Included in the UGC-CARE list (Group B Sr. No 172)

વિવેચનનું વિવેચન એટલે "વિવેચનુક્ષેપ"

સાહિત્યસર્જન અવિરત ચાલતી પ્રવૃત્તિ છે. માટે તેના પ્રવાહમાં નિરંતરતા જોઈ શકાય. એ એક સ્વાભાવિક બાબત છે તેમજ તેના તરફનું ભાવક માત્રનું આકર્ષણ પણ સહજતાથી સ્વીકારી શકાય છે. ત્યારે એજ સર્જનની સાથોસાથ ચાલતી વિવેચનની પ્રવૃત્તિ પ્રત્યે ક્યાંકને ક્યાંક ઉપેક્ષાનો ભાવ પણ અનાયાસપણે આવી જતો જોઈ શકાય છે. એવાં સમયે વિવેચનની પ્રવૃત્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી તેના પર એક દૃષ્ટિ ફેંકવાનો અને તેનું વિહંગાવલોકન કરવાનો સહજ અને નમ્રપ્રયાસ ડૉ. બિપિન આશરના વિવેચનસંગ્રહ ‘વિવેચનક્ષેપ’માં થયેલો જોવા મળે છે.

નર્મદ, નવલરામ, નરસિંહરાવ, રમણભાઈ વગેરે દ્વારા શરૂ થયેલી ગુજરાતી વિવેચન પ્રવૃત્તિ પંડિતયુગ, ગાંધી-અનુગાંધીમાં પણ પૂરબહારમાં વિકસતી અને વિસ્તરતી રહે છે. જે આધુનિક યુગમાં સુરેશ જોષી, જયંત કોઠારી, પ્રમોદકુમાર પટેલ, સુમન શાહ, ચંદ્રકાન્ત ટોપીવાળા વગેરે વિવેચકોના હાથે ખેડાતી રહી છે. એજ પરંપરામાં ઈ.સ.૨૦૦૦ની સાલમાં ડૉ. બિપિન આશરના હાથે ‘વિવેચનક્ષેપ’ વિવેચનસંગ્રહરૂપે એક નવાપુષ્પની માફક ઉમેરણ થાય છે. પ્રસ્તુત સંગ્રહમાં અલગ-અલગ સમયે અલગ-અલગ કાર્ય નિમિત્તે લખવામાં આવેલા કુલ ૨૭ જેટલા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ખરેખર વિવેચકની અભ્યાસનિષ્ઠા અને વિવેચનપ્રત્યેની તેની અભિરુચિને સ્પષ્ટ કરી આપે છે.

પ્રસ્તુત વિવેચનસંગ્રહમાં ‘ગુજરાતી વિવેચનમાં અંગ્રેજી સહિત વિશ્વસાહિત્યના ભળેલા પ્રવાહો’ અને ‘વિજયરાય વૈધ : ગુજરાતી વિવેચનાની ઉજળી પરંપરાનું અનુસંધાન’ જેવા બે લેખને બાદ કરતાં ૨૫ જેટલા વિવેચનસંગ્રહો અને સંશોધન-સંપાદન ગ્રંથોને ધ્યાનમાં રાખીને અભ્યાસલેખો મળી આવે છે. આ સંગ્રહના પ્રથમ લેખમાંથી પસાર થતાં ગુજરાતી વિવેચનમાં અંગ્રેજી સહિત વિશ્વસાહિત્યના નૂતન પ્રવાહનો પરિચય થયા વગર રહેતો નથી. આધુનિક વિવેચનપ્રવૃત્તિ, જુદી જુદી નૂતન વિચારધારાઓ પાશ્ચાત્ય વિવેચન પરંપરા વગેરેની સહજ, સરળ ભાષામાં થયેલી ચર્ચા કોઈનું પણ ધ્યાન ખેંચવા માટે સમર્થ છે. તો વળી એજ પ્રકારનો બીજો લેખ ‘વિજયરાય વૈદ્ય:......’માં વિવેચકે ખરેખર વિજયરાયે કેવું ગુજરાતી વિવેચનની ઉજળી પરંપરાનું અનુસંધાન જાળવ્યુ છે તેનો સુપેરે પરિચય કરાવી આપી એક તટસ્થ વિવેચક તરીકેની ભૂમિકા નિભાવતા વિજયરાયની વિશેષતા અને મર્યાદાને પણ દર્શાવતાં કહે છે કે, “વિજયરાય વૈદ્ય એક વિદ્વાન અને અભ્યાસનિષ્ઠ વિવેચક હોવા છતાં તેમની વિવેચનાની કોઈ મર્યાદા જ નથી એવું માનવાને કોઈ કારણ નથી. જે રીતે ગુજરાતીકરણ પ્રેમાનંદની સિદ્ધિ અને સીમા બની ગઈ હતી. એજ રીતે લાંબા સમયથી એકધારી અને એક જ પ્રકારની પ્રયોજાયેલી વિવેચનશૈલી જ વિજયરાય વૈદ્યની વિશેષતા અને મર્યાદા બનીને ઊભી રહી જાય છે. શૈલીદાસ્ય વિવેચક વિજયરાય વૈદ્યની મર્યાદા ગણાય છે.”(પૃ.૨૫) આ રીતે આ બંને લેખોમાંથી વિવેચકની સહજ, સરળ તેમજ અર્થસભર ભાષા દ્વારા વિવેચન કરવાની કળા તેમજ વિષય પ્રત્યેની ઊંડી સમજનો સુપેરે પરિચય થઈ આવે છે.

