આત્મલક્ષી લલિત નિબંધોનો સંગ્રહ એટલે કાંચનજંઘા
આધુનિક ગુજરાતી ગદ્ય સાહિત્યનાં મહત્વનાં સર્જક ડૉ.ભોળાભાઈ પટેલને યાદ કર્યા વિના ગુજરાતી નિબંધ–પ્રવાસની વાત થઈ જ ન શકે, ભોળાભાઈ પટેલનું સાહિત્ય સર્જન વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થયુ છે. અને તે પણ માતૃભાષા ગુજરાતીમાં, તેમનું વધુ પડતું નામ પ્રવાસ-નિબંધકાર તરીકે રહ્યું છે. આ ઉપરાંત અનુવાદ, સંપાદન, વિવેચન ક્ષેત્રે તેમની કલમ ચાલી છે તે ભૂલી ન શકાય. ‘વિદિશા’ (૧૯૮૦), ‘પૂર્વોત્તર’ (૧૯૮૧), 'કાંચનજંઘા' (૧૯૯૦), 'દેવોનીઘાટી' (૧૯૮૯), 'દેવાત્મા હિમાલય' (૧૯૯૦), 'યુરોપ-અનુભવ' (૨૦૦૪) વગેરે તેમના મહત્વના નિબંધસંગ્રહો મળે છે. તેમણે વિવેચનનાં ઉતમ કહી શકાય તેવા પુસ્તકો આપ્યાં છે. જેમાં 'અધુના'(૧૯૭૩), 'પૂર્વાપર'(૧૯૭૬ ), 'કાલપુરુષ' (૧૯૭૯) વગેરે બાર જેટલા વિવેચન પુસ્તકો પ્રાપ્ત્ત થાય છે. અનુવાદનાં તેમણે ઓગણત્રીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. 'વિષ્ણુદિગમ્બ' (૧૯૬૭), 'વનલતાસેન' (૧૯૭૯ ), 'સ્વર્ગની નીચે મનુષ્ય' (૧૯૭૭), 'સુરજમુખીનું સ્વપ્ન' (૧૯૯૪), 'નિર્વાસિત કવિતા' (૨૦૧૧) તેમજ સંપાદનમાં 'અસમિયા ગુજરાતી કવિતા' (૧૯૮૧), 'જીવનનું કાવ્ય' (૧૯૮૨), 'ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો' (૨૦૦૩) વગેરે સીમાસ્તંભ પુસ્તકોનો સમાવેશ થાય છે અને ચારેક સર્જક પરિચયના પુસ્તકો મળે છે. 'સુરદાસની કવિતા', 'રવીન્ઢ્રનાથની સાહિત્યસૃષ્ટિ', 'અજ્ઞેય', 'ઉમાશંકર જોશી', અને 'જૈનેન્દ્ર કુમારનો' સમાવેશ થાય છે. આ વિશાળ સર્જન સૃષ્ટીમાંથી ‘કાંચનજંઘા’નામના નિબંધસંગ્રહનો આસ્વાદ કરવાનો અહી યત્ન છે.
