'માટીમાં ખીલેલા પારિજાત' દલિતચેતના- વ્યથા ઉજાગર કરતી નવલકથા
મલયાલમ સર્જક તકષી શિવશંકર પીલ્લે એક નોંધપાત્ર ભારતીય સર્જક તરીકેની નામના ધરાવે છે. તેમના સાહિત્યમાં અને વિશેષ કરીને નવલકથાસાહિત્યમાં ભારતીયતા અને દલિતચેતના વિશેષ ધ્યાનાકર્ષક રહ્યા છે. તેમની અત્યંત પ્રખ્યાત નવલકથા 'તોટ્ટિપુડે મકન્' ને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે; જેનો ગુજરાતીમાં નવનીત મદ્રાસીએ 'માટીમાં ખીલેલા પારિજાત' નામે અનુવાદ કરેલો છે. આ નવલકથા ભારતીયતાના સંદર્ભમાં તેમજ દલિત સંવેદના, દલિત વ્યથા-પીડા ને ચેતનાના સંદર્ભમાં તપાસવાનો ઉપક્રમ છે.
ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં આદિકાળથી જ વર્ગભેદ, જાતિભેદ ને લીંગભેદ જોવા મળે છે. કાળક્રમે તેમાં થોડા-ઘણાં પરિવર્તનો આવ્યા પણ મૂળ સ્થિતિમાં કોઈ ઝાઝો ફરક પડયો નથી. ભારતીય તળપ્રદેશમાં આજ પણ દલિતો પ્રત્યે, હરિજનો પ્રત્યે અસ્પૃશ્યતા તેમજ જાતિભેદ જોવા મળે છે. આજે પણ ભારતમાં ગામડાઓમાં હરિજનોના આવસો ગામની બાહર જોવા મળે છે તેમની પાસે પોતાનો કોઇ વ્યવસાય નથી, જમીન-જાયદાદ ધરાવતા સવર્ણોને ત્યાં ખેતીવાડીમાં મજૂરી કરવી ને મેલું ઉપાડવું, સાફ-સફાઈ કરવી એ જ એમના કરમમાં લખાયેલું છે. સવર્ણો દ્વારા હરિજનનું શોષણ કેવી કેવી રીતે થાય છે તે સર્જક તકષી શિવશંકર પીલ્લેએ અહીં સુપેરે દર્શાવ્યું છે.
આ નવલકથાના વિષયવસ્તુ વિશે વિચાર કરીએ તો નવલકથાનો મુખ્ય નાયક ઘૂમનના પિતા રબ્બી સામાન્ય સફાઈ કામદાર હતા આથી તેને પણ સફાઈકામ વારસામાં મળે છે. બાળપણથી જ નાયક તેના પિતાને સફાઈ કામ કરતા જોતો હતો. સાથે સાથે પિતાનું થતું શોષણ અને અપમાન પણ પોતે જોતો હતો. મ્યુનિસિપાલિટીની ગાડી ઉપર મૂકીને લાવેલું ખાઈને તે મોટો થયો હતો પણ જેવો તે યુવાન થયો કે સમજણો થયો ને તેને વિચાર આવ્યો કે 'શા માટે જે પિતાએ કામ કર્યું તે જ કામ મારે કરવું?' 'જે રીતે પિતાએ ખવડાવ્યું તે જ રીતે શા માટે ખાવું?' 'કેમ બીજું કામ કે, મહેનત કરી પોતાના ઘરનું બનાવેલું ન ખાવું?' પણ આ વિચારો વધુ ચાલે અને તેને અમલમાં મૂકે ત્યાં જ બીજો વિચાર કશેક શંકા જન્મે છે કે 'આ ઇચ્છા પરિપૂર્ણ થઇ શકશે?'
ઘૂરન મોટો થતાં નાછૂટકે પિતાના જ વારસામાં મળેલા ન ગમતાં સાફસફાઈના વ્યવસાયને સ્વીકારી નીકળી પડે છે તે વખતે જ તેના પિતા કહે છે ; 'પેલા ખૂણામાંથી હાંલ્લી પણ લઈ લે દીકરા તેમાં તારા બાપ માટે થોડું માંડ-ભાતનું ઓસામણ લેતો આવજે ને તારું પેટ ત્યાં જ ભરતો આવજે.' પરંતુ એક દિવસે સફાઈ કામ કરીને આવતા ઘૂરનને મોડું થાય છે ને ખાવાજોગું ક્યાંયથી ન મળતા પિતાનું ભૂખના કારણે મૃત્યુ થાય છે. તેને આ માટે પોતાને જવાબદાર માને છે. છેવટે બાપની લાશને કચરાગાડીમાં નાખી ગામના છેડે 'નાઈટ સોઈલ' ડેપોમાં જવા આખા ગામનો રોજબરોજનો ગંદકીભર્યો કચરો નાખવામાં આવતો હતો ત્યાં લઈ જાય છે. લોકો નાકે રૂમાલ દબાવીને તેની આજુબાજુથી પસાર થતા હતા. અહીં સર્જકે કેટલું માર્મિક ચિત્ર રજૂ કર્યું છે કે ગાડીમાં જે ચીજ હતી તે દુર્ગંધની હતી! આમ આવા સમાજના કોઈ વ્યક્તિના મૃત્યુ પછી લાશને કાંધ આપવા પણ કોઈ આવતું નથી.
ધીમે ધીમે નાયકના ચિત્તમાં સવર્ણ સમાજ પ્રત્યેની ધૃણા કે ક્રોધ વધતો જાય છે. તેનામાં ક્રાંતિની ચિનગારી સળવળે છે. ગમે તે થાય પોતે તો આવું કામ નહીં જ કરે, આવું પશુથીય બદતર જીવન તો નહીં જીવે એવું નક્કી કરે છે. પરંતુ માતા પિતાના અવસાનથી છેવટે ઘરનું ગુજરાન ચલાવવા તેને પિતાના જ રસ્તે વળવું પડે છે. નાયક ઘૂરનનું લગ્ન ખજની સાથે થાય છે. ધૂરન નક્કી કરે છે કે ગમે તે થાય પોતાના દીકરાને તો હરિજન નહીં જ બનવા દે. તે સમાજથી જુદો પડવા જે બીજા હરિજનો કરતા તે ન કરવાનું નક્કી કરે છે. જેમાં તાડી પીવી, રસ્તા પર પડ્યા ન રહેવું, સાફ-સૂથરા વસ્ત્રો પહેરવા અને વ્યસનથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે.
નવલકથામાં આગળ મોટો વળાંક આવે છે. પૂરો પગાર ન મળતાં અડધા પગારે પૂરા પગારની સહી કરવા અંગે તેણે એના હરિજનોને ભેગા કરી હક માટે જાણો કે શંખનાદ ફૂંક્યો, ભાષણો થયા ને હક માટે લડવાના અવાજો ઉઠવા લાગ્યા. તો બીજી તરફ સવર્ણો પણ ગભરાતા, તેમના તરફથી સામે જાણે કે પ્રતિસાદ મળ્યો 'હડતાલ પાડો, કામ બંધ કરો, નોકરીમાંથી ફારેગ થઈ જાવ, ભૂખે મરો અને હંમેશને માટે હરિજન જ રહો' છેવટે ઘૂરનને જ આ બધું હાસ્યાસ્પદ લાગવા લાગ્યું. આમાં તો બધાનો જ વિનાશ છે. સવર્ણો સામે લડવું ટકવું અઘરું હતું. હજારો વર્ષોથી ચાલી આવતી જડ પરંપરાને બદલવી એક બે કે પાંચ-પચ્ચીસ વ્યક્તિઓ માટે શક્ય નહોતું ને છેવટે સંગઠન તૂટી જાય છે. ઘૂરનનું ક્રાંતિનું સપનું તૂટી જાય છે.
અંતે નવલકથામાં કરુણ વળાંક આવે છે, ગામમાં મહામારીનો રોગચાળો ફાટી નીકળે છે, માણસો ટપોટપ મરવા લાગે છે. હરિજનો મડદાઓ ઉપાડવાના કામમાં લાગી છે. મૃત્યુ પામનારનો ચેપ હરિજનોને લાગતા તે પણ મૃત્યુ પામવા લાગે છે પણ, વ્યવસાય છોડી શકતા નથી ને ઘૂરન તથા ખજનીનું પણ ચેપ લાગતાં મૃત્યુ થાય છે. અંતે નાયક ઘૂરનનો દીકરો મોહન એના બાપનો વ્યવસાય અન્ય પાસેથી જાણે છે ને તે પણ હરિજન થઈ સફાઈના કામમાં લાગી જાય છે.
આમ સમગ્રતઆ જોતા આ નવલકથા કરુણ અંતમાં પરિણમે છે. નાના માણસોના સપનાઓ ક્યારેય સાકાર થતા નથી હોતાં, સવર્ણો સામે દલિતો ક્યારેય નથી ફાવતા અને શોષિત સામે હંમેશા શોષણકારો જ જીતે છે. આ નવલકથાનાં વિષયવસ્તુમાંથી પસાર થતા ગુજરાતી સર્જક દલપત ચૌહાણની 'મલક' તથા કિશોરસિંહ સોલંકીની 'મશારી' નવલકથાનું પણ સ્મરણ થાય. આઝાદીના આટલા વર્ષો પછી, સમાજમાં આટલી જાગૃતિ પછી પણ દલિત-હરિજન સમસ્યાને અન્યાય તો ત્યાં ના ત્યાં જ છે. તેનું કલાત્મકનિરૂપણ કરવામાં સર્જકની સફળતા દેખાય આવે છે.
સંદર્ભગ્રંથ