Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ગઝલ : પથ્થર

ગામને પાદર સંધ્યાટાણે લોક વચ્ચે અટવાયો પથ્થર
દીવાના આછા અજવાળે મરક મરક મલકાયો પથ્થર

હિંમતથી હથિયારો લઈને ખેલ ખમીરીના ખેલ્યા'તા
જીવ ભલે સમરાંગણ ખોયો ખાંભી થઈ ખોડાયો પથ્થર

આમ જુઓ તો મારગ માથે બીજી અડચણ લાખ હતી
નડતરના કાવતરામાં તો બસ એક જ સપડાયો પથ્થર

દરિયાની ઓલી પાર જવું'તું કોઈ ઉપાયો ક્યાં દેખાયા ?
સાંધાથી સાંધાઓ જોડી સેતુ થઈ સચવાયો પથ્થર

રેત થયા તો કોરું રહેવું માટી થઈને ભીનું રહેવું
રેતી માટી છોડ મહેશા આપણને સમજાયો પથ્થર

મહેશ વારોતરિયા, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-૩૬૦૦૦૫