‘કાંચનજંઘા’ (૧૯૮૫) એ ભોળાભાઈ પટેલનો ત્રીજો નિબંધસંગ્રહ છે. આ નિબંધસંગ્રહનાં નિબંધોમાં જળપ્રપાતો, ગિરિશિખરો, સ્થળનું વર્ણન, વતન અને મેળાઓ જેવા અનેક વિષયનાં લીધે સંગ્રહ ઉતમ બની રહે છે. આ સંગ્રહમાં કુલ એકવીસ નિબંધો અને દસ આકાશવાણી પરથી પ્રસારીત થયેલાં વાર્તાલાપો છે. આ નિબંધો ઇ.સ. ૧૯૮૧નાં સમયગાળામાં લોકસતાની પરિવાર પૂર્તિમાં ‘દીશા-વિદિશા’કોલમમાં લખાયેલાં, અમુક નિબંધો સર્જક શાંતિનિકેતનમાં રહ્યાં તે સમયગાળામાં લખાયેલા છે. આ નિબંધોમાં સર્જકનું ભ્રમણ સંવેદન મુખ્ય છે. ‘કાંચનજંઘા અર્થાત ગૂડલક’ આ સંગ્રહનો પ્રથમ નિબંધ તેમનાં નામ પરથી આખા સંગ્રહનું નામ કરણ થયું છે. પ્રથમ નિબંધમાં સર્જક કહે છે કે ‘પીળાં તડકામાં કાગડા. આકાશ એકદમ ભૂરું અને સ્વચ્છ છે. ‘એકે નથી વાદળી.’ આટલું ભૂરું આકાશ ક્વચિત જ દેખાઈ છે. ભૂરા વિસ્તીર્ણ આકાશ નીચે ચારે દીશ પથરાયેલો તડકો અને એમાં સસ્વર ઊડાઊડ કરતાં કાગડા. ઠીક લાગે છે. ભૂરા આકાશ નીચે પીળા તડકામાં કાળા કાગડા. અવાજ જાણે વિલીન થઈ ગયો, નજર સામે માત્ર રંગ...સ્વચ્છ રંગ...’(કાંચનજંઘા પૃ-૩૩)
અહી નિબંધકારે ભાવાત્મક ચિત્ર ખડું કર્યું છે. જે આપણને બતાવતાં હોઈ એમ કંડારાયું છે. તો કાંચનજંઘા જોવા માટે ગુડલકની અપેક્ષાની વાત કરી છે. સાત સાત દિવસ સુધી ધુમ્મસ આચ્છાદિત આકાશ કાંચનજંઘા દર્શનને દુર્લભ બનાવે છે. જ્યારે એક ક્ષણ ધુમ્મસ્નુ આવરણ હટતુ જોઈ શકાઈ છે. ત્યારે આ અનુભવને તેવો શબ્દસ્થ કરતાં લખે છે કે, ‘એકે નથી વાદળી’ અને થોડીક ક્ષણોમાં કાંચનજંઘાની તુષાર-મંડિત આખી પર્વતક્ષેણી ઝબકી રહી અદભુત ! નમી પડાયું.’
'માઝુલી'નિબંધમાં અસમની સંસ્કૃતીનો દીપ માઝૂલીને કહ્યો છે. બ્રહ્મપુત્ર નદીનો વિરાટ પ્રવાહ, વરસાદ પછી મરેલી નદીઓ વહેતી થાય અને આ માઝુલીના લોકોનું ઓછું પડી ગયેલું સ્મિત ફરી ખીલી ઊઠે. વૈષ્ણવ મઠોના લીધે માઝુલીનું સ્થાન વધુ રમણીય લાગે છે. દાર્જીલિંગની પહાડીઓ બ્રહ્મપુત્રા નદીની વચ્ચે આવેલ માઝુલી દ્વીપની વાત રસપ્રદ બને છે. વૈષ્ણવ સંસ્કૃતિની વાત આવે છે. આમ 'માઝુલી' નિબંધમાં સર્જકની આત્મીયતા જોવા મળે છે.
'રેવાનેતીર'નિબંધમાં 'રેવા'નું સ્મરણ ભોળાભાઈને મન માતૃસ્મરણ છે. તેમાં પોતાની માતાનું નામ રેવા હોવાનો નિજી ઉલ્લેખ છે. ગુજરાતની જીવાદોરી સમી નર્મદાના જળ સૌંદર્યની અનુભૂતિ તે વ્યક્ત કરે છે.ભોળાભાઈએ રેવાની તેરસો કિલોમીટરની યાત્રામાં રેવાના અનેક સ્વરૂપો જોયા છે. તે કહે છે કે, 'આમ જ અમરકંટના પહાડો માંથી નીકળે છે ત્યારથી ઘણે સ્થળે કૂદતી ભૂસકા મારતી ચાલે છે.... ક્યાંક ઊંચા પહાડો વચ્ચેથી વહેતી હોય, ક્યાંક ગાઢ આદિમ અરણ્યો વચ્ચેથી ક્યાંક બૃહત પટમાં વહે કે ના વહેનો ભાસ કરાવતી વિપુલ જલધોધ બની રહી હોઈ. તો ક્યાંક મુષ્ઠીમેય કમર વાળી નાયિકા જેવી સાંકડી વાટમાંથી સવેગ ધસતી હોય.એક હરણી એને કૂદી જાય એટલે તો રેવાને હજી કોઈ બાંધી શક્યું નથી'(કાંચનજંઘા પૃ-૩૩). આમ અહીં રેવાનો મહિમાં ગાતા નિબંધકાર થાકતા નથી.
અહીં જે મુખ્ય નિબંધની વાત કરવાની છે તે નિબંધ 'ઘર' છે. આ લેખનું શીર્ષક 'આત્મલક્ષી લલિત નિબંધ સંગ્રહ એટલે કાંચનજંઘા'પસંદ કર્યું છે તેની સાર્થકતા આ 'ઘર' નિબંધના આધારે યોગ્ય પુરવાર થતું હોય એમ હું અંગત રીતે માનું છું. 'Home is Where One'અર્થાત(ઘર તે છે ત્યાંથી એક પ્રારંભ થાય છે.) ટી.એસ ઇલિયટની આ પંક્તિથી ઘરનો મહિમા અહીં શરૂઆતમાં જ પ્રગટ કરી આપ્યો છે.
સર્જકનું ગામડાનું જૂનું ઘર બંધ રહેતું હોવાથી તેને વેચી કાઢવાનો નિર્ણય કરેલો. આ ઘરને કાયમ માટે કાઢી નાખવાનો હોવાથી એક ઘરમાં બધા સાથે રહી લેવાનો નિર્ણય કર્યો. ઘણા સમયથી બંધ રહેતું ઘર પાછું ખુલ્યું. આ બાપદાદાનું ઘર સૌ જાતે મહેનત કરી બંધાવેલું તે ઘરમાં સૌ ભાઇ-ભાંડુઓ જન્મેલા, દરેક સારામાઠા પ્રસંગોનું સાક્ષી રહ્યું છે આ ઘર..સર્જક ત્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે દીવાલો ઠપકો આપવા લાગી. 'આટલે દહાડે આવ્યા અને હવે બસ..'આંગણામાં ખાટલો ઢાળીને બેઠા બેઠા નિબંધકાર પોતાનો ભૂતકાળ વાગોળવા છે ઘરનાં નેવા, કેટલા બધા ચોમાસાનું સંગીત, આ જ ઘરમાં દાદી, દાદા અને બાપુની નનામી બંધાઈ હતી. ઓરડો એક સમયે ભરેલો રહેતો તે બધું હવે રહ્યું નથી.
રડતી બાને જોઈને નિબંધકારે પૂછ્યું તું રડે છે બા? બા એ જવાબ આપતા કહ્યું, આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. બા નો ઘર માટે નો રાગ જોઈને તેને કાઢવાનું અંતે માંડી વાળ્યું. એટલે જ ઘર તે ભાવના છે એ પૈસાથી બાંધી શકાય કે ખરીદી શકાય નહીં. આ રીતે 'ઘર'નિબંધમાં શૈશવની સ્મૃતિઓ આલેખાઇ છે. સંવાદો વડે નિબંધ ટૂંકીવાર્તાની સીમાએ પહોંચે છે.
'રઢીયાળી રાત' નિબંધમાં ગ્રામીણ સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝિલાયું છે. પ્રસ્તુત નિબંધમાં પોતાના ગામ સોજા મા થતા નવરાત્રિના ગરબાની સ્મૃતિઓ આજે શહેરમાં વસતા નિબંધકારને થાય છે અને તે નિંબંધમાં આલેખે છે. નિબંધના આરંભમાં આસો માસના દિવસોમાં સોનેરી ધાનથી શોભતાં ખેતરો, નદી જળાશ્યોનાં પાણી ઠરીને નીતરાં બનતાં, ધરતીની બદલાતી પ્રકૃતિએ માણસની પ્રકૃતિ બદલાય છે. આ બધી વાતો ખૂબ જ સર્જનાત્મક રીતે નિબંધકાર અહીં રજૂ કરે છે. નિબંધકાર આખા માસને ઉત્સવનો માસ કહે છે.
સોજા ગામમાં થતો 'ગરબો'તેની ઓળખ અન્ય ગામમાં થતાં ગરબા કરતા તે જુદો હોય. આ ગરબો ગામનું સ્થાનિક તહેવાર હોવાથી દિવાળી કરતા તેનો મહિમા વધુ. ગામના વ્યવહારો સારા પ્રસંગો બધુ ગરબા આવે ત્યારે થતું. પ્રેમીઓ મળવા માટે 'ગરબામાં મળીશું' એવા કોલ આપે. આ ગરબાને સુથાર, કુંભાર, ઘાંચી, અને ગામના ખેડૂતો એમ બધા જ ગરબાનું કામ કરી જાય(ગરબો શણગારી જાય) આમ બધાને જોડાવાનું બને આખી રાત સુધી ગરબા ચાલે. તેમાં…. 'મારી તો કાળકા કાગળ મોકલે રે વેરાઈ માં ગરબે રમવા આવો ને..','આસો માસો શરદ પૂનમની રાત જો'જેવા ગરબાની રમઝટ બોલે. આમ અહીં ગ્રામ સંસ્કૃતિના ધબકાર આ ઉત્સવમાં જોવા મળે. સામાજિક ગ્રામચેતના નજરે પડે છે.
સર્જક ભોળાભાઈ લોક મેળાઓ જોયા છે અને આત્મસાત કર્યા છે. 'રામૈયા રામ' નિબંધમાં તરણેતરના મેળાની સ્મૃતિઓ સર્જક તાજી કરે છે. આ મેળામાં ભોળાભાઈ સાથે ઈશ્વર પેટલીકર, રઘુવીર, ચંદ્રકાંત વગેરે સાથી મિત્રો જોડાયાં હતાં. મેળાના આરંભમાં તો મેળો જોનારા હતા, મેળે જનારા કોઈ દેખાતા ન હતા.! ત્રીનેત્રેશ્વર પર થી 'તરણેતર'એવું નામ પડયું હશે. અહીંથી અર્જુને મત્સ્યવેધ કરી દ્રોપદીને જીતી હતી.આ પાંડવના ઇતિહાસની વાત તરણેતરના મેળા સાથે જોડીને નિબંધકારએ તરણેતરનો ભૌગોલિક ઇતિહાસ ખોલી આપ્યો છે. જેમ મેળો જામતો ગયો તેમ તેમ ખુલ્લા ખેતરોમાં બળદગાડા, ભજન મંડળીઓ એકતારો, મંજીરા અને તબલા સાથે ભજનો ચાલતા રહ્યા તળભૂમિનાં રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ યુવાન-યુવતીઓ ઢોલના તાલ સાથે નૃત્યની રમઝટ બોલાવતાં હતા. એક પછી એક રાસડો શરૂ થતો જતો હતો. આ પંક્તિઓ આજે પણ ગુંજે છે.
'રામ લખમણ બે બંધવડા રામૈયા રામ,
બેઉ ભાઈ ચાલ્યા વનવાસ રે રામૈયા રામ.'
'રામૈયા રામ'આ શબ્દો આપણી સંસ્કૃતિમાં, આપણા જનજીવનમાં પ્રવેશી ગયા છે ઝીલતાં રહ્યા છે, અને ગવાતા રહ્યા છે.અહીં આપણા સર્જકને ચિંતા છે કે 'આપણી લોકસંસ્કૃતિના જીવંત પ્રતીકરૂપ આ મેળા પર 'સભ્યસંસ્કૃતિનું' જે આક્રમણ છે, તે થોડા જ વખતમાં મેળાના અસલ રૂપને ગ્રસી જશે.' (રામૈયા રામ પૃ-૪૬) મેળે આવનારા કોઈ નહીં હોય અને માત્ર મેળો જોવા આવનારાઓની જ ભીડ હશે.!
'સાતઈ પૌષ'નિબંધમાં શાંતિનિકેતનમાં ભરાતા મેળાની વાત છે. આ મેળો અન્ય મેળા કરતાં સર્જકને જુદો લાગે છે. મેળાની વાત કરતા ભોળાભાઈ બંગાળની ધાર્મિક સંસ્કૃતિનું પ્રતિબિંબ અહીં છતું કરે છે. રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથે ૧૯૮૫ના વરસથી મેળાની શરૂઆત કરાવી હતી.'સાતઈ પૌષ'મહર્ષિ દેવેન્દ્રનાથનો દીક્ષા દિવસ હતો. એ રીતે મેળાનો અનુબંધ તેની સાથે જોડાયેલો છે. આ મેળાનો આશય ફિરકાના સાંધુ સંતો, અને ઓલિયા ફકીરોને બોલાવી ઘરમાં વિચાર અને ધર્મપાસનાનો આચાર કરવાનો છે. સાથોસાથ ગાન પણ એટલું જ મહત્વનું છે. અને કવિઓની કાવ્ય સ્પર્ધાનો કાર્યક્રમ વિશિષ્ટ પ્રશ્નોત્તરી અને સંવાદો સાથે થતો હતો. ઉમાશંકર જોશીએ મેળા વિશે કહેલું તે સર્જક અહીં કહે છે કે,'મેળો કોઈ રાજા સમ્રાટના ફરમાનથી નહીં 'લોકસસમ્રાટના'આ ફરમાનથી થાય છે.' અને મેળામાં પોતાની ખોઈ નાખવાનું હોય છે. આમ આ નિબંધમાં શાંતિનિકેતનના મેળાની વાત સરળ શબ્દોમાં તેમજ બંગાળની સંસ્કૃતિની ઝલક ઐતિહાસિક સંદર્ભો સાથે મેળાનું નર્યુ વાસ્તવ ચિત્રિત થયું છે.
આ સંગ્રહના અન્ય નિબંધો પણ એટલા જ મહત્વના છે.'ગીરીમલ્લિકા', 'સપ્તપર્ણ', 'સાતભાઈ ચંપા' અને 'આ ફૂલનું નામ નામ શું'જેવા નિબંધોમાં પુષ્પ સૃષ્ટિ સાથેનો નિબંધકારનો ઘેરો લગાવ છે. આ સંવેદન ગદ્યની વિશિષ્ટ ભાત સાથે આવે છે. શાંતિનિકેતનમાં ઠેરઠેર જોવા મળતા શ્વેત પુષ્પો જોઈને નિબંધકાર હર્ષ અનુભવે છે.'ગીરીમલ્લિકામાં' ગીરીમલ્લિકા નામે ઓળખાતા ફૂલ વિશેના આ નિબંધમાં ફૂલ પ્રત્યેનો એમનો પ્રકૃતિપ્રેમ દેખાઈ આવે છે. અને 'સાચી', જેવા નિબંધોમાં પ્રવાસની સાથે એમનું સૌંદર્યલુબ્ધ વ્યક્તિત્વ પ્રગટ થતું જોવા મળે છે.જે આ નિબંધ સંગ્રહના નિબંધોની લાક્ષણિકતા બની રહે છે. બીજી વિશેષતા એ જોઈ શકાય કે,બે ત્રણ પૃષ્ઠ સુધીના નિબંધો મળે છે. આ ટૂંકી ગદ્યશૈલીના લીધે કૃતિનું એકતત્વ જળવાયું છે.
આ નિબંધસંગ્રહનું ગદ્ય જુદા પ્રકારનું છે. તેની ગદ્ય શૈલી પત્રકારત્વ વાળી હોય તેવું દેખાય આવે છે. આખા નિબંધસંગ્રહમાંથી પસાર થતાં અંગ્રેજી શબ્દો ક્યારે ક્યારે નજરે પડે છે. તો સંસ્કૃત શબ્દો અને તત્સમ પદાવલિઓનો વધુ પડતો ઉપયોગ આ નિબંધોની મર્યાદા બની રહે છે. આ નિબંધ સંગ્રહના નિબંધોની સફળતા તેનું લાલિત્ય છે. મોટાભાગના નિબંધોમાં હું ની લીલાનો મહિમા છે. એ ' હું ' જ લખાણને લલિત રૂપ બનાવી દે છે. આમ 'કાંચનજંઘા' નિબંધ સંગ્રહએ 'આત્મલક્ષી લલિત નિબંધ સંગ્રહ' બની રહે છે.
સંદર્ભ: