સાહિત્ય અને સમાજનો અનુબંધ
સમાજશાસ્ત્ર અને સાહિત્ય ખૂબ જ ગાઢ રીતે જોડાયેલા છે. સમાજશાસ્ત્ર સમાજ અને માનવીનું વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એમાં સામાજિક સંસ્થાઓ અને એમની તમામ ગતિવિધિઓનું અધ્યયન કરવામાં આવે છે. સમાજનું અસ્તિત્વ કેવી રીતે શક્ય છે, એની કાર્ય પદ્ધતિ કેવી છે, વિવિધ સંસ્થાઓ મળીને સમાજનું માળખુ કેવી રીતે બનાવે છે, સમાજને પરિવર્તિત કરનારી પ્રક્રિયા કઈ છે અને આ પરિવર્તનો સામાજિક સંરચનાને કેવી રીતે અસર કરે છે એનો વ્યાપક અભ્યાસ કરનારું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. સમાજ અને એની શક્યતાઓ સમાજશાસ્ત્રનું કાર્ય ક્ષેત્ર છે. એક રીતે જોઈએ તો સાહિત્યની સ્થિતિ પણ એનાથી જુદી નથી. કોઈ પણ સાહિત્ય કૃતિ ગમે તેવા આશય કે દૃષ્ટિકોણથી લખાઈ કેમ ન હોય પરન્તુ જ્યાં સુધી સામાજિક સંદર્ભ સાથે એનું વ્યાપક જોડાણ ન થાય ત્યાં સુધી એ એક સંવેદનશીલ કૃતિ બની શકતી નથી. બીજું, કોઈ પણ કૃતિ રચાવા પાછળ પણ સામાજિક કારણો જ હોય છે અને રચાયા પછી પણ સમાજની સ્વીકૃતિ પામવાથી જ સફળ બને છે. એટલે કે સમાજ કૃતિ પહેલાં પણ હોય છે અને કૃતિ પછી પણ. આમ, સમાજશાસ્ત્ર અને સાહિત્યને જોડનારી કડી તરીકે આપણે સમાજને ઓળખાવી શકીએ.
છતાં, સાહિત્યના સમાજ અને સમાજશાસ્ત્રના સમાજ વચ્ચે ભેદ પણ છે. સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. સમાજ, સમાજજીવન, સામાજિક ઘટકો અને સામાજિક સ્થિતિઓનું તે વસ્તુનિષ્ઠ અભ્યાસ કરે છે. આ અભ્યાસમાં અંગત લાગણીને કોઈ સ્થાન હોતું નથી. સમાજશાસ્ત્ર એકદમ વૈજ્ઞાનિક રીતે સમાજનું આકલન અને વિશ્લેષણ કરે છે. જ્યારે સાહિત્ય માનવ અનુભૂતિઓની રાગાત્મક અને સૌન્દર્યલક્ષી અભિવ્યક્તિ ભાવમય રીતે કરે છે. એટલે કે એમાં લાગણીનું તત્વ પ્રબળ હોય છે. વળી, એક સાહિત્યકાર સમાજને માત્ર કાચા માલ તરીકે નથી લેતો પરંતુ તે સમાજમાં નવા મૂલ્યોની સ્થાપના પણ કરે છે અને નવા મૂલ્યોની શોધ પણ. આમ તો સાહિત્યને સમાજનું દર્પણ કહેવામાં આવે છે પરંતુ હિન્દી વિદ્વાન રામચંદ્ર શુક્લ તો એનાથી આગળ વધીને એવું કહે છે કે ”સાહિત્ય સમાજનું જીવંત દર્પણ છે. જેમાં માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયના દર્શન કરી શકાય છે”[1] એટલે કે સાહિત્ય અને સમાજશાસ્ત્ર બન્નેમાં સમાજનું હિત સર્વોપરિ છે. આપણે કહી શકીએ કે સાહિત્ય અને સમાજશાસ્ત્રની પદ્ધતિઓ અલગ છે પરંતુ બન્નેના ધ્યેય એક છે. એ રીતે જોઈએ તો સાહિત્ય અને સમાજશાસ્ત્રને એકબીજાના પૂરક ગણી શકાય.
સમાજશાસ્ત્રમાં સામાજિક તથ્યોની પ્રાપ્તિ અને ચકાસણી માટે સાહિત્યનો અભ્યાસ આજે જરૂરી માનવામાં આવી રહ્યો છે. સ્વતંત્રતા પૂર્વના ઉત્તર ભારતના સમાજને વાસ્તવિક રીતે સમજવા માટે પ્રેમચંદના સાહિત્ય કરતાં પ્રામાણિક સ્રોત બીજો કોઈ હોઇ શકે છે ? એ સમયના સામાજિક તથ્યો અને માહિતી પ્રાપ્ત કરવા સમાજશાસ્ત્રને પ્રેમચંદના સાહિત્યનો અભ્યાસ કરવો પડે છે. એ જ રીતે બંગાળના સાહિત્યકાર દીનબંધુ મિત્રની નવલકથા ‘નીલ દર્પણ’ને આજે પણ સો વર્ષ પહેલાંના બંગાળની સામાજિક સ્થિતિનો પ્રામાણિક દસ્તાવેજ માનવામાં આવે છે. પશ્ચિમના વિદ્વાન રિચર્ડ હોગટ આ સંદર્ભે નોંધે છે કે,
“સમાજ વૈજ્ઞાનિકની ઉપકલ્પનાઓના વાસ્તવને ચકાસવા માટે સાહિત્ય એક પ્રયોગશાળાનું કાર્ય કરે છે. સાહિત્ય માત્ર કાલ્પનિક અભિવ્યક્તિ જ નથી પરંતુ સામાજિક હકીકતોની અભિવ્યક્તિ પણ છે. તેમાં આલેખિત સમાજ એક સંગઠિત સમાજ છે, જે સામાજિક તથ્યોની પ્રાપ્તિ અને ચકાસણીમાં ઉપયોગી બને છે.”[2]
સમાજની સંપૂર્ણ ચેતના, વિચારધારા, સામાજિક આંદોલનો અને તેમાંથી ઉદભવતી પ્રવૃત્તિઓ સહજ રીતે સાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે. તો પોતાના સમયના લોકમાનસ પર સાહિત્યની ઊંડી અસર થતી હોય છે. ઘણીવાર તો લોકમાનસનું ઘડતર જ સાહિત્યના આધારે થાય છે. એક સાહિત્યકાર સમાજમાં જે પરિવર્તનોની આકાંક્ષા ધરાવતો હોય છે તે પરિવર્તનોને પોતાની કૃતિ દ્વારા રજૂ કરતો હોય છે. આ અભિવ્યક્તિની દીર્ઘકાલીન અસરો સમાજ જીવન પર જોવા મળે છે. આઝાદી પૂર્વેના સમાજમાં જોવા મળતી દેશદાઝ અને દેશ માટે ફના થઈ જવાની ભાવના પાછળ એ સમયના સાહિત્યની મોટી ભૂમિકાને નકારી શકાતી નથી.
સાહિત્યમાં પોતાના સમયના સમાજનું પ્રતિબિંબ હોય છે એટલે જુદા-જુદા સમયના સાહિત્યનો અભ્યાસ કરીને પણ સમાજશાસ્ત્ર સામાજિક પરિવર્તનો વિશે જાણી શકે છે. કોઈ પણ યુગના સાહિત્યની સ્થિતિ એ યુગ વિશેષના સામાજિક-સાંસ્કૃતિક આંતર્વિરોધોને પ્રગટ કરતી હોય છે. સમાજનું વિશ્લેષણ કરવાના કાર્યમાં સમાજશાસ્ત્રને સાહિત્ય નવી માહિતી પૂરી પાડવામાં સહાયક બને છે. પશ્ચિમી વિદ્વાન કોઝર લેવિસ લખે છે કે, “સાહિત્ય સમાજશાસ્ત્રના અભ્યાસનો એક અગત્યનો સ્રોત છે. જે સમાજશાસ્ત્રી સાહિત્યના આ યોગદાનને અવગણે છે તે પોતાના દૃષ્ટિકોણને સંકુચિત બનાવે છે”[3] સાહિત્યનું પ્રયોજન સમાજના આલેખન દ્વારા મનોરંજન પૂરું પાડવાનું પણ છે અને પોતાના યુગને એક બૌદ્ધિક સામગ્રી ઉપલબ્ધ કરાવવાનું પણ છે. સાહિત્યના વિવિધ સ્વરૂપો જેવાં કે નવલકથા, વાર્તા વગેરેમાં ઘટનાઓનું આલેખન વધુ હોય છે. સમાજ જીવનની આ ઘટનાઓ સમાજશાસ્ત્રને સંશોધનમાં ઘણી ઉપયોગી બની રહે છે. જટિલ સમાજ વ્યવસ્થાના વૈજ્ઞાનિક અભ્યાસ અર્થે વાસ્તવિક માહિતી મેળવવા સમાજશાસ્ત્રને સાહિત્ય પાસે જવું પડે છે. આમ, સમાજની વિકાસ પ્રક્રિયાના અભ્યાસમાં સાહિત્ય સમાજશાસ્ત્રની ઘણી મદદ કરે છે.
સાહિત્યના મૂલ્યાંકન-અવલોકન સંદર્ભે ‘સાહિત્યનું સમાજશાસ્ત્ર’ જેવી અવધારણા પણ આજે અસ્તિત્વમાં છે. સામાન્ય સમજ અનુસાર જ્યારે કોઈ કૃતિને સમાજશાસ્ત્રીય દૃષ્ટિથી મૂલવવામાં આવે છે, જ્યાં સાહિત્યમાં આલેખાયેલા સમાજનો અભ્યાસ કરવામાં આવે છે એને આપણે સાહિત્યના સમાજશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. આ અવધારણા હકીકતમાં સાહિત્ય અને સમાજશાસ્ત્રના પારસ્પરિક સમ્બન્ધને જ સૂચવે છે. એનાથી સાહિત્યનો સામાજિક સંદર્ભ સ્પષ્ટ થાય છે. મેનેજર પાંડેય લખે છે, “સાહિત્યનું સમાજશાસ્ત્ર સાહિત્યના સામાજિક સ્વરૂપને સ્પષ્ટ કરે છે અને એનાથી સમાજ સાથેના સાહિત્યના સમ્બન્ધની વ્યાખ્યા પણ સ્પષ્ટ થાય છે”[4] સાહિત્યનું સમાજશાસ્ત્ર સાહિત્યની માત્ર સૌન્દર્યશાસ્ત્રના માપદંડથી થતી મૂલવણીને નકારે છે. એટલે કે કોઈ પણ કૃતિની શ્રેષ્ઠતાના આધાર તરીકે એ કલાત્મકતાને નહીં પરંતુ સામાજિક નિસ્બતને સ્વીકારે છે. એ સાહિત્યને માત્ર આનંદના સાધન તરીકે નહીં પરંતુ એક સામાજિક અને સાંસ્કૃતિક કર્મ તરીકે સ્વીકારે છે. સાહિત્યના સમાજશાસ્ત્રમાં સાહિત્યની સામાજિક ચેતના અને તેની સાંસ્કૃતિક પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
સાહિત્યના સમાજશાસ્ત્રીય અભ્યાસનો મુખ્ય હેતુ તો સાહિત્યિક જ હોય છે. વિવિધ સામાજિક ગતિવિધિઓ વિશે વિચાર કરીને પણ સાહિત્યિકતા આવા અભ્યાસની પહેલી શરત હોય છે. સમાજની વિકાસ પ્રક્રિયાના આધારે સાહિત્યની વિકાસ પ્રક્રિયાનો અભ્યાસ એનું મુખ્ય લક્ષ્ય હોય છે. સાહિત્ય સર્જનની પ્રક્રિયાને જન્માવનારાં કારણો સંદર્ભે કોઈ કૃતિનું મહત્વ એમાં રેખાંકિત કરવામાં આવે છે. એટલે કે સાહિત્યના સમાજશાસ્ત્રમાં સાહિત્યને માત્ર સમાજશાસ્ત્ર તરીકે નહીં પરંતુ સાહિત્ય તરીકે જ જોવામાં આવે છે અને એના આધારે તત્કાલીન સમાજની રુઢિઓ, રિવાજો, જીવનશૈલી વગેરેનો ઇતિહાસ ભૂગોળ સાથે તથ્ય આધારિત અભ્યાસ પ્રયોજે છે. આ આખીય પ્રક્રિયાને સમજવા માટે લેખક, એની કૃતિ અને એના સમાજના પારસ્પરિક સબંધની ચર્ચા કરવામાં આવે છે. કારણ કે કોઈ પણ લેખક પોતાના વ્યક્તિત્વ વડે સમાજને આલેખિત કરે છે અને લેખકના એ વ્યક્તિત્વના નિર્માણમાં સમાજની પણ મુખ્ય ભૂમિકા હોય છે. હિન્દીના પ્રસિદ્ધ વિદ્વાન નામવરસિંહ લખે છે કે,
“સાહિત્યના નિર્માણમાં લેખકના વ્યક્તિત્વનું મહત્વ હોય છે...સાહિત્યની રચના પ્રક્રિયામાં સમાજ, લેખક અને સાહિત્ય પરસ્પર એકબીજાને એ રીતે પ્રભાવિત કરે છે કે આ રચના પ્રક્રિયાથી ત્રણેય ક્રમશ: પરિવર્તિત પણ થાય છે અને વિકસિત પણ થાય છે- સમાજ દ્વારા લેખક, લેખક દ્વારા સાહિત્ય અને સાહિત્ય દ્વારા પુનઃ સમાજ.” [5]
આ વ્યાપક સંદર્ભે જ પશ્ચિમના એક વિદ્વાને સાહિત્યને સમાજના પથપ્રદર્શક દીપક તરીકે ઓળખ આપી છે.
