ઝવેરચંદ મેઘાણી કૃત ‘રા’ગંગાજળિયો’ નવલકથામાં પ્રગટ થતી ઐતિહાસિકતા
સાહિત્યસ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો નવલકથા એ ગુજરાતી સાહિત્યનું લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે. ગુજરાતી સાહિત્યમાં નવલકથાનો પ્રારંભ જ ઐતિહાસિક નવલકથાથી થાય છે અને ઐતિહાસિક નવલકથાના સર્જનથી ઘણાં બધાં સર્જકોને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલો’ના લેખક નંદશંકરથી માંડીને આજ સુધી તેનો વિકાસ અને વિસ્તાર થતો રહ્યો છે. ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત નવલકથાઓમાં સમય-કાળની સભાનતા સાથે ઐતિહાસિક સ્થળો જેવા કે રાજમહેલ, રાણીવાસ, દરબારગઢ, કોટ-કિલ્લો, ભોંયરા-સુરંગો, ભમ્મરિયા કૂવા અને બહુમાળી વિશાળ વાવો વગેરેની યોગ્ય રીતે ગૂંથણી કરી તેની સાથે રાજાઓ-રાજપુરુષો જેવા તેજસ્વી પાત્રોની લીલાભૂમિનો પણ સંયમ જાળવવાનો હોય છે. આ બધી બાબતોને ધ્યાનાર્હ કરનાર ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી ‘સમરાંગણ’, ‘રા’ ગંગાજળિયો’ અને ‘ગુજરાતનો જય’ જેવી ઐતિહાસિક નવલકથાઓ આપે છે. મેઘાણી કૃત ‘રા’ ગંગાજળિયો’ નવલકથામાં નરસિંહયુગના છેલ્લા હિન્દુ રજપૂત રા’માંડલિકના ઉદય અને અસ્તને આવરી લેવામાં આવ્યો છે. ‘રા’ એટલે કે રાજા માંડલિકને મેઘાણીએ ગંગાજળિયો કહ્યો છે. તેને ગંગાજળ જેવો પવિત્ર ગણવામાં આવ્યો છે. પ્રજાના દુઃખને દૂર કરી તેની રક્ષા કરતા રા’માંડલિકના પાત્રનું મેઘાણીએ વિશેષ રીતે નિરૂપણ કર્યું છે.
સોરઠી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી અભ્યાસ અધૂરો મૂકી કલકત્તા જઈ જીવણલાલના એલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. એને કારણે બંગાળી સાહિત્યનો પરિચય પ્રાપ્ત થયો. તેમણે વ્યવસાય અંગે ઈંગ્લેંડનો પ્રવાસ કર્યો. તેમણે બે વર્ષ નોકરી કરી પરંતુ મેઘાણીનો જીવ તો કવિનો જીવ તેને કારખાનામાં કેમ ગોઠે? તેને વતનનો સાદ સંભળાયો તેથી ઉચ્ચ વેતનની નોકરી છોડીને વતન પાછા ફર્યા. વતન આવ્યા પછી તેમને દરબાર વાજસુરવાળાનો પરિચય થયો અને લોકસાહિત્યનો રંગ લાગ્યો. જેતપુર નિવાસી કન્યા દમયંતીબહેન સાથે લગ્ન થયું. ત્યારબાદ અમૃતલાલ શેઠે રાણપુરથી પ્રગટ થતું સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’માં સામેલ કર્યા. ત્યારથી તેમની પત્રકારત્વની કારકિર્દી શરૂ થઈ. સાહિત્યની અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાતા મેઘાણી ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ બન્યા. તેમને ૧૯૨૮માં પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૪૬માં મહીડા પારિતોષિક એનાયત થયાં. સાહિત્યપ્રીતિ ધરાવનાર મેઘાણી જીવનના અંત સુધી શબ્દની સાધના કરતાં રહ્યાં. ૮મી માર્ચે ‘સોરઠી સંતવાણી’ પુસ્તકનું પ્રૂફરિડિંગ કર્યું અને ૯મી માર્ચે હ્રદયરોગના હુમલાથી અંતિમ શ્વાસ લીધો. ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું છે તેને સાર્થક કરનાર મેઘાણી આજે પણ આપણી વચ્ચે શબ્દદેહે જીવંત રહ્યા છે.
