Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘અશ્રુઘર’ : એકલતાનો અનુભવ

આપણે સૌ જાણીએ છીએ કે ઈ.સ. ૧૯૬૦ પછી ગુજરાતી સાહિત્યમાં જે વળાંક આવ્યો છે તેમાં સુરેશ જોષીનો ખૂબ મોટો ફાળો રહેલો છે. પરંતુ આ સમયગાળામાં ખૂબ અલ્પ આયુમાં પણ સત્વશીલ સાહિત્યની રચના કરનાર રાવજી પટેલની પણ મહત્વની ભૂમિકા રહી છે.

ઈ.સ.૧૯૬૬માં રાવજી પટેલની ‘અશ્રુઘર’ નવલકથા પ્રગટ થઇ. આ સમયગાળામાં આપણે જેને ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગ કહીએ છીએ તેની શરૂઆત થઇ ચુકી હતી.આધુનિક યુગની એક લાક્ષણિકતા સ્વરૂપે આજના મનુષ્યની જે એકલતા છે તે અશ્રુઘરનો નાયક સતત અનુભવ્યા કરે છે. આ આખી નવલકથામાં નવલકથાના નાયકને સતત એકલતાની અનુભૂતિ થયા કરે છે.

‘અશ્રુઘર’ નવલકથાનું મુખ્ય પાત્ર સત્ય નામનો યુવાન છે. આ યુવાનને ક્ષયની બીમારી છે. સારવાર માટે એ આણંદના ક્ષય ચિકિત્સાલયમાં રહ્યો છે. એક દિવસ ત્યાં લલિતા નામની યુવતી પોતાના બીમાર પતિને લઈને ત્યાં સારવાર માટે આવે છે. અહીંથી શરૂ થાય છે સત્યની પ્રેમકથા. તે લલિતાને પોતાને માટે યોગ્ય ગણે છે અને પછી થોડાક જ સમયમાં સત્યને ચિકિત્સાલયમાંથી રાજા થઇ જાય છે અને તે પોતાનાં ગામ ભણી ચાલ્યો જાય છે. તે બીમાર થયો તે પહેલા શહેરમાં રહીને ભણતો હતો અને ગામડામાંથી ઘણા સમય પહેલા તે જતો રહ્યો હતો. હવે બીમારીમાંથી બહાર નીકળીને ફરી પાછો ઘર તરફ જાય છે અને પછી તેને ત્યાં સૂર્યા નામની આછકલી છોકરી સાથે પનારો પડે છે. તેના ઘરના તેને આ છોકરી સાથે પરણાવવા માંગે છે અને જ્યાં એના લગ્ન નક્કી થાય છે ત્યાં જ લલિતાને સત્યના જ ગામની એક નિશાળમાં નોકરી મળી જાય છે. એટલે અહીં ફરીથી સત્ય અને લલીતાનું મિલન થાય છે. આમ એક બાજુ સત્યના લગ્ન સુર્યા સાથે નક્કી થાય છે અને સાથે - સાથે તેને સુર્યાના મેલા ચરિત્રની પણ જાણ થઇ જાય છે. સત્યને ક્ષયની બીમારી થઇ હોવાથી તેને બીજી છોકરી નહિ મળે એવા હેતુથી તેના ઘરના જલ્દીથી સુર્યા સાથે પરણાવી દે છે. ત્યાર પછી સત્યને ફરીથી ક્ષયની બીમારી ઉથલો મારે છે અને ફરીથી આણંદની ચિકિત્સાલયમાં જવું પડે છે ત્યાં લલિતા આવે છે અને બંને એકબીજાને સ્વીકારે છે, સમજે છે પણ પછી સત્યનું મૃત્યુ થઇ જાય છે.

આ નવલકથાની આ સમગ્ર ઘટનામાં જે મહત્વનું બની રહે છે તે છે સત્યની એકલતા. આધુનિક માનવીને પોતાની એકલતા કઈ રીતે કોરી ખાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલકથા બની રહે છે.

