કાવ્ય
શરૂ શરૂમાં
તને ગમે એ બધું જ
કરવાનું ગમતું મને,
પણ પછી તો
ધીમે ધીમે...
સપ્તપદીનાં સાત વચનની
પોકળતા ડંખવા લાગી...
તું મને તારી પ્રોપર્ટી સમજવા લાગ્યો
તું કહે એ જ રસોઈ મારે બનાવવાની,
તું કહે એ જ ફિલ્મ કે સિરિયલ મારે જોવાની,
તું કહે એ જ વસ્ત્રો મારે પહેરવાનાં -
રાતોની રાતો ઓશિકાનાં ખભે માથું મૂકી
ચૂપચાપ રડી લેતાં મને આવડી ગયું હતું...
ગૂંગળામણ થતી હતી મને -
તારી પ્રોપર્ટી તરીકે રહેવાની.
થયું કે
એક છત નીચે રહેવું
હવે શક્ય જ નથી
ને ત્યારે લાગણીના પ્રવાહમાં
તણાયા વગર
મેં નિર્ણય લીધો -
તારાથી છૂટાં થવાનો.
એ દિવસે તારો અહં ઘવાયો હતો
મારા નિર્ણયથી -
અને હું
મારી જીતની ખુશીમાં
ઇબ્સનની નોરાની જેમ
તારું દ્વાર પછાડીને નીકળી ગઈ
એક અટ્ટહાસ્ય સાથે...