Included in the UGC-CARE list (Group B Sr. No 172)

સૌંદર્યની અનંત ખોજ: `સૌંદર્યો હજુ જન્મ્યાં નથી'

એવું કહેવાય છે કે માનવ સૌંદર્યપ્રિય હોય છે પરંતુ દરેક મનુષ્યની સૌંદર્યની વિભાવના અલગ હોય છે. ‘સુંદરમ્’ દરેક વસ્તુને ચાહી-ચાહીને સુંદર બનાવવાની વાત કરે છે. સૌંદર્યને મોટેભાગે રંગ અને રૂપ સાથે જોડવામાં આવે છે જે માનવની બાહ્ય પરિપાટીની વાત કરે છે. ક્યારેક વિચાર આવે કે મનુષ્યના આંતરમનના સૌંદર્યનું શું? દયા, કરૂણા, નિષ્ઠા, પ્રામાણિકતાના સૌંદર્યનું શું ? આવા જ પ્રશ્નો વાચકના મનમાં જન્માવતી આફ્રિકન નવલકથા વિશે આજે વાત કરવી છે. કથા છે ‘ધ બ્યુટીફૂલ વન્સ આર નોટ યટ બોર્ન’ જેનો પ્રવીણ દરજીએ `સૌંદર્યો હજુ જન્મ્યાં નથી' નામે અનુવાદ કર્યો છે.

યી ક્વે આર્મ્હ ઘાના(આફ્રિકા)ના પ્રસિદ્ધ લેખક છે. ઘાનામાં ૨૮ ઓક્ટોબર ૧૯૩૯માં જન્મેલ આર્મ્હ ઉચ્ચ અભ્યાસ માટે હાવર્ડ યુનિવર્સિટી સુધી પહોંચે છે અને સમાજશાસ્ત્રની ડિગ્રી મેળવે છે. સર્જનાત્મક લેખનની સાથોસાથ મેગેઝીનમાં અનુવાદક તરીકે કાર્ય કરે છે. ઘાનાની ટેલિવિઝનમાં સ્ક્રિપ્ટ રાઈટર તરીકે પણ કાર્ય કરે છે. પેરિસમાં જયુન આફ્રિકન મેગેઝીનના વર્ષ ૧૯૬૭-૬૮માં સંપાદક તરીકે સેવા આપે છે. તેઓ પૂર્વ આફ્રિકાના શિક્ષક તરીકે ખ્યાત છે. ‘ધ બ્યુટીફૂલ વન્સ આર નોટ યટ બોર્ન’ એમની પ્રથમ નવલકથા છે. તે પ્રગટ થતા એટલી પ્રસિદ્ધિ પામી કે દર વર્ષે તેનું પુન:પ્રકાશન કરવું પડતું. આ સિવાય આર્મ્હ પાસેથી ‘ફ્રેગ્મેન્ડસ’ (૧૯૭૦), ‘વાય આર વી સો બ્લેસ્ડ’(૧૯૭૧), ‘ટૂ થાઉસન્ડ સીઝન’(૧૯૭૩), ‘ધ હિલર્સ’(૧૯૭૮), ‘ઓસીરીસ રાઈસિંગ’(૧૯૯૫) જેવી કૃતિઓ મળે છે.

આ એક અનામિક નાયકની કથા છે જેની આસપાસ ભ્રષ્ટાચાર એટલી હદ સુધી ફેલાયેલ છે કે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે. આફ્રિકાની આઝાદી પછીનો સમય આ કથામાં રજુ થયો છે. આફ્રિકાની પ્રથમ સરકાર ચાલી રહી છે અને કામના સ્થળો પર પેન્સન સપ્તાહની ઉજવણી થઇ રહી હોય છે. કથા કુલ પંદર પ્રકરણમાં વિભાજીત છે. આ કથા એક રીતે માત્ર ઘાના કે આફ્રિકામાં ફેલાયેલ બદીઓની નથી રહેતી તેનો ચેતોવિસ્તાર સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ભ્રષ્ટાચાર સુધી વિસ્તરે છે.

આ કથા આફ્રિકાની આઝાદી પછી તેના સ્થાનિક લોકોમાં વ્યાપી ગયેલ ગંદગીને ન સ્વીકારી શકનાર એક આદર્શ વ્યક્તિની મથામણની સંઘર્ષની કથા છે. આ ગંદગી બે પ્રકારે સર્જક આપણી સમક્ષ મૂકી આપે છે: એક છે બાહ્ય કૂડો, કચરો, નદી, નાળા વગેરેની સ્થિતિ અને બીજી છે ઘાના(આફ્રિકા)ના લોકોના મનમાં વ્યાપેલ ભ્રષ્ટાચારની ગંદગી. સમગ્ર કથાને બે ભાગમાં વિભાજીત કરી શકાય: એક ભાગમાં નાયકનું કાર્ય સ્થળ છે જ્યાં દરેક સ્તર પર ભ્રષ્ટાચાર છે તો બીજી તરફ નાયકનું ઘર છે. મુસીબત બન્ને તરફ છે. તો બીજી રીતે એક ભાગ નાયકનું જીવન છે તો બીજા ભાગમાં કુમ્સોનું જીવન છે.

કથાની શરૂઆત બસનો કંડકટર ટિકિટ ઉપરાંત આવેલ પૈસાની ગણતરી કરતો હોય છે ત્યાંથી થાય છે. આ આવક બહુ જાજી ન હોવા છતાં તેને કોઈ અલગ જ પ્રસન્નતા આપતી હતી. તેણે મેળવેલ આ ઉપરના સિક્કા અને નોટોની ગંધ હજુ તેના નાકમાં જાય ત્યાં પાછલી સીટ પર બેઠેલો કોઈ પ્રેક્ષક તેને જોઈ રહે છે. બન્ને વચ્ચે કંઈ સંવાદ થતો નથી પરંતુ તે પ્રેક્ષકની આંખોને જોઈ કંડકટરને મનોમન અવાજો સંભળાવા લાગે છે. કંઈક ખોટું કરતા જોઈ જાય અને તેની સાથે થઈ શકે તે તમામ સંવાદ કંડકટરના મનમાં પ્રગટ થાય છે. આ કંડકટરનું વર્તન સમાજમાં સામાન્ય થઈ ગયેલ લેવડ-દેવડને સુચવી જાય છે.

કંડકટર ડરથી પેલા પ્રેક્ષક સાથે મસલત કરવા જાય છે પણ તે પ્રેક્ષક સુતો હોય છે. તેના મોઢામાંથી સતત લાળ વહી રહી હોય છે. કંડકટર થોડાં સમય પહેલા પોતાને ઉપરના પૈસા લેતા જોઈ ગયો છે એમ સમજી ડરી રહ્યો હતો તે પ્રેક્ષક ખરેખર તો સુતો છે. તેને હાશકારો થાય છે અને તેની સાથે વાત કરવાને બદલ તાડુકે છે. તે માણસના મોઢામાંથી ટપકતી લાળને કારણે તેના પર ગુસ્સે થાય છે અને ધુત્કારી તેને બસમાંથી નીચે ઉતારી દે છે. તે માણસ કંઈ પણ બોલ્યા વિના કંડકટર અને પછી ડ્રાઈવર સામે જોતો જોતો નીચ ઉતરી જાય છે.

કથા સર્વજ્ઞ કથકના કથાકેન્દ્ર દ્વારા આગળ વધે છે. આ માણસ પરથી કથકની દૃષ્ટિ ઘાનાના રોડ રસ્તા પર રહેલ ગંદગી તરફ જાય છે. આ ગંદગીના વર્ણનની સાથે સ્વચ્છતા અભિયાન માટે આવેલ પૈસામાં થયેલ ગોટાળાં વિશે પણ વાત કરે છે. ફરી કથક પેલા માણસ તરફ તેની નજર દોડાવે છે. આ માણસ રેલવે અને બંદરના વહિવટી બ્લોક એમ.સી.એમ. ૨૭ તરફ જઈ રહ્યો હોય છે. આ માણસ જ આ કથાનો અનામી નાયક છે. જે રેલ્વેમાં ક્લાર્ક તરીકે નોકરી કરી રહ્યો છે.

આગળના પૃષ્ઠોમાં આ અનામિક માણસનું નીરસ જીવન આલેખાયું છે. તેના જીવનના બે ભાગ જોઈ શકાય છે: એક તેની નોકરી સમયનું જીવન અને એક તેના ઘરે વીતતું જીવન. તે જ્યાં નોકરી કરે છે ત્યાં લોકો ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર તરીકે સ્વીકારી ચુક્યા છે. આ માણસ સાથે કામ કરનાર એક કર્મચારી લોટરીમાં ૧૦૦ સીદી જીત્યો હોય છે. તે કર્મચારીને લાગે છે કે તેને આ ઇનામના પૈસા મળશે નહિ. નાયક તેને પોલીસ ફરિયાદનો રસ્તો અપનાવવા કહે છે. કર્મચારીને તેના બદલે કોઈ પોલીસ અધિકારીને થોડી રકમ આપી આ ઇનામની રકમ મેળવવી વધુ યોગ્ય લાગે છે. આમ કોઈપણ સામાન્ય કામ રિશ્વત વિના થવું જાણે મુશ્કેલ થઈ ગયું છે. એનાથી વધુ લોકોને એ રિશ્વતવાળો રસ્તો સરળ લાગવા લાગ્યો છે.

એક દિવસ નાયક પોતાનું કામ કરી રહ્યો હોય છે ત્યારે ત્યાં એક લાકડાનો વેપારી આમંકવા આવે છે. તે વેપારી જંગલમાંથી લાકડાં કાપી શહેર બહાર મોકલવાનો ધંધો કરતો હોય છે. માલવાહક ટ્રેનમાં તેના લાકડાં સમયસર બહાર જાય તો તેનું નુકશાન બચી જાય. આ માટે તે વેપારી નાયક પાસે આવે છે અને તેને રિશ્વત આપવાનો પ્રયત્ન કરે છે. નાયક તે કામ પોતાનું નથી વેગન ક્લાર્કનું છે તેમ કહી તેના પૈસા સ્વીકારતો નથી. વેપારીની ઘણી આજીજી છતાં તે આ કાર્ય માટે તૈયાર થતો નથી. થોડાં દિવસ બાદ તેનો સાથી ક્લાર્ક તેની પાસેથી પૈસા લઈ તેના લાકડાં મોકલવાની વિધિ કરી આપે છે. આમ નાયક એક ભ્રષ્ટાચાર રૂપી કાદવમાં રહે છે. તે આ તમામ સ્થિતિ જોઈ વિચલિત થઈ જાય છે

તેના કામ પર જ આવી સ્થિતિ છે તેવું નથી તેના ઘરે આથી વધુ ત્રાસદાયક સ્થિતિ છે. તે માત્ર તેના પગાર પર જ ઘર ચલાવતો હોઇ અન્યના ઘર જેવી સવલતો તેના પરિવારને આપી શકતો નથી. નાયક પોતાના ઘરે એક વ્યવસ્થિત જાજરૂ પણ બનાવડાવી શકતો નથી. કુદરતી હાજત માટે પણ તે નોકરીના સ્થળનો જ ઉપયોગ કરે છે. આ તમામ સ્થિતિને કારણે તેની પત્ની ઓયો અને ઓયોની મા તરફથી નાયકને તિરસ્કારનો સામનો કરવો પડે છે. ઓયો કોઇપણ ભોગે સુખ અને સમૃદ્ધિ ઇચ્છતી હતી. તે ન તો ગરીબ રહેવા માંગતી હતી ન તો ગરીબ દેખાવા માંગતી હતી.

નાયક ભ્રષ્ટાચારના પૈસા સ્વીકારતો નથી તેથી તેની પત્ની તેનાથી નાખુશ છે. વળી ઓયો અને તેની માતા નાયકના એક મિત્ર કુમ્સો સાથે મળી હોડી ખરીદવાના છે તેનાથી નાયક અલિપ્ત રહેવા ઇચ્છતો હોય છે. કુમ્સો નાયકની કોલેજનો મિત્ર છે અને તે તેનાથી બે વર્ષ આગળ હતો. હાલ તે રાજકારણી બની ગયો છે. તે પોતાના નામે માછલી પકડવાની હોડી ખરીદી શકે તેમ ન હોવાથી ઓયોની માતાના નામે ખરીદવા માગે છે. નાયક તે વાતમાં સહમત થઈ શકતો નથી. વધુમાં આજે તેણે પેલા ઈમારતી લાકડાંના વેપારી પાસેથી રિશ્વત સ્વીકારી ન હતી તે જાણી ઓયો નાયક પર ગુસ્સે થાય છે અને તેને ચીચીડોડો સાથે સરખાવે છે. ચીચીડોડો એક એવું પક્ષી છે જે વિષ્ટાને ધિક્કારે છે અને ઈયળ-કીડા ખાય છે. પણ તે ઈયળ અને કીડા માત્ર જાજરૂમાં જ ઉત્પન્ન થાય છે.

