Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘કોરું આકાશ’ : કરુણથી શાંતની દિશા દોરતા મૃત્યુઘેરા અંધકારની આકૃતિ

કૃતિમાંથી પસાર થતાં મનમાં, એમ જ થોડા પ્રશ્નો જન્મ્યાં :
- વટ અને વ્યવહાર – બેમાંથી કોણ ચડે ?
- પ્રતિજ્ઞા તોડવાની ક્ષણે માનવમન પર શું વીતે ?
- જિદ્દ, બન્ને પક્ષે સુખદ પરિણામ નિપજાવી શકે?
- ધર્મસંકટનો વ્યવહારુ ઉકેલ કયો?

*****

લઘુનવલની સ્પર્ધામાં ખડકાયેલી ઢગલાબંધ કૃતિઓમાંથી કોઈ એકને નંબર આપવાની નિર્ણાયક ક્ષણ તમને વારંવાર પેલા ઢગલા પાસે લઈ જાય; વારંવાર તેનું વાંચન કરવા મજબૂર કરે; વારંવાર ઉત્તમને શોધવાની મથામણમાંથી પસાર કરે; વારંવાર સર્જકતાના અંશોને ઝીલતી ને લઘુનવલ તરીકે ટકી શકે તેવી રચનાને તારવવામાં સમય ખાય ! અંતે, આશા જગાવતી કોઈ એક કૃતિ પાસે અટકવા મન રાજી થાય !

એક રાતના સમયખંડ પર ઊભા રહીને એ ક્ષણોમાં જીવનભરના ચડાવ-ઉતારનો હિસાબ આલેખતી કોઈ સંકટક્ષણ ૮૦-૯૦ પાનાંમાં વિસ્તારવી ને એ ક્ષણનું સાતત્ય જાળવી રાખવું, કસોટી પળથી સહેજેય ઓછું તો ન જ અંકાય !

*****

અજય સોનીએ ’રેતીનો માણસ’થી સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચેલું. એક સારા વાર્તાકારની પૂરી શક્યતાઓ એમાં જોઈ હતી. ‘કોરું આકાશ’માંથી પ્રારંભે નિર્ણાયક તરીકે પસાર થવાનું થયું ત્યારે સર્જકનામ તો તેમાં હતું નહીં; પણ વિષયપસંદગી, તેની નિરૂપણરીતિ અને સમયતત્ત્વની ઠીકઠીક માવજતે સ્પર્ધામાં આવેલી અન્ય લઘુનવલો કરતાં ખાસ્સું કાંઠું કાઢ્યું. પારિતોષિક અર્પણ પ્રસંગે તેના સર્જક તરીકે એ જ ‘રેતીનો માણસ’કાર અજયને સામે જોતાં આનંદ થયો.

*****

કોઈ સર્જક જ્યારે એમનાં સર્જનમાં પાત્રોની સાથે પરિવેશને પણ સાંકળે ને વાતાવરણને પણ ગૂંથે, ત્યારે એ કૃતિને જોવા-તપાસવાની નવી દિશા ખૂલતી ભળાય. સમયના પરિમાણ પર જ્યારે એ નવું નકશીકામ કંડારે, ત્યારે તો ઓર શક્યતાઓ વિકસતી જણાય. ઘટનાને વળ દેવા માટે અવનવા વળાંકોથી એક આકાર રચાય અને તળનો સંસ્કારવૈભવ એમાં ભાતીગળ રંગ પૂરે.

*****

આ લો, કૃતિને જ ખોલી આપું.

મુખ્ય પાત્ર કેસર, જમના, રણમલ સાથે વસ્તુને વિકસાવવા સહાયરૂપ બનતાં નારણ, દેવજી, ભગત, મંજુકાકી જેવાં પાત્રોથી મૃત્યુની નાજુક ક્ષણને વટ-વચન, પણ-પ્રતિજ્ઞા ને જિદ્દ-જુબાનથી રહસ્યમય, કુતૂહલકેન્દ્રી ને જિજ્ઞાસાપ્રેરક બનાવતું કથાનક, એક રાત્રિના સમયપટ પર વિસ્તરતું માનવમનની અકળ ઊથલપાથલને અંકે કરે છે. વૈધવ્ય, ને એય બેવડું; ને એ પણ એક સાથે બે સ્ત્રીનું એક સમયે-સ્થળે-પાત્રે કલ્પવું એ ઘટના જ રસિક બની રહે ! કરુણને કેન્દ્રમાં રાખીને માનવમનના વિશેષો દ્વારા સંઘર્ષની ક્ષણને પ્રારંભથી અંત સુધી વિસ્તારી, સમાધાનકારી ઉકેલ શોધતા સર્જક ‘ધર્મ’ અને ‘ધરમ’ – માનવધરમની આંગળી ઝાલી વિવેકપૂર્વક વર્તે છે એ આનંદની વાત છે.

લઘુનવલનો આરંભ કટોકટીભરી ક્ષણથી થાય છે. અંધારી રાતે વિધવા બનતી કેસર જિદ્દ લઈને બેઠી છે કે જમના આવે તો જ એના હાથે મારી ચૂડી ભંગાવું; ચાંદલો ભૂંસાવું. તો જ મરણપોક મૂકું ! સામે છેડે જમના પચ્ચીસ વર્ષથી ગામ છોડી, ગામમાં ન આવવાની પ્રતિજ્ઞા લઈ મઢી સ્થાપી, જમનામા બની ગઈ છે! એક તરફ જિદ્દ ને બીજી તરફ પ્રતિજ્ઞા વચ્ચે આકારાતી લઘુનવલ પુત્ર દેવજી અને પુત્રસમા નારણ સાથે ભગત અને મંજુકાકીની શંકા-કુશંકાને ઉપરતળે કરતી, પાશ્વાદભૂમાં પીઠઝબકારની કથાના તંતુ જોડતી રહે છે. વહેલી સવારે થતું ભળભાંખળું આશાનું કિરણ ઉગાડે છે ને ગામમાં જમનામાનાં પગલાં પડે છે! અવઢવો ને અટકળોનો અંત આવે છે-પણ આ અંત સુધી પહોંચતાં પાત્રચિત્તનો આંતરસંઘર્ષ કહો, કે આવવા-ન આવવા, જવા- ન જવા વચ્ચેનો દ્વંદ્વ, એનાં મૂળ અને કારણો; એની વ્યવહારિકતા અને એના વાજબીપણા સાથે નિરૂપાતો વાચકને કથા સાથે જોડી રાખે છે. કેસર, જમના અને રણમલનાં આશા અને અરમાનો, હતાશા અને નિરાશા, શક્યતા અને સંભાવના કથાપ્રવાહને ગતિશીલ રાખી શક્યાં છે.

રણમલના મૃત્યુથી આરંભાતી કથા પ્રારંભે રહસ્યનાં જાળાં ગૂંથે છે. રણમલના મૃત્યુથી કેસર રાંડી એ વાત સ્વીકારતો ભાવક કેસર બીજાવાર રાંડ્યાના આલેખને અચંબો પામતો, અનુમાનો કરતો થાય ત્યાં જ લેખક બીજું રહસ્ય આકારે ! જમના કોણ? જમના માટેની કેસરની જિદ્દ શા માટે? વગેરે પ્રશ્નો રાત્રિના અંધારઘેર્યાં ભારેખમ વાતાવરણ સમા મૂંઝવતા રહે. વર્ષો પહેલાં ગામ છોડીને મઢીએ વસતી જમના પણ રહસ્યઘેરી બની રહે. જમનાએ શા માટે ગામ છોડ્યું? શા માટે ગામમાં ફરી પગ ન મૂકવાની પ્રતિજ્ઞા કરી? પરણ્યાને બીજે જ વર્ષે પહેલીવાર રાંડેલી કેસરનાં ચૂડી-ચાંદલો ભાંગતી-ભૂંસતી જમના આ વખતે નહીં જ આવે એવો ગામલોકો કયા આધારે નિર્ણય કરે? વગેરેના તાર લેખક અજોડ જ રહેવા દે! અંધારું ઘુંટાતું જ રહે! માગશરની ટાઢ થીજવતી જ રહે આ પ્રશ્નોને !

આ લઘુનવલ મુખ્યત્વે બે સ્થળસંદર્ભો વચ્ચે આવ-જા કરે છે. એ બે સ્થળ એટલે ગામ અને ગામથી દૂર જમનામાની મઢી. એ બે સ્થળને નદી જોડે છે; અથવા કહો કે જુદાં પાડે છે ! એક કોર મઢીમાં જમનામા સંસારનાં બધાં બંધનો તોડી-છોડી એમના આરાધ્ય શંકર સાથે જોડાઈ ચૂક્યાં છે; તો બીજી કોર ગામ, ગામની વચ્ચે કેસરનું ખોરડું; એક જ ભીંતે બાજુમાં ઊભેલું જમનાનું ઘર; ને ભગત, મંજુકાકી, નારણ, નબુમા, હરિ, દેવજી ને કાન્તાડોસી જેવાં થોડાં પાત્રો! કથાના પ્રારંભે ગામથી મઢી તરફ સાશંક ગતિ કરતાં થોડાં પાત્રો ને કથાંતે મઢીથી ગામ તરફ સરતાં બીજાં બેએક પાત્રો વચ્ચે કથા ગૂંથાતી રહે છે. મજાની વાત અહીં એ છે કે આ પાત્રો ઉપરાંત પણ, મોટાભાગનાં પ્રકરણોમાં હાજરી પુરાવતા શંકરને સૂચિત પાત્ર ગણી શકાય, એ પ્રકારે જમનાના આરાધ્ય આલેખાયા છે ! ને સાથેસાથે પ્રતિક બનવા તરફ ગતિ કરતી અંધારઘેરી કાળી રાત અને હાડ થીજવી નાખતી ટાઢને પણ તમે અનુભવી શકો એ પ્રકારે ને એટલીવાર પ્રકરણે-પ્રકરણે દેખા દે છે! અર્થાત્, એને પણ તમે સાક્ષીભાવે પાત્રરૂપે કલ્પી શકો.

સર્જકની મદદે લોકમાનસ અને લોકરૂઢિ/લોકખ્યાલ આવે છે. વસ્તુઓનું કાઠું ઘડવામાં એનો મસમોટો હાથ ગણી શકાય. વસ્તુબીજ આપણી પરંપરા, માન્યતા, ખ્યાલો, રૂઢિ અને રિવાજોમાંથી જડ્યું છે એ નિર્વિવાદ છે. તળપ્રદેશ અને તળસંસ્કૃતિથી જ્ઞાત આ સર્જક વિધવા અને વાંઝણીના આંતરમનને જાણી ચૂક્યા છે. ગમે તેટલા વિકાસ પછી પણ પુત્રઝંખના ઘટી નથી. ‘પગલીનો પાડનાર’ ન માત્ર સ્ત્રીની જ, પુરૂષની પણ મહેચ્છા હજુ મરી નથી. પરિણામે સમયાંતરે ‘છોરું ન જણી દે એ બાયડી ગમે તેવી હોય તોય અભાગણી’ , ‘છોરા હારુ માણસ ચારચાર બાયડી કરે છે.’ , ‘વંશ આગળ વધે એ જોવાનું હોય છે’ , ‘છોકરા હોય તો ઘર તો ઉઘાડું રે’ જેવી લોકવાણીના પડઘા ભાવકને, જમનાને, કેસરને ને રણમલને કાને પણ ઝીલાતાં વાતને વળ ચડે ને કથાને ગતિ મળે. બીજ એમાંથી ફળદ્રુપ બને ને વાર્તાવિકાસનું નિમિત્ત બને છે.

ત્રીજા પ્રકરણથી વાચક થોડા સંકેતો પકડતો જાય છે. ચોથામાં એ સંકેતમાં કડી મળે છે ને પછી આછું-આછું ભાવક પામતો જાય છે. પરણ્યાને બીજે વર્ષે સંતાનવિહોણી કેસર વિધવા થાય ને પછી એ જ કેસરને તમે દેવજીની મા તરીકે જુઓ ત્યારે પ્રશ્ન તો જન્મે, પણ તમને એનો તંતુ કથામાંથી જ મળી રહે. દેવજી, કેસરના બીજી વારના પતિ રણમલથી જન્મેલો પુત્ર ! તો પછી રણમલના મૃત્યુથી જમનાની પણ ચૂડી કેમ ભાંગે તેની કથા પછીનાં પ્રકરણોમાં આંકડા મેળવતી રહે છે. સર્જકની આ વસ્તુસંકલના આથી જ, ભાવકને કથા સાથે સાદ્યંત જોડી રાખે છે.

કેસરને વૈધવ્યનું ને પડોશમાં રહેતી બહેનપણી જમનાને વાંઝિયા હોવાનું દુ:ખ એક નવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. જમનાના પતિ રણમલની વારંવારની પુત્રઝંખના જમનાને પણ અકળાવે. પુત્ર ન આપી શકતી પત્નીથી વિમુખ થતો જતો રણમલ દારૂના રવાડે ચડે. એને વારવો જ રહ્યો. શંકરમાં સમાધાન શોધતી જમના ભગતને મધ્યસ્થી બનાવી કેસર અને રણમલના બેવડા દુ:ખનો એક માર્ગ શોધે છે. રણમલને કેસર સાથે પરણાવીને રહે છે ! આ દરમિયાન જમનાની જ નહીં, કેસર અને રણમલની મનોદશાનો ચિતાર લેખકે આલેખ્યો છે. નિર્ણાયક એવી આ પરિસ્થિતિમાંથી જન્મતો આંતરસંઘર્ષ વધુ પાનાં ન રોકતો હોવા છતાં ભાવકના ચિત્તમાં કાયમનું સ્થાન કરી શકે એટલો સશક્ત છે. આ બધું સીધું જ નથી આવતું; પણ સ્મરણોરૂપે, તત્ક્ષણ પરિસ્થિતિની પૂરકસામગ્રીરૂપે ને રહસ્યના તારને ઉકેલવાની એક પછી એક કડી રૂપે આવે છે. પરિણામે પ્રારંભે આલેખાયેલી કટોકટીભરી સ્થિતિ અંત સુધી ટકી રહે છે. ઘેરી કાળી રાતનો ભાર સતત વમળો સર્જતો રહે છે. અંધારું, પ્રકરણે પ્રકરણે હાજરી પુરાવતું કરુણ ગંભીર, તનાવભરી સ્થિતિનાં વર્તુળો રચતું રહે છે.

વચ્ચે ચમકી જતી સુખની એકાદ લકીર જેવી, જમના-રણમલની મેળામધ્યેની પ્રથમ રોમાંચક મુલાકાતને બાદ કરતાં સમગ્ર લઘુનવલનો પ્રધાનરસ કરુણ-ગંભીર છે. જમનામાના ચરિત્રમાં એમનાં વાણી-વર્તનથી વ્યક્ત થતો ભક્તિનો શાંતરસ પૂરક ગણી શકાય. જમનાનું પચ્ચીસ વર્ષનું તપ કહો કે શંકરની ભક્તિના થોડાં ઊજળાં પરિણામો પણ ગામ, તેમજ ભાવકને સાંપડ્યાં છે. ખાસ તો, રણમલના મૃત્યુ રાતે એકતારાનો તૂટતો તાર અને ચલિત મનની સ્થિતિનો ચિતાર એના દ્રષ્તાંત રૂપે જોઈ શકાય.

કથાન્તે, કેસરની જિદ્દ જીતે, જમનાની પ્રતિજ્ઞા તૂટે, ગામ-લોકની અવઢવનો પણ અંત આવે છે. એ બધું સાયાસ છતાં સહજતાથી, આયોજીત છતાં સ્વાભાવિકતાથી આલેખ્યું છે એનો આનંદ છે. એ કેમ થયું એના સંકેતો સમજદારીપૂર્વક લેખકે વચ્ચે-વચ્ચે ગૂંથી લીધા છે. ભગવાં લૂગડાંને મઢીએ જ રાખી કાળી કામળી ઓઢતાં જમનામા ગામમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા તો તોડે છે; પણ ધરમ એનો સંભાળે છે. એ છે લોકવ્યવહારનો ધરમ. આ તરફ કેસરની જિદ્દ પણ માત્ર બાલીશ કે આવેશયુક્ત નથી. રણમલની લાશ પર પહેલી મરણપોક મૂકવાનો હક જમનાનો છે એ સમજમાંથી એ જન્મી છે. વળી, રણમલે હળવાશની પળોમાં કેસર પાસેથી લીધેલું વચન કે, “તારી પહેલાં મારું મોત થાય તો મારું મોઢું જોવા એકવાર જમનાને જરૂર બોલાવજે” માંથી પોષાયેલી છે. જમનાની ગામ છોડવાની ને ફરી પગ ન મૂકવાની પ્રતિજ્ઞા પણ આવેગજન્ય નહોતી. એમનાં નિર્મોહી ને નિ:સ્પૃહ વ્યક્તિત્વની એ નિપજ હતી. ભક્તિને માર્ગે વળેલી જમના ખરા ટાણે લોકધર્મ નિભાવી પણ જાણે છે. જીવનની આ સાર્થકતાને સર્જકે સંકેતી છે. શંકરાચાર્ય જો માનાં મૃત્યુની ક્ષણે આવી શકતા હોય, તો આ તો સામાન્ય માનવી છે. રણમલ ભલે કેસરને પરણ્યો; પોતાનો પતિ તો ખરો જ ! ને કેસર વહાલસોયી બહેનપણીની જિદ્દ ! જેમના પહેલાં વૈધવ્યે ચાંદલો ભૂંસનારી જમના આ વખતે ન આવે તો તો એનો આપદધરમ લાજે ! શાસ્ત્રોક્ત ધર્મની સામે લોકધર્મ અહીં જીતે છે. અંતે, જમનાનું આવવું, પોતાના હાથે જ કેસરની ચૂડીઓ ભંગાવીને ચાંદલો ભૂંસવો ને પરોઢે ફરી ભેખ પહેરી મઢી ભણી વહી આવવું એ જમનાના પાત્રની ઊંચાઈ સાધે છે. આવી ઊંચાઈ સર્જકની પણ વધતી રહે એવી શુભેચ્છાઓ.

ગુણવંત વ્યાસ