Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘અલ કોલેરા’ – વેદના અને સંવેદનાનું કાવ્ય

ભગવદ્ગોમંડલ મુજબ ‘મહામારી’ એટલે કોગળીયાની દેવી અથવા તો દુર્ગા કે મહાકાલી. કે પછી ઘણાં મરણ થાય તેવો ભયંકર જીવલેણ રોગ. વળી, દુષ્કાળને પણ મહામારીના અર્થમાં દર્શાવેલો છે. સાર્થ જોડણીકોશમાં તેને મરકી કે કોલેરા જેવો ચેપી રોગ ગણાવ્યો છે. સમયાંતરે રોગનો પ્રકાર અને નામ બદલાતાં ગયાં પણ એની અસર અને ભયાનકતા એ જ રહી. કોલેરાથી કોરોના સુધી વ્યાપેલી, ફેલાયેલી આ મહામારી ઈતિહાસ બદલવાની ક્ષમતા રાખે છે તેવી જ રીતે સાહિત્યનો ઈતિહાસ પણ બદલે છે. આપણે જાણીએ જ છીએ કે સાહિત્ય એ સમાજજીવનનો અરીસો છે અને સમાજને સ્પર્શતી પ્રત્યેક ઘટના સાહિત્યમાં પ્રતિબિંબિત થાય જ છે. એટલે જ ક્રમાનુસાર કે પછી સદી અનુસાર આવતી આ મહામારીઓ સાહિત્યને પોતાના પ્રભાવમાં લીધા વગર રહેતી નથી. આવી જ એક મહામારી જે ઈજીપ્તના ઈતિહાસને લખે છે એ છે 1947ના અંતમાં આવેલી કોલેરાની મહામારી.

1947, સપ્ટેમ્બરના અંતમાં ઇસ્ટર્ન નાઇલ ડેલ્ટામાં રોગચાળો ફાટી નીકળ્યો અને ધીમેધીમે તેણે સાર્વત્રિક પગપેસારો કર્યો. 45 વર્ષમાં ઇજિપ્તને ફટકારનાર તે પ્રથમ કોલેરા રોગચાળો હતો. આ સંદર્ભે 1947 ના અંતમાં, ઇરાકી કવયિત્રી નાઝિક અલ-મલાઇકાએ "કોલેરા" પ્રકાશિત કરી. જે ઈજીપ્તમાં ફાટી નીકળેલી કોલેરાની મહામારી અંગેના રેડિયો અહેવાલોથી પ્રેરિત એક કવિતા હતી. રોબિન ક્રસેલ લખે છે, “‘Cholera’ was a watershed in Arabic literature.”

તેમણે "અલ-કોલેરા" કવિતા લખી હતી જે વિવેચકો દ્વારા 1947 માં અરબી કવિતામાં ક્રાંતિ માનવામાં આવતી હતી. જેનો ભાવાનુવાદ અંગ્રેજી અનુવાદના આધારે મેં નીચે મુજબ કર્યો છે.
"અલ-કોલેરા"
રાત પડી છે...
સંભળાય છે ચોતરફ આક્રંદના પડઘા,
આ ગાઢ અંધકારમાં મૌનથી પણ ઉપર ઉગે છે.

અતિ પીડાથી ઉભરાતી વ્યથા
આ આક્રંદો સાથે અથડામણ
દરેક હૃદયમાં અગ્નિ પ્રજ્વલિત છે,
ઘરેઘરમાં સ્મશાનવત શાંતિ, દુ:ખ અને
સર્વત્ર આ પીડાના અંધકારમાં રડતો આત્મા.

સવાર પડી.
વટેમાર્ગુઓના આ પગરવને સાંભળો
પરોઢિયાની નીરવ શાંતિમાં
સાંભળો, અનુભવો કેવો છે આ આક્રંદ !
અને... નીકળી પડેલા ડાઘુઓ
દસ, વીસ, ના… અગણિત.

ચોતરફ મડદાં, લાશો અને ચિત્કારો
પ્રશંસા કે મૌનની ક્ષણ વિના.

મૃત્યુના ગુનાઓ સામે માનવતા વિરોધ નોંધાવે છે.

કોલેરા એ મૃત્યુનો બદલો છે.

ગ્રેવીડિગરે પણ દમ તોડી દીધો છે,
મ્યુઝિન મરી ગયો છે,
તો હવે મૃતકો પાછળ કોણ રડશે, કોણ એમને યાદ કરશે ?

હે ઇજિપ્ત ! મારું હૃદય મૃત્યુના આ ધ્વંસથી ફાટી પડ્યું છે !

