Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘છાવણી’ એક કલાત્મક નવલકથા

૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે કચ્છ પ્રદેશમાં વિનાશકારી ધરતીકંપ આવેલો.આ ઘટનાના સાક્ષી કેટલાંક સર્જકો રહ્યાં.જેમણે પોતાની આંખે ધરતીકંપનું વિનાશકારી રૂપ જોયું અને એ ઘટના પછીથી ઉભી થયેલી હાડમારીઓનો અનુભવ પણ લીધો.ગુજરાતી સાહિત્યના એક સમર્થ સર્જક ધીરેન્દ્ર મહેતા પણ આ ઘટનાના સાક્ષી રહ્યાં.એનું બયાન આપતા એમણે લખ્યું છે : “સામૂહિક નિરાધાર સ્થિતિનો એ અજબ અનુભવ હતો. ભંગુરતાને જીરવી ન શકાય એવો તીવ્ર સાક્ષાત્કાર પછી ભેંકારતામાં પલટાતો ગયો હતો.એ કાળીડિબાંગ ભેંકારતા વચ્ચે વીતેલી રાત્રિએ પરિચિતનું અપરિચિત રૂપ દેખાડ્યું.’(પૃષ્ઠ.૬) આ અનુભવનું બયાન કરતી નવલકથા “છાવણી” ઈ.સ.૨૦૦૬ માં આપણને મળે છે.આ નવલકથાને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વ્રારા ઈ.સ.૨૦૧૦માં પારિતોષિક પણ મળ્યું.

‘છાવણી’નવલકથા વાસ્તવ સાથે પનારો પાડનારી નવલકથા હતી. આ અંગે લેખકે જણાવ્યું છે તેમ “આ ઘડી આ નવલકથાકાર માટે સાવધ થવા માટેની ઘડી પણ હતી.કારણકે હવે મુકાબલો વ્યક્તિ અને ભૂકંપજન્ય પરિસ્થિતિ વચ્ચે નહિ,નવલકથાકારનો એના અનુભવ સાથે હતો. એમાં બે પ્રકારની સાવધાની રાખવી જરૂરી હતી :(૧) નિરૂપણ પ્રાસંગિક હેવાલ ન બની રહે (૨) એની ભોંય વૈયક્તિક અનુભવની મર્યાદામાં રહીને પોચટ ન પડી જાય.’ આ વાસ્તવનું કલાત્મક રૂપાંતરણ કરવાની મથામણ સર્જકે કરવાની હતી.આ અંગે સર્જક પહેલેથી જ સાવધ હતા અને સમગ્ર નવલકથામાંથી પસાર થયાં પછી કહી શકાય છે કે એ અંગે બહુધા સર્જક સફળ થયેલા દેખાય છે.

ચોવીસ પ્રકરણમાં વહેચાયેલી આ નવલકથાની નિરૂપણરીતિ વિશિષ્ટ છે. ડાયરી-રીતિએ આલેખાયેલી આ નવલકથામાં લેખકે રવિ નામનો એક યુવાન પોતાના મિત્ર સતીશને ત્યાં આવે છે એ દિવસે જ બસમાં ઉતરતી વખતે જ ધરતીકંપ આવે છે. પછી એ એક વર્ષ સુધી આ શહેરમાં ધરતીકંપથી વ્યથિત થયેલાં લોકોની વચ્ચે ફરતો રહે છે. અને એનું બયાન ડાયરીમાં કરતો રહે છે. આ પ્રકારની નિરૂપણ-રીતિ આ કથા માટે ઘણી ઉપકારક રહી છે. ડાયરી-રીતિને કારણે અનેક અનુભવો આ નવલકથામાં આલેખી શકાયા છે, સાથે સાથે એનો કથક પણ તટસ્થ છે. એ કેવળ આ બધી પીડાને જોનાર છે. એની અંગત પીડા આ ઘટના સાથે જોડાયેલી ન હોવાના કારણે એક પ્રકારની તટસ્થતા એ બતાવી શક્યો છે. એટલે આ કથામાં આપણે ધરતીકમ્પ પછીનું જીવન સર્જક નિરપેક્ષભાવે નિરૂપવામાં સફળ રહ્યાં છે એ પણ આ નવલકથાની એક મોટી ઉપલબ્ધિ ગણી શકાય. લેખક આ નવલકથામાં કુદરતી આપદા પછી સર્જાયેલી સ્થિતિનો મનુષ્યના ચિત્તમાં પણ કેવો પ્રભાવ પડ્યો છે એનું ઝીણવટભર્યું આલેખન કરી શક્યાં છે.

