Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓ’ : એક અધ્યયન

આમ જોઈએ તો વાર્તા કે નવલિકાની જન્મભૂમિ રશિયા છે અને ટૂંકી વાર્તાનો જનક ગોગોલ છે એવું માનવામાં આવે છે. આ ઉપરાંત એનાં જ સમવયસ્ક અમેરિકામાં જન્મેલા એડગર, એલનયો વગેરે એ પણ વાર્તા ક્ષેત્રે પોતાનુ આગવું પ્રદાન કર્યું છે. આ ઉપરાંત પછીથી યુરોપનાં બે ભિન્ન ભિન્ન દેશોમાં બે અતિ સમર્થ વાર્તાકારનો જન્મ થયો જેને આ સાહિત્ય સ્વરૂપને માન્ય સાહિત્ય સ્વરૂપ તરીકે પ્રસિદ્ધિ અપાવી અને આ બે વાર્તાકારો એટલે ફ્રેન્ચનાં વાર્તાકાર ગાય દ મોપાસા અને રશિયન વાર્તાકાર એન્ટન ચેખોવ. આ બન્ને વાર્તાકારો વાર્તા સ્વરૂપનાં પ્રણેતાઓ તરીકે ઓળખાય છે જ્યારે વાર્તા સ્વરૂપની વાત કરવામાં આવે છે ત્યારે આ બન્નેનાં નામ એક સાથે જ યાદ કરવામાં આવે છે. આ બન્ને સર્જકોએ અનેક અમર વાર્તાઓનું સર્જન કર્યું છે જે વિશ્વ સાહિત્યમાં પ્રસિદ્ધ છે.

બન્ને સાહિત્યકારોની દ્રષ્ટિ, શૈલી, રીતિ તથા અભિગમો વચ્ચે તફાવત જોવા મળે છે. મોપાસાની વાર્તાઓમાં ઋજુ લાગણીઓ માનવીય સહાનુભૂતિનું તત્વ ઓછું જોવા મળે છે. જ્યારે ચેખોવની વાર્તામાં લાગણીઓ માનવ કરુણા, માનવ સહાનુભૂતિ વગેરે અનુભૂતિઓ વધારે જોવાં મળે છે.

અહીં જયંત પાઠક અને રમણ પાઠક સંપાદિત અને અનુવાદ કરેલ કેટલીક ચેખોવની શ્રેષ્ઠ વાર્તા વિશે વાત કરવાની છે. ચેખોવ જ્યારે વાર્તા લખે છે ત્યારે કશાક પૂર્વ આયોજન વગર જ એ વાર્તા લખે છે. ચેખોવની વાર્તાઓ વિશે ગોર્કી લખે છે કે –
“સૌન્દર્યાન્વિત સાદગી એ (ચેખોવ) સાદાઈ, મૌલિકતા ને સચ્ચાઈનો ચાહક છે. સર્વ પ્રકારની ગ્રામ્ય ને ગંદી વસ્તુઓને ધિક્કારનાર એણે કવિની ઊમદા વાણીમાં ને હાસ્યકારનાં હળવા સ્મિતથી જીવનની બધી અભદ્રતાઓ આલેખી છે.”

ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓ પુસ્તકમાં કુલ 10 વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ‘ઈસ્ટરની રાતે’ મીઠડી કુતરાવાળી સ્ત્રી વાન્કા ગાનારી કાચંડો, અફસોસ !, સુખ, કારકુનનું મૃત્યુ’, છ નંબરનો વોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

‘ઈસ્ટરની રાતે’