પ્રસ્તુત વિવેચનસંગ્રહમાં પ્રત્યક્ષવિવેચન વિશેષમાત્રામાં થયેલું જોવા મળે છે. જેમાં ખાસ કરીને કવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠતા હાંસલ કરનાર ઉમાશંકર જોષીની વિવેચન દૃષ્ટિનો પરિચય કરાવી આપતાં તેમના વિવેચનસંગ્રહ ‘કવિતાવિવેક’ની સમીક્ષા ખૂબ સુંદર રીતે થયેલી જોવા મળે છે. અલગ-અલગ છ જેટલા ગુચ્છમાં વિભાજન કરીને કવિતાસંદર્ભે રજૂ થયેલા ઉમાશંકરના મંતવ્યોને સંપૂર્ણ રીતે ઉજાગર કરી આપ્યાં છે. તો નવા ઉભરી આવતા વિવેચક એવાં વિજય શાસ્ત્રીનાં ‘કથાપ્રત્યક્ષ’ અને ‘તત્પુરુષ’ જેવાં બે વિવેચનસંગ્રહોને પોતાનાં અભ્યાસનો વિષય બનાવીને વિજય શાસ્ત્રીનાં કથાસાહિત્ય તેમજ અન્ય સાહિત્ય સ્વરૂપ પ્રત્યેનાં વિચાર વલણોની સાધાર ચર્ચા કરીને તેનો વિગતે પરિચય કરાવી આપ્યો છે. અને ‘કેનવાસ પર’: ઊંડી અભ્યાસપ્રીતિ વ્યંજિત કરતો વિવેચન સંગ્રહ’ લેખમાં પ્રા. સતીષ ડણાકની વિવેચન પ્રવૃત્તિ અને પ્રતિભાનો પરિચય કરાવ્યો છે તો આ લેખની શરૂઆતમાં જ વિવેચક તરીકે ડૉ. બિપિન આશરની સર્જન અને વિવેચન વિશેની ઊંડી સૂઝસમજ અને સૂક્ષ્મ અવલોકનશક્તિનો નમૂનો મળી રહે છે. જેમ કે, “સર્જન અને વિવેચન સમાંતરે ચાલતી પ્રવૃતિઓ છે. સર્જક અને વિવેચક એકબીજાના જોડિયા ભાઈઓ છે. એવું તો કહેવાયું છે, પરંતુ એનાથી આગળ વધીને એમ પણ કહી શકાય કે પ્રત્યેક સર્જકમાં એક વિવેચક છુપાયેલો હોય છે. તેથી જ મેથ્યુ આર્નોલ્ડે ‘Literature is criticism of life’ કહીને સર્જકમાં ‘સમીક્ષકપ્રતિભા’ની અનિવાર્યતા દર્શાવી છે. જે જાણી શકે, માણી શકે તે જ પ્રમાણી શકે. સર્જક કુદરતે સર્જેલી સૃષ્ટિને પોતાના સર્જનમાં અભિવ્યક્ત કરે છે તો વિવેચક વ્યક્તિએ સર્જેલી શબ્દસૃષ્ટિને પોતાના વિવેચનમાં તાદૃશ કરે છે. એ દૃષ્ટિએ જોઈએ તો પ્રત્યેક વિવેચકમાં પણ એક સર્જક છુપાયેલો અનુભવી શકાશે.”(પૃ.૪૪) આ ઉપરાંત જે સૌ કોઈનું ધ્યાનાકર્ષણ કરે છે તે ‘હાસ્યપરામર્શ’ ડૉ. નરોત્તમ વાળંદના હાસ્ય વિષયક વિવેચનસંગ્રહનું મૂલ્યાંકન નોખું તરી આવે છે. તેમજ ‘કાવ્યચર્યા’(ડૉ.નીતિન વડગામા), ‘ભાવબિંબ’ (પ્રો.ચિમનલાલ ત્રિવેદી), ‘નૂતન નાટ્ય આલેખો’(ડૉ.સતીષ વ્યાસ), ‘તૃતિયવાચને’(કનુ સુણાવકર), ‘ગાંધીયુગની રાષ્ટ્રીય કવિતા’(ઈશ્વરચંદ્ર દેસાઈ), ‘સંકેત’(શ્રી રવીન્દ્ર ઠાકોર), ‘ચારણી સાહિત્ય સંદર્ભ’(ડૉ. અંબાદાન રોહડિયા), ‘કૃતિનિષ્ઠ વિવેચન’(મફત ઓઝા) વગેરે જેવાં અલગ-અલગ વિવેચકોનાં વિવેચન સંગ્રહનું અભ્યાસપૂર્ણ થયેલું મૂલ્યાંકન ભાવકોના જ્ઞાનની ક્ષિતિજોને વધારવા પૂરતું સાબિત થાય તે પ્રકારનું છે. તો કેટલાંક સૈદ્ધાંતિક, સંશોધિત/સંપાદિત સંગ્રહોના અભ્યાસલેખોનું અવલોકન અભ્યાસુઓને ખૂબ ઉપયોગી નિવડે એ પ્રકારનું છે. જેમાં ‘મધ્યકાલીન ગુજરાતી વ્યક્તિ નામોનું અધ્યયન’માં ડૉ. ગિરિશ ત્રિવેદીના સંશોધનગ્રંથને કેન્દ્રમાં રાખીને સંશોધનની નૂતન દિશાનો પરિચય કરાવી આપે છે. એ જ રીતે ‘ગુજરાતી લઘુપર્યાયકોશ’(ડૉ.વિદ્યાધર મંજુલાલ ઠાકોર), ‘રાજના આદિવાસી છેલિયા’(ડૉ.જયાનંદ જોશી), ભાલણકૃત ‘રામવિવાહ આખ્યાન’(ડૉ.બળવંત જાની), ‘મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા’(ડૉ.બળવંત જાની), ‘કરસનદાસ બાલિયાકૃત કૃષ્ણભક્તિ કવિતા’(ડૉ. બળવંત જાની), ‘ચારણ સર્જક પરિચય -૧’(ડૉ. અંબાદાન રોહડિયા અને ડૉ.એમ.આઈ.પટેલ), ‘સાહિત્યાભિમુખ’(ડૉ.અંબાદાન રોહડિયા), ‘આયરની’(ડૉ.પ્રવિણ દરજી), ‘ગઝલ સંજ્ઞા અને સંપ્રત્યય’(ડૉ.એસ.એસ.રાહી), ‘જે કોઈ પ્રેમઅંશ...’(ડૉ.જગદીશ શાહ) અને ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી-૪૭’(બાલમુકુંદદવે-ડૉ.અમી રાવલ) જેવાં સૈદ્ધાંતિક, સંશોધિત/સંપાદિત સંગ્રહો પ્રત્યે વિવેચકે જે રીતે દૃષ્ટિક્ષેપ કર્યો છે તે ખરેખર તેઓની અભ્યાસનિષ્ઠા, સૂક્ષ્મ અવલોકનશક્તિ અને ઊંડી સૂઝસમજનો પરિચય કરાવી વાચકોને, અભ્યાસુઓને એક નૂતન દૃષ્ટિકોણ પ્રદાન કરવા પૂરતું સમર્થ બની રહે છે.

ઉપર્યુક્ત લેખોમાંથી પસાર થતા વિવેચકની વિવેચન દૃષ્ટિનો સહેજેય પરિચય થાય છે. ટૂંકમાં છતાં કહેવાનું કશું બાકી ન રહે અને કોઈપણ સંગ્રહનો સરળ અને સહજતાથી પરિચય કરી આપવાની વિવેચનશૈલી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તો આમાના મોટાભાગના લેખો પરબ, બુદ્ધિપ્રકાશ, તાદર્થ્ય, અધીત જેવાં સામયિકોમાં પ્રકાશિત થઈ ચૂકેલાં છે તે જ તેની સ્વયંસિદ્ધિનો પરિચય કરાવે છે. તો વળી કેટલાંક લેખોમાં માત્ર પરિચયાત્મક અભ્યાસ રજૂ થયેલો છે. પરંતુ ‘કૃતિનિષ્ઠ વિવેચન’ : એક સંનિષ્ઠ પ્રયાસ’ લેખમાં વિવેચકના વિવેચન પ્રત્યેના અભિગમનો સુપેરે પરિચય થઈ આવે છે. જેમકે, “સર્જનક્ષેત્ર જેટલું સમૃદ્ધ હોય એટલું જ સમૃદ્ધ વિવેચનક્ષેત્ર પણ હોવું જોઈએ. સર્જનની સમાંતરે જ વિવેચન ચાલે એ સ્થિતિ ઇષ્ટ છે. કલાકૃતિઓની કદર કરનારા વિવેચકોએ સાહિત્યમાં કૂડો-કચરો પ્રવેશી ન જાય એ બાબત પ્રતિ સભાન/જાગૃત રહેવું જોઈએ. પ્રત્યેક વિવેચક સર્જનના સારા અંશો અને નબળા અંશોને એટલા માટે ચીંધી-તારવી બતાવતો હોય છે. કે હવે પછી સર્જાતી કૃતિઓમાં પેલા નબળા અંશો પ્રવેશી ન જાય. આ માટે પ્રત્યેક સર્જકે પણ વિવેચન વાંચવું જોઈએ. આટલું જ નહીં, પણ જે રીતે સર્જક પ્રત્યે વિવેચક નિષ્પક્ષતાથી વર્તે છે, એ જ રીતે સર્જકે પણ નિખાલસતાથી પોતાની ક્ષતિઓને સ્વીકારીને એ ક્ષતિઓને દૂર કરવાના પ્રયાસો કરવા જોઈએ. આમ, સર્જન-વિવેચન તો સમાંતરે ચાલવું જોઈએ. પરંતુ એથી પણ આગળ વધીને કહી શકાય કે વિવેચનનું વિવેચન થવું અનિવાર્ય છે. આપણે ત્યાં ઘણા પ્રકારે વિવેચન થતું રહ્યું છે. તેમાં મુખ્યત્વે જે ખટક્યા કરે છે તે મૈત્રીવિવેચન, અધ્યાપકીય વિવેચન, હુંસા-તુંસીથી પ્રેરાઇને થયેલું વિવેચન, વ્યવસાય દૃષ્ટિએ થતું વિવેચન. આ વિવેચનોથી અલ્પિત રહીને પ્રત્યેક ઉત્તમભાવક જો નિષ્પક્ષ રહીને, નીડરતાથી કૃતિલક્ષી વિવેચન તરફ ઢળે તો વિવેચનક્ષેત્રનું ભાવિ ઉજળું બને.”(પૃ.૯૮) અહીં વિવેચકનો વિવેચનપ્રતિ વિશેષ લગાવ તેમજ વિવેચનસંદર્ભે ઊંડી સૂઝસમજનો અને શુદ્ધવિવેચન પ્રતિ આગ્રહ સ્પષ્ટ થઈ આવે છે.

આમ, ડૉ. બિપિન આશરે ‘વિવેચનક્ષેપ’ સંગ્રહનાં નિવેદનમાં કહેલી વાત ‘એકેય ગ્રંથનું વાચન એળે ગયું નથી’ અને ‘આ ગ્રંથમાંથી પસાર થનારને ગુજરાતી વિવેચનક્ષેત્રે કેવું વૈવિધ્યસભર અને સંગીન કાર્ય થઈ રહ્યું છે તેનો આછેરો ખ્યાલ આવશે. સાથોસાથ મારામાંથી ડોકિયા કરતા વિવેચકનો પણ થોડોઘણો પરિચય થશે.’ એ બાબત સંગ્રહમાં સંપૂર્ણ સાર્થક થતી જોવા મળે છે. આમ, આ વિવેચનસંગ્રહ નવા અભ્યાસુઓ, વિવેચકો અને સંશોધકોને પ્રત્યક્ષવિવેચનની સમજ, વિવેચનશૈલી, સૂક્ષ્મ અવલોકનશક્તિનો પરિચય કરાવી વિવેચનનાક્ષેત્રમાં માર્ગદર્શન પૂરુંપાડી એક સારો પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

[‘વિવેચનક્ષેપ’, લે. ડૉ. બિપિન આશર, પ્રકાશક-પોતે, આવૃત્તિ-ઈ.સ.૨૦૦૦]

શ્રી જિજ્ઞેશકુમાર આર.રાદડિયા, મદદનીશ પ્રાધ્યાપક(ગુજરાતી), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, જાફરાબાદ, જિ.અમરેલી -૩૬૫૫૪૦ મો.૮૧૪૦૨૯૮૬૨૧ ઈ-મેઈલ jigneshradadiya90@gmail.com