‘છાવણી’ નવલકથામાં લેખકે તટસ્થ કથક પસંદ કરીને ઉત્તમ કથનરીતિ પસંદ કરી છે. નવલકથામાં એક વર્ષનો સમયગાળો છે. આ એક વર્ષના સમયગાળામાં ભૂકંપ આવવાની ક્ષણથી માંડીને નવી વસાહતોના નિર્માણ સુધીની વિવિધ પ્રક્રિયા વર્ણવી છે. આ એક વર્ષનો સમયગાળો આ આફતની અસરોને ઉજાગર કરવા માટે પુરતો છે. આ નવલકથામાં કોઈ એક પાત્રની વાત નથી આ તો એક સમૂહની કથા છે. આફતોમાં વ્યક્તિ નહિ પરંતુ સમગ્ર સમૂહ પ્રભાવિત થતો હોય છે. દરેક વ્યક્તિની પોતાની પીડા જુદી જુદી હોય. કથક દિવસભર શહેરમાં રઝળપાટ અરે છે અને રાત્રે છાવણીના તાપણા પાસે બેસીને છાવણીના લોકોની વાતો સાંભળે અને પછી એનું બયાન ડાયરીમાં કરે છે. આ ડાયરી કેવળ વાસ્તવની કથાઓ જ નથી એમાં વાસ્તવને કલાત્મકતામાં પલટાવી નાખવાની આવડત પણ લેખક પાસે છે.

આ નવલકથામાં કેવળ સ્થૂળ ઘટનાઓનું આલેખન નથી. માનવમનની અંદર પડેલી વિવિધ વૃત્તિઓનું આલેખન છે. એમાં માનવનાં વિવિધ રૂપો સર્જક ઉજાગર કરી શક્યા છે. સર્જક સમગ્ર કથામાં ક્યાંય પ્રદેશની લાગણીમાં તણાયા નથી. જે વિવિધ રૂપે એમણે માનવમનની ગતિને જોઈ છે એનું કલાત્મક બયાન આપ્યું છે. આ આફત પછીના સમયમાં આપણને બે જુદી જુદી પરિસ્થિતિ જોવા મળે છે. એક તરફ કટોકટીની ક્ષણોમાં પણ માનવતા ન છોડતા અને બીજાને માટે કશું કરી છૂટવાની ભાવનાથી ભરેલા માનવો છે. તો બીજી બાજુ પોતાના સ્વાર્થ સાથે સ્વજન સાથેનો સંબંધ પૂરો કરી નાખનારા લોકો પણ છે. આ એક જ પ્રસંગમાં આપણને એ બે સ્થિતિ દેખાય છે. બે ભાઈઓ પરિવાર સાથે એક ઘરમાં રહેતા હતા. ધરતીકમ્પમાં મોટોભાઈ કાટમાળમાં દબાઈ ગયો. એની વહુ બચી ગઈ. એ ગર્ભવતી હતી. નાનો ભાઈ હવે એને આ ઘરમાં લાવવાની ના કહેતો હતો ત્યારે એની સાસુ કહેતી હતી :

‘હા,સાસુ એ જ કહેતી હતી ને ! કહે કે મારા જીવતેજીવત મારું પેટ આમ કોકને ઘેર –તો તો મેં એને જાકારો દીધો કે’વાય, હું, એની જનેતા ઊઠીને એને જાકારો દઉં ?’

બીજી બાજુ નાનોભાઈ અને એની વહુ આમ કહે છે :

‘નાનાનું કે’વું એમ હતું કે માના કહેવાથી જ કાટમાળમાં દબાઈ ગયેલા મોટા ભાઈની લાશ કઢાવવા એણે દોડધામ કરી હતી. એને અગ્નિદાહ આપ્યો હતો. પણ હવે એની વહુનો પગ આ ઘરમાં ન ખપે. પણ માએ એનું માન્યું નહિ એટલે જેવી એ મોટી વહુને તેડવા ગઈ કે નાનો અને એની વહુ ધરમાંથી લેવાય એટલું લઈને જતાં રહ્યાં.’ (પૃષ્ઠ ૨૧૧)

આ નવલકથા એ રીતેમાત્ર એક જ ઘટનાનું નિરૂપણ કરીને અટકી નથી ગઈ. આ કથાને નિમિત્તે લેખકે માનવમનની ગૂંચોને સમજવાની મથામણ કરે છે. આવી આફતની સ્થિતિમાં પણ માનવતાને શર્મસાર કરતી ઘટનાઓનું આલેખન પણ લેખક કરે છે. આ વર્ણન જુઓ:

‘જુદી જુદી છાવણીમાં રસોડામાં મેં એમને ઠાંસીઠાંસીને ખાતાં જોયાં હતાં. રાહતસામગ્રી ભેગી કરવા નોખીનોખી પેરવીઓ એ કરતાં હતાં. ભેગી થયેલી સામગ્રી લઈને એમાંની કોઈ ટુકડી ટ્રેનમાં ચઢી જતી હતી.’ (પૃષ્ઠ ૧૪૮)