સત્ય શહેરમાં ભણવા ગયો ત્યાં તે તેના મામાના ઘરે રહેતો હતો અને મામીના વર્તનથી હંમેશા એકલપણાનો અનુભવ કર્યા કરતો. અમદાવાદથી મામા આણંદ ચિકિત્સાલયમાં મુકી ગયા પછી બીજા બધા દર્દીઓની સાર- સંભાળ જે એના સ્વજનો લેતા હોય છે તે જોઇને હંમેશા તેની સરખામણી પોતાની એકલતા સાથે કર્યા કરે છે.

નવલકથાની શરૂઆતમાં જ દૂરથી ઘોડાગાડી આવતી જોતા સત્યના મનમાં અનેક તર્ક-વિતર્ક આવી જાય છે અને વિચાર કરે છે કે એમાં લાલ સાડી પહેરેલી કોઈક સ્ત્રી છે. તે તરત જ પોતાની સાથે શરત લગાવી બેસે છે- “ બોલ લાગી શરત? મારે ઘેરથી જ કોક આવે છે.” સત્ય સતત એવી રાહ જોયા કરે છે કે કોઈક એના ઘરેથી એને મળવા આવે. પરંતુ કોઈ આવતું નથી ત્યારે તેને થાય છે કે મારી કોઈને પડી જ નથી. એ વાતની પુષ્ટિ પોતે જ બીજા દર્દીના ઉદાહરણ દ્વારા કરે છે કે, “પેલા જનુંના કાકા દર વખતે આવે છે : આવે છે ત્યારે ઘી અને મગજ લેતા આવે છે , છે ને ઘોડા જેવો !” આવું વિચારે છે ત્યારે એ એક બાજુ એવો ભાવ પણ અનુભવે છે કે મારી પાસે મારા ઘરેથી ના તો કોઈ આવે છે કે ના તો કોઈ મારી સંભાળ લે છે. તેના મામા તેને ચિકિત્સાલયમાં મુકી ગયા પછી માંડ એકાદ- બે વખત બાપુજી અને મા મળવા આવ્યા હશે.

સત્યને ચિકિત્સાલયમાંથી રજા થાય છે ને ઘેર આવે છે ત્યારે પણ તેને બધું જ પોતાનાથી દૂર હોય એવું લાગ્યા કરે છે સતત કશુંક ખૂંટયાનો ભાવ અનુભવે છે. પોતાની નાની ભત્રીજીને રમાડતી વખતે તેની ભાભી ટોકે છે કે, “એ નાની છે તેનાથી દૂર રહો.” એટલે તે સતત પોતે ક્ષયની બીમારીમાં સંપડાયેલો છે તે વાસ્તવિકતા સાથે જીવે છે. સત્ય સતત કંઇક શોધ્યા કરે છે. તેને શાની શોધ છે? એ સવાલના જવાબમાં તેને લલિતાનો સાથ મળે છે. ઘરે આવ્યા પછી ત્યાં લલિતા નથી તો સુર્યા મળી જાય છે. પોતે શા માટે આવી સુર્યા જેવી આછકલી છોકરીને મળે છે? તે પણ એ જાણતો નથી. સુર્યા સાથેની પહેલી – બીજી મુલાકાતમાં જ તે સૂર્યાને જાણી લે છે છતાંય તેનામાં રહેલો એકલતાનો ભાવ તેને કોઈકનો સાથ શોધવા માટે વિવશ બનાવે છે.

આ નવલકથાના લેખક પોતે ક્ષયની બીમારીથી પીડાય છે અને નવલકથાનો નાયક પણ ક્ષયમાં સંપડાયેલો છે. એટલે લેખકના પોતાના ભાવોનું આરોપણ છે. એવું લાગે પણ સત્યની શોધ શું છે? એ જોતા એવું લાગે કે આ શોધ માત્ર આ નવલકથાના નાયક સત્યની નથી. આ શોધ આધુનિક યુગમાં જીવતાં દરેક મનુષ્યની છે.

પોતાની માને પૂછી પણ નથી શકતો કે તે પોતાને મળવા હોસ્પિટલમાં કેમ નહોતી આવતી? એના પૂછ્યા વિના જ એની મા અનેક કારણો આપી દે છે હોસ્પિટલમાં નહીં આવી શકવાના. આ કારણો પણ સત્યને વ્યથિત કરી દે છે.

સત્ય ઘરે આવ્યા પછી પણ એવું અનુભવે છે કે પોતે સતત એકલો છે તેની પુષ્ટિ આપણને લેખકે કરેલા આ વર્ણનથી થાય છે...........’ઘરમાં જમવા બેઠો ત્યારે એને આટલે વર્ષે ઘેર આવ્યો તોય કશોક અણગમો થઇ આવ્યો. ખાવાનું ભાવ્યું હોય એમ મનને ન સમજાયું.સાંજે વાળું કર્યા પછી તે બહાર ચોકમાં ખાટલામાં પડ્યો પડ્યો આકાશદર્શન કરતો હતો. સેનેટોરિયમમાંથી ઘેર આવ્યા પછી મન કેમ જાણે અકથ્ય અસ્વસ્થતા અનુભવતું હતું. આકાશમાં અસંખ્ય તારાઓના ટમટમવાનો ઓચિંતો કોલાહલ થતો હોય એવું લાગ્યું. ન વર્ણવી શકાય એવી વેદનાનો ચેતોવિસ્તાર થયેલો એને લાગ્યો. રાતનો પ્રારંભ અહીં આવતા જ થઇ ગયો, આટલો જલ્દી? સ્મૃતિનું શ્વાનબાલ કોકના ચરણ સૂંઘવા સેનેટોરિયમમાં દોડી ગયું.........’

સત્યનો આવો ભાવ સતત સાથ શોધવા માટેનો છે. તે સતત ચિડાયેલો રહે છે. કોઈ પૂછે તો તરત જ ઉત્તર આપતો નથી. બેધ્યાનપણામાં જ રહે છે. આવી માનસિકતા સત્યની એટલા માટે છે કે એને કોઈકનો અંતરથી જ સહારો મળે એવી અપેક્ષા છે.

ચિકિત્સાલયમાં લલિતાનો સાથ મળે છે પણ થોડાંક જ સમયમાં અલગ થઇ જાય છે. લલિતા સાથે થોડું એવું લાગ્યું કે તે પોતાને સમજી શકે છે. પરંતુ પછી સત્યને ચિકિત્સાલયમાંથી રજા થાય જાય છે અને વળી પાછો એકલો પડી જાય છે. સત્ય લલિતાને મળ્યા પછી જયારે એકલો પડી જાય છે ત્યારે તેને વધારે એકલતા કોરી ખાવા માંડે છે. સુર્યામાં હંમેશા તે લલિતાને શોધવાના પ્રયત્નો કરતો, પણ તે નિષ્ફળ જતો.

સત્યને ક્ષયની બીમારી છે અને તેના ઘરના સભ્યો બહારના કોઈ લોકો જાણી ન જાય તેની ચિંતા કરે છે. તેથી જ તેઓ ઝડપથી સત્યના લગ્ન આછકલાઈ ભરી સૂર્યા સાથે ગોઠવી દે છે. ત્યારે ખરેખર ભાવકને પણ સત્યના મનની એકલતાનો વિચાર આવે છે કે ખરેખર સત્ય એકલો છે જો કોઈ સત્યના મનને સમજી શક્યું હોત તો સત્યની જિંદગી આમ બરબાદ ન થઇ હોત, કારણ કે સત્યને જે ફરી વખત ક્ષયની બીમારીએ ઊથલો માર્યો તે સત્યને સતત મનથી થાકેલો, હારેલો અને સતત ચિંતિત રહેવાના કારણે જ થયું છે. જો ખરેખર સત્યના મનને પ્રફુલ્લિત રાખવાનો કોઈએ પ્રયત્ન કર્યો હોત તો કદાચ સત્ય બચી શક્યો હોત. પરંતુ સતત સમાજના ભયથી જીવતાં સત્યના માતા-પિતાએ પણ સમાજનો જ વિચાર કર્યો , સત્યનો નહીં. એને સતત એવો ભય રહેલો હતો કે જો સમાજને સત્યની બીમારીની જાણ થઇ જશે તો સત્યને કોઈ છોકરી નહીં આપે. પરંતુ ગમે તેને સત્યની સાથે વળગાડી દેવાથી સત્યની શી હાલત થશે તેનો વિચાર ન કર્યો.

