાન-ભોગ ધરાવાય ને બહાર ભિક્ષુકને ધુત્કારવામાં આવતા હોય એ દૃશ્યો ક્યાં કોઈથી અજાણ્યા છે ? પોતાના પર વીતે ત્યારે પીડાનો અહેસાસ થાય એ સત્ય મિત્તલને સમજાવા લાગે છે. પશુઓને પણ ના ખવડાવવામાં આવે એવી અખાદ્ય, સડેલી જુવાર શેરડી કામદારોને ખાવા માટે આપવામાં આવે ને રાત-દિવસ માલિકના હુકમ સાથે કામ પર હાજર થઈ જવાનું, મજૂરીનો દર કોયતા દીઠ 108 એટલે 54 રૂપિયા એક પુખ્ત વયની વ્યક્તિના(વર્ષ 2004). સવારથી સમી સાંજ સુધી તો કામ ખરું જ, પણ રાત્રે શેરડી ભરવા ટ્રક આવે તો એ વેઠ પણ જરાય ઉંહકારો કર્યા સિવાય કરવાની ! નહીંતર બીજા વર્ષે કામ પર ના બોલાવે. ક્યારેક દુર્ઘટનામાં કોઈ સ્વજનનો જીવ જાય તો પણ મૂક બની સહન કરી લેવાનું. પેટ માટે કરવામાં આવતી વેઠના અનુભવો ખુલ્લી આંખે ઠેર ઠેર જોવા મળે છે. શુગર ફેકટરીના સભાસદો દ્વારા મિત્તલનો વિરોધ કરવામાં આવે છે, વસાહતોમાં કામદારો પણ ડરના માર્યા પોતાની કેફિયત જણાવતાં નથી. તેમ છતાં તેઓની સ્થિતિ પ્રત્યક્ષ જોવા જુદી જુદી વસાહતોમાં ફર્યા કરે છે. સર્વત્ર તેમની દારુણ દુર્દશા જોઈ મિત્તલનું હૈયું કમકમી ઊઠે છે. ન સહેવાતાં મિત્તલ એક ગામના શોષક ખેતમાલિકને કહે છે –

“પાક્કા ઘરમાં આપણી બહેન-દીકરીઓ સલામત છે, પણ અહીં આમની?... નાકમાંથી શેડા નીકળતાં એમનાં નાગાં-પૂગાં છોકરાં જોઇને આપણાં નાકનાં ટેરવાં ઊંચાં ચડી જાય, પણ આવી ટાઢમાં રાતના કોઈવાર આવીને જોયું છે કે, આ લોકો ઓઢે છે શું ? પાથરે છે શું ? ક્યારેય બપોરના એમનાં ભાથાં ખૂલે તો એમાં શું હોય છે એ જોયું છે ? અને હા, એમને અપાતી જુવાર... આ લોકો માણસ છે, ઢોર નહીં.”[1]

કોઈપણ પ્રકારની સુવિધા વિના નાનાં-નાનાં બાળકો સાથે છૂટક મજૂરી કે ખેતમજૂરી કરતાં અસંગઠિત વ્યવસાય સાથે સંકળાયેલ આદિવાસી ભાઈ-બહેનો કેવું જીવન જીવે છે એ જોવા નીકળેલ મિત્તલને પેટે તસતસતું કપડું બાંધી ભૂખથી બચવા હવાતિયાં મારતા વૃદ્ધ નજરે ચડે છે. શરીરમાં તાકાત હોય ત્યાં સુધી તો હાડતોડ મહેનત કરે પણ અશક્ત થતાં જ કામ મળવાનું બંધ થઈ જાય છે. આવા અશક્ત જો નિઃસંતાન હોય તો તેમના માટે બે ટંક પેટ ભરવું દોહ્યલું બની જતું હોય છે. દર વર્ષે શેરડી કામદાર તરીકે મજૂરી કરવા માટે બહુ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના નંદુરબારથી આદિવાસીઓ દક્ષિણ ગુજરાતમાં આવે છે. તેમનાં ગામ-ઘરની સ્થિતિ જોવા મિત્તલ જાય છે ત્યારે નંદુરબારમાં સ્ટેશન પર કચરાપેટીમાંથી ફેંકી દેવાયેલ ભજીયા, ચટણી શોધતાં ને છેવટે ચટણી ચોંટેલ કાગળ ચાવી ખાતા વૃદ્ધ કાકાને જોઈ આંખે અંધારાં આવી જાય છે. સંવેદનબુઠું હૈયું હોય એને આવા દૃશ્યથી ફેર પડે નહીં, કદાચ ઘૃણા ઉપજી આવે પણ સંવેદનાથી હર્યુંભર્યું હૈયું હોય એ કેમનું જીરવી શકે આ દૃશ્ય ?

અફસોસ એ છે કે ભારતીય મીડિયામાં આ દૃશ્યોને સ્થાન મળતું નથી. સ્ટોરી, બ્રેકિંગ ન્યૂઝ માટે હવાતિયાં મારતા પત્રકારો, એંકર દેશની મૂળ સમસ્યાથી શું અજાણ છે ? ઢંગધડા વગરની ડિબેટ કરી પ્રજાને મૂર્ખ બનાવવા, ગુમરાહ કરવા નીકળેલા નમાલા, સ્વાર્થી તંત્રીઓ-સંપાદકો, માલિકો બજારવાદના પ્રભાવ તળે જનતાને મૂળ સમસ્યાથી દૂર લઈ જાય છે. જો કે પ્રશ્ન એ પણ વાજબી છે કે દર્શકો, શ્રોતાઓ આવા કાર્યક્રમ જોઈ-જોઈને માલિકોને પ્રોત્સાહિત નથી કરતા ? શા માટે વાહિયાત બકવાસ કર્યા કરતી ચેનલનો બહિષ્કાર નથી કરી શકતા ? કેમ એ માટે કોઈ જન આંદોલન નથી થતાં ? પ્રિન્ટ મીડિયામાં પણ હવે તો સમાચાર ઓછા અને જાહેરાત વધુ હોય છે. જાણે જાહેરાતો જોવા માટે જ વર્તમાનપત્ર ખરીદતા હોય એવું લાગે. એટલે આવા સિદ્ધાંતહીન, મૂલ્યભ્રષ્ટ પત્રકારત્વના ક્ષેત્રે આગળ વધવાની કે તેમાં કારકિર્દી બનાવવાની મિત્તલની કોઈ ઈચ્છા થતી નથી.