આ નવલકથામાં લેખકે એક સાથે અનેક પરિસ્થિતિ આપણી સામે ખડી કરી છે. ધરતીકમ્પ પછી છાવણીમાં આશ્રય મેળવી રહેતો રવિ એક વર્ષ દરમિયાન શહેરની અનેક ગતિવિધિઓ જુએ છે. એમાં જોઈએ તો મલબામાં ફેરવાઈ ગયેલું શહેર, આ કાટમાળની વચ્ચે પોતાના ગુમાવેલા સ્વજનોની શોધ માટે બેબાકળા થયેલાં લોકો, છાવણીમાં આશ્રય મેળવી મફતનું ખાવામાં શરમ અનુભવતા લોકો, સામુહિક અગ્નિસંસ્કાર, જનજીવન થાળે પાડવા મથતું તંત્ર એમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર, આ પરિસ્થિતિમાં પણ ગમ્મત કરી જીવતાં લોકોનું ચિત્ર અહીં સુંદર રીતે આલેખાયું છે.

લેખક સંવેદનાઓનું આલેખન ઉત્તમ રીતે કરી શક્યા છે. આ એક પ્રસંગમાં જુઓ :

‘અહીં રે’વા આયાં તારથી એ નેહાળ જાતો નો;તો, કે’કે આઘું પડે છે. ફટફટિયું લઈ દ્યો તો જાઉ. આ ઘર પડી ગ્યું એના પૈસા મલ્યા તે મેં સહી કરી દીધી ને કીધું જા, લઈ આય...હવે રખડ્યા કરશે આખો દી. એનાં માબાપ તો પથરા હેઠે દબાઈ મૂઆ પણ મારી છાતી ઉપર આ પાણો મેલતાં ગ્યાં.’ (પૃષ્ઠ ૧૯૪)

‘છાવણી’ નવલકથામાં કોઈ એક પાત્રની કથા નથી. પરંતુ એકસાથે કેટલી બધી વ્યક્તિ અને કેટલી જુદી જુદી ઘટનાઓનું બયાન છે, આ પાત્રોની પોતપોતાની આગવી વ્યથાઓ છે. એમાંથી પ્રગટતી એમની ઉદાત્તતા છે. કુદરત સામે બાથ ભીડવાની હામ છે. મનુષ્યની લાચારીનું અને આ લાચારીમાં પણ એને ટકાવી રાખનારી અનેક પરિસ્થિતિઓ એની સામે મુકાય છે. લેખકે નવલકથાને અંતે જે પત્ર મુક્યો છે એમાં પણ એનો અણસાર આપી ચુક્યા છે, લેખકે લખ્યું હતું :

‘મૃત્યુ કેટલું કુરૂપ અને કુત્સિત હોઈ શકે છે તે આ એક જ દિવસમાં મેં બરોબર જોયું અને બીજા જ દિવસથી કાટમાળના ગંજમાં ખૂંપી જઈને, ધરબાઈને જઈને પણ ક્યાંક સળવળી રહેલા જીવનના અણસારને ઉગારી લેવા કે મોતના જડબામાંથી જીવનને ઝૂંટવી લેવા ઝઝૂમતા ટેકનોક્રેટ અને ડૉક્ટરોના માનવીય પુરુષાર્થીને પણ પ્રમાણ્યો. આવનારા દિવસોને પણ એનાં આવર્તનોરૂપે જોઉં છું.’ (પૃષ્ઠ ૨૪૮)

આ નવલકથાની નિરૂપણરીતિ ઉત્તમ છે. આટલી મોટી ઘટના સાથે અનેક સંદર્ભો જોડાયેલા હોય અને એની સાથે એમાં સત્ય-અસત્ય અનેક વિગતો પણ જોડાયેલી હોય. એમાંથી વિવેકપૂર્ણ રીતે સામગ્રીનો ઉપયોગ લેખક કરે છે. આ કથા ભુક્મ્પની ઘટના પછી લાંબા સમય પછી લખાઈ છે. નવલકથામાં નિરુપિત ઘટનાઓનો વાસ્તવ સાથે સમ્બન્ધ છે પરંતુ એ કેવળ ઘટનાઓનો આલેખ નથી. આ કથામાં મનુષ્યની કુદરત સામેની લાચારી અને એમાંથી પ્રગટતી ફરી બેઠાં થવાની મથામણનું ઝીણવટભર્યું આલેખન છે. સર્જકતાનો ઉન્મેષ સતત કૃતિમાં પ્રગટતો રહ્યો છે. ચોવીસ પ્રકરણમાં એક કારમી ઘટનાનું આલેખન છે. એ ઘટનાને લેખકે એક નિમિત્ત માત્ર રહેવા દીધી છે. એ ઘટનાની પડખે રહેલી જે મનુષ્યચિત્તની વિવિધ ભાવદશા છે તેને સર્જક બહુધા આલેખે છે. કુદરતી આફતોનું સ્વરૂપ બદલાય, એ આફતનો દેશકાળ જુદો હોય પરંતુ મનુષ્યની એ આફતો સામે લડવાની રીત એક હોય. અને એ લડતી વખતે દરેક મનુષ્યનું ભાવજગત જુદું જુદું હોય. કોઈ સારપ ન છોડે તો કોઈ બુરાઈ ન છોડે. દુનિયામાં દરેક આફતના સમયમાં મનુષ્યનું આવું જુદું જુદું રૂપ આ પ્રકારની કુદરતી આફતો ઉપર આધારિત કૃતિઓમાં આપણને જોવા મળે છે.

સર્જકનો આ ઘટના સાથે સીધો અનુભવ રહ્યો છે. પોતાની નજરની સામે એ દિવસોમાં બનતી અનેક ઘટનાના સાક્ષી થવાનું એમને આવ્યું છે. આ ઘટનાઓ સાથે સત્ય જોડાયેલું છે. વાસ્તવનું આવું બિહામણું રૂપ લેખકે જોયું છે એટલે એનું આલેખન જીવંત બન્યું છે. લેખકે આલેખેલાં દ્રશ્યો જોઈએ :

‘...સ્મશાનમાં હવે ચિતાઓ ખાલી પડતી નહોતી કે વધારાની ચિતા ઊભી કરવા માટે જગા પણ રહી નહોતી.લાશો આવ્યા કરતી હતી –મોટરમાં, ટેમ્પોમાં, ટ્રેઇલરમાં, રિક્ષામાં, હાથલારીમાં ખડકાઈ ખડકાઈને’ (પૃષ્ઠ ૭૪)

‘મેં જોયું હતું કે સ્મશાનમાં શબ લઈને આવતા લોકો પણ એનો ઝટ નિકાલ કરી નાખવા માગતા હતા. ‘કેટલાં જણ ?કોણ કોણ ?’ એવા પ્રશ્નાર્થસૂચક ઈંગિતો, મળી જતાં પરિચિતોના ઉજ્જડ થઈ ગયેલા ચહેરાઓ પર જડેલી સૂનકાર ભરેલી આંખોમાંથી ઝડપથી ઊડી જતાં હતાં. હરતો ફરતો માણસ પણ જીવ વગરનો થઈ ગયો હતો.’(પૃષ્ઠ ૩૯)

આ નવલકથાની એક નોંધપાત્ર વિશેષતા એની સર્જનાત્મક ભાષા છે. લેખકે અહીં કચ્છ પ્રદેશની વિશેષ લઢણને ઉપયોગમાં લીધી છે. ક્યાંક કચ્છી ભાષાનો પણ વિનિયોગ કર્યો છે. ભાષામાં વાતાવરણને જીવંત બનાવવાની ક્ષમતા છે. ભૂકંપ સાથે જોડાયેલું વાતાવરણ લેખકની કલમે જીવંત થઈ ઊઠ્યું છે.

કચ્છીભાષાનો પ્રયોગ - “ખણી જા, ખણી જા,ધુખાવી નાખ’. લેખકે અલંકારોનો પણ ઉત્તમ વિનિયોગ કર્યો છે. ‘એ ચીસોએ મને વીંધીને ભીતર વીજળી જેવી તિરાડો પાડી દીધી.’(પૃષ્ઠ ૨૩) ઉપમા અલંકાર

સમગ્ર રીતે જોતાં આ નવલકથા ગુજરાતી સાહિત્યમાં એક કુદરતી આફતનો વિષય લઈને પ્રગટ થાય છે. પણ લેખક પુરેપુરા સાવધ છે. આવી ઘટનાઓ ઉપર આધારિત કૃતિ કેટલીક વાર પ્રાસંગિક બની જાય છે. આ નવલકથાને લેખકે એવી પ્રાસંગિકતામાંથી ઉગારી લીધી છે. વાસ્તવનું કલામાં રૂપાંતરણ કરી શકવાની સજ્જતા અહીં દેખાય છે.

સંદર્ભગ્રન્થ :

  1. ‘છાવણી’ નવલકથા પ્રથમ આવૃત્તિ :ઓકટોબર,૨૦૦૬
  2. ‘પરબ’ સાહિત્યિક સામયિક અંક ૧૧ મે-૨૦૧૧
  3. કે.સી.જી. જર્નલ ઇસ્યુ ૨૨ ડિસેમ્બર-ફેબ્રુઆરી ૨૦૧૮

પ્રવીણકુમાર પ. રથવી, આર. આર. લાલન કૉલેજ, ભુજ