મહામારીને લીધે થતી મૃત્યુની હારમાળા. આ રોગ ના દિવસ જુએ છે, ના રાત. ના લિંગ જુએ છે ના ઉંમર. સામાજિક દરજ્જો પણ તે જોતો નથી. એ તો ભરખે છે એ સૌ કોઈને જે આ પૃથ્વી પર શ્વસે છે. કુદરતની આ એક થપાટ છે સમગ્ર માનવજાતને. એ માનવજાતને જે કુદરતનો મહિમા, એની મહાનતા સમજી નથી શકતો. અને રહેંસી નાંખે છે એ પ્રકૃતિને બળાત્કારી બનીને પોતાના શોખ અને સગવડ માટે. એટલે હવે કુદરત જ્યારે રૂઠી છે ત્યારે પાછું વળીને જોતી નથી. રાતના સન્નાટામાં મૃત્યુની શાંતિ નહી પણ સ્વજનોના ચિત્કાર અને ચીસો સંભળાય છે. મૃત્યુનો ડર આક્રંદ બનીને પડઘાય છે. વારંવાર. મૃત્યુના મૌનને પીડાનો આ ગાઢ અંધકાર ભરખી જાય છે.

આ પીડાથી ઉત્પન્ન થતો આક્રંદ. મૃત્યુનું ગાન જીવિત એ દરેક વ્યક્તિના હૃદયમાં વિરહનો, દુ:ખનો અગ્નિ પ્રગટાવે છે. આ અગ્નિ હવે કાયમ રહી જશે સ્વજનોની આંખમાં, હૃદયમાં. મહામારીના આ મહારાક્ષસે એક ઘર સૂનું મૂક્યું નથી. ડર, ભય, અજંપો, રુગ્ણતા અને મૃત્યુની બીક અને રાહ ... આ બધું જ અનુભવતો પ્રત્યેક જીવિત આત્મા રુદન સિવાય કંઈ જ કરી શકતો નથી. લાચાર છે કુદરતના આ કહેર સામે ! કવયિત્રી અહી ‘પીડાનો અંધકાર’ રૂપક દ્વારા રોગના બિહામણા સ્વરૂપને પ્રગટ કરે છે.

સમયનું ચક્ર ક્યાં રોકાય છે ? પ્રાકૃતિક રાત પછી સવાર આવે જ છે. પણ આ આશાની સવાર નથી. ઉજાશની સવાર નથી. આજે સવાર માત્ર જાણે પડી જ છે, ઔપચારિક... અન્ય નૈસર્ગિક સમયચક્રની જેમ. કેમકે આજે આ વહેલી સવારની નીરવ શાંતિ અજંપો લઈને આવી છે. ઉચાટ લઈને આવી છે. આજે વહેલી સવારે પંખીઓનો કલરવ નથી સંભળાતો પણ સંભળાય છે માત્ર મરશિયાં ! ડાઘુઓનું ‘રામ બોલો ભાઈ રામ’. ઈશ્વરીય આ નામ આજે આક્રંદ બનીને હૃદયમાંથી વહી રહ્યું છે. અગણિત મૃતકો અને ઓછા પડતા ડાઘુઓ. કલશોર દબાયો છે ચિત્કારોમાં. પ્રકાશનાં કિરણોનું સ્થાન આજે મડદાં અને લાશોએ લઈ લીધું છે. ચોતરફ બસ લાશ જ લાશ. રુગ્ણ શરીરની લાશ. કોણ કોને સાંત્વના આપે ?

કુદરતની આ ક્રૂરતા સામે કવયિત્રી આક્રોશ નોંધાવે છે. કુદરતે સામૂહિક માનવવધનો ગોઝારો ગુનો કર્યો છે. ક્યાંક ક્યાંક હૃદયમાં રહી ગયેલી માનવતા આ હત્યાકાંડ સામે વિરોધ નોંધાવે છે. આ મહામારી – આ કોલેરા એ કાળનો, મૃત્યુનો બદલો છે એ સમગ્ર માનવજાત માટે જેણે કુદરતને કોડીની કરી છે પોતાના સ્વાર્થને સાધવા માટે.

ગ્રેવીડીગર હોય કે મ્યુઝીન ... સ્વજન કોઇપણ હોય નજીકનો કે દૂરનો સમગ્ર સૂતા છે આજે મૃત્યુશય્યા પર કોલેરાનો ભોગ બનીને. જયારે કાળદેવતાને ચરણે બધાં જ પડી ગયાં છે તો હવે મૃત્યુનું માતમ કોણ મનાવશે ? એમને યાદ કરવા માટે પણ કોઈ બચશે ખરું ? કવયિત્રીનો આ પ્રશ્ન ખરેખર વેધક છે. કોલેરાનો આ કહેર જાણે સમગ્ર માનવજાતનો ભોગ લેવા બેઠો છે ! જો કોઈ જ નહી બચે તો ઈતિહાસ કોણ લખશે ? સ્વજનોની યાદમાં આંસુ વહેવડાવવા માટે પણ કોઈ જ નહી બચે ? પૃથ્વી શું ખરેખર માનવવિહોણી બનશે ? અને એટલેજ અંતે કવયિત્રી પોકારી ઉઠે છે, “ હે ઇજિપ્ત, મારું હૃદય મૃત્યુના આ ધ્વંસથી ફાટી પડ્યું છે ! ’

