Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ટૂંકીવાર્તા પરથી બનેલી ફિલ્મનો અભ્યાસ: ‘અભુ મકરાણી’ પરથી ‘મિર્ચ મસાલા’

ફિલ્મનું નિર્માણ એ એક સમૂહગત ક્રિયા છે.બધા જ પ્રકારના લોકોને ફિલ્મનું આકર્ષણ છે.પ્રત્યેક ઉંમરના અને વર્ગના લોકો આ માધ્યમને થિયેટરમાં જઇને અથવા ટેલિવિઝનના માધ્યમ દ્વારા માણે છે. સિનેમાની દુનિયા એતો સ્વપ્નની દુનિયા છે.સિનેમાની દુનિયામાં ના જોયેલુંને ના માણેલું જોવા અને માણવા મળે છે.સાહિત્ય પરથી ફિલ્મનું નિર્માણ કરવું એ એક દિગ્દર્શકની કલ્પનાનું પરિણામ છે. કોઇ એક વ્યક્તિ વાર્તા, નવલકથા, નાટક કે કોઇ પ્રસંગમાં પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને સાહિત્ય પરથી ફિલ્મનું નિર્માણ કરે છે. અહીં ચૂનિલાલ મડિયાકૃત ટૂંકીવાર્તા ‘અભુ મકરાણી’ પરથી કેતન મહેતા દિગ્દર્શિત ફિલ્મ ‘મિર્ચમસાલા’ તુલનાત્મક લેખ રજૂ કરું છું.

સાહિત્યકૃતિ “અભુ મકરાણી”

ચુનીલાલ મડિયાની વાર્તા ‘અભુ મકરાણી’ જેનું શીર્ષક પુરુષપાત્ર કેન્દ્રી છે. જેને પાપમાં ભાગીદાર ન થવા માટે આત્મબલિદાનની વાર્તા પણ કહી શકાય. સાથે સાથે ચોકિયાતના વટની વાર્તા પણ કહી શકાય. માંડ સવાદસ પાનાની કે આશરે 2400 શબ્દોની આ ટૂંકીવાર્તા પ્રથમ તો ચૂનીલાલ મડિયાના રૂપ-અરૂપ નામના સંગ્રહમાં 1953 માં પ્રકાશિત થઇ હતી.

આ વાર્તા તમાકુના કારખાનાથી શરૂ થઇ ત્યાં જ પૂરી થતી જણાય છે. અહીં મડિયાની કૃતિ શબ્દોની કરકસરવાળી લાગે છે. ત્રણ મહત્વના પાત્રોમાં આ વાર્તા રચાય છે. અભુ મકરાણી, ગેમી, અને થાણેદાર. અભુ મકરાણી જાતનો મુસલમાન હતો જ્યારે દાડિયાં સૌ હિન્દુ હતાં પણ અહીંના શ્રમજીવનમાં કોમી ભેદભાવને ભાગ્યે જ કોઇએ પિછણ્યા હતાં. સૌની સરખીજ દરિદ્રતાએ અરસ પરસ એવી તો આત્મીયતા ઉભી કરી હતી કે એમાં કોઇ ગેરકોમનું આદમી છે એવો ખ્યાલ સુધ્ધાં ઉદભવી શકતો નહી. બહુમતી,લઘુમતી કોમોનો આત્મનિર્ણયનો અધિકાર કે પક્ષીય રાજકારણના પ્રશ્નો કરતાં અનેકગણો વધારે અગત્યનોઅને તાત્કાલિક ઉકેલ માંગતો પ્રશ્ન તે પેટનાખાદા પુરવાનો હતો. પેટના અર્થકારણ પાસે જાણે કે રાજકારણ વામણું અને વહેરું લાગતું હતું . સમદુખીયામાં જ હોઇ શકે તેવી આત્મીયતાથી અભુ ડોસાએ ગેમીને રક્ષાણની ખાતરી આપીને સ્વસ્થ બનાવી.

સળંગ એવી આ વાર્તાને પાંચ ભાગમાં વહેંચી શકાય: ગેમીના પ્રવેશથી પ્રવેશતી ઉતેજના, ડેલા/કારખાનાના વર્ણન સાથે જીવનશેઠનો પરિચય, એડીસી અને અભુના સંવાદ સમાંતરે ગેમી અને સ્ત્રી વચ્ચેના સંવાદથી ઊપસતી પુરુષ અને સ્ત્રીની માનસિકતા, અભુનો પરિચય અને સંત.

વાર્તામાં પ્રારંભ ગભરું હરિણીની જેવી હાંફળી-ફાંફળી પ્રવેશતી ગેમીથી થાય છે. ગભરાયેલી ગેમીના બાહ્ય દેખાવનું વર્ણન ચૂનીલાલ મડિયાએ કંઇક આ રીતે કર્યું છે, ‘લુહારની ધમણની જેમ ગેમીની છાતીમાં શ્વાસ ધમાતો હતો.નસકોરા ફૂલીને ફૂફાંડા મારતા હતા. આમેય ચણોઠી શા લાલચટાક લાગતા મોં ઉપર વધારાનું લોહી ધસી આવતા એ અત્યારે ધગધગતા તાંબા જેવું લાગતું હતું.

આ વાર્તામાં કારખાનાનો ચોકીદાર અભુનો આ દાડિયાં સાથેનો સંબંધ પણ અદભુત જોવા મળે છે. અભુ કે જે ચાર દાયકાથી આ ડેલાનું રક્ષણ કરે છે તે ગેમીની પાસે જઇને તેનો રક્ષણની પણ ખાતરી આપે છે અને તેને સ્વસ્થ કરે છે અને એડીસીને સંભળાવી દે છે ‌‌‌- ‘ આંહીના સંધાય દાડિયા નજર સામે મોટાં થ્યાં છ, મારે જીવ તે એની સામે કોઇ ઊંચી આંખ્યે ન જુવે.’

અભુ જાતે મુસલમાન હતો તેમ છતાં તે જે રીતે હિન્દુ સ્ત્રીઓનું રક્ષણ કરી રહ્યો હતો તે પરથી કહી શકાય કે એ લોકો વચ્ચે કોઇ જ કોમી ભેદભાવ ન હતો. અભુની ઇમાનદારી અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ એ જ કે ઇન્સાનિયત માટે થઇને તેણે આત્મબલિદાનને સ્વીકાર્યું.

લેખકે પરિવેશનું વર્ણન કંઇક આ રીતે કર્યું છે, ‘ કારખાનું નામ તો ગામલોકોની ઉદારતાએ જ આપ્યું હતું. કાયદાની પરિભાષામાં કારખાનું નહોતું, કેમકે એમાં ન તો પાવર વપરાશ હતો કે ન તો વીસથી વધારે માણસો એમાં કામ કરતાં હતા. જીવન ઠક્કરને તમાકુનો વેપાર હતો એટલે તમાકુ દળવા માટે આ ડેલામાં દસબાર ઘંટીઓ માંડી દીધી હતી. ખોબા જેવડા ગામમાં આડેલો મોટો ગણાતો હતો એટલે એને લોકોએ કારખાનું નામ કહી દીધું હતુ. એનો દેખાવ નાના સરખા કારખાના જેવો હતો ખરો.ચારપાંચ એકઢાળીયા ઓરડા તમાકુના પાંદડાથી ભર્યા રહેતા. એક ગમાણમાં ખાલી બોરાના ઢગ ખડકાયા હતા. ઓસરીમાં ખપેડામાં ટીંગાતો તમાકુ ચાળવાનો મોટો ચારણો હતો; અને ફળિયામાં ગોટેગોટ ઉડતી બજરની રજોટી જોતાં એમ સહેજે લાગે કે અહીં મોટા પાયા ઉપર કારખાનું ચાલી રહ્યું છે.

આ કારખાનાનો માલિક જીવન ઠક્કર એક તો કાછડિયા કોમનો વેપારી માણસ અને એમાં દરબારી અમલદારોનું દબાણ થયા પછી શું બાકી રહે? પોતે હજાર ગુનાના ગુનેગાર હતા આથી આ કારખાનાના માલિક જીવન ઠક્કર કનેથી કામ કઢાવવાની પેરવી થાણેદારો પાસે હતી. જીવન ઠક્કર પાસે બે વિકલ્પ હતાં: કાં તો પોતાના કારખાનાના દાડિયાની ઇજ્જત લુંટાવા દેવી,ને કાં તો પોતાની ઇજ્જત ના લૂંટાય તે માટે અનિષ્ટ કામ પસંદ કર્યું અને ડેલાના દરવાજા ઉઘાડવા અભુને સંદેશો મોક્લ્યો. અભુ એકનો બે ના થતાં પોલીસની બીકે જીવન ઠક્કર જાતે કારખાને આવી પહોંચ્યો.

જીવન ઠક્કર એક સ્ત્રીની ઇજ્જત લૂંટાવા દેવા તૈયાર છે પણ પોતાની નહીં એવા આ માલિક માટે દાડિયા પણ હમદર્દી જતાવે છે અને ગેમીની ભૂલને કારણે માલિકે આવવું પડ્યું એ જાણીને તેમના ક્ષોભનો પાર રહેતો નથી. આ આખા કારખાનામાં ગેમીની ઇજ્જત બચાવવા માત્ર અભુ જ પ્રયાસ કરી રહ્યો છે. બાકી બધા ગેમીને જ ગુનેગાર માને છે. અભુ એક હિન્દુ સ્ત્રીની ઇજ્જત માટે પોતાના માલિક સામે પણ લડવા તૈયાર થઇ ગયો છે.

અંતે અભુ ઇન્સાનિયતને કારણે પોતાના જીવની આહૂતિ આપે છે.

ફિલ્મકૃતિ: ‘મિર્ચ મસાલા’

મિર્ચમસાલા એક પૂર્ણ કદની ફિલ્મ. ફિલ્મનો પ્રારંભ જ સૂસવાટાભેર ફૂંકાતા પવનના અવાજથી થાય છે. વાર્તામાં તમાકુનું કારખાનુ બતાવાયું છે જ્યારે ફિલ્મમાં પરિવર્તનની દ્રષ્ટિએ જોઇએ તો મરચાનું કારખાનું બતાવાયું છે. જે રૂપાંતરના સંદર્ભમાં આપણ સૌને આકર્ષે છે. અહીં મરચાનો લાલ રંગ એ ક્રાંતિનું પ્રતિક છે.

વાર્તામાંથી ફિલ્મમાં જે રૂપાંતર થયું તેમા ઘણા બદલાવ જોવા મળે છે. વાર્તામાં માત્ર કારખાનાની જ વાત છે જ્યારે ફિલ્મમાં કારખાનાથી બહાર નીકળી ગામના દર્શનઆપણને કરાવ્યાં છે. વાર્તા ફક્ત અભુ મકરાણી પૂરતી સીમિત હતી જ્યારે ફિલ્મ અભુમિયાં, સોનબાઇ, સુબેદાર, જીવણ ઠક્કર, થાણેદાર, મુખીઅને આખા ગામની વાત બની ગઇ છે, ફિલ્મ એ સ્ત્રી સશક્તિકરણ વિશે વધારે બની ગઇ છે.

મિર્ચમસાલા ફિલ્મ પિતૃસતાત્મક સંરચનામાં સ્ત્રીઓ સાથે થતાં અત્યાચારની વાસ્તવિકતાને લાવવાની સાથેસાથે તેના વિરોધમાં ઉપસી રહેલી સ્ત્રીની મન:સ્થિતિઓને પણ ઉજાગર કરે છે. ફિલ્મમાં સ્ત્રીઓ પર થતાં અત્યાચાર અને દમનખોરીની દરેક સંસ્થાનો વિરોધ કરતી જોવા મળે છે, ભલે પછી એ પરિવાર હોય, સમાજ હોય, કે પછી ગામનો સૂબેદાર.

ફિલ્મ મિર્ચમસાલામાં જે પ્રશ્નો અને સમસ્યાને બતાવવામાં આવી છે તે આજે પણ બને છે. આ ફિલ્મની વિશેષતા એ છે કે અભુમિયાં જે એક વૃધ્ધ મુસલમાન પુરુષ છે તે કારખાનાની સ્ત્રીએ જે સૂબેદારના અન્યાય અને જુલ્મની સત્તાની નીચે દબાયેલીછે તેની વિરુધ્ધ મોરચો સંભાળે છે.

પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીને એક sexual object ના રૂપે જોવા મળતી માનસિકતા વિરુધ્ધની ફિલ્મ તરીકે પણ આ ફિલ્મ વિરલ છે. જો આ ફિલ્મને આરંભ, મધ્ય અને અંતમાં અવધિની રીતે વિભાજીએ તો દરેક ભાગ લગભગ 40 મિનિટનો થાય છે.

ફિલ્મમાં દિર્ગદર્શકે ગુજરતના કોઇ ખૂણે નાનકડા ગામડાની પસંદગી કરી લેખકશ્રીની વાર્તાનોઆધાર લઇ શોષિત સમાજમાં પડેલી સુષુપ્ત અને પ્રબળ એવી શક્તિઓનું ભાન કરાવ્યું છે. અને આથી સૌથી મોટો ફેરફાર ફિલ્મમાં એ કર્યો છે કે તમાકુના કારખાનાની જગ્યાએ તપખિરિયાં લાલ રંગના મરચાંનું કારખાનું બતાવાયું છે અને આ લાલચટાક મરચાંના રંગથી સમાજવાદી ક્રાંતિને નિર્દેશિત કર્યું છે. સોનબાઇ (સ્મિતા પાટીલ) કે જે ધીમા પણ દ્રઢ પગલે , હાથમાઅં દાતરડું લઇને ચહેરા પર મક્કમતાઅને જુસ્સાના ભાવ સાથે કેમેરા તરફ ધસી આવતીદેખાય છે ત્યારે તેના ચહેરામાં નારીમાં પડેલી સુષુપ્ત શોર્યની ઝાંખી આપણને થાય છે.

ફિલ્મમાં મરચાંનું કારખાનું બતાવીને દિગ્દર્શકે તેને ક્રાંતિનું પ્રતિક બતાવ્યું છે ત્યારે એ લાલઘૂમ મરચું માત્ર સોનબાઇ જ નથી પણ સરપંચની પત્ની સરસ્વતી પણ એક મરચાં જેવી જ છે, તે પણ એક સાચી સત્યાગ્રહીછે. ગામ લોકોથી વિરુધ્ધ જઇને દિકરીને ભણાવવા માટે તૈયાર થાય છે. ક્રાંતિનું એક પગલું પોતાના તરફથી શરૂ થાય છે.

વાર્તામાં અભુમકરાણીને જેવું અને જેટલું મહત્વ અપાયું છે એવું મહત્વ ફિલ્મમાં સોનબાઇને અપાયું છે. તેમ છતાં વાર્તામાં છતી થતી અભુમકરાણીની કર્તવ્યપરાયણતા અને ઇમાનદારીને ફિલ્મમાં યથાતથ દર્શાવવામાં આવી છે. તેમ છતાં આ ફિલ્મ સ્ત્રીસશક્તિકરણ વિશે વધારે બની જાય છે. ફિલ્મમાં મરચાંના કારખાનામાં કામ કરતી કેટલીક સ્ત્રીઓના નામ પણ રજૂ થયાં છે જેમકે, કાલી, અંબા, લક્ષ્મી.......... અને આ બધી સ્ત્રીઓની રક્ષા કરી રહ્યો છે એક મુસલમાન ચોકીદાર..... અભુમિયાં. અહીં ‘મિયાં’ શબ્દનો સીધો સંદર્ભ જ મુસ્લિમ હોવાનો આપે છે. જેના કારણે જ આ કથાવસ્તુ વધારે મજબૂત બનેલી જોઇ શકાય છે. હિન્દુ દાડિયાં સ્ત્રીઓ માટે પોતાના જીવની આહુતિ આપે છે.

આમ એક દશ પાનાની ટૂંકી વાર્તાને ફિલ્મનું સ્વરૂપ આપવામાં દિગ્દર્શક સફળ નિવડ્યાં છે.

સંદર્ભ

  1. ‘ફિલ્મ સર્જન પ્રક્રિયા’ : અભિજિત વ્યાસ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, 2001.
  2. ‘રૂપાંતર’ : અમૃત ગંગર, અરુણોદય પ્રકાશન, 2014.
  3. ‘ફિલ્મ આસ્વાદ શ્રેણી મિર્ચ મસાલા’ : ભરત મહેતા, પાશ્વ પબ્લિકેશન, 2016.

કૃપલ મેકવાન, રીસર્ચ સ્કોલર, ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર