Included in the UGC-CARE list (Group B Sr. No 172)

દુર્યોધનનું સબળ ચરિત નિરૂપતું નાટક: સુયોધન

માનવ જીવનના વિવિધ રૂપોને પ્રગટાવવાં ‘મિથ’ સબળ માધ્યમ છે. સર્જક પોતાના આસપાસના પરિવેશને આત્મસાત્ કરી ચિરંતન ચરિત્રો દ્વારા આધુનિક ભાવવિશ્વને ‘મિથ’ના માધ્યમે અભિવ્યક્ત કરે છે. ‘મિથ’ના માધ્યમે પ્રગટતા માનવસમાજના અનુભવ વિશે ધ્વનિલ પારેખ કહે છે -

“મિથમાં બનતી ઘટનાઓ બહુધા અલૌકિક હોય છે છતાં માનવસમાજ માટે એ ઘટનાઓનું મૂલ્ય રહ્યું છે. આ અલૌકિક ઘટનાઓ માનવસમાજના કોઈકને કોઈક અનુભવને વ્યંજિત કરે છે. મિથ એક દર્પણ બનીને કામ કરે છે જેમાં સામાન્ય મનુષ્યને પોતાનું પ્રતિબિંબ નજરે પડતું હોય છે.”[1]

સંસ્કૃત નાટ્યકાર ભાસ દુર્યોધનને સબળ ચરિત્ર તરીકે આલેખે છે. મહાભારતના ‘શલ્યપર્વ’, ‘ઉદ્યોગપર્વ’, ‘દ્રોણપર્વ’, ‘વિરાટપર્વ’ આદિ આધારિત ભાસે રચેલી નાટ્યાકૃતિ - ‘ઊરુભંગમ્’, ‘દૂતવાક્યમ્’, ‘દૂતઘટોત્કચમ્’, ‘પંચરાત્રમ્’ છે. સાંપ્રત સમયે આ પરંપરાને અનુસરી શંકર નરહે પાસેથી મરાઠી ભાષામાં ‘સુયોધન’ નવલકથા, આનંદ નિલકંઠન બે રચનાઓ AJAYA: Epic of the Kaurava (Clan Book - |, ROLE OF THE DICE) અને AJAYA: Epic of the Kaurava (Clan Book - ||, RICE OF KALI) તેમજ આ ચરિત્ર પર વી. રઘુનાથનની કૃતિ છે - ‘Duryodhana’ .

ગુજરાતી નાટ્યકાર હસમુખ બારાડી દુર્યોધનના ચરિત્રને કેન્દ્રમાં રાખી ‘સુ-યોધન’ નામક દ્વિઅંકી નાટક આપે છે. પ્રથમ અંકના પ્રથમ દૃશ્યમાં કૌરવ-પાંડવોની સંધિ અને શાંતિ માટે કૃષ્ણ પાંડવ પક્ષના પ્રતિનિધિ રૂપે હસ્તિનાપુર રાજસભામાં આવે છે. સુયોધન પોતે દુર્યોધન છે તેવું ભાવવિશ્વ ખડું કરતું, કૃષ્ણના પ્રતિહાર રૂપ દ્રૌપદી-વસ્ત્રાહરણનું ચિત્ર સન્મુખ રાખે છે. કૃષ્ણને તે જોતાં અટકાવે છે. ચતુર કૃષ્ણને જ્ઞાત છે કે પોતે જે કાર્યાર્થે ઉપસ્થિત થયા છે તેના મૂળમાં આ જ ચિત્ર, વસ્ત્રાહરણનો પ્રસંગ છે. દ્યૂતસભાના સ્મરણ સાથે દ્રૌપદી વિશે તરંગિત થતો સુયોધન ભૂતકાળમાં અટકે છે. કૃષ્ણ સુયોધનના મનોભાવ પારખી દ્રૌપદી સ્ફુરણાને વેગ આપે છે.

