શ્યામ ઠાકોરની લઘુકથાસૃષ્ટિ
‘ગજબ’ના સર્જક ડો. શ્યામ એસ. રખિયાણિયા ઉર્ફે શ્યામ ઠાકોર કાંકણપુર (જિ. પંચમહાલ)માં સંસ્કૃત વિષયના એસોસિએટ પ્રોફેસર છે. સાહિત્ય ઉપરાંત સંગીત અને ચિત્રકળામાં રસ ધરાવતા આ લેખક પાસેથી આપણને અક્ષરાંકન(સહસંપાદન), દ્વાર ખખડાવે હવા (ગઝલસંગ્રહ), પ્રત્યાર્થ (અભ્યાસલેખો) જેવા અલગ અલગ સ્વરૂપોના ત્રણ પુસ્તકો પ્રાપ્ત થાય છે. ‘ગજબ’ એ તેમનો તાજેતરમાં પ્રકાશિત થયેલો પ્રથમ લઘુકથાસંગ્રહ છે. અહીં તેમના આ પ્રથમ લઘુકથાસંગ્રહ ‘ગજબ’ની લઘુકથાઓનું વિષયવસ્તુ,પરિવેશ અને ભાષા ભાવકો સુધી પહોંચાડવાનો ઉપક્રમ છે.
લેખકે આરંભે ‘ગજબની લઘુકથાઓ પ્રગટ થઈ રહી છે ત્યારે...’માં લઘુકથાના સ્વરૂપ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે નોંધ્યું છે કે, “લઘુકથા એક ગજબનો સાહિત્યપ્રકાર છે. હું જાણું છું કે લઘુકથા લખવી એટલી સહેલી નથી. ગાગરમાં સાગર ભરવાની કળા જેને હસ્તગત હોય તે જ લઘુકથા લખી શકે. લઘુકથા એક એવું પુષ્પ છે કે જે ખૂબ જ નાનું, નમણું અને સંપૂર્ણ છે. લઘુકથા એક નાના સિચ્યુએશન ઉપર ખડી થયેલી સુંદર ઈમારત છે. લઘુકથાનું સંવેદન હૃદયને ઝણઝાવે તેવું હોય છે. લઘુકથાના લેખકે સંવેદનને પકડીને જ ગંતવ્યબિંદુ સુધી જવાનું હોય છે. લઘુકથાનો અંત ભાવકના ચિત્તમાં ખૂબ જ ગહન ચિંતન મૂકે છે.” (પૃ.૧૨) ‘ગજબ’માં લેખકે એકાવન લઘુકથાઓનો સંચય કર્યો છે. જેમાંથી અહીં આપણે સત્ત્વશીલતાની દૃષ્ટીએ જે મહત્ત્વની છે એવી દસ લઘુકથાઓની ચર્ચા કરીશું.
આ લઘુકથાસંગ્રહનું જેના પરથી નામકરણ થયું છે તે ‘ગજબ’ લઘુકથા સંગ્રહમાં પ્રથમ ક્રમે છે. આમાં લાડકચંદ શેઠને કાનાના મૃત્યુનો જરાય રંજ નથી. તે નિષ્ઠુર હોય એમ કહે છે,”લ્યા,કાનિયો મરી ગયો એમાં તું આટલો... હશે કાંક જા હવે.’(પૃ.૧૭) પરંતુ તે જ શેઠ જ્યારે પોતાનો ચોપડો ખોલીને કાના સોમાનું વણચૂકવાયેલું ખાતું જુએ છે ત્યારે એ ભારોભાર દુ:ખ અનુભવે છે. કોઈ બાબત પોતાના પર જ્યાં સુધી આવી ન પડે ત્યાં સુધી મનુષ્ય કેવો સંવેદનહીન હોય છે એ વાત અહીં લેખકે કલાત્મક રીતે રજૂ કરી છે.
‘કુટેવ’ ખૂબ ઓછા શબ્દોમાં કહેવાયેલી સુંદર લઘુકથા છે. ભાષાનું લાઘવ જાળવીને લેખકે પોતાની વાત એટેલી કુનેહપૂર્વક કહી છે કે વાચકના ચિત્તમાં તે સહજ ઊતરી જાય ! અડધી રાતે રોજ રસોડામાં ખાવાનું શોધતી પોતાની યુવાન દીકરીની ‘કુટેવ’ સુધાબેન પારખી જાય છે. લેખકે અહીં બધી વાત ખોલીને નથી કહી પરંતુ સુધાબેન બારી બહાર ઓઝલ થતા ચહેરાને ઢાંકવા ધબ્બ દઈને બારી બંધ કરી દે છે એના પરથી આખી વાત વ્યંજિત થયા વિના રહેતી નથી.
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન હજુ બરાબર સ્વીકારાયું નથી એ વાત ‘બેબી’ લઘુકથામાં લેખકે સરસ રીતે રજૂ કરી છે. સવિતા અને ભેંસ બંનેને બચ્ચાં જન્મે છે. બંને સ્ત્રીલિંગ છે. તે છતાં જુનવાણી વિચારસરણી ધરાવતાં બા પાડીના જન્મ બદલ ખુશી વ્યક્ત કરી ભરવાડને પૈસા આપી રાજી કરે છે. પણ સવિતાને બીજી બેબી જન્મતાં તે આઘાત અનુભવે છે. એટલું જ નહીં સવિતાનો પતિ પણ પોતાની પહેલી દીકરી ચકુને ‘ચૂપ મર’ એવું કહે છે ત્યારે તે પણ પોતાની માના જુનવાણી વિચારો પાછળ ઢસડાતો હોય એવું અનુભવાય છે.
‘ત્રિશંકુ’ લઘુકથામાં સમીરા પોતાના પિતાને મળવા તેના પ્રેમીને પોતાના ઘરે બોલાવે છે. પરંતુ રસ્તામાં તેને સમીરાના પિતાએ અગાઉ આપેલી ધમકી યાદ આવતાં તે અડધે રસ્તે અટકી જાય છે. તેની આ દ્વિધા ‘ત્રિશંકુ’ શીર્ષક દ્વારા લેખકે પ્રતીકાત્મક રીતે રજૂ કરી છે.
‘ગાંઠ’ આ સંગ્રહની છઠ્ઠા ક્રમની લઘુકથા છે. આ લઘુકથાનું વસ્તુ આમ જુઓ તો સાવ નાનું છે. ચંદ્રિકાબેન પોતાની દીકરી સીમાનું સગપણ ઉતાવળે ખરાબ ચારિત્ર્યવાળા પાત્ર સાથે કરી દે છે. પરંતુ પોતાની દીકરી દ્વારા મોઘમમાં કહેવાયેલી વાત તે સમજી જાય છે અને બીજે દિવસે સગાઈ ફોક કરી આવે છે.આટલું વસ્તુ આ લઘુકથામાં નિરૂપાયું છે. પરંતુ એમાં વપરાયેલાં વ્યંજનાસભર વાક્યો સતત મમળાવ્યા કરીએ એવાં છે. જુઓ:
“દોરાને છેડા પર જ ગાંઠ હતી.” (પૃ.૨૨)
“દોરામાં ગાંઠ હોય તો દોરો સોયના નાકામાં ન પરોવાય.” (પૃ.૨૨)
“તો તો ગાંઠવાળો દોરો સોયમાં પરોવો જ ન જોઈએને મમ્મી !” (પૃ.૨૨)
‘ત્રીજો ઘા’ આ સંગ્રહની શિરમોર લઘુકથાઓમાંની એક છે. સૂક્ષ્મસંવેદન પર રચાયેલી આ લઘુકથામાં બાવળ કાપતાં કાપતાં સર્જક એકબાજુ બેસી બીડી ચેતાવે છે. બીડી પીતાં પીતાં જ તે પોતાની પત્ની શકુને યાદ કરે છે. એક વર્ષથી તે રીસાઈને પિયર જતી રહી છે. હજુ સુધી તેના કોઈ વાવડ આવ્યા નથી. તે બીડી પીને હાથમાં કુહાડી લઈ ફરી ઊભો થાય છે અને મનોમન પોતાની પત્ની પર દાઝ કાઢતો હોય એમ કુહાડીના એક પછી એક ઘા બાવળના થડ પર ઝીંકે જાય છે. બે ઘા ઝીંક્યા ત્યાં એની પત્ની શકુનો મંજુલ સ્વર ઓચિંતો તેને સંભળાય છે અને એણે ઉગામેલો કુહાડીનો ‘ત્રીજો ઘા’ હવામાં અધ્ધર રહી જાય છે.
આ લઘુકથામાં લેખકે બોલીનો સુંદર વિનિયોગ કર્યો છે. જુઓ:
“આજકાલ કરતાં વરહ થવા આયું પણ ના શકુ આવી કે ના શકુના કોઈ વાવડ આવ્યા.”(પૃ.૨૩)
“ના આવે તો મારા ખાહડે મારી...”(પૃ.૨૩)
ઉપરની બધી લઘુકથાઓમાં આગળની હરોળમાં બેસે એવી લઘુકથા છે ‘કૂંડાળું’. દર્શને દોરેલા કૂંડાળામાં સોનલનો પગ પડે છે એટલે તે દોડતી આવીને પોતાની મમ્મી કમલાને કૂંડાળામાં પગ પડી જાય તો કંઈ થાય? એવો સવાલ પૂછે છે. કમલાને એ જ વખતે પોતાની જવાની યાદ આવી જાય છે. એનો પગ પણ ભૂલથી કૂંડાળામાં પડેલો અને એણે ટૂંપો ખાવાનો વખત આવેલો. અહીં કૂંડાળાની વાત પ્રતીકાત્મક રીતે મૂકીને લેખકે કમાલ કરી છે !
આ લઘુકથામાં વપરાયેલા તળપદા શબ્દો ‘કૂંડાળું’, ‘ટૂંપો’, ‘વખત’, ‘છણકો’, ‘છોકરાંવ’ આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેતા નથી. ‘ખરજવું’ લઘુકથા સાંકેતિક રીતે કહેવાઈ છે. પોતાની પુત્રી અને પત્નીની અસંસ્કૃતવૃત્તિ કથાનાયક માટે અસહ્ય થઈ પડે છે.
ચડતી વેલમાં પથરો નાખવાનું કામ કરતી અમુક મનુષ્યોની ફાંસવૃત્તિ ‘ફાંસ’ લઘુકથામાં લેખકે સુપેરે વર્ણવી છે. અતુલ અને પુષ્પાની સગાઈ નક્કી થઈ જાય છે. અતુલને પુષ્પા ગમે પણ છે. તેણે તેની સાથે વાત પણ કરી છે. છતાં ચમનલાલ દ્વારા મારવામાં આવેલી ‘તોતડી પુષ્પા’ની ફાંસ અતુલ કાઢી શકતો નથી. અવનવા વિષયો પ્રયોજવાનું લેખકને જાણે હસ્તગત છે. પ્રસ્તુત લઘુકથા તેનો ઉત્તમ નમૂનો છે.
‘ધોરિયો’ લઘુકથામાં પાંચ પાંચવાર વળાવી તોય પોતાની દીકરી સવલીનો ઘરસંસાર મંડાતો નથી તે બાબત કથાનાયકને સતત ખટક્યા કરે છે. લેખકે આ વાત ધોરિયાના પ્રતીક દ્વારા સુપેરે બતાવી છે. ઠેક ઠેકાણેથી તૂટી ગયેલા ધોરિયાને બાંધવા કથાનાયક સતત મથામણ કરે છે પણ ધોરિયો બંધાતો નથી. અંતે કંટાળીને તે મશીન બંધ કરી દે છે ત્યાં જ બાજુના ખેતરમાંથી સુખો આવીને ‘પહેલેથી જ પાળા ઊંચા કર્યા હોત તો ?’ એવો વેધક સવાલ કરી તૂટેલો ધોરિયો સરખો કરી દે છે અને કથાનાયકને મશીન ચાલું કરવા કહે છે. એ દરમિયાન સુખા અને સવલીનું તારામૈત્રક જોઈ કથાનાયક નિશ્ચિંત થઈ જાય છે.
