Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ગુજરાતી સાહિત્યનું એક વિરલ કાવ્યગુચ્છ 'પાત્રો'

નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આધુનિક કવિ છે. ગુજરાતી નગરકવિતામાં એમનું પ્રદાન મૂલ્યવાન અને વિશિષ્ટ છે. સ્વાતંત્ર્યોત્તર સામાજિક ચેતનાના માર્મિક ગાયક કવિશ્રી નિરંજન ભગતનો કાવ્યસંગ્રહ 'છંદોલય' એ આધુનિક ગુજરાતી કવિતાનો પ્રતિનિધિ સંગ્રહ છે. ઈ.સ. ૧૯૫૭માં 'છંદોલય', 'કિન્નરી' અને 'અલ્પવિરામ'માંથી પસંદ કરેલાં કાવ્યો ઉપરાંત મહાનગર મુંબઈ વિષયક તેમની 'પ્રવાલદ્વીપ'ની રચનાઓ સાથે 'છંદોલય' નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો. 'છંદોલય બૃહત્'માં તેમનાં બધાં કાવ્યો એક સાથે પ્રકાશિત થયાં છે. નિરંજન ભગતની કવિતામાં આધુનિકતા અને નગરજીવનનું નિરૂપણ થયેલું છે. મુંબઈ નગરને પોતાની કવિતાનો વિષય બનાવી નિરંજન ભગતે 'પ્રવાલદ્વીપ' (૧૯૫૭) નામના કાવ્યગુચ્છની કવિતાઓ રચી. તેમણે મુંબઈ શહેર નિમિત્તે આધુનિક નગરસભ્યતાનું 'પ્રવાલદ્વીપ' શીર્ષક હેઠળનાં નગરકાવ્યોમાં નિરૂપણ કર્યું છે. તેમાં નિરંજન ભગતે પાત્રો નામનું એક દીર્ઘ કાવ્ય લખ્યું છે. એમાં પાત્રો છે કવિ, ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા, અને પતિયો. આ બધાં જ પાત્રોનાં જીવનમાં અવાક વ્યથા છે. આ વ્યથાને મધરાતના એકાંતમાં કવિ પોતે વાચા આપે છે.

નિરંજન ભગતની કવિતાનું ઉત્તમ સ્વરૂપ 'પ્રવાલદ્વીપ'માં મુંબઈના નગરજીવનની પલટાયેલી તાસીરનાં ચિત્રોમાં જોવા મળે છે. તેના ત્રણ મુખ્ય ઘટકો તેમણે પસંદ કર્યા છે : સ્થળ, સમય અને પાત્રો. કવિ, ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા, અને પતિયો આ દુર્ભગ સૃષ્ટિનાં પ્રતિનિધિ પાત્રો છે. વિશ્વભરમાં વ્યાપી ચૂકેલા માનવતાવાદની ભૂમિકા પર આ ચિત્રો ઊપસ્યાં છે. કવિએ 'પાત્રો'માં નગરજીવનની રુગ્ણતા દર્શાવતાં છ પાત્રો કલ્પીને પોતાની રીતે સર્જ્યાં છે. આ પાત્રો સભ્ય સમાજનો પ્રહાર પામેલાં છે પણ તે જ પાત્રો છેવટે પરસ્પરને એ સભ્ય સમાજની દષ્ટિએ જ જુએ છે. એ કટાક્ષ ને વક્રોક્તિ મૂળ પાત્રની ઉક્તિમાંની કરુણતાને અનેકગણી વધારી મૂકે છે. 'પ્રવાલદ્વીપ'ના કાવ્યો પર અંતરંગ અંને બહિરંગ પરત્વે કવિએ પાશ્વાત્ય તેમજ ગુજરાતી કવિઓનો પ્રભાવ ઝીલ્યો છે. 'પાત્રો' માત્ર 'પ્રવાલદ્વીપ'નું જ નહીં, ગુજરાતી સાહિત્યનું પણ એક વિરલ કાવ્યગુચ્છ છે. રિલ્કેના 'The voices', બૉદલેરની 'પેરિસ ચિત્રાવલી' તેમજ ટી. એસ. એલિયટના 'Wasteland', ડેન્ટીની 'નરકયાત્રા' એ બધાનો સાહિત્યાનુભવ કવિચિત્તમાં ઘોળાય છે, તેનું સહજ પરિણામ આ 'પાત્રો' છે. 'પાત્રો’ ‘પ્રવાલદ્વીપ'નું સૌથી વધુ નાટ્યાત્મક કાવ્ય છે. રિલ્કેની એક કવિતા 'ઉક્તિઓ : શીર્ષક પૃષ્ઠ સાથે નવ પૃષ્ઠ' માં નવ પાત્રોની ઉક્તિઓ છે. નિરંજન ભગતે રિલ્કેના કાવ્યનો આધાર લીધો છે, પણ પાત્રોની સંરચના રિલ્કેના કાવ્યથી જુદી છે. રિલ્કેની કવિતામાં પ્રથમ પ્રાસ્તાવિક કવિતા પછી, જુદાં જુદાં પાત્રોની એકોક્તિઓ રજૂ થઈ છે. નિરંજન ભગતની કવિતામાં છેલ્લે 'સ્વગતોક્તિ' શીર્ષક નીચે પાત્રોની ઉક્તિઓ પરસ્પર ગૂંથાઈને એક નવું જ પરિમાણ સિદ્ધ કરે છે. નિરંજન ભગતની કવિતાની સંરચના સુદઢ સુઘડ છે. કાવ્યમાં આવતી કુલ સાત ઉક્તિઓ પૈકી આરંભની કવિની ઉક્તિ તથા અંતિમ સ્વગતોક્તિ ૧૧-૧૧ પંક્તિઓની છે. જ્યારે અન્ય પાંચ પાત્રોની ઉક્તિઓ ૧૮-૧૮ પંક્તિઓની છે. કાવ્યોનો પ્રારંભ અને તેનું સમાપન એક જ પંક્તિથી થાય છે. એટલે એક અંતહીન ચક્રાકાર ગતિનો ભાસ થાય છે. આ આખીય રચનાનો આરંભ અને અંત એક જ પ્રકારની પંક્તિઓથી આવતો હોવા છતાં બન્નેના સંદર્ભો સાવ જુદાં છે અને એટલે વિશેષ કાવ્યાત્મક અને આસ્વાદ્ય બની રહે છે.

કાવ્યનો આરંભ નાટ્યાત્મક છે. કવિ કહે છે : '…બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો !'

આ શબ્દો કવિ દીનતા-દારિદ્ર પર ભાષણો કરનાર કહેવાતા સુધારકોને કહે છે. કવિને આવા દંભીઓ પર સ્વાભાવિક રીતે જ રોષ છે. પણ અંતે એ પાત્રોને પણ પરસ્પરને ઈર્ષ્યાદગ્ધ તારથી વીંધાતાં જોઈને કવિ આ જ ઉક્તિ કહે છે : 'બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો...'

કારણ કે એ પાત્રો સભ્ય સમાજ પાસે સહાનુભૂતિની અપેક્ષા રાખે છે પણ પરસ્પરને તો તેઓ સભ્ય સમાજની જેમ જ જુએ છે. જે પાત્રો સભ્ય સમાજની ઉપેક્ષાનો માર ખાઈને વ્યથિત છે, પીડિત છે, સહાનુભૂતિની અપેક્ષા રાખે છે, તેઓ પરસ્પરને તો પાછા પેલાં સભ્ય સમાજનાં નેત્રોથી જ નિહાળે છે ! તેમનાથી અકળાયેલો કવિ તેમને ચાલ્યા જવા કહે છે, છતાં તેમના પ્રત્યે કવિને સહાનુકંપા છે એ અછતું રહેતું નથી. કવિતામાં વ્યંગ અને વક્રતા ભરપૂર હોવા છતાં કરુણાનો સ્પર્શ અછતો રહેતો નથી. વિભિન્ન પાત્રોની ઉક્તિઓ આ કાવ્યમાં અંતિમ અંશમાં પરસ્પર ગૂંથાતાં રચનાને એક નવું પરિમાણ લાધે છે.

કવિ પછીનું પાત્ર ફેરિયો 'ફેરિયા' શબ્દને અનુલક્ષીને કહે છે,
'જો કે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી,
પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે ?'

'ફરવા' શબ્દને ટેકે આગળ ચાલતાં તે કહે છે :
'ફરવું જ મારે હોય, સોનાપુર
અહીંથી માત્ર છે બસ સો જ ડગલાં દૂર,
પણ મરતો નથી.'

