Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ઉત્તર ગુજરાતનું લોકસાહિત્ય

વિશ્વ સમસ્તમાં આજે લોકવિદ્યાનાં અભ્યાસ તરફ સૌનું ધ્યાન ગયું છે.અલબત્ત લોકવિદ્યાએ એવડું વિશાળ ક્ષેત્ર છે કે તેની અનેક શાખાઓમાં આંતરવિદ્યાશાખાકીય અભ્યાસની અનેક શક્યતાઓ રહેલી છે જેમાં લોકસંગીત, લોકનૃત્ય, લોકસાહિત્ય, લોકકળા, લોકભરતગૂંથણ, લોકમાન્યતાઓ વગેરે લોકવિદ્યાનો વાણીનાં માધ્યમે રજૂ થતો અભિવ્યકત થતો પ્રકાર તે લોકસાહિત્ય છે જે પણ તેનાં વિશાળ અભ્યાસકીય ક્ષેત્રને કારણે તેમાં સંશોધનની અને અભ્યાસની અનેક શક્યતાઓને રહેલી છે. આજે જ્યારે આંતરવિદ્યાશાખાકીય માંગ છે ત્યારે લોકસાહિત્યનાં અભ્યાસની પ્રસ્તૃતા વિશે પણ વિચારવા જેવું છે કારણ કે લોકસાહિત્યએ વિવિધ સંસ્કૃતિક અભ્યાસ, ઐતિહાસિક તથ્યો, નૃવંશશાસ્ત્ર, માનવવંશ ઉત્પતિની જાણકારી, ભાષા અને બોલી અભ્યાસની શક્યતાઓ, પુરાવસ્તુશાસ્ત્ર તેવા અનેક અભ્યાસની કડી અને ભાવિ શક્યતાની અસરને સ્વીકારે છે. ત્યારે મેં આ સશોધન સ્વાધ્યાય નિમિત્તે મારા સંશોધનપત્રનાં વિષય તરીકે ઉત્તર ગુજરાતનું લોકસાહિત્ય એ વિષય ઉપર કામ કર્યુ છે.

આપણે જાણીએ છીએ કે ભારતની પચ્છિમ દિશાએ આવેલું ગુજરાત રાજ્ય ઉત્તમ પ્રકારનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે. જેનાં પાલવમાં અનેક જાતિઓ, જ્ઞાતિઓ, મેળાઓ, તહેવારો, ઉજવણીઓ, નૃત્યો, સાંગીતિક વારસો, સ્થાપત્યો, શીલ્પો, વિવિધ ધર્મો તેનાં સ્મારકો, મંદિરો, ભૂગોળીય વારસો પર્વતો, નદીઓ, જંગલો અભ્યારણો અને વિશાળ દરિયાકાંઠો એમ અનેક વિરાસતોનો ઉજળો વારસો લઈને ગુજરાત ધબકી રહ્યું છે તેમાં તેનો સાહિત્યિક ને કળાકીય વારસો પણ વિશ્વને અનેક બાબતોમાં દિશાસૂચન કરતો રહ્યો છે ગુજરાત સાહિત્યિક વિરાસતમાં પણ અવ્વલ છે તેનો લિખિત એટલે કે શિષ્ટ સાહિત્યનો હજારો વર્ષોનો ઈતિહાસ છે તો લોકવિદ્યા અંતર્ગત લોકવાગ્મય, લોકસાહિત્યક્ષેત્રે પણ તે હજારો વર્ષોનો ઈતિહાસ ધરાવે છે જેમાં ગુજરાતનાં વિશિષ્ટ ભૂભાગ એવા દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર ને ઉત્તર ગુજરાત છે એમ આ પ્રદેશભેદે લોકસાહિત્યિક વિરાસતનો પણ વિસ્તાર છે.

બીજી રીતે જોવું હોય તો હાલાર, ગોહિલવાડ, સોરઠ, વાગડ, વાળાક, કાનમ, લાટ, વઢિયાર, ખારાપાટ, દંઢાવ્ય,ભાલ, ચરોતર, ઝાલાવાડ એમ અનેક પ્રાદેશિક વિસ્તારોની પોતપોતાની લોકસંસ્કૃતિ અને લોકવિરાસતો છે.જેમાં આજે આપણે જે વાત કરવી છે તે ઉત્તરગુજરાતનાં લોકસાહિત્યની. પણ તેની વાત કરતા પહેલા આપણે ઉત્તરગુજરાતની ભૂગોળીય માહિતી લેવી જરુરી છે કારણકે જ્યારે તમે કોઈ સ્થળ વિશેષ કે વિસ્તારવિશેષનાં લોક સાહિત્યની વાત કરતા હોય ત્યારે તેનાં ભૂગોળીય સ્થળોની માહિતી હોવી જરુરી છે. એટલા માટે કે લોકસાહિત્ય અંર્તગત પ્રકૃતિનાં દરેક તત્વો તેનાં દરેક પાસાની સાથે લોકજીવન કે લોકવિરાસત સંલગ્ન છે આપણે જાણીએ છીએ કે સરિતા, પર્વત, ઝાડપાન, જંગલ, ઝરણાં, વોકળા, સરોવર, કૂવા, વાવ, સમદર એમ અનેક સંદર્ભોનું લોકસાહિત્યકે લોકવિદ્યાનાં અન્ય પાસાની વાત તેની સાથે જોડાયેલી છે માટે વિસ્તારનાં લોકસાહિત્યની વાત સાથે તે વિસ્તારની અન્ય માહિતી મેળવવી આવશ્યક છે.

ઉત્તરગુજરાતએ પૂર્વમાં સાબરકાંઠા તેની ઉત્તરે રાજસ્થાનનો મારવાડ દેશ, પચ્છિમે પાકિસ્તાન અને દખ્ખણે અડાલજ, અમદાવાદનો સીમાવિસ્તાર ધરાવે છે તો બીજી રીતે જોવું હોય તો પચ્છિમે પાટણ જિલ્લાનાં સાંતલપુર થી લઈને પૂર્વમાં સાબરકાંઠાનાં શામળાજી, ધનસુરા, મોડાસા અને ઉત્તરે રાજસ્થાનનો મારવાડ પ્રદેશ ને દક્ષિણે મહેસાણા જિલ્લાનાં બહુચરાજી, કડી અને ગાંધીનગરનો વિસ્તાર, કે જેમાં મહેસાણા, હિંમતનગર, સિધ્ધપુર, પાલનપુર, ગાંધીનગર જેવા શહેરો આવેલા છે.એટલે કે તેની એક તરફ રાજ્યની સીમા એક તરફ દેશની સીમા ને બીજી બાજુ ભારતીય પ્રાદેશિક વિસ્તારની સાથે તેનો સાંસ્કૃતિક સંબંધ રહેલો છે. ઉત્તરગુજરાતમાં ધરણીધર-ઢીમાં અને શામળાજીનાં પ્રખ્યાત વૈષ્ણવ તીર્થો તો અંબાજી અને બહુચરાજી જેવી શકિતપીઠો આવેલી છે અરવલ્લી અને વિધ્યાંચલની પર્વતશૃંખલા જેસોર જેવા વન્ય અભ્યારણો તો તેની એક બાજુ કચ્છની નાના રણની કાંધીવિસ્તાર આવેલો છે પર્ણાશા, રુપેણ ને સરસ્વતી જેવી વિશ્વની એકમાત્ર અંતસ્થ નદીઓની વિરાસત પણ તેને મળેલી છે. તો મોઢેરાનું વિશ્વ પ્રસિદ્ધ સૂર્યમંદિર, વિશ્વ ઐતિહાસિક વારસામાં સ્થાન પામેલી પાટણની રાણકીવાવ, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વડનગરનું કીર્તીતોરણ, કુભારિયા ને દેલવાડાનાં દેરા, તારંગાનાં નયનરમ્ય પર્વતો ને જૈનદેરાસર, વાવ તાલુકામાં પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું નડેશ્વરી માતાજીનું મંદિર, વરાણાનું ખોડિયાર મંદિર અને તેનો પંદર દિવસનો લોકમેળો અને સિધ્ધપુરનો કાત્યોકનો લોકમેળો અને વિશ્વનું એકમાત્ર માતૃશ્રાધ્ધ અને તર્પણ તીર્થ એવું સિદ્દધપુરનું બિંદુસરોવર, ખેડબ્રહ્મા અને સાબરકાંઠાની આદિવાસી વસ્તી અને તેની લોકવિરાસત એમ અનેક વિવિધતાઓ આ વિસ્તાર ધરાવે છે. તેનાં આ વિસ્તારમાં પટ્ટણી બોલી વિશાળભેદે તો નાના પાયે ભીલી, મારવાડી જેવી અનેક બોલીઓનો વારસો પણ આ વિસ્તારને મલેલો છે. ઉત્તરગુજરાતનાં આ પ્રદેશમાં વાગડ, વાવેશી, વઢિયાર, થરાદરી, હિંદવાણી, ડીસાવલ, જતોડા અને ચોરાડ એમ પેટાપ્રાદેશિક વિસ્તારોની વિરાસત પણ આવેલી છે તો વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કે જે સૃષ્ટિ અને પૃથ્વીનાં ઉદ્દભવ સાથે ઉદ્દભવેલી છે તે અગ્નિકૃત પ્રકારની અરવલ્લીની પર્વતમાળા, આમ આ ભૌગોલિક વિરાસતની સાથે આ વિસ્તારમાં આદિવાસી વસ્તી, આંજણા ચૌધરી, દેશી મારવાડી અને પાટણવાડિયા રબારી, ડુંગરી ગરાસિયા, કડવા અને લેઉવા પાટીદારો, ક્ષત્રિયો અને અન્ય અનેક જ્ઞાતિગત લોકવાગ્મયનો વારસો પણ ધરાવે છે.

ઉત્તરગુજરાતની લોકકથાઓ

દરેક પ્રદેશનાં લોકસાહિત્યમાં લોકસાહિત્યનાં અન્ય પ્રકારની તુલનાએ લોકસાહિત્યનો સૌથી વધુ જો કોઈ પ્રકાર સંશોધિત અને સંપાદિત થયો હોય તો તે છે લોકકથાઓ અને આ લોકકથાઓનાં વિશ્વકક્ષાએ પણ વધુ અભ્યાસો થયા છે. ગુજરાતનાં લોકસાહિત્યની વાત કરીએ તો સૌથી વધુ લોકકથાઓનું સંપાદન,સંશોધન અને અભ્યાસ જો કોઈ પ્રદેશનાં સંદર્ભમાં થયો હોય તો તે છે સૌરાષ્ટ્ર. એનું કારણ એ પણ હોય શકે કે ત્યાં લોકસાહિત્યનાં અભ્યાસુઓની સંખ્યા કદાચ વધુ હોય એનો મતલબ આપણે એવો નથી કરવો કે સૌરાષ્ટ્રની તુલનાએ આવું લોકજીવન કે લોકસાંસ્કૃતિક વિરાસત ગુજરાતનાં અન્ય પ્રદેશમાં નથી. નાં એવું નથી કારણ ત્યાગ, વીરતા, બલિદાન, સમર્પણ, ન્યાય માટે થતા બહારવટિયા અથવા બહારવટા કે સંત, શૂરા, દાતા અને જતિ સતી, અન્ય સંદર્ભો કે તેવી કથાઓ કે ઘટનાઓ બધે જ બની છે પણ ઈતિહાસની એરણે કે કાળની ગર્તામાં એ બધુ ક્યાક સંગ્રહાયું છે કે કંઠે ટક્યું છે પણ તેને કોઈ નિષ્ઠાવાન સંશોધક કે અભ્યાસું કે લોકસાહિત્ય, લોકવિદ્યાનો જાણતલ, મર્મી અને કસબીનાં હાથે તે પડ્યું નથી અથવા તેવા પ્રયત્નો ઓછા થયા છે. કહેવાનો આશય એ છે કે દરેક પ્રદેશ, ભુભાગ કે તળપ્રદેશ તેનો ભવ્ય અને રમ્ય એવો લોકસાહિત્યિક વારસો ધરાવે છે તેવી જ રીતે એક સમયે ૧૦૦૦ વર્ષ સુધી જે પ્રદેશે ગુજરાત સમગ્ર ઉપર શાસન કર્યુ હોય, ગુજરાતની વધુ સમયની રાજધાની જે પ્રદેશે આપી હોય અને અનેક સ્થાપત્યો, સ્મારકો, વીરતા ને ત્યાગ બલિદાનની કથાઓનાં ઉદાર ચરિત્રો બને તેવા રાજવીઓ, નરપટાધરો અને સામાન્ય માનવીની ત્યાગ, વીરતા, બલિદાન, સમર્પણ, ન્યાય માટે થતા બલિદાન કે બહારવટિયાની કથાઓ આ પ્રદેશમાં પડી છે. જેને મૂલ્ય અને નૈતિકતાની સ્થાપનાનું કામ કર્યુ છે. જેની કેટલીક મહત્વની લોકકથાની નામ યાદી આ સંદર્ભે હું આપીશ જેમાં પારકી નાત અને એમાંય પણ વેપારી જાત એવા વાણિયાનાં સંઘની રક્ષા માટે શહીદ થનાર વીર અર્જુનસિંહ કે પટેલ જેવી ખેતી અને મહેનત માટે પંકાયેલી રુજુ અને સંયમી કોમ પાટીદારની વીરતાને નવાજતી જવામર્દ જીવો, બાળચંદની કે જેણે પોતાને મારવા આવેલા ઠાકોરોમાંથી સાતનાં તલવારથી ધડ કાપીને અલગ કર્યા તે કથા, આજે પણ લાડોલ ગામમાં લોકો તેને યાદ કરીને કૃતકૃત્ય થાય છે. તો તેવી જ બીજી કથાઓ જેવી કે પારકી છઠ્ઠીનાં જાગતલ, ડંખીલો દાદભા, મંગળાભાની મરદાનગી, વીર વાસીયાદાદા, વીર વાછડોદાદો, ભડવીર ભીમોજી, કુંવર અળવીલો ,રાજા અને ગઢવીની શરત, દુદોને દુદણસી, રાણો રાજપુત, અમરસંગ આખલીવાળા, કોના નસીબનું ફળ, રોટલાનું પુન, કાળજું, પતિ કોણ, ચાર ભાઈબંધો, તલ કાળા તલ ધોળા, નાગ અને વેઢ, દીપા ઝાંપડીની વાત, ભલો અને ભૂંડો જેવી સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા વિસ્તારની લોકકથાઓ છે.

તે સિવાય ઉત્તરગુજરાતની પાળિયાકથાઓ વિશે પણ સંશોધનનું કામ થઈ શકે તેવું છે. જ્યારે કોઈ વ્યકિત સત્ય માટે પોતાની જાતનું બલિદાન આપે છે તેની યાદમાં ગામોગામ પાળિયા જોવા મળે છે જે પોતાની અંદર ઈતિહાસ સંગ્રહીને બેઠા છે. ગુજરાતનાં બધા જ વિસ્તારોમાં પાળિયાઓ મળે છે તેમાંથી ઘણી મહેનતનાં અંતે તે પાળિયાઓની કથાઓ સંશોધકો, બારોટો, ગઢવીઓ એ કાં તો કંઠપરંપરામાં સાચવી છે કાં તો તેનાં વિશે દસ્તાવેજીકરણ થયું છે. હજુ હમણા જ ઉત્તર ગુજરાતનાં વઢિયાર પંથકમાં વસેલી અને નેક, ટેક, ખુમારી, ત્યાગ અને બલિદાન માટે પંકાયેલી એવા નરવૈયા રાજપુતો - નાડોદા રાજપુતો વસે છે તેમનાં વહીવંચા બારોટ સ્વ.ખોડુભા બારોટે એ વિસ્તારની રજે રજ ભૂમિ ફરીને ખૂબ મહેનત કરીને ૪૪૮ જેટલા પાળિયાઓની કથાઓ એકત્રિત કરીને લોકસાહિત્યનાં સંશોધન અને સંપાદનક્ષેત્રે ખૂબજ મહત્વનું કામ કર્યુ છે. અને વિસરાયેલી કથાઓને પ્રકાશમાં આણી છે.આ સિવાય બીજી ઘણીબધી લોકકથાઓ ઉત્ત રગુજરાતમાં ધરબાયેલી પડી છે દા.ત, રાજગઢી રુધિરે રંગાણી, પ્રીત વછોયાં, ખુટામણ, ખોડી ખાંભી ખડભળે, તોગાબાપાની તલવાર,ન્યાયને ખાતર શહાદત, રખોપું મોત સાટે, ગાયોનાં વહારું ગોગાજી ચૌહાણ વગેરે.

ઉત્તર ગુજરાતનાં લોકગીતો

જેવી રીતે લોકસાહિત્યમાં વ્યાપ ને વિવિધતામાં લોકકથા મહત્વનો પ્રકાર છે તેવો જ બીજો તેનો મહત્વનો પ્રકાર લોકગીત છે. ગુજરાતનાં લોકસાહિત્યમાં લોકગીતોનાં સંશોધનો અને સંપાદનો પણ વિશેષ પ્રમાણમાં થયા છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનાં દજ્ઞિણ ગુજરાતનાં લોકગીતો. આજે તો લોકસાહિત્યનાં અભ્યાસનો વ્યાપ અને વિસ્તાર એટલો બધો વધ્યો છે કે પ્રદેશ વિશેષનાં લોકગીતોનાં સંપાદનો તો ઘણાબધા મળે પણ હવે સમાજ વિશેષનાં, કોમ વિશેષનાં, જાતિ વિશેષનાં લોકગીતોનાં સંપાદનો પણ મળ્વા લાગ્યા છે જે આ ક્ષેત્રની ઉજળી બાબત છે.આપણે આગળ લોકકથામાં જોયું તેમ લોકગીતનાં સંપાદનોની બાબતમાં પણ સૌરાષ્ટ્રની તુલનાએ ઓછા સંપાદનો ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે પણ લોકગીતની અણમૂલી વિરાસત ઉત્તર ગુજરાતમાં પણ છે જેમાંથી મારી દ્રષ્ટ્રિએ મહત્વનાં લોકગીતોની પંકિત ઉલ્લેખ જ હું અંહિયા કરીશ
કિયા તે ગામનો વાસી,સોનાજી
કિયા તે ગામનો વાસી રે લોલ
પેંપળું ગામનો વાસી, સોનાજી[1]

તો કેટલાંક પાઠાતંરભેદે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ગીતો પહોંચ્યા હોય તેવા ગીતો પણ ઉત્તર ગુજરાતમાં છે દા.ત નીચેનું ગીત તે સૌરાષ્ટ્રમાં પણ મળે છે જેનો રાગ અને મતલબથી એકસરખા લાગે છે. આ ગીત સૌરાષ્ટ્રનાં ગીત “સવા બશેરનું મારું દાતૈડું રે લોલ” જેવું જ ગીત છે.
પિયાની ગજવેલ લીધી બાબુડા સેલ,
પિયાની ગજવેલ લીધી રે લાલ

તો સૌરાષ્ટ્રમાં ગવાતું આ લોકગીત ફકત શબ્દફેરે એ જ પીડા અને વેધકતા સાથે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં ‘કાનુડો’ જે જન્માષ્ટમીનાં તહેવાર નિમિત્તે ગવાય છે. ‘વહુ એ વગોવ્યા મોટા ખોરડા’ની આવૃત્તિ જેવું છે.
ઊંચી રબારણ ઊજળી,
એને ખંભે તે શેળું હીરનું
માથે બેડલિયું દૂધનું

જેમાં રબારણ જ્ઞાતિવિશેષ નારી નામે સુખદુખની વેદના, કાનભંભેરણી અને પછી સબંધોની હારમાળા અને અંતે નિસહાય વેદના જે એ વિસ્તારની કહાની બયાન કરે છે. તો મણિયારાનું ગીત, મીરખાનજીના કાગળ, જેરિયા રમે જેરિયા વગેરે લોકગીતો અને તે સિવાય અઢળક લોકગીતો આ વિસ્તારનાં લોકસાહિત્યનાં ખજાને લોકસાહિત્યનાં અભ્યાસુ, મર્મી અને સંશોધકોની રાહ જોઈને બેઠા છે.

ઉત્તર ગુજરાતના હડીલા

ખાસ કરીને બનાસકાંઠાનાં ઠાકોરોમાં આ ગીતો દિવાળીનાં તહેવારો ઉપર ગવાય છે જે પણ ઉત્તરગુજરાતનાં લોકસાહિત્યનું નજરાણું છે

ઉત્તરગુજરાતનાં લગ્નગીતો

ઉત્તરગુજરાતનાં પાટીદારો,નાગર બ્રાહ્મણોનાં લગ્નગીતો,અને ખેડબ્રહ્માનાં ભીલોનાં લગ્નગીતો, તેમનાં ધાર્મિકગીતો, તેમનાં સામાજિકગીતો વગેરે સમૃદ્ધ સંપાદનો પણ મળ્યા છે.

આ સિવાય ઉત્તરગુજરાતનાં લોકસાહિત્માં ગરબા, જોડકણા, પાંચીકડા, સોરઠા જેવા પદ્યદેહે વિહરતા અનેક સ્વરુપો જોવા મળે છે.

ઉત્તરગુજરાતનાં લોકસાહિત્યકારો

ગુજરાતનાં લોકસાહિત્યનાં અભ્યાસમાં ઉત્તરગુજરાતનાં લોકસાહિત્યનાં અભ્યાસીઓનું કામ વિશ્વકક્ષાએ પહોંચ્યું છે જેમનાં કામની નોંધ ભવિષ્યમાં પણ લોકસાહિત્યનાં અભ્યાસીઓને માર્ગદર્શન અને સીમાચિહ્નરુપ બનશે તેવા પાયાનાં લોકવિદ્દ શાંતિભાઈ આચાર્ય, કનુભાઈ જાની, મફત રણેલાકર, પ્રેમજીભાઈ પટેલ, ડૉ.ભગવાનદાસ પટેલ, ડૉ. અમૃત પટેલ અને જેનાં આ સમયે કામો છે પણ નામો નથી તેવા અનેક લોકો આજે આ ક્ષેત્રે તેમનું કામ મહત્વનું છે.

સંદર્ભસાહિત્ય:

  1. બનાસકાંઠાનાં લોકસંસ્કાર અને લોકવાણી: જયંતીલાલ સો. દવે
  2. ગુજરાતનાં લગ્નગીતો: સંપા. વિનાયક રાવલ
  3. રુપેણકાંઠાના શૂરવીરો: મફત રણેલાકર
  4. ચૌદ લોક: પ્રેમજી પટેલ
  5. લોકગુર્જરી: અંક, છવ્વીસ, ઓગણત્રીસ, તેત્રીસ, છત્રીસ, આડત્રીસ
  6. પીર પ્રબંધ: ભકત કવિ કેશાજી કૃત

બળદેવ મોરી, મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ,ગૂજરાત વિદ્યાપીઠ, રાંધેજા. દૂરભાષ – ૯૪૨૬૭ ૬૬૦૧૩ વિજાણું ટપાલ – baldevmori@gmail.com