અરબ વિશ્વમાં એક પ્રભાવશાળી સાહિત્યિક સંસ્કૃતિ છે. કવિતા રાજા તરીકે જાણીતા, આરબોની વિશ્વની સૌથી ભવ્ય અને વિશાળ કાવ્યાત્મક પરંપરા છે. જેમાં તેઓ લય, અર્થ અને પ્રતીકો સારી રીતે સ્થાપિત કરે છે. આ કાવ્યરચનાઓમાં કાસિદાહ એક સાહિત્યિક શૈલી અને છંદનો એક પ્રકાર છે. પરંતુ નાઝિક અલ-મલાઇકાના આવવા સાથે આ બધું બદલાઈ ગયું. આરબ વિશ્વમાં, નાઝિક અલ-મલાઇકાને આધુનિકતાવાદી અરબી કવિતાના પ્રણેતા તરીકે વ્યાપકપણે માનવામાં આવે છે. તેમની પ્રખ્યાત રચનાઓમાં 'રાતનો પ્રેમી', 'સ્પાર્ક અને રાખ,' ચંદ્રનું ઝાડ, 'સમુદ્રનો રંગ વિશેષ ઉદાહરણો છે. આ કવિતાઓમાં સતત સંઘર્ષની ચિનગારી એ સાબિત કરે છે કે જ્યારે સમગ્ર ક્ષેત્રમાં મહાશક્તિઓની ઉગ્ર ઉત્તેજના ચાલે છે, અને સામાન્ય માણસ પોતાના અસ્તિત્વ માટે લડવામાં વ્યસ્ત છે. રાજકીય પૃષ્ઠભૂમિ ઉપરાંત, આ કવિતાઓ આપણામાં દુ:ખ અને પીડા જાગૃત કરે છે જે દરેક મનુષ્યના સ્વરૂપમાં હૃદયના દરેક સ્વરૂપમાં હોય છે અને જીવનભર તેનાથી છૂટકારો મેળવવા માટે છલકાતી રહે છે.

તેની કવિતા નવી કાવ્યાત્મક પ્રણાલીના આધાર તરીકે શાસ્ત્રીય અરબી શ્લોકના નાના કદનાં પગલાં લે છે, જે કવિને દરેક પંક્તિમાં પદની સંખ્યામાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે. અલ-મલાઇકાના મુક્ત શ્લોકના સંસ્કરણે કવિને પ્રશિષ્ટ ચુસ્તતાથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો.

પ્રસ્તુત કવિતા પણ મહામારીને લીધે થયેલા માનવના વિનાશને સુપેરે પ્રગટ કરે છે. પણ માનવતા હજુ પણ ક્યાંક બાકી છે એટલે તો લખનાર નાઝિક હોય કે વાંચનાર વિશ્વ ક્યાંક તીણી પીડા હૃદયમાં ઉઠે છે, અને આ પીડા માત્ર નાઝિક પૂરતી સિમિત નથી એ છપ્પનિયા દુકાળમાં ભરખાયેલા ભૂખથી હાડ-માંસ બની ગયેલા લાચાર માનવોને જોઇને પન્નાલાલના મનમાં પણ ઉઠતી પીડા છે જે કહે છે - ‘ભૂખથીયે ભૂંડી ભીખ છે.’ છતાં વાસ્તવિકતા એ છે કે મહામારી માનવતાને મારી નથી શકતી પણ માનવોને ચોક્કસ ભરખે છે. જીવનની, પ્રકૃતિની આ વાસ્તવિકતા તો આપણે સ્વીકારવી જ રહી. આલ્બેર કામુ કહે છે એમ, “We tell ourselves that pestilence is a mere bogy of the mind, a bad dream that will pass away. But it doesn't always pass away and, from one bad dream to another, it is men who pass away. (આપણે આપણી જાતને કહીએ છીએ કે રોગચાળો એ માત્ર મનનો હાઉ છે, એક ખરાબ સ્વપ્ન છે કે જે દૂર થઈ જશે. પરંતુ તે હંમેશા પસાર થઈ જતું નથી અને, એક ખરાબ સ્વપ્નથી બીજામાં ખરાબ સ્વપ્નમાં એમ માનવજાતમાં પ્રસરતું રહે છે અને માણસો વામણા થઈને મૃત્યુને ભેટે છે.)

ડૉ. નિયતિ અંતાણી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (સાંજ), અમદાવાદ. niyatiantani79@gmail.com