સોનાપુર મુંબઈનું સ્મશાનગૃહ છે. પોતાની સ્થગિત જિંદગીથી હતાશ થયેલો ફેરિયો કહે છે કે હું મરી પણ શકતો નથી. પોતે જે ભીંતને ટેકે સાત વરસથી ઊભો છે તેને જોઈ તે વિચારે છે, માણસ થઈને એણે કહેવું પડે છે :
'અરે, આ ભીંત પર હું ઝાડ થૈને શીદને તે ના ઝૂક્યો?
સાતે વસંતો વહી ગઈ ને ફૂલ હું નાહક ચૂક્યો !'

ફેરિયાની આ ઉક્તિમાં કેટલી સઘન વેદના વ્યક્ત થઈ છે ! ભીંતને ટેકે વરસોથી ઊભેલો ફેરિયો. ભીંતના જીવનમાં પરિવર્તન આવે છે. એને તો ચૂનાની ચમક પણ મળે છે. ભીંત ફરી પાછી નવીનકોર થાય છે અને વરસો વહેતાં જાય તેમ ફેરિયાના ચહેરા પર કરચલીઓ પડતી જાય છે.

ફેરિયા પછીનું પાત્ર તે આંધળો. આંધળાનું પાત્ર તો ફેરિયાથી પણ વધુ કરુણ છે. તેની ઉક્તિમાં વેધક તીક્ષ્ણતા છે. આંધળાને હજુ જન્મ્યાની જ અનુભૂતિ નથી. એ પોતાના મનમાં વિચાર કર્યા કરે છે કે હું આંધળો કેમ થઈ ગયો ? કહેવાય છે કે માતાના ગર્ભમાં ઘેરો અંધકાર છે. એને એક ક્ષણ એમ લાગે છે કે એ ગર્ભમાં જ છે. જન્મ્યો જ નથી. જગતનું રૂપ જોવા એને મળ્યું નથી અને આંધળાની ઉક્તિમાં જે કરુણતમ પંક્તિઓ છે તે આ છે :
'મેં આ જગતની કેટલી કીર્તિ સુણી'તી સ્વર્ગમાં તે
આવવાની લાયમાં ને લાયમાં
હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાંયમાં !'

તેના અંધત્વ અંગે કવિએ કાવ્યાત્મક કલ્પના કરી છે. આંધળો કહે છે કે સ્વર્ગમાં બેઠા બેઠા આ જગતની અપાર કીર્તિ સાંભળીને અહીં આવવાની લ્હાયમાં ને લ્હાયમાં હું કલ્પદ્રુમની છાંયમાં કીકીઓ ભૂલી ગયો છું. પરંતુ આંધળાએ હવે જગતનો સાર જોઈ લીધો છે. આ અંધની સૃષ્ટિમાં પ્રકાશના અસ્તિત્વને લેશમાત્ર અવકાશ નથી. અંધકાર એને મન શાશ્વત સત્ય છે. તેજની ભીતર રહેલા અંધારને જોયા પછી તે ગર્વપૂર્વક કહે છે :
''ત્યારે જગતનું રૂપ જોવાનું મને કેવું હતું સપનું!
હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ રે તો ય શા ખપનું ?''

આમ અંધ માનવીનું આત્મનિવેદન, કરુણતા, કટાક્ષ અને તાત્વિક વિચારો ત્રણેયથી મંડિત થયેલું છે. અંધની વેદના અહીં મુખરિત બની ઊઠે છે અને સાથે જ છતી આંખોનો અંધાપોય કલાત્મક રીતે સૂચવાઈ જાય છે.

આંધળાની તીક્ષ્ણ ઉક્તિ પછી આવે છે એવી જ વેધક ભિખારીની ઉક્તિ. ખરેખર તો ભીખ કોણ માગે છે ? ભિખારી કે ભિખારીનો હાથ ઘડનાર ખુદ ઈશ્વર ? ભિખારી કહે છે : 'આ વણહસ્યે ગુજરી ગઈ છે જિંદગી.'

વીતી નથી ગઈ, ગુજરી ગઈ છે. એક ક્ષણ કવિ શ્લેષને આશ્લેષમાં લે છે. નિરંજન ભગતની કવિતામાં એક બાજુ પાત્રોની લાચારી છે તો બીજી બાજુ ઈશ્વર પ્રત્યેનો પુણ્યપ્રકોપ છે. જો ઈશ્વર પૂર્ણ હોય તો આ બધાં અપૂર્ણ કેમ ? જગતના નાથે સરજેલા જગતમાં રહેતો ભિખારી જગતના નાથને ઉપાલંભ આપે છે :
'જેણે આ જગત સરજ્યું ? જગતનો નાથ
કહો છો ? આ જ ને એનું જગત કે હુંય તે જેમાં વસું ?'

વણ હસ્યે જ જેની જિંદગી ગુજરી ગઈ છે એવો આ ભિખારી હસવાનું એકાદ બહાનું મળતાં પણ પ્રભુનો પાડ માને છે. હથેળીમાં ચંદ્ર-સૂરજ-તારા રમાડતો ભિખારી ક્યારનોય સૂનકારનો ભાવ વહ્યા કરે છે. પોતાની પાસેથી પસાર થતી વેશ્યાને જોઈ એ વિચારે છે :
'અરે, આ દેહ પર છે કેટલી દોલત !
દસમાં ભાગની મારી કને જો હોતને તો આમ ના બોલત !'

ભિખારી પછી વેશ્યા. કોઈ નામ વગરની સ્ત્રી. અહીં પણ નનામીનો શ્લેષ છે. દેહ છે, પણ પછી એના પર છેકો છે. બધી ઉપરની સુગંધો છે. લાગણીને નામે લટકા છે. સમજ વિનાના આ સમાજનું કરુણ પાત્ર તે આ વેશ્યા. ઈશ્વર કરતાં કવિ વધુ કરુણામય છે. ભિખારીને મન વેશ્યા સુખી છે, પણ વેશ્યાનું દુ:ખ તો વેશ્યા જ જાણે.

જે ભવોભવ સ્ત્રી હતી અને કોઈ ભવમાં તો સતી હતી એ વેશ્યા પોતાના દેહની વાત કરતાં કહે છે :
'લોક તો કૈં કૈં મળે છે, નિત નવા;
પણ હા, મળે છે માત્ર સૌ ભૂલી જવા.'

વેશ્યાના જીવનની આ કરુણ વાસ્તવિકતા છે. તેના જીવનની કરુણતાને કવિ કાગળના ડૂચાના કલ્પનથી વેધક બનાવે છે. વેશ્યાની સ્થિતિની દુર્ભગતાનું સૂચન 'બારી બહાર ફેંકી દેવાયેલા કાગળના ડૂચા' એ ઉક્તિ દ્વારા સચોટ રીતે થાય છે. કાગળના ડૂચાને આપણે નકામો ગણી ફેંકી દઈએ છીએ એમ સમાજ વેશ્યાને કલંક ગણીને તિરસ્કારે છે, અનિષ્ટ માનીને અવગણે છે. એ બધું સહન કરીને સહેજ ઊંચા સૂરમાં તે બોલે છે.
'અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી
સદા જીવશે જ ધરતી પર,
નજર સૌ નાખશે ને ત્યાં લગી તો રોજ 'ફરતી' પર ?'

'પ્રભુની મ્હેરબાની' કહીને કવિએ કાતિલ વ્યાજસ્તુતિ કરી છે. રોજ ફરતી વેશ્યા જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં ત્યાં હજારો આંખો તેના પર મંડાય છે. એ વેશ્યા પતિયાને જોઈ જાણે એની ઈર્ષ્યા થતી હોય એવા ભાવથી કહે છે :
'અહો, શી ખુશનસીબી ! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના,
છૂરી સમી ભોંકાય ના !'

પરંતુ પતિયા માટે આ ખુશનસીબીની નહીં દુ:ખની વાત છે. તેની વાત કોઈ સાંભળતું નથી. પતિયાની ઉક્તિ છે :
'પણે સૌ લોકની નાજુક પાની એંઠને ઓળંગતી, અડતી નથી;
ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી.'

પતિયાની દયનીય સ્થિતિ એંઠના કલ્પનથી કવિએ પ્રગટ કરી છે. તે વિચારે છે કે પોતાના બોલની ચોપાસ રોગિષ્ટ શ્વાસ વીંટળાઈ વળ્યો છે. તેથી જતું-આવતું લોક ડરતું હશે ? વ્યંગપૂર્વક તે કહે છે :
'આ હવા પર એમનું કૈં ચાલતું જો હોતને
તો શ્વાસ ક્યાંથી હોત મારા પ્રાણમાં ?'

સારું છે કે હવા હઠીલી છે એટલે એ પતિયાની અવહેલના નથી કરતી. એને કારણે એ જીવી રહ્યો છે. એ કહે છે :
'કોહી ગયું છે પોત કાયાનું છતાં
મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો.'

દરેક દુ:ખી માણસને બીજો માણસ સુખી લાગે. નસીબની દીવાલને અઢેલીને, સ્થિર થઈને થીજી ગયેલો ફેરિયો આંધળાને જોઈને વિચારે છે કે આ આંધળો છે, છતાં ફરી તો શકે છે. આંધળો, ભિખારીની ઈર્ષા કરે છે અને આંધળો છે છતાંયે ભિખારીની નજર અને હથેળીને જોઈ શકે છે. વેશ્યાને જોઈને ભિખારી કહે છે :
'અરે, આ દેહ પર છે કેટલી દોલત !
દસમા ભાગની મારી કને જો હોતને તો આ આમ ના બોલત !'

મધરાતના એકાંતમાં કવિ પસાર થાય છે એને જોઈને પતિયો કહે છેઃ
'વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો,
કહો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ ?'

સ્વગતોક્તિમાં આ બધાં પાત્રો પરસ્પરની ઈર્ષા કરતાં નિરૂપાયાં છે. જોઈ શકાશે કે વ્યથા-વિષાદની સાથે સાથે જ વ્યંગ અને વક્રતા આખા કાવ્યમાં છવાઈ ગયાં છે. કાવ્યમાં આવતાં આ પાત્રો માણસે માણસ પ્રત્યે આચરેલ ક્રૂરતા, અનાચાર, અવહેલનાના પ્રતીક સમાં છે. સમાજ પ્રત્યેનો તીવ્ર આક્રોશ અને પોતાના જીવન વૈફલ્યની ઊંડી વ્યથા આ પાત્રોની ઉક્તિઓમાં પામી શકાય છે. આ છ પાત્રોની ઉક્તિઓ વિશેષ ધ્યાનાર્હ બની રહે છે. વાસ્તવિક જીવનમાં ઉવેખાતા અને ઠેબે ચડતાં આ પાત્રોની કેફિયત કવિએ દરેક પાત્રના પોતાના શબ્દોમાં જ રજૂ કરી દીધી છે. એ કેફિયત એક શાપિત જીવનની કરુણતા તો છતી કરે છે, સાથે સાથે આપણું એવા માનવીઓ પ્રત્યેનું વર્તન પણ એમાંથી પ્રગટ થઈ જાય છે. નવીનતર કવિતાનો નિતાંત વાસ્તવિક અભિગમ અહીં પ્રગટ થાય છે. આધુનિક સંવેદના અને અદ્યતન ઈબારતની દષ્ટિએ નિરંજન ભગતનું કવિકર્મ અપૂર્વ છે. આ પાત્રોની ઉક્તિઓ-એકોક્તિઓમાં જે વ્યથા, પીડા, જિંદગી ટકાવી રાખવા માટેનાં વલખાં વગેરેનું વેધક નિરૂપણ થયું છે તે નોંધપાત્ર છે. ભીખ માટે કરગરતા છતાં ભાગ્યે જ કશું પામતા ભિખારીઓ, ઉપેક્ષા પામતા રોગીજનો વગેરેના ચિત્રો એવાં જ યાદગાર બન્યાં છે. કવિએ પોતે આ પાત્રો વિશે કહ્યું છે : 'આ પાત્રો વિધાતા અને એની વિશ્વરચના, જગત અને જીવન, સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે અટ્ટહાસ્ય કરે છે અને પોતાની જાત પ્રત્યે પણ ઉપહાસ કરે છે. એમને કોઈની પ્રત્યે વિરોધ કે વિદ્રોહ નથી. એમની અવસ્થા એટલી તો અસહ્ય અને અસાધ્ય છે કે એ વિના અન્ય કોઈ વિકલ્પ નથી. એમની અવદશાને કોઈ આરો, ઓવારો કે ઉગારો નથી. એમની સમસ્યાનો કોઈ ઉકેલ કે ઉત્તર નથી. એમનામાં પ્રલય જેવી એમની આ પરિસ્થિતિનો સ્વીકાર છે. એથી એમનામાં તાંડવ સમયના રુદ્રનું હાસ્ય છે, કરુણ હાસ્ય છે. આ હાસ્યમાં કરુણનો તિરસ્કાર કે બહિષ્કાર નથી, બલકે કરુણનો આવિષ્કાર અને પુરસ્કાર છે. આ હાસ્ય કરુણને અતિક્રમે છે, કરુણથી યે વિશેષ કરુણ છે. એમાં અશ્રુને અવકાશ નથી, કારણ કે અશ્રુમાં આશા અને અપેક્ષા હોય છે, આશ્વાસન હોય છે, અહીં તો અતલ નિરાશા ને નિર્વેદ છે, નિ:શેષ નિ:સારતા અને નિરર્થકતા છે.' શબ્દને જેમણે સિદ્ધ કર્યો છે તેવા કવિ નિરંજન ભગત વ્યંગ અને વક્રતાથી વાણીને પ્રગટ કરે છે ત્યારે પણ એમાં કવિસહજ કરુણા ભરેલી જોવા મળે છે.

'પાત્રો' નિરંજન ભગતની વિશિષ્ટ કાવ્યકૃતિ તરીકે જ નહીં પણ આધુનિક યુગની એક પ્રતિનિધિ રચના તરીકે સ્મરણીય બની છે. નિરંજન ભગતે 'પાત્રો'ને એક એબ્સર્ડ નાટક કહ્યું છે. કાવ્ય પ્રાસયુક્ત આવૃત્ત સંધિના પરંપરિત હરિગીતના છંદોવિધાનથી રચાયેલું છે, છતાં, તેમાં નાટ્યાત્મકતાને પોષે એવાં તત્વો છે. એ પાત્રોની નાટ્યાત્મક એકોક્તિઓ અને સ્વગતોક્તિઓ છે. એમાં રહેલાં વાગ્મિતાતત્વો-હાસ્ય-કટાક્ષ, નર્મમર્મ, વ્યંગ ઉપહાસ વિડંબના-એને નાટકમાં ફેરવી નાખે છે. કવિએ એને 'એબ્સર્ડ નાટક' કહ્યું છે તે આ અર્થમાં સાચું છે. આવું કાવ્ય નિરંજન ભગતને રોમેન્ટિક કવિતાના તેમના પ્રથમ તબક્કાના કાવ્યમાધ્યમથી અને તે ગાળાની કાવ્યબાનીથી જુદા દર્શાવે છે. ગુજરાતીમાં લખાયેલાં એબ્સર્ડ નાટકો કરતાંય તીવ્રતર રીતે આ એબ્સર્ડીટિ 'પાત્રો'માં વ્યક્ત થાય છે. વિધિની વક્રતાની પરાકાષ્ઠા સાથે, મનુષ્યનિર્મિત વક્રતાની પરાકાષ્ઠા સાથે, 'કરુણ કટાક્ષ'ની કહો કે 'કરુણ હાસ્ય'નીય પરાકાષ્ઠા 'પાત્રો'માં છે. 'કવિ', 'ફેરિયો', 'આંધળો', 'ભિખારી', 'વેશ્યા', 'પતિયો' જેવા પાત્રો થકી આધુનિક નગરની તથા આધુનિક મનુષ્યની એબ્સર્ડીટિ કવિએ બતાવી છે. આધુનિક જીવનની અને આધુનિક નગરની એબ્સર્ડીટિ આ કાવ્યોના આંતરવહેણમાં વહે છે.