‘ઈસ્ટરની રાતે’ વાર્તા એક સંવેદનશીલ લાગણીશીલ પુરુષ આયરોનિયમ અને નિકોલ વાત કરવામાં આવી છે. લાગણીહીન અહંભાવી અને અસંસ્કારી સાધુઓ વચ્ચે રહેતાં સંસ્કારી, સુકોમળ, લાગણીશીલ એવા કવિ હૃદય નિકોલાયની વાત છે જે પોતે એક સર્જક છે. લેખક છે પરંતુ તેનાં સર્જનો હંમેશા ઉપહાસને પાત્ર બની રહે છે. પરંતુ બીજો એક સાધુ આયરોનિમ જે લાગણીશીલ અને સંવેદનશીલ છે તે તેનાં સર્જનો વાંચે છે, સાંભળે છે અને સમજે છે. આયરોનિયમ નિકોલાનાં સાહિત્યને એની લાગણીઓને સમજી શકે છે. એટલાં માટે બન્ને ગાઢ મિત્રો છે. નિકોલાય પણ આયરોનિમને પોતાનુ સર્જન સંભળાવે છે અને એને જોઈને ખુશ થઈ જાય છે. જ્યારે આયરોનિમ પણ એના પ્રત્યે ગાઢ લાગણી ધરાવે છે. આયરોનિમ એક હોડી ચાલક છે. જે હોડીમાં માણસોને લાવવા લઈ જવાની ફરજ બનાવે છે. એક દિવસ ઈસ્ટરની રાતે તેને નિકોલાયનાં મૃત્યુનાં સમાચાર મળે છે. આ સમાચાર સાંભળી તેણે ખૂબ દુઃખ થાય છે. ઈસ્ટરની તે રાત્રે દરેક લોકો મંદિરમાં પ્રાર્થના કરવા માટે એકત્ર થાય છે. પરંતુ આયરોનિમને મંદિરમાં આવવાની છુટ મળતી નથી તે દુખી હૃદયે તેની ફરજ બજાવ્યે જાય છે. જ્યારે લેખક તેને પૂછે છે કે આયરોનિમ તું મંદિરે નહિ આવે ? ત્યારે તે જવાબ આપે છે કે – “હું કેવી રીતે આવું ? મારે હોડી ફેરવવાની છે.” (પે – 24)

આયરોનિમને પણ ઈસ્ટરની રાતે વ્યથિત હૃદયે દેવળમાં જવું છે પરંતુ તે પોતાની ફરજ છોડીને જઈ શકતો નથી તે એક લાગણીશીલ અને ભાવુક પુરુષ છે- દેવળમાં થતી મંત્રમુગ્ધ પ્રાર્થના સાંભળવા માટે એ તરસી રહે છે પરંતુ ફરજને કારણે એ દેવળમાં આવી શકતો નથી.

જ્યારે બીજી બાજુ એ જ રાતે સાધુઓ અને લોકો દેવળમાં મંત્રોચ્ચાર કરે છે પરંતુ ઊંડાણથી કોઈનાં હૃદયમાં લાગણીશીલતાનાં ભાવ જોવા મળતાં નથી. લેખકને એ વાતનું દુઃખ થાય છે કે આયરોનિમ જેવો વ્યથિત અને લાગણીશીલ માણસ જે ખરેખર દિલથી દેવળમાં આવવા માંગે છે તે આવી શક્યો નહી.

‘મીઠડી’

‘મીઠડી’ વાર્તા એક સીધી સાદી પ્રેમાળ સ્ત્રીની મનોદશાનું તાદ્દશ આલેખન કરતી વાર્તા છે. સ્ત્રી હૈયાની ગૂઢ લાગણીઓને વ્યક્ત કરતી આ વાર્તા સરળ અને પ્રશ્નો વગરની છે અને લાગણીસભર છે વાર્તાની નાયિકા ઓલેન્કાને હંમેશા કોઈ ગમતું પાત્ર જોઈતું પ્રેમ કર્યા વગર એ જીવી શકતી નહી. ઓલેન્કા મોટી થઈ ત્યાં સુધી પોતાનાં બાપુજીને ચાહતી હતી. પછી દર વર્ષે બ્રીઆન્સ્કથી આવતી પોતાની માસીબાને ચાહતી. શાળામાં જ્યારે ભણતી હતી ત્યારે એક ફ્રેન્ચ શિક્ષકને ચાહતી હતી. તે બહુ જ ભલી, કોમળ અને માયાળુ છોકરી હતી.

ઓલેન્કાને એનાં બાપુજીએ વીલમાં એક મકાન આપ્યું હતું તેમાં તે રહેતી હતી. ઓલેન્કાને કુકીન સાથે પ્રેમ થાય છે અને તે બન્ને લગ્ન કરી લે છે. લગ્નનો થોડો સમય ખૂબ જ આનંદમય વિતે છે. પરંતુ એક દિવસ તેનાં પતિ કુકીનનું મૃત્યુ થાય છે અને ઓલેન્કા શોકમાં ડૂબી જાય છે. એનાં જ શબ્દોના લેખક એનાં શોક નું વર્ણન કરતાં લખે છે કે
“મારા વ્હાલા વાનિત્ચકા, મારા પ્રાણ, મારા પ્રિયતમ, ! હું તને મળીશ શા માટે ? હું તારા પરિચયમાં શા માટે આવી ? હું તારા પ્રેમમાં શા માટે પડી ? આજે ગરીબ બિચારી ઓલેન્કા તારા વગર સુની પડી ગઈ છે. એનું હૈયું ભાંગી ગયું છે !” (પે- ૩૨)

પોતાનાં પતિ અને પ્રેમીને ખોઈ બેસવાનું દુઃખ વ્યકત કરતી ઓલેન્કા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.

ત્યારબાદ એકવાર પ્રાર્થનામાંથી પાછી ફરતી હતી ત્યારે તેનાં પડોશી પસ્તોવાલોફ સાથે ભેટો થાય છે અને ટૂંક સમયમાં તે તેની સાથે પ્રેમમાં પડે છે અને લગ્ન પણ કરે છે. પતિના સુખે સુખી અને પતિનાં દુખે દુઃખી એવું જીવન તે જીવવા માંડી તેનો પતિ કામ માટે બહાર જતો હતો તે તેને જરાઈ ગમતું નહી. તેની ગેરહાજરીમાં માંડ માંડ મન મનાવતી હાતી, તેમણે તેમનું પેટા મકાન સ્મિર્નિન નામનાં વ્યક્તિને ભાડે આપેલ હતું. જ્યારે પતિ બહાર કામ માટે જાય ત્યારે તે તેની સાથે પાના રમતો. જેથી તેનો સમય પસાર થઈ જતો હતો. સ્મિર્નિન ઢોરાનો ડોકટર હતો તે તેનાં ગૃહસ્થ જીવનની વાતો પણ આલેન્કોને કરતો હતો. તે પરણેલો હતો અને એક નાનો છોકરો પણ હતો પણ તેની પત્ની બેવફા નીકળી એટલે છુટ્ટા છેડા લીધા હતા. ઓલેન્કાને તેના પ્રત્યે હમદર્દી હતી.

એક દિવસ ફરી ઓલેન્કાની જિંદગીમાં તુફાન આવે છે. એનો બીજો પતિ પણ બિમારીમાં મૃત્યુ પામે છે અને ફરી તે એકલી પડી જાય છે. થોડા સમય પછી ફરી એનાં પડોશી સ્મિર્નિન સાથે પ્રેમમાં પડે છે પરંતુ એ સુખ પણ વધારે સમય ટકતું નથી એ પણ એને છોડીને ચાલ્યો જાય છે. એક દિવસ સ્મિર્નિન એની પત્ની અને બાળકને લઈને પાછો રહેવા આવે છે, ઓલેન્કા એના જ ઘરમાં એમને રાખે છે અને એના પુત્ર સાશેન્કા ને એક પુત્ર તરીકે પ્રેમ કરવા લાગે છે અને પોતાનો પુત્ર માનીને જ જીવન વ્યતિત કરે છે.