હવે નાયકનું પોતાના મન સાથે યુદ્ધ ચાલે છે. તે જે કરી રહ્યો છે તે બરાબર છે કે લોકો જે કરી રહ્યાં છે તે. કામ પર તે રિશ્વત ન લેતો હોવાથી મુર્ખ સાબિત થાય છે અને ઘરે અપમાનિત થાય છે. આ સ્થિતિમાં તે નિરાશ થઈ ઘરેથી બહાર નીકળી જાય છે. રસ્તામાં તેને પોતાના મિત્ર રામકૃષ્ણનું સ્મરણ થાય છે જે પોતાને સ્ત્રી સ્પર્શથી અળગો કરી તેના વીર્યને શીર્ષાસન દ્વારા પ્રદીપ્ત કરવાના પ્રયત્ન કરે છે. યોગ બળે ભ્રષ્ટાચાર ભરી આ દુનિયાથી દૂર તાજગી શોધતો હતો પરંતુ તેનું શરીર ક્ષયને કારણે ક્ષીણ થઈ ગયું. નાયક વિચારે છે કે અંતે આ અપ્રાકૃત પલાયન સહજપણે યોગ્ય હોય છે ખરું ? આવા વિચારો સાથે તે ટીચર પાસે પહોંચે છે. જાણે આ ટીચર તેના મનના વિચારોને પ્રગટ કરવાનો, તેની ડગમગ થતી આશાઓને ટેકો આપનારો સહારો હતો. તે ટીચરને પોતાની પત્ની સાથે થયેલ સંવાદ વિશે વાત કરે છે. ટીચર પોતાના પરિવાર વિના એકલો રહેતો હોય છે. તેની સાથે માણસ જે વાતો કરે છે તે પરથી લાગે છે કે ટીચર કશું છોડીને નીકળી ગયો છે અથવા કશું મેળવી શક્યો નથી એટલે એકાંકી જીવન વિતાવે છે. નાયકને ટીચરનું જીવન સુલભ લાગે છે કારણ કે તેને પરિવારની ઇચ્છાઓનો બોજ સહન કરવાનો નથી. નાયક તેની પત્ની ઓયો સાથે થયેલ તમામ તકરાર વિશે ટીચરને કહીને હળવો થવા પ્રયત્ન કરે છે.

આગળ કથા ચેતો વિસ્તારમાં ચાલે છે. જેમાં પ્રથમ આવે છે કોફી બિલી. કોફી બિલીને ગોરાઓ જે મજૂરી જેવું કાર્ય કરતા ન હતાં તે કામ મળ્યું હતું. તે થાકવા છતાં પ્રસન્ન ચિત્તે પોતાનું કામ કરતો પણ અકસ્માતે તેનો એક પગ ગુમાવી નિષ્કિય અને લાચાર બની જાય છે. આગળ ગોરાઓના કેરીના બગીચા પ્રગટે છે. આ બગીચાની કેરી ખાવા ત્રણ ભૂખ્યા ગરીબ બાળકો કેવી જહેમત ઉઠાવે છે તે સ્મૃતિ તાદૃશ્ય થાય છે. કોફી બિલીના મૃત્યુ અને માંનાના જીવનની કરુણતા કથામાં છવાઈ જાય છે. આગળ વધુ એક વ્યક્તિની ટ્રેજેડી આવે છે. ટ્રિકી મેન્સા જે બંદર નજીક જ રહતો હતો. તેનામાં કોઈ ખોટી કહી શકાય તેવી આદત નહોતી. જેથી તેને સારી એવી બચત જમા કરેલ. તેનો મૃતદેહ તેના ઓરડામાંથી મળ્યો હતો. તેના ઘણા મિત્રો આ હાલતમાં જોઇને ભાગી ગયા હતા. આ માણસ એગ્યાને ચાહતો હોઇ સ્લિમ તાનોએ તેને માર્યો હોવાનો અંદેશો લોકો લગાવતા હતાં. પરંતુ સ્લિમ તાનો આપોઆપ ગાંડો થઇ ગયો હતો. નાયક સત્ય અસત્ય, પ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર વચ્ચે જોલા ખાય છે. તેની પત્ની સાથે સહશયન માણી શકતો નથી. કેમકે ત્યારે તેની પત્નીના સિઝેરિયન વખતના ઘાવને સ્પર્શ થઈ જતા તે વધુ લાચારી અનુભવે છે. બીજે દિવસે વહેલો નોકરી પર પહોંચી જાય છે.