'પાત્રો'ની કવિતામાં લયસૂઝ, નાટ્યાત્મક કથનરીતિ, વાગ્મિતા, વક્રોક્તિ અને એ સર્વની પાછળ રહેલી સમસંવેદના કવિની નિજી સંપતરૂપે આવે છે. 'પાત્રો'માં બોલચાલની ભાષામાં લય, લહેકા, લહેજા, લઢણ, કાકુઓ તથા વક્રતા ઉપસાવવા માટે પ્રાસયુક્ત પરંપરિત હરિગીત સાનુકૂળ નીવડ્યો છે. આ હરિગીત માટે ભૃગુરાય અંજારીયાએ કહેલું, 'ગુજરાતી કવિતામાં આવો હરિગીત વાંચ્યો નથી. આ કાવ્યમાં હરિગીતનો ઉદ્ધાર થયો છે.' 'પાત્રો'માં પરંપરિત હરિગીત છંદ વાસ્તવની ધીંગી ધરતી પર આવી પોતાનું નવું સ્વરૂપ પ્રગટ કરે છે. કાન્તિલાલ કાલાણી કહે છે કે "અહીં કવિ નાટ્યપદ્યની નજીક પહોંચતી અભિવ્યક્તિ સાધી શકે છે. 'પાત્રો' કાવ્ય પદ્ય-નાટકના છંદની શોધમાં કરાયેલા પ્રયોગને અનુલક્ષીને જોવા જેવું છે." છંદનો ચમત્કારક લય, વાણીનો પ્રસાદ, અપૂર્વ કલ્પના, સંવેદનની તાજગી, વિષયનો અભિનવ અભિગમ દર્શાવતી ઉક્તિછટા અને સુઘડ કલાદષ્ટિને કારણે નિરંજન ભગતની કવિતા સારી ચોટ સાધી શકે છે.

કાવ્યની રચના નાટ્યાત્મક છે. દરેક પાત્ર પોતાની સ્વગતોક્તિ વડે વ્યક્ત થાય છે. આ બધાં આ સમાજથી તરછોડાયેલાં છે, દલિતો છે, પીડિતો છે. સમાજે જેની ઉપેક્ષા કરી છે એવા વર્ગના એ સૌ પ્રતિનિધિઓ છે. આ પાત્રો વ્યંગ અને ઠઠ્ઠાથી આ સભ્યતાને હસે છે, તો આવી દુનિયા બનાવનારા ઈશ્વરની પણ ઠેકડી ઉડાડે છે. પ્રશ્નસ્વરૂપ આ મનુષ્યો રજૂ કરીને નિરંજન ભગતે મહાનગરની બીજી બાજુ દર્શાવી છે. એ બધાં વિદ્રોહી નથી, આપણી લાગણીઓને ઉશ્કેરીને તેઓને કશી નૂતન સમાજરચના કરવી છે એવું પણ નથી. તેઓ પાસે માત્ર જીવવા સિવાયનો કોઈ વિકલ્પ નથી. એમના હાસ્યમાં કરુણતા છે, એમનું જીવન આશાહીન છે, તેઓ, બસ છે. આધુનિક નગરના વૈભવ અને વિલાસની પછવાડે આ પાત્રોની દીનતા અને દારિદ્રતાનું પણ અસ્તિત્વ છે. ધનિકો અને શ્રીમંતોની પડછે આ તિરસ્કૃતો અને બહિષ્કૃતોનું, દલિતો અને પીડિતોનું પણ અસ્તિત્વ છે. 'પાત્રો' 'પ્રવાલદ્વીપ'નો અનિવાર્ય અંશ છે. - કહો કે આપણી નગરચેતનાની કવિતાનો પાછળથી જે અભૂતપૂર્વ વિકાસ થયો તે જોતાં 'પાત્રો' એનું મોટું સીમાચિહ્ન કહી શકાય એવું એનું ઐતિહાસિક મહત્વ છે.

સંદર્ભગ્રંથો :

  1. 'છંદોલય' : નિરંજન ભગત, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. પુનર્મુદ્રણ : ૨૦૦૮
  2. 'રાજેન્દ્ર-નિરંજન યુગની કવિતા' : પ્રસાદ બ્રહ્મભટ્ટ, શબ્દલોક પ્રકાશન, અમદાવાદ. આવૃત્તિ : જાન્યુઆરી, ૧૯૮૨
  3. 'ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૫' : સંપાદક : રમેશ ર. દવે, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ. બીજી આવૃત્તિ : સપ્ટેમ્બર, ૨૦૧૧
  4. 'અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા - ૪' : ડૉ. ધીરુભાઈ ઠાકર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. તેરમી આવૃત્તિ : જુલાઈ, ૨૦૧૧
  5. 'છાંદસી' : કાન્તિલાલ કાલાણી

ડૉ. બીના ડી. પંડ્યા, એસોસિએટ પ્રોફેસર – ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કૉલેજ, તળાજા.