આમ અહીં એક લાગણીશીલ સ્ત્રીની વાત કરવામાં આવી છે.

‘કુતરાવાળી સ્ત્રી’ વાર્તામાં ચેખોવે સ્ત્રી-પુરુષનાં સંબંધો વિશેનાં સમાજના સનાતન પ્રશ્નને નવી જ રીતે રજૂ કર્યો છે. જીવનની વાસ્તવિકતા આ વાર્તામાં રજૂ કરવામાં આવી છે. લાંબા સમયના લગ્ન જીવન બાદ... પત્નીથી કંટાળેલો પતિ અને એનાં જીવનમાં આવતી અનેક સ્ત્રીઓ અને અંતે કુતરાવાળી સ્ત્રી સાથે બંધાતાં પ્રેમસંબંધો વિશે વાત કરવામાં આવી છે.... લગ્નેતર સંબંધો અને વાસ્તવિક જીવનની વાત અહીં કરવામાં આવી છે.

‘વાન્કા’ વાર્તા એક નવ વર્ષના નાનાં છોકરાની વાત છે. જેમાં વાન્કા ની ઉંમર શાળાએ જવાની છે, રમવાની છે અને ઊંમરમાં તે આલ્યાખીન મોચીનો નોકર બન્યો છે. તે ત્યાં વેઠ કરે છે. માલિક તેને કુતરાની જેમ માર મારે છે અને મજુરી કરાવે છે. વાન્કા તે પોતાનાં દાદાને ઉદ્દેશીને એક પત્ર લખે છે તેમના તે તેનાં બાલ્યકાળમાં ભોગવેલા સુખનું વર્ણન કરે છે અને સાથે સાથે વર્તમાનમાં તે કેવી અસહ્ય પરિસ્થિતિનો સામનો કરે છે તેના વિશે લખે છે એના જ શબ્દોમાં જોઈએ તો –
‘અને ગઈ કાલે મને એવો માર પડ્યો તો ! શેઠ મને વાળ પકડીને વાડામાં ઢસડી ગયો અને ઘોડાનાં પેંગડામાં પટ્ટે પટ્ટે મને માર્યો અને એનું કારણ એટલું જ કે છોકરાને હીંચોળતાં મને ઝોકું આવી ગયેલું !” (પે- 63)

આ વાર્તામાં વાન્કાની હૃદય દ્રાવક સ્થિતિનું આયોજન થયેલું જોવા મળે છે તે તેનાં દાદાને પત્ર લખી કહે છે કે મને અહીંથી લઈ જાઓ એ બદલામાં હું તમારી ખૂબ સેવા કરીશ.

‘ગાનારી’ વાર્તામાં એક પાશા નામની સ્ત્રીની વાત કરવામાં આવે છે. તેને ત્યાં અનેક પુરુષો આવે છે. એમાંથી એક નિકોલાય પેયોલિમ કોલ્પાફોફ પણ આવે છે. એકવાર તેણે ઓફિસનાં પૈસામાં ગોટાળો કર્યો અને એની પાછળ પોલીસ પડેલી હોય છે. એવામાં તેની પત્ની આ ગાનારી સ્ત્રી પાશા પાસે આવે છે અને કહે છે કે હું તારા અને મારા પતિના સંબંધો વિશે જાણું છું બોલ તે મારા પતિ પાસેથી કેટલાં પૈસા અને ભેટો લીધી છે ? મારા પતિ કેસમાં ફસાયા છે એણે તારા જેવી સ્ત્રી માટે ગોટાળો કર્યો છે. તું નવસો રૂબલ આપી દે એટલે એ છુટે...

