Included in the UGC-CARE list (Group B Sr. No 172)

લઘુકથા: અબોલા

રાત્રીના ત્રીજા પહોરનું અંધારું કોઈ ઘાયલ વિફરાયેલી ઝેરીલી કાળી નાગણ જેવું હતું. આકાશમાં થોડા તારલાઓ ટીમ-ટીમ કરી રહ્યાં હતાં.વાતાવરણમાં સર્વત્ર એકદમ નિરવ શાંતિ ફેલાયેલી હતી. કોઈ એક બે માણસોનો અંદરો અંદર બોલવાનો અવાજ આવી રહ્યો હતો. અવાજો જે દિશામાંથી આવતા હતા ત્યાં એક ફાનસના અજવાળે પતંગિયા પોતાના જીવનનો આખરી જંગ ખેલી વધેલી જિંદગીને જીવી લેવા ઝૂમી રહ્યાં હતાં.
ભેગા થયેલાં લોકોના ચહેરા નિસ્તેજ હતા. કોઈ વાત કહેવા માંગતા હતા, પરંતુ જાણે તેની જીભે તેમને કોઈ જાદુ મંતર કરી રોકી રાખ્યા હોય તેમ એક પણ શબ્દ બોલી શકતા ન હતા. તમામ એકબીજાને આંખોના ઈશારાથી કહી રહ્યા હતા કે, ‘કોણ આ બંધ દરવાજો ઉઘાડશે...’
ફરિયામાં એક ખૂણામાં સફેદ કપડામાં વીંટળાયને કંઈક ઢગલાબંધ પડ્યુ હતું. તેના તરફ કોઈએ ઈશારો કરતા કહ્યું કે, ‘કોઈએ તો તેમને કહેવું પડશે ને, આ તો ઊઠીને એમની સાથે વાત કઈ કરશે નહી...! વીસેક વર્ષના અબોલા હવે અંતિમ સમયે થોડા પાર પડે?’
એટલામાં કોઈએ હિમત કરી દરવાજો ઉઘાડ્યો. અંદર એકદમ શાંતિ હતી. કોઈએ હળવેથી કહ્યું, ‘તમારે ચૂડલા કરમની વિધિ કરવાની છે.’
પેલી સ્ત્રીએ કોઈ અફસોસ વગર પોતાની સેંથીનું સિંદૂર ભૂંસી નાખ્યું. કોઈ ધીમા સ્વરે બોલ્યું, ‘ પતિ સાથે હોય કે ન હોય, પણ તે હયાત હોય તો ધરપત રે. હવે તારાથી એકલા કેમ જીવાશે?’
પેલીએ જવાબમાં માત્ર ફિકું હાસ્ય આપ્યું...ને પોતાની જાતને જ કેવા લાગી કે, ‘ આ વીસ વરસ અબોલા હતા, તો બાકીની જિંદગી પણ...’

ડૉ. દિલીપકુમાર સાંજવા, મદદનીશ અધ્યાપક(ગુજરાતી વિભાગ), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લાલપુર, જિ. જામનગર મો.નં.૯૩૭૪૭૭૭૭૬૧ ઈમેલ – sanjavadilip25@gmail.com