Included in the UGC-CARE list (Group B Sr. No 172)

વિશ્વપ્રસિદ્ધ અને ક્લાસિક કૃતિ ‘સિદ્ધાર્થ’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

નોબેલ પારિતોષિક વિજેતા લેખકની વિશ્વપ્રસિદ્ધ અને ક્લાસિક કૃતિ એટલે ‘સિદ્ધાર્થ’. ડૉ.ભરત મહેતા નવલકથા શરૂ થવા પહેલાં પોતાના લેખમાં લખે છે કે “હરમાન હેસને નોબેલ પુરસ્કાર મળ્યો તે ‘સિદ્ધાર્થ’ નવલકથા માટે નહિ પણ એમની અન્ય રચના માટે છતાં હરમાન હેસ અને ‘સિદ્ધાર્થ’ એકમેકના પર્યાય પેઠે સાહિત્યરસિકોની જીહવાગ્રે વસેલા છે.” ઈ.સ.૧૯૨૨માં મળતી આ ક્લાસિક કૃતિમાં ભરતીય આધ્યાત્મિકતાની સાથોસાથ આધુનિકતા અને અસ્તિત્વની પણ છાંટ જોવા મળે છે. પ્રસ્તુત નવલકથા કુલ ૧૨ પ્રકરણો અને ૧૧૩ પૃષ્ઠોમાં વહેંચાયેલી છે. પ્રથમ ચાર પ્રકરણ ભાગ-૧માં અને બીજા આઠ પ્રકરણ ભાગ-૨માં સમાવ્યા છે. મૂળે જર્મનમાં લખાયેલી આ નવલકથાનો અનુવાદ અલકેશ પટેલે કરેલો છે.

સિદ્ધાર્થ નગરના અત્યંત પ્રતિષ્ઠિત બ્રાહ્મણનો પુત્ર છે. તેમણે આત્માના ઊંડાણમાંથી સમગ્ર બ્રહ્માંડની સાથે પરમાત્માનું અનુસંધાન જોડવાની વિદ્યા શીખી લીધી છે. એક દિવસ હંમેશા પરિભ્રમણ કરતાં ત્રણ સાધુઓ તેમના નગરમાં આવ્યાં અને સિદ્ધાર્થે તેમની સાથે જવાનો નિર્ણય કર્યો; ત્યારબાદ તે સર્વનો ત્યાગ કરીને જંગલમાં જઈ સાધુવેશ ધારણ કરે છે. તેની સાથે તેમનો મિત્ર ગોવિંદ પણ સન્યાસ વેશ ધારણ કરે છે. બંને ત્રણ વર્ષ સુધી ખૂબ આકરી સાધના કરે છે. સિદ્ધાર્થ જે જીવનનું સત્ય શોધતો હતો તે તેને ન મળતાં એ સાધુ જીવનનો ત્યાગ કરીને જંગલમાં નીકળી પડે છે. ત્યાં તેમને તથાગત બુદ્ધનો ભેટો થાય છે. તેમનો ઉપદેશ સાંભળે છે તથા તેમની સાથે સંવાદ કરે છે, પરંતુ તેમને સંતોષ ન થતાં તે ક્યાંય પણ રોકાયા વિના વિચારમંથન કરતાં કરતાં અને પોતાની જાત સાથે સવાલ કરતાં એ જંગલમાં ફરતો રહે છે.

ફરતાં ફરતાં સિદ્ધાર્થ નગરમાં પ્રવેશ કરે છે. ત્યાં તે ગણિકા કમલાના પરિચયમાં આવે છે. તેમની સાથે સંબંધમાં આવતા સિદ્ધાર્થ વર્ષો સુધી કમલાને સંસારી રૂપે ભોગવે છે. સન્યાસ વેશ ત્યજી સંસારી વેશ ધારણ કરે છે. કમલાના કહેવા પ્રમાણે તેમની પાસે જવા માટે સુંદર વસ્ત્રો, સુંદર પગરખાં, ખિસ્સામાં ઘણા બધા પૈસા તથા તેને આપવા માટે ભેટ-સોગાદો હોવા જોઈએ, પરંતુ સિદ્ધાર્થ પાસે એમાનું કશું નહિ હોવાથી તે નગરમાં વસતા કામસ્વામી સાથે વેપારમાં કામ કરે છે અને પોતે ધનાઢ્ય બને છે. સંસારના લગભગ તમામ દુષણો તેનામાં પ્રવેશી જાય છે. છેવટે તે કમલાની કામક્રિડાથી કંટાળી, સંસારિક સ્વપ્નાવસ્થા પૂર્ણ થતાં આ સર્વનો પરિત્યાગ કરી જંગલમાં ચાલ્યો જાય છે. પોતે સાધુવેશમાં હતો ત્યારે નદી પાર કરાવતા જે નાવિકની કુટિરમાં એક રાત રોકાયો હતો એ વાસુદેવ સાથે નદી કિનારે રહેવા લાગે છે. એક દિવસ બુદ્ધના દર્શને જતાં કમલા અને તેનાં પુત્રનું સિદ્ધાર્થ સાથે મિલન થાય છે. ત્યાં સાપ કરડવાથી કમલાનું મૃત્યું થાય છે અને તેનાં પુત્રની(આમ તો સિદ્ધાર્થ અને કમલાનો જ) જવાબદારી સિદ્ધાર્થ પાર આવી જાય છે. શ્રમણવેશે રહેલાં મિત્ર ગોવિંદનું મિલન થાય છે અને અધ્યાત્મ સાધના આગળ વધે છે. આમ, સંસારની સર્વ પીડામાંથી મુક્ત થવું, મોક્ષ પામવો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, પરમાત્મામાં ભળી જવું વગેરે વસ્તુ નવલકથામાં આવે છે. આ નવલકથાનું કથાવસ્તુ એટલું ઉત્તમ અને રસિક છે કે સંપૂર્ણ નવલકથા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉઠવાનું મન જ થતું નથી.

પ્રસ્તુત નવલકથામાં પાત્રો સીમિત છે. મુખ્ય પાત્ર તરીકે સિદ્ધાર્થ છે. એ ઉપરાંત નગરના અત્યંત પ્રતિષ્ઠિત બ્રાહ્મણ સિદ્ધાર્થના પિતા, સુમધુર ગીતોની ગાયિકા માતા, પ્રિય મિત્ર ગોવિંદ, હંમેશા પરિભ્રમણ કરતાં તપસ્વી ત્રણ સાધુઓ, તથાગત બુદ્ધ, પીળા વસ્ત્રો ધારણ કરેલાં બુદ્ધના શ્રમણો, રસની ખાણરૂપ અને સંસારના ઉત્તમ સુખરૂપ કામકલા વિશારદા ગણિકા કમલા, કમલાના સેવકો, અઢળક સંપત્તિના સ્વામી કામસ્વામી, નદી કિનારે રહેતો નાવિક વાસુદેવ, ગણિકા કમલાનો નિર્દોષ પુત્ર જેવા અનેક પાત્રો આલેખાયેલા છે. દરેક પાત્રો પોતાનું કાંઈક અલગ જ અસ્તિત્વ ધરાવે છે. અમુક પાત્રો કાંઈક વિશિષ્ટ વ્યક્તિત્વવાળા છે. લેખકે કરેલું દરેક પત્રોનું આલેખન નવલકથાને સર્વથા ઉપકારક છે.

નવલકથામાં અનેક પાત્રો વચ્ચે ઘણાં રસપ્રદ સંવાદો જોવા મળે છે. નવલકથાના ભાગ-૧ના બીજા પ્રકરણ ‘સાધુઓ સાથે’માં ગોવિંદ અને સિદ્ધાર્થ પોતાનું વન્ય જીવન ગાળતાં હતાં અને સાધુઓ પાસેથી ઘણું બધું શીખ્યા હતાં છતાં પણ સિદ્ધાર્થના મનમાં અનેક પ્રશ્ન ઉદભવે છે:
સિદ્ધાર્થ: ‘ગોવિંદ, તને શું લાગે છે – આપણે કોઈ પ્રગતિ કરી શક્યાં છીએ?’
ગોવિંદ: ‘આપણે થોડું શીખ્યા છીએ અને હજુ શીખી રહ્યાં છીએ. સિદ્ધાર્થ, એક દિવસ તું પવિત્ર વ્યક્તિ હોઈશ.’
સિદ્ધાર્થ: ‘મને એવું નથી લાગતું મિત્ર. આપણે અત્યાર સુધી જે કંઈ શીખ્યા છીએ એ તો હું કોઈ પણ ગણિકાના કોઠા પર કે કોઈ કુલી પાસેથી અથવા જુગારિયા પાસેથી પણ શીખી શક્યો હોત.’ ”[1]
“ગોવિંદ: ‘તું મજાક કરે છે. આપણે ઘણું શીખ્યા છીએ મિત્ર અને હજુ ઘણું શીખવાનું બાકી છે.’
સિદ્ધાર્થ: ‘આ બધી ભ્રમણા છે, યુક્તિઓ છે, પણ વાસ્તવમાં કશું જ પ્રાપ્ત થતું નથી. સાચો માર્ગ મળતો જ નથી.’
ગોવિંદ: ‘આવી નિરાશાની વાતો ન કરીશ.’ [2]

આ ઉપરાંત નવલકથાના પ્રથમ ભાગના ત્રીજા પ્રકરણ ‘ગૌતમ’માં આવતો ગૌતમ અને સિદ્ધાર્થ વચ્ચેનો સંવાદ તથા નવલકથાના બીજા ભાગના પ્રથમ પ્રકરણ ‘કમલા’માં આવતો સિદ્ધાર્થ અને કમલા વચ્ચેનો સંવાદ ખૂબ રોચક રીતે નીરૂપાયો છે. એ સિવાય નદીના નાવિક વાસુદેવ અને સિદ્ધાર્થ વચ્ચે થયેલો સંવાદ ઘણો ગુઢાર્થી છે. મારા મત પ્રમાણે વાસુદેવ અને સિદ્ધાર્થને નદી દ્વારા મળતો જવાબ પણ એક સંવાદનું જ રૂપ કહી શકાય. આ રીતે નવલકથામાં પાત્રોચિત, વિષયોચિત અને ખાસ કરીને નવલકથાને વેગ આપે તેવા વૈવિધ્યસભર સંવાદો લેખકે મૂક્યાં છે.

ભાગ-૧ના પ્રથમ પ્રકરણ ‘બ્રાહ્મણપુત્ર’માં મહેલ જેવી વિશાળ હવેલીનું વર્ણન, જાતજાતની ધાર્મિક વિધિના વર્ણનો, શાસ્ત્રોની ચર્ચા-વિચારણા કરતી વિદ્વાનોની સભાના વર્ણનો, સિદ્ધાર્થના માતાની સુમધુર ગીતો ગાવાની અભિરુચિનું વર્ણન, સિદ્ધાર્થના વ્યક્તિત્વદર્શક વિવિધ વર્ણનો તથા બીજા પ્રકરણ ‘સાધુઓ સાથે’માં સિદ્ધાર્થના વિવિધ તપ, આરાધના, સાધના, ઉપવાસ, ધ્યાન અને કઠોર ત્યાગવૃત્તિના વર્ણનો પ્રભાવક છે. ત્રીજા પ્રકરણ ‘ગૌતમ’માં બુદ્ધના વ્યક્તિત્વનું વર્ણન ઘણું આકર્ષક છે. આ ઉપરાંત પણ નવલકથાના બીજા ભાગના પ્રથમ ત્રણ પ્રકરણો ‘કમલા’, ‘લોકોની વચ્ચે’ અને ‘સંસાર’ વર્ણનકલાની દ્રષ્ટિએ ઉત્તમ છે. ગણિકા કમલાનાં રૂપ વર્ણનો, કામક્રીડાના વર્ણનો, વિભિન્ન ચેષ્ટાઓ, ચુંબન વૈવિધ્ય, તેની કામોત્તેજક વાકછટા, સંબોધનો તથા ભોગવિલાસના ભરપૂર વર્ણનોમાં વર્ણનકલા શિખરે રહી છે એવું આપણે કહી શકીએ. ક્યારેક ગદ્યમાં પદ્યનો અનુભવ થાય એવા વર્ણનો પણ જોઈ શકાય છે. આમ, વર્ણનો રસિક, કલાત્મક અને આહલાદક હોવાથી નવલકથાને આકર્ષક ઓપ આપે છે.

સિદ્ધાર્થ નવલકથાની ગદ્યશૈલીમાં ઘણી વિવિધતા જોવા મળે છે. જેમકે- “ધર્મગ્રંથો, અને તેમાંય ખાસ કરીને સામવેદનાં ઉપનિષદોમાં આ અંતરાત્માની ચર્ચા કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે, ‘તમારા આત્મામાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે.’ ”[3] આ વાક્યમાં એક જ્ઞાનાત્મક ગદ્યશૈલી જોવા મળે છે. “મનુષ્ય ઊંઘમાં પોતાની જ અંદર પ્રવેશીને આત્મામાં નિવાસ કરે છે.”[4] આવી ચિંતનાત્મક ગદ્યશૈલી પણ આલેખાય છે. તથા “તેનાં કાળા-ઘેરા વાળ, ચમકતો-સુંદર અને અત્યંત ચતુર ચહેરો જોયો, તાજા જ કાપેલાં અંજીર જેવા રતુંબડા હોઠ જોયા, સુંદર વળાંકવાળી ભ્રમરો જોઈ, કાળી-ચાલાકીથી ભરેલી તથા તીવ્ર અવલોકન કરતી આંખો પણ જોઈ. સોનેરી કોરવાળા લીલા ગાઉનમાંથી ઉપસતી સુકોમળ ડોક પણ નિહાળી. તેનાં સુંદર છતાં મજબૂત હાથ આકર્ષક હતાં અને કાંડા પર સોનાનાં પહોળાં કડાં હતાં.”[5] આમ આવી આલંકારિક, વિષયાનુરૂપ, કલાત્મક, કમનીય, પારદર્શક અને અલંકાર પ્રચુર ગદ્યશૈલી અનુભવાય છે.

નવલકથાના સ્થળ વર્ણનોમાં નગરીનું વર્ણન, તેનો વૈભવ, નગરની વિશિષ્ટ રચના, ઉત્તમ ઉદ્યાનો, પાલખીઓ, સમુદ્ર આવાસો, મહેલ જેવી વિશાળતમ હવેલીઓના સ્થળ વર્ણનો, વૈવિધ્યપૂર્ણ અને આહલાદક વાતાવરણનું નિરૂપણ કરીને વર્તમાનકાળના વાચકોને જાણે કે પ્રાચીનકાળમાં લઇ જાય છે. વાચકને ભગવાન બુદ્ધ પ્રત્યક્ષ અનુભવાય છે. આમ આ રીતે નવલકથાનાં અનેક સ્થળો તથા તેમાં આવતાં વાતાવરણનું ખૂબ સરસ આલેખન લેખકે કર્યું છે.

સિદ્ધાર્થ નવલકથા નાયક પ્રધાન સાહિત્ય કૃતિ છે. કુલ બે ભાગ તથા ૧૨ પ્રકરણોમાં વિભાજીત નવલકથામાં નાયક સિદ્ધાર્થની આરંભથી અંત સુધી પ્રધાનતા જોવા મળે છે. કથાવાસ્તુનો આરંભ અને અંત નાયક સિદ્ધાર્થ દ્વારા જ થાય છે. જ્યાં-જ્યાં સિદ્ધાર્થ જાય છે ત્યાં-ત્યાં કથાવસ્તુ વિકસે છે. નવલકથાની મુખ્ય ઘટનાઓમાં હંમેશા નાયક સિદ્ધાર્થનું સ્થાન રહેલું છે. અધિકાંશ સંવાદોમાં પણ તેમની સહયોગીતા રહેલી છે. અન્ય પાત્રો પણ કોઈને કોઈ પ્રકારે નાયક સિદ્ધાર્થ વિશે જ વિચાર કરે છે. આ સર્વ કારણોથી સિદ્ધ થાય છે કે ‘સિદ્ધાર્થ’ શીર્ષક સુયોગ્ય, સર્વથા ઉચિત અને ઉત્તમોત્તમ છે.

‘સિદ્ધાર્થ’ નવલકથામાં જ્ઞાન, ઉપદેશ, અધ્યાત્મ, ગીતાનો સંદેશ, સંસારમાંથી મુક્તિ, વેદનાથી મુક્તિ જેવી અનેક વાતો રહેલી છે તથા કોઈને કોઈ પાત્ર આ વાતનું ઉદાહરણ બનીને પણ પ્રસ્તુત થાય છે. પ્રવાહિતાના પ્રતીકરૂપ નદી પણ અહીં નવલકથાને બાંધવામા મદદરૂપ થઇ છે. આમ અનેક પાસાઓ દ્વારા નોબેલ પારિતોષિક વિજેતા લેખક હરમાન હેસની આ વિશ્વપ્રસિદ્ધ અને ક્લાસિક કૃતિ ‘સિદ્ધાર્થ’ કલાકૃતિની દૃષ્ટિએ ઉત્તમ સિદ્ધ થાય છે.

પાદટીપ

  1. લેખક-હરમાન હેસ, અનુવાદક-અલકેશ પટેલ, ‘સિદ્ધાર્થ’, અરુણોદય પ્રકાશન- અમદાવાદ, ચોથી આવૃત્તિ : જૂન, ૨૦૧૬, પૃષ્ઠ-૧૪
  2. એજન, પૃષ્ઠ-૧૫
  3. એજન, પૃષ્ઠ-૩
  4. એજન, પૃષ્ઠ-૩
  5. એજન, પૃષ્ઠ-૪૦

જયના એમ. પરમાર, મો. 9537336409 E-mail: jaynaparmar3796@gmail.com