Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ગાંઠ છૂટ્યાની વેળા વેળા - ‘હજુ હું જીવું છું’

‘હીંચકો’, ‘વિકલ્પ’, ‘કેવટ-દર્શન’, ‘કન્યાદાન’, ‘જન્મોત્સવ’ જેવી સુંદર વાર્તાઓ આપનાર વાર્તાકાર ગુણવંત વ્યાસ પાસેથી તેતાળીસ જેટલી વાર્તાઓ મળી છે. ‘આ લે, વાર્તા!’ એ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. ‘હજુ હું જીવું છું’ એ તેમના પ્રથમ વાર્તાસંગ્રહમાંની એક વાર્તા છે. પ્રમાણમાં સરળ એવી આ વાર્તા વાંચતા ઈ.સ.૨૦૧૫માં આવેલી એક વિખ્યાત ફિલ્મ ‘ફાધર્સ એન્ડ ડોટર્સ’ યાદ આવી જાય. ફિલ્મની નાયિકા કેટી ડેવિસ (અમાન્ડા શેરિફ) પણ આ વાર્તાની નાયિકા પ્રજ્ઞાની જેમ માનસશાસ્ત્રની અભ્યાસી છે. પિતા જેક ડેવિસથી (રસેલ ક્રો) વિખૂટા પડ્યાનો આઘાત કેટીને કોઈપણ પુરૂષ સાથે લાગણીથી જોડાવા દેતો નથી. પિતાએ માતાને ત્યજી દીધી હતી એ વાતે પ્રજ્ઞા પણ પુરૂષોથી દૂર ભાગે છે. મૂળમાં તો માને નહીં પણ પોતાને ત્યજી દીધી હતી એ વાત પ્રજ્ઞા સ્વીકારી શકતી નથી. અલબત્ત, ફિલ્મમાં કથાનક જુદું છે. પ્રમાણમાં સરળ એવી આ વાર્તા બે-ત્રણ બાબતે ધ્યાન ખેંચે છે. સૌ પ્રથમ તો, વાર્તાનાયિકા ગ્રંથિથી પીડાય છે. બીજું, ગુણવંત વ્યાસની ઘણીખરી વાર્તાઓમાં પુરૂષપાત્રો કેન્દ્રસ્થાને જોવા મળે છે. તેમની બહુ ઓછી વાર્તાઓમાં મુખ્ય પાત્રરૂપે સ્ત્રી જોવા મળે છે. ત્રીજું, એક સક્ષમ લઘુનવલ રચી શકાય તેવું કથાબીજ આ વાર્તા ધરાવે છે. આ ઉપરાંત અન્ય વાર્તાઓમાં જોવા મળતી વાર્તાકાર ગુણવંત વ્યાસની વિશેષતાઓ આ વાર્તામાં પણ રહેલી છે. ‘વિકલ્પ’ અને ‘કેવટ-દર્શન’ના નાયકોની જેમ પ્રજ્ઞા પણ સ્વ-નિરીક્ષણ કરનારી યુવતી છે. ચુસ્ત સમયસંકલના અને સમય વિશેની પ્રજ્ઞાની પોતાની માન્યતા, પ્રજ્ઞાની મા અને શાલિની દેવીનો જકસ્ટાપોઝ, સૂક્ષ્મવિગતોનું ચોકસાઈસભર અને સંકેતાત્મક નિરૂપણ, નર્મ-મર્મ જેવી વાર્તાકારની ખાસિયતો આ વાર્તામાં પણ જોવા મળે છે.

વાર્તામાં કથનકેન્દ્ર પ્રજ્ઞાનું છે. વાર્તામાં સમય પાંચ માર્ચથી તેર માર્ચ સુધીનો એટલે કે, નવ દિવસનો છે. પાંચમીએ મિટિંગમાં જઈ રહેલી પ્રજ્ઞાની કારનો અકસ્માત થાય છે. આઠમીએ બપોરે ત્રણ વાગ્યે તે ભાનમાં આવે છે. સાડા ત્રણ દિવસ પછી પ્રજ્ઞા કોમામાંથી બહાર આવે છે તે ક્ષણથી વાર્તાનો આરંભ થાય છે. તેરમીએ શાલિની દેવીનું વ્યાખ્યાન પૂરું થયા બાદ પ્રજ્ઞા ડૉ. શાહને મળે છે. ડૉ. શાહ તાજું ખીલેલું ફૂલ પ્રજ્ઞાને ધરે છે. પ્રજ્ઞા ડૉ. શાહના પ્રેમનો સ્વીકાર કરે છે ત્યાં વાર્તા પૂરી થાય છે.

પ્રજ્ઞા બુદ્ધિશાળી, સંવેદનશીલ અને સ્વ-નિરીક્ષણની વૃત્તિ ધરાવતી યુવતી છે. નારીવાદની હિમાયતી પ્રજ્ઞાએ નારીસમસ્યા પર પીએચ.ડી. કર્યું છે. તે નારી સંરક્ષણ ગૃહમાં નોકરી કરે છે. વક્રતા એ છે કે સ્ત્રીઓને તેમની મુશ્કેલીઓ સામે લડવા માટે પ્રોત્સાહિત કરતી, સ્ત્રીઓને મદદરૂપ થતી પ્રજ્ઞા પોતાની ગ્રંથિથી મુક્ત થઈ શકતી નથી. માનસશાસ્ત્રની વિદ્યાર્થિની હોવાને લીધે તે પોતાની સમસ્યાઓ જાણે છે ખરી. વાર્તામાં કથક પ્રજ્ઞા હોવાથી તે જે કંઈ જુએ, વિચારે, અનુભવે છે એ બધું જ વાર્તાકાર દર્શાવી શક્યા છે. ગુણવંત વ્યાસની પાત્રસૃષ્ટિને ધ્યાનથી જોઈએ તો તેમના પાત્રોમાં સ્વ-નિરીક્ષણની વૃત્તિ ધ્યાન ખેંચે છે. ‘હીંચકો’, ‘વિકલ્પ’, ‘કેવટ-દર્શન’, ‘વૃંદાવન’ જેવી વાર્તાઓ આ વાતના ઉદાહરણરૂપે જોઈ શકાય. પ્રજ્ઞા પણ આ જ કુળની છે. છે. બીજી વિશેષતા તે પાત્રોનું માનસશાસ્ત્રીય નિરૂપણ. ‘ચામો’ અને ‘તેર’ જેવી વાર્તાઓમાં ફોબિયાથી પીડિત પાત્રોનું માનસશાસ્ત્રીય નિરૂપણ કરનાર આ સર્જકના પ્રથમ વાર્તાસંગ્રહમાં જ પ્રજ્ઞા જેવું ગ્રંથિથી પીડાતું પાત્ર જોવા મળે છે.

પ્રજ્ઞાની સમસ્યાના મૂળ તેનાં બાળપણમાં રહેલાં છે. માનસશાસ્ત્રીઓ વ્યક્તિત્વ ઘડતરમાં બાલ્યાવસ્થાને અગત્યની માને છે. પ્રગતિના પંથે આગળ વધવા માટે પિતાએ માતાને ધીમી કહીને તરછોડી દીધી હતી. પ્રજ્ઞા આ અણગમતા પ્રસંગોને હઠપૂર્વક અચેતનમાં દબાવી (દમન-Repression) દઈ પોતાનાં અહમને ટકાવી રાખવા મથે છે. પરિણામે તેના જીવનનું ‘લક્ષ્ય’ બદલાઈ જાય છે. આલ્ફ્રેડ એડલરના મતે, દરેક માનવીની જીવનશૈલીને ઘડવામાં ‘જીવન-રીતિ’ અને ‘લક્ષ્ય’ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જીવન-રીતિના ઘડતરમાં જાતિ (સ્ત્રી કે પુરૂષ), કૌટુંબિક વાતાવરણ, માતા-પિતાના જીવન પ્રત્યેના અભિગમ, કુટુંબની સામાજિક- આર્થિક પરિસ્થિતિ તથા શારીરિક સ્વાસ્થ્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. પિતાના વર્તનના લીધે પ્રજ્ઞાની જીવન-રીતિ અને લક્ષ્ય બદલાઈ જાય છે. પિતા પરનો ગુસ્સો ક્ર્મશ: સમસ્ત પુરૂષજાત તરફ વળે છે તો બીજી તરફ આ જ ધિક્કારભાવને લીધે પ્રજ્ઞા માને આઘાત આપે તેવું વર્તન અવારનવાર કરી બેસે છે. પિતાની જેમ પ્રગતિના પંથે દોડતી પ્રજ્ઞા સ્ત્રી સહજ સાજ-શણગારને નબળાઈ માનવા લાગે છે. પોતે કોઈથી પાછળ રહી જશે કે કોઈ તેને તરછોડી દેશે એવી ભીતિ તે સતત અનુભવે છે. તેથી જ અકસ્માતમાંથી ઊગરી ગયા બાદ તે સાડા ત્રણ દિવસ પાછળ રહી ગયાનો રંજ અનુભવતી જોવા મળે છે. ડૉ.શાહ સાથેનો આ સંવાદ જુઓ.
‘પણ ડૉક્ટર, એ સાડા ત્રણ દિવસ હું દુનિયાથી પાછળ પડી ગઈ છું. જગ-આખું આજે આઠમી માર્ચે પહોંચ્યું હોય ને હું હજુ પાંચમી માર્ચમાં જ જીવતી હોઉં એવું લાગે છે. આ પીડા અસહ્ય છે.’ (પૃ-૭૩)

