લઘુકથા: નથી
બધો સામાન ટ્રકમાં મુકાઇ ગયો. બા બાપુજીએ બનાવડાવેલું જૂનવાણી, લાકડાનું મંદિર વિરલે હાથમાં ઊંચક્યું. વિદાય લેવા મોટાભાઇને પગે લાગ્યો.
“વિરલ, થોડોક સમય અહિંયા રહ્યો હોત તો સારું હતું. તારી દેખરેખમાં મારા મકાનનું બાંધકામ પૂરું થઇ જાત, ને મારે દૂરથી અહીં આવવામાં ઓછી દોડાદોડી રહેત.”
“હા મોટાભાઇ, પણ....”
પણની પાછળ વિરલની આંખમાં બા બાપુજીએ ઊભું કરેલું આ ગામડાનું ઘર છલકાયું. ગામડે ગોરપદુ કરતા બાપુજીની સ્થિતિ કેવી હોય ? મોટાભાઇ, બે બહેનો અને પોતાની જવાબદારી ઉપાડતા બા બાપુજીએ મહામહેનતે આ નળિયાવાળું મકાન ઊભું કરેલું. પ્લોટ ઘણો મોટો, પણ બે રૂમ રસોડું બાંધ્યા પછી ફરતી દિવાલ ન્હોતી ચણી શકાઇ. બા એ મહેનત કરી ફરતે મેંદીની વાડ ઉછેરેલી. બાપુજીએ ફળિયામાં લીમડો વાવેલો, ને વખત જતાં લીમડા નીચે હીંચકો ય નાખેલો. ચારેય ભાઇ બહેનનો કિલ્લોલ હીંચકે ઝૂલતો રહેતો, ને લીમડો બાપુજીનાં આશીર્વાદની છાયા આપતો રહેતો. બાએ બનાવેલી વાડે આખા ઘરને સંભાળી રાખેલું.
બહેનો પરણીને સાસરે ગઇ. મોટાભાઇ – ભાભી નોકરીનાં લીધે દૂરના શહેરમાં જઇ વસ્યા. ગામડાથી પાંચ કિલોમીટર દૂરના શહેરમાં વિરલનો ધંધોય સારો એવો ફૂલ્યો – ફાલ્યો. લગ્ન થયા, બે બાળકો થયા, ને બા બાપુજીયે ગયા; પણ ગામડાનું ઘર કાયમ ગળે વળગેલું રહ્યું. પોતાનું બાળપણ, બા બાપુજીની લાગણીએ લીંપાયેલ ભીંતો, લીમડાની છાંયા ને મેંદીની વાડની સુવાસ એમ થોડી છૂટે ?
રીટાયરમેન્ટના આરે આવેલા મોટાભાઇએ એક દિવસ અચાનક આવીને કહ્યું.
“વિરલ, તું તો બા બાપુજી વાળા મકાનમાં રહે છે. હું ય હવે રીટાયર્ડ થવાનો. તારી સામેનાં ખાલી ફળિયામાં મારેય મકાન બાંધી લેવું છે.”
“પણ મોટાભાઇ, આ મકાન આપણા બધાનું તો છે.”
“એ બરાબર, પણ આવું બધું મારા અને તારા સુધી. કાલ આપણા છોકરા મોટા થાય ને એમની વચ્ચે ડખા થાય એ સારું નહિ. અત્યારથી ભાગ પાડી લેવા સારા.”
મોટાભાઇની સામે કોઇ દલીલ ચાલેલી નહિ. મેંદીની વાડ કપાઇ, હીંચકોય ગયો, ને લીમડો તો બરાબર વચ્ચે જ નડતો’તો. કાપ્યે જ છૂટકો થયો. મોટાભાઇનું પાકું મકાન બંધાવા માંડ્યું. વિરલની ગુંગળામણ વધતી રહી. એણે અંતે શહેરમાં મકાન લઇ લીધું.
“તારી હાજરીથી ફેર પડત વિરલ.”
“હા મોટાભાઇ, પણ આ છોકરાવનું ભણતર, મારો ધંધો બધું શહેરમાં જ છે. બા બાપુજી હતા ત્યાં સુધી ઠીક હતું, પણ હવે તો..... !
કપાઇ ગયેલા લીમડાના અને મેંદીના પાન બિલકુલ સુકાઇ ગયા હતા. મંદિરને મજબૂતાઇથી પકડી વિરલ ઘરની બહાર નીકળી ગયો.