વર્ષ 2006માં જ્યાં ભાળ મળે ત્યાં વિચરતા-વિમુક્ત સમૂહોને શોધવા મિત્તલ નીકળી પડે છે. તેમના જીવનની હાડમારીઓ પ્રત્યક્ષ જોવા લાગે છે. રાજ્યની રાજધાની ગાંધીનગરથી વીસ-બાવીસ કિલોમીટરના અંતરે આવેલ દહેગામની એક વસાહતમાં ખોદેલા ખાડા જોઈ પૂછતાં જાણવા મળે છે કે, ઠંડીથી બાળકોને બચાવવા ખાડા ખોદી તેમાં છાપું પાથરી સુવડાવી દેવાનાં અને ઉપર છાપાં, ગાભા નાખી દેવાનાં આ સાંભળી હતપ્રભ થઈ જાય છે. મરેલાને દાટવા માટે ખાડા હોય એ સાંભળ્યું હતું પણ જીવતાં રહેવા માટે ખાડા કરવા પડે એ જીવનમાં પ્રથમ વાર જોવા-સાંભળવા મળે છે. ગરીબીના આવા વરવા દૃશ્યો મિત્તલને ચેન લેવા દેતાં નથી. ધ્યેયહીન જિંદગી જીવવી મંજૂર નહોતું એટલે જીવનના ધ્યેયને શોધવા ભીતર મથામણ કર્યા કરે છે, આમતેમ ફર્યા કરે છે. તકવંચિતોની દુનિયામાં પ્રવેશ કર્યા પછી ડફેરો વિશે ખૂબ સાંભળેલું, એટલે એમને જોવા-મળવાની ઘણી તાલાવેલી. એવા સમયે પાટડીના ગેડિયામાં ડફેરોનો ત્રાસ વિશે વર્તમાનપત્રમાં વાંચતા જ વરસતા વરસાદમાં મળવા પહોચી જાય છે. આ મુલાકાત જીવનના વહેણને પૂર્ણપણે બદલી નાખે છે. જીવનનો ધ્યેય સ્પષ્ટ થઈ જાય છે અને વરસતા વરસાદમાં ટપકતી આંખો સાથે ખુલ્લા પગે પરત ફરતાં તકવંચિત સમુદાયોને આધાર આપવા જીવન સમર્પિત કરવાનો દૃઢ નિર્ધાર કરે છે.

તકવંચિતોને સમાજના મોટાભાગનાં લોકો આળસુ, ચોર, દારૂડિયા, નક્કામા વગેરે માનતા હોય છે. કેવી પરિસ્થિતિઓએ તેમને આ માર્ગે ધકેલ્યા, તેના વિશે કોઈ ચિંતન કરતું નથી. કેટલાક શ્રદ્ધાળુઓ તો વળી તેમની કરુણ સ્થિતિને પૂર્વજન્મના કર્મના ફળ બતાવતાં હોય છે. વિચરતી-વિમુક્ત જાતિઓ માટે મૃત્યુપર્યંત રઝળપાટ લલાટે લખાયેલ હોય છે. પેટની આગ બુઝાવવા કાયમ માટે ગામેગામ ફરવું પડે. અજાણ્યા ગામમાં જાય એટલે ઘણીવાર માર પડે. અપમાનિત, હડધૂત થતાં રહેવું એ તો કોઠે પડી ગયું હોય એમ કહી શકાય ! સતત જાકારો મળતો રહે, અપમાન અને ઉપેક્ષાનો ભોગ નાનપણથી બનવું પડતું હોય ત્યાં કદાચ દારૂ જેવા નશાઓ તેમની અભાવમય જિંદગીમાં થોડા સમય માટે સુખ દેતાં હોય એવું બની શકે. એટલે મોટાભાગનાં સમુદાયોમાં નશાનું પ્રચલન ખૂબ વધારે જોવા મળે છે. નટ લોકોના એક લગ્ન પ્રસંગમાં ગયેલ મિત્તલને મંદિરમાં બેસી પંચ દ્વારા સામાજિક રિવાજના રૂપમાં દારૂ પીવાનું દૃશ્ય જોવા મળે છે. આવા સમયે નશામુક્તિ કે દારૂબંધીના ઉપદેશ આપવા ના બેસાય કે ના તો એની કોઈ અસર થાય, એટલી સૂઝ યુવા મિત્તલે કેળવી લીધી હતી. એટલે ચૂપચાપ જોયાં કરવામાં ડહાપણ લાગે છે. કોઈ ફલક પર વાત મૂકવા માટે યોગ્ય સમયની રાહ જોવી જોઈએ, એવું તે સ્પષ્ટ માને છે. કેવી વાત કેવા સમયે કરવી તેની ઊંડી સૂઝ હોવાના કારણે વંચિત સમુદાયોનો વિશ્વાસ કેળવી શક્યા છે.

અંગ્રેજ શાસનકાળ દરમિયાન કેટલીક જાતિઓને જન્મજાત ગુનેગાર ગણવામાં આવી. 1952માં કાગળ ઉપર આ લાંછન દૂર થયું, પણ વાસ્તવિક ધરાતલ પર તો સમાજ અને કાયદા-રક્ષકોની નજરમાં તેઓ ગુનેગાર જ રહ્યા. વગર વાંકે માર મારવો, હડધૂત કરવા, હંમેશા શકની નજરે જોવા, ગામમાં કાયમી આશરો ના આપવો જેવી અમાનવીય વ્યવસ્થાના ભોગ બનેલ આ સમુદાયોની સ્થિતિ ખૂબ દયનીય છે. આવો એક સમુદાય એટલે ડફેર. પોલીસ અને સમાજની નજરમાં ચોરી, મારધાડ, હિંસા માટે કુખ્યાત, ખૂંખાર ગણાતા ડફેરોને 24-25 વર્ષની યુવતી એકલી અજાણ્યા રસ્તે, અપરિચિત સ્થળે મળવા ઉપડી જાય છે ને મળ્યા પછી દિવસોના દિવસો સુધી ચેનથી જીવી શકતી નથી. સાત દિવસની હેલીના કારણે ભૂખમરાની એવી સ્થિતિ આવી જાય છે કે ત્રણ-ચાર મહિનાના બાળકને ધવડાવવા માટે માના સ્તનમાં દૂધ પણ આવતું નથી. ચાર-ચાર દિવસની ભૂખી આ માની વેદના “જંગલી બિલાડાય બારા નથ નીહરતા તે ઈને મારીને ખાઈએ”[2], શબ્દોમાં વ્યક્ત થાય છે. ભૂખથી ટળવળતાં બાળક અને માના દૃશ્યને નજરે જોઈ, તેમની પીડાથી વાકેફ થયા પછી એક શબ્દ પણ બોલી શકાતો નથી અને વરસતી આંખે મિત્તલ પરત આવવા નીકળી પડે છે. વિયાવ્યા પછી કૂતરી-બિલાડીને શીરો કરી ખવડાવનાર માનવી સમાજના અન્ય માનવીઓ પ્રત્યે આટલો ક્રૂર ને નિસ્પૃહ કેમનો બની જતો હશે ? મિત્તલને આ વેદના કોરી ખાય છે. તેમના શબ્દોમાં-

“કૂતરાં-બિલાડાંની ચિંતા કરનાર આપણે માણસની ચિંતા કરવાનું ભૂલી ગયા. આ કેવી સભ્યતા ને કેવી ભવ્ય સંસ્કૃતિની ધરોહરવાળું ભારત ! કશું સમજાતું નહોતું...”[3]

ભૂખ, અભાવ, ગરીબી, હાલાકીના સતત બિહામણા દૃશ્યો નિહાળી વ્યથિત લેખિકા ઊંડા આઘાતમાં સરી જાય છે. છેવટે લાંબા મનોમંથનને અંતે શેષ જીવન વિચરતી-વિમુક્ત જાતિઓના શ્રેયાર્થે વિતાવવાનો ભીતરથી સંકલ્પ સ્ફુરે છે.