ગુજરાતી સાહિત્યમાં નવલકથાનો પ્રારંભ સુધારકયુગથી થાય છે. ઈ.સ.૧૮૬૬માં નંદશંકર મહેતાને વોલ્ટર સ્કોટની અંગ્રજોના ઇતિહાસની નવલકથામાંથી ગુજરાતીમાં આવી નવલકથા લખવાની પ્રેરણા થાય છે અને ગુજરાતી સાહિત્યમાં ‘કરણઘેલો’ ઐતિહાસિક નવલકથા મળે છે. આ ઐતિહાસિક નવલકથા પ્રથમ હોવાથી કેટલીક મર્યાદા જોવા મળે છે. ત્યારબાદ મહિપતરામ નીલકંઠ ‘વનરાજ ચાવડો’ અને ‘સઘરા જેસંગ’ જેવી ઐતિહાસિક ઘટનાને નિરૂપતી નવલકથા આપે છે. ગાંધીયુગમાં કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંથી કથાત્રયી ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’ મહત્વની છે. એ ઉપરાંત તેમણે ‘પૃથિવીવલ્લભ’, ‘ભગ્ન પાદુકા’ અને ‘જય સોમનાથ’ જેવી ઐતિહાસિક નવલકથા આપી છે. ધૂમકેતુની ‘વાંચિનીદેવી’, ‘આમ્રપાલી’, ‘ચૌલાદેવી’ જેવી સંખ્યાબંધ નવલકથા છે. મેઘાણી ‘સમરાંગણ’, ‘રા’ ગંગાજળિયો’ અને ‘ગુજરાતનો જય’ જેવી ઐતિહાસિક નવલકથા આપે છે. ચુનીલાલ મડિયા કૃત ‘કુમકુમ અને આશકા’ પણ ઐતિહાસિક નવલકથા છે. સ્વાતંત્ર્યોત્તર યુગમાં વિશેષ ઐતિહાસિક નવલકથાનું સર્જન થયું નથી પરંતુ રઘુવીર ચૌધરી ‘સોમતીર્થ’ અને ચંદ્રકાન્ત બક્ષી ‘અતીતવન’ જેવી નવલકથાઓ આપે છે.
આમ, ગુજરાતી સાહિત્યમાં નવલકથાના ઉદભવથી લઈને આજ સુધી અલ્પ પ્રમાણમાં ઐતિહાસિક નવલકથાઓ પ્રાપ્ત થઈ છે.
રા’ ગંગાજળિયો નવલકથા કુલ ૩૦ પ્રકરણોમાં વિસ્તરેલી જૂનાગઢના છેલ્લા હિન્દુ રાજવી રા’માંડલિકના ઉદય અને અસ્તને આવરી લેતી કથા છે. મેઘાણી આ નવલકથાના ઐતિહાસિક આધાર રૂપે ‘મિરાતે-સિકંદરી’ અને ‘મિરાતે અહમદી’ જેવા મુસ્લિમ લેખકોના નામ આપે છે.
આ નવલકથાના પ્રથમ પ્રકરણમાં રા’માંડલિક, કુંતાદેવી, નરસિંહ મહેતા અને જમિયલશા, વણિક પ્રધાન વિસળ જેવાં પાત્રોનો પ્રવેશ થાય છે. તેમાં રા’માંડલિકના ઉન્નત વિચારોમય ‘મનોરાજ્ય’ના આપણને દર્શન થાય છે અને સાથે સાથે હિન્દુ ધર્મની સંકુચિતતા પ્રત્યે રા’માંડલિકનો રોષ પણ જોવા મળે છે. ત્યારબાદ સોમનાથ ખાતે વીરગતિ પામેલા હમીરજી ગોહિલનો ભીલ કન્યા સાથે રાતવાસો કરવાથી તે કન્યા સગર્ભા બને છે અને તેના પુત્રને તિરસ્કૃત કરવાની કથા છે. પછીના પ્રકરણોમાં ઉના દેલવાડાના વૃદ્ધ રાજેશ્વર બારોટનાં રૂપવાન પત્ની ઉનાના ઠાકોર વિજલવાજા પર મોહીને ઘરમાં બેસી જવાની પાપકથા છે. સાથે ભાટોના બાળકોને ભૂમિમાં દાટેલ ભાલાની અણી પર ફગાવી મારી નાખવામાં ચરણોનાં ત્રાગાની દારુણ અને કરુણ કથા પણ આમાં છે અને પછી એક જવાન ચારણકન્યાની વીરતાસભર ‘આત્મબલિદાન’ અને ચારણીની લોહીભીની ચૂંદડીને કારણે રક્તપિતમાં સપડાતા રાજવી વિજલવાજાની કથા છે. આ કોઢિયા વિજલવાજાનો રોગ પોતાની નિરોગી કાયા સાથે વિજલને ભેટીને મટાડવાનો રા’માંડલિકનો પાવિત્ર્ય ભર્યો મહિમા આલેખાયો છે. એ પછી આઈ નાગબાઈનો પ્રવેશ થાય છે. નાગબાઈના પ્રથમ પતિ ભ્રૂન્થા રેઢનું દેવમાંથી દાનવ-દાનવમાંથી દિગંબર કે પાગલ થઈ જવાની વાત છે. ૧૦માં ૧૧માં પ્રકરણમાં સોમનાથની સખાતે શહીદ હમીરજી ગોહિલની ભીલ પત્ની અને તેના પુત્રને હમીરજી અને વેગડા ભીલની ખાંભીઓ ખોજવા સોમનાથ આવતા અને ત્યાંથી સવર્ણો-બ્રાહ્મણો દ્વારા અનાદર પામે છે અને હમીરજીના પુત્રનું રા’માંડલિકની ગોહિલરાણી કે જે હમીરજીના પુત્રને બહેન થાય છે. તેની સાથે પ્રથમ મિલન પણ અહીં જ થાય છે. સોમનાથ અને ઉનામાં ધર્મને નામે અનાચાર અને ભોગાચારના પાપની કથની, એ પાપાચાર સામે પુણ્યપ્રકોપ ઠાલવતા રા’માંડલિકના અહીં દર્શન થાય છે. સાથે બ્રાહ્મણ પુજારીઓની કાયરતા અને ધર્મના ભોગે સ્વાર્થ સાધવાની વૃત્તિને મેઘાણી અહીં તાર્દશ કરે છે. ત્યારબાદ રા’માંડલિક હમીરજીના પુત્રનું આતિથ્ય ભાવે સન્માન કરે છે. ૧૪માં પ્રકરણમાં રાજમાનવી ફૂલીને ફાળકો થયેલો આઈ નાગબાઈનો પૌત્ર નાગજણા વાચકોને મળે છે. ગુજરાતના મુસ્લિમ રાજ્યની સ્થાપના અને રાજકીય કાવાદાવાની વાત ૧૫માં પ્રકરણમાં છે. એમાં સલ્તનના પ્રથમ સ્થાપક ઝફફરખાનથી અમદાવાદ વસનાર અહમદખાન સુધીનો ઈતિહાસ આપ્યો છે.
૧૭માં પ્રકરણમાં મેઘાણી આપણને સદાત્મા એવા રા’માંડલિકને દુરાત્મા થવાની શરૂઆત કરતો બતાવે છે. રા’ બીજીવાર લગ્ન કરે છે. રા’ દારૂડિયો અને અફીણી બને છે. વ્યસની રા’ની દશાનું આલેખન અહીં થયું છે. ત્યારબાદ હિન્દુ સંતોને મુસ્લિમ ફકીરીની રા’માંડલિક અને જમિયલશાના સંવાદ દ્વારા તુલના કરે છે. એમાં મેઘાણીનો મુસ્લિમ પ્રત્યેનો અહોભાવ પક્ષપાત જોવા મળે છે. ઈતિહાસ પ્રસિદ્ધ અમદાવાદના સુલતાન મહમદ બેગડાનો પ્રવેશ ૧૯માં પ્રકરણથી થાય છે. એમાં શાહ આલમના ઘરમાં મરહુમ સુલતાન અહમદ શાહની બેગમ મુઘલી પુનઃલગ્ન કરે છે અને સુલતાન કુતુબ શાહના મરણ પછી દાઉદખાન ગાદીપતિ બને છે અને ઉમરાવો સાત દિવસમાં ઉઠાડી મૂકે છે. પછી પેલી શાહ આલમના ઘરમાં બેઠેલી મુઘલી બેગમના પુત્ર ફતેહખાન કે જે પાછળથી મહમૂદ બેગડો કહેવાયો તેને અમદાવાદની ગાદી પર બેસતો બતાવ્યો છે. કસુંબાના કેફમાં ગળાડૂબ થઈ શારીરિક અને માનસિક સંતુલન ખોય બેસેલા રા’માંડલિક આપણને અહીં જોવા મળે છે. મેઘાણી આ તારાજીના મૂળમાં નાગબાઈના પૌત્ર નાગજણને મૂકે છે અને સાથે સાથે રાણી કુંતાદેના હમીરજી ગોહિલના પુત્ર સાથેના આડા સંબંધોની વાત અફીણી રા’ના મુખે મૂકે છે. ૨૧ થી ૨૫માં પ્રકરણમાં નરસિંહના જીવનચક્રને દર્શાવ્યું છે. તેમાં નરસિંહ મહેતા વિરુદ્ધ નાગરો, બ્રાહ્મણો અને બીજા રા’માંડલિક પાસે ફરિયાદ કરે છે તે નરસિંહ પર વ્યભિચારના આરોપો લગાવે છે. એ ‘વ્યભિચારનો અખાડો’ ચલાવે છે એવું સાંભળીને રા’ તેને કેદ કરે છે અને જેલમાં ભગવાન ખુદ નરસિંહને હાર પહેરાવવા આવે છે તે પ્રસંગ અહીં નિરૂપાયો છે. ૨૬માં પ્રકરણમાં મેઘાણી અહોભાવપૂર્વક સુલતાન મહંમદ બેગડાના ન્યાયીપણા અને વૃક્ષપ્રેમની વાતો કરે છે. ત્યાં રા’માંડલિકનો પ્રધાન વીસળ પાણિયો ફરિયાદ લઈને આવે છે કે, તેની પત્નીની લાજ રા’માંડલિક લૂંટે છે ને સુલતાનને જૂનાગઢ ઉપર ચઢાઈ કરવા ઉશ્કેરે છે. સુલતાન ચઢાઈની તૈયારી કરે છે. ૨૭,૨૮ પ્રકરણમાં આઈ નાગબાઈના પૌત્ર નાગજળ અને રા’માંડલિકની તૂટતી મૈત્રી, રા’માંડલિકની નાગજણની પત્ની મીણબાઈ પર કુદૃષ્ટિ કરવી અને આઈ નાગબાઈએ રા’ને શાપ આપ્યાનાં પ્રસંગો રજૂ કર્યા છે. ૨૯માં પ્રકરણમાં મતિ ફરેલો રા’માંડલિક હમીરજી ગોહિલના ભીલડીને પેટે થયેલા પુત્રને દેશવટો દે છે. છેલ્લા પ્રકરણમાં કુંતાદે આપણને ઝેરી વીટી ચૂંસીને વીરતાપૂર્વક મરતી જોવા મળે છે અને રા’માંડલિકને પારાવાર કાયરપણામાં ખૂંચેલા અને છેલ્લે કેદ થઈ અમદાવાદ જઈ ‘ખાનજહાં’ નામે મુસલમાન થયેલો જોવા મળે છે અને ‘ખાનજહા’ના વિલાપો સાથે નવલકથા પૂર્ણ થાય છે. મેઘાણી રા’માંડલિકને ગંગાજળ જેવો પવિત્ર અને પાવનકારી કહે છે, જેના થકી શીર્ષકની સાર્થકતા પણ જોવા મળે છે.
ઐતિહાસિકતાની દૃષ્ટિએ જોઈએ તો જૂનાગઢના રા’માંડલિકના જીવન પ્રસંગોને નિરૂપવામાં મેઘાણી સફળ રહ્યા છે. પ્રસ્તુત નવલકથામાં મહત્વની ઐતિહાસિક ઘટના તે સોમનાથની સખાતે શહીદ થયેલા હમીરજી ગોહિલ ભીલકન્યા સાથે એક રાત રહ્યા. એથી એ કન્યા સગર્ભા થઈ તેનું મેઘાણીએ રસપૂર્વક આલેખન કર્યું છે. બીજી મહત્વની ઐતિહાસિક ઘટના તે નરસિંહ મહેતાના જીવન વિષયક છે. ભક્તકવિ નરસિંહ મહેતા પર નાગર-બ્રાહ્મણો દ્વારા આરોપો મૂકવામાં આવે છે. તેને ‘વ્યભિચારનો અખાડો’ ચલાવનાર કહેવામાં આવ્યો છે અને નરસિંહ મહેતા તેનો સ્વીકાર પણ કરે છે. તેથી રા’માંડલિક તેને કેદ કરે છે ત્યારે નરસિંહની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન દામોદર તેને હાર પહેરાવે છે. એ લોકપ્રિય પ્રસંગનું અહીં નિરૂપણ થયું છે. ત્યારપછીની મહત્વની ઘટના તે આઈ નાગબાઈના જીવન વિષયક છે. તેમાં નાગબાઈનો પ્રથમ પતિ દેવમાંથી દાનવ અને દાનવમાંથી દિગંબર કે પાગલ થઈ જવાની વાત મેઘાણીએ રસપ્રદ રીતે રજૂ કરી છે.
આમ, આ નવલકથા મેઘાણીએ દંતકથા આધારિત રચી છે અને તે ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર ઐતિહાસિક નવલકથા બની રહી છે.
‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીએ ખાસ તો લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાન કર્યું છે. પરંતુ તેમના શિષ્ટ સાહિત્યનાં પ્રદાનમાં ઐતિહાસિક કથાવસ્તુવાળી નવલકથાઓ મહત્વની છે. તેમણે ઈતિહાસને આપણી સમક્ષ આબેહૂબ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘રા’ ગંગાજળિયો’ નવલકથામાં મેઘાણીએ વિવિધ પાત્રો, પ્રસંગો, સમય-કાળ, સ્થળો અને ઐતિહાસિક ઘટનાને સજાગતાપૂર્વક ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે.