Included in the UGC-CARE list (Group B Sr. No 172)

વરસાદ

પાંપણના પલકારે બેઠું ચોમાસું, ત્યાં તો મનડાંમાં ઓરતા જાગ્યાં,
વેરાન આ આંખ્યુંમાં છલકાયું આભ, ને પછી હૈયામાં હેલ્લારા વાગ્યાં.

સૂતેલી વનરાઈ ફાલી બેફામ, ત્યાં તો અંબરને આંબવા હાલી,
વીણેલાં ફૂલોમાં જાગી સુવાસ, ને પછી અત્તર બનવાને તે ચાલી,

રાત્રિના અંધકારે આગિયાના ચમકારે, હૈયે તલસાટ ઘણી ઠારી,
પૂંઠે દીઠાં ત્યાં ઓચિંતા ઝબકારા, ને પછી અજવાશી મોહકતા માણી.

ડુંગરિયે વરસ્યું રે વાદળિયું નીર, ત્યાં તો ફાટફાટ ઝરણું બહુ ફાટ્યું,
સુક્કી આ નદીયુંમાં રેલાયું નીર, ને પછી સાગરમાં ભળવા તે હાલ્યું.

સૂરજિયું પોત ત્યાં બુંદે ભટકાણું, ત્યાં તો સપ્તરંગી મેઘધનુષ જાગ્યું,
ફિક્કી આ નજરોએ માણ્યું સૌંદર્ય, ને પછી મસ્તીનું પૂર ઘણું જામ્યું.

ડૉ. પંકજ. જ. વાઘેલા, સરદાર પટેલ વિદ્યાલય, બામણગામ – ગંભીરા, તા. આંકલાવ, જિ. આણંદ.