પાશા આ વિષયમાં કશું જાણતી નથી અને કહે છે કે તમારા પતિ મારા માટે કશી ભેટો પણ લાવતા નહોતા કે મેં એમની પાસેથી પૈસા પણ લીધા નથી. તેમ છતાં નિકોલાયની પત્ની એને ઘણા બધા અપશબ્દો બોલે છે. તેનું અપમાન કરે છે. પાશા આવેશમાં આવીને એની પાસે જે હતું તે બધું આપી દે છે. નિકોલાય પત્નીનાં ગયા પછી રૂમની બહાર આવે છે. અને પસ્તાવો કરે છે કે મારી પત્ની એક સંસ્કારી સ્ત્રી તારા જેવી ગાનારી આગળ રડી? તારા પગે પડી ? છી.... એનાં જ શબ્દોમાં જોઈએ તો.
“ઓ ભગવાન એ એક ઉમદા સન્નારી કેટલી અભિમાની પવિત્ર... એવી સ્ત્રી આ બજારુ છોકરી આગળ ઘૂંટણીયે પડવા તૈયાર થઈ ! અને આખી દશા કરનાર હું જ ! મેં જ આ બધું કર્યું !” (પે – 72)

પ્રસ્તુત વાર્તામાં પુરુષનાં સ્વાર્થીપણાનો ઊલ્લેખ જોવા મળે છે. સ્ત્રી તો સ્ત્રી છે. જે સ્ત્રીનો એ પોતાનાં સ્વાર્થ માટે ઉપયોગ કરે છે અને અપવિત્ર અને બાજારુ કહી એનું અપમાન કરે છે અને તુચ્છ ગણે છે.

‘અફસોસ’ વાર્તા કારીગર વર્ગની દુર્દશા રજુ કરતી એક કરુણ વાર્તા છે. ટર્નર ગ્રિગર નામનો વ્યક્તિ આખી જિંદગી દારૂના નશામાં રહે છે. વ્યસનમાં પોતાનું જીવન કાઢે છે અને પત્નીને અંદરથી તો પ્રેમ કરે છે. પરંતુ જિંદગી આખી પત્ની સાથે લડવા ઝઘડવામાં કાઢી નાખે છે. એને માર પણ મારે છે. આ માણસને એવું શિક્ષણ જ નથી મળ્યું કે આનાથી વધારે સારું જીવન પણ જીવી શકાય. એ જે વાતાવરણમાં રહે છે એ વાતાવરણ પણ એને કશું જ શીખવી શકતું નથી. અંતે મરવા પડેલી પોતાની પત્ની જોઈને એનો આત્મા જાગ્રત થાય છે અને એને જીવનને બદલી નાખ્યું છે. ફરીથી જીવવું છે પરંતુ સમય ચાલ્યો ગયો હોય છે. એ ઘણો મોડો પડ્યો છે અને છેલ્લે મરતા મરતા એની સામે પાછો ક્રુરતાથી જુએ છે અને ક્રુર વાસ્તવિકતા રજુ કરે છે.

આમ આવી વાર્તાઓ દ્વારા ચેખોવને નિરાશાવાળી માની લેવાની જરૂર નથી પરંતુ વાસ્તવવાદી દ્રષ્ટિકોણ અહીં જોવા મળે છે.

સુખ નામની વાર્તામાં ચેખોવે માણસમાં ઐહિક સુખના પોકળ ખ્યાલોને ઊઘાડા પાડ્યા છે. ખૂબજ પૈસા કમાવવા, એશો આરામ કરવાં એ જ સાચુ સુખ નથી. આનું સુખ માત્ર સુખ જ બની રહે છે. મનની શાંતિ આપતું નથી... એ સુખની ભ્રમણા છે. માત્ર પોતાનું જ સુખ અને સગવડ શોધવાવાળો માણસ કદી સાચું સુખ મેળવી શકતો નથી. જે માણસ બીજાનું સુખ જોઈ શકતા નથી કે વિચારી શકતા નથી તેને ક્યારેય સાચુ સુખ પ્રાપ્ત થતું નથી એવો વિશાળ વિચાર આ વાર્તા દ્વારા રજૂ કરે છે.