આ લઘુકથામાં ગ્રામ્ય પરિવેશનો સુંદર વિનિયોગ થયો છે. ‘ખેતરના શેઢે ઘાસ વાઢતી સવલી’, પાણીનો તૂટેલો ધોરિયો સરખો કરતો સુખો’, ‘મશીન ચાલું બંધ કરતો કથાનાયક’ આ બધાં દૃશ્યો નજર સમક્ષ ખડાં થઈ જાય એવાં છે.
આ લઘુકથાના સંવાદ પણ ટૂંકા અને વેધક છે. જુઓ:
“પાંચ પાંચ ઘર થિયાં આ છોડીના... આ પાંચમું ઘર તો કેટલું સારું મળ્યું હતું. પણ મુંઈના કરમ જ ફૂટેલાં... હવે આ છોડીનું કરવું તો કરવું શું?”(પૃ.૪૭)
“પહેલેથી ઊંચા પાળા કર્યા હોત તો...? લાવો પાવડો મારી કને...”(પૃ.૪૭)
આ ઉપરાંત ‘ઉકેલ’, ‘દીવાલ’, ‘શંકા’, ‘સમાધાન’, ‘રેડ’, ‘સુવ્વર’, ‘જનરેશન ગેપ’, ‘ચૂડેલ’, ‘કડવાશ’ જેવી લઘુકથાઓ પણ ધ્યાનાર્હ છે. પરંતુ અહીં માત્ર દસ લઘુકથાઓનો ઉપક્રમ રાખ્યો હોવાથી મેં લંબાણ ટાળ્યું છે.
લઘુકથાના લેખકોની યાદી કરવા બેસીએ તો ઘણી લાંબી થાય. પણ તેમાં સંઘેડાઉતાર લઘુકથાઓ આપનાર લેખકો બહુ જૂજ છે. અધકચરી ઘટનાઓને આછકલી ભાષામાં ઠાંસી ઠાંસીને ભરી દેનાર ઘણા લઘુકથાના લેખકોને તો ભાવ, સંવેદના, વિસ્ફોટ કે વ્યંજનાની કશી ગતાગમ પડતી નથી. આ બાબતોમાં જે લેખકો સફળ રહ્યા તેમાં શ્યામ ઠાકોરનો ઉલ્લેખ કરવો મને વાજબી લાગ્યો છે. છતાં કેટલીક બાબતોમાં લેખકનું અંગત ધ્યાન દોરવા હું માંગુ છું. અમુક લઘુકથાઓ ઘટનાલોપના કારણે એક બેવાર વાંચવાથી સહજ સમજાય એવી નથી. જેમકે ‘ઢીંગલી’, ‘લેંબુડી’, ‘લવિંગ’. તો અમુક લઘુકથાઓના વિષય એકદમ સરખા બની જાય છે. જેમકે ‘કૂંડાળું’ અને ‘શંકા’. તો કેટલીક લઘુકથાઓ બોલકી બની જાય છે. જેમકે ‘વાર્તા કહો તો...’ અને ‘ઉધરસ’.
અલબત્ત એક બાબત તો ખાસ નોંધવા જેવી એ છે કે લેખકનો આ પહેલો લઘુકથાસંગ્રહ હોવા છતાં લઘુકથાના ઊંડાણને તેઓ સારી રીતે પામી શક્યા છે. ગુજરાતી ભાષામાં લઘુકથા ક્ષેત્રે એક વધુ પીંછું ઉમેરાયાનો હરખ એક ભાવક તરીકે મને થયો છે. એક પાનાની વાર્તા તરીકે આરંભાયેલા આ સ્વરૂપને લેખક સતત નવાજતા રહે એવી શુભેચ્છા...!
સંદર્ભ :