Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ભૂકંપની ‘તિરાડ’

કોઈપણ સત્ય ઘટનાને શબ્દસ્થ કરવી અને એ પણ સાહિત્યકલાના પરિપ્રેક્ષ્યમાં દુષ્કર બાબત છે. વાસ્તવનું કલામાં રુપાંતરણની સમગ્ર પ્રક્રિયા સર્જકની પ્રતિભાને એરણે ચડાવતી હોય છે. કેમકે માનવીય સંવેદનાઓના જુદા જુદા આયામો અનેકવિધ રીતે અને સ્વરૂપે વિસ્તરતા હોય છે. જેને અભિવ્યક્ત કરવામાં લેખકનું મનોજગત અને હ્રદયનો અવાજ રસાઈને પ્રગટ થતો હોય છે. અહીં જે સર્જનની વાત છે તે ગુજરાતી કથાસાહિત્ય સર્જક નવા અવતારે વ્યક્ત થતાં જોવા મળે છે. ખરે જ સાચા અર્થમાં નવા અવતારે. કેમ કે અહીં ‘તિરાડ’ શબ્દચિત્રો આલેખતાં આ સંગ્રહમાં સર્જકે જે ઘટનાને કેંદ્રસ્થ રાખી છે તે છે ૨૦૦૧ના કચ્છમાં આવેલ ગોઝારો ભુકંપ. સર્જકનો પોતાનો એ ઘટનામાં આબાદ બચાવ થયો છે. પોતે એ ઘટનાના મુક સાક્ષી છે. ‘અહીં આ પુસ્તકમાં સમાવેલાં દરેક કથાનક ભૂકંપની સત્ય ઘટનાઓ છે. એ મારી પ્રારંભિક પ્રતિક્રિયા અને સંવેદન રૂપે આવ્યાં છે. સાહિત્યની ભાષામાં કોઇને મુખર પણ લાગે. તેમ છતાં જગતની મહા વિનાશક આપત્તિ ગણાવાયેલા કચ્છના ભૂકંપની પ્રત્યક્ષ અનુભવની નીપજ છે.’

પ્રારંભે ‘તિરાડ’ નામે કચ્છમિત્ર દૈનિકની રવિવારીય પૂર્તિમાં કોલમ રૂપે છપાયેલી આ સંવેદન કથાઓ માનવીય લાગણીઓ સાથે જોડાયેલ ચિરંજીવ સત્યોને ઉજાગર કરે છે. ભુકંપ જેવી અકળ અને અણધારી આફતને કારણે સંસારના ચેતન-અચેતન તમામ બિંદુઓને અસ્તવ્યસ્ત કરી નાખ્યા અને જેની અસર આજેપણ એટલી જ વ્યાકુળ બનાવી દે છે. લેખક પ્રસ્તાવનામાં પોતાની વ્યથાને વ્યક્ત કરતા નોંધે છે કે -

‘માનવી નોંધારો થઈ ગયો હતો. કશું કહેવાની વ્યક્ત થવાની હોશ જ રહી ન હતી. આશ્વાસન શબ્દ અર્થ ખોઈ બેઠો હતો. કલ્પનાતીત વિનાશ સામે પ્રશાસનિક વ્યવસ્થાઓ વેરવિખેર થઈ ગઈ. લોકોએ માની લીધું કે બસ હવે જીવનનો અંત આવી ગયો. એ પ્રથમ પ્રતિક્રિયા હતી. પોતાના સ્વજનો ક્યાં છે અને પોતે ક્યાં છે, આજુબાજુ કોણ છે, આ બધું શું થઈ રહ્યું છે જેવી સામાન્ય બાબતોનું ભાન ગુમાવી ચુકેલા લોકોને ધરતી પરથી જ વિશ્વાસ ઊઠી ગયો હતો.‘ (પૃ.૯)

પુસ્તકની પ્રથમ જ કથા ‘હ્રદયવિદારક એ રાત’ માં બકુલાબહેનની આપાવીતિ વર્ણૅવી છે. પથ્થરો નીચે દબાઈ ગયેલા બકુલાબહેને હિમ્મતથી હાથ દુર અજાણ્યા વ્યક્તિના સહારે જીવ બચાવ્યાની ઘટના હચમચાવી મુકે છે. તો સાડત્રીસ વર્ષના કેશુભાઈ અને તેમના બે નાના બાળકોને મુકીને સ્વર્ગવાસી થયેલ પત્ની પીનાના મૃત્યુ પછીની આપવીતિ હ્રદયદ્રાવક છે. આ કથાઓમાંથી પસાર થતાં ક્યારેક ભાવક તરીકે એવો અહેસાસ થાય કે લેખક આ સંવેદનાઓને વાચા આપતી વેળાએ કેવી કેવી અનુભુતિઓમાંથી પસાર થયા હશે ? ‘કાંધનોય હક નહીં?’ માં ચાર ચાર પુત્રો અને તેમના સઘળો પરિવાર ગુમાવી બેસનારા વિશનજીભાઈનું બધું કુદરતની એક ફૂંકે વેરણ છેરણ થઇ ગયું. પોતે બચી ગયાનું દુ:ખ વ્યક્ત કરતાં તેમના શબ્દો કોઇપણ કઠણ હૈયાના માનવીને પણ હચમાચાવી મુકે છે -

‘આ પગ સલામત હોત તો હું જરૂર મારા એકાદ પુત્રને બચાવી શક્યો હોત. અરે! એ ન કરી શક્યો હોત તો કમ સે કમ એમના મરેલા મોં તો જોયા હોત ! કુદરતે મારો કાંધનો હક પણ છીનવી લીધો’ (પૃ. ૩૧)

લેખકની વેદના અહીં સમષ્ટિની વેદના બનીને બહાર આવે છે. સર્જન પીડા અને હર્દયદ્રાવી કથાનક સમાંતરે ભાવકચિત્તને ઘડીભર ક્ષુબ્ધ કરી નાખે છે. જીવતર જીવતું ખંડેરનું વૃદ્ધ પાત્ર કમાબાઈ કાળની થપાટો ઝીલતું પોતાની સાંસારિક નાવને જીંદગી આખી હાલક ડોલક અવસ્થામાં જ જોઈ છે. પહેલા પતિ પછી સમયાંતરે બન્ને પુત્રો અને રહ્યુ સહ્યુ જેના આશરે અને આધારે જીવતા હતા તે વહુ અને પૌત્રનો સંગાથ પણ ભુકંપમાં છુટી જાય છે અને આજે એ કમાબાઈ પરલોકની વાટ પકડવા કારમું કલ્પાંત કરતા દિવસો પસાર કરે છે. લેખક અહીં માનવજીવનની સંવેદનાને સર્જકીય પરિમાણથી એવી રીતે વ્યક્ત કરે છે કે ભાષાનો લય માનવજીવનના લય સાથે વિગલિત થઈને પ્રગટતો જોવા મળે છે જુઓ કમાબાઈનું વર્ણન

‘કમાબાઈ હવે બેસી રહે છે. આખો દિવસ આભમાં ઊડતાં પંખીઓને જોઈ રહે છે. તેના ખખડી ગયેલાં ખોળિયામાં વલવલતો જીવ જલ્દી પરલોકની વાટ પકડવા મૂંગુ મૂંગુ કલ્પાંત કરે છે. શૂન્ય આંખે તે પોતાના ખંડેર સમા ભૂતકાળ અને ખંડેર બની ગયેલા ઘરના ઢગલાને તાકી રહે છે. કોઈ બોલાવે તો એની સામે શૂન્ય આંખે જોઈ રહે છે. કોઇ જે કંઈ આપે તે ચૂપચાપ ખાઈ લે છે. સવાર થયે તેની આંખો વિશાળ ઢગલાને તાકી રહે છે. જ્યાં કમાબાઈનું ઘર હતું. જ્યાં વારંવાર તૂટી પડતા જીવનને તેણે ગાંઠો મારી જેમ તેમ સાંધ્યે રાખ્યું હતું. હવે કમાબાએ કોઇ ગાંઠ મારી શકે તેમ નથી. તેની તમામ આશાઓ પર પૂર ફરી વળ્યા છે. તેની વહુ અને પૌત્ર ગામના મૃત્યુ આંકમાં સામેલ થઈ ગયા છે.’ (પૃ. 40)

કેવી દયનિય અને અસહ્ય એવી પરિસ્થિતિ ! આવું જ બીજું એક પાત્ર એટલે મણિબહેન. મણિબહેન છતે દિકરાએ જે યાતના ભોગવે છે એવું તો કુદરત રુઠે તો જ બને. પોતાના દિકરાના સંસાર માટે ઘર છોડી એકલા દુર રહેવા જતા રહ્યાં. પરંતુ કળિપુત્ર એવા દિકરાએ ભુકંપમાં વૃદ્ધ માની દરકાર કરવાને બદલે નિસહાય અવસ્થામાં તરછોડીને જતા રહેવાની આખી ઘટના સંસાર પ્રત્યે કટુતા પેદા કરે એવી છે.

સંગ્રહની દરેક કથા કંઇ ને કંઇ ગુમાવ્યાનો વસમો આઘાત લઈને આવે છે. ખેતરના શેઢે બેસીને એકના એક જુવાનજોધ દિકરાનું માત્ર સ્મરણ રહી ગયું છે તેવા શામજીભાઈ આજે એકલા એકલા ઝૂરે છે. સીમના માનવ સંચાર વચ્ચે પણ પોતાની જાતને અટૂલી પાડી દીધી છે. તો ‘કાંટા વગરની એક ઘડિયાળ’ ના અભુભાઈને પણ પોતાના જુવાનજોધ દિકરા સાથે કુટુંબીજનોના મૃત્યુનો આઘાત સહેવો પડે છે. પોતાના સ્વજનોને ભાળ મેળવવા વલખા મારતા અભુભાઇ - ’પાંચ છ દિવસની મથામણ બાદ અભુભાઈના ઘરના દસ નામ સરકારી દફતરમાં મૃતક તરીકે સામેલ થઇ ગયાં’ રુદન પણ અટકી જાય એવી અસહ્ય અને દારુણ ઘટનાઓની તીવ્ર અસર ભાવકચિત્તમાં વમળાતી રહે એવું પોત આ પુસ્તકના પાને પાને જોવા મળે છે.

પરપ્રાંતથી અહીં આવીને ઠરીઠામ થયેલા પરિવારમાંથી બચેલા જેઠ અને નાભાઈની વહુ, અંદર અને બહારની પીડાથી અણિયાળા પ્રશ્નો સાથે નિરૂત્તર જીવન વ્યતિત કરતી સવિતા, ભીતર વમળતો મુંઝારાને વ્યક્ત ન કરી શકતી આશા, જેના જીવનનું વહેણ બદલાઈ ગયેલ છે અને જેનો જીવનબાગ વેરાન નાખ્યો છે એવા ચેતનાબેન, પોતાને ચોતરફ પથરાયેલ સુનકાર ઓઢીને જીવતી અન્વી, છ છ મહિના સુધી પથારીવશ રહેલા અને ભરજુવાનીમાં પરવશ બની ગયેલા કાંતીલાલ, મા-બાપ, ભાઈ ભાભી અને ભત્રીજી એમ ચાર પાંચ પાંચ સ્વજનો ગુમાવી દેનાર યુવાન હિતેન, દિકારીને સાસરે વિદાય કરવાની જગ્યાએ દિકરાને હંમેશને માટે આ સંસારમાંથી વિદાય આપવાની ઘટનાથી આઘાત પામેલા ગોપાલભાઈ જેવા ગોઝારા ભૂકંપમાથી બચી ગયેલ વ્યક્તિઓનો ચિત્કારનો ચિતાર આપતી વેળાએ લેખક વ્યથિત જરૂર થયા હશે પણ તેમનો આ સર્જન વ્યાપાર ગુજરાતી સાહિત્યમાં એક અમુલ્ય દસ્તાવેજ રૂપે અવશ્ય ચરંજીવ બની રહેશે.

સંગ્રહમાં ભૂકંપની થપાટથી વેરવિખેર બનેલા પરિવારોની પીડા છે તો સાથે સાથે એવા ખુમારીભર્યા પાત્રો પણ છે કે જેમણે આવી કપરી પરિસ્થિતિમાં પણ માનવતા અને માનવીય કર્તવ્યનું દર્શન કરાવ્યું છે. જેમાં લક્સ્મણ, ક્રિપાલી. ઉમેશ, વીણા નાયબ મામલતદાર, વિનોદભાઈ, નવીનભાઈ જેવા વ્યક્તિત્વોનો ઉલ્લેખ કરી શકાય.

કેટકેટલા પાત્રો અને પરિવારોની વ્યથા કથાને આલેખતી વેળાએ લેખક પ્રસ્તાવનામાં બોલે છે-

‘મકાનો પડી ગયાં, ત્યાં સુધી કે પહેરેવાં બીજી જોડ કપડાંય નહોતાં. જેમના મકાનો સલામત હતાં તેમની હિંમત નહોતી કે અંદર જાય. બાકસ જેવી ચીજની અછત ઊભી થઇ. પણ બે દિવસમાં જ એકાએક દુનિયાભરમાં સંવેદનાઓનો દરિયો ઊછળ્યો. અહીંના લોકોને લાગ્યું કે આપણે એકલા નથી. જીવી જવાનું બળ મળ્યું. છતાં એ આનંદ ટૂંકા ગાળાનો હતો. ભૂકંપ તો ઝટકો આપીને ચાલ્યો હયો હતો. એ પછીની અસરોમાંથી બચવું બહુ જ કઠીન હતું. માણસોના મકાનો કે દુકાનો જ ધ્વંશ થયાં નહોતાં, હિંમત પણ ધ્વંશ થઈ ગઈ હતી. સામાજિક અને પારિવારિક વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. એ પાટે ચડે ત્યાં સુધી એક અજંપામાં ભરી ધૂંધળાશમાંથી પસાર થવાનું હતું. મકાન, દુકાન, સનદ, હક, હિસ્સાની અટપટી પ્રક્રિયાઓ સામે લડવાનું હતું. એ બધું એને સમજાય જે એમાંથી પસાર થયો હોય અથવા નજીકથી નિહાળ્યું હોય.’ (પ્રસ્તાવના)

સંગ્રહની સમગ્ર સંવદનકથાઓમાંથી પસાર થતાં માનવજીવનમાં રહેલા સંઘર્ષ નામના તત્વનો ખૂબ નજીકથી અહેસાસ થાય છે. લેખક માવજી મહેશ્વરી માનવજીવન અને કુદરતની અકળ એવી લીલાઓને સત્ય ઘટનાના માધ્યમથી ‘તિરાડ’ નામે ગ્રંથસ્થ કરે છે એ ધન્યવાદને પાત્ર છે.

ડો. ભાવેશ જેઠવા, આસિસ્ટંટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, ભુજ – કચ્છ