આ ઉપરાંત સુપ્રસિદ્ધિ વાર્તા વોર્ડ નં.-6 જે વાર્તા વાંચીને લેનિન જેવો ક્રાંતિકાર ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો હતો એ લખે છે કે “ગઈ કાલે રાત્રે વાર્તા વાચવાની પૂરી કરી ત્યારે મને એટલો બધો ત્રાસ થયો કે હું મારા ઓરડામાં એકલો રહી શક્યો નહીં, હું ઊભો થઈને બહાર ચાલ્યો ગયો.” (પ્રસ્તાવના)

વોર્ડ નં.-6 વાર્તાનો નાયક રાગીન સંસ્કારી સેવાભાવી અને બુદ્ધિશાળી ડૉકટર છે એની નિમણૂક જે હોસ્પિટલમાં થઈ છે તે સુધારવાની તેની ઈચ્છા છે એ ગંદી હોસ્પિટલ છે. ઠેર ઠેર શારીરિક અને માનસિક એમ બન્ને પ્રકારની ગંદકી ત્યાં જોવા મળે છે. એની પહેલાંનો ડૉકટર ત્યાં જનાનખાનું રાખતો અને એમાં રખાતોની ભરતી નર્સોમાંથી અને સ્ત્રી દર્દીઓમાંથી કરતો... નવો આવેલ રાગીન આ બધું સુધારવા માંગતો હતો. પરંતુ તેનાથી કશું થઈ શકતું નહોતું તેથી તે નિરાશ થઈ થઈ જાય છે. રાગીન જીવનને ઊંડાણથી વિચારે છે તે પુસ્તકો વાંચી એની ચર્ચાઓ પણ ઊંડાણથી કરે છે પણ આ ગામમાં કોઈ આવી વાતો કરવા સાંભળવા નવરા નથી. આવી વાતોમાં રસ લેવા વાળો એક જ માણસ છે. ઈવાન એની દોસ્તી સારી છે પરંતુ ઈવાનને પાગલખાનામાં પુરવામાં આવ્યો છે. ડૉકટર અને દર્દી ઈવાનની દોસ્તી માણસોમાં કુતૂહલ જગાડે છે અને નિંદાનો વિષય પણ બને છે અને આખરે એ સકંજામાં ફસાય છે. ડૉકટરનો જ સહાયક એને પાગલખાનામાં પુરાવી દે છે અને ત્યાં ચોકીદાર નિકિતાનાં પ્રહારથી મૃત્યુ પામે છે. રાગીનાં જ શબ્દોમાં જોઈએ તો –
“જિંદગી એક કરુણ સકંજો છે કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયની થાય, ભાનપૂર્વક વિચાર કરતી થાય કે – તરત જ એને લાગે છે કે એ કોઈ સકંજામાં પુરાયો છે અને એમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી...”

આમ આ વાર્તામાં પણ જીવનની વાસ્તવિકતા અને કરુણતા રજૂ કરવામાં આવી છે.

ચેખોવે દરેક વાર્તામાં જીવનની વાસ્તવિકતાને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે તે સંવેદનશીલતા અને લાગણીઓને પણ નિરુપે છે. ચેખોવની એક આંખ જીવનની વાસ્તવિકતા ઉપર છે તો બીજી આંખ વાસ્તવિકતાને પેલે પાર રહેલા આદર્શ જીવન પર રશિયાની સમકાલિન સ્થિતિનું પણ એણે ખૂબ બાખૂબીથી આલેખન કર્યું છે.

સંદર્ભ :

  1. ચેખોવની શ્રેષ્ઠ વાર્તાઓ’ સંપાદક, અનુવાદક: જયંત પાઠક, રમણ પાઠક, અમદાવાદ: આદર્શ પ્રકાશન.

ડૉ. અરુણા યુ. મકવાણા, જામનગર. મો. 9426206664 ઇમેલ: ashamakvana9@gmail.com