સત્યનો મિત્ર અહેમદ અને સત્યના એક પ્રોફેસર મેયો સિવાય કોઈ સત્યની કાળજી લેતું નથી. તેનો મિત્ર અહેમદ તેને ચિકિત્સાલયમાં ક્યારેક ક્યારેક મળવા જાય છે અને પ્રો. મેયો સાથે પત્રવ્યવહાર ચાલે છે બસ, આ બે સિવાય કોઈ પણ સત્યની કાળજી લેતું નથી. માણસ જયારે બીમારીમાં સંપડાયેલો હોય છે ત્યારે તેના તન કરતાં મનની વધારે કાળજી લેવી પડતી હોય છે. દર્દી તનથી તો તૂટેલો જ હોય છે એ મનથી ન તૂટે તેનો હંમેશા ખ્યાલ તેના પ્રોફેસર રાખે છે. અને મિત્ર અહેમદને પણ સત્યની ચિંતા છે.

સત્યને ફરી વખત ક્ષય થાય છે ત્યારે પણ તે ઘરના સભ્યોને જાણ નથી કરતો પરંતુ પ્રોફેસર મેયોને પત્ર લખીને જાણ કરે છે. અને પ્રોફેસર મેયો તે પત્રનો જવાબ પત્ર દ્વારા નહીં પણ પોતે જ રૂબરૂ આવીને સત્યને મળે છે. સત્યને તે જુએ છે અને તરત જ તેને અને તેના માતા- પિતાને ચિકિત્સાલય જવા માટે સમજાવે છે અને પોતે પણ સાથે જાય છે. અને ચિકિત્સાલયમાં દાખલ કરાવી સત્યને હિંમત રાખવાનું કહી પછી જાય છે.

સત્યને સમજી શકે એવું કોઈ હોઈ તો આ નવલકથામાં પ્રોફેસર મેયોનું પાત્ર છે. સત્યના પિતાનું વર્તન તો સત્ય પ્રત્યે એવું છે કે એ સત્યના પિતા જ ન હોઈ , સત્યને જેમ કરવું હોઈ એમ કરે એવી માનસિકતા તેઓ ધરાવે છે એટલે સ્વાભાવિક જે હૂંફ પિતા પાસેથી મળવી જોઈએ તે સત્યને તેના પિતા પાસેથી મળતી નથી, માતા પાસેથી પણ મમતા મળતી નથી. જેની સત્યને ખૂબ જ જરૂર છે. સતત માંદગીમાં સંપડાયેલા સત્યને અંદરથી આધાર આપે એવા સહરાની શોધ છે.

આખી નવલકથામાં સત્ય એકલતાથી પીડાતો રહ્યો છે. તે આધાર શાધવા માટે પ્રયત્ન કરતો રહે છે અને તે ન મળતા સતત રોષે ભરાયેલો જ લાગે. પરંતુ તેના આવા વર્તન પાછળનું કારણ શોધવાનો કોઈ પ્રયત્ન કરતું નથી. પરિણામે તેઓ સત્યને ગુમાવી દે છે. આમ આ કૃતિ એક નિઃસહાય, નિરાધાર દર્દીની પ્રેમકથા બની રહે છે.

સંદર્ભ :

  1. ‘અશ્રુઘર’ લે. રાવજી પટેલ, આવૃત્તિ ૨૦૦૨ , કિંમત-રૂ.૬૫-૦૦ પ્રકાશન- આદર્શ પ્રકાશન.

નીલુ જી. ગોહેલ, મદદનીશ પ્રાધ્યાપક ગુજરાતી વિભાગ, શ્રી આર. આર. લાલન કોલેજ, ભુજ,(કચ્છ) ફોન- ૯૪૨૬૬૮૬૪૦૪, Email- neelu.gohel@gmail.com