પ્રસ્તુત અંકમાં ચિત્રપટ નિર્ણાયક માધ્યમ તરીકે રજૂ થયું છે. દ્રૌપદી વસ્ત્રાહરણનું ચિત્ર તેમજ સભામાં વડીલોની અનુપસ્થિતિ સ્પષ્ટ સૂચવે છે કે સુયોધન યુદ્ધ અંગે પ્રથમથી જ અડગ છે. યુદ્ધના પરિણામની નિશ્ચિતતા દર્શાવવા કૃષ્ણ, પાંડવો સામે હીન દશામાં મુકાયેલ સુયોધનના વિવિધ ભાવ રજૂ કરતા ચિત્રો મૂકી આપે છે. જેમાંનું એક ચિત્ર છે ઇન્દ્રપ્રસ્થના પ્રાસાદ જળમાં ભીંજાયેલ સુયોધનનું. તે જોતાં જ દ્રૌપદી પુનઃ દૃશ્યમાન થાય છે. ચિત્રો બતાવી કૃષ્ણ સંધિનો પ્રસ્તાવ મૂકે છે કે શરતપૂર્તિ મુજબ બાર વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસને અંતે પાંડવોને રાજ્ય પરત સોંપવું. વાતમાં નિરસતા દાખવી ‘બીજા’ કોઈ સંદેશ વિશે પૂછે છે. જેમાં તેના અંતરમાં ચાલતા દ્રૌપદીના મંથનને પામી કૃષ્ણ દ્રૌપદીનો સંદેશ કહે છે.

સુયોધન: સારું, બીજો કોઈ સંદેશો છે?
કૃષ્ણ: બીજો કોનો? (સુયોધન મૌન. કૃષ્ણ એને નીરખે.)
અરે હા, ભૂલ્યો... હું મંત્રણા માટે નીકળ્યો હતો, ત્યારે સખી દ્રૌપદીએ મને રોકીને કહ્યું: ‘સખા, આ વૃથા પ્રયત્ન છે, હસતીનાપુરમાં માત્ર શારીરિક શૌર્યનું શાસન છે, સ્નેહની વેલ ત્યાં પાંગરી જ નથી... યુદ્ધ જ અનિવાર્ય છે. એટલે જો પાંડવોમાંથી જો કોઈ નહીં લડે, તો હું અને મારા પુત્રો લડીશું... મારા કેશ હજી છુટ્ટા છે, સખા!’
સુયોધન: એટલે શું- એટલે શું- મને-
કૃષ્ણ: હા, ભીમની પ્રતિજ્ઞા તો સ્મરણ હશે તમને-
સુયોધન: આ તો ધમકી કહેવાય!
કૃષ્ણ: પણ સ્ત્રીના છુટ્ટા કેશ એટલે શું એ સમજાય છે ને તમને? તમે દ્રૌપદીથી આટલા ભયભીત કેમ છો?
સુયોધન: ભય? મને? મને? ભય શું કામ હોય?... પણ દ્રૌપદી...
કૃષ્ણ: સ્વયંવરની દ્રૌપદી હજી નથી વિસરાતી? કે-
સુયોધન: કે- ?
કૃષ્ણ: કે- દ્યૂત રમવું પડ્યું ! અને કર્ણને અંગદેશ આપી એ જ વખતે રાજા બનાવવો પડ્યો!
- જેથી એ તો દ્રૌપદી પામે અને દ્રૌપદીને હસ્તિનાપુર લવાય. સુયોધન, તારો રાગ ન સંતોષાયો, એટલે આ... તું કંઈ રાજ્યવિસ્તાર માટે દ્યૂત નહોતો રમ્યો, હું જાણું છું. (પૃ.૧૫)

દ્રૌપદીના ‘છુટ્ટા કેશ’થી સુયોધન ભયભીત બને છે. વાસ્તવિકતા એ છે કે સુયોધનને મન દ્રૌપદી અવિસ્મરણીય છે. પોતે નહિ તો મિત્ર કર્ણ તેને વરે જેથી તેજસ્વી કન્યા પોતાના પક્ષે રહે એવી એની ઇચ્છા હતી. મહાભારતમાં સ્વયંવર વેળાએ ‘સૂત પુત્રને નહીં વરે’ તેવું દ્રૌપદીનું કથન કર્ણ માટે ઈર્ષ્યાનું કારણ બન્યું હશે, કિન્તુ મૌન દુર્યોધનના મને આ દ્યૂતસભાનું તે સમયે જ આયોજન કર્યું હશે. સંભવત્ તેથી જ આ વિષ્ટિ પ્રસંગનું નિર્માણ થયું હશે. સુયોધનનું આ પરિમાણ નાટ્યકાર રચે છે.

દ્વિતીય અંકમાં અભિમન્યુ વધથી કૌરવ છાવણીમાં આનંદનો ઉત્સવ જામ્યો છે. આ પ્રસંગ વારંવાર વાગોળી શકુનિ, દુઃશાસન અને કર્ણ મદોન્મત્ત બને છે, જેમાં સુયોધન બાકાત છે. શોકગ્રસ્ત ગાંધારી અને ધૃતરાષ્ટ્ર છાવણીમાં પ્રવેશે છે. કૌરવોના હીન કૃત્યને કારણે અસંખ્ય માનવસંહારને થાંભવવા માટે પાંડવો સાથે સંધિ કરવા કહે છે. એવામાં પાંડવ છાવણીથી શંખ, ઢોલ અને સિંહનાદના ધ્વનિ સંભળાય છે. પાંડવ પક્ષથી કૃષ્ણએ મોકલેલો દૂત ઘટોત્કચ અર્જુનની ‘જયદ્રથ વધ’ પ્રતિજ્ઞા જણાવી પ્રસ્તુત વાતમાં સહમતી દર્શાવે છે. સુયોધન માટેનો કૃષ્ણએ મોકલેલો મહત્ત્વપૂર્ણ સંદેશો એ કહી સંભળાવે છે-

ઘટોત્કચ : “મારા સ્વામિ શ્રીકૃષ્ણે કાકા સુયોધનને આ કુળનાશી વિગ્રહનું મૂળ કારણ તપાસવા પણ કહ્યું છે. (પૃ. ૨૯)

હસ્તિનાપુરના સમ્રાટ મહારાજ પાંડુ હતા, રાજપરંપરા અનુસાર તેના ઉત્તરાધિકારી પાંડવો બને. કુરુકુળના આ પ્રણાલી સુયોધન પણ જાણે છે. સુયોધનના મનમાં યુદ્ધનું મુખ્ય પ્રયોજન રાજસત્તા નહિ, કિન્તુ દ્રૌપદી પ્રત્યેનું આકર્ષણ છે. પાંડવોને વનવાસ દરમિયાન મળેલી અનેક સિદ્ધિઓની તુલનાએ હસ્તિનાપુરનું શૂન્યવત જીવન, અનેક સુખ વચ્ચે સુયોધનને મન વનવાસ જ બન્યો. સુયોધનની એકોક્તિ દ્વારા નાટ્યકારે એના માનસને પ્રગટાવ્યું છે-

સુયોધન: કર્ણ... કર્ણ... ગયો? (જુએ છે, કર્ણ ગયો છે.)
કર્ણ રોકાયો હોત તો?
(ધીમે ધીમે આગળ પડદા પર આવી પ્રેક્ષકો સાથે વાત કરે.)
...આ સમૂહસ્વરમાંય હું તો જાણે એકલો જ છું. માતાના રક્તપિંડના ટુકડા જેવો, ઘીના કુંડોને તળિયે... બહાર નીકળવા, મનુષ્ય બનવા સુધીની મથામણમાં હું હજી જીવું છું...
પિતાજી કહે છે હું માત્ર યુવરાજ છું. મહાપ્રભાવક પિતામહનું મારે માનવું પડે, વિદૂરકાકા ડાહી ડાહી વાતો કરે... માતા ગાંધારી આવીને ઊભાં રહે... એમને જાઉં છું ત્યારે હું કુંડોના તળિયે જઈ બેસું છું... પિતાજી પાંડુકાકાનું રાજ્ય સંભાળે, અને મારે એનું સંચાલન કરવાનું!
ગુરુ દ્રૌણ પાસે ધનુર્વિદ્યા શીખ્યો હોત તો હું દ્રૌપદી પામ્યો હોત?
મને સ્વપ્નમાંય દ્રૌપદીનો ભય લાગે છે... એના કેશથી એ મને બાંધી લે છે... શ્વાસ નથી લેવાતો...!... છેવટે બલરામે મને ગદાયુદ્ધમાં નિપુણ કર્યો! વિરોધીને ચાર ગજ સામેથી પડકારવાનો!... બધા કરતાં મારી સામેના પડકારો સાવ ભિન્ન રહ્યા છે.
અને કૃષ્ણ! તમનેય એક પ્રશ્ન પૂછું? તમે એકને યુદ્ધનો તર્ક સમજાવો, અને મને વિગ્રહની નિરર્થકતા કહો? તમે મારી સાથેય રણનીતિ કરો?
પણ ત્યાં પાંડવો વનવાસ કરતાં જાતજાતનાં શસ્ત્રઅસ્ત્ર શીખે, અનેક રમણીઓ ભોગવે – દ્રૌપદી, ચિત્રાંગદા, હિડમ્બા, ઉર્વશી ને મારા પગ તો અહીં હસ્તિનાપુરમાં બંધાયેલા છે, એમાંથી છૂટવા, દ્રૌપદીના કેશમાંથી મુક્તિ માટે... હું આ યુદ્ધ ખેલી રહ્યો છું.
આજ સુધીના યુદ્ધમાં બે વખત હું પાછો હઠયો, બે વખત ભીમને પાછો પાડ્યો... પણ હવે મારી ગદનોય મને ભાર લાગે છે...
(ગદા ઢસડીને તખ્તા પરથી રણભૂમિમાં લઈ જાય છે.)

બીજા દૃશ્યમાં કુરુક્ષેત્રની મરુભૂમિ પાંડવ પક્ષે ઢળી. ઊરુભંગ થતાં અર્ધમૂર્ત અવસ્થામાં ઉદ્ભવેલા વિષાદને સુયોધન કૃષ્ણ સામે ઠાલવે છે. નિરુત્તર કૃષ્ણની વિદાય બાદ આજીવન જેના સંસ્પર્શની વંચિત રહ્યો તે દ્રૌપદીનો મૂર્તિમંત ભાસ એને થવા લાગે છે. એ પોતાના અપકૃત્યોની ક્ષમા યાચે છે. પોતાના પુત્ર દુર્જયને પણ પાંડવોની સેવા-સુશ્રુષા કરવા કહે છે. આજીવન જેની તૃષ્ણા રહી છે તે દ્રૌપદીને ભાવવિશ્વમાં પામવાની છેવટે એ સંતુષ્ટિ અનુભવે છે. મનોભૂમિએ દ્રૌપદીની સમીપ જતાં એ સુખાન્ત અનુભવે છે અને બોલે છે-

સુયોધન: હાશ! મારા પ્રાણ આ દેહને હવે ભલે તજી!...
પિતૃપિતામહો, મને ક્ષમા કરો... જેનો હું સ્વામી નહોતો, એ રાજ્યમાં મેં કતૃત્ત્વભાવ રાખ્યો! મારા પિતાજી જેમ મારેય એ પરત કરવાનું હતું. એ ધર્મ હું અનુસર્યો નહીં. પૂજ્ય પિતૃપિતામહ શાંતનુ! માતામહ સત્યવતી.... આ કર્ણ... બધા ભાઈઓ...ત્યાં ઇન્દ્રનો હાથ ઝાલીને, ક્રોધે ભરાયેલો અભિમન્યુ...
અને દૂર કોણ છે? ફરી દ્રૌપદી ?...હા, દ્રૌપદી ! ...એના ઝળહળતા પ્રાસાદની અટારીએ... ધનુષ્ય જેવી એની દેહયષ્ટિ, ભળું ભાખળું દેખાય છે… હવે કામનાઓ ઓગળી ગઈ છે... સઘળો રાગ નિર્મૂળ થયો છે. (પૃ. ૪૦)