ડેરા, તંબુઓમાં રહેતાં સરનામાં વગરનાં માનવીઓની સૌથી કપરી સ્થિતિ ચોમાસામાં જોવા મળે. ચારેકોર કાદવ-કીચડ હોય, તેમનાં છાપરાની અંદર પણ પાણી, કાદવનું સામ્રાજ્ય હોય, ચૂલો સળગાવવો કે બાળકો, વૃદ્ધોને સુવડાવવાં ક્યાં એનો પ્રશ્ન સતાવતો હોય ત્યારે વરસતા વરસાદમાં તેમને ‘ઉંબરે ઊભાં રહેવાથી વાલમના બોલ ના સંભળાય’ કે પછી ‘આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ, ઊની-ઊની રોટલી ને કારેલાનું શાક’, યાદ ન આવે એ સ્વાભાવિક છે. ગુજરાતી શિષ્ટ સાહિત્યમાં ક્યાં છે આ લોકોની પીડા ? કોઈ પણ ભાષાના સાહિત્યમાં આ સમુદાયને કેટલી જગ્યા મળી છે ? વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન સાહિત્યમાં તકવંચિત સમુદાયો, તેમની પીડા સાથે સમસંવેદન સ્થાપવાનો મોકો ઉપલબ્ધ કરાવી શક્યા છીએ ખરા ? અભ્યાસક્રમમાં આ સમુદાયોનું સાહિત્ય કે તેમને સ્પર્શતા સાહિત્યનો કેટલો અંશ જોવા મળે છે ? આ પ્રશ્નના પ્રામાણિક ઉત્તરો મનને વ્યથિત કરે છે.

વંચિત સમુદાયના બાળકો માટે શિક્ષણની સુવિધા સરળતાથી સુલભ હોતી નથી. રહેઠાણનું કોઈ એક નિશ્ચિત સ્થળ ના હોય, બાળકના જન્મની ક્યાંય નોંધ ન હોય એટલે શાળામાં પ્રવેશ ક્યાંથી મળે ? સાથે-સાથે વાલીઓમાં જાગૃતિનો અભાવ અને ગરીબી તેમની હાલાકી માટે કારણભૂત બને છે. જો કે સમાજની ઉદાસીનતા પણ ઓછી જવાબદાર નથી. શાસકો અને પ્રશાસન અધિકારીઓની અણઆવડત કે બિનજવાબદારી તો કારણભૂત છે જ. આવા બાળકો ખૂબ નાની ઉંમરે બાળ મજૂરી કરવા લાગી જાય છે. વંચિત સમુદાયના બાળકોને રમવાની કે ભણવાની ઉંમરે હાડતોડ મજૂરી કરવી પડે છે. શેરડી કામદારોના બાળકો સંદર્ભે મિત્તલ પટેલ લખે છે,

“બાર કે તેર વર્ષનાં બાળકો તો કોયતા તરીકે ખેતરમાં હાથમાં મોઈ-દાંડિયા કે ક્રિકેટના બેટની જગ્યાએ કોયતો લઈને શેરડી વાઢી રહ્યાં હતાં.”[4]

ગરીબીના કારણે તેમને નશીલા દ્રવ્યોની હેરાફેરી, ચોરી જેવા અપરાધિક કાર્યોમાં કેટલાક તકસાધુઓ સહેલાઈથી જોડી લેતાં હોય છે. ઊજળાં કપડાં પહેરી ફરતા આવા તકસાધુ હંમેશા ગરીબ બાળકોની શોધમાં હોય છે. ઉપરાંત નશીલા દ્રવ્યોના શિકાર પણ જલ્દી બને છે. દેખાદેખીમાં નાની ઉંમરથી વ્યસની બની જાય છે અને આ પરંપરા પેઢી દર પેઢી ચાલતી રહે છે. તેમની ચિંતા કરી સાચો માર્ગ બતાવનાર, સતત હૂંફ, પ્રેમ, સાથ-સહકાર આપનાર પ્રતિબદ્ધ વ્યક્તિઓની ખોટના કારણે પેઢીઓ સુધી આ પરંપરા ચાલે છે. આ બાળકોનું ભવિષ્ય અને તેમના થકી ભારતનું ભવિષ્ય શું ?, એ પ્રશ્ન મનને મૂંઝવે છે.

રઝળપાટમાં જીવતર પૂરું કરનાર સમૂહને રહેઠાણનું કોઈ એક સરનામું હોય નહીં એટલે ઓળખનું કોઈ પ્રમાણપત્ર પણ ક્યાંથી મળે ? ઓળખાણના પ્રમાણપત્રો-પુરાવાઓ વગરના માનવીઓ પોલીસના હાથે સહેલાઈથી ચડી જાય. ઉપરથી પોલીસ તંત્ર તો આ સમુદાયોને જન્મજાત ગુનેગાર ગણે. જેમની આગળ-પાછળ કોઈ રહેમનજર રાખનાર ના હોય એવા આ ગરીબ લોકોને પકડી તેમને અસહ્ય યાતના આપવામાં પોલીસકર્મી જરાય પાછી પાની કરતા નથી. એ જુદી વાત છે કે કરોડોનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા, બે-પાંચ વર્ષમાં ત્રણસો-ચારસો ગણી કમાણી કરી નાખનારા લોકોને સલામ ઠોકતા જોવા મળે છે ! ગોળી વાગે એ ચાલે પોલીસ પકડે એ નહીં, એવું કહેતા-માનતા લોકોને મળ્યા, સાંભળ્યા પછી વિચારવું રહ્યું કે આઝાદ ભારતમાં સ્વતંત્ર નાગરિકને પોલીસની કેટલી બીક છે ! કેટલી ભયાનક યાતનામાંથી આ લોકો પસાર થયા હશે ? આમ તો મોટા ભાગે પુરુષો ક્યાંય ભેગા થાય જ નહીં, પણ કોઈ સારા-નરસા પ્રસંગે દસ-વીસ ડફેર એકઠા થઈ ગયા હોય તો અજાણ્યા માણસને કે દૂરથી ગાડી આવતી જોતાં જ ભાગવાની પૂરી તૈયારી કરી લીધી હોય ! મિત્તલને 75 વર્ષના ભારે શરીરવાળા સાદીક કાકા કહે છે–

“પોલીસ ભાળીને તો બંદૂકમાંથી ગોળી સૂટે ઈમ અમે ભાગીયે. ધોડતી વખતે પોલીસનો માર યાદ આવે પસી આ શરીરનું વજન-બજન કાંઈ નૉ જણાય... બસવું હોય, જીવવું હોય તો ભાગવું તો પડે જ, બાપલા...”[5]

