લઘુકથા: આખરે...
ઈચ્છો ન ઈચ્છો નજરમાં આવ્યા કરે. અમુક સમય એવો હોય ત્યારે એ તરફ નજર જાય. નોંધાય બધું. માણસને ઘરની ઈચ્છા થાય ત્યારે એ જાતજાતના ઘરને પોતાના મનમાં નોંધતો રહે. ઈચ્છિત ઘર બનાવી લીધું હોય કે મેળવી લીધું હોય તો પણ.
ઘર કેટલા જોયા મેં. તમે પણ જોયા હશે.
- આલિશાન ઘર, બગીચાઓવાળું.
- મોટું ઘર, બગીચો કે મોટું ઘર.
- મધ્યમ ઘર
- આમાં ફ્લેટ અને ટેનામેન્ટ પણ આવી જાય. ગામડાનું કે શહેરનું પણ ગણી લેવાનું.
- કૂબો કે ઝૂંપડી કે એકાદ ઢાળિયાવાળું કે કાચું ઘર.
- ઝૂંપડપટ્ટીના ઘર આપણે બધાએ જોયા છે.
ઘર માણસની આર્થિક શક્તિનો ખયાલ આપે છે.
મારા શહેરના એક સર્કલ પાસેથી હું નીકળ્યો ને મારી નજર ગઈ. સર્કલ બહારની ફૂટપાથ પર એક બાંકડો. ફાટેલ કપડા વડે બાંકડાને ઢાંકેલો. બાંકડાની નીચે કશું મળે નહિ. અતિ વૃદ્ધ, મરવા પડી હોય તેવી એક ડોશી ત્યાં બેઠી હતી. બાજુમાં એક નાનકડું મટકું હતું. પાણી પીવા એક માટલું ને એક સ્ટીલની નાનકડી બરણી હતી. બાજુમાં એક કૂતરું સૂતું હતું. ડોશીના એકાદ બે કપડા સર્કલની લોખંડની જાળી પર સૂકાતા હતા. બસ, આ હતું એનું ઘર.
પળવારમાં આ ઘર મારી નજર સામે આવી ગયું ને ઓઝલ થઈ ગયું. પણ એને જોઈ મન સૂન્ન થઈ ગયું.
પણ સમજાયું કે ઘર આખરે ઘર જ હોય છે ને !