સુયોધનના જીવનમાં દ્રૌપદીની સતત ઝંખના રહી છે. તેને પ્રાપ્ત કરવા દ્યૂત રમ્યો અને યુદ્ધમાં અસંખ્ય નરસંહાર કર્યો. અનુભવોના પરિમાણોથી પથ કંડારી સુયોધનને જીવનની મહત્તા સમજાય છે. જીવનની અંતિમ ક્ષણે એને સમજાય છે અને પોતાના પુત્ર દુર્જયને વિગ્રહ ન કરવા તેમજ વડીલોના આશિષ મેળવવા માટે બોધ આપે છે. આ પરિવર્તન દુર્યોધનને ‘સુયોધન’ પ્રતિ અયન કરાવે છે. આ નાટ્યકાર ભાસના સુયોધનને પોતાના નાટકમાં વિશેષ પરિમાણ સાથે મૂકે છે. મહાભારતનો દુર્યોધન ધૃતરાષ્ટ્રની અંધ મહાત્ત્વાકાંક્ષાનું પરિમાણ છે, જે અંત સુધી અધર્મના પંથેથી પાછો વળવા તૈયાર નથી. એ ધૃતરાષ્ટ્ર ઉપરાંત શકુનિના હાથથી ધૃત ક્રીડાના પાસાંની માફક ઘડાયેલા છે. એ રાજસત્તા માટે સતત અધર્મ આચરતો રહ્યો છે, જ્યારે આ નાટકમાં કેન્દ્રમાં દ્રૌપદી છે.

‘સુયોધન’ નાટકમાં માનવીની વૈયકતિક પરિતૃપ્તિ માટે યુદ્ધ કરી અસંખ્ય માનવસંહારને નોતરનાર માનવીની છબિ સર્જકે સાદૃશ્ય કરે છે. માનવવિશ્વએ બે-બે મહાવિશ્વયુદ્ધોનો યુગ જોયો છે, વેઠયો છે. આવા વિનાશની મધ્યે શાંતિની કળ સ્વરૂપે ‘સુયોધન’ નાટક આધુનિક વિશ્વમાં પ્રસ્તુતિ પામે છે. નાટકના અંતે સર્જકે યુદ્ધની નિરર્થકતાનું કથન સૈનિક દ્વારા પ્રગટાવ્યું છે-

યોદ્ધો: સામાન્ય યોદ્ધો છું મહારાજ! આપના એક લાખ પાયદળમાં હું હતો...(સુયોધન મૌન)
તમે ભીમ જોડે લડતા હતા, ત્યારે હું સામા પક્ષના એક યોદ્ધા સામે લડતો હતો... આપ બન્નેની શૂરવીરતાથી અમને ગર્વ થયો... અમે લડવાને બદલે આપણે જોવા માંડ્યા... આપ પડ્યા એટલે અમે બન્ને એકબીજાને ભેટીને રડ્યા...
સુયોધન: પેલની આંખમાંય આંસું હતાં?...પછી?
યોદ્ધો: પછી બેન્નેને અમારાં બાળકો યાદ આવ્યાં...
સુયોધન: તને એનો ડર ન લાગ્યો?
યોદ્ધો: અમારે ક્યાં વેર હતું? અમે તો સેનાપતિના આદેશે જ લડતા હતા.- આપને હું કંઈ સહાય કરું? જલ પીશો? (પૃ. ૩૮)

આ કથન વિશે ડૉ. મહેશ ચંપકલાલ કહે છે-
“એ સામાન્ય યોદ્ધો ભૂમિશાયી થયેલા મૃત્યોન્મુખ દુર્યોધનને મદદ કરવા તત્પર બને છે. નાટકના અંત ભાગમાં આવું સાવ આગંતુક કહી શકાય એવું પાત્ર યોજીને બારાડી મહાભારતની એ ઘટનાને જાણે સાંપ્રતના સંદર્ભમાં મૂકી આપીને યુદ્ધની નિરર્થકતા પ્રતિપાદિત કરી આપી છે.” (પૃ. ૫૫)

‘સુયોધન’ નાટક વિશે ગુજરાત કોલેજ, અમદાવાદ નાટ્યવિભાગના પૂર્વાધ્યક્ષ પ્રો. જનક એચ. દવે નોંધે છે-
‘નાટકના અંતમાં પ્રારંભ અને પ્રારંભમાં અંત હોય છે’. આ પ્રચલિત વિધાન સર્વથા સાચું છે, ખાસ કરીને ‘સુયોધન’ નાટક માટે.” (પૃ. ૬૪)

પ્રસ્તુત નાટક હસમુખ બારાડીનું પ્રશંસનીય સાહિત્યસર્જન છે. સુયોધનની સ્પષ્ટ છબિની ઉપજાવી શકવાની સાથોસાથ નાટ્યમંચન માટે અનુકૂળ નાટ્ય-નિર્માણ કર્યું છે. નાટકમાં દૃશ્ય-યોજના, દૃશ્ય-પરીવર્તન એક નાટ્યકાર તરીકે હસમુખ બારાડીની આગવી પ્રતિભા પ્રગટાવે છે. નાટકમાં દૃશ્યની પૂર્ણતા સાથે મુખ્ય પાત્ર પોતાની એકોક્તિ મંચના અગ્રસ્થાને પ્રદર્શિત કરે છે. આ સમય દરમિયાન નેપથ્યમાં બીજા દૃશ્યના વિષય-વસ્તુની ગોઠવણી ખૂબ જ સરળ રીતે થઈ શકે. નાટ્યની દૃશ્ય યોજના સમય સૂચકતાની સાથે પ્રેક્ષકોને એકથી બીજા ભાવવિશ્વમાં સહજ રીતે મૂકી નાટક આત્મસાત કરી શકે તેવી યોજના છે. નાટ્યકારે પ્રયોજેલા નાટકની ભાષા પત્રોનુસાર શિષ્ટ તેમજ સરળ છે. ધટોત્કચની ભાષા સરળ છતાં પ્રભાવક છે, જ્યારે બીજા પાત્રોની ભાષાપ્રયુક્તિ શિષ્ટ રૂપે આલેખી છે.

‘સુયોધન’ નાટકના નિર્માણ હેતુ ભાસના નાટકોને કેન્દ્રમાં રાખી દુર્યોધનની અંતર છબિ વિકસાવતો લેખ ૧૯૯૮માં ‘ફાર્બસ ત્રૈમાસિક’ અંતર્ગત પ્રકાશિત થયેલો છે. વિનોદ અધ્વર્યુ તેમજ પરામર્શક ડૉ.મહેશ ચંપકલાલે પ્રસ્તુત નાટક વિશે લેખ આપ્યો છે.

આ નાટકનું પ્રથમ મંચન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા ‘અખિલ ભારતીય ભાસ નાટ્ય મહોત્સવ’ને દિન થયું હતું. નિસર્ગ ત્રિવેદીએ સુયોધનના પાત્રને અને વિશાળ વૈશ્યએ કૃષ્ણના કિરદારને નિભાવ્યા હતા. થિયેટર એન્ડ મીડિયા સેન્ટર, અમદાવાદના રંગમંચ પર આ નાટક અનેકવાર પ્રસ્તુત થયું છે.

પ્રસ્તુત નાટકમાં હસમુખ બારાડીએ દ્રૌપદીને પામવાની ઝંખના કરતા દુર્યોધનના પાત્રને ‘સુયોધન’ના સબળ અને કરૂણ ચરિત્ર તરીકે રૂપે ચિતરી આપ્યું છે. આ અંગે નાટ્યકાર નોંધે છે:
‘જો કે મને હંમેશા લાગ્યું છે, કે દુર્યોધનના પાત્રને બીજી રીતે જોવું જોઈએ. ‘ગાંધારી’ પછી સમજાયું હતું, કે કૌરવોને નવી દૃષ્ટિથી તપાસવા જોઈએ અને એમાં એ પોઝિટિવ પાત્ર તરીકે માત્ર નહીં પરંતુ કરુણપાત્ર તરીકે ઊપસે છે.

સહયોગી સાથે એની આટલી એક્સરસાઈઝ કરતાં એવું પણ લાગ્યું, કે દ્રૌપદીને ન પામ્યાની અને જીવનભર એને જ ઝંખ્યા કરવાની વાત દુર્યોધનની સૌથી વધુ કરુણતા છે’ (પૃ. ૫)

સંદર્ભ

  1. નાટકમાં મિથ, ધ્વનિલ પારેખ, પાર્શ્વ પ્રકાશન- અમદાવાદ, પ્રથમ આવૃત્તિ- ૨૦૦૭, પૃ. ૧૬
  2. સુયોધન (નાટક), હસમુખ બારાડી, પાર્શ્વ પ્રકાશન- અમદાવાદ, પ્રથમ આવૃત્તિ- ૨

મહિરથસિંહ ઘનશ્યામસિંહ પરમાર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર- ૩૮૮૧૨૦