લતીફભાઈ પણ જણાવે છે-

“કેટલાય બાપડાના એનકાઉન્ટ થઈ ગ્યા પણ ઈ ક્યાં મોટા માણહ હતા તે ઈમના કેસ દાખલ થાય? પોલીસની ગોળીયો વસૂટે તાણ તો હગા બાપ ને કે દીકરાને ગોળી વાગી હોય તો ઈને ઉપાડવાય વાંહે કોઈ ઊભું નૉ રે. જીવ બસાવીને ભાગવાનું અમે નાનપણથી હીખી જાઈએ.”[6]

પોલીસ તંત્ર, ન્યાય-કાનૂનની આ ફડક કેમ સમાજના નિમ્ન, ગરીબ વર્ગ-વર્ણમાં જ ? સત્તાની નજીક કે સત્તા-સંપત્તિના નશામાં બેખોફ બની રાચતા ને ખુલ્લેઆમ ગુનાઓ આચરતા સફેદપોશ અપરાધીઓને કેમ પોલીસનો આ ડર નથી સતાવતો ? કે પછી ન્યાય-નીતિ સહુ ગરીબને, મોટાને સહુ માફ !? ખૂંખાર ગણાતા ડફેરોને મળ્યા પછી, તેમના અંતરંગ પરિચય પછી મિત્તલ સમાજને પ્રશ્ન કરે છે-

“દંભી સમાજે ડફેરોને ખૂંખાર, લૂંટારા જેવા પાતકી બિરુદથી નવાજી દીધા! પણ કોઈ દિવસ એના જીવનમાં ડોકિયું કરીને જોયું છે ખરું ? બસ, કોઈએ કહ્યું ને આપણે માન્યું.”[7]

ગામેગામ ફરી છરી-ચાકુ જેવાં ઓજારોની ધાર કાઢનાર સરાણિયા સમુદાય પોતાને મેવાડના મહાપરાક્રમી રાજા રાણા પ્રતાપના સૈનિકોના વંશજો જણાવે છે. મુગલ શાસક પાસેથી ચિત્તોડગઢના અધિકારો પરત મેળવ્યા પછી જ પરત ફરવાના રાણાના પ્રણ સાથે તેમના સૈનિકો પણ પ્રતિજ્ઞા લઈ નીકળી પડે છે. આ સૈનિકોના વંશજ ક્યારેય મેવાડ પરત ફર્યા નથી. સરાણિયા હથિયારો ઘસવા ગામેગામ ફરે, પણ ચિત્તોડનું પાણી તેમને માટે આજે ય હરામ છે. આવી ખમીરવંતી ને ટેકીલી જાતિના વંશજોએ દેહવ્યાપારમાં જોડાવા વિવશ થવું પડ્યું. ઘૃણિત વ્યવસાય અપનાવ્યા પછી પણ તેમની આર્થિક સ્થિતિમાં કશો ફેર પડ્યો નથી. ખાલી ટંકે ભોજન મળે એટલું જ, બાકી શરીર તો એ જ કુપોષિત, કૃશકાય ! પોલીસની નજરમાં શકમંદ હંમેશાના. એટલે અવારનવાર પકડીને ઉપાડી જાય. લેખિકાને ડીસાના સરાણિયા પડાવમાં મળેલ છનાભાઈ સરાણિયા પોતાની વ્યથા-કથા કહે છે. ચૂંટણી ટાણે છરી-ચાકુ સાથે સરાણ ખભે ઉપાડી નીકળેલ છનાભાઈને પોલીસ હથિયાર સાથે ફરવાના આરોપ હેઠળ પકડી ત્રણ દિવસ ગોંધી રાખે છે. પોતે કાલાંવાલાં કરતાં, પોતાની ઓળખ આપતાં જણાવે છે કે-

“લાકડાના વજનવાળું હરોણ ઉપાડી ઉપાડીન પાઠા પડી જ્યા હ્. આવા પાઠા હ્રોણીયા સિવાય આખા જગતમોં કોયનાય ખભે જોવા મલ નઈં, સાહેબ.”[8]

પણ વિશ્વાસ કરે કોણ ? એના માટે ક્યાં વકીલોની ફોજ કે કેમેરામેન સાથે પત્રકારોનાં ધાડાં તૈયાર હોય તો પોલીસને કોઈનો ડર હોય ?

રાજસ્થાન છોડ્યા પછી આ સૈનિકોની વંશજ સ્ત્રીઓએ પેટ ખાતર જમીનદાર-જાગીરદારના મનોરંજનાર્થે નાચગાનનું કાર્ય શરૂ કર્યું. જો કે પ્રારંભમાં તેમનું સન્માનિત જીવન હતું. પરંતુ 1950ની આસપાસ સ્થિતિ ખૂબ દયનીય બની. એટલે બુઢનપુરની 13 છોકરીઓ ઘરથી છાની દેહવ્યાપારમાં જોડાઈ. જયારે ઘરનાં પુરુષોને ખબર પડી ત્યારે વિરોધ કરવાને બદલે સ્વયં દલાલી કરવા લાગ્યા. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના પ્રથમ પૃષ્ઠ પર છપાયેલી ખબર, ‘જ્યાં મા વેચાય છે’ વાંચી લેખિકા હતપ્રભ થઈ ગયેલાં. તપાસ કરતાં જાણવા મળ્યું કે બનાસકાંઠાના થરાદ તાલુકાના બુઢનપુરમાં બેન-દીકરીની દલાલીનું કામ કરવા ઘરના પુરુષો લાચાર બનેલા. ભરેલા પેટે સુફિયાણી વાતો થઈ શકે કે મરી જઈએ તો ય આવા ધંધા ના કરીએ, દારૂમાં ડૂબી રહે એટલે આળસુ પ્રજા વગર મહેનતે હરામનું ખાવા માટે ઘૃણિત વેપલો કરે, વગેરે-વગેરે. પણ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. સમાજે હંમેશા તેમને આળસુ, ચોર, નક્કામા માન્યા છે. ક્યારેય આદર-સન્માન, પ્રેમ આપ્યો નથી. સન્માનિત વ્યવસાય કરી શકે તે માટે જ્ઞાન, કૌશલ્ય કેળવવા શિક્ષણ આપવાની જોગવાઈ સરકાર કે સમાજમાંથી કોઈ કરી શક્યા નથી એટલે પરિવારના ગુજરાન માટે કરવું શું ? શિક્ષણનો સાવ અભાવ, કૌશલ્યોમાં વારસાગત ચાલી આવતું હથિયારની ધાર કાઢવાનું કાર્ય આવડે પણ એનાથી કેટલો સમય પેટ ભરાય ? એટલે છેવટે દેહ-વ્યાપાર અપનાવવો પડેલો. ભૂદાન આંદોલન સમયે આ ગામની દરિદ્રતા વિશે સાંભળી વિનોબા ભાવે સાથે મુંબઈથી આવેલા શ્રી જી. જી. મહેતા અને તેમના પત્ની સુશ્રી વિમળાબેન રૂબરૂ ગયેલા. તેમણે સરકારમાં રજૂઆત કરી અને સરકારે પણ 13 મહિલાઓના નામની ‘સ્ત્રી સરાણિયા સહકારી મંડળી’ બનાવી, 1963માં 208 એકર જમીન થરાદથી 17 કિલોમીટર દૂર વડગામડા ગામની વીડમાં ખેતી અર્થે આપી. આ વીડ પ્રદેશ ધીરે ધીરે વાડિયા તરીકે ઓળખાવા લાગ્યો. વાડિયાની જમીન બંજર, સિંચાઈની કોઈ સગવડ મળે નહીં. ચારેકોર બાવળિયાનું સામ્રાજ્ય ! ઉપરથી ખેતી કરવાનો કોઈને અનુભવ કે આવડત મળે નહીં. એટલે જમીન મળ્યા પછી પણ ફાંફાં મારવાના દિવસો આવ્યા. અંતે ફરીથી સ્ત્રીઓ દેહવ્યાપારમાં જોડાઈ. સભ્ય સમાજ જેનું નામ સાંભળી મોઢું મચકોડતા એ વાડિયાના કેટલાક નિયમો હતા. જેમ કે કોઈ પુરુષ પ્રથમ વાર જે સ્ત્રી પાસે જાય તે જ સ્ત્રી પાસે ફરી જવું પડે, પાત્ર બદલી શકે નહીં. અન્ય સ્ત્રી પાસે જવું હોય તો પહેલી સ્ત્રીને અમુક રકમ આપી છૂટા થવું પડે. મર્યાદિત સંખ્યામાં ગ્રાહકો લાવવામાં આવતાં. કોઈ વહુ આ વ્યવસાય કરી શકે નહીં. તેર-ચૌદ વર્ષની દીકરી ધંધામાં મૂકવામાં આવે, ત્યાર બાદ તેનાં લગ્ન ન કરાય. રખાત બનીને બાળકો પેદા કરી શકે પણ કોઈની પત્ની ન બની શકે. બહારની દુનિયાથી અલિપ્ત સારા-નરસાની વિવેકશક્તિહીન બાળકીઓ રમવાની ઉંમરે પુરુષોના ઉપભોગનું માધ્યમ બનતી. લગ્ન વિના થતાં બાળકોને ઉછેરવાની જવાબદારી પણ મહદઅંશે એકલપંડે વેઠવી પડતી. જો કે કેટલીક છોકરીઓ મનગમતા પુરુષ સાથે લગ્ન કરી વાડિયાથી બહાર ગઈ ખરી. એટલે કહી શકાય કે માણસાઈથી સભર કેટલાક પુરુષોએ એમને કાયમ માટે અપનાવી. પણ એવા કિસ્સાઓ અપવાદરૂપ, આંગળીના વેઢે ગણાય એટલા જ. બાકી સહુ માટે તો દોજખમય જીવતરમાં જ જન્મારો પૂરો કરવો પડતો હતો !

1998માં તત્કાલીન આરોગ્ય મંત્રીશ્રીના ધ્યાનમાં આ ગામ આવ્યું. તેમણે યજ્ઞ કરાવી, રાખડી બંધાવી, સાડી અને ઘઉંની બોરી આપી આ મહિલાઓને દેહ-વ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત થવા પ્રતિજ્ઞા લેવડાવી. ખેતરમાં સિંચાઈ માટે બે બોરવેલ બનાવી આપ્યા. પણ એક ચાલ્યો નહીં ને બીજાનું લાઇટ બિલ ન ભરાવાથી કનેક્શન કપાઈ ગયું. મંત્રીશ્રીએ પણ પુનઃ ક્યારેય ગામની મુલાકાત લીધી નહીં અને અંતે સ્ત્રીઓ ફરીથી પરંપરાગત વ્યવસાય કરવા વિવશ થઈ. 1998 પછી ગામ વિશેની વાતો મીડિયામાં આવવાથી આ ગામ બહારના લુખ્ખા તત્વોના સકંજામાં ફસાયું અને આગવા નિયમો ધરાવતી દીકરીઓ બજારમાં બેઠી. કોઈ ગ્રાહકને ના પાડવાનો તેમનો અધિકાર છીનવાઈ ગયો. પછી તો વાડિયા એક રીતે શાપિત ગામ બની ગયું. ગામનું નામ સાંભળી આજુબાજુના વિસ્તારનાં લોકોનાં નાકનાં ટેરવાં ચડી જાય. દવાખાના વગેરે જગ્યાએ જાય તો પોતાના ગામનું નામ છુપાવી ખોટું નામ લખાવતાં. કોઈ આ લોકોની સંવેદનાઓ સમજવા તૈયાર ન મળે. મિત્તલ પટેલ આ લોકો માટે, તેમના વસવાટ માટે ઘર બનાવવાનું બીડું ઝડપે છે. પણ મકાન સહાય આપનારા અધિકારી માણસના વેશમાં પશુતુલ્ય ! એટલે પતિ-પત્નીના સાથે ફોટોગ્રાફ કે પછી આમ-તેમ, આ-તે જેવા કોઈને કોઈ બહાને ફાઈલ અટકાવ્યા કરે. મિત્તલના ત્રણ-ત્રણ વારના ધક્કાઓ પછી ને સમજાવટ પછી પણ સહાય મંજૂર કરવા તૈયાર ન થયા. સ્થાનિક અધિકારીના આવા વિકૃત વર્તનથી ત્રસ્ત લેખિકા કેટલાક અન્ય પ્રસિદ્ધ સમાજસેવી વ્યક્તિઓ સાથે તત્કાલીન અગ્ર સચિવ શ્રી આર. એમ. પટેલ, સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગને મળ્યા. રાતના 9 વાગ્યા સુધી ચર્ચાઓ ચાલી. માણસાઈથી સભર અધિકારીશ્રીએ વિગતે વાત જાણી વિશેષ આદેશ કર્યો. જો કે ગાંધીનગરથી વિશેષ સૂચના અને આદેશ હોવા છતાં મિત્તલ પટેલની ઉપસ્થિતિમાં સ્થળ પર નિર્લજજતાની તમામ હદો વટાવી દેનાર અધિકારીને પોતાની મા, બેન, દીકરીની યાદ નહીં આવી હોય ? સહાય મંજૂર થયા પછી કોઈ કારીગર કે JCB મશીનવાળા આ ગામમાં કામ કરવા આવવા તૈયાર નહીં, બે-ત્રણ ગણી રકમ લઈને પણ ! (મહામહેનતે મિત્તલ વાડિયામાં મકાનો બનાવી શક્યા.)

સમાજ દ્વારા ઉવેખાયેલા વર્ગના હિતની વાત કરતાં હોય, તેમના અધિકારો માટે લડતા હોય ત્યારે સહજ છે કે વિરોધીઓ, સ્થાપિત હિતો તરફથી ધાક-ધમકીઓ મળ્યા કરે, ક્યારેક હુમલાઓ પણ થાય. સારું છે કે મિત્તલ મહિલા હોવાથી ઘણી જગ્યાએ ઉગ્ર વાતાવરણમાં મારામારીના બનાવો ના બન્યા. બાકી ધમકીઓના અનેક પ્રસંગો આવતા જ રહ્યા. શેરડી કામદારોના પ્રશ્ને ગામલોકો દ્વારા અડધી રાત્રે વસાહત બહાર કાઢવાના પ્રયત્નો હોય કે વડોદરા નજીકના એક ગામમાં પ્રદૂષિત પાણીના પ્રશ્ને સ્થાનિક ધારાસભ્ય દ્વારા જાહેર મંચ પરથી જોઈ લેવાની ધમકી હોય ! નોંધારા લોકોને મતદાર કાર્ડ કાઢી આપવાના પ્રસંગે પણ અધિકારીઓ, સરપંચ, ગામલોકો વગેરેની નારાજગી વહોરવી પડે છે. આવા કપરા સંજોગોમાં મિત્તલે હંમેશા નીડરતાથી દરેક સ્થિતિનો મક્કમતાથી ને સફળતાપૂર્વક સામનો કર્યો.

વંચિતો માટે અનુકંપાનો ઝરો લેખિકાના અંતરમાં સતત વહેતો રહે છે. તેમનાં જીવનમાં આ સમુદાયનું કેટલું પ્રાધાન્ય છે તે જોવા માટે એક ઉદાહરણ પર્યાપ્ત છે. તકવંચિતોના હિતની અવિરત ચિંતા કરતાં, સતત તણાવ અનુભવતાં મિત્તલ પટેલના ગર્ભમાં બાળકના ધબકારા બંધ થઈ જાય અને ઓપરેશન થિયેટરમાં લઈ જવાની તૈયારી ચાલતી હોય ત્યારે મોબાઈલ પર સૌરાષ્ટ્રના લીમડી ખાતે પોલીસ સ્ટેશનમાં પૂરી દીધેલા ડફેરોના સમાચાર જાણવા મળે છે. મામલતદાર ઓફિસથી મતદાર કાર્ડના કામ અર્થે બોલાવેલા એટલે ડરતાં-ડરતાં બજારમાં ચાલ્યા જતા ડફેરોને વગર વાંકે પોલીસ સ્ટેશનમાં લાવી બેસાડી દેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મિત્તલ પટેલે નોંધારા લોકોને ઓળખનો એક પુરાવો અપાવવા પુરજોરથી રાતદિવસ એક કરવા માંડેલા. બાળકના ધબકારા બંધ થઈ જવાના કારણોમાં એક મુખ્ય કારણ સતત તણાવ, ચિંતા, દોડભાગ ! તેમ છતાં લેખિકા હોસ્પિટલમાં આવા સમયે પણ લક્ષ્મીસર, શિયાણી, જાંબુ વગેરે ગામના ડફેરોની ચિંતા કરતા હોય, માનવતાનું કેવું ગરવું ઉદાહરણ !! પૃથ્વી રસાળ છે, એ આવા મુઠ્ઠીઊંચેરા માનવીઓના કારણે. ઓપરેશન થિયેટરમાં જતાં જતાં પણ મિત્તલની આંખોમાં આ લોકો માટેની ચિંતા, પીડા વાંચી સાથે રહેલ સાધનાબહેન પંડ્યા નિર્વાચન અધિકારી શ્રી વિનોદ કુમાર બબ્બરને ફોન કરી પોલીસ સ્ટેશનમાં કેદ લીમડીના ડફેરો અને મિત્તલની તબિયત બંનેના સમાચાર જણાવે છે. શ્રી બબ્બર સાહેબ સુરેન્દ્રનગર કલેકટર સાથે વાત કરી તાત્કાલિક ડફેરોને મુક્ત કરાવે છે ને ઓપરેશન બાદ ભાનમાં આવેલ મિત્તલને સહુ પ્રથમ આ સમાચાર અપાય છે, ત્યારે થોડી નિરાંત અનુભવે છે.

પોલીસના ડરથી લગ્ન કે મરણમાં પણ ભેગા ન થતાં લોકો ભારત સરકારના કમિશન સમક્ષ 3500 જેટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થાય, એ સહુ માટે આશ્ચર્યપ્રેરક ઐતિહાસિક ઘટના હતી. આ અસંભવ લાગતું કાર્ય લેખિકા લાગણી અને કરુણાથી કરી શક્યાં છે. ભારત સરકાર દ્વારા ફૂટપાથ પર રહેનારા લોકોને કેવળ BLOની સ્થળ-તપાસના આધારે મતદાનનો અધિકાર આપવાની રાષ્ટ્રીય નીતિ પાછળ મિત્તલ પટેલના પ્રયત્નો પણ જવાબદાર છે, એમ કહીએ તો અતિશયોક્તિ ન ગણી શકાય. 2007માં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી રહી ચૂકેલા આદરણીય શ્રી વિનોદકુમાર બબ્બરના સાથ અને સહકારથી ગુજરાતના લાખો લોકોને મતદાર કાર્ડ અપાવામાં મિત્તલ અને તેમની સંસ્થા પ્રત્યક્ષ જોડાયેલી હતી. સંસ્થાના લેટરહેડ પર ઓળખાણનું પ્રમાણપત્ર આપવામાં આવે તો મતદાર કાર્ડ કાઢી આપવાની સૂચના શ્રી વિનોદકુમાર બબ્બરે તમામ તાલુકા મથકે પહોચાડી હતી. જોકે તેમ છતાં આ માર્ગ માનીએ એટલો સરળ ન હતો. કેટલાક અધિકારીઓની કનડગત તો ઘણા બધા ગામોનો વિરોધ માર્ગમાં અડચણરૂપ બનતો રહ્યો. મોટાભાગના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામલોકોએ પોતાની ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં આ લોકોના સમાવેશની ધરાર ના પાડી દીધી. મામલતદાર કચેરીએથી સીધેસીધા મતદારયાદીમાં નામ સામેલ કરવામાં આવ્યા તો તેમને ગામમાંથી જ બહિષ્કૃત કરી દેવામાં આવ્યા. ક્યાંક-ક્યાંક ઉગ્ર વાતાવરણ પણ સર્જાયું. આમ, સરનામાં વગરનાં માનવીઓને એક ઓળખ પુરાવો અપાવવામાં પણ મોભે નેવાં આવી જાય છે.

વિચરતા-વિમુક્ત સમુદાયના લોકો હિન્દુ-મુસલમાન બંને માટે પારકાં છે. કેમકે આખું આયખું પેટ માટે વલખાં મારવાનાં હોય ત્યારે તેમના માટે તો આશરો આપે, રોટી આપે તે દેવતા ! બાહ્ય વિધિ-વિધાનો, કર્મકાંડ વગેરે તો ભરેલા પેટે સૂઝતી માયાજાળ છે. આ વર્ગ માટે તો રામાપીર ‘દેવ’ પણ ખરા અને ‘પીર’ પણ ! તાત્પર્ય એ કે ઘણા બધા સમુદાયોમાં હિન્દુ-ઇસ્લામ બંને પ્રકારની જીવન શૈલી જોવા મળે છે. તેમને એ પણ ખ્યાલ નથી કે કોઈ એક ધર્મના પાક્કા, આંધળા અનુયાયી ના હોવાથી બીજાના માટે પારકાં બની જાય છે. હિન્દુ ડફેરને મુસલમાન માની અસ્વીકારે છે તો મુસલમાનોને પાક્કા નમાજી ના હોવાથી પોતાના નથી લાગતાં. જાતિ-કોમ, ધર્મના નામે માણસ-માણસ વચ્ચે ઊભાં કરવામાં આવેલા ભેદભાવોથી પણ લેખિકા વ્યથિત છે. તેઓ સ્પષ્ટપણે માને છે-“તંદુરસ્ત સમાજ માટે ધર્મ-આધારિત કટ્ટરતા ખતરારૂપ છે- અદ્દલ ઊધઈ જેવી જ.”[9] અફસોસ છે કે વર્તમાન સમયમાં ઊધઈનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યું છે, જે સમાજ, દેશને ખોખલો કરી નાખશે એમાં કોઈ બેમત નથી.

પુસ્તકની લેખમાળાઓમાં અધિકારીઓની મનમાની, ઉદ્ધતાઈ, કનડગત, અમાનવીયતા વગેરે જોવા મળે છે, તો ઓવારણાં લેવાં પડે તેવા, માનવતાથી છલોછલ રહેલા અધિકારીઓ પણ ચોક્કસ જોવા મળે છે. એક અધિકારી ધારે તો શું ના કરી શકે, તેનું જ્વલંત ઉદાહરણ એટલે આદરણીય શ્રી વિનોદકુમાર બબ્બર. સાથે-સાથે જેમના સાથ-સહકાર, પીઠબળ, માર્ગદર્શન મળતાં રહે છે તેવાં ગુરુઓ, સમાજના હિતચિંતકો ને સહાયકો પ્રત્યે પણ અહોભાવ વ્યક્ત કરે છે. પત્રકારત્વના અધ્યાપિકા સોનલબેન પંડ્યા, કચ્છના લીલાધર માણેક (અધા), સ્વૈચ્છિક સંગઠનોમાં ‘જનપથ’ના હરીણેશભાઈ પંડ્યા, અરવિંદભાઈ આચાર્ય વગેરે જેવા અનેક લોકોના સાથ-સહકાર, હૂંફ, હિંમતથી મિત્તલ પટેલ આ ભગીરથ કાર્ય કરી શક્યાં છે.

‘સરનામાં વિનાનાં માનવીઓ’માંથી પસાર થતાં કમકમી જવાય છે. દારુણ ગરીબી, યાતના, સંઘર્ષ, શોષણ, અત્યાચારોની દર્દનાક કહાની વાંચી વાચક હતપ્રભ થઈ જાય છે. એ ઉપરાંત પુસ્તકના પ્રારંભે કોરીડોર યાત્રાના સંદર્ભે વિકાસના નામે પર્યાવરણની થઈ રહેલી ઉપેક્ષા અને પરિણામે સૃષ્ટિ પર પડનારી વિપરીત અસરો તરફ પણ ચિંતા વ્યક્ત કરી છે. ભૌતિક વિકાસની આંધળી દોડમાં મનુષ્ય પ્રાકૃતિક સંપદાનું વણવિચાર્યું અતિશય દોહન કરતો જઈ રહ્યો છે. જો આ સ્થિતિને રોકવા સમયસર મક્કમ પગલાં લેવામાં નહીં આવે તો પૃથ્વી પર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નચિહ્ન સર્જાશે. પુસ્તકમાં પ્રસંગોપાત ક્યારેક ક્યારેક લેખિકા પોતાના બાળપણના અનુભવો, સંસ્મરણો વર્ણવે છે, ત્યારે થોડી ક્ષણો માટે કારમા આઘાતમાંથી બહાર નીકળી થોડાં સ્વસ્થ થવાનો વાચકને સમય મળે છે, મોકો મળે છે.

પુસ્તકમાં ભરતભાઈ દ્વારા ક્લિક કરવામાં આવેલાં ચિત્રો આપી લેખમાળાને વધુ જીવંતતા આપી છે. કેફિયત માટે ‘વિશ્વ મહિલા દિવસ’(8 માર્ચ, 2020) પસંદ કરી નારી-રત્ન એવોર્ડ (ભારત સરકાર) વિજેતા મિત્તલ ‘મહિલા દિન’ની ઉજવણીને સાર્થક કરે છે. ભારત સરકારના નવા નિગમ ‘ડેવલપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડ ફોર ડી-નોટિફાઇડ, નોમેડિક એન્ડ સેમી-નોમેડિક કોમ્યુનિટીઝ’ની રચના થકી મિત્તલનો અવાજ કદાચ બુલંદ બની રહેશે, એવી અપેક્ષા અસ્થાને નથી.

નટ, સરાણીયા, બજાણીયા, વાદી, વિચપડા, વાંસફોડા, ડફેર, મદારી વગેરેને કોઈપણ જાતના ગુના વિના માત્ર શકના આધારે પોલીસે પકડી લીધા હોય, ક્યાંય નોંધ કર્યા વિના ત્રણ-ચાર દિવસ ગોંધી રાખ્યા હોય તેવા બનાવો બનતા હોય છે. મિત્તલ પટેલના સંપર્કમાં આવ્યા પછી ઘણાખરા અંશે ગુજરાતમાં આ પીડામાંથી મુક્તિ મળી છે. વર્ષ 2010માં ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ (VSSM) સંસ્થાની વિધિવત્ સ્થાપના થઈ, ત્યારથી લઈ 2020 સુધીના દસકાની સફરનું સરવૈયું (પરિશિષ્ટમાં) જોઈ આંખ ઠરે છે. મિત્તલ પટેલ માત્ર ઉપરછલ્લી માહિતી પ્રાપ્ત કરી સંતોષ લેનાર નથી, પણ હંમેશા તકવંચિત સમુદાયોની પડખે ઊભા રહ્યાં છે, તેમનામાં આત્મવિશ્વાસ જગાવી શક્યાં છે. સાડા ત્રણ કરોડ જેટલી માતબર રકમ સંસ્થા પાસે હાલમાં છે, જેમાંથી વંચિત પરિવારોને વગર વ્યાજની લોન આપવામાં આવે છે. અશક્ત, અસહાય વ્યક્તિઓને દર મહિને રાશન આપવામાં આવે છે. નોંધારાનો આધાર બનેલ સંસ્થા લાખો પરિવારોની આંખમાં સપનાં આંજી શકી છે. દરેક સમુદાય સુધી મિત્તલ પટેલ ‘VSSM’ દ્વારા પહોચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સંસ્થા સહાય કરવા, મદદરૂપ થવા હંમેશા તત્પર રહે છે. અધિકારી કક્ષાએ કે પોલીસ સ્ટેશનમાં હેરાન કરવામાં આવે ત્યારે હવે આ લોકો તરત મિત્તલ પટેલ કે સંસ્થાના સભ્યનો સંપર્ક કરે છે. એ રીતે પોતાના અધિકારો તરફ જાગૃત બનવા લાગ્યા છે, એ એક સારો સંકેત છે.