સાહિત્ય અને સમાજનો સબંધ માનીએ એટલો સરળ નથી, સંકુલ છે. કેમ કે એક સાહિત્યકાર પોતે જોયેલા-અનુભવેલા સમાજનું યથાતથ્ય આલેખન પોતાની કૃતિમાં કરતો નથી. મોટાભાગે તે સામાજિક વાસ્તવનું પુનર્ગઠન કરીને કૃતિમાં મૂકતો હોય છે. પુનર્ગઠનની આ પ્રક્રિયામાં સાહિત્યકારની પોતાની કલ્પના શક્તિ, માન્યતાઓ, આકાંક્ષાઓની મોટી ભૂમિકા હોય છે. એટલે
“સાહિત્યના સમાજશાસ્ત્રમાં એ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે સાહિત્યકાર પોતાની કૃતિઓની રચના કરતી વખતે સમાજની પ્રચલિત સંરચનાઓ, માન્યતાઓ અને ચેતના દ્વારા કઈ રીતે પ્રભાવિત થાય છે અને પોતાના સાહિત્યથી સમાજને કઈ રીતે પ્રભાવિત કરે છે.” [6]
આમ, સાહિત્યના સમાજશાસ્ત્રીય અધ્યયનમાં સાહિત્યકાર દ્વારા પુનર્ગઠિત કરાયેલી સામાજિક સ્થિતિઓને વાસ્તવિક સામાજિક સ્થિતિઓ સાથે સરખાવીને જોવી પડે છે. એના માટે અભ્યાસીએ લેખકનું વ્યક્તિત્વ, કૃતિનું મૂળ સ્રોત, કૃતિમાં વ્યક્ત થયેલી સામાજિક સ્થિતિઓ, એનો સમાજ પર પડેલો પ્રભાવ અને આ સામાજિક સ્થિતિઓને વ્યક્ત કરવા અપનાવાયેલી રચના-રીતિને પણ તપાસવી-જોવી પડે છે. કૃતિના આ સમગ્ર પાસાઓને એકસાથે જોવા જરૂરી છે. કેમ કે સાહિત્યકાર પોતાના જીવનના સઘળાં અનુભવોને કૃતિમાં સ્થાન આપતો નથી. એ જીવન અનુભવોમાંથી કેટલાક પસંદગીના અનુભવોને જ વિશિષ્ટ રીતે કૃતિમાં વ્યક્ત કરે છે. એટલે કે સાહિત્યની સમગ્ર રચના-પ્રક્રિયાને સાચા અર્થમાં સમજીને એના સામાજિક સંદર્ભને તારવવો પડે છે. આમ, સમાજશાસ્ત્રીય અધ્યયનમાં સાહિત્યના બધા જ પરિબળોની સામાજિક ભૂમિકાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
સાહિત્ય માટે સમાજ અને સમાજ માટે સાહિત્ય બંને એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે. “સાહિત્ય અને સમાજ" (૨૦૦૪)માં વિદ્યુત જોષી નોંધે છે તેમ “ સાહિત્યક્ષેત્રે ચાલી રહેલા વૈચારિક વિવાદોમાંનો એક વિવાદ તે સર્જન શા માટે અને સર્જન પર પ્રભાવક પરિબળો કયા તે અંગેનો છે.” વોલ્ટર પેટરે “કલા ખાતર કલાની વાત કરી છે પરંતુ પ્રશ્ન એ છે કે આ કલાનો ઉદ્ધવ ક્યાથી થયો? સંસ્કૃતિએ સમાજનું અંગ છે અને સંસ્કૃતિનું એક ઘટક છે કલા. આમ, કલાના મૂળ તો સમાજમાં જ રોપાયેલા છે. તો સામે પક્ષે આ કલાને માણનાર વાચકવર્ગ પણ સમાજમાંથી જ આવે છે તેથી જ ગાંધીજી કોશિયાને સમજાય એવું લખો” એવી સલાહ આપે છે. આથી સાહિત્યનું મુલ્યાંકન સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ કરવું યથાર્થ નીવડે.[7]
આમ, કહી શકાય કે સમાજશાસ્ત્ર અને સાહિત્ય પરસ્પર નિકટનો સબંધ ધરાવે છે. સાહિત્યનો અભ્યાસ સમાજશાસ્ત્રની દૃષ્ટિને વ્યાપક બનાવે છે. સાહિત્યને સમાજશાસ્ત્રના અભ્યાસનો એક મહત્વપૂર્ણ સ્રોત એટલે જ માનવામાં આવી રહ્યો છે. ઉપરાંત, આજે સાહિત્ય પણ પોતાના કલાવાદી અભિગમથી સામાજિક પ્રતિબદ્ધતા તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે સાહિત્યના સમગ્રલક્ષી અવલોકન માટે સમાજશાસ્ત્રીય અભ્યાસની એક નવી દિશા ખુલી છે. એટલું ચોક્કસ કહી શકાય કે આ નવી દિશા ભવિષ્યમાં સાહિત્ય અને સમાજશાસ્ત્રના પારસ્પરિક સબંધોમાં નવા પરિમાણો રચી આપશે.
સંદર્ભઃ-