ઝડપથી કાર ચલાવતી પ્રજ્ઞાને તેની મા સ્પીડ ઘટાડવા કહેતી ત્યારે પ્રજ્ઞા જવાબ આપે છે,
‘અકસ્માતમાં ધીમી ગતિવાળાએ જ વધુ ગુમાવવાનું આવતું હોય છે.’ (પૃ-૭૧,૭૨)

માને ‘રગશિયું ગાડું’ કહેતા પિતાને ધિક્કારતી પ્રજ્ઞા પણ પિતાની જ ભાષામાં મા સાથે વાત કરે છે. માનવમનની આ સંકુલતા વાર્તાકારે ઉપરોક્ત સંવાદથી દર્શાવી છે. પિતાએ માની સાથે પોતાને પણ તરછોડી દીધી એ વાત દીકરી તરીકે પ્રજ્ઞા પચાવી શકી નથી. ‘હીંચકો’, ‘નિરુદ્દેશે’, ‘ફકીરા ચલ ચલા ચલ’ જેવી વાર્તાઓમાં ગુણવંત વ્યાસ નાયકને સતત ઘડિયાળના કાંટે બે છેડા સાંધવા માટે દોડતા બતાવે છે. ‘નિરુદ્દેશે’માં દોડધામમાંથી છૂટકારો મેળવવા મથતો નાયક જોવા મળે છે. પ્રજ્ઞા પણ સતત દોડી રહી છે. તેને મન સમય એટલે ઝડપ અને પ્રગતિ. તેના અચેતનને સમજીએ તો પ્રજ્ઞા પોતાના ભૂતકાળથી ભાગી રહી છે. પરંતુ તેની આ દોડ ખોટી દિશાની છે. એ વાતનો ખ્યાલ તેના આ વિચારોમાંથી મળી રહે છે.
‘સર, ત્રણ-સાડા ત્રણ દિવસ જ નહીં, ત્રણ-સાડા ત્રણ ડગલાં પણ ધારે તો ત્રિલોકને માપી શકવા સમર્થ છે.’ (પૃ-૭૩)
‘હકારાત્મકતાની અતિશયતા ક્યારેક આપણી જ હયાતીને ગળી જતી હોય છે. માએ હકારાત્મકતામાં પતિ ખોયો. હું કશું ખોવા નથી માગંતી.’ (પૃ-૭૪)
‘પુરુષ ક્યારેય સ્ત્રીની વેદનાને સમજી નથી શકવાનો એવી નાનપણથી વિકસેલી સમજે મને પુરુષ સમોવડી બનવા ઝૂઝતી-ઝઝૂમતી કરી હતી’ (પૃ-૭૪)

પ્રજ્ઞા અને ડૉ.શાહ વચ્ચેના સંવાદ વડે વાર્તાકાર પ્રજ્ઞાની ગ્રંથિના મૂળ દર્શાવે છે. પ્રજ્ઞા ડૉ.શાહે મોકલેલા તાજા ફૂલોની સુવાસથી જાગે છે. તેને પુષ્પગુચ્છમાં ડૉક્ટરની સ્ત્રી લોલુપ માનસિકતા દેખાય છે. તો બીજી તરફ ડૉક્ટર વિઝિટમાં નીકળ્યાનું જાણીને પ્રજ્ઞા આરસીમાં પોતાનું પ્રતિબિંબ જોવા લાગે છે. ત્યાર બાદ પ્રજ્ઞા ‘ટ્રક’ અને ‘ચા’ એ પુલિંગવાચક સંજ્ઞા છે કે સ્ત્રીલિંગવાચક એ વાતે ડૉ.શાહ સાથે દલીલો કરે છે. માત્ર આટલી વાતે પ્રજ્ઞા ગ્રંથિમાંથી મુક્ત થઈ જાય એ શક્ય છે ખરું? ઉત્તર છે ના. આગળ નોંધ્યું તેમ પ્રજ્ઞા સ્વ-નિરીક્ષણ કરનારી સંવેદનશીલ યુવતી છે. ડૉ.શાહ સાથેની દલીલોમાં એક બીજા અકસ્માતની વાત સાંભળીને પ્રજ્ઞાને કોઈ આઘાત લાગતો નથી.
‘ના, ટ્રક નહીં, એક બસે છકડાને ઠોકરે લીધો છે. છકડાનો ચાલક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
પ્રત્યુત્તરરૂપે મેં માત્ર ‘હં’માં જવાબ વાળ્યો. શું થયું મારી સંવેદનાઓને? કેમ આઘાત ન અનુભવ્યો ડૉક્ટરના આ જવાબથી?’ (પૃ-૭૫)

અહીં તેની સ્વ-નિરીક્ષણની વૃત્તિ અને વેદનશીલતા દેખાય છે. તેથી જ તે ગ્રંથિમાંથી છૂટી શકે છે. ડૉ.શાહ સાથેની વાતચીતમાં બે બાબતો નજરે પડે છે. એક, પ્રજ્ઞાનો અધિ-અહમ. જે તેને સીધી રીતે વાત કરતાં રોકે છે. બીજું, તેનું ડૉ.શાહ પ્રત્યેનું છૂપું આકર્ષણ. તેથી તેનું માનસ પ્રતિક્રિયારચના કરે છે. અરીસામાં પ્રતિબિંબ નિહાળવું અને ચાવાળી દલીલમાં તેનું આકર્ષણ છતું થાય છે.

વાર્તામાં અન્ય પાત્ર શાલિની દેવીનું છે. ગુજરાત મહિલા મંડળના અધ્યક્ષ શાલિની દેવીનું વ્યાખ્યાન પ્રજ્ઞા ગોઠવવા ઈચ્છતી હોય છે. ‘વિકલ્પ’, ‘કેવટ-દર્શન’, ‘ખાલીપો’ જેવી વાર્તાઓની જેમ અહીં પણ જકસ્ટાપૉઝની પ્રયુક્તિ જોવા મળે છે. અહીં બે માતાઓ – પ્રજ્ઞાની મા અને ડૉ.શાહની મા શાલિની દેવીનો જકસ્ટાપૉઝ જોવા મળે છે. ડૉ.શાહનો ઉછેર શાલિની દેવીના સ્નેહાળ વ્યક્તિત્વને લીધે સ્વસ્થ રીતે થયો છે. જ્યારે પ્રજ્ઞાને માતા-પિતાના લગ્નજીવનનો વિચ્છેદ નાની વયે જોવો પડે છે.

વાર્તાકારે તેરમી તારીખની પ્રજ્ઞાની ગતિવિધિનું પૂરેપૂરું વર્ણન કર્યું છે. એ દિવસે બનેલી ઘટનાઓ પ્રજ્ઞાના જીવનમાં નવો વળાંક લાવે છે. પ્રજ્ઞાની માનસિકતા માત્ર એક દિવસમાં બદલાઈ નથી. કોમામાંથી બહાર આવ્યા પછી એટલે કે આઠથી બાર તારીખ સુધીના પ્રસંગોએ ક્રમશ: પ્રજ્ઞાની બંધિયાર બની ગયેલી અવસ્થા પર પ્રહારો કર્યા છે. ડૉ.શાહનું પ્રેમાળ વર્તન અને શલિની દેવીની સ્નેહસભર મુલાકાત તથા ડૉ.શાહ સાથેની પ્રજ્ઞાની દલીલો જો વાર્તાકારે મૂકી ન હોત તો પ્રજ્ઞાનું માનસ પરિવર્તન અપ્રતીતિકર જણાત.

વાર્તાકાર તરીકે ગુણવંત વ્યાસની એક ખાસિયત એ છે કે તેઓ સુક્ષ્મ વિગતોના ચોકસાઈસભર અને સંકેતાત્મક નિરૂપણ વડે વાર્તાને નક્કર આકાર આપે છે. અહીં પણ વાર્તાકારે ફાટક અને ફુગ્ગાનો આવો જ સૂચક વિનિયોગ કર્યો છે. વ્યાખ્યાન માટે જતી વેળાએ ફાટક બંધ હોય છે અને જ્યારે પ્રજ્ઞા શાલિની દેવી સાથે પાછી ફરે છે ત્યારે ફાટક ખુલ્લું હોય છે. બંધ અને ખુલ્લો ફાટક પ્રજ્ઞાની ગ્રંથિ અને તેમાંથી થતી તેની મુક્તિને દર્શાવે છે. પ્રજ્ઞા બાળપણમાં થયેલા એક ફુગ્ગાવાળાના કટુ અનુભવને લીધે વર્તમાન સમયમાં ફાટક પાસે ઊભેલા ફુગ્ગાવાળાને ધમકાવી નાંખે છે. પ્રજ્ઞા ફુગ્ગાના આકારને પુરુષના અંગના પ્રતીક રૂપે જોતી હોય છે. શાલિની દેવી એ જ ફુગ્ગાના આકારને માનવ પ્રતિકૃતિમાં બદલી નાંખે છે. એ જોઈને પ્રજ્ઞા મનોમન વિચારે છે,
‘જે વસ્તુને હું માત્ર લૈંગિક સંબંધે જ જોતી હતી, તેનું આ પ્રકારેનું સાયુજ્ય એક નવું જ સર્જન બની કોઈ સંદેશ ફેલાવી રહ્યું... આંગિક ઓળખથી ગંઠાયેલી મારી સંકુચિત માનસિકતામાંથી મને બહાર લાવી રહ્યું હતું. જેનું માથું અને ધડ બન્યા છે ફુગ્ગા અને કાકડી બની છે હાથપગ એવો વિરલ સંયોગ સાયુજ્યનો મહિમા ગાતો લાગ્યો.’ (પૃ-૮૧)

મનોવિજ્ઞાની ફ્રોઈડે જે-તે વસ્તુઓને પુરુષ-સ્ત્રીના અંગોના પ્રતીક તરીકે દર્શાવ્યાં હતા. જેમ કે, ફુગ્ગો, લિપસ્ટિક, મિસાઈલ, કેળું વગેરે. ઘણા ફ્રોઈડવાદીઓ આ વાતને હજુ પણ વળગી રહે છે. આ પ્રકારની માનસિકતા સ્વસ્થ વ્યક્તિની ન હોઈ શકે. મેલ, ખટારો, ચા પીધો, ફુગ્ગોના સ્ત્રીલિંગ-પુલિંગના ભેદ વડે પ્રજ્ઞાની ગ્રંથિ લેખકે દર્શાવી છે. અહીં કોઈને વાર્તાકાર ફ્રોઈડની આ પ્રકારની વિચારસરણીની હળવી શૈલીમાં ઠેકડી ઉડાવતાં પણ જણાય. શાલિની દેવી સ્ત્રી અને પુરુષ બંનેની દિશાઓ, શક્તિ અને સામર્થ્ય તથા લક્ષ્ય પણ અલગ-અલગ હોઈ બંનેની સરખામણીનો છેદ જ ઉડાડી દે છે. અહીં પ્રસિદ્ધ માનસશાસ્ત્રી એમ્મા જુંગના વિચારો યાદ આવે. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાને કારણે ઘણીવાર સ્ત્રીઓ પુરુષ સમોવડી બનવા જતાં પોતાના સ્ત્રીત્વનો નકાર કરતી હોય છે. આ લઘુતાને કારણે તેઓ ઘણીવાર લગ્ન કરવાથી પણ દૂર ભાગે છે. નવા જમાનાનું શિક્ષણ સ્ત્રીઓને પુરુષો જેવી આક્રમક બનવા પ્રેરે છે. એમ્મા જુંગના મતે, સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ગણે એ પ્રકારની સમાજવ્યવસ્થા હોવી જોઈએ.

વાર્તામાં બધાંના મૌન અને માર્મિક હાસ્યનું રહસ્ય અંતે ખુલે છે. શાલિની દેવી પ્રજ્ઞાને વળતાં પોતાના પુત્રના ઘરે લઈ જાય છે. પ્રજ્ઞા ત્યાં ડૉ.શાહને જોઈને અચંબિત થઈ જાય છે. તે શરમાઈ જાય છે. રૂમાલમાંથી સંઘરી રાખેલી પુષ્પપાંખડીઓ નીચે પડે છે અને પ્રજ્ઞા એ ઉઠાવે એ પહેલાં ડૉ.શાહ લઈ લે છે. તેઓ તાજું ખીલેલું ફૂલ પ્રજ્ઞાને ધરે છે. પ્રજ્ઞાને પ્રશ્ન થાય છે કે ‘હું હજું જીવું તો છું ને?!!’ ત્યાં વાર્તા પૂરી થાય છે. આ તાજું ખીલેલું ફૂલ નવી સંભાવનાઓ, સુંદર ભાવિજીવન તરફ સંકેત કરે છે. લેખકે પ્રજ્ઞાને માત્ર ગ્રંથિમાંથી છૂટતી નથી બતાવી પરંતુ તેના જીવનમાં પ્રેમનું આગમન પણ કરાવ્યું છે. ખરેખર તો શીર્ષક સૂચવે છે તેમ પ્રજ્ઞા પ્રેમમાં પડે છે તે ક્ષણથી જ તેના નવજીવનનો આરંભ થાય છે. પિતાના વર્તનથી લાગેલા આઘાતથી બંધાયેલી ગાંઠ શાલિની દેવી અને ડૉ.શાહના ઉષ્માસભર વર્તનથી દૂર થાય છે. કોમામાંથી પાછા ફરવું તે તેની આ જડ માનસિકતામાંથી છૂટવાનો સંકેત બની રહે છે. ખરું જીવન તો પછી જ શરૂ થાય છે. પ્રમાણમાં સરળ જણાતી આ વાર્તા પાત્રના માનસશાસ્ત્રીય નિરૂપણ, કથનકેન્દ્રની પસંદગી, ચુસ્ત સમય સંકલના તથા વાર્તાકારની નર્મ-મર્મસભર શૈલીના કારણે આસ્વાદ્ય બની રહે છે.

આમ, ‘હજુ હું જીવું છું’ વાર્તા કોમામાંથી - અંતિમવાદી માનસિકતામાંથી પરત ફરેલી નયિકા પ્રજ્ઞાના અનુભવની વાર્તા છે.

સંદર્ભ:

  1. ‘આ લે, વાર્તા!’, ગુણવંત વ્યાસ, પાર્શ્વ પ્રકાશન, ૨૦૧૧
  2. ‘ગુજરતી નવલકથા: ફેર વિચારણા’ – જશવંત શેખડીવાળા, પાર્શ્વ પ્રકાશન, પ્ર.આ. ૨૦૦૫
  3. ‘કથા-સિધ્ધાંત’ – સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, પ્ર.આ. ૨૦૦૨
  4. 'દ્વિરેફનીવાતો : મનોવિશ્લેષણાત્મક અભિગમ’, આશકા પંડ્યા, પાર્શ્વ પ્રકાશન, ૨૦૧૮

આશકા પંડ્યા