નાયક અચાનક એક દિવસ કુમ્સો અને તેની પત્ની એસ્ટેલાને રસ્તામાં મળે છે અને રવિવારના ભોજન માટે આમંત્રણ આપે છે. કુમ્સો નાયક કરતા બહુ સારી આર્થિક સ્થિતિમાં હોય છે. ઓયો તેના ભોજનમાં કોઈ કમી રહેવા દેવા માંગતી નથી. જ્યારે નાયક કહે છે કે તેઓએ કોઈ દેખાવો કરવો જોઈએ નહિ કેમકે, કુમ્સો જાણે છે કે તેઓ ગરીબ છે. ઓયો નાયકની કોઈ વાત માનતી નથી, તેને પોતાની ગરીબી દેખાડવી નથી. કેમ કે, તે અને તેની માતા મળીને કુમ્સો સાથે વ્યાપાર કરવા ઇચ્છતા હોય છે. ઓયો કુમ્સો અને તેની પત્ની માટે વિશિષ્ટ સામગ્રી દ્વારા વિશિષ્ટ વ્યંજન બનાવે છે. નાયક થોડીવાર માટે બાળકોને તેની સાસુને ત્યાં મુકવા જાય છે. ઓયોની માતા એટલે કે નાયકની સાસુને નાયક સાથે અણબનાવ જણાય છે. તેનું કારણ નાયકની પ્રમાણિકતા અને ગરીબી છે. તેની સાસુ તેને સંભળાવવાનો એકપણ મોકો છોડતી નથી. ઓયોમાં જે કોઇપણ ભોગે સમૃદ્ધ અને સુખી થવાનો વિચાર છે તે તેની માતાના મગજમાં પણ છે. બની શકે કે તે વિચાર તેની માતામાંથી જ આવ્યો હોય.

કુમ્સો અને તેની પત્ની ભોજન પર આવે છે ત્યારે વ્યવસ્થિત જાજરૂ ન હોવાને કારણે ઓયો લાચારી અનુભવે છે. કુમ્સોની પત્ની કુમ્સોના પ્રમાણમાં વધુ દંભી અને ઘમંડી જણાય છે. તેની વાતોમાં પૈસા અને સત્તાનો રૂઆબ છતો થાય છે. ભોજન દરમ્યાન જ તેમની વચ્ચે હોળી સંદર્ભે વાતચીત થાય છે. થોડાં દિવસ બાદ તેઓ કુમ્સોને ત્યાં જઈ બાકીની તજવીજ પૂરી કરી લે છે.

અચાનક જ ઘાનાની સ્થાપિત સરકારને ઉથલાવી દેવામાં આવે છે અને લશ્કર તમામ કબ્જો લઇ લે છે. કુમ્સોને જીવનું જોખમ જણાતા તે ભયભીત હાલતમાં નાયકને ત્યાં આશરો લે છે. નાયક તેને જાજો સમય છુપાવી શકતો નથી. નાયક તેને જાજરૂ નજીકના ગંદકીવાળા બાખોરામાંથી બહાર કાઢે છે અને તેઓ દરિયા કાંઠા સુધી પહોંચે છે. કુમ્સોની પત્ની એસ્ટેલા તેની માતાના ઘરે જતી રહી છે. યેન-કેન પ્રકારે નાયક કુમ્સોને તેની હોડી સુધી પહોંચાડે છે. કુમ્સો તે હોડીના ખલાસીને અડધી હોડીની માલિકી આપે છે જેથી કુમ્સો ઘાના છોડી શકે. તે હોળી સુધી પહોંચે છે ત્યાં વળી તેને અટકાવવામાં આવે છે. તે અન્ક્રુઆ એટલે કે પ્રથમ પ્રધાનનો માણસ હોઇ ઘાના છોડી શકશે નહીં. કુમ્સો તેની પાસેથી છૂટવા તેને પૈસા ચુકવે છે.

કુમ્સોને છોડી નાયક પરત ફરે છે ત્યાં રસ્તામાં તેને પાગલ અવસ્થામાં એક સ્ત્રી મળે છે. નાયકને ક્ષણભર તે માંના હોવાનો ભ્રમ થાય છે. નાયક ઘરે જવા બસ સુધી પહોંચે છે ત્યારે ત્યાં પોલીસ અને બસના ડ્રાઇવર સાથે વાતચીત ચાલી રહી હોય છે. ડ્રાઈવર લાયસન્સ સાથે એક સીદી સરકાવીને પોલીસને આપી દે છે. આ બસની પાછળ અમુક ઉપસેલા શબ્દોનું બોર્ડ હોય છે અને તે શબ્દો હોય છે: `સોંદર્યો હજુ જન્મ્યાં નથી.' આ ચીતરેલા શબ્દોને ભૂસવા તે અસમર્થ હતો. ફરી એ જ નોકરી અને ઘરની વચ્ચે તેણે જીવવાનું હતું. સત્તા પરિવર્તનથી ભ્રષ્ટાચાર રૂપી શિષ્ટાચાર હસ્તાંતરિત થયો હતો. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ પીડા રહેવાની તે અભિજ્ઞાનના સ્વીકાર સાથે તે ઘર તરફ ડગ માંડે છે.

કથામાં ઘટના તરીકે માત્ર બે ચાર બનાવો છે જેમાં નાયકની નોકરી પર થયેલા વ્યવહારો અને કુમ્સો સાથેની મુલાકાત સામેલ છે. મોટેભાગે આ કથા એક અરૂઢ ગદ્યમાં વહે છે. આ ગદ્ય શૈલી જ કથાનો મોટો ભાગ રોકે છે. નાયક તેની આસપાસના પાત્રો સાથે જાજી વાત કરતો નથી એટલે નાયકના મનોસંચલનો પણ આ કથાનો બીજો મજબૂત હિસ્સો બને છે. જેમ કુમ્સો ભ્રષ્ટ સત્તાના અધિકારીનું પ્રતીક બને છે તેવી રીતે નાયક અહિ એક પ્રમાણિક મનુષ્યની પ્રતીકાત્મક સ્થિતિ દર્શાવે છે. નાયકની મન:સ્થિતિ ઘૂંટાઇ ઘૂંટાઇને નાયકને વધુ ભાવનાત્મક બનાવે છે. આઝાદી પછી ઘાનાની સ્થિતિ માત્ર ભ્રષ્ટાચારને કારણે જ દયનીય નથી. એ સિવાય આરોગ્ય અને સામાન્ય સુવિધા પ્રત્યે પણ જે દુર્લક્ષ્ય સેવાઇ રહ્યું છે તે પણ છે. લોકો ગરીબી અને લાચારીને કારણે આત્મહત્યા સુધી પહોંચી રહ્યા છે.

કથામાં કોઈ સળંગ સુત્રતા નથી. કથાની શરૂઆત એક બસના પ્રવાસથી થાય છે અને કથાનો અંત બસના પ્રવાસથી જ થાય છે. જાણે આ એક નિરંતર ચાલતો પ્રવાસ છે.

સંદર્ભ

  1. સૌંદર્યો હજુ જન્મ્યાં નથી, અનુ. પ્રવીણ દરજી, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય: અમદાવાદ, પુનમુદ્રણ:૨૦૦૯, The Beautiful Ones Are Not Yet Born, Ayi kwei Armah, Hainemann Educational Books- Landon, 1969.

પ્રા. જિજ્ઞાબા રાણા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કૉલેજ વલ્લભીપુર, વલ્લભીપુર, જિ: ભાવનગર ફોન-૮૬૯૦૩૨૭૩૨૭, Email- jigna.msu@gmail.com