Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘હીજડા’ સમુદાય અને લક્ષ્મીના જીવનની કથા: ‘હું હીજડો...હું લક્ષ્મી...!’ (લક્ષ્મીનારાયણ ત્રિપાઠી) વૈશાલી રોડે

ગુજરાતી સાહિત્યમાં આત્મકથા લેખનના બીજ નર્મદથી રોપાય છે. ગોવર્ધનરામ, નભુભાઈ દ્વિવેદી, ને કનૈયાલાલ મુનશી દ્વારા પોષાય છે, એને ચારે ય કળાએ ખીલવવાનું કામ ગાંધીજીને હાથે થાય છે, ત્યાર પછી અનેક સર્જકોએ પોતાની સ્વ-કથા લખી છે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ એની સરળતા અને સચ્ચાઈને કારણે વિશ્વભરમાં ખ્યાતનામ થઈ. અને દુનિયાની મોટાભાગની ભાષાઓમાં અનુવાદિત થઈ છે. એ જ પ્રમાણે આપણે ત્યાં ગુજરાતી ભાષામાં પણ અન્ય ભાષાની શ્રેષ્ઠ આત્મકથાઓ અનુવાદિત થઈ છે. ને ગુજરાતી ભાષાને, એના ભાવકને રળિયાત કર્યો છે.જેમાં ડૉકટર અબ્દુલ કલામ, અમૃતા પ્રીતમ, વગેરેની આત્મકથાઓનો સમાવેશ થાય છે. એમાં લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની ‘હું હીજડો... હું લક્ષ્મી...!’ નામનું નવું છોગું ઉમેરાય છે. જે એક નવા જ સમુદાયની અકથ્ય કથા રજૂ કરે છે. જે ગુજરાતી ભાષા માટે ગૌરવની ઘટના છે.

‘હું હીજડો... હું લક્ષ્મી...!’ લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની આત્મકથા છે. મૂળ મરાઠીમાં ‘मी हिजड़ा ...मी लक्ष्मी...।’ શીર્ષક થી લખાઈ છે.આ કૃતિનું શબ્દાંકન વૈશાલી રોડેએ કર્યું છે, એટલે વાત લક્ષ્મીની, એના જીવનની, પણ એને શબ્દસ્થ વૈશાલી રોડે એ કર્યું છે. ગુજરાતીમાં એનો અનુવાદ કિશોર ગૌડે કર્યો છે.

‘હું હીજડો... હું લક્ષ્મી...!’ કૃતિના સ્વરૂપ અંગે કેટલીક સ્પષ્ટતાઓ હું જરૂરી માનું છું. આત્મકથા એટલે વ્યક્તિ પોતે પોતાની વાત સત્યનિષ્ઠા સાથે સ્વમુખે નિરૂપે છે. અને જીવનકથા એટલે કોઈ વ્યક્તિ અન્ય કોઈ મહાન વ્યક્તિના જીવન વિશે વિગતોએકઠી કરીને પ્રમાણભૂત રૂપે તેને કહે છે. આત્મકથામાં જન્મની વિગતો હોય છે, મરણની નહી. જ્યારે જીવનકથામાં જન્મ-મરણ બંનેની વિગતો હોય છે. આટલી સ્પષ્ટતા પછી એક વાત એ કરવાની કે આ આકૃતિને ‘આત્મકથા’ કહેવી કે ‘જીવનકથા’ ? કેમ કે આ કૃતિને લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ જાતે લખી નથી. પોતાના સ્વમુખે વૈશાલી રોડેને સંભળાવી અને પછી એમણે એનું લેખન કર્યું છે. આથી ‘આત્મકથા’ના લેખકે સત્યની ધાર પર ચાલવાનું હોય છે. જે ભંગ થવાની શક્યતા છે. માટે તે આત્મકથાના સ્વરૂપમાં બંધ બેસતી નથી. તો જીવનકથા તો છે જ નહી. માટે એને કયું સ્વરૂપ ગણવું એ એક પ્રશ્ન મારા મનમાં છે. છતાં ઘણા ખરા વિદ્વાનોએ આ કૃતિને આત્મકથા કહી છે ને એના કેટલાક ઘટકતત્વો આત્મકથાને મળતા પણ આવે છે તેથી હું પણ એને ‘આત્મકથા’ કહેવા પ્રેરાવ છું.

હવે વાત લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની ‘હું હીજડો... હું લક્ષ્મી...!’ આત્મકથાની કરીએ. પોતાના જીવનની કથા બીજા સમક્ષ રજૂ કરવાનો વિચાર લક્ષ્મીને આવ્યો નથી. લેખિકા વૈશાલી રોડેના પતિ પ્રમોદ ‘મુંબઈ ડીસ્ટ્રીક એડ્રેસ કંટ્રોલ સોસાયટી’માં હતા. એના લીધે એ લક્ષ્મીના સંપર્કમાં આવે છે. એમની લક્ષ્મી સાથેની પ્રથમ મુલાકાત જ મિત્રતામાં પરિણમે છે, ને પછી વારંવાર મળવાનું થાય છે. લેખિકા ને એમના જીવન વિશે જાણવું ગમે છે, પણ એ જાજુ કંઈ કહેતી નથી. એટલે જ તો લેખિકાને જ્યારે ‘અક્ષર’ સામયિકના દિવાળી અંક માટે લક્ષ્મી વિશે લેખ કરવાનો હતો. તે અધુરો રહે છે, ત્યાર પછી લેખિકાનું રહેઠાણ બદલવાના કારણે બંનેનું મળવાનું બંધ થાય છે. વર્ષ 2009 માં એટલે છ વર્ષ પછી ‘સમલિંગી સબંધ’ ગુનો નથી એ દિલ્હીની ઉચ્ચ ન્યાયાલય કહ્યું, ત્યારે લક્ષ્મી જુદી જુદી ટીવી ચેનલ પર પોતાના પ્રતિભાવ, વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી. આ જ અરસામાં લેખિકા ‘મનોવિકાસ’ના શ્રી અરવિંદ પાટકરને પોતાના મનમાં ઘૂમરાતા વિચારોની આપ-લે કરવા મળે છે, ને ત્યાં વાતવાતમાં ‘લક્ષ્મી’ની ચર્ચા નિકળે છે. પરિણામ સ્વરૂપ લક્ષ્મીના જીવનની આત્મકથાકરવાનું નકકી થાય છે લક્ષ્મીની જાણ બહાર. અંતે લેખિકા દશ વર્ષ પછી લક્ષ્મીનો સંપર્ક સાધે છે. અને આ વખતે લક્ષ્મી પોતાના જીવનના અનુભવો વહેંચવા માટે તૈયાર થાય છે. આ રીતે આત્મકથાની પાશ્વ ભૂમિકા બંધાય છે.

હીજડા તરીકેનું જીવન જીવનારી લક્ષ્મી શરૂઆતમાં ‘અક્ષર’ સામયિક માટે પોતાની વાત કરવા તૈયાર નહોતી, પણ પાકટ ઉંમરે પોતાની અંગત વાતો સત્ય સાથે કરવા તૈયાર થાય છે. એણે પોતેજ કહ્યું છે કે, અમારા હીજડા સમુદાયની કેટલીક વાતો ગુપ્ત રાખવાની હોય છે. જે એણે લેખિકાને પણ કહી નથી. લેખિકા સાથે વાત કરતાં એ કહેતી કે,-
‘‘આથી વધુ મારાથી કહી શકાશે નહિ. એવા બંધનો મારી પર છે’’ (‘હું હીજડો... હું લક્ષ્મી...!’ - વૈશાલી રોડે,પૃ. 12)

લેખિકાએ પણ એના બંધનોનો આદર કરી એના વિશે વધુ ખણખોજ કરી નથી. લક્ષ્મીએ પૂર્વજીવનની વાત કરતી વખતે અનેક બોયફ્રેન્ડ્સનો ઉલ્લેખ કર્યો છે. તે વખતે બંને વચ્ચે સંબંધ હતા. અને આજે એમાંથી મોટાભાગની વ્યક્તિઓના લગ્ન થયા છે, ને સુખી દામ્પત્ય જીવન જીવે છે. એમના દામ્પત્ય જીવનમાં વિક્ષેપ ન પડે એટલે એમના નામ માત્ર અહીં બદલ્યા છે. ઘટના અને માણસો સાચા છે. તેમના વિશે વાત કરતાં લક્ષ્મી ધણી વખત ભાવૂક થઈ છે.

આત્મકથાના નિવેદનમાં લેખિકા કહે છે કે,-‘‘લક્ષ્મીનું જીવન કેવી રીતે ઘડાયું. તેનો અંદાજ આવતો ગયો. આ પુસ્તક દ્વારા સામે આવનારા લક્ષ્મી નામના એક હીજડાનું જીવન અનેકોને આઘાત આપી જશે.’’ (એજન. પૃ. 13) લેખિકાનો ઉદ્દેશ આ કથા દ્વારા આઘાત આપવાનો નથી. પરંતુ હીજડાઓ અંગે સમાજ સન્માનપૂર્વક વિચારતો થાય અને એમને કુંટુંબ-સમાજનું પીઠબળ મળે તો લક્ષ્મીની જેમ બીજા હીજડાઓ પણ સમાજ-કુંટુંબમાં રહીને પોતાનું શ્રેષ્ઠ જીવન જીવી શકે એમ છે. આ કૃતિના ઉદ્દેશ વિશે લેખિકા કહે છે, -
‘‘...કદાચ હીજડો અને તેમના જીવન અંગેનું કુતૂહલ પૂર્ણપણે શમશે નહી. તે સંપૂર્ણ સમાવવું, તેમના જીવનની સનસનાટી પૂર્ણ વાતો બહાર લાવવી, એ કયારેય આ પુસ્તકનો ઉદેશ ન હતો. જુદી લૈંગિકતા ધરાવનારા વ્યક્તિઓને કુંટુંબમાંથી, ઘરમાંથી આધાર અને પીઠબળ મળે તો તે શું કરી શકે- એનું જીવતું- જાગતું ઉદાહરણ વાચકો સમક્ષ લાવવાનો આ પ્રયાસ છે, અને તે જ દષ્ટિએ આ વાંચવામાં આવે એવી અપેક્ષા છે.’’ (એજન. પૃ. 13)

આવા સુંદર આશય સાથે લખાયેલી ‘હું હીજડો...હું લક્ષ્મી...!’ કૃતિને એના મૂળ ઉદ્દેશ સાથે આસ્વાદીએ.

આત્મકથાનો નાયક લક્ષ્મીનારાયણ ત્રિપાઠી એટલે ‘લક્ષ્મી’ પોતે જ છે. પરંતુ આત્મકથાનો સાચો નાયક સત્ય હોવો જોઈએ. અહીં પણ લક્ષ્મીએ પોતાની વાત સત્યને સાથે રાખીને નિરૂપી છે. લક્ષ્મીનારાયણ ત્રિપાઠી ચંદ્રદેવ અને વિદ્યાવતીનું સંતાન. મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ‘ભીતા’ ગામના વત્ની. અત્યારે તેઓ પૂર્ણેના સિધ્ધેશ્વર તળાવને કાંઠે એક માટીના ઘરમાં રહેતા રહેતા હતા. સાત ભાઈ-બહેનોમાંથી ત્રણ જ જીવ્યાં. મોટી બહેન મિંટૂ (રૂકમણી), લક્ષ્મીનારાયણ (રાજુ) અને નાનોભાઈ શશીનારાયણ. દરેકને પોતાનું બાળપણ હોય છે. ને એના મીઠા સપના જીવનના દરેક તબક્કે વ્યક્તિને આવે છે. લક્ષ્મીની બાબતમાં આ સપના મીઠા નહીં પણ દુ:ખ દાયક છે. વેદના આપનારાં છે. બાળપણ વિશે એ કહે છે,-
‘‘પોતાના બાળપણ વિશે અનેક મોટા-મોટા લોકોએ ખૂબ સરસ સરસ લખી રાખ્યું છે. બાળપણની સુંદર કવિતાઓ પણ કેટલી બધી...બાળપણના મધુર સ્મરણોમાં દરેક જણ ખોવાયેલો હોય છે...પણ હું નહિ. કારણ મારું બાળપણ લગીરેય સારું ગયુ જ નથી. નાના બાળકો પર સહુ કોઈ પ્રેમ કરે છે. તેમને લાડ લડાવે છે. આમ મારા જીવનમાં ક્યારેય ઉણપ નહોતી. આજેય નથી. પણ નાના બાળકોને ‘બાળક’ ઠરાવનારી નિષ્પાપતા મારામાં ક્યારેય હતી એમ મને સાંભરતું જ નથી... ખૂબ વિચાર કરીને, સ્મરણ શક્તિને ખૂબ તાણ આપીનેય સાંભરતું નથી. બાળપણ કહીએ કે મને સાંભરે છે ફકત મારી માંદગી અને...’’(એજન. પૃ. 1)

લક્ષ્મી કહે છે એમ એના બાળપણમાં એક-બે પ્રસંગો મજાના છે. એક તો પોતે નાનો હતો ત્યારે રોજ મમ્મીની કૂખે વળગીને સૂઈ જતો. શશીના જન્મ પછી એ લાભ શશીને મળવા લાગ્યો, ત્યારે એક દિવસ કંટાળીને મમ્મી પાસે રાત્રે સૂવા જાય છે. ખાટલાની પાસે પડેલી ગાગરનો કાંઠો પગે વાગે છે તે. અને બીજો લક્ષ્મી શાળામાં હતો, ત્યારે શાળાના એક કાર્યક્રમમાં ‘ટોપીવાળો અને વાંદરા’નો પાઠ સ્ટેજ પર ભજવાનો હતો. એમાં એ ટોપીવાળો બન્યો હતો. સ્ટેજ પર એની લુંગી છૂટી જાય છે. આવા એકાદ બે પ્રસંગો સિવાય એનું બાળપણ મોટેભાગે માંદગીમાં જ પસાર થયું છે. નાનપણથી જ લક્ષ્મીને અસ્થમા હતો. આથી એ સતત થાકી જતો એટલે એની ઉપર રમવા-હરવા-ફરવાના અનેક બંધનો હતાં. સાત વર્ષનો હતો ત્યારે એને ટાઈફોડ, મેલેરિયા ને ન્યુમોનિયાની અસર એકસાથે થાય છે. આમ એનું બાળપણ સતત માંદગીમાં વિત્યું છે. આ કારણે એની ખૂબ સંભાળ થતી હતી.

‘લક્ષ્મી’સાત વર્ષનો હતો, ત્યારે એનું પહેલીવારનું જાતીય શોષણ થાય છે. એ માંદગીમાંથી હજુ પૂરો સ્વસ્થ થયો નહોતો. અને એને પરીવારસાથે ગામડે પિતરાઈ ભાઈના લગ્નમાં જવાનું થાય છે. ત્યાં એક દિવસ રમતાં -રમતાં સગાનો એક છોકરો એને અંધારી ઓરડીમાં લઈ જાય છે ને એની સાથે શું બની રહ્યું છે. એનો કશોજ ખ્યાલ આવતો નથી. એના જ શબ્દોમાં સાંભળો,-
‘‘એ શું કરી રહ્યો છે એ સમજવા માટે હું ખૂબ નાનો હતો. એક તો પહેલાંથી જ અશક્તિ. તેમાંય હજુ તો માંદગીમાંથી બેઠો થયો હતો. દવા ચાલુ હતી, તેને કારણે થોડું ઘેન રહેતુ. મે કાંઈ પ્રતીકાર કયો કે નહિ. કોણ જાણે પણ મને કાંઈ યાદ પણ આવતુ નથી. પણ તેને પોતાને મારામાં ઘુસાડ્યો ત્યારે ખૂબ જ પીડા થઈ અને મને ચક્કર આવ્યા, કેવળ એટલું આછું સ્મરણ છે.’’(એજન. પૃ. 4)

એમના સગાના છોકરાએ જાતીય શોષણ કર્યું એટલું જ નહી. એણે કોઈને ન કહેવા માટે પણ ખૂબ જ ધમકાવ્યો. ત્યાર પછી આ અટક્યું નહિ. આ લગ્ન ઘરમાં એ છોકરાએ અને બીજા અનેક મિત્રોએ અનેક વાર એનો ફાયદો ઉઠાવ્યો. લગ્ન પત્યા પછી જ્યારે જ્યારે એમને ગામડે જવાનું થતું ત્યારે ત્યારે ફરી પાછી પેલી ઘટનાનું પુનરાવર્તન થયા કરતું હતું. આ ઘટના સતત બે વર્ષ સુધી સમયે-સમયે એની સાથે બનતી રહી. આવું એની સાથે શા માટે બની રહ્યું છે ? એનો કશો જ એને ખ્યાલ આવતો ન હતો. એ લોકોને એનાથી આનંદ મળતો હતો, પણ લક્ષ્મીને માત્રને માત્ર વેદના. બીજુ કંઈ નહીં.

લક્ષ્મી આ ઘટનામાંથી બહાર નિકળવા માટે મક્કમતા પૂર્વક નકાર કરવાનો રસ્તો અપનાવે છે ને એમાં પાછળથી સફળ પણ થાય છે. આ ઘટનામાંથી એ નક્કી કરે છે કે જીવનમાં આપણને ન ગમતુ હોય એ કરવું નહી. ને એની વિરુદ્ધ અવાજ ઉઠાવવો. આજ અરસામાં એની બાજુમાં રહેતા સંગીતા શેઠી સાથે મિત્રતા બંધાય છે. લક્ષ્મી પોતાની અંગત વાતો પણ એમને કરે છે. લક્ષ્મીને આ ઉંમરે છોકરાઓનું આકર્ષણ થવા લાગે છે. આવું શા માટે થાય છે ? હું કોણ છું ? હું એબનોર્મલ છું ? જેવા અનેક પ્રશ્નો થવા લાગે છે. અંતે એ પોતાની મુંજવણ સંગીતા આન્ટીને કરે છે ને તેઓ કહે છે કે,-‘‘તારા જેવાં પુરુષ માટે એક જણ કામ કરે છે, અશોક રાવકવી. ગે કહે છે તેમને...’’(એજન. પૃ. 6) લક્ષ્મી ચોથા ધોરણની પરીક્ષા આપી મુંબઈના મહેશ્વરી બાગમાં (જયાં ‘ગે’લોકો ભેગા થાય છે તે જગ્યા) અશોક રાવકવીને મળવા જાય છે. પોતાની મુંજવણ અશોકને કહે છે. જુઓ,-
‘‘મેં તેને મારા અનુભવ કહ્યા અને મારી અનેક શંકાઓ જણાવી...હું બાયલો છું. લોકો મને એ જ નામે ખિજવે છે. મને આજકાલ પુરુષો માટે આકર્ષણ અનુભવાય છે... હું જ આવો જુદો કેમ ? હું એબનોર્મલ તો નથી ને ? બેટા, અશોક આછું હસ્યો. મને કહ્યું, ‘તું અબનોર્મલ નથી. નોર્મલ જ છે. એબનોર્મલ છે. એ આપણી આસપાસની દુનિયા...તે આપણને સમજી જ શકતા નથી. પણ હવે તું તેનો વિચાર કરીશ નહિ. અહીં આવ્યો છે ને...હવે આપણે મળીને તેનો માર્ગ કાઢીશું. હાલ તું કરે છે એ જ કરતો રહે...તું હજી નાનો છે. અભ્યાસ કર, નૃત્ય શીખે છે, એ શિખતો રહે...તેમાં કાંઈ પણ ફેરફાર કરીશ નહિ. એસ.એસ.સી થઈને શાળામાંથી બહાર નીકળે કે મારી પાસે આવ. પછી હું તને બધુ સમજાવીને કહીશ...’’ (એજન. પૃ. 6-7)

અહીં લક્ષ્મીના મનનું સમાધાન થાય છે. હું એબનોર્મલ નથી. પણ ‘ગે’છું. લક્ષ્મી હવે પોતાનું ધ્યાન ભણવામાં અને ડાન્સમાં રાખે છે. ભણવામાં હોંશિયાર અને અંગ્રેજી કડકડાટ બોલી શકતો હતો. એવામાં થાણેનું ઘર છોડીને ખોપટ વિસ્તારમાં રહેવા આવે છે. ને ત્યાં એમની સામે બિલ્ડીંગમાં રહેતા રોહન સાથે લક્ષેમીનું પહેલું પ્રેમ પ્રક્રરણ શરૂ થાય છે. રોહન ગોરો, દેખાવડો ને કોલેજમાં ભણતો હતો. એનાથી માંડ સાત-આંઠ વર્ષ મોટો હશે.બંનેને વચ્ચે મૈત્રી બંધાય છે ને પછી અફેઅર. લક્ષ્મી અને રોહનના પ્રથમ પ્રેમની અનુભૂતિનું આ વર્ણન જુઓ,-
‘‘રોહન અને હું નજીક રહેનારા સહજિક અમે મળતા, વાતો કરતા, ગપ્પા મરતા...સહુને થતું, શું ગાઢ દોસ્તી છે લક્ષ્મી અને રોહનની. પણ અમે એકબીજાને પ્રેમ કરતા હતાં. રોહનનો સ્પર્શ, તેનો આશ્લેષ મને ખુબ અનેરો અનુભવાતો. હળવેથી એ મારું ચુંબન લેતો અને હું તેનો જ થઈ જતો. અમારો સબંધ આમ ખીલી રહ્યો હતો. તેમાં સેક્સ ખૂબ પછી આવ્યો. પણ તેની સાથેના સેક્સમાં પણ મને સંતોષ અનુભવાતો. આ પૂર્વનો સેક્સ મારાં પર લાદવામાં આવેલો હતો. શરીર અને મનનેય પીડનારો હતો, પણ અત્યારનો સેક્સ કેવળ મારી ‘ચોઈસ’ હતો. મારી મરજીથી થનારો. એણે મને વેદના નહિ. આનંદ જ આપ્યો.’’ (એજન. પૃ. 9)

લક્ષ્મીએ રોહનને સાચો પ્રેમ કર્યો, પણ રોહને માત્ર એનો ઉપયોગ કર્યો. આ પછી લક્ષ્મી નાસિર અને રવિના પ્રેમમાં પડી. નાસીરને લક્ષ્મીએ જાતે છોડ્યો રવિના કારણે. લક્ષ્મી નાસીરના સબંધમાં હતી. છતાં તેને રવિનું આકર્ષણ મનથી અનુભવાતું હતું. છેવટે લક્ષ્મી નાસીરને છોડે છે. રવિ સાથે સબંધ બાંધે છે મનથી. પણ રવિને એવું કશું જ નથી. આ ગાળા દરમિયાન લક્ષ્મીના મનમાં સતત વિચારો ચાલ્યા કરે છે આપણું કોણ ? રોહન, નાસીર કે રવિ. કોઈ સાથે હું લગ્ન કરી શકવાની નથી. તો આપડાંસબંધનો શું અર્થ ? કદાચ થાય તો ય શું સમાજ સ્વીકારશે ? આ બધું શક્ય જ નથી. એટલે જ એ એક યુક્તિ કરીને એની સહેલી જોડે રવિના લગ્ન કરાવે છે, ને હવે ફરી ક્યારેય કોઈની સાથે સંબંધ (જે સબંધનો કશો અર્થ નથી એવા સંબંધ) નહીં બાંધવાનો મનોમન નિર્ણય કરે છે. મનથી કરેલો આ નિર્ણય તે આજીવન પાળે પણ છે.

લક્ષ્મીને બાળપણથી જ અસ્થમાનો રોગ હતો, ને એના કારણે એ વારંવાર થાકી જતો હતો.છતાંય ગીત વાગવા લાગે એટલે એના પગ થનગની ઉઠતા. એને ડાન્સનો ખૂબ શોખ હતો.શાળાના શિક્ષકોએ પણ એનો ભરપૂર લાભ મેળવ્યો હતો. કોઈ આવે કે લક્ષ્મીને ઉભો કરી દેતા, પણ સમાજને એનો ડાન્સ કાંટાની જેમ ખૂંચતો હતો. નાચવુ એ તો છોકરીનું કામ. ને લક્ષ્મી તો છોકરો. એટલે લક્ષ્મીનો ડાન્સ જોઈને લોકો એને બાયલો, છક્કો, મામુ એમ ચીડવતા હતા. એણે લોકોની વાત ધ્યાને લીધા વગર ડાન્સમાં આગળ વધતી રહી. કેમ કે આ કળામાં એ માંદગીને, એના દુઃખને ભૂલી જવા માંગતી હતી. અસ્થમાના રોગના કારણે આખા દિવસની ‘સિંઘાનિયા’ સ્કૂલ છોડીને એને ‘બિમ્સ પૅરાડાઈજ’ સ્કૂલમાં મુકવામાં આવે છે. અહીં બહારના ટીચર ડાન્સ શીખવાડવા આવતા. તે બેબી જોની લક્ષ્મીના પ્રથમ ગુરુ બને છે. એના કેરીયરને નવી દિશા આપે છે. એને ડાન્સમાં ‘પ્રેઝન્ટેશન’ શીખવે છે. એમનું કહેવું હતું કે,- ‘‘ઝાડુવાળો એ ઝાડુવાળો લાગવો જોઈએ ને ડાન્સર એ ડાન્સર લાગવો જોઈએ. નાચતી વખતેય અને નાચ ન કરતો હોય ત્યારેય.’’ (એજન. પૃ.૧૬) એમના આ શબ્દો લક્ષ્મી જીવનમાં ઉતારે છે. એમની પાસેથી સુંદર સાડી કેવી રીતે પહેરાય ? પોતાનું નામ કેવી રીતે રખાય ? પોતાનું ચારીત્ર્ય કેવી રીતે સારું રખાય ? આવી અનેક બાબતો જાણ્યે-અજાણ્યે એમની પાસેથી શીખે છે. બેબી જોનીના ક્લાસમાં હતી, ત્યારે જ એ નાના બાળકોને ડાન્સ શીખવતી હતી. એ બાળકોને પણ એની પાસેથી ડાન્સ શીખવો ગમતો હતો. એ સાતમાં-આંઠમાં ધોરણમાં હતો ત્યારે ‘વિદ્યા નૃત્ય નિકેતન’ નામના ડાન્સ ક્લાસ શરૂ કરે છે. એણે મમ્મીના ‘વિદ્યાવતી’ નામ પરથી ડાન્સ ક્લાસ શરૂ કરે છે. આજ અરસામાં એ આંતરશાળા સ્પર્ધામાં ભાગ લે છે. ને ઇનામ મેળવે છે.

લક્ષ્મી બેબી જોની પાસેથી ડાન્સમાં પ્રેઝન્ટેશન શીખે છે. ત્યારબાદ વૈશાલી મિસ પાસે ફિલ્મી સ્ટાઈલનું ડાન્સિંગ શીખે છે. શ્રી મહાલિંગમ અને શ્રી વસંતકુમાર પીલ્લે એને ભરતનાટ્યમ અને બીજા શાસ્ત્રીય નૃત્યની તાલીમ આપે છે. આ બધી તાલીમ ને કારણે લક્ષ્મીનો ડાન્સ ગ્રેસફૂલ બને છે. એને ડાન્સના શૉ મળવા લાગે છે. આ અરસામાં એને દિપક સાળવી નામનો યુવાન મળે છે. એ લક્ષ્મીનો અત્યંત નિકટનો મિત્ર બને છે, ને પછી એનો માનેલો દીકરો. એ લક્ષ્મીની ડાન્સ એકેડમી સંભાળે છે. અને આજેય એની ‘લકી ચૅપ ડાન્સ એકેડેમી’ ચલાવે છે. એકબાજુ એના ડાન્સ ક્લાસીસ અને ડાન્સ શીખવાનું સતત ચાલું રહેતું હતું. ને બીજી બાજુ એની સાથે અઘટીત ઘટના ઘટે છે. જાતીયતાનું શોષણ પોતાના પર નહીં થવા દેવું એવું નક્કી કર્યા પછી એ મક્કમતાથી એનો સામનો કરે છે. ત્રણ-ત્રણ વાર તો એની પર બળાત્કારના પ્રયાસો થાય છે. પણ એ મક્કમ રહીને એણે કશું જ થવા દીધું નહીં. આ બધી ઘટનાઓના કારણે માણસના સંબંધ પરથી વિશ્વાસ ઊઠી ગયો.એણે ‘સંબંધ’ની નવી વ્યાખ્યા કરી. એને હવે એ સમજાવા લાગ્યું કે તેનું પોતાનું કોણ ? અને પારકો કોણ ? આવી અનેક ઘટનાઓમાંથી જીવન જીવવા માટેનું ‘તત્વજ્ઞાન’ તૈયાર કર્યું.

લક્ષ્મી દસમા ધોરણમાં હતી ત્યારે એ એનાબેલના સંપર્કમાં આવે છે. એનાબેલ મોડલ કો-ઓર્ડિનેટર હતી. મ્યુઝિક આલ્બમનું શુટિંગ જોવા ગઈ હતી. ત્યાં એમનો પરિચય થાય છે. ત્યારથી એ શુટિંગ માટે પોતાના ડાન્સ ક્લાસની છોકરીઓને શુટિંગના કાર્યક્રમમાં મોકલતી હતી. મીઠીબાઈ કોલેજમાં આવ્યા પછી આ કામને વધુ વેગ મળે છે. ફિલ્મ, ટીવી-સીરીયલ, મ્યુઝિક-આલ્બમ આ બધા માટે એ મોડલ્સ પૂરા પાડવા લાગી. પરિણામે એના સંપર્કો પણ વધવા લાગ્યા. વૈશાલી સામંતના રિમિક્સ આલ્બમ ‘લાવણી ઓન ફાયર’માં એણે મોડેલ્સ તો પુરાપડ્યા. અને એમાં નૃત્ય પણ કર્યું. આવા અનેક કાર્યક્રમોને કારણે લક્ષ્મીને કલાકાર તરીકે પ્રસિદ્ધિ મળવા લાગી. પરિણામે એનો આત્મવિશ્વાસ પણ ધીમે ધીમે વધવા લાગ્યો હતો.

‘ગે’ કમ્યુનિટીના સંપર્કને કારણે એ કેટલાક હિજડાઓને પણ ઓળખતો હતો. એની એક સહેલી સ્વીટી જે બાર ડાન્સર હતી. એણે લક્ષ્મીનું નૃત્ય જોઈને કહ્યું ‘‘તું સરસ નાચે છે ને.... ચાલ બારમાં, ત્યાં ડાન્સ કર, પૈસાય મળશે...’’(એજન. પૃ.24) આ પછી લક્ષ્મીએ બાર ડાન્સમાં ડાન્સ પણ કર્યો ને ખૂબ પૈસા પણ કમાઈ. બાર ડાન્સનું કલ્ચર પણ એણે જોયું. બાર ડાન્સમાં નાચનાર મોટાભાગની છોકરીઓ કોઈને કોઈ જાતીયતાનો શિકાર બનેલી, ને પૈસા કમાવવા આવતી હતી. લક્ષ્મીએ બાર ડાન્સ કર્યો, પણ ક્યારેય દેહનો વેપાર ન કર્યો. એના જ શબ્દોમાં સાંભળો,-
‘‘મેં બારમાં કામ કર્યું, પણ ફક્ત બાર ડાન્સર તરીકે. મારો ડાન્સ જુઓ...એ ગમ્યો ? ફરી જુઓ. પણ બસ, એટલું જ. મેં કોઈને મારા શરીરે હાથ અડાડવા દીધો નહીં. ‘સેક્સ વર્ક’ તો લગીરેય કર્યું નહીં... ક્યારેય નહીં. સેક્સ કર્યો, પણ સેકસ વર્ક ન કર્યું. મેં ક્યારેય પૈસા લઈને મારા દેહનો વ્યાપાર કર્યો નહીં. એકંદરે નાનપણના કેટલાક વર્ષ જવા દઈએ, તો મારા શરીરનો હું રાજા હતો... હજુય છું.’’ (એજન. પૃ. 25)

લક્ષ્મીની જેમ બારમાં નાચતી છોકરીઓ પુરુષોને ‘પાગલ’ બનાવતી, પણ ક્યારેય સેક્સ વર્ક કરતી નહીં. ડાન્સ ક્લાસ, મોડલ કો-ઓર્ડિનેશન, ડાન્સ બાર આ બધાને કારણે લક્ષ્મીને ખૂબ આવક થવા લાગી. એ ઘરનો મોટો દીકરો હોવાને નાતે કેટલાક રૂપિયા ઘરે પણ આપતો હતો. પણ લક્ષ્મી ફેશનેબલ હતી. એને ભપકો ગમતો હતો. એ પોતાના શોખ માટે ખૂબ રૂપિયા ખર્ચ કરતી હતી. આ સમયગાળામાં ભારતમાં ‘પેજર’ આવ્યું તો એણે પેજર લીધું. ‘મોબાઈલ’ આવ્યા તો મોબાઈલ લીધો. આવા ભભકાદાર શોખ હતા, અને એને આવું ગમતું હતું.

લક્ષ્મીના ગ્રુપમાં મોડલનું કામ કરતી ગ્લોરિયાનો એક દિવસ એના પર ફોન આવે છે, ને કહે છે. મારો ભાઈ તારા જેવો જ છે. તું એને કામ આપીશ. પછી શબીના ( લોરેન્સ ફાન્સિસ) અને લક્ષ્મી વચ્ચેની પ્રથમ મુલાકાત જ મૈત્રીમાં પરિણમે છે. લક્ષ્મી એની પાસેથી હીજડા અંગે ઘણી ખરી માહિતી મેળવે છે. આમય એને હવે ‘ગે’ કમ્યુનિટીમાં ગૂંગળામણ થતી હતી. શબીનાની વાત સાંભળ્યા પછી એને હીજડો બનવાનો વિચાર તીવ્ર બને છે. એ શબીનાને કહેતી પણ હતી કે જો હું હીજડો બનીશ તો તને જ મારી ગુરુ બનાવીશ. એના મનમાં હીજડો બનવા અંગેની મૂંઝવણ ચાલે છે ને બીજી બાજુ એ હીજડાઓનો આખો ઇતિહાસ વાંચીને સમજે છે. આખરે એ એક દિવસ વાત વાતમાં ‘હીજડો’ બનવાનો નિર્ણય કરે છે.

ઇ.સ.1998માં લક્ષ્મીનારાયણમાંથી ‘લક્ષ્મી’ નામનો હીજડો બને છે. ‘લષ્કરધરણા’ના ‘લતા નાયક’ એની ‘રીત’ કરે છે. અને એની ગુરુના ગુરુ ‘લતાગુરુ’ પાસે મોકલે છે. લતાગુરુને લક્ષ્મીને જોઈને આઘાત લાગે છે, કે આવો સ્ટાઇલિશ, સુંદર, ભણેલો-ગણેલો છોકરો હીજડો કેમ બન્યો? લક્ષ્મીએ પોતાના પરિવારની અને કપડાની મૂંઝવણ વર્ણવી. એમણે એને ઘરે રહેવાની, જે કરતાં હોય એ કરતાં રહેવાની અને પેન્ટ શર્ટ પહેરવાની છૂટ આપી. હીજડો બન્યા પછી લક્ષ્મીએ પોતાના ગુરુ શબીનાને એની વિગતો આપી, પણ પોતે હીજડો બન્યો છે. એ સમાચાર ઘરમાં કોઈને આપ્યા નહીં. માત્ર એના નજીકના મિત્રોને જાણ કરી. એમાંથી કેટલાકને આઘાત પણ લાગ્યો. એના નાનપણના મિત્ર પ્રવિણને કોઈ ફરક પડ્યો નહીં. પરંતુ લક્ષ્મીએ આ બધાની દરકાર કર્યા વગર પોતાનું કામ શરૂ કર્યું. વર્ષ ૨૦૦૦માં સજાતિય સબંધને કાયદેસરની માન્યતા આપવા માટે દેશભરમાં આંદોલનો શરૂ થયાં હતાં. એમાં લક્ષ્મીએ ટી.વી. ચેનલવાળાને એક બાઈટ આપ્યો ને પરિણામે ઘરવાળાંને ખબર પડી કે લક્ષ્મી હીજડો બન્યો છે. ત્યારબાદની મા-બાપની સ્થિતિનું આ વર્ણન જુઓ,-
‘‘આપણી ચૌદ પેઢીઓમાં આવું કોઈએ કર્યું નથી. આપણું બ્રાહ્મણનું ખાનદાન... તેની પ્રતિષ્ઠાનો પણ વિચાર કર્યો નહી ? તારી બહેનનાં લગ્ન થયા છે. તેના સાસરિયા શું કહેશે ?... બંનેએ પ્રશ્નોની ઝડી વરસાવવાની ચાલું રાખી હતી. હું સામે બેસીને શાંત પણે સાંભળતો હતો.બીજું કરવાનો ય શું હતો..? ગુસ્સાનો પહેલો ઉભરો ઓસર્યા પછી બંનેએ મને સમજાવ્યો. શાથી તું આવું વર્તી રહ્યો છે ? તારે શું પ્રોબ્લેમ છે ? બધું સરખું ચાલી રહ્યું છે ને ? શિક્ષણ છે, તારા ગમતા ક્ષેત્રનું, ડાન્સમાં કેરીઅર છે, ડાન્સ તરફ ધ્યાન આપ. તારા પોતાના જીવન તરફ ધ્યાન આપ. જોઈએ તે પૈસા લે અને નવો બિઝનેસ શરૂ કર. તે જે કાંઈ કર્યું છે, તેને કારણે અમારે સમાજમાં મોઢું બતાવવાની જગા રહેશે નહિ જ. પણ તારી પોતાની ર્દષ્ટિએ પણ તે યોગ્ય નથી. તું આમાંથી બહાર આવ.’’ (એજન. પૃ. 35)

માતા-પિતાના આ શબ્દો સાંભળી એ દુ:ખી થાય છે. આખરે આમાંથી બહાર આવવાની જગ્યાએ એ મક્કમતાથી એમાં પ્રવેશ કરે છે. (સમાજ તરફથી પોતાને થયેલા અનુભવો મા-બાપને કેવી રીતે કહે ?) એમને એવું હતું કે આના લગ્ન કરાવી દઈશું. એટલે બધું ઠીક થઈ જશે. ને એક દિવસ એના માટે છોકરી જોવાનું પણ ગોઠવે છે. પણ લક્ષ્મી એનો અસ્વીકાર કરે છે. માતા-પિતા ખૂબ દુ:ખી થાય છે. પણ ધીરે ધીરે એને સમજવા લાગે છે. લક્ષ્મીએ હીજડા થયા પછી ક્યારેય ઘર છોડ્યું નથી. ઘરનો મોટો દીકરો હોવાને નાતે કાયમ ઘરની સંભાળ રાખી છે. પિતા બીમાર થયા ત્યારે ને એમનું અવસાન થયા પછી પણ ઘરની સાથે રહીને જ હીજડા સમાજનું કામ કર્યું છે.

લક્ષ્મી હીજડો બની એવામાં એના ગુરુ શબીનાને એની સહેલી પ્રિયા ‘દાઈ વેલ્ફેર સોસાયટી’ની સ્થાપના કરતા હતા. હીજડો બન્યા પછી લક્ષ્મી પણ એમાં જોડાય છે ને એનું કાર્ય કરે છે. આ સોસાયટીનું મુખ્ય કામ હિજડાઓના આરોગ્યની સંભાળ લેવાનું હતું. દેહવિક્રય કરનાર હીજડાઓને કોન્ડોમની જાણકારી આપવી. તે વાપરવું કેટલું સુરક્ષિત અને આવશ્યક છે અને કોન્ડોમ આપવા જેવા કાર્યો કરતા હતા. શરૂઆતમાં હીજડા સમાજમાં આ કાર્ય અંગે એમના ગુરૂનો જ વિરોધ હતો. પણ તે ધીમેધીમે શાંત થવા લાગે છે. પહેલી વાર કોઈ સંસ્થા હીજડાઓના આરોગ્ય માટે કામ કરતી હતી. આ લોકોના કામને હીજડાઓનો પણ સારો પ્રતિસાદ મળવા લાગ્યો. મુંબઈના હીજડાઓ કોન્ડોમ લેવા માટે એમની ગાડીની રાહ જોવા લાગ્યા ને લાઈનો પણ લાગવા લાગી હતી. ‘દાઈ’નું આટલું સુંદર કામ ચાલતું હતું, ત્યારે શબીના અને પ્રિયા ‘દાઈ’ના લોકો સાથે ઝઘડો થવાથી ‘દાઈ’ને છોડીને ચેન્નાઈ ચાલ્યાં જાય છે. લતાગુરુના કહેવાથી લક્ષ્મી ‘દાઈ’નો વહીવટ સંભાળે છે, ને ‘અધ્યક્ષા’ બને છે. લક્ષ્મીને ‘દાઈ’ના કામમાં મદદ માટે ટાટા ઇન્સ્ટિટયૂટનો અથર્વ નાયર અને એનો જ ચેલો કિરણ મોરે મળે છે. આ બંને જણ ‘દાઈ’નું કામ ખુબ જ વ્યવસ્થિત રીતે સંભાળે છે. ‘દાઈ’ને હવે સમાજમાં પ્રતિષ્ઠા મળવા લાગે છે. ‘દાઈ’નું કામ જોઈને એને જુદાં-જુદાં નિમંત્રણો મળવા લાગે છે. ‘એવર્ટ સોસાયટી’ની ‘પ્રપોઝલ ડેવલોપમેન્ટ’ વર્કશોપમાં એને ‘દાઈ’ના અધ્યક્ષા તરીકે નિમંત્રણ મળે છે. અને એ ‘દાઈ’નું પ્રેઝન્ટેશન અંગ્રેજીમાં આપે છે. એમાં એક શ્રેષ્ઠી તો એ જે બારમાં નાચવા જતી એના માલિક જ હોય છે. ‘દાઈ’માં અધ્યક્ષા બન્યા પછી એમાં પોતાની ડિગ્નિટી જળવાય એ માટે તે બારમાં જવાનું બંધ કરે છે. ‘દાઈ’નું સામાજિક કાર્ય ધીરે-ધીરે આગળ વધવા લાગ્યું. પણ લતા ગુરુને આ બધુ ગમતુ નહીં. એમના મતે આ બધો ભપકો છે. એમાં લક્ષ્મી ને લતા ગુરુ વચ્ચે મનદુઃખ થવા લાગે છે. વર્ષ ૨૦૦૨-૨૦૦૩માં ‘દાઈ’નું કામ જોવા જર્મન પત્રકાર ડોરથિયા આવે છે. એ ઘણા વર્ષોથી ભારત આવતા હતા ને હીજડા પર સંશોધન કરતા હતા. તેઓ હીજડા પર 'Between the lines' ફિલ્મ બનાવતા હતાં. એમાં દિલ્હીની ‘અનિતા ખેમકા’ ફોટોગ્રાફરનું મુખ્ય પાત્ર ભજવવાની હતી. એમાં હીજડાઓનું જીવન સ્ત્રી ફોટોગ્રાફરની ભૂમિકાએ દર્શાવવાનું હતું. ડોરથિયાની મદદથી અનિતા ખેમકા અને લક્ષ્મી વચ્ચે મુલાકાત થાય છે. બંને વચ્ચે શરૂઆતમાં ફિલ્મ વિશે મતભેદ થાય છે. પરંતુ અંતમાં બંનેના મન એક થાય છે. ને આ ‘અનિતા ખેમકા’ કાયમ માટે લક્ષ્મીની અંગત મિત્ર બને છે. જે લક્ષ્મીને હંમેશા પ્રમોટ કરતી રહી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૪માં સ્વિત્ઝર્લેન્ડના ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું પ્રિમિયર યોજાયું. લોકોને ખૂબ ગમી.

ભારતમાં એચ.આઈ.વી એડ્સની પરિસ્થિતિ પર મુંબઈમાં એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાવાની હતી. એમાં યુ.એન.ના સેક્રેટરી કૉફી અન્નાન આવવાના હતા. ભારતમાંથી માત્ર નવ વ્યક્તિઓને નિમંત્રણ હતુ. ‘દાઈ’ના અધ્યક્ષા તરીકે લક્ષ્મીનું નામ પણ એમાં હતુ. એ એના માટે, એના સમાજ માટે ગૌરવની વાત હતી. પણ લતાગુરુને મન સંતાપ હતો. એમનો આ કોન્ફરન્સમાં જવા સામે ખૂબ વિરોધ હતો. છતાં લક્ષ્મી એમાં ગઈ. હીજડાઓની પરિસ્થિતિ, એમની સમસ્યાઓ વિશે વાત મૂકી. બધાને ખૂબ ગમી, પરંતુ આ બધામાં લતાગુરુ સાથે કોઇ કારણસર એને જોરદાર ઝઘડો થાય છે. એના મનને સ્વસ્થ કરવા એના મિત્રો એને દમણ લઈ જાય છે, એનેક કારણોસર જીવનથી કંટાળેલી લક્ષ્મી દરિયામાં પડી આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ત્યાંના યુવાનો તેને બચાવે છે. ગુજરાતમાં એચ.આઈ.વી પર કામ કરનાર ‘લક્ષ્ય ચેરીટેબલ ટ્રસ્ટ’ના ટ્રસ્ટી સિલ્વેસ્ટરે એનું કાઉન્સેલિંગ કર્યુ અને એમાંથી બહાર કાઢી. એણે કહયું,-
‘‘જીવનમાં આવું જ થતુ હોય છે...પણ એટલે જીવનથી ભાગી જવું, એ તો ભાગેડુ વૃત્તિ થઈ. તેનો સમર્થ પણે સામનો કરતા શીખવું જોઇએ. આવ્હાન સ્વીકારવા જોઈએ. જીવનમાં આવેલા સંકટોને અવસર માની આગળ વધવું જોઇએ.’’ (એજન. પૃ.૫૪-૫૫)

તેમની વાત માની લક્ષ્મી મુંબઈ પાછી આવે છે ને ‘દાઈ’નું કામ નવા ઉત્સાહ સાથે કરવા લાગે છે.

ઓગસ્ટ ૨૦૦૬માં લક્ષ્મી સામે એક નવી તક આવે છે. ટોરેન્ટોમાં સોળમી આંતરરાષ્ટ્રીય એડ્સ કોન્ફરન્સ યોજાવાની હોય છે. એમાં યુ.એન.એડ્સનાં ડેલિગેશનનાં ભાગરૂપે એને જવાનુ હોય છે. પરંતુ એ જવાનીના પાડે છે. કારણ ‘પાસપોર્ટ’ ? એની પાસે પાસપોર્ટ નથી. આટલા ટૂંકા સમટમાં પાસપોર્ટ કેવી રીતે મળે ? પાસપોર્ટ મેળવવા માટે ડોક્યુમેન્ટ જોઈએ. એ એની પાસે નથી. જે ડોક્યુમેન્ટ હતાં એ પુરુષના હતાં. એને તો ‘હીજડા’ તરીકે પાસપોર્ટ જોઈતો હતો. પાસપોર્ટ ઓફિસના મેનેજરને પણ ખબર નથી કે હીજડાઓને પાસપોર્ટ કઈ રીતે મળે ? એ દિલ્હી ઓફિસમાં તપાસ કરીને જણાવે છે. લક્ષ્મી એ બધા જ કાગળો અથાગ મહેનતથી મેળવે છે. અને એને ઈમરજન્સી પાસપોર્ટ મળે છે. એની પાસપોર્ટ મેળવવાની આખી મથામણ આત્મકથામાં આકર્ષક રીતે નિરૂપાઈ છે. એ ટોરેન્ટો જાય છે. ભારતમાંથી પહેલી વખત કોઈ ‘હીજડો’ વિદેશ જાય છે એ એના અને એના સમુદાય માટે મોટી ઘટના હતી. ત્યાં એને કેનેડાની ‘ટ્રાન્સજેન્ડર’ યાસ્મીન મળે છે યાસ્મીન એને કેનેડાની ટ્રાન્સજેન્ડરની પરિસ્થિતિ વર્ણવે છે. લક્ષ્મી કહે છે,-
‘‘ત્યાં ઘણા બધા ટ્રાન્સજેન્ડર હતા... ભારત કરતાં ખૂબ જ જુદી પદ્ધતિએ તે રહેતા હતાં. તેમાં સ્ત્રી થયેલા પુરુષો હતા, તેમજ પુરુષ થયેલી સ્ત્રીઓ પણ હતી. આપણે ત્યાં હીજડા બનવું એ એક આધ્યાત્મિક પ્રક્રિયા (Spiritual process) હોય છે. ત્યાં કેવળ તબીબી પ્રક્રિયા (medical process) હોય છે. ત્યાં પુરુષને સ્ત્રી કે સ્ત્રીને પુરુષ બનાવવા માટે હોર્મોનલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. સર્જરી કરવામાં આવે છે. બસ.... ત્યાર પછી એ પુરુષ તરીકે ફરી શકે છે.’’ (એજન. પૃ.61)

ટોરેન્ટોમાં લક્ષ્મી એના સમુદાય અંગે એમની સમસ્યાઓ અને સંસ્કૃતિને વર્ણવે છે. એનું વ્યાખ્યાન બધાને ખૂબ ગમે છે. વિદેશથી આવ્યા પછી એને દુનિયા નાની લાગવા માંડે છે. એ અજમેર ન આવી અને ટોરેન્ટો ગઈ એ લતાગુરુને ન ગમ્યું. આ સમયમાં ‘દાઈ’નું રાજકારણ પણ ખૂબ વધ્યું હતું. લતાગુરુ અને લક્ષ્મી વચ્ચેના એક જોરદાર ઝઘડા પછી લક્ષ્મી ‘દાઈ’માંથી વિદાય લે છે અને ‘અસ્તિત્વ’નામની નવી સંસ્થા શરૂ કરે છે. અથર્વ અને કિરણની સહાયથી પોતાને જે કામ કરવું છે એ નિશ્ચિત પણે, આર્થિક તંગીમાં પણ શરૂ કરે છે.

‘અસ્તિત્વ’ના નેજા હેઠળ હીજડાઓ જ્યાં રહે છે એનું મેપિંગ કરે છે. દવાખાનામાં એમની સાથે સારો વ્યવહાર થાય અને સાથે એમને દવા કરે એ માટે ડૉક્ટર અને નર્સને સમજાવે છે. પોલીસ હિજડાઓને ખોટી રીતે હેરાન ન કરે માટે એ એમના વતી લડે પણ છે. આવા અનેક કામો કરે છે. એક વખત વિદેશ ગયા પછી એને અનેક વખત વિદેશ જવાનું બને છે. ‘એમ્સ્ટરડેમ’માં ‘નેધરલેન્ડ ટ્રાન્સજેન્ડર ફિલ્મ ફેસ્ટિવલ’ યોજાવાનો હતો. એમાં અનિતા ખેમકાની સાથે જાય છે. ત્યાં અનેક લોકોને મળે છે. તેમની પરિસ્થિતિને જાણે છે. આ ફેસ્ટિવલમાં ‘બીટવીન ધી લાઈન્સ’ જોયા પછી ત્યાંના લોકોને ખબર પડે છે કે લક્ષ્મી તો ડાન્સર છે ને પછી તો ત્યાંની સ્કૂલમાં ઇન્ડિયન ડાન્સ શીખવાડવા માટે લક્ષ્મીને તેઓ વારંવાર બોલાવે છે. લક્ષ્મીને અનેકવાર ‘એમ્સ્ટરડેમ’ જવાનું થાય છે. પછી તો એની સહેલી સુઝન ઓક્સનરની સહાયથી ‘એમ્સ્ટરડોમ ઇન્ડિયા ફેસ્ટિવલ’માં એ બીજા હિજડાઓને લઈને ભારતીય ડાન્સ કરવા જાય છે. એના કારણે એના સાથી હીજડાઓ પહેલીવાર વિદેશની ધરતી ઉપર પગ મૂકે છે ને આનંદિત થાય છે. આ પછી તો લક્ષ્મીને યુ.એન.ગેસ.ની મિટિંગમાં ન્યૂયોર્ક જવાનું થાય છે. દરેક જગ્યાએ એણે એના સમુદાયની વાત ખુલ્લા મને કરી. એમના પ્રશ્નો સમાજ સમક્ષ યોગ્ય રીતે મૂકી આપ્યા. લક્ષ્મીના વિકાસ કાર્યોની, એના વિદેશ પ્રવાસની વાતો આત્મકથામાં ખૂબ વિસ્તારથી રજૂ થઈ છે. અને એટલાં જ વિસ્તારથી એના કુટંબની, એના પરિચયમાં આવનાર મહત્વના વ્યક્તિઓ-એમનાં સંબંધોની વિગતો આત્મકથાના અંતના પચાસ પૃષ્ઠોમાં નિરૂપાઈ છે. એમાં એમના માતા-પિતા, ભાઈ-બહેન, અનિતા ખેમકા, રાજપીપળાના રાજકુવર (માનેલ ભાઈ) વગેરેનો સમાવેશ થાય છે.

લક્ષ્મીને વિદેશની ધરતી પર ખ્યાતિ મળ્યા પછી ભારતમાં પણ એની પ્રસિદ્ધિમાં વધારો થાય એવી એક ઘટના બને છે. નાની હતી ત્યારે ‘બુગી વુગી’ના કાર્યક્રમમાં પ્રેક્ષક તરીકે બેસતી હતી. પણ હવે એને સેલિબ્રિટી બનવાનો મોકો મળે છે. એ સોની. ટી.વી. પર ચાલતા સલમાનખાનના ‘દસ કા દમ’ શોમાં ભાગ લે છે અને ‘સચ કા સામના’ અંતર્ગત અનેક પ્રશ્નોના જવાબ આપે છે. એના આ જવાબોથી લોકો લક્ષ્મીને વધુ સારી રીતે જાણી શકે છે. એમાં એમની અંગત વાતોનો પણ સમાવેશ થાય છે. પછી લક્ષ્મી ‘બિગ બોસ’ના ઘરમાં જાય છે. ત્યાં એ જીતી શકતી નથી. પરંતુ લોકોના દિલ જરૂર જીતે છે. ભારતમાં અને વિદેશમાં હીજડા તરીકે માન મેળવનાર લક્ષ્મીને મુંબઈમાં એક ખરાબ અનુભવ થાય છે. હીજડાને કારણે એને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવે છે. ત્યારે પણ એ એની સામે કેસ કરે છે ને માનવ અધિકાર પંચ સામે જવાબ પણ માગે છે. આમ દરેક તબક્કે અન્યાયની સામે સતત લડત લડે છે. લક્ષ્મી હીજડાઓ માટે ‘ઇન્ડિયન સુપર ક્વીન’ નામની સૌંદર્ય સ્પર્ધા યોજે છે. આવા અનેક કાર્યોથી લક્ષ્મીએ પોતાની સુવાસ હીજડા સમુદાયમાં ફેલાવી છે. અને હજુ પણ ફેલાવી રહી છે.

આમ, ‘હું હીજડો... હું લક્ષ્મી...!’ લક્ષ્મીના જીવનને, એને થયેલા સમાજના અનુભવો અને એના સમુદાયની વાત કરે છે. એક નવા જ સમુદાયની વાત પ્રથમવાર આ કૃતિ દ્વારા આપણી સમક્ષ આવે છે. એ આનંદની ઘટના છે.

‘હું હીજડો... હું લક્ષ્મી...!’ આત્મકથા હોવા છતાં એમાં આત્મકથાના ઘણા લક્ષણોનો અભાવ છે. છતાં હીજડા સમાજની પ્રથમવાર વાત લઈને આવતી આ કૃતિ અનેક રીતે નોંધપાત્ર છે. હીજડા સમાજ વિશેની માન્યતાઓ દૂર થાય. એમના તરફ સમાજ માનની દ્રષ્ટિથી જોતો થાય તો પણ લક્ષ્મીની આ કથા સાર્થક થયેલી ગણાશે.

સંદર્ભ –

  1. ‘હું હીજડો...હું લક્ષ્મી...!’ (લક્ષ્મીનારાયણ ત્રિપાઠી) શબ્દાંકન- વૈશાલી રોડે, અનુ. કિશોર ગૌડ,પ્ર.આ.2013, પ્રકા.- ગંગાબા પરિવાર પ્રકાશન, અમદાવાદ.

ડૉ. જિજ્ઞેશ ઠક્કર, ગુજરાતી વિભાગ, એમ.એન.કૉલેજ,વિસનગર, મો.-9824299594 ઇમેલ- jigthak88@gmail.com