પુસ્તકમાં તળપદી ભાષાનો સમુચિત વિનિયોગ થયેલો છે. ક્યાંક-ક્યાંક ભાષા આરોપિત જણાય છે, પ્રવાહમાં લય તૂટતો લાગે, પણ કલાત્મક ગુણોની દૃષ્ટિએ આ કૃતિને કોઈ સ્વરૂપમાં બાંધી એનું મૂલ્યાંકન કરવાનો જરાય ઈરાદો નથી. સમાજલક્ષી, પ્રગાઢ નિસબત ધરાવતી કૃતિની દૃષ્ટિએ આ પુસ્તક ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર બની રહેશે, એમાં કોઈ શંકા નથી. રચનામાંથી પસાર થતાં કેટલાક વિદ્વાનોને ઝવેરચંદ મેઘાણીની રચના ‘માણસાઈના દીવા’ની સ્મૃતિ થઈ આવી છે. માધવ રામાનુજ સત્ય જ કહે છે કે મિત્તલની કલમમાંથી કરુણા વરસી છે. તેમના શબ્દોમાં,

“મિત્તલના મનોજગતમાં, એના વ્યક્તિત્વમાં વાત્સલ્યનું એક અતલ સરોવર લહેરાય છે. આપણા સમાજમાં, આપણી આસપાસ, આપણી નજર સામે જીવન માટે ઝૂરતા-ઝઝૂમતા એવા આ વિચરતા-વિમુક્ત સમુદાયોનો એ પરિચય કરાવે છે-સ્વજનોનો પરિચય કરાવતાં હોય એ રીતે. આમ પણ આ આપણાં સ્વજનો જ છે, વગડે રઝળતા સરનામા વિનાનાં આ સમુદાયોને-સ્વજનોને આપણે આવકારવાનાં છે.”[10]

પુસ્તકમાં વર્ણિત લેખોમાં અલગ-અલગ વિસ્તારનાં, અલગ-અલગ સમુદાયોથી સંબંધિત આ સમૂહોની સમાન વિશેષતા કોઈ આપવી હોય તો એ તેમની દઝાડી દેતી વેદના છે. ‘કામદારની પત્નીને બાઈક-સવાર ઉપાડી ગયો’, ‘દળાયા પહેલાંની જુવાર જોઈ છે?’, ‘ભૂખની ખબર ન પડે માટે...’, ‘મરેલાં ને દાટવા નઈ પણ જીવતા રહેવા ખાડા’, ‘અમે જલમ્યા તો સીએ ને?’, ‘ખાધા વગર ધાવણ ક્યાંથી આવે!’, ‘કાયા વેચનારીનો ઉપહાસ’, ‘દેહવ્યાપારની મજબૂરી’, ‘અમે હવે ક્યાં જાસું?’, ‘મારી પીડા ગર્ભમાં મૃત્યુ પામેલા બાળક માટે જ નહોતી’ જેવાં શીર્ષકોમાં વ્યક્ત વ્યથા-કથા વ્યથિત કરી જાય છે. એક-એક શબ્દમાં પીડા, કરુણા છલકે છે. પુસ્તકનાં પૃષ્ઠોમાંથી પસાર થતાં અંતર વલોવાઈ જાય છે.

લેખિકાનું દૃઢપણે માનવું છે કે દરેક માબાપે પોતાના બાળકને ગરીબ, શોષિત, પીડિત પરિવારના જીવનમાં ડોકિયું કરાવવું જોઈએ, એમની વચ્ચે મૂકવું જોઈએ. જો આમ થાય તો સામાજિક એકતા ચોક્કસ મજબૂત બને. સામાજિક જાગૃતિ કે પરિવર્તન માટે સરકારનો દોષ કાઢી આપણી જવાબદારીથી છટકી જઈ શકાય નહીં. સરકાર સાથે સમાજ પણ એટલો જ જવાબદાર છે. દેશમાં વ્યાપ્ત અસમાનતા દૂર કરવા સમાજના દરેક વ્યક્તિએ મક્કમ બની આગળ આવવું જોઈએ. બાકી એકલા કાયદાઓથી ખાસ ફેર પડી શકશે નહીં. સિસ્ટમનો વાંક કાઢી કોઈ મહાપુરુષના અવતરણના ભરોસે હાથ-પગ પકડી બેસી રહેવાથી સુધારા નહીં આવે. સમાજ પણ વિચરતા-વિમુક્ત સમૂહને માણસ તરીકે જોતો થાય, તેમને માન-સન્માન આપી તેમનામાં વિશ્વાસ મૂકતો થાય તો કદાચ તેમની સ્થિતિ સુધારવા વધારે પ્રયત્નો કરવા નહીં પડે. સરકારી યાદી પ્રમાણે વિચરતી જાતિમાં 28 અને વિમુક્તમાં 12 જાતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જેની સંખ્યા લગભગ 40-50 લાખ જેવી એકલા ગુજરાતમાં જ જોવા મળે છે. આટલા મોટા સમુદાયને મતદાનનો અધિકાર સ્વતંત્રતાના છેક 60-62 જેટલા વર્ષો પછી મળે છે, પણ હજુ સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી વગેરે ક્ષેત્રે તેમની સ્થિતિ દયનીય છે. તેમનામાં જાગૃતિ લાવી, સ્વાભિમાન સાથે આત્મસન્માનની ભાવનાનો સંચાર કરવા દરેક નાગરિકે સાથ-સહકાર આપવો જરૂરી બને છે. માણસ તરીકે સમાજ તેમનો સ્વીકાર કરી પોતાના બંધુ તરીકે અપનાવે તો પછી આ સમુદાય માટે કોઈ સ્વતંત્ર નિગમની જરૂર નહીં રહે. આદિવાસી, દલિત, વિચરતા-વિમુક્ત સમુદાય પરત્વે સૂગ જ રાખવામાં આવશે, તેમનું શોષણ કરી અમાનવીય વ્યવહાર કર્યા કરવામાં આવશે તો સરવાળે દેશને જ નુકસાન છે, એ નક્કી છે.

સંદર્ભ સંકેત :

  1. સરનામાં વિનાનાં માનવીઓ, નવજીવન પ્રેસ, અમદાવાદ, પ્ર. આ. 2020, પૃ. 41
  2. એજન, પૃ. 96
  3. એજન, પૃ. 97
  4. એજન, પૃ. 46
  5. એજન, પૃ. 146-147
  6. એજન, પૃ. 144
  7. એજન, પૃ. 97
  8. એજન, પૃ. 104
  9. એજન, પૃ. 141
  10. એજન, પૃ. 10

રવિ અમીન, આર્ટ્સ & કૉમર્સ કૉલેજ, દહેગામ, જિ. ગાંધીનગર. સંપર્ક સૂત્ર : 9824662828 ravi6003@gmail.com